સુરેખા હરણ (3)
હસ્તિનાપુરમાં એ વખતે શરણાઈના શૂર અને ઢોલનગારાં બાજી રહ્યાં હતાં. દુર્યોધન લક્ષમણાની જાન જોડીને દ્વારકા જઈ રહ્યો હતો. બલભદ્રએ આગ્રહ કરીને લાવલશ્કર સાથે ખૂબ મોટી જાન લઈ આવવા કહ્યું હતું. એટલે કૌરવ સો ભાઈઓ, મામા શકુનિ, અંગરાજ કર્ણ સહિત બીજા ચાર કારભારીઓ, ભીષ્મપિતા, ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુપુત્ર અશ્વસ્થામા અને મહામંત્રી વિદુર સહિત જાડેરી જાન જોડવામાં આવી હતી.
શણગારેલા હાથી,ઘોડા અને ઊંટની હરોળ ચાલી રહી હતી. કુંવર લક્ષમણો પણ સોનાના આભૂષણો અને રેશમી વસ્ત્રોથી પરાણે શોભતો રથ પર સવાર થયો હતો.
"જુઓ મામા..કેવી મોટી જાન જોડીને આપણે જઈ રહ્યાં છીએ.
દ્વારકાવાળા તો આપણી જાન જોઈને જ આભા બની જશે. હું મોટો ભુપતિ સમ્રાટ દુર્યોધન મારા દીકરાને પરણાવા જઈ રહ્યો છું." એમ કહી દુર્યોધન અતિશય ફુલાતો હતો.
"હા, ભાંજા...હા, આ દુનિયામાં તારી તોલે આવે એવો કોઈ રાજા રહ્યો નથી. તેથી જ તો બલભદ્રએ સુરેખાનો સબંધ અર્જુનના છોકરા સાથે ફોક કર્યો ને ! તારી સાથે સગા થવા આજ ભલભલા આતુર છે.''
આમ વાતો સાથે જાન ચાલી. નગરની બહાર નીકળતાં જ આડા સાપ ઉતર્યાં. એ જોઈ દુર્યોધન બોલ્યો, "ઓ રે મામા આ શુકન તે કેવાં..."
"ફતેહ થાય તેવાં.." હસીને શકુનિએ કહ્યું અને જાન દ્વારકાના માર્ગે ચાલી.
દ્વારકા આવતા જ મોટી જાન જાણી અનેક લોકો યાચના કરવા ઉભા રહ્યાં. એ દરેકને દાનદક્ષિણા આપીને દ્વારકાના દરવાજે જાન આવીને ઉભી રહી.
બલભદ્ર અને ભગવાન એમના કુટુંબને લઈને સ્વાગત કરવા આવી ઉભા. વેવાઈઓ ભેટ્યા અને નગરની બહાર બનાવેલા વિશાળ અને તમામ સુખસગવડ સભર તંબુઓમાં સામસામે પુરુષ અને સ્ત્રીઓને ઉતારા આપવામાં આવ્યાં. દ્વારકાવાસીઓએ વરરાજાને જઈ મોં મચકોડયા.
"અરે રે આ કાગડા સાથે હંસલીને શું કામ આપી... અર્જુન તણો સુત અભિમન્યુ હતો તે સાચી જોડ... પણ બલભદ્રજીને કોણ જાણે શું સૂઝ્યું. આવો કાળો કૂબડો જમાઈ કેમ પસંદ પડ્યો હશે...!"
જાનની સારી પેઠે સરભરા કરવામાં આવી. સો કૌરવો અને છ કારભારીઓ સહિત સૌ આરામથી બેઠાં. બધાના ખબરઅંતર પૂછીને બલભદ્ર અને ભગવાન પોતપોતાના મહેલે ગયા.
* * * *
ગટોરગચ્છ અને અભિમન્યુ ભેટી પડ્યા. અજાણ્યા હતા એટલે એકબીજાના દુશ્મન બની બેઠા પણ મનોમન તો એકબીજાની શક્તિ અને વીરતા જોઈ ધન્યવાદ આપી રહ્યા હતા.
એ વીર અને પરાક્રમી, દુશ્મન નહીં પણ પોતાનો ભાઈ છે એ જાણી બંનેને આનંદનો પાર રહ્યો નહીં.
સુભદ્રા પણ પોતાની જેઠાણીને મળીને ખૂબ આનંદ પામી. એણે હિડંબા વિશે વાતો તો સાંભળી હતી પણ ક્યારેય મેળાપ થયો નહોતો.
હિડંબાએ આવી કાળી રાત્રે નીકળવાનું કારણ પૂછ્યું. જવાબમાં સુભદ્રાએ બધી વાત કરી. વાતો કરતાં કરતાં ચારેય જણ ઘેર આવ્યાં.
આરામ કરીને બીજા દિવસે સુભદ્રાએ ગટોરગચ્છને કહ્યું, "મારા પરાક્રમી પુત્ર, તું સમજાવ અભિમન્યુને. મામાની સામા થઈને કન્યા લેવા ન જવાય. અમે બહુ સમજાવ્યો પણ એકનો બે ન થયો. એટલે હું સાથે આવી છું. મનમાં એમ ધાર્યું છે કે ભાઈ આગળ રડીને હું સમજાવીશ. કૃષ્ણની હું લાડકી બહેન છું. એ કંઈક રસ્તો કાઢશે. હવે જો તારો સમજાવ્યો સમજે તો દ્વારકા જાવું નથી..."
સુભદ્રાના વચન સુણી ભીમતણો કુમાર બોલ્યો, "ઓ રે માતા એમ કન્યા જવા દઈએ કેમ ? ભ્રાતા અભિમન્યુ, તું અહીં આરામથી રહે. હું હમણાં જ જઈને દ્વારકમાંથી ભાભીને ઉપાડી લાવું.પછી તારી સાથે પરણાવું. જોઉં છું કે કોણ મને રોકે છે."
"અરે, ના ભ્રાતા, એમ કરું તો તો મારું ક્ષત્રિયપણું લાજે. હું તો લડીને કન્યા લેવાનો."
"તો હું સાથે આવીશ. આપણે બેઉ ઉપડીએ. મામાને માયા બતાવીને ભાભીને ઉપાડી લાવશું."
"પણ રથ અને ઘોડા તો નથી. આપણે જઈશું કેવી રીતે...?"
"અરે ભ્રાતા મારા...તું જો તો ખરો...તું કહે એવાં ઘોડા અને તું કહે તેવો રથ હમણાં તૈયાર...!"
ગટોરગચ્છે ચાર રાક્ષસોના ચાર ઘોડા બનાવ્યા અને ચાર રાક્ષસોનો રથ બનાવ્યો. બંને માતાઓના આશીર્વાદ લઈને ઉપડ્યા દ્વારકા...!
દ્વારકાથી થોડે દુર અશોકબાગમાં પહોંચીને ગટોરગચ્છે રથને અલોપ કરી દીધો. અશોકબાગમાં એક ગુફા હતી. એ ગુફામાં બે રાક્ષસોથી એક પલંગ બનાવ્યો. બે રાક્ષસોની ખુરશી અને ચાર રાક્ષસોના ચાર ચાકર પણ બનાવ્યા...!
અશોકબાગ અતિ સુંદર હતો. એ બાગમાં અનેક પ્રકરના વૃક્ષ,અનેક પ્રકારના ફૂલછોડ અને સ્વાદિષ્ટ ફળોથી લચી પડેલી વૃક્ષની ડાળીઓ હતી. અનેક પંખીઓના મીઠા કલરવનો મધુર રવ મનને પ્રફુલ્લિત કરતો હતો.
બંને ભાઈઓએ ફળો આરોગીને વિશ્રામ કર્યો.
અભિમન્યુ, ગટોરગચ્છની માયાવી વિદ્યા જોઈ ખૂબ પ્રસન્ન થયો.
એવે વખતે કૃષ્ણ પ્રભુએ બંને આવ્યાની વાત જાણી. પોતે અશોકબાગમાં આવી ભોંયરામાં પ્રવેશ્યાં. ગટોરગચ્છે પૂછ્યું, " આ કોણ છે..?
"મારા નાના મામા છે. એમનો વાંક નથી. એમને આવવા દે. મારા મોટા મામાનું આ કામ છે."
કૃષ્ણ આવ્યા એટલે ઉઠીને બંનેએ પ્રણામ કર્યા અને અભિમન્યુ મોં ચડાવીને આડું જોઈ ગયો.
એ જોઈ પ્રભુએ મંદ મંદ હાસ્ય વેરતા કહ્યું, "ઓ મારા પ્રિય ભાણીયા, બધું જ જાણે છે છતાં આડું કેમ જુએ છે...?"
એટલે અભિમન્યુ બોલ્યો, "મામા, આવડા મોટા લગ્ન પ્રસંગે તમે કેમ અમને ન બોલાવ્યાં...? માતા સુભદ્રા તો તમારી બેન છે...અમને આવા દુઃખમાં સાથ આપવાને બદલે તમોએ અમને દુઃખ આપ્યું. મારા પિતાજી વનમાં ગયા છે અને અમે વિદુરતાતજીને ત્યાં રહી પેટ ભરીએ છીએ."
''જો... ભાણેજ મારા, આ બધું મેં મોટા મામાને સમજાવ્યું પણ એમને તો મોટા સગા જોઈએ એટલે
મારું કંઇ ચાલ્યું નહીં. પણ હું તમારી સાથે છું. સુરેખાને એ કાળમુખા લક્ષમણા સાથે પરણાવવાની નથી. તમે એનું હરણ કરી જાઓ." પછી ગટોરગચ્છને કહે, ''ઓ ભીમસુત...તું બધી માયા રચજે પણ મારા મહેલમાં પગ મૂકતો નહીં."
"મામાશ્રી, એ મારો ભાઈ છે.તમે કેમ એવું કહો છો..?" અભિમન્યુએ નારાજ થઈને કહ્યું.
"તારો ભાઈ છે મશ્કરો અને માયાવી..મારા મહેલમાં એ ન પોસાય...પૂછ તારા ભાઈને..." ભગવાન એમ કહી હસી પડ્યા.
"મામાની વાત સાચી છે...હું વચન આપું છું કે મારી માયાનો ઉપયોગ તમારા ઘરમાં નહીં કરું.'' ગટોરગચ્છ બોલ્યો.
પછી અંતર્યામી આશીર્વાદ આપીને એમના મહેલમાં જતા રહ્યા.
*
"ભ્રાતા, હવે તું આરામ કર. હું નગરની ચર્ચા જોઈ આવું' કહીને એ ઉપડ્યો.
એક યાદવને જોઈ તરત જ એણે યાદવનું રૂપ ધારણ કર્યું. એ દ્વારકાની બજારમાં ફરવા લાગ્યો.
થોડીવારે એક બીજા યાદવને જોઈ ગટોરગચ્છે કહ્યું, ''અરે ભાઈ, કહે છે કે હસ્તિનાપુરથી બહુ મોટી જાન આવી છે, એ સાચું ?"
"લે, તને ખબર નથી...? કાલે જ જાન આવી ગઈ છે.''
"હું તો કોઈને ઓળખતો'ય નથી...દોસ્ત મને બતાવને."
"હા, હા ચાલ આપણે જાન જોવા જઈએ.''
જાનના ઉતારે જઈ પેલાએ દુર્યોધનથી માંડીને છ કારભારી સહિત તમામનો પરિચય કરાવી દીધો એટલે પેલાનો આભાર માની એને જવા દીધો. ત્યારબાદ એક યાદવની નારીને જોઈ,તરત એનું સ્વરૂપ ધારણ કર્યુ. બીજી કોઈ યાદવની નારીને લઈ ગટોરગચ્છ કૌરવોની સ્ત્રીઓના ઉતારામાં જઈ ચડ્યો. ત્યાં જઈને દુર્યોધનની પત્ની ભાનુમતી સહિત તમામનો પરિચય મેળવીને પોતે બહાર નીકળ્યો.
અશોકબાગમાં આવીને અભિમન્યુને બધી વાત કરતા કરતા બંને જમ્યા. આખો દિવસ આરામ કર્યો.
રાત્રે ગટોરગચ્છ માયા રચવા તૈયાર થયો એટલે અભિમન્યુએ પૂછ્યું, "ભ્રાતા હવે શું કરવાનું ધાર્યું છે...આપણે સુરેખાનું હરણ કરવાનું છે."
"અરે અનુજ, તું શાંતિથી અહીં આરામ કર. આ ચાકરો તારી સેવા કરશે. હું કાલે રાત્રે પાછો આવીશ.
સર્વ કાકાઓને ઓળખી લીધા છે. હવે જરા મારા હાથ બતાવતો આવું." કહી ભીમસૂત સડસડાટ ઉપડ્યો.
નગરની બહાર એક મોટા મેદાનમાં જઈ માથું ધુણાવ્યું. જુ જેવડાં જીવડાં ધરતી પર પડતાની સાથે જ રાક્ષસો બની ગયાં.
એ રાક્ષસોથી,એક હજાર હાથી,એક હજાર ઊંટ અને દસ હજાર ઘોડા બનાવ્યાં. જગતમાં જોટો ન જડે એવા આ જનાવર બનાવી એ તમામને બાંધવા સાંકળો બનાવી ખીલા ખોડીને એકએક પશુ આગળ એકએક સેવક એ પશુની સારસંભાળ લેવા બેસાડી દીધાં. એ બધાને ખાવા ઘાસ બનાવ્યું. એક તરફ જરીયાનનો મોટો તંબુ બનાવ્યો. એ તંબુમાં મોટું સિંહાસન બનાવી સોનાનું છત્ર લગાવ્યું. સો મહેતાજીઓ બનાવ્યા. ચોપડા બનાવ્યા. એ બધાને બેસવા આસન બનાવ્યાં. કલમ બનાવી,ખડીયા બનાવ્યાં. ત્રણસો માણસોના ચાકર બનાવ્યા. ત્રણસો પહેરેદાર બનાવી દરેકના હાથમાં ખડગ આપી ચોકી કરવા ઉભા રાખી દીધા. લીલી ટોપી,લીલી કફની અને લીલો સુરવાળ પહેરી કપરી આંખોવાળો મોટો સોદાગર બનીને પોતે સિંહાસન ઉપર બેઠો. પોતાના ખાસ અનુચર બનાવ્યા. જે પંખાથી પવન નાખે. કોઈ પાનસોપારી આપે અને મુખથી ખમાં ખમાં બોલીને હાથપગ દબાવે...!
આ રીતે ડેરા તંબુ તાણી બેઠો. સવાર થયું એટલે દ્વારકાના દરવાજા ખૂલ્યાં. નગરની બહાર મોટા મેદાનમાં કોઈ મોટો સોદાગર આવેલો જાણી નગરના લોકો એના જનાવર જોવા ઉમટી પડ્યાં. પડાવ ફરતે પહેરો ભરતા ખડગધારી કોઈને અંદર પેસવા દેતા નથી. દૂરથી હાથી, ઘોડા અને ઊંટ જોઈ લોકો વાતો કરે છે કે,
"દુર્યોધનની જાન આવેલી જાણી કોઈ મોટો સોદાગર જનાવર વેચવા આવ્યો છે...!"
એ વાત કૃષ્ણ અને બલભદ્ર પાસે પહોંચી એટલે બલભદ્રે ભગવાન સામું જોયું. બલભદ્રએ ફુલાઈને કહ્યું,
" જોયું, મારા વેવાઈનું નામ સાંભળીને પરદેશી વેપારી જનાવર લઈને આવ્યો...કેવો સગો મેં શોધ્યો...!"
"આવ્યો તો છે...પણ બિચારાને ફેરો માથે પડશે. દુર્યોધનને હું સારી રીતે ઓળખું છું દાઉ, એ એક ઘોડું પણ લેવાનો નથી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે...એવો એ કંજૂસ અને લોભીયો છે. હા, યુધિષ્ઠિર હોત તો તો એના બધા જ જનાવર લઈ લેત.'' પ્રભુએ હસીને કહ્યું.
"તને તો બસ...મારા વેવાઈનું વાંકુ બોલતા જ આવડશે...હું જાઉં છું. બધા જ જનાવર એ ખરીદે છે કે નહીં એ તું પણ આજે જોઈ લેજે..."
"શું જોઈ લે... તમે કહેશો તો બહુ બહુ તો એક હાથી અને બેચાર ઊંટ અને એકાદ બે ઘોડા લેશે. જો યુધિષ્ઠિર હોય તો તો એક પણ જાનવર વેચાયા વગર રહે નહીં..."
ભગવાને દાઉને બરાબરની ચાવી ચડાવી એટલે દાઉ ખીજવાઈને ઉપડ્યા વેવાઈને મળવા.
બલભદ્રને આવેલા જોઈ દુર્યોધન ઉભો થઈને ભેટી પડ્યો. આસન દઈ બેસાડ્યા અને પૂછ્યું, "કહો વેવાઈ, કેમ અત્યારના પહોરમાં આવવું પડ્યું."
"આ તમારું નામ સાંભળી દૂર દૂરથી કોઈ વેપારી જનાવર વેચવા આવ્યો છે, પણ માધવ મને મહેણાં મારે છે....કહે છે કે યુધિષ્ઠિર હોય તો બધા જ જનાવર ખરીદી લે...બિચારાનો ફેરો માથે પડશે. વેવાઈ તમે આ જનાવર ખરીદી લો એટલે હું પણ એને બતાવી દઉં કે દુર્યોધનને ઘરે દીકરી કંઈ એમને એમ અમે નથી આપી...!"
એ સાંભળી દુર્યોધન હસી પડ્યો.
"બસ આટલી જ વાત છે...ચાલો મામા, ચાલો મિત્ર કર્ણ, ચાલો દુ:ષાશન..આપણે એ જનાવર લઈ આવીએ...વેવાઈ, તમે જઈને અમારા નાના વેવાઈને કહો કે યુધુષ્ઠિરને તો ખાવાના'ય વાંધા છે."
બલભદ્ર ખુશ થઈને પોતાના આવાસમાં ચાલ્યા ગયા.
દુર્યોધન,કર્ણ, દુ:શાસન અને મામો શકુનિ ચાર જણ ચાલ્યા. ગટોરગચ્છના પડાવ આગળ આવી એનો તંબુ અને જનાવર જોઈને દુર્યોધન તો આભો જ બની ગયો.
''જુઓ મામા, હું હસ્તિનાપુર નરેશ હોવા છતાં આવો તંબુ આપણી પાસે નથી. આવો એક પણ ઘોડો,ઊંટ કે હાથી આપણા લશ્કરમાં નથી.''
"વાત તો સાચી છે...ભાંજા. આ જનાવર લાગે તો છે જાતવાન..." કહી શકુનિ પડાવના પ્રવેશદ્વારમાં પ્રવેશ્યો એટલે તરત જ હાથમાં ભાલો લઈ ઉભેલા સૈનિકોએ એ લોકોને અટકાવ્યા.
"ઓ...ભાઈ...ક્યાં જવું છે...કોણ છો તમે ?''
"અરે ઓ સૈનિક...આ ભૂપતિ દુર્યોધન છે...હસ્તિનાપુર નરેશ. અમે આ જનાવર ખરીદવા આવ્યા છીએ.''
''અહીં જ ઉભા રહો, શેઠને પૂછ્યા સિવાય એમ જવાશે નહીં...'' કહી એ અંદર ખબર આપવા દોડ્યો.
થોડીવારે શેઠની રજા લઈ એ આવ્યો અને ચારેયને અંદર જવા દીધા.
તંબુમાં પ્રવેશતા જ સોનાના શિખરવાળા સિંહાસન પર શોભતો સોદાગર, અને એના વસ્ત્રોઅલંકારો જોઈને ચારેયની આંખો ફાટી રહી.
"જુઓ જુઓ મામાશ્રી...આવું સિંહાસન તો હસ્તિનાપુર નરેશનું પણ નથી..." દુર્યોધન ખૂબ જ પ્રભાવિત થઈ ગયો.
સાથે આવેલા સૈનિકે પરિચય આપતા કહ્યું, " હસ્તિનાપુર નરેશ દુર્યોધન એમના કારભારીઓ સાથે પધાર્યા છે..."
આડું જોઈને બેઠેલા ગટોરગચ્છે કહ્યું, "અમે તો પાંડવોનું નામ સાંભળીને આવ્યા હતા...ચાલો મુનિમજી ઉચાળા ભરો...અહીં આપણું એક પણ જનાવર નહીં વેચાય...આવા કંજૂસો શું ખરીદશે હાથી ઘોડા..."
"અરે...પાંડવો તો વનવાસી થઈ ગયા છે. તમે એકવાર અમારી સાથે વેપાર તો કરી જુઓ...તમે ભાવ બોલો...અમે બધા જનાવર લઈ લેશું." શકુનિએ કહ્યું.
"મારા ગજરાજો ગજથી મપાય છે. એક ગજના પાંચ હજાર પુરા... ઊંટ અને અશ્વોની ઉચક કિંમત પાંચ કરોડ..."
કિંમત સાંભળીને દુર્યોધન મુંઝાયો.
પણ શકુનિએ કહ્યું કે "ભાઈ કિંમત અમને મંજુર છે,જનાવરમાં જોવાપણું નથી."
કર્ણ કહે, "ભાઈ લાવો ગજ તમારો...આપણે ગજરાજો માપી લઈએ."
એટલે ગટોરગચ્છે ગજ આપ્યો. ચારેય જણ હાથીને માપવા ચાલ્યાં. સાથે ગટોરગચ્છના માયાવી મહેતાજી હિસાબ લખવા ચાલ્યાં.
કર્ણ મનમાં કપટ રાખીને ઓછું માપ ભરે છે પણ જેમ જેમ માપે તેમ તેમ હાથી લાંબો થતો જાય છે. જેમતેમ માપણી પુરી કરીને હિસાબ કરવા બેઠાં. ઊંટ અને ઘોડાની કિંમત મેળવતાં આંકડો બાર કરોડ થયો. એ આંકડો સાંભળી દુર્યોધનની આંખે અંધારા આવ્યાં. કારણ વગરની ખરીદી થઈ ગઈ. મામાએ માથે રહીને મરાવ્યા.
"ચાલો ભાઈ રૂપિયા લાવો. લઈ જાવ તમારો માલ." મુનિમજીએ કહ્યું.
"અરે ભાઈ, લઈ જઈશું. ઉતાવળ કેમ કરો છો ? આટલા બધા રૂપિયા કોઈ સાથે લઈને થોડા ફરે છે.
તમે જનાવર મોકલી આપો. અમે પછી રૂપિયા પહોંચાડી દેશું."
એ સાંભળીને ગટોરગચ્છ ક્રોધે ભરાયો, "શું જોઈને નીકળી પડ્યા છો...આ કંઈ રમત નથી...ઓ સૈનિકો બાંધી દો ચારેયને...આપણી મશ્કરી કરે છે."
સૈનિકોએ તરત જ ચારેયના હાથ બાંધીને ચારેય ફરતે દોરડું વીંટીને એક થાંભલે બાંધી દીધા.
(ક્રમશ:)