Rudra ni premkahaani - 2 - 23 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 23

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૩

મેઘના જે શંકાભરી નજરે પોતાને નિહાળી રહી હતી એ રુદ્ર માટે અસહ્ય હતું. પોતાનો પ્રેમ આજે પોતાને એ સવાલો કરી રહ્યો હતો જેનાં જવાબ આપવા રુદ્ર અત્યારે ઈચ્છતો નહોતો. છતાં જે રીતે થોડાં દિવસોમાં એની અને મેઘનાની વચ્ચે જે કંઈપણ થયું છે એ અંગે વિચાર આવતાં જ રુદ્રને થયું કે જે યુવતી પોતાને સંપૂર્ણ સમર્પિત હોય એને સઘળું સત્ય કહી દેવું જોઈએ.

રુદ્રએ પોતાની વાતને કઈ રીતે મેઘના સમક્ષ રજુ કરવી એ મનોમન નક્કી કર્યું અને મેઘનાની આંખમાં આંખ પરોવીને બોલ્યો.

"મેઘના તું સાચું કહે છે. મારું નામ વીરા નથી."

રુદ્રના આમ બોલતાં જ મેઘનાએ પોતાનું ધ્યાન એનાં શબ્દો પર કેન્દ્રિત કર્યું.

"મારું નામ રુદ્ર છે અને હું પાતાળનરેશ દેવદત્તનો પુત્ર અને નિમલોકનો ભાવિ ઉત્તરાધિકારી છું."

રુદ્રએ હજુ તો પોતાની વાત પૂરી જ કરી હતી ત્યાં તો મેઘનાની આંખોમાં આંસુ અને ચહેરા પર ક્રોધ દ્રશ્યમાન થઈ ચૂક્યાં હતાં. એને રુદ્ર તરફ ગુસ્સાભરી નજરે જોયું અને કહ્યું.

"આટલું મોટું જુઠાણું ચલાવવાનું કારણ? હું તો તને મારું સર્વસ્વ સોંપી બેઠી છું તો પણ તે તારી ઓળખ મારાંથી છુપાવી. તને મારાં પ્રેમ ઉપર એટલો પણ ભરોસો નહોતો!"

"મેઘના, હું તને સત્ય જણાવવાનો જ હતો પણ હું કઈ રીતે કહું એ નહોતું સમજાતું. બીજું એ કે સત્ય જાણ્યાં પછી જો તું મને તારો દુશ્મન સમજે તો મારી યોજના અધૂરી જ રહી જાય." રુદ્ર ગળગળા અવાજે બોલ્યો.

"યોજના? મતલબ વૈદ્યરાજ સાચું જ કહેતાં હતાં કે તું કોઈ ષડયંત્રનાં ભાગરૂપે અહીં આવ્યો છે?" મેઘનાનાં અવાજમાં રહેલો આક્રોશ સાફ અનુભવાતો હતો.

"મારી યોજનાને ષડયંત્ર નામ આપવું ઉચિત નથી. હું જે કામ કરવા આવ્યો છે એ કોઈ ષડયંત્ર નથી. ષડયંત્ર તો એને કહેવાય જેમાં કોઈનું અહિત હોય, જ્યારે હું જે યોજના લઈને આવ્યો છું એમાં લાખો નિમવાસીઓનું હિત છુપાયેલું છે." રુદ્રના અવાજમાં રહેલો સચ્ચાઈનો રણકો મેઘના અનુભવી શકતી હતી.

"મને જણાવીશ કે આખરે તારી યોજના છે શું?" મેઘનાએ પોતાની આંખમાં આવેલાં આંસુ લૂછતાં કહ્યું.

મેઘનાએ પૂછેલા આ પ્રશ્નનાં ઉત્તરમાં રુદ્રએ મેઘનાને પોતાનાં અહીં આવવાનું કારણ જણાવવાનું શરૂ કર્યું.યક્ષરાજ બકારની ઉત્તપત્તિ, દેવતાઓનું ષડયંત્ર, મહાદેવ દ્વારા બકારનો વધ, નિમલોકો પર બકાર વધની અસર, મેઘનાનાં દાદા રત્નરાજની આગેવાનીમાં પૃથ્વીલોકનાં રાજાઓ દ્વારા પાતાળલોકમાં કરવામાં આવેલો હુમલો અને એ હુમલાને યુદ્ધનું નામ આપી વિજય સ્વરૂપે નિમલોકો પર કરવામાં આવેલી અન્યાયી સંધિ એ દરેક ઘટના અંગે વિગતે રુદ્રએ મેઘનાને જણાવ્યું.

મેઘના મનુષ્યો અને નિમલોકો વિશે થયેલાં યુદ્ધ વિશે જાણતી હતી. પણ એને એવું જણાવાયું હતું કે નિમલોકોની ટુકડીઓ પૃથ્વીલોક પર આવી મનુષ્યોનું ભક્ષણ કરતી હતી એટલે ના છૂટકે એમની વિરુદ્ધ યુદ્ધ કરવું પડ્યું. રુદ્રની વાત સાંભળી મેઘનાને નિમલોકો પ્રત્યે દયાની લાગણી થઈ અને રુદ્રનો હાથ પોતાનાં હાથમાં લઈને બોલી.

"મનુષ્યોએ પોતાની લાલચમાં અંધ થઈને નિમલોકો પર જે અન્યાય કર્યો છે એ ખરેખર નિંદનીય છે. અને એનાં કરતાં પણ વધુ નિંદનીય છે એમનાં દ્વારા પોતાનાં આ યુદ્ધને ઉચિત કહેવું. રુદ્ર, મારી સહાનુભૂતિ સદાય તમારાં લોકો જોડે છે પણ હજુ તે એ નથી જણાવ્યું કે તારી યોજના શું છે?"

"હું અને મારાં બે મિત્રો ઈશાન તથા શતાયુ કુંભમેળામાં જવાનું બહાનું બનાવીને અહીં પૃથ્વીલોક પર એ માટે જ આવ્યાં હતાં કે અમે નિમલોકો જોડે થયેલી અન્યાયી સંધિનો નાશ કરવા માંગતા હતાં."

"એ યુદ્ધ તારા દાદા રત્નરાજની આગેવાનીમાં લડાયું હોવાથી એ સંધિ નક્કી તમારાં રાજ્યમાં જ ક્યાંક હોવી જોઈએ એવું મારું પૂર્વાનુમાન હતું. આથી જ હું અને મારાં મિત્રો અહીં સુધી આવી પહોંચ્યાં." રુદ્રએ પોતાની યોજના અંગે ટૂંકમાં જણાવ્યું.

"તો તમને મળી એ સંધિ?"

"ના, રાજમહેલનો દરેક ખૂણેખૂણે જોઈ લીધાં પછી પણ હજુ એ સંધિ અમારાં હાથમાં નથી આવી. એકવાર એ સંધિનો નાશ કરી દઉં એટલે મારાં રાજ્યનાં તમામ લોકોને એ અન્યાયી સંધિમાંથી સદાયને માટે છુટકારો મળી જશે."

રુદ્રની વાત શાંતિથી સાંભળી લીધાં બાદ મેઘનાએ કહ્યું.

"રુદ્ર, તો જે કાર્ય કરવા આવ્યો છે એમાં તું અવશ્ય સફળ થઈશ એવો મને વિશ્વાસ છે."

"પણ મેઘના, મારે શક્ય એટલી ઝડપે એ સંધિ શોધવી જ પડશે કેમકે આજે નહીં તો કાલે મારી ઓળખ બધાં આગળ અવશ્ય છતી થઈ જ જશે. હું એ સંધિને ક્યાં શોધું એ જ સમજાતું નથી?" રુદ્રના અવાજમાં મૂંઝવણ સાફ વર્તાતી હતી.

"તું ચિંતા ના કર. હું એ સંધિ ક્યાં છે એની માહિતી ક્યાંકથી મેળવીને તને એ અંગે જણાવું.!" મનોમન કંઈક વિચારીને મેઘના બોલી.

"પણ તું ક્યાંથી જાણી શકીશ કે આખરે એ સંધિ ક્યાં છે?" પ્રશ્નસૂચક નજરે મેઘનાની તરફ જોતાં રુદ્ર બોલ્યો.

"એ તું મારી પણ છોડી દે. અત્યારે તું અહીંથી તારા કક્ષમાં જઈને ત્યાં શાંતિથી આરામ કર પછી આગળ શું કરવું એ વિચારીએ." મેઘનાનાં અવાજમાં રુદ્ર તરફની લાગણી સાફ વર્તાતી હતી.

"મેઘના, મને માફ કરી દે. મેં તારાથી મારી સાચી ઓળખાણ છુપાવી એનો મને ખેદ છે. પણ મારી જોડે બીજો કોઈ રસ્તો જ નહોતો." મેઘનાના બંને હાથ ફરતે પોતાનાં હાથ વીંટાળી રુદ્ર બોલ્યો.

"જે થઈ ગયું એ વિશે ભૂલી જા! હવે એ વિચાર કે આગળ શું કરવાનું છે. બીજી એક વાત કે તું એ ના ભૂલતો કે એકવાર તારો જીવ લેવાની કોશિશ કરવામાં આવી છે. જેનો અર્થ એ છે કે રાજમહેલમાં જ તારો કોઈ શત્રુ છે."

"મને ખબર છે કે મારો એ શત્રુ કોણ છે જેને મારી હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવાની કોશિશ કરી છે. પણ એનું મારે શું કરવાનું છે એ પછીની વાત છે." પોતે આખરે શું કરવાનો હતો એ રુદ્રના ચહેરા પર આવેલાં મક્કમ ભાવો પરથી સાફ માલુમ પડતું હતું.

"હું વૈદ્યરાજને મળીને તને તારાં કક્ષમાં મોકલવાની ગોઠવણ કરાવું." રુદ્રના ગાલ પર હળવેકથી સ્પર્શ કરીને મેઘના ત્યાંથી ઉભી થઈને બહાર જવા અગ્રેસર થઈ.

*********

મધ્યાહ્નન પહેલાં રુદ્રને પોતાનાં કક્ષમાં મોકલવાની વ્યવસ્થા કરી મેઘના પોતાનાં કક્ષમાં આવી પહોંચી. રુદ્રના ત્યાં પહોંચતાં જ શતાયુ, ઈશાન અને દુર્વા રુદ્રના હાલચાલ પૂછવા એનાં કક્ષમાં આવ્યાં. મેઘનાને પોતાની સાચી ઓળખ અને પોતાની યોજના વિશે માલુમ પડી ગયું છે એ રુદ્રએ જ્યારે એ લોકોને જણાવ્યું ત્યારે એ લોકોનાં ચહેરાનો રંગ રૂની પુણી જેવો સફેદ થઈ ગયો.

આખરે રુદ્રએ એમને જણાવ્યું કે મેઘના એ લોકોને સહકાર આપવા તૈયાર છે ત્યારે એમનાં જીવ હેઠે બેઠાં. રુદ્રએ આ ઉપરાંત પોતાની વિરુદ્ધ જીવલેણ કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી પણ એ લોકોને આપી. જ્યાં સુધી રુદ્ર સંપૂર્ણ સ્વસ્થ ના થાય ત્યાં સુધી દુર્વાએ એની જોડે જ હાજર રહેવાની તૈયારી બતાવી.

પોતાનાં પ્રેમને ખાતર મેઘનાએ હવે પોતાનાં પિતાની વિરુદ્ધ જવાનું દૃઢપણે નક્કી કરી લીધું હતું. આ માટે હવે કોઈપણ ભોગે નિમલોકો વિરુદ્ધ જે અન્યાયી સંધિ થઈ હતી એને શોધવી જરૂરી હતી. આ માટે મેઘનાએ સૌથી પહેલાં રાજ્યનાં જેટલાં પણ અગ્નિરાજની નિકટનાં લોકો હતાં એમની જોડેથી આ સંધિ અંગે શક્ય એટલી માહિતી મેળવવાનું નક્કી કર્યું.

આમને આમ દસ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો પણ મેઘનાને એ સંધિ ક્યાં રાખવામાં આવી છે એ અંગે જરા અમથી માહિતી પણ પ્રાપ્ય ના થઈ. મેઘના માત્ર એટલું જાણી શકી છે એનાં દાદાએ આ અન્યાયી સંધિ પોતાની રીતે ક્યાંય છુપાવી છે અને એ વિશેની માહિતી ફક્ત અગ્નિરાજ જોડે જ છે. હવે પોતાનાં પિતાજી જે નિમલોકોનાં સૌથી મોટાં વિરોધી હતાં એમની જોડેથી તો આ માહિતી મેળવવી અશક્ય હતી એટલે મેઘનાએ કોઈપણ રીતે એ સંધિને જ્યાં રાખવામાં આવી છે એ સ્થળ વિશે માહિતી મેળવવાનાં પોતાનાં પ્રયત્નો ચાલુ રાખ્યાં.

આ દસ દિવસોમાં રુદ્ર પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યો હતો. એનાં ઘા હવે પૂર્ણરૂપે રૂઝાઈ ચૂક્યાં હતાં. રુદ્રની સાચી ઓળખ પોતાનાં મનમાં જ રાખવાનું વચન મેઘનાને આપી ચૂકેલાં જગતેશ્વરે મને-કમને રુદ્રની સાચી ઓળખ અંગેની વાત પોતાનાં મનમાં જ ધરબી દીધી.

રુદ્ર હવે પુનઃ મેઘનાનાં કક્ષની બહાર અંગરક્ષક તરીકે સજ્જ થઈ ગયો. સમય મળતાં જ બંને પ્રેમીપંખીડા એકબીજામાં ખોવાઈ જવાની એકપણ તક ચૂકતાં નહોતાં. રુદ્રના સ્વસ્થ થયાંનાં પંદર દિવસ વીતી ચૂક્યાં હતાં. એક સાંજે મેઘના અને રુદ્ર મેઘનાનાં કક્ષમાં નિરાંતે બેસીને પ્રેમગોષ્ઠીમાં મગ્ન હતાં ત્યાં એક સૈનિક દરવાજે આવીને ઊભો રહ્યો.

મેઘનાની અનુમતિ મળતાં એ સૈનિક મેઘનાનાં કક્ષમાં પ્રવેશ્યો.

"બોલો શું ખબર છે.?" પોતાની સામે અદબભેર ઊભેલાં સૈનિકને ઉદ્દેશીને મેઘનાએ પૂછ્યું.

"ઈન્દ્રપુરથી રાજકુમાર સાત્યકી પધાર્યાં છે."

સાત્યકીના ઓચિંતા આગમનની ખબર સાંભળી મેઘનાને ભારે આંચકો લાગ્યો. આખરે કોઈ સંદેશો મોકલાવ્યાં વગર સાત્યકીનું અહીં આવવું કોઈ નવી મુસીબતનાં એંધાણ હોવાનું મેઘનાને પૂર્વાનુમાન આવી ચૂક્યું હતું.

**********

વધુ આવતાં ભાગમાં

સાત્યકીના ઓચિંતા આગમનનું શું પરિણામ આવશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED