Samarpan - 10 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 10


આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિયાના રડવાનું કારણ સાવ નજીવું હતું, અનિલ અને પ્રિયાની સગાઈ થઈ ગઈ હતી અને બંને વચ્ચે અબોલા હોવાનું સામે આવ્યું. પરંતુ આ દરમિયાન નિખલે કરેલા વર્તનના કારણે રુચિની નજરમાં નિખિલ એક પગથિયું ઉપર આવી ગયો. જમતી વખતે નિખિલે જ્યારે ડિશની અંદર થોડો એંઠવાડ મુક્યો ત્યારે રુચિએ જે શિખામણ તેની મમ્મીએ આપી હતી એજ નિખિલને પણ સંભળાવી દીધી. નિખિલને શિખામણ આપતા જોઈને બીજા લોકોએ પણ ડિશમાંથી ચૂપચાપ બધું પૂરું કરી દીધું. ઘરે આવીને રુચિએ તેની મમ્મી દિશાને પ્રવાસની આખી ઘટના જણાવી, દિશાએ એની બધી જ વાત મિત્રની જેમ સાંભળી "નિખિલ તને પસંદ કરતો હશે." એમ પણ જણાવી દીધું અને સાથે એક માતા તરીકેની જવાબદારી નિભાવી શિખામણનું ભાથું પણ બંધાવ્યું. દિશા પણ હવે નવા મોબાઈલ અને પોતાના હૈયાના ઉમળકાને ઠાલવી શકાય એવી સાહિત્યની એપ્લિકેશનમાં બરાબર ગોઠવાવા લાગી હતી. નિખિલ અને રુચિ વચ્ચે કોલેજમાં સંતાકુકડીની રમત હજુ ચાલું જ હતી. અચાનક નિખિલ પાંચ દિવસ સુધી સતત કોલેજમાં ના દેખાતા રુચીને ચિંતા થવા લાગી... હવે આગળ શું થયું જોઈએ !!!

સમર્પણ -10

નિખિલની ગેરહાજરી હવે અસહ્ય રીતે ખટકી રહી હતી. પાંચ દિવસ થવા આવ્યા હતા. નિખિલ કોલેજ આવી રહ્યો ન હતો.
રુચિને ઉમેશ યાદ આવી ગયો. ઉમેશને કેન્ટીનમાં જોતા જ એણે એણે બૂમ પાડી. ( પિકનિકવાળા લગભગ બધા જ આ ટોમ એન્ડ જેરીની સંતાકુકડીની વાત જાણતાં હતાં. )
રુચિ : ''હેય, ઉમેશ...''
ઉમેશ : ''હાય, રુચિ...હાઉ આર યુ ??''
રુચિ : ''ફાઇન, અ... મારે તને એક વાત પૂછવી છે...''(નીચું જોઈ ગઈ)
ઉમેશ : ( મલકાઈને ) ''નિખિલને એક્સિડન્ટ થયો છે... અઠવાડિયું થશે... આવી જશે...''
રુચિ : ( આશ્ચર્યથી એની આંખો પહોળી થઇ ગઇ અને મોઢું પણ ખુલ્લું રહી ગયું ) ''ત...તને કેવી રીતે....''
ઉમેશ : ''નિખિલે મને પહેલા જ દિવસે અમારા મિત્ર વર્તુળમાં ફોન કરીને કીધું હતું કે તું આવે અને પૂછે ત્યારે અમારે આ જવાબ આપવો.''
રુચિ : ''એને કેવી રીતે ખબર કે હું પૂછીશ જ ?''
ઉમેશ : ''એ.....યા....ર....., એ બધું હવે તું એને જ પૂછી લેજે. કોલેજ પછી રેડી રે'જે હું જવાનો છું એને મળવા. રુચિના જવાબની રાહ જોયા વગર સાથે આવેલા મિત્રોમાં ખોવાઈ ગયો.''
રુચિ જવાબ આપી શકી નહીં.. ઉમેશ ત્યાં એને સાંભળવા હાજર પણ નહોતો છતાં યંત્રવત ડોકું હલાવી હા પાડી. નિખિલને મળવા જવાનો વિચાર એને અંદરથી હલબલાવી ગયો.
કોલેજ પછી ઉમેશ, વિક્રમ અને અનિલ પોત-પોતાના બાઇક ઉપર રુચિના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. રુચિએ,''નિખિલને શુ થયું હશે ?''ટેંશનમાં છેલ્લો કલાસ પણ ભર્યો નહોતો છતાં એ પોતાની અધીરાઈ નિખિલના મિત્રોને જણાવા દેવા માંગતી ન હતી. કોલેજની લાઇબ્રેરીથી કોલેજના દરવાજા સુધી લગભગ દોડતી આવી અને દૂરથી ઉમેશને જોઈ, દોડવાથી ચડેલી હાંફને પરાણે કંટ્રોલ કરતી ધીમી ગતિએ આવી પહોંચી. ચૂપચાપ ઉમેશ પાછળ બાઇક ઉપર બેસી ગઈ.
નિખિલના ઘરનો દરવાજો ખોલતાં જ એક બહેને સરસ આવકાર આપ્યો, ''આવ, રુચિ કેમ છે તું ?''
રુચિ એક પછી એક આશ્ચર્યનો સામનો કરી રહી હતી. હળવા સ્મિત સાથે, ''મજામાં'' (આવકાર આપનાર કોણ છે એ પણ જાણતી નહોતી અને કોઈ પૂછે તો સામે વિવેક કેમ કરવો એ પણ એ ભૂલી ગઈ.)
ઉમેશ અને બીજા મિત્રો કદાચ રોજ આવતાં હતાં એટલે એમને આવકારની જરૂર નહોતી. રુચિ પહેલા, એ બધા નિખિલ પાસે પહોંચી ગયા.
રુચિને શું અને કેવું વર્તન કરવું એ સમજમાં આવી રહ્યું નહોતું છતાં થોડી શરમ સાથે બીજા મિત્રોને અનુસરી. નિખિલ પોતાના વિશાળ બેડરૂમમાં છ બાય છ ના પલંગ ઉપર આરામ ફરમાવી રહ્યો હતો. રુચિ રૂમમાં પ્રવેશી. નિખિલ બસ એને જ જોઈ રહ્યો.
રૂમમાં આવતા જ જેમણે એને આવકાર આપ્યો હતો એ બહેન પણ એની સાથે જ રૂમમાં આવી ગયા, ''બેસ રુચિ, હું બધાની ઓળખાણ કરાવું. આ છે નિખિલના પપ્પા, આ અમારા ઘરના મહારાજ, આમને આયા તો ના જ કહેવાય એટલે એ છે નિખિલના બા અને હું છું નિખિલની મમ્મી.'' ઉમેશ અને બીજા મિત્રો તરફ નજર નાખતા, ''આ બધાને તો તું ઓળખે જ છે !!!''
ઉમેશ : ''શુ વાત કરો છો....આંટી.. આ ક્યાં અમને ઓળખે છે ? આતો નિખિલના લીધે અમારી સાથે વાત કરી બાકી જેવા નાના માણસો સાથે આ વાત પણ ના કરે...'' બધાએ એની ટીખળની ભરપૂર મજા લીધી. નિખિલને પણ આ રીતે રુચિને શરમાતા જોઈ રહેવાની મજા પડી રહી હતી.
રુચિ બધા સામે નજર બચાવતી થોડી-થોડી વારે નિખિલ સામું જોઈ રહી હતી.
જયાબેન (નિખિલના મમ્મી ) : ''ચાલો છોકરાઓ, આપણે કંઈક નાસ્તા-પાણી કરીએ. અને હા...રુચિ તમારા બંનેનો નાસ્તો અહીં જ મોકલાવું છું.'' કહી રસોડા તરફ ગયા. એમની પાછળ જ મહારાજ અને નિખિલના પપ્પા ( અવધેશભાઈ) પણ રૂમની બહાર આવી ગયા.
અનિલ : (રુચિને) ''બરાબર જમાડજે હો....આ પાંચ દિવસ તે પુછયુ કે નહીં એ પૂછી પૂછીને અમારો જીવ લઇ લીધો'તો.... ના પોતે ખાય ને ના અમને ખાવા દે !!!''
ઉમેશ : ( નિખિલને )અને ઓય, ટોમ....તારી જેરી ને હવે તું જ સાચવી લેજે અમે વારે ઘડીએ નવરાં નથી હો તમારા માટે....''
નિખિલ અને રુચિ સિવાય બધા જ એમની આ પરિસ્થિતિનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા હતા. બધાના બહાર ગયા પછી બા પણ રુચિના માથે આશીર્વાદ સમો હાથ મૂકી ધીમે ડગલે હરખાતાં-મલકાતાં બહાર આવી ગયા.
રુચિ આ બધી જ પરિસ્થિતિ સમજી શકી હતી. હવે રૂમમાં એકલા હોવાથી એની ગભરામણ વધી રહી હતી. ભારોભાર ઇગોને સાઈડમાં મૂકી પહેલ કરવી સહેલી તો નહોતી જ. નિખિલે મનોમન રુચિને જ પહેલ કરવા દેવાનું નક્કી કરી લીધું હતું એટલે ચૂપચાપ એના બોલવાની રાહ જોઈ રહ્યો હતો.
થોડીવાર સુધીના બંનેના મૌનને તોડવા માનસિક હિંમત એકઠી કરીને શબ્દો ગોઠવી રુચિએ શરૂઆત કરી.'' આ... તમને..શુ થયું ?''
નિખિલ : ''વાહ, નસીબ ખુલી ગયા મારા તો, આટલી બધી રિસ્પેક્ટ ? એ પણ મને ? ''
રુચિ ફરી ચમકી , '' હા...એટલે...શું થયું તને એમ પૂછું છું...''
નિખિલ : (આળસ મરડતો)''એ...તો છે...ને....તું ખબર પૂછવા આવે ને એટલે આ નાટક કરું છું..બાકી આપડે તો ઘોડા જેવા''
રુચિ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ એની સામે જોઈ રહી.
નિખિલ : ''સામેથી આવતા બાઇક સાથે અથડાવાનું મન થયું એટલે અથડાઈ ગયો..આમ તો તું સામેથી આવવાની હતી જ નહીં ને..!!!''
ગોઠવેલા જવાબો સામે ના સવાલો ફેરવાઈ જતા હોવાથી રુચિ ફરી મુંજાઈ. નિખિલે હવે એની મૂંઝવણ સમજી જતા પરિસ્થિતિને સામાન્ય કરવા પ્રયત્ન કર્યો.
નિખિલ : ''મને સારું છે. માઈનર એક્સિડન્ટ હતો પણ આ મમ્મી સમજતી જ નથી કે અઠવાડિયાના આરામ પછી જ બહાર જવાનું છે એમ કહે છે. હું કંઈ નાનો કિકલો છું ???''
રુચિ : (થોડી હળવી થતાં ) ''તો ધ્યાન રખાય ને... સામે જોઇને બાઇક ચલાવાય.''
નિખિલ : ''હા પણ કોઈની નજરો મને બીજા કોઈ સામે જોવા જ નથી દેતી''.
રુચિ : (પરાણે થોડી ગંભીરતા લાવીને ) ''સોરી..મારા લીધે...''
નિખિલ : ''લે, તારા લીધે નહીં હવે, ઓલી શિલ્પા છે ને...''
ફરી રુચિના હાવભાવ બદલાયા.
નિખિલ : ( હસી પડતાં ) ''ઓય, તને ખબર તો છે હું તારા સિવાય કોઈ સામે જોતો પણ નથી.''
રુચિએ હળવા સ્મિત સાથે એની સામે આંખો ઝીણી કરી.
નિખિલ પલંગ ઉપર બેઠો થયો. રુચિ પાસે જ રાખેલી ખુરશી ઉપર બેઠી હતી. થોડો હાથ લંબાવી એણે રુચિને હાથ પકડી પાસે બેસવા હળવેકથી ખેંચી. એ પણ યંત્રવત નિખિલની જોડે પલંગ પર બેસી ગઈ.
નિખિલ : ''આઈ લવ યુ..''
રુચિના આખા શરીરમાંથી એક વીજળી પસાર થઈ ગઈ, ''હ..?''
નિખિલ : ''અરે તને નહીં... ઓલી શિલ્પાને...''
બંને જણા હસી પડ્યા. નિખિલે હજુ એનો હાથ છોડ્યો નહોતો. રુચિએ પણ હાથ છોડાવવા પ્રયત્ન કર્યો નહીં..''
નિખિલ : ''યુ લવ મી ?''
રુચિએ શરમાળ સ્મિત સાથે નજર નીચી કરીને બોલ્યા વગર જ સ્વીકૃતિ આપી.
નિખિલે એનો હાથ વધારે દબાવ્યો અને હજુ પાસે ખેંચી. ત્યાં જ બા કોફી અને નાસ્તો લઇને આવી ગયા. રુચિ સરકીને થોડી દૂર બેસી ગઈ.
કોફી અને નાસ્તો ટેબલ પર મૂકીને, બા બંનેને સાથે જોઈ આંખોથી જાણે કે તૃપ્ત થતાં, બારણું બંધ કરી ફરી રૂમની બહાર નીકળી ગયા.
રુચિએ ઉભા થઈને બંને કપ હાથમાં લઈ એક કપ નિખિલને આપ્યો. બિસ્કિટની પ્લેટ નિખિલ પાસે મૂકી. પોતાના કપમાંથી એક ઘૂંટ ભરી ફરી પોતાની જગ્યાએ બેઠી. નિખિલ રુચિને જ જોઈ રહ્યો હતો. એણે પોતાનો કપ રુચિને પાછો આપીને ટેબલ પર મુકવા ઈશારો કર્યો. રુચિએ આશ્ચર્ય સાથે નિખિલના ઈશારા મુજબ કર્યું. આગળ કાઈ સમજે એ પહેલાં નિખિલે રુચિના હાથમાંથી એનો કોફીનો કપ લઇ ઘુંટ ભરી લીધો, અને ફરી એ કપ રુચિ તરફ લંબાવ્યો. રુચિને આખી વાત સમજાઈ જતાં ફરી એના હાથમાંથી કપ લઇ પોતે ઘૂંટ ભર્યો. કોઈ પણ શબ્દની આપ-લે વગર ફક્ત આંખોની મસ્તી કરતાં-કરતાં એક પછી એક બંને કપ એમણે એમજ પુરા કર્યા.
વધુ આવતાં અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED