Samarpan - 11 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 11


આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલની પાંચ દિવસની ગેરહાજરીથી રુચિ ચિંતામાં આવી ગઈ હતી. પરંતુ તેના વિશે કોને પૂછવું તે સમજાઈ રહ્યું નહોતું, નિખિલના જ એક મિત્રને તેં પૂછવા માટે ગઈ પરંતુ રુચિ કઈ પૂછે એ પહેલાં જ નિખિલના મિત્ર ઉમેશે જવાબ આપી દીધો કે નિખિલને અકસ્માત થયો છે. રુચિને વણપૂછેલા પ્રશ્નનો ઉત્તર મળતા આશ્ચર્ય પણ થયું, અને ઉમેશે સાંજે નિખિલના ઘરે જવા માટે સાથે આવવા પણ જણાવી દીધું. રુચિ પણ કાંઈ વિચારી શકી નહીં અને સાંજે ઉમેશ અને બીજા મિત્રો સાથે નિખિલના ઘરે જવા રવાના થઈ. નિખિલના ઘરે જતાં જ રુચીની સાથે કલ્પના બહારનું થવા લાગ્યું, નિખિલની મમ્મીએ રુચિને એક અલગ પ્રકારે મીઠો આવકાર આપ્યો, ઘરમાં પણ બીજા સભ્યો જાણે એને ઓળખતા હોય એ રીતે વર્તન કરવા લાગ્યા, રુચિને આ બધું નવાઈ ભર્યું લાગી રહ્યું હતું. નિખિલના રૂમમાં બેઠા ત્યારે પણ બધા મિત્રો મઝાકમાં જ રુચિ અને નિખિલને ચીડવવા લાગ્યા, આ બધું રુચિને વિચાર અને શરમમાં મૂકી દે તેવું હતું, નિખિલ પણ એની મઝા લઈ રહ્યો હતો. ઘરના બીજા સભ્યો અને નિખિલના મિત્રો નાસ્તો કરવાના બહાને રુચિ અને નિખિલને રૂમની અંદર એકલા મૂકીને બહાર ગયા. રુચિને પહેલા તો રૂમમાં નિખિલ સાથે એકલા હોવાના કારણે ગભરામણ થઈ પરંતુ પછી તેને અકસ્માત કેવી રીતે થયો એમ પૂછીને જ વાતની શરૂઆત કરી. નિખિલે પણ સામે આવતા બાઇક સાથે અકસ્માત થયાનું જણાવ્યું. ધીમે-ધીમે વાતો કરતા બંને વચ્ચે શબ્દોનો બાંધ તૂટ્યો અને વાતો થવા લાગી. નિખિલે રુચિને પ્રપોઝ પણ કરી લીધું પણ રુચિ શરમાઈને બસ નીચું જોઈ ઈશારાથી જ હા કહી, નિખિલ એને હાથ દબાવી પોતાની પાસે ખેંચતો હતો ત્યાં જ બા કોફી લઈને આવ્યા, નિખિલે રુચિના કપમાંથી એક ઘૂંટ કોફી પી અને રુચિને પીવા માટે આપી અને બન્ને જ જણ આજ રીતે એક-એક ઘૂંટ એક જ કપમાંથી ભરતા રહ્યા... હવે આગળ જોઈએ શું થયું....!!!

સમર્પણ -11

બારણે જોરદાર ટકોરાના અવાજ સાથે ઉમેશ, વિક્રમ, અનિલ રૂમમાં આવી ગયા.
ઉમેશ : ''શુ ભાઈ ? ઓલ ઓકે ને ?'' ( કહેતા જ આંખ મિચકારી અને વિક્રમ અને અનિલ એકબીજાને તાળી આપતા હસી પડ્યા.)
નિખિલે બેઠાં-બેઠાં જ ઉમેશને ઓશિકાનો છૂટો ઘા કર્યો.
અનિલ : ''બસ બસ હવે બેયને શરમાવો નહીં અને પાર્ટીની વ્યવસ્થા કરો. ત્યાં સુધી તો આ બંદા અહીંથી ખસવાના નથી'' (કહેતો બારી પાસેના બીન બેગ ઉપર બેસી ગયો.)
જયાબેન અને અવધેશભાઈ પણ રૂમમાં આવી ગયા.
જયાબેન : ''અરે, નાસ્તો તો કર્યો જ નહીં તમે, બીજું કાંઈ ખાવું હોય તો મોકલાવું ? ''
વિક્રમ : ''પેટ ભરીને જમ્યા લાગે છે આન્ટી...નિખિલનું ડાચુ તો જોવો... શુ બ્લશ કરે છે !!! બે-ચાર દિવસ સુધી એને જમવાની જરૂર પડે એમ લાગતું નથી હવે...''
જયાબેન ઘડીક નિખિલ સામે તો ઘડીક રુચિ સામે મલકાઈ રહ્યાં.
અનિલ : ''આન્ટી...તમારે રુચિને રોજ બોલાવી લેવાની, આપડો ભાઈ કોઈ દિવસ ખાવા નહીં માંગે...કેમ નિખિલ્યા ....સાચું કીધું ને ?''
નિખિલ : ''બસ હવે બહુ બોલ્યો તને મોડું થાય છે હવે જા તારા ઘેર..''
ઉમેશ : ''હા હા.. ચાલ અનિલ, રોજ અડધી રાત સુધી બેસાડી રાખતો આપણો દોસ્ત હવે બદલાઈ ગયો છે...ચાલ કાલથી તો યાદ પણ નહીં કરે..દોસ્ત દોસ્ત ના રહા....(ગીત ગણગણતો રૂમની બહાર નીકળવાનું ખોટું નાટક કરી લીધું).''
અવધેશભાઈ(એનો હાથ પકડીને રોકતા) : ''છોકરાઓ, એવું કાંઈ ના હોય એ બોલાવે કે ના બોલાવે તમારે આવી જવાનું...તમારુ જ ઘર છે...''
ઉમેશ : ''હા હો અંકલ, અમારે તો તમારી સાથે સંબંધ, (નિખિલ તરફ હાથ ચીંધતા)આને હવે અમારી જરૂર નથી રહી.''
બધા હસી-મજાક કરતાં નિખિલ અને રુચિ ને શરમાવી રહ્યા હતા.
જયાબેન : ''કોઈને ક્યાંય જવાનું નથી બધા હવે જમીને જ જજો.''
ઉમેશ : ''ના રે આન્ટી, હવે તો ઘરનો પ્રસંગ ગોઠવો ત્યારે જ જમીશું'' નિખિલ સામે આંખ મિચકારી.
ઉમેશ, અનિલ અને વિક્રમ બધાને જય શ્રી કૃષ્ણ કહેતા બહાર નીકળ્યા. રુચિ પણ જવા માટે ઉભી થઇ. જયા બેને હાથ પકડી એને બેસવા જણાવ્યું.
જયાબેન : ''બેટા, તું પહેલી વાર આવી છો, જમી ને જ જજે. એમ હોય તો તારા મમ્મીને પણ બોલાવી લઈએ.''
રુચિ : ''હું મમ્મી સાથે ફરી ક્યારેક આવીશ...''
જયાબેન : ''નિખિલ, આને સમજાવ, જમીને જાય.''
નિખિલ : ''મમ્મી, આજે રહેવા દે, ફરી બોલાવીશું સ્પેશિયલ જમવા માટે..''
જયાબેન : ''સારું તો નિખિલના પપ્પા તને મૂકી જશે. તું બેસ અને ઘરે ફોન કરી દે કે તું અહીંયા છે એટલે ચિંતા ના કરે.''
રુચિ : ''ના ના..હું આજે લેટ છું ફરીથી સમય લઈને આવીશ.''
નિખિલ : ''હા એ ફરી આવશે..ચાલ હું મૂકી જઉ...''
અવધેશભાઈ : ''બેટા, આજે હું મૂકી આવું છું, પછી રોજ તો તારે જ જવાનું છે.''
નિખિલ અને રુચિએ આંખોથી કંઈક આપ-લે કરી લીધી અને અવધેશભાઈ સાથે બહાર આવી કારમાં બેસી ગઈ.
અવધેશભાઈએ રુચિને પૂછવાજોગ બધું જ લગભગ પૂછી લીધું.
ઘરે આવીને રુચિએ ફરી રોજ જેટલી જ સહજીકતાથી દિશાને બધી જ વાત કરી.
દિશાએ આ વખતે વિચારવાનો થોડો સમય લીધો. તરત જ કોઈ જવાબ આપવાનો ટાળીને ફક્ત એક મીઠું સ્મિત આપી રુચિને પોતાની સાથે કામમાં વાળી લીધી. રુચિ થોડું સમજી શકી કે મમ્મી જવાબ આપવા માંગતી નથી. એટલે પોતે પણ એના માટે અધીરાઈ દાખવી નહીં.
બધું કામ પતાવી, બંને ચાલતા જ આંટો મારવા નીકળ્યા.
(રસ્તામાં) દિશા : ''બોલ હવે તું શું કહેતી હતી ?, નિખિલના ઘરે જઈ આવી એમને ?''
રુચિ : ''હા મમ્મી, પણ એ તો નિખિલને એક્સિડન્ટ થયો હતો એટલે...મને ખબર નહોતી કે એના ઘરે આ બધું થશે...સચ્ચું કહું છું...તને એમ લાગે છે કે હું ખોટું બોલું છું ?''
દિશા હજુ પણ કંઈક વિચારમાં જ ખોવાયેલી હતી.
રુચિ : ''મમ્મી, સચ્ચું કહું છું યાર, તને ખબર છે ને હું તારાથી ખોટું નથી બોલતી, સાચે મને કાંઈ ખબર નહોતી કે એના ઘરે બધા મને ઓળખતા હશે કે આવી રીતે મને ટ્રીટ કરશે..''
દિશા : ''અરે, હા મને ખબર છે બેટા, કે તું મારાથી ખોટું બોલતી નથી. પણ હું એમ વિચારું છું કે તું પહેલી જ વાર નિખિલના ઘરે ગઈ અને બધાએ તને એ પહેલેથી સ્વીકારી લીધી હોય એમ લાગ્યું.''
રુચિ : ''હા, મને પણ એ આશ્ચર્ય જ થયું, પણ એ વિશે હું કાંઇ જાણતી નથી.''
થોડી વાર ચૂપચાપ જ ચાલે રાખ્યું, બંને એ એક એક આઇસક્રીમ ખાધો.
દિશાને કાઈ બોલવાનું સૂઝતું નહોતું, અને રુચિ એને એના વિચારોમાં ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી.
બીજા દિવસે દિશાએ રુચિને ઘરે જ રહેવા કહ્યું, રુચિ એ પણ એની વાત ને તરત જ સંમતિ આપી, કેમ કે એ જાણતી હતી કે મમ્મી કોઈ દિવસ વગર વિચારે આવું કંઈજ કહે જ નહીં, અથવા કામ વગરની કોઈ રોકટોક પણ કરે નહીં.
દિશાએ આજે જમવાનું ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી લેવાનું નક્કી કર્યું હતું. બંને સવારનો ચા-નાસ્તો પતાવીને બેઠક રૂમમાં આવીને બેઠા. દિશા ગઈકાલે જે થઈ ગયું એમાં રુચિનું ભવિષ્ય જોઈ રહી હતી. એટલે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નહોતી. સોફા પર બંને જણા એક પગ ઉપર રાખીને સામ-સામે બેઠા.
દિશા : (રુચિના બંને હાથ પોતાના હાથમાં લીધા) : જો બેટા, એવું નથી કે હું આ બધાની વિરોધમાં છું, પરંતુ જે થઈ ગયું એને સમજી શકતી નથી. તમારી સાહજિક ઓળખાણથી કોઈ છોકરાના ઘરે છોકરી માટે જોયા કે મળ્યા વગર સંમતિ આપી દે એ જરાક અજુગતું લાગે છે. હું એમ નથી કહેતી કે તું ખોટી છું..પણ તારે આ રીતે એના ઘરે જવું યોગ્ય નહોતું એમ મને લાગે છે. તારે મને વાત કરવી જોઈતી હતી.''
રુચિ : ''પણ મમ્મી, તને કેટલીવાર કહું કે મને આ બધી કાઈ જ ખબર નહોતી. અને તને નહીં કહેવાનો મારો કોઈ ઈરાદો નહોતો. એ તો ઉમેશે કહ્યું એટલે એની સાથે જઈ આવી ત્યાં શુ થશે એ તો મને કેવી રીતે ખબર હોય ?''
દિશા : ''હા..તારી વાત સાચી કે તને ખબર નહોતી, પણ જે પ્રકારના સંબંધ તરફ તું આગળ વધી રહી છું એમાં તારે મને સાથે રાખવી જોઈએ એમ હું માનું છું. બધું જ ઠીક રહેશે તો મને નિખિલ માટે વાંધો ઉઠાવાનો કોઈ પ્રશ્ન જ નથી. અત્યાર સુધી તારા લગ્ન કે જીવનસાથીની વાતમાં હું તારી સાથે સાહજિક વર્તી શકી છું. પણ આ મુદ્દો ખરેખર સામે આવી જતાં, મને થોડો ડર લાગે છે..જે તું કદાચ નહીં સમજી શકે.''
રુચિ : '' મમ્મી હું સમજી નથી શકતી તો તું સમજાવ ને મને ? તું જાણે છે કે તું જે નિર્ણય લઈશ એનો હું વિરોધ નહીં કરું.''
દિશા : ''બેટા, મને ડર છે કે કદાચ જો હું આ સંબંધ માટે સંમતિ ના આપી શકી તો તારી નજરમાં હું ક્યાં અટકીશ ? તું વિશ્વાસ રાખજે તારી દરેક ખુશીમાં તારી સાથે છું. દુઃખમાં પણ તું મને જ પહેલો સાદ દઈ શકે છે. તું સમજણી થઈ ત્યારથી મેં એક મમ્મી કરતા વિશેષ તારી દોસ્ત થઈને રહેવાનું મેં પસંદ કર્યું છે. ટિપિકલ મમ્મીઓની જેમ વાતે-વાતે રોકટોક જ કર્યા કરવાને બદલે તને તારા દરેક નિર્ણય જાતે લેતાં શીખવ્યું છે. ઘરના કામ રોજ હું તારી પાસે કરાવતી નથી, પણ સમય આવે તું ઘર સાંભળી શકે એટલી સમજ મેં તને આપી છે.બહારના કામોમાં પણ તને મારી જરૂર પડે નહીં એમ તને તૈયાર કરી છે. એનો અર્થ એ નથી કે હું તારાથી છૂટી જવા માંગુ છું. પણ એનો અર્થ એ છે કે મારી દીકરી બને ત્યાં સુધી કોઈ કામમાં પાછી ના પડવી જોઈએ એમ ઈચ્છું છું.
રુચિ : ''હા, હું સમજુ છું, તું ક્યારેય મારુ ખોટું નહીં થવા દે.પણ અત્યારે આટલી બધી ચિંતા કેમ કરે છે તું? વિશ્વાસ રાખ મમ્મી, તું ના પાડીશ તો હું નિખિલ સાથે આગળ નહીં વધુ...''
દિશા : ''બેટા, હું એમ નથી કહેતી કે તું આગળ ના વધ, પણ કાલે જે ઉતાવળે થઈ ગયું એ મને મનમાં ડંખી રહ્યું છે, નિખિલના ઘરમાં જો બધી વાતની ખબર હોય તો એમણે તને સ્વીકારતાં પહેલા મારી સાથે વાત કરવી જોઈએ.''
વધુ આવતાં અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED