યોગ-વિયોગ - 11 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 11

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૧૧

કનખલ પાસે આવેલા ઉત્તરપ્રદેશ ટુરીઝમના ગેસ્ટ હાઉસની પાછળની તરફ ફાંટો પાડીને ઊભો કરાયેલો ગંગાનો આર્ટિફિશિયલ પ્રવાહ ઉછાળા મારતો વહી રહ્યો હતો. મૂળ ગામ હરિદ્વારથી બે-ત્રણ કિ.મી.ના અંતરે આવેલું યુ.પી.ટી.ડી.સી.નું મકાન હરિદ્વારની ચહલ-પહલ અને કોલાહલથી થોડું દૂર હતું. મોટે ભાગે અહીંયા ફોરેનર્સ ઊતરતાં. હરિદ્વારની સામાન્ય ધર્મશાળાઓ કરતાં થોડું મોંઘું, પણ જો સાચા અર્થમાં ગંગા માણવી હોય તો આ સ્થળ એકદમ યોગ્ય હતું.

તમામ રૂમોની બાલ્કની પાછળની તરફ પડતી હતી. કોઈ પણ એન્ગલમાં કોઈ પણ રૂમમાંથી બહાર નીકળીને ઊભા રહો તો સીધી ગંગા દેખાય. ધસમસતો- ફીણ ફીણ થઈ જતો ધોળા પાણીનો પ્રવાહ, પગથિયા બાંધીને બનાવેલો ઘાટ, પગ બોળીને બેસવું હોય કે નહાવું હોય તો લોખંડના થાંભલા રોપીને બનાવેલી લોખંડની સાંકળવાળી રેલિંગ, ગેસ્ટહાઉસના આંગણાનો સુંદર બગીચો અને કુલ મળીને ઊભું થતું એક સુંદર, રમણીય વાતાવરણ...

વસુમા ઘાટના કિનારે બેસીને ધસમસતી ગંગાને જોઈ રહ્યાં હતાં. વહેલી સવારનો સમય હતો. સૂરજ હજુ ઊગ્યો નહોતો. પ્હો ફાટીને લાલ થયેલું આકાશ અને દૂર સંભળાતાં ભજનનો ધ્વનિ ગંગાના પ્રવાહનો ધસમસતો અવાજ અને વહેલી સવારની ફરફર કરતી ઠંડી હવા...

જુલાઈ મહિનામાં પણ અહીં બફારો નહોતો. એક અજબ શાંત ઠંડક હતી. હિમાલયનાં શિખરો પરથી વહી આવતી હવાની ભીની ઠંડક !

વસુમાની આંખો વર્ષો પહેલાંના એક એવા દિવસને જોઈ રહી હતી, જે આ જ નદીના કિનારે આવી જ કોઈક રીતે ઊગ્યો હતો...

વસુંધરા, ગોદાવરીબહેન, ત્રણ બાળકો અને ચંદ્રશંકર અહીં દેવશંકર મહેતાનું અસ્થિવિસર્જન કરવા આવ્યાં હતાં. સૂર્યકાંતને કેટલુંય સમજાવ્યા પછી, હાથ-પગ જોડ્યા પછી પણ એણે સાથે આવવાની ના પાડી હતી. ગોદાવરીબહેન અને વસુંધરા બંનેએ જુદી જુદી રીતે સમજાવ્યો હતો એને, વિનંતીઓ કરી હતી, આંખમાં આંસુ સાથે મરેલા પિતાના સોગંદ આપ્યા હતા, પણ એણે આખીયે વાતને એના અહમ્‌ સાથે જોડીને ઘસીને ના પાડી હતી.

“ચિત્તાને આગ વસુએ આપી છે ને, તો હવે તર્પણ પણ વસુ જ કરશે. મારો સમય શું કામ બગાડો છો ? ને આ ચંદ્રશંકર તો છે જ ને ? એય દેવશંકર મહેતાનું જ ફરજંદ છે ને ? મારા વિના જો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો તો હવે આત્મા અટકી નહીં રહે મારા વિના...”

આખરે વસુંધરાની ધીરજ ખૂટી હતી અને એણે કાકલૂદી કરતી સાસુને એકીઝાટકે ઊભી કરી દીધી હતી, “ચલો મા, બહુ થયું... આનાથી વધારે વિનંતી કરવાની જરૂર નથી... બાપનું તર્પણ કરવું એ દીકરાની ફરજ છે. જેના કારણે એનું અસ્તિત્વ છે આ ધરતી ઉપર એના આત્માને તૃપ્ત કરવાની જો તૈયારી ના હોય તો...”

“તો શું ?” સૂર્યકાંત ધસી આવ્યો હતો વસુંધરા તરફ.

“તો... ચંદ્રશંકર પણ એમનું જ લોહી છે, વાત સાચી છે તમારી. એને ભલે ન સમજાય કે એ શું કરે છે, પણ તર્પણ સ્વીકારનારા તો સમજશે... ચાલો, મા.”

અને આંસુભરેલી આંખો સાથે વસુંધરા સાસુને લઈને બીજા ઓરડામાં ચાલી ગઈ હતી.

બોલેલું પાળી બતાવ્યું હતું એણે. ત્રણ બાળકો, ઘરડા સાસુ અને અર્ધપાગલ ચંદ્રશંકરને લઈને એ હરિદ્વાર આવી હતી. ધર્મશાળામાં ઊતરી હતી અને હરકીપૈડી પર અર્ધપાગલ, વારે વારે ઊઠીને નાસી જતા ચંદ્રશંકરને રબડીની લાલચ આપીને પૂજા કરવા બેસાડ્યા હતા... એને હાથ પકડી રાખીને, દરેક વિધિમાં પોતાના હાથે એને સહારો આપીને સંપૂર્ણ પિતૃતર્પણની વિધિ કરાવી હતી. ગંગામાં અસ્થિ પધરાવ્યા હતા અને ચંદ્રશંકરનો હાથ પકડીને માથાબોળ સ્નાન પણ કરાવ્યું હતું...

...જાણે એ આખોય પ્રસંગ અહીં ફરી ભજવાયો હોય એમ વસુધાના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું.

અચાનક એના ખભા પર કોઈએ શાલ નાખી. વસુમાએ પાછળ ફરીને જોયું- અભય હતો.

“બહુ વહેલી ઊઠી ગઈ મા...” પૂછ્‌યા પછી અભયને તરત જ સમજાયું કે વહેલો તો પોતે ઊઠ્યો હતો આજે, મા તો રોજ જ વહેલી ઊઠતી હતી.

“તું બહુ વહેલો ઊઠી ગયો.” વસુમાએ જાણે એના મનની વાત કહી દીધી અને અભય એમની બાજુમાં બેસી ગયો.

“યાદ છે મા, આપણે દાદાજીનું શ્રાદ્ધ કરવા આવ્યા હતા અહીંયા...”

“હું એ જ યાદ કરતી હતી. કેટલો બધો નાનો હતો તું ! સમય ક્યાં જાય છે સમજાય છે ?”

“સમજાય છે મા... સમય કેમ વીત્યો છે એ ખરેખર તો મને ને તને બે જ જણને સમજાયું છે. સમયે ચિરાડા પાડી દીધા છે હૃદયો ઉપર... નહોર ભરી ભરીને ઊઝરડા પાડ્યા છે આપણા મન ઉપર...”

“અભય, જનારાની પાછળ કેટલા દિવસ રડી શકાય ?”

“મા !” અભયના અવાજમાં આશ્ચર્ય ઓછું અને આઘાત વધારે હતો.

“બેટા, જેનાથી મુક્ત થવા આવ્યા છીએ એને છાતી સાથે વળગાડીને પાછા જ જવાનું હોય તો આ ફેરો વ્યર્થ છે. ગંગાના કિનારે અસ્થિની જગ્યાએ સ્મૃતિ વિસર્જિત કરીને જવાનું છે.બધી કડવાશ, બધી ફરિયાદો, અભાવોની બધી ગણતરીઓ... અહીં જ મૂકી દઈશ તો જ આ સાચું શ્રાદ્ધ બનશે બેટા...”

“મા, તને ખરેખર લાગે છે કે આ શ્રાદ્ધ...”

હસી પડ્યાં વસુમા. ઊગતા સૂરજનાં કેસરી કિરણો સીધા એમના ચહેરા પર પડતાં હતાં. કેસરી પ્રકાશમાં ચહેરો જાણે દીપકના પ્રકાશમાં કોઈ દેવીમૂર્તિનો ચહેરો હોય એવો લાગતો હતો. સીધા પ્રકાશનાં કિરણો પડવાના કારણે એમની કથ્થઈ આંખો પારદર્શક લાગતી હતી...

“આ લાલ ચંદલો થોડાક જ કલાકોમાં આ કપાળ પર નહીં હોય ?!” અભયને વિચાર આવ્યો. એ માના ચહેરાને ચાંદલા વગર કલ્પી જ શકતો નહોતો... એને જાણે માના કપાળ પરનું કંકુ વેરાતું-વીખરાતું લાગ્યું. એણે આંખો મીચી દીધી અને આંસનું એક ટીપું એના ગાલ પર થઈને એના ગળા સુધી વહી નીકળ્યું...

“શું વિચારે છે ?” વસુમાએ પૂછ્‌યું.

“મા, આ બધી વિધિ સંપન્ન કરીને આપણે પાછા જઈએ અને પછી બાપુ આવે તો ?”

“તો ?” વસુમાના અવાજમાં હિમાલયની ઠંડક અને નિશ્ચલતા હતી. “એમનું ઘર છે, ભલેને આવે.”

“પણ આપણે તો અહીંયા એમનું શ્રાદ્ધ...”

“આ શ્રાદ્ધની વિધિ આપણા સુખ માટે છે દીકરા. આ તર્પણ એમનું નથી, મારું છે. હું અહીં કોઈ સંબંધ પૂરો કરવા નથી આવી, અહીં આવી છું મારો તરફડાટ શાંત કરવા... જે ઘરના દરવાજે હું પચીસ વરસ બેસી રહી ત્યાંથી ઊઠીને હવે મારે બીજું કોઈ કામ કરવું છે, પ્રતીક્ષા સિવાયનું કોઈ કામ ! હું દરવાજા બંધ નથી કરતી, માત્ર ત્યાં બેસી રહેવાનું છોડી દઈશ હવે !”

“પણ મા, એમને કદાચ ખબર પડે કે આપણે આવી રીતે શ્રાદ્ધ...”

“હું જ કહીશ એમને. મને ભય શાનો છે ? આપણે ગુનો નથી કરતા... જે માણસની પ્રતીક્ષા કરી કરીને મારું મન, મારો આત્મા અને મારાં વર્ષો લોહીલુહાણ થતા રહ્યા, એના પર પાટો બાંધવો એ ગુનો છે ?”

પૂર્વમાં સૂરજ ઊગવા લાગ્યો હતો. ગંગાનો પ્રવાહ એમ જ ધસમસતો વહી રહ્યો હતો. વસુમાના અવાજની પાછળ એ ધસમસતા પાણીનો ખળખળ અવાજ જાણે બધી પીડા, બધી પ્રતાડના ધોઈને, વીછળીને આગળ જઈ રહ્યો હતો. અભયનું મન પણ જાણે એ બધી પ્રતાડનાને, એ બધી પીડાને ધીમે ધીમે ઓગાળી રહ્યું હતું. એણે બહુ જ હળવેથી વસુમાના ખભે માથું મૂકી દીધું.

“મા, ક્યારેક વિચારું છું... હું બહુ સારો દીકરો નથી બની શક્યો, નથી સારો પતિ કે નથી ઉત્તમ પિતા...”

વસુમા એકપણ શબ્દ બોલ્યા વિના અભયના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતાં રહ્યાં. મા-દીકરો બંને ખાસ્સી વાર સુધી નિઃશબ્દ બેસી રહ્યાં. સૂરજ ધીરે ધીરે આકાશમાં ઉપર ચડતો રહ્યો અને ગંગાનું કેટલુંય પાણી એમની નજર સામે થઈને વહેતું રહ્યું...

અભય જાણે બાર વર્ષનો થઈ ગયો. પિતા છોડીને ગયા એ સમયની રાત્રીઓ અને દિવસે માએ જે રીતે કાઢ્યા હતા એ બધા જ જાણે અભયની આંખો સામે ગંગાના પ્રવાહ ઉપર તરવરવા લાગ્યા...

વસુમાનો તરફડાટ, એમની પ્રતીક્ષા, લોકોના પ્રશ્નો, લોકોની વીંધતી નજરો, શાળામાં મિત્રો દ્વારા થતી મશ્કરીઓ...

મિત્રોના ઘરે એમના માતા-પિતા દ્વારા પૂછાતા પ્રશ્નો અને કાળજું વીંધી નાખનારા એ સવાલોની પાછળ રહેલી ગોસિપની ઠંડી ચાબૂક... રાત્રે જાગીને હિસાબ લખતી મા, પગારના પૈસા છૂટા છૂટા પાડીને ચૂકવવાનાં બિલોની વ્યવસ્થા કરતી મા. નાની ઉંમરે સાઈકલ ઉપર બેસીને છાપાં નાખવા જતો અજય... અને દિવસે નોકરી કરીને રાતની કૉલેજમાંથી પાછો ફરીને લાશ થઈને ઢળી પડતો એ અભય...

સરકારી નોકરીમાં આઈ.એ.એસ. ઑફિસરના હાથ નીચે પહેલી વાર લીધેલી લાંચ અને છાતી પર અજગરની જેમ ભીંસ દઈને લપેટાતું જતું ગિલ્ટ ! વૈભવીના આઈ.એ.એસ. પિતાની મદદથી શરૂ કરાયેલો ધંધો અને ધીમે ધીમે એના પ્રેમમાં પડતી જતી વૈભવી - ના ન પાડી શકવાના કારણે થઈ ગયેલાં લગ્ન અને છાતી પર રોજ વધતો જતો નાની નાની બેઈમાનીનો ભાર !

અભયને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી.

વસુમા સમજતાં હતાં અભયની આ પીડા, આ શબ્દવિહિન ફરિયાદ... એમને ખબર હતી અભયની નોકરીમાં પહેલાં નાની નાની જરૂરિયાતના કારણે શરૂ થયેલી, અને હવે અભયના પોતાનાથી પણ મોટી થઈ ગયેલી એની બેઈમાની વિશે. એ કશું પણ બોલીને કે કહીને અભયને નાનો કરવા નહોતાં માગતાં, પણ એમને રહી રહીને અફસોસ થઈ આવતો કે જો એમને પહેલે જ દિવસે જાણ થઈ હોત તો એ ત્યાં ને ત્યારે જ અભયને રોકી શક્યા હોત ! વસુમા દૃઢપણે માનતા કે કોઈ જરૂરિયાત આપણા સિદ્ધાંત કે આપણી ઇમાનદારીથી મોટી હોઈ જ શકે નહીં !

અને, અભય પણ જાણતો વસુમાની આ દૃઢ માન્યતા વિશે અને એટલે જ એ વસુમાની સાથે એકાંત ટાળતો. એને હંમેશાં ભય લાગતો કે મા કોઈ પ્રશ્ન પૂછી બેસશે અને પોતાની પાસે એનો સાચો જવાબ નહીં હોય તો શું થશે ?

મા દીકરો બંને જાણે વર્ષો પછી એકબીજાને મળ્યા હોય એમ પીગળી રહ્યાં હતાં. વસુમાની આંખોમાં આંસુ નહોતાં, પણ રૂદન એમના શ્વાસને પણ રૂંધી રહ્યું હતું.

વસુમાએ અભયના વાળમાં ફરતો હાથ હળવેથી એની પીઠ પર ફેરવવા માંડ્યો. શું થયું અભયને કોણ જાણે, પણ એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. સાવ નાના બાળકની જેમ !

બાર વરસની ઉંમરથી છાતીમાં ઊંડે ઊંડે દાટી દીધેલું એ રૂદન જાણે આ ગંગાના કિનારે ફૂટી નીકળ્યું. અભયે જાણે આટલાં વર્ષોની સંચિત ફરિયાદ, સંચિત પીડા, સંચિત અભાવો અને ગિલ્ટને અહીં જ ગંગામાં વહાવી દેવા માગતો હતો. પિતાના આવવાની આશાને એણે માની જેમ જ અહીં ગંગામાં ડૂબાડી દેવાનું અત્યારે, આ ક્ષણે જ નક્કી કરી લીધું.

“હું... હું આવીશ પાછો...” સૂર્યકાંત મહેતાએ કહ્યું અને પછી વધુ સવાલ-જવાબ ન કરવા પડે એટલે બને એટલી ઝડપથી ઊંધા ફરીને ચાલવા માંડ્યું.

સૂર્યકાંતના ગયા પછી દરવાજો બંધ કરીને લજ્જાની શોટ્‌ર્સ અને સ્પગેટી ટૉપ પહેરીને ઊભેલી વૈભવીએ વાળ ઝટકો આપીને પાછળ નાખ્યા... એક સ્મિત સાથે આવીને ફરી સોફામાં ગોઠવાઈ ગઈ.

“કોણ હતું ?” એક બિલ્ડરની પત્ની જે આ કિટીની નિયમિત સભ્ય હતી એણે પૂછ્‌યું. આઠ સભ્યોની આ કિટી દર મહિને બે વાર મળતી... ખાણી-પીણી, પત્તાબાજી, ગોસિપબાજી અને પાંચ-પાંચ હજાર રૂપિયાની બેન્ક કરીને ચિઠ્ઠી કાઢવામાં આવતી. જેના નામે ચિઠ્ઠી નીકળે એ ચાળીસ હજાર રૂપિયા એક સામટા જીતી જતી. વારાફરતી સૌનો વારો આવતો... કિટી સિવાય પત્તામાં પણ હજારોની હાર-જીત થતી... અને વૈભવી માટે આ પ્રસંગ પોતાના નવા ડાયમંડ્‌સ કે ડિઝાઇનર કલેક્‌શન્સ દેખાડવાનો ઉત્તમ સમય હતો. વસુમાની ઘરમાં સતત હાજરીને કારણે વૈભવીએ હંમેશાં પોતાની પાર્ટીઝ હૉટેલના રૂમમાં કે મોટી મોટી રેસ્ટોરન્ટમાં કરવી પડતી...

વસુમાના હરિદ્વાર જવાના કારણે એણે તકનો લાભ લીધો હતો અને આજે અહીં મંડળી જામી હતી...

“કોણ હતું ?” વૈભવીની કિટીની જરા વધુ પંચાતિયણ અને ચિબાવલી બિલ્ડરની પત્નીએ પૂછ્‌યું.

“કોણ જાણે, મારી સાસુને મળવાવાળા પચાસ જણા આંટા મારે છે.”

“તારી સાસુ છે જ એવી યાર ! આ ઉંમરે પણ ફટકો દેખાય છે.”

“એટલે જ મારા સસરા છોડી ગયા, આઈ એમ શ્યોર, કંઈક એવું હશે જે કહેતાં નથી. બાકી આવી ભણેલી-ગણેલી બૈરીને ચાર છોકરાં સાથે કોઈ મૂકી જાય ?” વૈભવીની નજર સામે ફરી એક વાર ઘરના દરવાજે ઊભેલા સૂર્યકાંત મહેતા તરવરી ગયા...

લેટેસ્ટ કટનો ‘અરમાની’નો સૂટ, હાથમાંની ‘રાડો’ ઘડિયાળ, ‘લી કૂપર’ના ઇટાલિયન શૂઝ અને આખા વ્યક્તિત્વમાંથી ટપકતો પૈસો...

“ખોટા જવા દીધા એમને ?” વૈભવીને વિચાર આવી ગયો. “અહીંથી ગયા પછી એવું તે શું કર્યું હશે કે આવા થઈને આવ્યા ? રહેવા દીધા હોત તો કદાચ અમને જ ફાયદો થાત ? કે પછી... દેખાડો હશે બધો ? ઇમ્પ્રેસ કરવા માટે ભાડૂતી લીધું હશે એ બધું...” વૈભવીના મનમાં વિચારો ચાલતા હતા. એ જ વખતે કિટીમાંની એક વધુ પૈસાવાળી ગોસિપમૉન્કરે પૂછ્‌યું,

“યુ મીન લફરું ?”

“ગોડ નોઝ... મને તો એટલી સમજણ પડે છે કે પચીસ વરસમાં એ માણસે પાછળ વળીને નથી જોયું... એનું કોઈ કારણ તો હશે ને ?” વૈભવીએ કહ્યું અને સૂર્યકાંત મહેતાના વિચારોને ખંખેરી કાઢ્યા...

જાનકી ઘરે આવી ત્યારે આખા ડ્રોઈંગરૂમમાં ગ્લાસીસ, પ્લેટ, ખાવાના ટુકડાનો કચરો અને બીજું કંઈ કેટલુંયે વિખરાયેલું હતું... ડ્રોઇંગરૂમ તદૃન અસ્તવ્યસ્ત હતો અને વૈભવી ઉપર પોતાના રૂમમાં જતી રહી હતી.

જાનકીએ પહેલાં બધું સમેટવા માંડ્યું, પછી કોણ જાણે શું વિચાર આવ્યો તે બધું એમ જ મૂકીને ઉપર ચડી ગઈ. વૈભવીના બંધ રૂમના દરવાજે એણે ટકોરા માર્યા.

વૈભવી કોઈની સાથે મોબાઇલ પર વાત કરતી હતી. એણે એ જ સ્થિતિમાં બારણું ખોલ્યું.

“ભાભી, આ બધું નીચે...” અનિચ્છાએ જાનકીનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો.

વૈભવીએ હાથથી ઇશારો કર્યો, “પાંચ મિનિટ...” જાનકી અકળાઈ ગઈ.

“કોણ સાફ કરશે આ બધું ?”

“એક મિનિટ હં... હું તને ફોન કરું.” વૈભવીએ ફોનમાં કહ્યું.પછી ફોન મૂકીને જાનકી સામે એવી રીતે જોયું, જાણે જાનકીએ કોઈ મહાન ગુનો કરી નાખ્યો હોય, “યેસ, શું પ્રોબ્લેમ છે?” એણે જાનકીને પૂછ્‌યું.

“આ નીચે જે બધું...”

“કોઈને બોલાવી લે, સો રૂપિયા આપી દેજે... આઇ મીન હું આપી દઈશ.” વૈભવીએ કહ્યું અને પછી બારણું બંધ કરવાની તૈયારી કરતાં કહ્યું, “બીજું કંઈ ?”

“ભાભી, અત્યારે કોઈ મળશે નહીં.”

“એ મારો પ્રોબ્લેમ નથી.” વૈભવીએ કહ્યું, “કાલે કરાવજે. મને ઉતાવળ નથી.” અને બારણું ઑલમોસ્ટ બંધ કરી દીધું.

“એક મિનિટ !” જાનકીએ બંધ થતાં બારણાને હાથથી રોક્યું, સહેજ જોરથી ધક્કો માર્યો અને કહ્યું, “હું આ બધું નથી કરવાની, કે નથી કરાવવાની... હું હૃદયને લઈને મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું, સાફ થઈ જાય તો મને ફોન કરજો.” અને વૈભવીના જવાબની રાહ જોયા વિના સડસડાટ નીચે ઊતરી ગઈ.

અધખુલ્લા બારણાની વચ્ચે ઊભેલી વૈભવી નીચે ઊતરતી જાનકીને જોઈ રહી...

અને પછી, એણે બારણું ધડામ્‌ દઈને બંધ કર્યું.

બારણું બંધ કરીને વૈભવી પલંગમાં પડી... વિચારવા લાગી. “સૂર્યકાંત મહેતા જો રોકાઈ જાય અને માના પાછા આવ્યા પછી ફરી આવી પડે તો શું કરવું ? ત્યારે મેં એમને કાઢી મૂક્યા હતા આ વાત અછતી નહીં રહે...”

વૈભવીનું મગજ દસ ગણી ઝડપે ચાલી રહ્યું હતું. આ આખીયે વાતને કઈ રીતે ગોઠવવી અથવા કઈ વાતના છેદ કઈ રીતે ઉડાડવા એ એની ગણતરીઓ એના મગજમાં ગોઠવાવા લાગી. એ ઝટકાથી ઊભી થઈ. બારણું ખોલીને સડસડાટ નીચે ઊતરી...

જાનકી પોતાના કમરામાં હૃદયને તૈયાર કરી રહી હતી.

વૈભવી એના દરવાજે જઈને ઊભી રહી. પછી જાનકીને કહ્યું, “તું ખરેખર બહાર જાય છે ?”

“તો શું કરું ? અહીં રહીને સફાઈ કરું ?”

“સૉરી યાર, ચલ બંને મળીને કરી નાખીએ... અચ્છા, વેઈટ, હું પપ્પાને ફોન કરું છું. ડ્રાઇવરની સાથે માણસ મોકલી આપશે. બહાર નહીં જા.” પછી અવાજમાં એક કિલો મધ ઉમેરીને કહ્યું, “પ્લીઝ...”

જાનકી એની સામે જોઈ રહી. એ વૈભવીને નહોતી ઓળખતી એવું નહોતું. એવું પણ સમજતી હતી કે આની પાછળ વૈભવીની કોઈ ચાલ હશે અને છતાં ફાલતું કારણસર પોતાના ઘરની બહાર જવાની વાત એનેય નહોતી ગમતી, એટલે એણે ટાળી દીધી. “સારું...” એણે કહ્યું.

પછી વૈભવીએ બહુ જ સાવચેતીપૂર્વક અને સમજી સમજીને ડગલાં મૂકવા માંડ્યાં... “કોઈ આવ્યું હતું, વસુમાને મળવા.”

“કોણ ?” જાનકીને ધ્રાસકો પડ્યો.

“મને ખબર નથી, એમણે એમનું નામ પણ ના કહ્યું.”

“પપ્પાજી હતા ?”

હસી પડી વૈભવી. “આવનારો દરેક માણસ પપ્પાજી ના હોય, સ્વીટહાર્ટ !”

“તેં ફોટો જોયો છે, એવા લાગતા હતા ?”

“જો, હું પાર્ટીમાં બિઝી હતી. મને કંઈ ધ્યાનથી જોવાનો સમય નથી મળ્યો, પણ... નાઈસ જેન્ટલમેન ! મા માટે પૂછ્‌યું...”

“તમે શું કહ્યું ?”

“શું કહેવાનું ? ડિસ્કોથેકમાં ગયા છે ?! જ્યાં ગયા છે તે કહ્યું.”

“એટલે તમે એવું કહ્યું કે શ્રાદ્ધ કરવા હરિદ્વાર ગયા છે ?”

“અફકોર્સ...” વૈભવીએ કહ્યું ખભા ઉછાળીને, અને જાનકી કંઈ બોલે એ પહલાં ફોન જોડવા લાગી... “હેલ્લો ડેડી...”

જાનકી વિચલિત થઈ ગઈ. કોણ જાણે કેમ એના મનમાં એક ફાળ પડી ગઈ...

“ખરેખર સૂર્યકાંત મહેતા આવ્યા હશે તો ? શ્રાદ્ધની વાત જાણીને પાછા જતા રહેશે તો શું જવાબ આપીશ હું, માને ?”

સૂર્યકાંત મહેતાને, પોતાના પિતાને આટલા વિચલિત લક્ષ્મીએ ભાગ્યે જ જોયા હતા. વિલે પાર્લે જઈને પાછા આવેલા પિતાના ચહેરા પરથી જાણે નૂર ઊડી ગયું હતું... અને છતાં અવાજમાં મક્કમતા ઊભરાઈને છલકાઈ જાય એવા અવાજે કહ્યું હતું, “મને લાગે છે તારી વાત સાચી છે બેટા. વસુ પાછી આવે ત્યાં સુધી તો હું રાહ જોઈશ જ. અહીં સુધી આવ્યો છું તો મળીને તો જઈશ જ...”

એ પછી બાપ-દીકરી ક્યાંય સુધી એકબીજાની સાથે ચૂપચાપ બેસી રહ્યાં. બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

લક્ષ્મીએ પિતાને કહ્યું, “ચલો, કૉફી પીએ.”

સૂર્યકાંતે અન્યમનસ્કની જેમ કહ્યું, “ઑર્ડર કરી દે.”

લક્ષ્મીએ પિતાનો મૂડ બદલવાના ઇરાદાથી એમને કહ્યું, “ના, ઑર્ડર નહીં, આપણે કૉફી શોપમાં જોઈએ. બહાર નીકળીશું તો જરા મૂડ પણ બદલાશે.”

સૂર્યકાંતની બહુ ઇચ્છા નહોતી, પણ દીકરીનું મન રાખવા એ ઊભા થયા.

“પાંચ મિનિટ... હું જરા ચેન્જ કરી લઉં.” જીન્સ અને ટી-શર્ટમાં સજ્જ થઈ સૂર્યકાંત દીકરીની સાથે નીચે જવા લિફ્‌ટમાં દાખલ થયા ત્યારે સાંજના પોણા સાત થયા હતા. બાપ-દીકરી સી-લોંજની કૉફી શોપમાં દાખલ થયાં ત્યારે નિરવ બહાર પડી રહેલા એકધારા વરસાદનો જોતો સ્કેચ બનાવવામાં મગ્ન હતો. એ જોતો હતો વરસાદ અને ચીતરી રહ્યો હતો કંઈ બીજું જ. એની આંખોમાં ભરાઈ બેઠેલી પેલી બે રાખોડી આંખો કેમે કરી એનોે પીછો નહોતી છોડતી. આંખોના એ અજબ જેવા રાખોડી રંગને કાગળ પર ઉતારવા નિરવ એકધારી મહેનત કરી રહ્યો હતો. બારેક પાનાં બગડી ચૂક્યાં હતાં, પણ હજુ સુધી નિરવને સંતોષ થાય એવો સ્કેચ બની શક્યો નહોતો.

લક્ષ્મી અને સૂર્યકાંત સી-લૉંજમાં દાખલ થઈને એક ખૂણાના ટેબલ પર બેઠાં. સદ્‌ભાગ્યે કે દુર્ભાગ્યે લક્ષ્મીનું ધ્યાન હજુ સુધી નિરવ પર નહોતું પડ્યું. એ પિતાનો મૂડ ઠીક કરવાના ઇરાદાથી જ અહીં આવી હતી. એટલે એ જાતજાતની વાતો કરીને પિતાનું મન બહેલાવવાની કોશિશ કરી રહી હતી. એના હાથમાં અત્યારે પણ પેલું પુસ્તક એણે પકડી રાખ્યું હતું.

બંને જણા વાતો કરી રહ્યા હતા. કોણ જાણે કેમ અચાનક જ નિરવને લાગ્યું કે હવે આ સ્કેચ નહીં બને. એ ઊભો થઈ ગયો. બધા કાગળિયા સમેટીને કૉફી શૉપની બહાર નીકળવા માટે મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા બેધ્યાનપણે એ બહારની તરફનો વરસાદ જોતો હતો. એ જ વખતે કૉફી શૉપમાં દાખલ થતાં યુગલમાંની છોકરી સાથે અથડાયો. એના અથડાવાની સાથે એના હાથમાંના બધા કાગળિયા વિખરાઈ ગયા... અને એ જ વખતે લક્ષ્મીએ પાછળ જોયું- વેઈટરને બોલાવવા. નિરવ નીચો વળીને કાગળિયા એકઠો કરતો હતો. એની પીઠ લક્ષ્મી તરફ હતી. એ જ વ્હાઇટ લિનનનું શર્ટ કોણી સુધી બાંય વાળીને પહેરેલું... અને એ જ પેપેનું બ્લ્યુ જીન્સ... લક્ષ્મી ઊભી થઈ અને નિરવ તરફ આગળ વધી. નિરવે બરાબર એ જ વખતે કાગળિયા એકઠા કરી લીધા હતા એટલે એ ઊભો થયો. એના ઊભા થવું અને લક્ષ્મીનું એના સુધી પહોંચવું લગભગ સાથે સાથે બન્યું. નિરવે ઊભા થતાંની સાથે એની પાછળ સુધી આવી પહોંચેલી લક્ષ્મીને જોઈ.

“હાય...” નિરવે કહ્યું.

“હાય...” લક્ષ્મીએ સહેજ સંકોચાઈને જવાબ વાળ્યો અને પછી નજર સહેજ નીચી ઢાળીને કહ્યું, “થેન્ક યુ...”

“કેવું છે પુસ્તક ?” નિરવે પૂછ્‌યું.

“શરૂઆત તો સારી છે.” લક્ષ્મીએ કહ્યું.

“તો અંત પણ સારો જ હશે.” નિરવે કહ્યું.

“તમે સ્કેચ કરો છો ?” લક્ષ્મીએ એના હાથમાં રહેલા કાગળિયા અને ઢગલાબંધ પેન્સિલો જોઈને પૂછ્‌યું.

“પ્રયત્ન કરું છું.” નિરવે કહ્યું.

“કેન આઇ સી ?” લક્ષ્મીએ પૂછ્‌યું.

હવે નિરવ પાસે એને એ કાગળિયા સોંપી દીધા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એણે કાગળિયાનો આખો થપ્પો લક્ષ્મીના હાથમાં આપી દીધો અને પોતે બહારનો વરસાદ જોતો ઊભો રહી ગયો. લક્ષ્મીએ એક પછી એક પાનું ફેરવવા માંડ્યું.

એના ચહેરાના રંગો બદલાતા ગયા...

નિરવ જાણે એની તરફ જોવા જ નહોતો માગતો. સી-લાઉન્જની કાચની દીવાલની બહાર દરિયો તોફાને ચડ્યો હતો. મોટાં મોટાં મોજાં ઊછળીને ગેટ-વે ઑફ ઇન્ડિયાની પાળીઓ સાથે અથડાઈને ફીણ ફીણ થઈને વિખરાઈ જતા હતાં. દરિયો જાણે આકાશને અડવા માગતો હોય એમ ઊછળી ઊછળીને પોતાનો હાથ લંબાવતો હતો અને આકાશ જાણે આજે ખારા દરિયાને મીઠો કરી નાખવાનું હોય એવી રીતે ધોધમાર મુશળધાર વરસી રહ્યું હતું!

“હું આ રાખું ?” લક્ષ્મીએ પૂછ્‌યું. એનો અવાજ પણ જાણે વરસાદથી ભીંજાઈ રહ્યો હતો.

“હેં ?” એકીટશે બહારનો વરસાદ જોઈ રહેલા નિરવે ચોંકીને પૂછ્‌યું.

“હું આ... સ્કેચિસ મારી પાસે રાખું ?”

“રાખો... પણ બહુ સારા નથી થયા...”

“વેલ, મને ગમ્યા.”

“તો રાખો. મને નથી ગમ્યા, છતાં ફાડવાની હિંમત ના થઈ.”

“આના પર કંઈ લખી આપશો ?”

“શું ?” નિરવને પોતે શું બોલી રહ્યો છે એ જ નહોતું સમજાતું.

“કંઈ પણ... તમારો ઓટોગ્રાફ... જે તમે બુકમાં કરવાનું ભૂલી ગયા છો.”

“હું કંઈ પેઇન્ટર નથી.” નિરવે કહ્યું.

“જાણું છું.” લક્ષ્મીએ કહ્યું.

“કેવી રીતે ?” નિરવે પૂછ્‌યું.

“કોઈ પણ પેઇન્ટર પૈસા લીધા વિના પોતાના સ્કેચ આટલી સરળતાથી કોઈને આપે નહીં...” લક્ષ્મી હસી પડી. નિરવે આસપાસ જોયું. સી-લાઉન્જમાં અચાનક આટલાં બધાં વાયોલિન ક્યાંથી વાગવા માંડ્યાં !!!

... અને પછી હસીને એણે ઉપરનો એક સ્કેચ હાથમાં લીધો. જેમાં ફક્ત બે આંખો જ હતી. તગતગતા કપાળ ઉપર ધસી આવેલી સોનેરી લટો અને એની નીચે લાંબી લાંબી પાંપણો સાથેની રાખોડી આંખોની એક જોડી... નિરવ ઘડીભર જોઈ રહ્યો એ સ્કેચને અને પછી એણે લખ્યું, “તું બરફની જેમ હાથને થીજવી દે છે અને એક ન સમજાય એવું દર્દ આપીને મારું ચિત્ર અધૂરું છોડાવે છે. તારી સાવ-ખુલ્લી નિર્દોષ આંખોનો ક્લોઝ-અપ મને કશુંય કરવા માટે...ઝ્રર્ઙ્મજી કરી દે છે-” અને પછી સહી કરતા પહેલાં લક્ષ્મી સામે જોયું ને પૂછ્‌યું, “મારું નામ શું છે ?!”

લક્ષ્મી ફરી હસી પડી... ને એણે કહ્યું, “મને શું ખબર ?” ક્યારની ઊભી થઈને ગયેલી લક્ષ્મી હજુ પાછી ન ફરી એટલે બરાબર એ જ વખતે સૂર્યકાંતે પાછળ જોયું.

નિરવની સામે ઊભી રહીને હસતી લક્ષ્મીને જોઈને સૂર્યકાંત પણ ઊભા થયા અને બંનેની પાસે આવી ગયા. લક્ષ્મીના હાસ્યથી અવાચક થઈને એની સામે જોઈ રહેલો નિરવ સૂર્યકાંતને સામે જોઈને સાવ ચિત્તભ્રમ જેવો થઈ ગયો.

કોણ હતું આ ?

જેની પ્રતીક્ષાની ચાદર ઓઢીને વર્ષોથી સૂતેલું એક હૃદય આજે એના વિશ્વાસ અને શ્રદ્ધાને ગંગામાં વહાવવા ગયું હતું, ત્યારે આ માણસ અહીં શું કરતો હતો ?

આ ચહેરો જોવા માટે કોઈકે વેદનાને રાત-દિવસ ઘૂંટી હતી, એ ચહેરો આજે આમ એની નજર સામે ખરેખર ઊભો હતો ?

એના મગજમાં વસુમાના ઘરમાં ડ્રોઇંગરૂમમાં જોયેલો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ઝૂલવા લાગ્યો...

એનું મગજ જાણે કામ કરતું અટકી ગયું.

(ક્રમશઃ)