સમર્પણ - 7 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 7

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાની મનોસ્થિતિ જાણવાંના પ્રયાસમાં રુચિ, ઘણે અંશે સફળ રહી હતી. ફક્ત એકબીજાને માટે ફાળવેલાં ઉપરા-ઉપરી બે દિવસના અંતે, દિશા પણ માનસિક સ્વસ્થ થઈ શકી હતી. ભણતર અને ઇતર પ્રવૃત્તિઓમાં, પપ્પાનો વારસો ઉતર્યો હોવાથી, રુચિ પણ કોલેજની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતી. ભારતી, નિખિલ અને રુચિ ત્રણેય વચ્ચે ''લવ મેરેજ'', ''એરેન્જમેરેજ'' અને ''લિવ ઇન રિલેશનશિપ'' ના વિષય ઉપર એક ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભારતી અને રુચિને હરાવીને નિખિલ જીતનો હકદાર બન્યો હતો. પોતાના વિષયનો જોઈતો પક્ષ ના લઇ શકી હોવાથી રુચિ ઉદાસ થઈ ગઈ હતી. ઘરે દિશાએ એને જોતાં જ પરિસ્થિતિનો તાળો મેળવી લીધો અને નિખિલ કે એના વિષય ઉપર ગુસ્સે થવાને બદલે વાસ્તવિકતા સ્વીકારી દરેક વિષયનો આદર કરી એમાંથી પોઝિટિવ અને નેગેટિવ વિચારોને શોધી કાઢવા સમજાવ્યું. રુચિ હંમેશ મુજબ મમ્મીની સમજણ શક્તિને વખાણતી ફરી મૂડ હળવો કરી, દિશાને વળગી પડી.

સમર્પણ...7

આવતી કાલે દિશાનો જન્મ દિવસ હતો. એને શુ ગિફ્ટ આપવી એના વિચારોમાં જ રુચિને નીંદર આવી ગઈ.
આજના દિવસને કંઈક ખાસ બનાવવા રુચિ પાંચ વાગે જ ઉઠી ગઈ, એને ચા બનાવતા બરાબર આવડતી નહોતી છતાં, સાડા પાંચે, ચા ના કપ સાથે મમ્મીને ઉઠાડવા પહોંચી ગઈ.
દિશાએ ખુલ્લી આંખનું આ સપનું ખંખેરવા મહેનત તો કરી, પણ હકીકત જણાતાં રુચિની શુભેચ્છાઓ સાથે એને પણ પાસે ખેંચી રીતેષને ફરી યાદ કરી લીધો.
''રીતેષે એના દરેક જન્મ દિવસે એક અનોખી યાદગાર ક્ષણ ભેટ સ્વરૂપે આપી હતી. લગ્ન પછીના પહેલા જન્મ દિવસે રીતેષે દિશાના ઉઠવા પહેલા જ એના મનગમતા મોગરાના ફૂલો આખા રૂમમાં વેરી દીધા હતા. એના ઉપર બંનેના પ્રેમ સમી ગુલાબની પાંખડીઓ છુટ્ટી-છુટ્ટી ઉડાડી હતી. અને એક ફોન કોલના પરિણામ સ્વરૂપ દિશાના મમ્મી-પપ્પા, ચા-નાસ્તા સાથે હાજર થઈ ગયા હતા. (દિશાને ખબર વગર આગલા દિવસે બધું પ્લાનિંગ કરી લીધું હતું.)
સાસુ-સસરાએ પણ દિશાને ગમતી ચાંદીની ઘૂઘરીઓ વાળું ચાવીનું ઝૂમખું આપી દિશાને ખરાં અર્થમાં ઘરની બધી જ જવાબદારી સોંપી હતી.''
રુચિ : ''મમ્મી આજ તો તું બોલ... હું એવું શું કરું કે તું ક્યારેય ન ભૂલી શકે ? તારે શુ ખાવું છે ? તારે ક્યાં બહાર જવું છે ?''
દિશા : ''આજ તો તું કહે એમ જ કરવું છે, બસ. તારી સાથે જ તને ગમતી રીતે જ, હવે બધીજ ક્ષણો જીવી લેવી છે.''
રુચિ : ''યાર, તું ક્યારેક તો મમ્મીવેડા છોડ તારા, હવે તો તું મને તારી ફ્રેન્ડ માને છે ને ? બોલ ને કેવી રીતે સેલિબ્રેટ કરીશું આજે ?''
દિશા : ''તું જ પ્લાનિંગ કર, મને હવે આવું બધું ના સુજે.''
રુચિ : (કંઈક વિચારીને) ''સારું ચાલ, હું કપડાં કાઢી આપું તું રેડી થઈ જા.''
દિશા : ''હા, પણ એ તો કહે જઈશું ક્યાં ?''
રુચિ : ''એ તારે નઇ જોવાનું, પહેલા તો આજે આપણે એક મોબાઈલ લેવા જવાનું છે. પછીની વાત પછી.''
દિશા : '' પણ શું કામ ? મારે તો જરૂર નથી, અને તે પણ ગયા વર્ષે જ લીધો છે.. શુ કામ ખોટા ખર્ચા કરવાના ?, બીજું કાંઈક બોલ, તને શું જોઈએ છે ?''
રુચિ : ''તું મારાથી આગળ ક્યારે વિચારીશ, યાર ?, મોબાઈલ તારા માટે લેવાનો છે, અને કોઈ આનાકાની ના જોઈએ મને, તે જ કીધું છે હું કહું એમ કરવાનું છે, તો ચાલો તૈયાર થઈ જાઓ ફટાફટ..''(મમ્મીની મમ્મી બનીને ઓર્ડર કરતી હતી.)
બંને જણાં તૈયાર થઈને મોબાઈલ શોપ પર આવી ગયા. દિશાની ઘણી જ આનાકાની કરવા છતાં રુચિએ એની જીદ પુરી કરી, એક એન્ડ્રોઇડ મોબાઈલ લેવડાવ્યો.
ઘેર આવીને મોબાઈલ ચાલુ કરી એમાં ઇન્ટરનેટની સુવિધાના ફાયદા બતાવતા રુચિએ સીમકાર્ડ બદલવાની વિધિ પુરી કરી દિશાને મોબાઈલ ચાલુ કરી આપ્યો. અને એક મસ્ત મજાની સેલ્ફી લીધી.
દિશા : ''હું આ મોબાઈલનું શુ કરીશ ? તારી જેમ આખો દિવસ શુ હું ફોટા પડવાની હતી ? એકલી એકલી ? તને તો ખબર છે ને, કે મને આ સોશિઅલ મીડિયા પર જરાય ભરોસો નથી, અને મને ગમતું પણ નથી. શીખવામાં તો હું પણ હમણાં જ બધુ શીખી જાઉં, પણ તારા માટે નો સમય હું ખોટો એમાં બગાડવા નથી માંગતી. કિપેડવાળા ફોનથી પણ કામ ચાલતું જ હોય,ત્યાં આની ક્યાં જરૂર હતી ? આવડો મોટો ફોન મારે સંભાળવો કેમનો ? ''
રુચિ : '' એ...તું વાપરતી નથી એટલે એવું લાગે, મેં તને ખાલી ફોટા પાડવા નથી લેવડાવ્યો આ... સાચું કહું ? તારા જન્મદિવસ માટે કંઈક નવું પ્લાન કરવા માટે થોડા દિવસ પહેલા તારા કબાટમાં હું તારી જૂની યાદો શોધતી'તી, ત્યારે મને એક ડાયરી મળી જેમાં ઘણું બધું લખેલું હતું. તે મને બહુ પહેલા બતાવ્યું હતું, પણ મને યાદ નહોતું. એમાંથી એક આઈડિયા મળ્યો. મારા ફ્રેન્ડ્સને પૂછીને એક એપ્લિકેશન શોધી છે. જેમાં તું આ તારા વિચારો મૂકી શકે.''
દિશા : ''રુચિ, તને લાગે છે ? કે હું આવુ બધું કરી શકું ? ડાયરીમાં જે-તે સમયે લખ્યું એ અલગ વાત છે, અને આ ઓનલાઈન લખવું અલગ વાત છે. તું રહેવા જ દેજે, આવું બધું ખતરનાક ના વિચારીશ.''
રુચિ : ''પણ તને વાંધો શુ છે ? એ તારો શોખ છે, ડાયરીમાં લખતી'તી એમ આમાં લખ. લોકો વાંચી શકશે, અને તને પણ મજા આવશે નવું-નવું લખવાની-વાંચવાની. તારે લાઈબ્રેરી પણ નહીં જવું પડે.''
દિશા : ''મહેરબાની કર ને રુચિ, હું આ નથી કરવાની, મારી પાસે આવો ફાલતુ ટાઈમ નથી. અને આપણાં કુટુંબમાં બધા શું સમજશે ? લોકો શુ કહેશે ? આ ઉંમરે ઓનલાઈનનો ચસ્કો લાગ્યો ? ના હો જરાય નહીં, તું બીજું જે કહે તે, બાકી આ વસ્તુ તો નહીં જ.''
બધી દલીલો પડતી મૂકીને રુચિએ આજે જ લીધેલાં નવા મોબાઈલમાંથી ઈન્ટરનેટ પર શોધીને ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાંની રેસિપી બતાવી, બંનેએ સાથે બનાવીને જમી લીધું.
રુચિ : '' જોયું, કેટલું કામ લાગે આ નેટ ?, તું એક વાર મારી વાત માની તો જો, ના જ ગમે તો ના કરતી, સિમ્પલ... ટ્રાય તો કરી જ શકાય ને ?'' (ઉદાસ થઈ ગઈ)
દિશા : ''સારું ચલ, તારી વાત માનું છું, પણ યાદ રાખજે...જો ના ગમ્યું મને, તો તારે જીદ નહીં કરવાની.''
રુચિ : (ખુશીથી ઉછળી પડી ) ''ડન... મમ્મી, હું એકાઉન્ટ બનાવું છું.''
રુચિએ મોબાઈલના પ્લેયસ્ટોરમાં જઈ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી. ''અભિવ્યક્તિ'' નામની એ એપ્લિકેશનમાં દિશાનું એકાઉન્ટ બનાવ્યું. ફોટાની જગ્યાએ નાનકડું ગુલાબી ફૂલ મૂક્યું. દિશા, ઓળખ છતી થઈ જવાની બીકમાં લખશે નહીં એ વિચારે, રુચિએ એમાં નામની જગ્યાએ લખ્યું, ''Breath''.
હવે વારો હતો એમાં કંઈક લખવાનો. દિશાની જૂની ડાયરીમાંથી રુચિએ સરસ મજાની પંક્તિઓ શોધી કાઢી...
''સુરજ ને કહું, ''આજે મોડા તું આવજે,
ખોલું હું આંખ ત્યાં પહેલું વધાવજે.''
જોયા છે સપના મેં શીતળ સથવારના,
તડકાને કહેજે ''જરા મિજાજ ઠંડો રાખજે''
ગુંજે અવાજ એનો, લય છે હજુ કાન માં,
પંખીને કહેજે, ''આજ મોઢું બંધ રાખજે.''
સ્પર્શ છે હજુ એનો કાનની એ લટમાં,
વાયરાને કહેજે, ''આજ ધીમે હંકારજે.''
ભળી છે સુગંધ મીઠી, એના તનની આ શ્વાસમાં,
ફૂલોને કહેજે, ''આજ ઓછું મહેકાવજે.''
રંગ ચડ્યો છે મને તારા જ નામનો,
આ સપનાને હકીકતમાં વહેલું બદલાવજે''
દિશા : ''અરે, આવું તો કાંઇ મુકાતું હશે?, લોકો કેવું કહેશે ? મારે નથી મૂકવું, તું જીદ ના કર આ વાતમાં, અમુક ઉંમરે આ બધું ના શોભે, તું સમજતી કેમ નથી ?''
રુચિ : '' આ તે જ લખેલું છે ને ? અને લાગણીમાં કોઈ ઉંમર ના હોય, આ ફક્ત મનના વિચારો હોય, જેને તું અનુભવે છે અથવા તો અનુભવેલા છે. અહીં તો લોકો બીજાનું લખેલું પણ કોપી કરતા હોય છે, અને આ તો તારું પોતાનું જ લખાણ છે ને ? તને લોકોની પડી હોય, તો કહી દઉં કે જરૂર નહોતી જ છતાં મેં તારું નામ આમાં ''breath'' લખ્યું છે, તો કોઈ તને ઓળખવાનું નથી.''
દિશા : ''Breath ? કેમ ?''
રુચિ : (ઉભી થઈને દિશાના પાછળથી ખભા ઉપરથી ગળે બંને હાથ વીંટાળી, થોડી નજીક આવીને ધીમેથી દિશાના કાનમાં) ''Breath'' એટલે તારા અટવાઈ રહેલા શ્વાસમાં મારે ઓક્સિજન ભરવાનું છે હવે, સંબંધમાં તું ભલે મારી મમ્મી છે, પણ સમયે-સમયે જવાબદારી નિભાવવાનો વારો હવે મારો પણ છે.
દિશાએ એનો હાથ ખેંચી ઝળઝળિયાં સાથે એને મૂક આશીર્વાદ આપીને મનોમન આવી દીકરી મળવા બદલ પોતાને ધન્ય અનુભવી રહી.
રુચિએ એ લખાણને પોસ્ટ કરી દીધું. દિશાને કારણ વગર જ ગભરામણ થવા લાગી હતી.
રૂચિ : ''જો મમ્મી, બેજ મિનિટમાં ત્રણ લાઈક આવી ગઈ, હજુ આગળ-આગળ જોજે શુ થાય છે ?''
દિશાને થોડી શાંતિ મળી, ''હા..શ, ત્રણ જણે તો ગમાડયું.''
ઓનલાઈન મુકેલી પંક્તિઓને યાદ કરતાં જ ફરી રીતેષનો ચહેરો આંખ સામે આવી ગયો. લખવા-વાંચવાનું દિશાને પહેલેથી ખૂબ ગમતું. જ્યાં પણ સારી પંક્તિઓ દેખાતી કે સાંભળતી, એ તરત જ પોતાની ડાયરીમાં ટાંકી લેતી. ક્યારેક એમાં કંઈક નવું ઉમેરતી, તો ક્યારેક પોતાની કલ્પના પ્રમાણે સુધારીને લખતી. આ પંક્તિઓ એણે ત્યારે લખી હતી, જ્યારે પ્રેમ પ્રસ્તાવ પછી રીતેષના હાથનો પહેલો સ્પર્શ એણે માણ્યો હતો.
રુચિએ બે-ત્રણ વધુ પંક્તિઓ દિશા પાસે ઓનલાઈન મુકાવડાવી અને એના માટેનું જરૂરી બધું શીખવી દીધું.
સાંજે મોટી કેક લાવીને રુચિએ નવા મોબાઈલમાં ખૂબ બધી સેલ્ફીઓ લીધી. આજુ-બાજુમાં રહેતા નાના-નાના ભૂલકાંઓને બોલાવી જન્મદિનની ઉજવણી કરી. બહારથી મંગાવેલા ભાજીપાવ, પુલાવ, આઈસ્ક્રીમ વગેરેની નાનકડી પાર્ટી આયોજી હતી. રુચિએ ફિલ્મી ગીતો વગાડીને ટેંણીયાઓને ખૂબ નચાવ્યા અને ઘણાંબધા ફોટા પડ્યા. રુચિ અને દિશા પણ હંમેશની મુજબ એ બાળપણમાં ભળી ગયા હતા. રાત્રે બંને જણાએ ફૂટપાથ પર જીવન વ્યતીત કરતાં પરિવારોને દર વર્ષની જેમ જ ચોક્કસ રીતે તૈયાર કરાવેલી ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કર્યું. ખૂબ બધા આશીર્વાદ ભેગા કરી પૂર્ણ માનસિક સંતોષ સાથેની મીઠી નીંદર માણી.
વધુ આવતાં અંકે...