MAHABHARAT NA RAHSHYO - 1 books and stories free download online pdf in Gujarati

મહાભારત ના રહસ્યો - 1

દાંગવ આખ્યાન. (૧)

મહાભારત એક મહાન ગ્રંથ છે. એક વિરાટ વહેતી નદી જેવા એના કથા પ્રવાહમાંથી છુટા પડીને કોઈ આડ રસ્તે વહેતા નાના ઝરણાં જેવી અમુક કથાઓ ખાસ પ્રચલિત થઈ નથી. અનેક લેખકો દ્વારા આ કથાસરિતામાં આપણને વિહાર કરવા મળે છે. પરંતુ કેટલાક આવા ઝરણાંઓ જેવી કથાઓ પણ છે. જે પૈકીની એક કથા છે દાંગવ આખ્યાન..!
મહાભારતના રહસ્યોની ત્રણ કડીને વાચકોનો જે બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે એ જોઈને હું આ ચોથી કદી ઉમેરવા જઈ રહ્યોં છું ત્યારે ઘણો આનંદ અનુભવું છું.આ ત્રણ કડી પ્રતિલિપિ અને શોપિંઝન પર આપ વાંચી શકો છો.માતૃભારતી પર પણ પછીથી મુકીશ.
આશા છે કે મહાભારત જેવા મહાનગ્રંથની મારી કલમે લખાયેલી આ વાર્તા આપને ગમશે.
મારા તમામ વાચકોને મારી નમ્ર વિનંતી છે કે આપ મારી વાર્તાઓ વાંચીને પ્રતિભાવ ચોક્કસ આપશો.અને આપને જો પસંદ આવે તો રેટિંગ 5 સ્ટાર [ * * * * * ] આપશો. કેટલાક મિત્રો માત્ર એક જ સ્ટાર આપીને લખે છે કે વાહ, ખૂબ સરસ...પણ રેટિંગ વિશે જાણકારીના અભાવે આમ થતું હોય છે.એને કારણે મારી વાર્તાનું રેટિંગ ખરાબ થઈ જાય છે, રેટિંગ ઘટી જાય છે..
તો મિત્રો આ બાબતનો ખ્યાલ રાખશો..અને હવે આપની ખીદમતમાં પેશ કરી રહ્યો છું...
મહાભારતના રહસ્યોની આગળની કડી..
દાંગવ આખ્યાન (ભાગ ૧)

એકવાર ક્રોધનું બીજું નામ એવા દુર્વાસા ઋષિ સ્વર્ગમાં જઈ ચડ્યા.એમને આવેલા જોઈ દેવરાજ ઇન્દ્ર અડધો અડધો થઈ ગયો. એમના સ્વાગત માટે સમસ્ત દેવતાઓ પણ ઘાંઘાં થઈ ગયા. દરેકને ખાસ સૂચના આપવામાં આવી કે કોઈએ એવું વર્તન ન કરવું કે જેથી મુનિ ગુસ્સે થાય. કારણ જે જો દુર્વાસા મુનિ ગરમ થયા તો એમનો ગુસ્સો ચરમસીમાએ જ પહોંચી જાય. નાગ ફૂંફાડો મારે એમ જ ઋષિ શ્રાપ આપી દે..!
ઇન્દ્રની સભામાં મુનિ બિરાજમાન થયા. અપ્સરાઓ એમની અંગ ભંગીમાઓ ભાંગી ભાંગીને નૃત્ય કરવા લાગી.પોતાની ઉત્તમ કલાઓ રજૂ કરવા લાગી. ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ આફરીન પોકારી ઉઠ્યા..
પણ ઋષિ તો ઋષિ હતા. એમના મુખની એક રેખા પણ બદલાઈ નહીં.મુનિને પોતાની નૃત્ય કલા દેખાડીને પાગલ કરી દેવાની વાત કરનાર મેનકા નાચી નાચીને તૂટી મરી પણ દુર્વાશાએ સ્મિતભરી નજર ન કરી તે ન જ કરી..!
આખરે અપ્સરાઓ હારી.
થાકની મારી મેનકા ગુસ્સે થઈને બોલી, "અશ્વ જેવા મુખવાળો આ મૂઢમતિ મારી નૃત્યકલા શું જાણે ?"
એની વાત સાંભળીને બીજી તમામ અપ્સરાઓ જોર જોરથી હસી પડી.
ખલ્લાસ..! દેવતાઓ હાં..
હાં..હાં... કરતા રહ્યાં. ઇન્દ્ર એને વારવા મોં ખોલું ખોલું થઈ રહ્યોં..!
પણ આ તો દુર્વાશા હતા. કોપનું બીજું નામ..! એક બે બદામની નચનીયાએ એમને અશ્વ..ઘોડો કહ્યો હતો..
"મને તેં અશ્વ કહ્યો ? મને ? જાણે છે હું કોણ છું..? જા તું અત્યારે જ અશ્વ બની જા..અને પૃથ્વી ઉપર જઈને ઘાસ ચરી ખા..'' દુર્વાશાએ કમંડળમાંથી પાણીનું ચાબખું ભરીને મેનકા ઉપર અંજલી છાંટી..
રૂપ રૂપના અંબાર જેવી એ અપ્સરા એ જ ક્ષણે ઘોડી બનીને હણહણાટી કરવા લાગી..
ઇન્દ્રની સભામાં સોપો પડી ગયો.હસવામાંથી ખસવું થઈ ગયું.
દેવતાઓ સહિત ઇન્દ્ર એના આસનેથી ઉભા થઈ ગયા..દુર્વાશા ઋષિના પગમાં તમામ અપ્સરાઓ
નમી પડી. દેવતાઓએ પણ ઋષિને રીઝવવા ઘણા કાલાવાલા કર્યા..
"હશે..ઋષિરાજ..એ તો અજ્ઞાની અને અબુધ છે..
આપ તો જ્ઞાનના સમુદ્ર છો.
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ખાબોચિયું ધ્રુષ્ટતા કરે તો પણ મહાસાગર તો એને માફ જ કરે..પ્રભુ માફ કરો..માફ કરો.."
દુર્વાશા મુનિ દેવતાઓની પ્રાર્થના સાંભળી ઢીલા પડ્યાં.પેલી ઘોડી બનેલી અપ્સરાને જોઈને વાણી વદયા..
"મારો શ્રાપ મિથ્યા તો થાય જ નહીં..પણ હે સુંદરી,આ સમસ્ત દેવતાગણની યાચનાને કારણે હું તને એ શ્રાપનું નિવારણ કરી આપું છું..જ્યારે સાડા ત્રણ વજ્ર એકબીજાનો સ્પર્શ કરીને મળશે ત્યારે તું સંપૂર્ણ રીતે અપ્સરા બનીને સ્વર્ગમાં પાછી ફરીશ.. ત્યાં સુધી તું દિવસે અશ્વ અને રાત્રે અપ્સરા બનીને પૃથ્વી પર તારું જીવન વ્યતીત કરજે"
એમ કહીને દુર્વાશા મુનિ એમનું કમંડળ લઈને ચાલતા થયા..
વળી પાછા દેવતાઓએ દોડીને મુનિના પગ પકડ્યા,
"પ્રભુ, આ સાડા ત્રણ વજ્ર એટલે શું એ તો સમજાવતા જાવ..!"
મુનિએ એ સમજાવતા કહ્યું કે જ્યારે શ્રી કૃષ્ણનું ચક્ર, શિવનું ત્રિશૂળ અને હનુમાનજી આ ત્રણ આખા વજ્ર, ભીમસેનના અડધા અંગને સ્પર્શ કરશે ત્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થયા ગણાશે.. એ વખતે મારા શ્રાપમાંથી મને અશ્વમુખી કહેનાર અપ્સરા મુક્ત થશે" દુર્વાશા મુનિ, અજબ પ્રકારનું કદી શક્ય ન બને એવું નિવારણ આપીને ચાલ્યા ગયા..
પેલી અપ્સરા અશ્વ એટલે કે ઘોડી બનીને પૃથ્વી પર દાંગવ નામના રાજાના રાજ્યમાં આવેલ જંગલમાં
જઈ પડી.
આખો દિવસ જંગલમાં એ ઘોડી ઘાસ ચરીને નદીમાં પાણી પી લેતી.રાત પડે એટલે અપ્સરા બની જતી. હવે રાતે છેક સ્વર્ગમાં જઈને પાછું પૃથ્વી પર પાછું ફરવું શકય નહોતું. એટલે એ બિચારી ઝાડ પર ચડી જતી.અને સવાર સુધી સુઈ રહેતી.
*
હવે આ બાજુ સ્વર્ગમાં એ અપ્સરા વગર અંધારું થઈ ગયું.નાચગાનના કાર્યક્રમો બંધ થઈ ગયા.દેવતાઓ અને ઇન્દ્ર નિરાશ રહેવા લાગ્યા.
એવામાં એક દિવસ નારદ મુનિ ફરતાં ફરતાં સ્વર્ગમાં આવી ચડ્યાં. એમને એમ હતું કે નારાયણ નારાયણ બહુ કર્યું..લાવને જરીક સ્વર્ગ બાજુ આંટો મારતો જઉં. જરીક આ દિલને અપ્સરાઓના નાચગાન જોઈ બહેલાવતો જાઉં..!
પણ સ્વર્ગમાં આવીને જુએ છે તો સાવ અંધારું..! કોઈના મોં ઉપર ઉજાસ ન મળે..ઇન્દ્ર પણ બિચારો નિમાણો થઈને બેઠો હતો.
"નારાયણ...નારાયણ..."
નારદમુનિએ પોતાના આગમની જાતે જ છડી પોકારી.પણ કોઈએ ઊંચું પણ જોયું નહીં.
"અલ્યા દેવતાઓ..અલ્યા દેવેન્દ્ર..કેમ આમ પલળેલા કાગડા જેવા થઈને બેઠાં છો..? શું કોઈ મરી ગ્યું છે...?" નારદે એમનો તંબુરો વગાડીને કહ્યું..!
ત્યાં તો કેટલાંક દેવતાઓ દોડીને એમના પગમાં પડી ગયા અને ચોધાર આંસુએ રડવા કકળવા લાગ્યાં..
"હે નારદમુનિ, અમારા દુઃખ
નો કોઈ પાર નથી. ખાવું ભાવતું નથી.. રાત્રે ઊંઘ આવતી નથી..ક્યાંય ચેન પડતું નથી.. અમારો કંઈક ઉપાય કરો.."
"અરે પણ એટલું બધું શું આભ તૂટી પડ્યું છે..? ક્યાં ગઈ ઓલી મેનકા, રંભા
વગેરે..કંઈક દોકડ બોકડ વગાડો.વાજાપેટિયુંવાળા ક્યાં મરી ગ્યા..? અલ્યા નારદમુનિની કોઈ કિંમત જ નથી રહી કે શું..? ટાઢું પાણી પણ કોઈ કેમ લઈને આવતું નથી.. અલ્યા અમને પણ શ્રાપ બાપ દેતા આવડે છે હોં.."
નારદમુનિની હાકલ સાંભળીને સ્વર્ગમાં દોટાદોટ મચી.કોઈ જઈને શીતળ જળ લઈ આવ્યું. મુનિના ચરણ પખાળીને એમને આસન ગ્રહણ કરાવવામાં આવ્યું. થોડા મીઠા ફળો પણ એમના સ્વાગત કાજે પીરસવામાં આવ્યા..
અને પછી માંડીને દુર્વાશા મુનિએ બગાડેલા ખેલની વાત કરીને દેવતાઓ મણ મણના નિસાસા નાખીને રડવા લાગ્યાં..
"બસ..આટલું જ ? એ સાડા ત્રણ વજ્ર તો હું ચપટી વગાડતામાં જ ભેગા કરી દઈશ..ચાલો ત્યારે રજા લઉં.." કહીને નારદે સાડા ત્રણ વજ્ર ભેગા કરવાનો કોન્ટ્રાકટ લઈને ચાલતી પકડી..
"પ્રભુ, જેમ બને એમ જલ્દી કરજો હોં.." કહીને દેવરાજ ઇન્દ્રે રજા આપી..
*
દાંગવ નામનો રાજા, દ્વારકાના રાજ્યનો તાબેદાર અને ખંડીયો રાજા હતો..
[ એટલે કે એનું રાજ્ય દ્વારકા દ્વારા જીતાએલુ હતું.દર વર્ષે એને દ્વારકાને ખંડણી( tax) ભરવી પડતી.એટલે એ ખંડિયો રાજા કહેવતો ]
બિચારો એના નાનકડા નગરમાં સુખેથી રહેતો હતો.કોઈ વાતનું એને દુઃખ ન્હોતું.નદીના કાંઠે આવેલા એ નગરના અશ્વપાળો રોજ સાંજે અશ્વોને પાણી પાવા નદીએ લઈને જતાં..
એ નદીના સામે કિનારે ગાઢ જંગલમાંથી એક અતિશય રૂપાળી ઘોડી એ વખતે નદીકાંઠે પાણી પીવા આવતી.
એ ઘોડીને જોઈને રાજા દાંગવના ઘોડા ભુરાંટા થવા લાગ્યા..અને કેમ ન થાય.. રૂપાળી ચીજ કોને પસંદ ન હોય..! બધાં થોડા દુર્વાશા હોય ?
હવે આ ઘોડા અશ્વપાળો
ના કાબુમાં રહેતા નહીં. અને સામે કાંઠે દોડીને જવા લાગ્યાં. પેલી ઘોડી જલ્દી જલ્દી પાણી પીને જંગલમાં નાસી જતી.ઘોડા
બિચારા ઘણું ભટકતાં પણ એ ઘોડી ક્યાંક અદ્રશ્ય થઈ જતી..!
રોજ રોજની આ રામાયણ થઈ પડી એટલે રાજાને જાણ થઈ કે કંઈક ઘોડાનો ગોટાળો છે.તરત એણે અશ્વપાળોને બોલાવ્યા.અને નદીના સામાં કાંઠે આવેલી એ ઘોડી વિશે જાણ્યું.
બીજા દિવસે સાંજે ખુદ રાજા દાંગવ ઘોડા પાવા ગયો. રોજની જેમ જ પેલી ઘોડી જંગલમાંથી નીકળીને સામે કાંઠે નદીમાં પાણી પીવા લાગી.એને જોઈને ઘોડાઓને રાજાની શરમ પણ રાખી નહીં...!
રાજા પણ પાછળ પાછળ ઉપડ્યો..
સામે કાંઠે જંગલમાં નાસી જતી અતિ સુંદર ઘોડીને જોઈને રાજા પણ મોહિત થઈ ગયો. આટલી સુંદર ઘોડી એની જિંદગીમાં એણે જોઈ ન્હોતી. અને ક્યાંથી જોઈ હોય..! આ તો અપ્સરામાંથી બનેલી ઘોડી હતીને !
જેવો સૂર્ય અસ્ત થયો એ સાથે જ થયેલું કૌતુક જોઈને દાંગવાની આંખો જ ફાટી રહી..સાલ્લુ આવું તે કેવું ? ઘોડીમાંથી રૂપ રૂપ ના અંબાર જેવી સ્ત્રી બની ગઈ..! આટલી રૂપાળી સ્ત્રી પણ એ બાપડાએ જોઈ ન્હોતી..કારણ કે (એની પાસે સ્વર્ગમાં જવાના વિઝા નહોતા ને ! )એ તો અપ્સરા હતી..!
ઝટ દઈને એ ઘોડા પરથી ઉતર્યો. પેલી અપ્સરા ઝાડ પર ચડે એ પહેલાં જ દોડીને દાંગવાએ એનું કાંડુ પકડ્યું.
''કોણ છો તું અલી એય તું..? ભૂત છો..પલીત છો..જાદુગરણી છો ? બોલ જલ્દી નહિતર હમણે તારું માથું ધડથી અલગ કરી નાખીશ..!"
દાંગવ રાજાએ પહેલા માહિતી મેળવી. જોયા જાણ્યા વગર પ્રેમનો પ્રસ્તાવ મુકવાનું જોખમ કદાચ એ દાંગવો જાણતો હશે.રાજા હતો ને..!
"હે રાજન, ક્રોધ ન કરશો." એમ મીઠી વાણીમાં શરૂ કરીને અપ્સરાએ પોતાની કરમ કહાણી દાંગવને કહી સંભળાવી. અને ઘરે જતા રહેવાનું કહીને ઝાડ પર ચડવા લાગી.
દાંગવે હજુ એનું કાંડુ મુક્યું ન્હોતું.રસનો ઘૂંટડો ગળા નીચે ઉતારીને જીભ હોઠ પર ફેરવીને દાંગવ ઓચર્યો,
"હે સુંદરી..તારું સ્થાન આ જંગલના ઝાડ પર નથી. તું મારી સાથે મારા મહેલમાં ચાલ.હું તને મારી રાણી બનાવીને રાખીશ.દિવસે પણ હું તને સાચવીશ.."
પેલી અપ્સરા પણ ઝાડ પર રહી રહીને થાકી હતી.
ઝાડની ડાળીમાં કંઈ ઊંઘ આવે ? એટલે એ પણ રાજાની વાત માનવા તૈયાર થઈ..
"હે રાજન..! હું તમારી સાથે આવવા તૈયાર છું. પણ મારી કેટલીક શરતો છે..જો આપને એ મંજુર હોય તો હું આપની રાણી બનવા તૈયાર છું.."
મોહાંધ માણસ ગમે તેવી શરતો, આગળ પાછળનો વિચાર કર્યા વગર સ્વીકારી લેતો હોય છે.દાંગવે પણ એમ જ કર્યું, "હે સુંદરી..તું તારી શરતો વિના સંકોચે જણાવ.હું તમામ શરતો માન્ય રાખીશ.."
હવે એ સમયમાં વાતની શરૂઆતમાં આવું "હે" લગાડવું ફરજીયાત હશે.
એટલે અપ્સરાએ પણ હે લગાડીને પોતાની શરતો પોતાને એકધારી જોઈ રહેલા દાંગવા સમક્ષ રજુ કરી..
"હે રાજન, મારી શરતો આ પ્રમાણે છે..
શરત નં ૧ :- મારો આ ભેદ કોઈને જણાવવો નહીં. "
શરત નં ૨ :- મને કોઈપણ માણસ અશ્વ સ્વરૂપે જોઈ ન જાય એનો ખ્યાલ રાખવો.
શરત નં 3 :- કદાચિત કોઈ મારું અશ્વ સ્વરૂપ જોઈ જાય અને તમારી પાસે મારી માંગણી કરે તો મને તમે બીજા કોઈને આપી શકશો નહીં."
દાંગવ તો આ શરતો સાંભળીને રાજી થઈ ગયો.
"હે, સુંદરી તારી તમામ શરતોનું પાલન થશે.પણ જો કોઈ મારા કરતાં બળવાન રાજા બળજબરી
થી તારી માંગણી કરે તો
મારે શું કરવું ? "
"તો હે રાજન, તમારે બળી મરવાનું પણ મને અશ્વ સ્વરૂપે કોઈને આપવી નહીં. તેમજ મારી ઉપર તમારે પણ ક્યારેય અશ્વ જાણીને સવારી કરવી નહીં.."
દાંગવે આ બળી મરવાની વાત પણ સ્વીકારી.એણે વિચાર્યું કે હું કોઈને ખબર જ નહીં પડવા દઉં તો કોણ મારી પાસે માંગણી કરવાનું છે.. એટલે બળી મરવાનો વારો આવશે જ નહીં..!
અપ્સરાને લઈને દાંગવ એના મહેલમાં ચાલ્યો ગયો.
*
નારદજી એ પોતાની સમાધિ લગાવીને અપ્સરા
નું સ્થાન (location) જાણી લીધું.અને પોતાની વીણાના તાર ઝણઝણાવી
ને બોલ્યા, "નારાયણ..
નારાયણ..."

(ક્રમશ :)બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED