યોગ-વિયોગ - 2 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 2

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૨

વિલે પાર્લે સ્ટેશનની પાસે લીલાછમ બગીચાની વચ્ચોવચ આવેલા ‘શ્રીજી વિલા’ની સવાર આજે બહુ સારી નહોતી જ પડી.

વૈભવી જે બોલી એનાથી અલય અને અજય નાસ્તો કર્યા વિના જ પોતપોતાના રસ્તે પડી ગયા. લજ્જા ખાધું-ન ખાધું કરીને બહાર નીકળી ગઈ. આદિત્યે દાદીમાની માફી તો માગી પણ, આ આખીય ઘટનામાં એનું ય દિલ દુભાયા વિના નહોતું રહ્યું...

અને, સૌથી વધારે દિલ દુભાયું હતું વસુમાનું.

આટલાં વરસો એમણે કદીય પોતાનો વિચાર જ નહોતો કર્યો. આ ઘર, આ કુટુંબ અને બાળકો માટે જ જીવ્યા હતા એ. એમને શું ગમે છે અથવા એમને શું જોઈએ છે, એવું વિચારવાનો પણ સમય નહોતો મળ્યો એમને. એમની નજર સામે પડેલા છાપામાં છપાયેલી જાહેરાત જાણે એમની સામે જોઈને હસી રહી હતી અને કહી રહી હતી, “લે! બહુ વિશ્વાસ હતો તને તો તારા છોકરાઓ પર. કોઈએ તારી ચિંતા કરી!?” વસુમાની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં, એ જાહેરાત ઉપર.

સામે બેઠેલી જાનકીએ એ જોયું. એ ઊભી થઈ અને વસુમાની બાજુમાં બેઠી. એણે વસુમાના ખભે હાથ મુક્યો, “મા, શા માટે જીવ બાળો છો? વૈભવીભાભીને તો ટેવ પડી છે.”

“એને પડી હશે. મને નથી પડી હજી. આટલાં વરસો પછી એક દિવસ, ફક્ત એક દિવસ મેં મારી રીતે જીવવાનો વિચાર કર્યો તો આ ઘરના બધાને...”

“બધાને નહીં મા. બધાને નહીં જ... જુઓ તમે જે કરો એમાં હું અને અજય તમારી સાથે જ છીએ. અમારે માટે હવે તમારા સુખથી વધુ કશું જ નથી રહ્યું મા. હું પરણીને આવી એ ક્ષણે જ વૈભવીભાભી બોલ્યા હતા, જાતનું ઠેકાણું નથી, બાપનું ઠેકાણું નથી, આવી છોકરીને તેં કંઈ ઘરની વહુ બનાવાય? અને તમે કહ્યું હતું કે આજથી એના માબાપ, ભાઈ-બહેન, સગાંવ્હાલાં બધાનું નામ વસુંધરા મહેતા છે અને, એની જાત આપણા સૌથી ઊંચી છે. કારણ કે એ માનુષી છે.”

“પાંચ વરસ થયાં તને પરણે, પણ ભૂલતી જ નથી. શા માટે એ બધું યાદ કરે છે જેનાથી તને દુઃખ પહોંચે છે...” વસુમા જાણે ભૂતકાળમાં ખોવાઈ ગયા.

“તમે ભૂલી ગયાં છો ?” જાનકીએ પૂછ્‌યું. પછી વસુમાની આંખોમાં જોયું અને ભીની આંખે ફરી પૂછ્‌યું, “કહોને, ભૂલી ગયાં છો ? બધું ?”

વસુમાનો ચહેરો એકદમ સ્વસ્થ હતો. જાનકીના સવાલથી જરાય વિચલિત નહોતાં થયાં એ. એમણે કાંસાના કપ-રકાબી હાથમાં ઉપાડ્યા. હૂંફાળી ચાનો એક ઘૂંટડો ભર્યો અને જાનકીની આંખોમાં જ જોઈને કહ્યું, “તું રોજ એકસરખી ચા કેવી રીતે બનાવે છે ?”

“વાત બદલવાની તમારી સ્ટાઈલ ગમી મને... પણ મા, અત્યારે તમારી વચલી વહુ નથી, તમારી દીકરી છું હું... અને એટલે જ કહું છું કે તમે નથી ભૂલ્યાં... કશુંયે નથી ભૂલ્યાં. જો ભૂલી ગયાં હોત તો આજના અખબારમાં આવી રીતે...”

“નથી જ ભુલી. તું જ કહે ને મને, કોઈ ભુલી શકે? ચાર સંતાનોની મા છું. આજ સુધી ફક્ત મા બનીને જીવતી રહી. બાળકોને મારા ભાગના પ્રેમની સાથોસાથ એમના પિતાના ભાગનો પ્રેમ પણ આપ્યો. મારી ફરજની સાથોસાથ એમના પિતાના ભાગની ફરજો પણ પૂરી કરી. કોઈ ઉપકાર નથી કર્યો, મારી ફરજ હતી એ. પણ હવે, મારી અંદરની એક સ્ત્રી, એક પત્ની પોતાના ભાગની જિંદગી જીવવા માગે છે.” વસુમાનો અવાજ ભીનો થઈ ગયો. આંખો હજીય કોરી હતી. જાનકીએ ખૂબ ધ્યાનથી જોયું એમના તરફ. એ જોઈ જ રહી...

“આ સ્ત્રી... એક શરીરમાં બબ્બે આત્મા સાથે જીવી ગઈ. બંધ આંખે આખું આયખું કાઢી નાખ્યું. અને, આજે જ્યારે એ આંખો ઉઘાડીને પોતાના ભાગનું આકાશ જોવા માગે છે, તો એમાં એ વધારાનું શું માગે છે?” જાનકીના મનમાં વિચાર આવ્યો. એણે વસુમાના ખભા પર મૂકેલો પોતાનો હાથ દબાવ્યો. પછી ઊભી થઈ અને બીજો હાથ પણ એમના ખભા પર મૂક્યો, “મા, જીવો, જરૂર જીવો તમે તમારા ભાગની જિંદગી. તમને હવે તમારી પળેપળ પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે મા.” એણે એમના બંને ખભા ઉપર હાથની પકડ જોરથી કસી. જાણે એમને સધિયારો આપતી હોય. પછી એમના ખભા થપથપાવ્યા અને પાછળથી જ ચાલી ગઈ. જાણે વસુમાની નબળાઈની એક ક્ષણની સાક્ષી બનીને એમને નાના થવા દેવા માગતી ન હોય એમ!

“આ બધું નાટક છે.” વૈભવી પોતાના વાળ બ્રશ કરી રહી હતી. એણે સવારે પહેરેલું ટોપ બદલીને એક બ્લડ રેડ કલરનું સ્પેગેટી ટોપ પહેર્યું હતું. જેની છાતી પર ચમકતું પતંગિયું ચીતરેલું હતું. બ્લડ રેડ કલરની લિપસ્ટિક અને એવા જ રંગના મેચિંગ સેમી પ્રેશિઅસ સ્ટોનના ઈયર રીંગ એના ચહેરાને એક જુદી જ ઓળખાણ આપી રહ્યા હતા. વાળ બ્રશ કરીને એણે ડ્રેસિંગ ટેબલનો કાચ ખોલ્યો. એની પાછળ વિશ્વભરના પરફ્‌યુમ્સની એક નાનકડી દુકાન હતી. ‘ટોમી ગર્લ’ કાઢીને એણે રીતસર આખા શરીર પર છાંટ્યું. પછી પાછળ બેસીને લેપટોપ પર કામ કરી રહેલા અભય સામે જોયું.

“તું તો કંઈ બોલીશ જ નહીં, ખરું ને?”

“હું શું બોલું?” અભયે કહ્યું. એનું ધ્યાન હજુ લેપટોપમાં જ હતું.

“તમે...

જ્યાં હો, ત્યાં આ વાંચો તો એટલું માનજો કે મેં તમને યાદ કર્યા છે. આ પચ્ચીસ વરસો દરમિયાન એક દિવસ પણ તમને યાદ ન કર્યા હોય કે તમારી રાહ ન જોઈ હોય એવું નથી બન્યું. મારી પચ્ચીસ વરસોની પ્રતીક્ષાને અંતે જો તમને એમ લાગતું હોય કે તમારે મારે માટે કંઈ કરવું જોઈએ તો ઘરે પાછા આવો.

હું તમારી રાહ જોઈશ.

આ જાહેરાત છપાયાના અડતાલીસ કલાક દરમિયાન જો તમે મને સંપર્ક નહીં કરો તો હું માનીશ કે આપણી વચ્ચેનો પુલ તૂટી ગયો છે.

તમારી વસુંધરા.” વૈભવી નાટકીય રીતે મોટે મોટેથી જાહેરખબર વાંચતી હતી. વચ્ચે વચ્ચે આંસુ લુછવાની એકટીંગ પણ ભરતી હતી. જાણે ડૂસકાં ભરતી હોય એવો અવાજ પણ કરતી હતી.

“ઈનફ, વૈભવી.” અભયે લેપટોપમાંથી નજર ઉઠાવી.

“અચ્છા? આટલું બધું લાગી આવે છે?”

“મારી માના ઈમોશન્સનો સવાલ છે આ. કશુંક બહુ જ કીમતી અને નાજુક છે, જેને તું ખૂબ જડ અને ચીપ રીતે રજૂ કરી રહી છે.”

“આવું ભયાનક પગલું લેતાં પહેલાં એમને આપણને પૂછવાનીય જરૂર ના લાગી?”

“એ મા છે મારી. એ મને શું પૂછે?”

“આ ઘરમાં આવશે એ માણસ. આટલા લોકોની લાયબલિટી ઓછી છે, તે એમને પ્લસ વન કરવું છે?”

“તને કદાચ ખબર નહીં હોય પણ તું એક એવા માણસ વિશે વાત કરી રહી છે...” વૈભવીએ એને વાક્ય પૂરું જ ન કરવા દીધું અને જોરથી હસી પડી. પછી, ખુરશી પર બેઠેલા અભયની ખુરશીના બંને હાથા પકડી અને ઝાટકાથી રિવોલ્વીંગ ચેર પોતાની તરફ ફેરવી પછી, પોતાના લૉ નૅક સ્પેગેટી ટોપમાંથી સ્તનોની કંદરા સ્પષ્ટ દેખાય એમ ઝૂકીને અભયની આંખોમાં આંખો નાખી. અને, એનું વાક્ય અડધેથી કાપીને કહ્યું, “હું એવા માણસ વિશે વાત કરી રહી છું, જે પોતાની પત્ની અને સંતાનોને પચ્ચીસ વરસ પહેલાં છોડીને ભાગી ગયો હતો.”

“ભાગી નહોતો ગયો.” અભયનો અવાજ ફાટી ગયો.

“ઓ.કે. નાસી ગયો હતો.” બોલીને ફરી હસી વૈભવી. વાગે એવું. “વિલ ધેટ ડુ?”

“વૈભવી, હું તને ફરી એક વાર કહું છું કે તું જ્યારે એ માણસ વિશે વાત કરે...”

“હું એ માણસ વિશે કોઈ વાત કરવા જ નથી માગતી. હું માનું છું કે એ જીવતો જ નહીં હોય.” ઉશ્કેરાટમાં અભયનો હાથ ઊંચો થઈ ગયો. વૈભવીએ ઊંચો થયેલો એ હાથ વચ્ચેથી પકડી લીધો અને પોતાની પકડ એ હાથ પર સખત કરીને રીવોલ્વીંગ ચેરને ધક્કો માર્યો. “મારી જીભ અને તારો હાથ બંને કંટ્રોલમાં નથી રહેતા. પણ હું તને કહી દઉં કે હું આજે આ વાતની ચર્ચા કર્યા વિના નહીં રહું. અજય કમાતો નહોતોે તો ય પરણ્યો. અલય કોઈને કોઈ બહાને પૈસા માગે છે. અને હવે, એક બીજા માણસને બોલાવવા માટે છાપામાં જાહેરાતો છપાય છે. શું ચૂકવ્યું હશે તારી માએ ભારતભરનાં છાપાઓમાં આ જાહેરખબર આપવા માટે? એને બદલે અલયને એનએફડીસી માટે પૈસા આપ્યા હોત તો?”

“હું આ ઘરનો મોટો દીકરો છું. મારી જવાબદારી છે. આ ઘરના ખર્ચા પૂરા કરવાની. મારી માએ મને પેટે પાટા બાંધીને...”

“પેટે પાટા બાંધીને ઉછેર્યો છે. એકલા હાથે બિચારી અબળાએ ચાર-ચાર સંતાનો ઉછેર્યાં.” વૈભવીએ તાળી પાડી. “એવોર્ડ આપો એમને. સમારંભ કરો એના માનમાં. કેટલું અઘરું અને ઈમ્પોસિબલ કામ કર્યું છે! એક માએ પોતાનાં સંતાનોને ઉછેર્યા છે.” વૈભવીની આંખોમાં એક ઉપહાસ હતો. જે જોઈને અભયને પોતાની જાત માટે ઘૃણા થઈ આવી. એણે લેપટોપ બંધ કર્યું અને ચાલવા માંડ્યું.

“ક્યાં જાય છે?” વૈભવીએ એનું બાવડું પકડ્યું.

“ઑફિસ, બીજે ક્યાં?” અભયે કહ્યું.

“પણ હજી તો નવ ને વીસ થઈ છે. તું તો રોજ પોણા દસે નીકળે છે.”

“રસ્તામાં કામ છે.” અભયે બાવડું છોડાવવાની કોશિશ કરી.

“શું કામ છે?” વૈભવીએ હવે બાવડા સાથે બીજા હાથે કાંડુંય પકડી લીધું અને અભયની નજીક આવી ગઈ. એના પરફ્‌યુમની સુગંધ એક ઊંડા શ્વાસ સાથે અભયના મગજ સુધી જતી રહી. એણે ઝાટકો મારીને બાવડું છોડાવ્યું. “બધી વાતનો તને હિસાબ આપવો જરૂરી નથી.” અને, એ બારણું ખોલીને સડસડાટ બહાર નીકળી ગયો.

“મિજાજ તો જુઓ... કો’કના ટુકડા પર મોટા થયેલા માણસમા સત્તરખાનીનો મિજાજ છે. મા, દીકરો બેય સરખા છે.

પોતાના પર્સમાંથી છાપું કાઢીને ‘૪ લિમિટેડ’માં બારી પાસે બેઠેલી જાનકીએ ફરી એક વાર જાહેરાત વાંચી. સાવ સામાન્ય લાગતી સાદી રીતે લખાયેલી એ જાહેરાતના શબ્દે શબ્દમાંથી વસુમાનું દુઃખ પડઘાતું હતું. એણે છાપું વાળીને ફરી પર્સમાં મુક્યું અને બારીની બહાર જોવા માંડી...

જાનકીને સમજાતું નહોતું કે એણે શું કરવું જોઈએ? વૈભવી જે રીતે વર્તી, એ રીતે ઘરની સવાર તો બગડી જ હતી. વસુમાનો દિવસેય બગડવાનો હતો એ નક્કી હતું. મોઢામાંથી એક શબ્દ ય ન બોલતી એ સ્ત્રી લાકડાના જૂના પટારાની જેમ પોતાની અંદર કેટલુંય સંઘરીને બેઠી હતી. એણે આજ સુધી કોઈને ય... કોઈ કરતાં કોઈને ય ફરિયાદ નહોતી કરી. પોતાનો સંઘર્ષ એકલા હાથે કર્યો હતો. ઝઝૂમી હતી સંજોગો સામે, એક વિરાંગનાની જેમ. ચાર-ચાર સંતાનોને એકલા હાથે ઉછેરવાં, અને એ પણ મુંબઈ જેવા શહેરમાં. અઘરું તો હતું જ!

એક વાર જાનકીએ પૂછેલું એમને, “તમે ગામ કેમ ન જતા રહ્યા? શ્રીજી વિલા વેચી નાખ્યો હોત તો ઓછામાં ઓછા કરોડ રૂપિયા મળ્યા હોત...”

“શ્રીજી વિલાને તાળું કેમ મરાય બેટા? કદીક અધરાતે-મધરાતે એ પાછા આવે અને શ્રીજી વિલાને તાળું જુએ તો એ ક્યાં જાય બિચારા?!”

...અને જાનકી આ સ્ત્રીની શ્રદ્ધા પર, આશાવાદીપણા પર વારી ગઈ હતી. એણે અવાર-નવાર કૉલેજના વિદ્યાર્થીઓને ટી.એસ. ઈલિયટની કવિતાઓ ભણાવતાં સમજાવ્યું હતું કે, “કોઈ કલાક સાઈઠ મિનિટથી લાંબો નથી હોતો. દરેક રાત પછી સવાર ઉગે જ છે. માત્ર અંધકારનો સમય કાઢી નાખવાનો હોય છે...” પણ પોતે આટલી બધી હોપફુલ નહોતી બની શકતી.

“ભગવાન જાણે આ સ્ત્રી કઈ માટીમાંથી ઘડાઈ હતી? હારવાનું, છોડી દેવાનું કે શ્રદ્ધા ડગાવવાનું એ શીખી જ નહોતી?!” જાનકીની બાજુમાં બેઠેલો અજય જાનકીને વિચારમગ્ન જોઈને પોતે પણ ચૂપચાપ બેઠો હતો. પછી છેવટે એનાથી ના રહેવાયું એટલે એણે જાનકીના હાથ ઉપર હાથ મુક્યો. જાનકીએ ચોંકીને બાજુમાં બેઠેલા અજય તરફ જોયું.

“તને શું લાગે છે? એ આવશે?” હંમેશની જેમ અજયના અવાજમાં અશ્રદ્ધા હતી.

“ભગવાન કોઈનીય આટલી લાંબી પરીક્ષા ન કરી શકે. એ આવશે. એ જરૂર આવશે.” જાનકીની આંખોમાં શ્રદ્ધાના દીવડા ઝગમગતા હતા.

સ્કાય બ્લ્યુ કલરની બેન્ટ લી ગાડી લોંગ આઈલેન્ડના રસ્તે બહાર નીકળી અને ફ્રી વે ઉપર આગળ વધી. આગળ વ્હાઈટ કૅપ પહેરીને બેઠેલો શોફર સ્હેજ અસમંજસમાં હતો. રોજ સવારે ગાડીમાં બેસવા નીચે ઉતરે ત્યારે એના સાહેબ એને ‘ગુડ મોર્નિંગ અબ્દુલ’ કહેતાં. પરીક્ષાઓ ચાલતી હોય તો બાળકોના પેપર્સ વિશે પૂછતાં, પત્ની વિશે પૂછતાં અથવા એના પિતાની તબિયતની ખબર પૂછતાં. આજે પહેલી વાર સાહેબ આટલા ચૂપચાપ હતા.

છેલ્લા સાડા છ વરસથી અબ્દુલ અહીં કામ કરતો હતો. એ પહેલાં એના પિતા સાહેબની નોકરી કરતા. પછી સાહેબે જ કહ્યું હતું, “મોઈનચાચા, હવે તમે આરામ કરો. અબ્દુલને ભારતથી અહીં બોલાવી લો.” પિતાની નોકરી પૂરી થઈ હતી, પગાર નહીં. કોઈ પણ સરકારી નોકરીની જેમ મોઈનુદૃીનનો અડધો પગાર ડોલરમાં એના પેન્શન સ્વરૂપે એના પોતાના હાથમાં ભારત પહોંચી જતો. જ્યારે અબ્દુલનો પગાર મોઈનુદૃીન કરતાં સો ડોલર વધારીને એને કામે રાખી લેવામાં આવ્યો હતો.

ઈદ, દિવાળી, હોળી કે રમઝાન - તહેવારની મીઠાઈ કે જરૂરી વસ્તુઓ સાહેબના ઘરેથી ન મળી હોય, એવું ક્યારેય નહોતું બન્યું છેલ્લા અઢી દાયકામાં. મોઈનુદૃીનનો પરિવાર સાહેબને લગભગ ખુદાની તોલે ગણતા.

એ સાહેબ, આજે તદૃન ભલતા જ મુડમાં હતા. હજી તો અબ્દુલ ગાડી કાઢે એ પહેલાં એને બે વાર ધમકાવી નાખ્યો. “ગાડી આટલી રેઈઝ કરાય?” અબ્દુલ નવાઈ પામી ગયો. આમ તો બધું નોર્મલ હતું. સાહેબના હાથમાં એમનું લેપટોપ હતું. બીજા હાથમાં ન્યુયોર્ક ટાઈમ્સ અને ભારતથી આવેલાં ગયા અઠવાડિયાનાં છાપાં હતાં. સાહેબ રોજની જેમ જ બરાબર સાડા આઠે ગાડીમાં બેઠા હતા. ફ્રી વે પર ગાડીની અંદર રોજની જેમ જ છાપું વાંચતાં સાહેબે અચાનક જ જોરથી બૂમ પાડી, “ધીરે ધીરે... મારી નાખીશ મને?”

એ પછી ઑફિસના સ્ટાફને પણ આજે વારાફરતી ખાસ્સો એવો પ્રોબ્લેમ થતો રહ્યો. પોતે જ કહેલી વાત સાહેબ પોતે જ ભુલી જાય અને અડધો કલાકમાં નવી ઈન્સ્ટ્રક્શન આપે... જૂની ઈન્સ્ટ્રક્શન ફોલો ન કરવા વિશે ધમકાવી કાઢે અને એક્સપ્લેઈન કરો ત્યારે માફી માગે. આવું દસેક જણ સાથે થયું...

આખી ઑફિસનો લગભગ સાડા સાતસો જણનો સ્ટાફ આજે એક જ વાત કરતો હતો, “સરનું ફટક્યું છે. બોલાવે નહીં ત્યાં સુધી એમની આજુબાજુ નહીં જતા!”

સ્ટાફના સૌથી જૂના, લગભગ પચાસેક વર્ષથી નોકરી કરતા મધુકાન્તભાઈને પણ નવાઈ લાગી હતી. આટલાં વરસોમાં સૂર્યકાન્તભાઈ કોઈ દિવસ આવી રીતે નહોતા વર્ત્યા. ઉલ્ટાનું આટલા મોટા સ્ટાફને ફર્સ્ટ નેમ બેઈઝીસથી ઓળખતા, એમના અંગત સુખ-દુઃખોની જાણ રાખતા અને સતત સારી જ રીતે વરતતા. સૂર્યકાન્તભાઈએ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કારભાર સંભાળ્યો ત્યારથી શરૂ કરીને છેલ્લા બે અઢી દાયકા દરમિયાન મધુકાન્તભાઈએ ક્યારેય એમને આવી રીતે વરતતા નહોતા જોયા.

“શું થયું હશે? પ્રભુને ખબર. પણ સાહેબ અપસેટ છે એ નક્કી!” અંદર જવું કે ન જવું એ વિશે મન સાથે વીસેક વાર ચર્ચા-વિચારણા કર્યા પછી મધુકાન્તભાઈ ઊભા થયા. સાહેબની કેબિન પાસે જઈને ફરી એક વાર એમણે મનને પૂછ્‌યું, “જવુું છે ને?” પછી ‘સ્મિતા ગ્રુપ ઑફ ઈન્ડસ્ટ્રીઝ - એમ.ડી.’ લખેલા મોટા દરવાજાને ધકેલી મધુકાન્તભાઈ દાખલ થયા. સાહેબ પોતાના હાથમાં કશુંક પકડીને જોઈ રહ્યા હતા. મધુકાન્તના આવતાં જ એમણે એ ઝડપથી ખાનામાં મુકી દીધું. મધુભાઈએ દરવાજામાં ઊભા ઊભા જ પૂછ્‌યું, “સાહેબ આવું?” “આવો ને.” સૂર્યકાન્તભાઈએ કહ્યું પરંતુ એમના અવાજમાં ન આવો તો સારું એવું સ્પષ્ટ સંભળાયું. સામાન્ય રીતે સૂર્યકાન્તભાઈ મધુભાઈને બેસવાનું કહેતા. જો ફ્રી હોય તો ચા-કોફી મંગાવતા. આજે એમણે સીધું જ પૂછ્‌યું, “કંઈ કામ હતું?”

મધુભાઈએ કેબિનમાં નજર દોડાવી. છેલ્લાં વીસ વરસથી આ કેબિન આમ જ હતી. સ્મિતા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની એક માત્ર માલિક સ્મિતા કૃષ્ણપ્રસાદ અને કૃષ્ણપ્રસાદ માધવલાલના મોટા મોટા ફોટોગ્રાફ્‌સ સૂર્યકાન્તની ખુરશીની પાછળ લટકતા હતા. મધુભાઈને જેટલી વાર આ કેબિનમાં આવતા એટલી વાર સૂર્યકાન્તની ખુરશી પર સ્મિતા બેઠેલી દેખાતી. દીકરીની જેમ રમાડી હતી સ્મિતાને એમણે કૃષ્ણપ્રસાદની એકની એક લાડકી દીકરી આમ તો હાથથી ગઈ હતી. અમેરિકામાં રહેતા-રહેતા ભારતીય સંસ્કારોને તદૃન ભુલી ગયેલી એ છોકરી અચાનક બરફ વરસતી એક સાંજે એક માણસને ઘરે લઈ આવી હતી અને કહ્યું હતું, “ડેડ, વી આર મેરીડ.” ત્યારથી સૂર્યકાન્ત કૃષ્ણપ્રસાદના ઘરમાં રહેતો હતો. એ ક્યાંથી આવ્યો હતો? કોણ હતો? એવું સ્મિતાએ કોઈને કહ્યું નહોતું અને સ્મિતાને પૂછવાની કોઈની હિંમત પણ નહોતી...

સૂર્યકાન્તના આવ્યા પછી બિઝનેસ ચાર-છ-આઠ-દસ ગણો વધ્યો હતો. વન થાઉઝન્ટ કરોડ ઈન્ડિયન રૂપિઝની કંપની ‘સ્મિતા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ’ ડાયમન્ડ માર્કેટમાં રાજ કરતી હતી. પેટ્રો કેમિકલ્સ, સોપ્સ એન્ડ કોસ્મેટિક્સ અને સેવન ઈલેવનના ચેઈન સ્ટોર્સ ધરાવતી આ કંપની દર વર્ષે ડાઈવર્સીફાઈ થતી જતી હતી. ન્યૂ યોર્કથી શરૂ કરીને શિકાગો, ન્યૂ જર્સી, બોસ્ટન, કોલોરાડો, ફ્‌લોરિડા, લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડી.સી.માં ઑફિસિસ ધરાવતી આ કંપની વિશ્વભરમાં પોતાના હાથ-પગ ફેલાવીને પથરાઈ રહી હતી.

મધુકાન્તભાઈ સ્મિતાના પિતા કૃષ્ણપ્રસાદના મિત્ર હતા. એક-એક કરીને સૌને જતા જોયા હતા એમણે. પોતાની પત્ની અને દીકરો પણ. કૃષ્ણપ્રસાદની સાથેના કનિષ્કના વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા. ભારત જઈ રહેલાં કનિષ્ક વિમાનમાં સાડા ત્રણસો પેસેન્જર્સની સાથે ત્રણ એવાં નામ ખોયાં હતાં એમણે, જેનાથી એમના જીવનમાં સૂનકાર વ્યાપી ગયો હતો.

“કંઈ કામ હતું?” સૂર્યકાન્તે મધુભાઈને એવી રીતે પૂછ્‌યું, જાણે કહેતા હોય કે, “કામ ન હોય તો જાવ ભઈસાબ.” તેમ છતાં મધુભાઈએ ખુરશી ખેંચીને બેસી ગયા. “કામ તો છે, ભાઈ!” આખો સ્ટાફ એમને ‘સાહેબ’ અથવા ‘સર’ કહેતો. એક માત્ર મધુભાઈ એમને ‘ભાઈ’ કહીને સંબોધતા. “શું વાત છે? તમારો મુડ બહુ ખરાબ છે!”

“કોણે કહ્યું?”

“સ્ટાફમાં વાતો થાય છે. કંઈ પ્રોબ્લેમ છે, ભાઈ?”

“પ્રોબ્લેમ?” સૂર્યકાન્તભાઈ ગૂંચવાયા. “મધુકાન્તભાઈને કહેવું કે નહીં?” પછી એમણે વાત બદલી નાખી. “કશું નથી. બિઝનેસના પ્રોબ્લેમ.”

“ભાઈ, બિઝનેસ કંઈ આજકાલનો છે? મેં તમને કરોડોની ખોટ ખાતા જોયા છે. અને એ પછી પણ તમારા મોઢા પર એક રેખા ના બદલાય, એનો હું સાક્ષી છું. શું વાત છે, ભાઈ? લક્ષ્મીએ તો કાંઈ...”

“ના, ના... એનું તો કંઈ નથી મધુભાઈ. પણ મારે થોડા દિવસ બહારગામ જવું છે.”

“તો જઈ આવોને જાપાન. આમેય કોન્ટ્રાક્ટ સાઈન કરવા જવાનું જ છે.”

“જાપાન નહીં. મારે ઈન્ડિયા જવું છે.”

છેલ્લાં પચીસ વરસમાં સૂર્યકાન્તે ક્યારેય ઈન્ડિયા જવાની વાત નહોતી કરી. આજે અચાનક એના મોઢે ભારત જવાની વાત સાંભળીને મધુકાન્તને નવાઈ લાગી.

“જઈ આવો.” છતાં એમણે કહ્યું. “ક્યારે જવું છે?”

“કદાચ કાલે જ નીકળવું પડે. મેં ગ્રેઈસીને ટિકિટ માટે કહ્યું છે, છતાં તમે કન્ફર્મ કરો. જે ક્લાસ - ટુ ટિકિટ્‌સ - સિંગાપોર એરલાઈન્સ અથવા લુફધાન્સા.”

“જી. હું જોઈ લઉં છું ભાઈ.” એ ઊભા થયા. પછી ઊભા-ઊભા જ પૂછ્‌યું, “કંઈ સિરિયસ નથી ને ભાઈ? હું આવું?”

“ના, તમે અહીં જ રહો. બંને જતાં રહીએ તો કેમ ચાલશે?”

“ભલે.” કહીને મધુભાઈ બહાર ગયા.

સૂર્યકાન્તે ખુરશીના રેસ્ટ પર માથું ઢાળી દીધું. ઈટાલિયન ડિઝાઈનની એ ખુરશી આખી પાછળ ઢળી ગઈ. આંખો બંધ કરીને બંને હાથ રેસ્ટ ઉપર મુકીને સૂર્યકાન્ત કોણ જાણે શું વિચારવા લાગ્યા!

પોતાનું કબાટ ખોલીને બેઠા હતા વસુમા.

એક રેશમી લાલ-સફેદ રંગની સાડી કાઢીને હળવે હાથે પંપાળી રહ્યા હતા. જાણે ભૂતકાળ પંપાળતા હોય એમ એમની આંખો બંધ થઈ ગઈ હતી.

...એક સોળ વરસની રૂપાળી છોકરી ઉઘાડા પગે માત્ર ચણિયાચોળી પહેરીને, ઓઢણું ય લેવાની પરવા કર્યા વિના નિતંબ ઢંકાય એટલા લાંબા છૂટા વાળ લઈ અને હમણાં જ આવેલી એક ફોર્ડ મોટરની બાજુમાં ઊભી હતી. આંગણામાં સુંદર માટીનો તુલસીક્યારો હતો. મોટાં મોટાં વૃક્ષોથી ઘેરાયેલા એ આંગણાની જમણી તરફ મંદિર હતું. તુલસીક્યારાની ડાબી તરફ એક નાનકડું બેઠા ઘાટનું પણ પાક્કું મકાન હતું. મોટી ઓસરી લાકડાની જાળીથી ઢાંકી દેવામાં આવી હતી. જાળી ઉપર મધુમાલતીની વેલ ચઢાવી હતી. ચંપો, લીમડો અને આંબાનાં મોટાં મોટાં વૃક્ષો આંગણામાં ખરી બપોરે પણ છાંયો કરી રહ્યાં હતાં.

મોટરમાંથી ઉતરેલા પ્રભાવશાળી જાજરમાન વડીલે એને બાથમાં લઈ લીધી. એ પણ ઉલટભેર એમને વળગી પડી અને પૂછ્‌યું, “દેવશંકરકાકા, મારે માટે શું લાવ્યા?”

“આ.” દેવશંકરે લાલ-સફેદ રંગની રેશમી સાડી એના હાથમાં મુકી દીધી.

“આ!” છોકરીના મુખભાવ બદલાઈ ગયા. “આ તો સાડી છે!” એણે છણકો કરીને કહ્યું.

“તેં હવે સાડી જ પહેરવાની બેટા. હું તારા બાપ સાથે પેટછૂટી વાત કરવા આવ્યો છું. તને મારા ઘેર લઈ જવી છે.”

“ના... હું નથી આવવાની મુંબઈ! ત્યાં તો ટ્રામ ફરે છે. રસ્તાની ઉપર! અને, કેટલો મોટો દરિયો છે! હું ડુબી જાઉં તો?”

“વસુડી... તું એવી ને એવી રહી. ગાંડી!” જેને એણે દેવશંકરકાકા કહીને સંબોધ્યા હતા એ જાજરમાન વ્યક્તિત્વ એને ગાલે ટપલી મારીને મંદિરની બાજુમાં આવેલા એના ઘરના નીચા દરવાજામાં માથું નમાવીને દાખલ થયા. એમણે ઉંબરની રજ માથે ચઢાવી.

“પધારો... પધારો. તમે અમારા આંગણે ક્યાંથી?” પુજારી હાથ જોડતા બહાર આવ્યા. દેવશંકર પુજારીના ચરણમાં ઝૂક્યા અને એમની ચરણરજ માથે લીધી.

“આ શું કરો છો, હું તો દીકરીનો બાપ છું.” પુજારીએ કહ્યું.

“દીકરી? સાક્ષાત્‌ સરસ્વતી અને લક્ષ્મી છે તારી દીકરી. આવી દીકરીના બાપની ચરણરજ તો માથે લેવી જ પડે. મારા મોટા જોડે એનો સંબંધ કરવાની ‘હા’ પાડીને તેં તો મારું કુળ ધન્ય કર્યું છે!” પછી એમણે ડ્રાઈવર અને સાથે આવેલા માણસને કહ્યું, “સામાન કાઢો.”

ફોર્ડ ગાડીને ડેકી અને પાછલી સીટમાંથી લોખંડની મોટી-મોટી ટ્રંક ભરીને સામાન ઉતરવા લાગ્યો.

“આ બધું શું છે, દેવશંકર?” પુજારીએ પૂછ્‌યું.

“મારી વહુને સગાઈના સાલ્લા છે. તારી ભાભીએ મોકલાવ્યા છે. મને કંઈ ના કહેતો.”

“ભાઈ, જો. આપણે તો કંકુ ને કન્યાની વાત થઈ’તી. તું તો જાણે છે. હું નરસિંહ મહેતાથી જરાય ઉતરું એમ નથી. આ મા વગરની છોકરી માટે મારાથી થાય એટલું કર્યું છે... પણ તારા આ ઉપકાર સામે...”

દેવશંકરે હાથ મુકી દીધો પુજારીના મોઢા ઉપર.

“દેવશંકર મહેતાને ઘેર વહુ આવે છે. એમ ખાલી હાથે થોડી આવશે? આમાં તારું એક અંગરખું ય નથી. જે છે એ બધુંય મારી વહુ માટે છે.” દેવશંકર મહેતાએ કહ્યું અને બહાર ઊભેલી વસુંધરા પોતાના હાથ વચ્ચે મોઢું ઢાંકીને શરમાઈ ગઈ!

સફેદ રંગની સાડીને લાલ ચટ્ટક કોર અને વચ્ચે જરીનો એક નાનકડો દોરો... આજે પાંચ દાયકાથી વધુ થયા હોવા છતાં એ સાડી એવીને એવી હતી. સાડી જ શું કામ? સ્મૃતિ પણ એમ જ હતી ને! સાઈઠના દાયકામાં એક કરોડ રૂપિયાનું ઝવેરાત પહેરીને પરણી હતી, પુજારીની દીકરી વસુંધરા અને મુંબઈના માલેતુજાર શેઠિયાઓમાં જેમનું નામ લેવાતું એવા દેવશંકર પ્રાગજી મહેતાને ઘેર વહુ બનીને પગલાં માંડ્યાં હતાં.

અમરેલી જિલ્લાના ધારી ગામમાં પિતાને મુકીને જ્યારે મુંબઈ જવા માટે વસુંધરા મોટરમાં બેઠી ત્યારે સાક્ષાત્‌ લક્ષ્મી દેખાતી હતી. પિતાને પગે લાગીને જ્યારે વિદાય લીધી વસુંધરાએ ત્યારે લોખંડની ૩૧ પેટીઓ ગણી હતી ગામલોકોએ! ધારીથી મુંબઈ સુધીની મોટરની સફરમાં વસુંધરા ડુસકે ડુસકે રડતી રહી હતી અને દેવશંકર મહેતાનો મોટો દીકરો એની સામે જોઈને મનોમન હસી રહ્યો હતો!

મણિભુવનની પાછળ ગામદેવીમાં આવેલા વિશાળ બંગલામાં આંગણાથી શરૂ કરીને એના ઓરડા સુધી ગુલાબની પાંદડીઓ પથરાવી હતી દેવશંકર મહેતાની પત્નીએ. એના ઉપર પગલાં માંડીને વસુંધરા જ્યારે દાખલ થઈ એ બંગલામાં, ત્યારે સોનાના ઝુડામાં લગભગ ૪૭ ચાવીઓ ભરાવીને એના ખોબામાં મુકી હતી એના સાસુએ અને કહ્યું હતું, “કોઠારથી શરૂ કરીને આંગણાની બહારના ઝાંપા સુધીની ચાવીઓ છે આમાં. કયું તાળું ક્યારે વાસવું અને કયું તાળું ક્યારે ખોલવું, એ હવે તમારે નક્કી કરવાનું છે વસુંધરા!”

અને, ખરેખર એ દિવસથી ઘરના તમામ નિર્ણયો વસુંધરાએ કર્યા હતા... તે છેક આજ સુધી!

વસુમા લાલ રંગની બોર્ડરવાળી સાડી પંપાળતા બેઠા હતા, ત્યાં અચાનક વૈભવી દરવાજે આવીને ઊભી રહી.

“મા, મારે વાત કરવી છે.”

“આવતી કાલે સવારે! ડાઈનિંગ ટેબલ પર. સૌની સામે જ કરીશું બેટા.” વસુમાનો હાથ હજીય સાડી પર ફરી રહ્યો હતો.

“ના. મારે હમણાં જ વાત કરવી છે.”

“એવું તો કેમ બને બેટા? આ ઘરની પરંપરા...”

“પરંપરા... પરંપરા એટલે? એક કમાય ને બધા ખાય. પરંપરા એટલે તમે કહો એ, અને એટલું જ થાય. ખરું?”

“તને એમ લાગતું હશે તો એમ જ હશે બેટા.” વસુમાએ જવાબ આપ્યો અને સાડી લઈને કબાટમાં મુકવા માંડ્યા.

“મા, તમે કોને પૂછીને આપી છે આ જાહેરખબર?”

“મારે કોને પૂછવાનું?”

“અમને...”

“તમને?”

“હા. અમને. કારણ કે અમે આ ઘર ચલાવીએ. કારણ કે અમે ચૂકવીએ છીએ પાઈ-પાઈ. કારણ કે આ ઘરમાં જેટલા સભ્યો રહે છે, એ બધા જ એમ માને છે કે અભય પાસે પૈસાનું ઝાડ છે.”

“બેટા, સ્હેજ વધારે પડતું બોલ્યા છો તમે. અત્યારે જો વાત ન કરીએ તો વધુ સારું.”

“વાત? એક્ચ્યુલી વાત નથી કરવાની. મારે તમને એટલું જ કહેવાનું છે કે, આ ઘરમાં તમે ફાવે ત્યારે, ફાવે તેને નહીં બોલાવી શકો. અમે અહીં રહીએ છીએ. અમારા ગમા-અણગમા અને પ્રાઈવસીનો વિચાર કરો...” કહીને વૈભવીએ છાપું ફંગોળ્યું. છાપું હવામાં એક ચકરડું કાપીને વસુમાના પગ પાસે પડ્યું. વસુમાએ છાપું ઊંચકીને પેલી સાડી ઉપર મુકી દીધું. કબાટ બંધ કરીને ચાવી ફેરવી. સોનાનો ઝુડો લઈને પ્રભુના મંદિરની બહાર મૂક્યો.

વૈભવી આ બધી પ્રવૃત્તિ દરમિયાન ત્યાં જ ઊભી હતી.

“મેં જે કહ્યું તે તમે સાંભળ્યું મા?” વૈભવીએ અકળાઈને પૂછ્‌યું.

“હા.” વસુમાનો અવાજ શાંત અને સંયત હતો. “જો બેટા, મેં પણ મારી જાતને અડતાળીસ કલાક આપ્યા છે. આજે સવારે છપાયેલી જાહેરાત જો પરમ દિવસ સવાર સુધીમાં કોઈ પરિણામ નહીં આપે તો બધી વાત અહીં, અને એની મેળે પૂરી થઈ જશે.”

“અને જો જાહેરાતનું પરિણામ આવ્યું તો?” વૈભવીએ પૂછ્‌યું.

“તો?”

“તો?”

“તો?” વસુમાના મનમાં આ તેરસો મણનોે ‘તો’ હથોડાની જેમ ઝિંકાતો રહ્યો.

દિવસભર વસુમા ટેલિફોનની આજુબાજુ ઘુમતા રહ્યા. કોણ જાણે કેમ એમને આજે ચેન જ ના પડ્યું. એક-બે વાર જાત ઉપર હસવું પણ આવી ગયું. એમણે પોતે પોતાને કહ્યું, “સોળની નહીં, સાઈઠની છે વસુ! જરા ધીરજ રાખ!”

મોડી રાત સુધી બધા પોતપોતાના કમરાઓમાં જાગતા હતા. સામાન્ય રીતે સાડા દસ વાગે અંધારાની ચાદર લપેટીને શાંત થઈ જનારું ‘શ્રીજી વિલા’ આજે બાર વાગે ને વીસ મિનિટ સુધી ઝળાહળા હતું. બહુ નવાઈની વાત હતી કે આજે વૈભવી પણ કોઈ પાર્ટી કે ડિનર પર નહોતી ગઈ. અભય અને અલય હજુ આવ્યો નહોતો. જાનકી આવતી કાલના લેશન્સ તૈયાર કરવાના બહાને જાગતી હતી તો અજય છતને તાકતો બેસી રહ્યો હતો, ચૂપચાપ!

ટ્રીન... ટ્રીન... ટ્રીન... ટ્રીન... ફોનની ઘંટી રણકી. વસુમાએ એક યુવતીને શરમાવે એટલી ત્વરાથી દોડીને ફોન ઉપાડ્યો.

“હલો.. ” એમણે કહ્યું અને સામેથી જવાબ આવે ત્યાં સુધીમાં તો એમનું હૃદય બમણી ઝડપે ધડકી રહ્યું. લોહી નસોમાં જે વેગથી ફરવા લાગ્યું હતું, એનાથી એમને લાગ્યું કે હવે લોહી નસો ફાડીને ફર્શ પર વહેવા લાગશે.

વૈભવી પોતાના કમરામાંથી બહાર નીકળીને સીડી પર આવીને ઊભી. જાનકી પણ પોતાના રૂમમાંથી નીકળીને દરવાજે આવીને ઊભી. અજય ઊભો તો ન થયો પણ એનું સમગ્ર અસ્તિત્વ ફોનની બાજુમાં જઈને ઊભું હતું.

“હલો... ” વસુમાએ ફરી જોરથી બૂમ પાડી અને બધા સામેથી આવનારા જવાબની રાહ જોઈ રહ્યા.

ક્રમશ..