આરુદ્ધ an eternal love - ભાગ-૨૫ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરુદ્ધ an eternal love - ભાગ-૨૫

પોતાની સામે એકીટસે જોઈ રહેલા દાદીને જોઈને આર્યા ગભરાઈ.

"બેટાજી, તમે અનાથઆશ્રમમાંથી આવ્યા છો એટલે આવા કપડાં પહેરો એ સ્વાભાવિક છે, પરંતુ હવે તમે આ રાજવી કુળના વધુ બનનાર છો, તો પછી હવે કપડા પણ અમારી રીતે જ પહેરો." આર્યાના શક મુજબ દાદીજીને અણગમો હતો કે પોતે અનાથ છે. આવું એની સાથે પહેલીવાર બન્યું ન હતું એટલે એને કંઈ ખાસ દુઃખ થયું નહીં. દાદીજીનું ચાલે તો એ અનિરૂદ્ધ સાથે આર્યાના લગ્ન જ થવા ન દે પરંતુ બધા નિર્ણય દાદાજીના હસ્તે હતા.

બાજુમાં ઊભેલા અનિરુદ્ધના મમ્મી બધું સમજતા હતા, પરંતુ એ દાદીજી સામે કદી બોલતા નહીં.

"તને બહાર કપડા લેવા મોકલીશ તો તું ફરી આવા જ પસંદ કરીને આવીશ, રીવા દુકાનવાળાને ફોન કર કે કપડા લઈને અહીં આવે. હજુ તો તારે આ મહેલની ઘરેડમાં ઘડાતા દિવસો લાગી જશે."

દાદીજી ગયા પછી મમ્મીજી નજીક આવ્યા,
"માણસની ઓળખાણ તો એના ચારિત્ર્ય અને સ્વભાવથી જ હોય છે, તું જરા પણ ખોટું ના લગાડીશ બેટા! દાદીજીની જીભ એવી છે પરંતુ એમનું હૃદય સાફ છે."

***

આર્યા અને રીવા બંને સોફા પર બેઠી બેઠી કપડા પસંદ કરી રહી હતી ત્યાં આર્યાના કાને પરિચિત અવાજ પડ્યો અને તે અચંબિત થઈ ગઈ, કારણ કે એ અવાજ અનન્યાનો હતો.

"અનિ, મને તો ફોન આવ્યો હતો કે કોઈ રજવાડી પરિવારના લગ્નની ઇવેન્ટ છે, તને જોઈને તો હું એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ. મારી ઇચ્છા હતી કે હું આપણા બન્નેના લગ્નનું પ્લાનિંગ કરું, પણ માય બેડ લક. બાય ધ વે, હું અહીં છું ત્યાં સુધી તારે મને સમય પણ આપવો પડશે અને અહીંની બધી જગ્યાઓ પણ બતાવવી પડશે. ઈટ્સ અ ફ્રેન્ડસ દાદાગીરી."

અનિરુદ્ધ અને અનન્યા વાતો કરતાં ત્યાંથી પસાર થયા, આજ સુધી અનિરુદ્ધ-અનન્યાને સાથે જોઈને આર્યાને કશો ફરક પડતો નહીં, પરંતુ આજે એ બંનેને સાથે જોઈને એને ગમ્યું નહીં. એમ રીવાને પણ ગમ્યું નહીં.

"ભાભી, આ કેટલી બેશરમ છોકરી છે! આપણે છીએ તો પણ ભાઈનો હાથ પકડીને ફરે છે. અને ભાઈ પણ.. એને આટલી બધી છૂટ શા માટે આપી છે?"

"એ બંને ખૂબ સારા મિત્રો છે. હશે.. આપણે આપણું કામ કરીએ."

***

"મારા દીકરાના લગ્ન એ અનાથ છોકરી સાથે થાય એ વાત મને બિલકુલ ગમતી નથી. તારી પાસે થોડા દિવસોનો સમય છે, પુરા પ્રયત્નો કર. તારા અને અનિરુદ્ધ ના લગ્ન થશે તો સહુથી વધારે ખુશ હું હોઈશ."

"જી દાદી, હું પૂરતા પ્રયત્નો કરીશ."

દાદીજી અનન્યાને સમજાવી રહ્યા હતા. રીવા એ રૂમની બહાર ઊભી ઊભી એમની વાતો સાંભળી રહી હતી.

***

"ભાભી, કંટાળો આવે છે, બધા લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે, ચાલોને જંગલમાં આટો મારવા જઈએ!"

"રીવાબા, કંટાળો તો મને પણ આવે છે પરંતુ આપણે જઈશું તો બધા ખીજાશે, મમ્મીજીએ મને લગ્ન ન થાય ત્યાં સુધી ઘર બહાર નીકળવાની ના પાડી છે. અને આપણે લઈ કોણ જશે ત્યાં?"

"એ બધું મારા પર છોડી દો."

રીવાએ ગાડી ની ગોઠવણ કરી નાખી, એ બન્ને નીકળી પણ ગઈ. એ બંનેને મુક્તપણે હરવું ફરવું હતું, એથી જંગલ શરૂ થયું ત્યાં ગાડી ઉભી રખાવી. એ બંનેને એકલા મૂકીને જતા ડ્રાઈવર ડરતો હતો પરંતુ રીવાની જિદ સામે કોઈનું ચાલતું નહોતું.

જંગલ નું વાતાવરણ એકદમ આહ્લાદક હતું, ચોમાસુ ગયું હતું એટલે હરિયાળીનો પાર ન હતો. બંને હાથ પકડીને ફરી રહી હતી અને રીવા ના ફોનમાં ફોટાઓ પાડી રહી હતી. આર્યા પોતાના જીવન વિશે વિચારી રહી, એ ક્યાં હતી અને ક્યાં આવી ગઈ હતી! માત્ર બે દિવસમાં જ એને માતા-પિતા મળ્યા હતા, રીવા જેવી પ્રેમાળ નણંદ અને એવો જ પ્રેમાળ આખો પરિવાર મળ્યો હતો. પણ અનિરુદ્ધ!! એ તો હવે પોતાના થી પણ વધારે જીદે ભરાઈને બેઠો હતો.

વિચારોમાં ને વિચારોમાં આર્યા ચાલી રહી હતી, રીવા એની સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી. આગળ વધુ સારી ઝાડી છે એ જોતાં જોતાં આર્યા જંગલી કૂતરાઓના વિસ્તાર તરફ આગળ વધી રહી હતી. એ જગ્યા વિશે રીવા જાણતી હતી, એનું અચાનક આર્યા તરફ ધ્યાન ગયું પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

ભાભી.... ત્યાં જશો નહિં.... ત્યાં જંગલી કૂતરાઓ છે...એવી રીવાની બૂમો આર્યાએ સાંભળી અને સાથે સાથે જંગલી કૂતરાઓએ પણ સાંભળી. આર્યા એકદમ ભાગવા લાગી અને જંગલી કૂતરાઓ એકદમ સાબદા થયા. એ બંને હાથ પકડીને દોડવા લાગી, એમના દોડવાથી જંગલી કૂતરા ઉશ્કેરાયા અને એ એમની પાછળ થયા.

"ભાભી ડરશો નહીં.... દોડતા દોડતા એક લાકડા જેવી વસ્તુ ઉપાડી લો. હું પણ ઉપાડી લઉં છું એક લાકડું. પછી આપણે બંને સાથે જ ઉભા રહી જશું અને કૂતરાઓને સામે ઉગામીશુ, કદાચ એ જતા રહેશે."

વાતો કરવાનો કે પ્રશ્નો પૂછવાનો સમય ન હતો, એ બંને લાકડું લીધું અને પછી ઊભી રહી ગઈ. એ બંનેના ઊભા રહેવાથી કુતરાઓ પણ ઊભા રહી ગયા પરંતુ એ ત્યાંથી ગયા નહીં. આજે એ શિકાર કરવાનો નિશ્ચય કરીને આવ્યા હોય એમ લાળ ટપકતા મોઢે ઘૂરકીયા કરી રહ્યા. જોર જોરથી ભસવા લાગ્યા, એમના અવાજે આખું જંગલ ગજવી દીધું.

બંનેમાંથી એક પણને બોલવાના હોંશ રહ્યા ન હતા, રિવા તો આ બધાથી પરિચિત હતી પરંતુ આર્યાએ પોતાની જીંદગીમાં પહેલીવાર આવો અનુભવ કર્યો હતો, એ સખત રીતે ડરી ગઈ હતી. એણે એની આંખો પણ બંધ કરી લીધી, કારણકે હવે ત્યાંથી ભાગવામાં વધારે જોખમ હતું.

અચાનક એક ધડાકો થયો, કુતરાઓ ડરી ગયા અને એથી પણ વધારે આર્યા ડરી ગઈ. કુતરાઓ ભાગ્યા અને આર્યાએ જોયું તો પચ્ચીસેક ફૂટ દૂર અનિરુદ્ધ ઉભો હતો અને એના હાથમાં બંદૂક હતી જે એણે હવામાં ચલાવેલી. એના અવાજથી કૂતરાઓ ડરી ગયા.

ડરી ગયેલી આર્યા દોડી અને જઈને અનિરુદ્ધને વળગી પડી, એની બાજુમાં ઊભેલી અનન્યાની આંખો પહોળી થઇ અને રીમા ખુશ થઈ. અનિરુદ્ધે બંદૂક કમરે લગાવી દીધી. એના મોં પર સ્મિત આવી ગયું.

"કહ્યું હતું ને કે એક દિવસ દોડતી આવશે, આવવું પડ્યું ને!" કહીને અનિરુદ્ધે પોતાના બંને હાથ આર્યા ફરતે વીંટાળી દીધા.

"તમને ખબર છે, મને કેટલો ડર લાગતો હતો?" આર્યાએ પોતાના બંને હાથ વડે અનિરુદ્ધના કોલર કચકચાવી ને પકડી રાખ્યા હતા.

"હવે કેમ લાગે છે?" કરીને અનિરુદ્ધે આર્યા પરની પકડ વધારી.

અચાનક એનું ધ્યાન ગયું કે ડરમાં ને ડરમાં એ અનિરુદ્ધને વળગી પડી હતી, એણે છૂટવાની કોશિશ કરી પરંતુ અનિરુદ્ધે એને છોડી નહીં.

"મેરે પાસ કોઈ આતા તો હૈ ઉસકી મરજી સે લેકિન જાતા હૈ મેરી મરજી સે." કહીને અનિરુદ્ધે પ્રેમાળ નજરે આર્યા સામે જોયું.

એ બંનેનો ઝઘડાવાળો પ્રેમ જોઈને રીવા અનન્યાને હાથ પકડીને થોડી દૂર ઊભેલી ગાડી પાસે લઇ ગઈ, પરંતુ અનન્યાનો જીવ તો ત્યાં જ હતો.

આખરે અનિરુદ્ધે એને છોડી, એ થોડી દૂર ખસી. અનિરુદ્ધ એકીટશે એની સામે જોઈ રહ્યો. એના ગાલ પર પડેલા શરમના શેરડા, એની નીચે નમેલી આંખો, એના હોઠ પર આવી ગયેલું આછું આછું સ્મિત, ઊડીને ગાલ પર આવી ગયેલા વાળ.... અનિરુદ્ધ પોતાની નજરને રોકી શકતો ન હતો.

એ આગળ વધ્યો, એણે ઊડીને ગાલ પર આવી ગયેલા આર્યાના વાળ સરખા કર્યા, પોતાના બંને હાથ એના ગાલ પર રાખીને કહ્યું,

"જ્યાં સુધી છું ત્યાં સુધી તારે કોઈથી ડરવાની જરૂર નથી, હંમેશા તારી સાથે છું, આ વચન તો હું તને લગ્નની વિધિ પહેલા જ આપું છું."

આર્યાની આંખોમાં આનંદના આંસુ ડોકાઈ ગયા, અનિરુદ્ધે એ પોતાના હાથ વડે એને લૂછ્યા અને એનો હાથ પકડીને ગાડી ભણી ચાલતો થયો.

રિવાને જંગલમાં ફરવાનો બિલકુલ શોખ ન હતો, પરંતુ એ અનન્યાની વાત સાંભળી ગઈ હતી, અને એથી જ આર્યાને જંગલમાં લઈ આવી હતી. કુદરત પણ આર્યા અને અનિરુદ્ધ સાથે હતી, આજે એવી ઘટના બની હતી કે એના લીધે ફૂટેલો કૂણો અંકુર છોડ બની રહ્યો હતો.

ક્રમશઃ