MAHABHARAT NA RAHSHYO - 2 books and stories free download online pdf in Gujarati

મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (2)

દાંગવ આખ્યાન (2)

નારદજીએ વીણાના તાર બજાવી પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યું.
દ્વારકા નગરીમાં સભા ભરીને બેઠેલા શ્રીકૃષ્ણના દરબારમાં જઈ ફરી વીણા બજાવી, "નારાયણ....નારાયણ..''
નારદમુનિને આવેલા જોઈ પ્રભુ શ્રી કૃષ્ણના પેટમાં ફાળ પડી.
"નક્કી ક્યાંક લડાવવાની યોજના કરીને આવ્યાં હશે..!"
"પધારો પધારો...ધન્ય ઘડી ધન્ય ભાગ્ય..હે નારદજી આપના દર્શન પામીને અમે ધન્ય થઈ ગયા..."
ભગવાને ઉભા થઈ આદર સત્કાર કર્યો.બલભદ્રે પણ નારદમુનિને પ્રણામ કર્યા.
"પ્રભુ, આ બાજુથી નીકળ્યો'તો તે થયું કે લાવ દર્શન કરતો જાઉં.તમે તો બાકી જમાવટ કરી દીધી છે ને કાંઈ...નારાયણ નારાયણ..!''
"બહુ સારું કર્યું..હવે આવ્યા જ છો તો થોડા દિવસ સેવા કરવાનો લાભ આપજો..'' બલભદ્રએ કહ્યું.
"હા..હા..રોકાઈશું જ ને વળી...''
"પણ હે નારદજી, તમને એક વિનંતી કરીએ છીએ, તમે સખણા રે'જો.કાંઈ પણ સળી કરતાં નહીં. અમે શાંતિથી રહીએ છીએ.હાલ અમારે કોઈની સાથે દુશ્મની નથી અને અમે ક્યાંય લડવા માંગતા નથી.." કૃષ્ણ પ્રભુએ બે હાથ જોડ્યા..
''નારાયણ...નારાયણ..એ શું બોલ્યા પ્રભુ..! હું કોઈને લડાવતો નથી.આપ કહો તો અત્યારે જ ચાલ્યો જાઉં..!" નારદજીએ નારાજ થઈને કહ્યું.
"અરે એમ નારાજ ન થાઓ.. આ તો તમારો સ્વભાવ છે એટલે ડર લાગે.." કૃષ્ણ ભગવાને કહ્યું.
"તો તો હવે હું તમારા મહેલે નહીં આવું.. આજ તો હું પ્રદ્યુમનના મહેલે જઈશ.."નારદજીએ મોં ચડાવીને કહ્યું.
બલભદ્ર અને કૃષ્ણ નવાઈ પામ્યા.
નારદજીની યોજના એમને સમજાતી ન્હોતી..!
ભગવાને પોતાના જ્યેષ્ટ પુત્રને બોલાવીને કહ્યું, "હે પુત્ર,નારદમુનિ તારા મહેલમાં મહેમાન થવા આવી રહ્યાં છે..એમનો બધી વાતે ખ્યાલ રાખજે." પછી હળવેથી કાન પાસે મોં લઈ જઈ બોલ્યા, "એમની કોઈ વાતમાં આવી ન જતો.એ કંઈ પણ કરવાનું કહે તો ના પાડજે, અથવા મને પૂછ્યા વગર કંઈ વચન ન આપી બેસતો.."
"જેવી આજ્ઞા પિતાજી..!'' પ્રદ્યુમને કહ્યું.
નારદજીને લઈને પ્રદ્યુમન પોતાના મહેલે ગયો. નારદજીએ જતાં જતાં કૃષ્ણ અને બલભદ્ર સામે જોઇને કહ્યું, "નારાયણ...નારાયણ...!''
"આ તાંબુરાધારી આમ કેમ કરે છે કૃષ્ણ..?" બલભદ્રે પૂછ્યું.
"એ આપણને કોઈની સાથે લડાવવાની કંઈક યોજના ઘડીને જ આવ્યાં છે, સાવચેત રહેજો..
આપણે કારણ વગર માત્ર એમના મનોરંજન માટે યુદ્ધ કરવાનું નથી." કૃષ્ણ ભગવાન આમ કહી પોતાના આવાસમાં ચાલ્યા ગયા.
* * * * * * * *
"વાહ, તારો મહેલ તો ભાઈ બહુ સરસ છે ને કાંઈ..!" નારદજીએ પ્રદ્યુમનનો મહેલ જોઈ વખાણ કર્યા.
"તે હોય જ ને..! હું પુત્ર કોનો છું..ચાલો તમને બતાવું.." કહી પ્રદ્યુમને નારદજીને મહેલમાં ફેરવ્યા.
"ઓહો..હો..ખૂબ સરસ. મહેલ આટલો સુંદર છે તો તારો રથ તો બતાવ..!"
"અરે ચાલોને, એક નહીં મારી પાસે તો ઘણા બધા રથ છે.." એમ કહી પ્રદ્યુમને એના રથ બતાવ્યા.
"અરે વાહ, એકથી એક ચડિયાતા છે હો.. પણ આ બધા રથને જોડાય એવા ઘોડા તારી પાસે નહીં હોય.."નારદજીએ આંખો નચાવી.
"લે..કેવી વાત કરી તમે..! ચાલો મારી અશ્વશાળા બતાવું..."એમ કહી પ્રદ્યુમન પોતાના અશ્વો બતાવવા લઈ ગયો.
ઉત્તમ પ્રકારના અશ્વો ત્યાં બાંધ્યા હતાં. પણ નારદજીએ મોં બગાડ્યું.
"બસ..? મને હતું જ કે તારી પાસે ઠેકાણા વગરના ટારડાં જ હશે...તને છોકરું સમજીને સારા અશ્વો તારા પિતા આપે જ નહીં.."
નારદજીએ ઉતરેલી કઢી જેવું મોં કરીને કહ્યું.
"અરે..નારદજી, તમને કદાચ અશ્વોની ઓળખ નથી.આ અશ્વો જગતના શ્રેષ્ઠ અશ્વો છે.. પવનવેગે ચાલતા આવા અશ્વો કોઈ પણ રાજકુમાર પાસે નથી.."
"લે..રાખ રાખ હવે.હું તો ત્રીલોકમાં ફરતો રહું છું.ઇન્દ્રના ઘોડા'ય મેં તો જોયા છે..! તારી પાસે તો દાંગવરાજા પાસે છે એવી એક ઘોડી પણ નથી..જો એ ઘોડી તું લઈ આવે તો તારા આ તબેલામાં ચાર ચાંદ લાગી જાય..પણ એ ઘોડી તને કોઈ નહીં લાવી આપે..નારાયણ નારાયણ.."
"દાંગવરાજા..? એ વળી કોણ..? હું એને મોં માંગી કિંમત આપીને એ ઘોડી લઈ આવીશ.."
"એ ઘોડી તું ન લાવી શકે. તારા પિતા તને ના જ પાડશે..તું હજી બાળક છો.આવા નમાલા ઘોડા આપીને તને રાજી રાખ્યો છે.."
નારદજી ચાવી ટાઈટ કરવા લાગ્યાં.
"અરે તમે હજી આ પ્રદ્યુમનને ઓળખતા નથી.હું સૌથી મોટો પુત્ર છું..હું જે માંગુ એ મારા પિતાજી લાવી આપે.એ ના પાડે તો મારા તાઉજી તો લાવી જ આપે.." પ્રદ્યુમને કહ્યું.
"એ તારો વ્હેમ છે પુત્ર..! દાંગવની ઘોડી તો ભાઈ ઘોડી છે હો.આજે ત્રિલોકમાં એવી ઘોડી કોઈ પાસે નથી.. તને ખબર છે..? એ ઘોડીને દાંગવ પોતાના મહેલમાં રાખે છે...! કોઈને આપવાની વાત તો દૂર, કોઈને બતાવતો'ય નથી. તું હજુ બાળક કહેવાય..તારું કામ નહીં, એ ઘોડી મેળવવાનું..એ તો કોઈ પરાક્રમી યુવરાજ જ લાવી શકે...તું તો આવા ખચ્ચરોને જગતના શ્રેષ્ટ અશ્વો કહે છે..તેં હજી દુનિયા નથી જોઈ દીકરા..વાહ દાંગવ વાહ..શું ઘોડી છે..અહાહા.. જાણે અપ્સરા જોઈ લો..એની આંખો..એના કાન..એટલી સુંદરતાની શું વાત કરું..ઓ..હો.. નજર હટાવવાનું મન જ ન થાય.. એમ થાય કે બસ એ ઘોડીને જ જોઈ રહીએ..હું તો એ ઘોડી જોઈને બસ જોતો જ રહી ગયો.બિચારો દાંગવ તો મને કહે કે તમને બહુ ગમી હોય તો લઈ જાવ..પણ મારે એ ઘોડીને શું કરવી છે.. પણ પ્રદ્યુમન, એ ઘોડી તારી આ અશ્વશાળામાં જ શોભે એવી છે હો..એ ઘોડી વગર તારું જીવન બેકાર છે..તારી જિંદગીમાં જો કાંઈ ઘટતું હોય તો બસ, એ ઘોડી જ ઘટે છે..મેં તો જોઈ ત્યારથી જ મને પહેલો વિચાર એ જ આવ્યો હતો પુત્ર, કે આવી ઘોડી તો બસ પ્રદ્યુમન પાસે જ શોભે.. એટલે તો હું ખાસ તારી પાસે આવ્યો છું..તારા પિતાને મારી ઉપર શંકા છે કે હું એમને કોઈની જોડે લડાવવા આવ્યો છું, પણ હે વાસુદેવનંદન હું તો લોકોના કલ્યાણ માટે હરતો ફરતો રહું છું..તું ગમે તેટલું કહીશ પણ એ ઘોડી તને નહીં મળે એનો મને અફસોસ રહેશે.. નારાયણ..નારાયણ.."
"નારદજી,તમે કાલે જ જોશો એ ઘોડી મારી અશ્વશાળામાં.."પ્રદ્યુમને કહ્યું.
"અરે, મેં કહ્યુંને પુત્ર, એ તારું કામ નહીં.એતો કોઈ પરાક્રમી...''
"હું પરાક્રમી છું..હું એ ઘોડી લાવી બતાવીશ.."
"ના ભાઈ ના..એ તું નહીં કરી શકે..તું હજી બાળક કહેવાય.."
"નારદજી..હું પ્રતિજ્ઞા લઉં છું કે હું એ ઘોડી મેળવીને જ જંપીશ.જ્યાં સુધી એ ઘોડી નહીં લાવું ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરીશ..."
નારદજીની વાતોમાં આવીને પ્રદ્યુમન પિતાએ આપેલી સૂચના ભૂલી ગયો.
"અરે એ શું કર્યું તેં પુત્ર..તારા પિતા મને વઢશે.. મને ઠપકો આપશે.. તું મને અપયશ અપાવીશ.." નારદજી મનોમન પોતાની બાજી ગોઠવાતી જોઈને રાજી થયા.પણ મોં પર દુઃખના ભાવો લાવીને કહ્યું.
"હું તમારું નામ નહીં આપું ઋષિવર..આપે તો મારા સારા માટે છેક અહીં સુધી ધક્કો ખાધો છે..ચાલો હવે મહેલમાં જઈ તમે જમીને વિશ્રામ કરો.હું અત્યારે જ એ ઘોડી લેવા જઈશ.."
"અરે..ભાઈ મારે વળી વિશ્રામ કેવો ને વાત કેવી..મારુ કામ તો પૂરું થયું.. હવે હું રજા લઈશ..પણ હે પુત્ર તું મને વચન આપ કે મારું નામ આમાં ક્યાંય નહીં આવે.."
"તમે સુખેથી પધારો..મારા મહેલમાં વિશ્રામ કર્યો હોત તો મને અતિ આનંદ થાત.પણ જેવી તમારી ઈચ્છા, હું તમને વચન આપું છું કે તમારું નામ હું નહીં આવવા દઉં.."પ્રદ્યુમને બે હાથ જોડીને નારદજીને નમસ્કાર કર્યા.
"યશસ્વી ભવ..પુત્ર, એ ઘોડી લાવીને મારી આ મહેનત સાર્થક કરી બતાવજે..નારાયણ નારાયણ.." કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા..!

* * * * * * * * *

પ્રદ્યુમન એના મહેલમાં જઈને વિચારવા લાગ્યો.
"એ ઘોડી કેવી હશે ? નારદજીએ ખાસ મારા માટે તસ્દી લીધી એટલે હશે તો ખૂબ સુંદર.. તાઉજીને કહીશ..એ મને જરૂર એ ઘોડી મંગાવી આપશે.."
"યુવરાજની જય હો..પિતાશ્રી આપને નારદજીને લઈ ભોજન માટે બોલાવી રહ્યાં છે.." એક સૈનિકે આવીને કહ્યું.
"તું જા.. પિતાજીને કહેજે કે મારે નથી જમવું. નારદજી તો ચાલ્યાં ગયાં છે અને કહેજે કે હવે હું નથી જમવાનો.." પ્રદ્યુમને આજ્ઞા આપી.
સૈનિકે જઈને વૃતાંત જણાવ્યું.
બલભદ્ર ચિંતામાં પડી ગયા.
"કેમ પુત્ર જમવાની ના પાડે છે..! લાવ હું જાતે જઈને બોલાવી લાવું.."
"અરે એક દિવસ નહીં જમે તો કંઈ વાંધો નહી, દાઉ. નારદજીએ કંઈક પટ્ટી પઢાવી હશે.ભૂખ્યું થશે એટલે આફુરું આવીને જમી લેશે.તમારે જવાની જરૂર નથી.." કૃષ્ણ ભગવાને કહ્યું.
"તું કેવો બાપ છે ? દીકરો ભૂખ્યો રહે તો ગળે કોળિયો કેમ ઉતરે..હું હમણાં જ બોલાવી લાવું..'' કહીને બલભદ્ર ચાલ્યા.
"એની કોઈ વાતમાં હા પાડતાં નહીં. નારદ ઝગડાનું મૂળ ઘાલતો ગયો હશે..ધ્યાન રાખજો દાઉ.."
કૃષ્ણની એ વાત કાને ધર્યા વગર બલભદ્ર પ્રદ્યુમનના મહેલે આવીને ઉભા.એમને જોઈને પ્રદ્યુમન આડું જોઈ ગયો.
એ રિસાયો છે એમ સમજીને તાઉજીએ એના ખભે હાથ મુક્યો.
"કેમ મારા પુત્રને શું જોઈએ છે બોલ..કેમ રિસાયો છે..?"
''મને નાનું છોકરું સમજીને ખચ્ચર જેવા ઘોડા કેમ આપ્યાં..? મારે દાંગવરાજા પાસે છે એ ઘોડી જોઈએ.જ્યાં સુધી એ ઘોડી મને નહીં મળે ત્યાં સુધી મેં અન્નજળ નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી છે..."
"દાંગવની ઘોડી..? અરે એ તો આપણો ખંડીયો રાજા છે.એનું રાજ્ય આપણા તાબામાં છે.બેટા એ રાજ્યની તમામ ચીજો આપણી જ કહેવાય. બસ, આટલી જ વાત માટે મારો દીકરો રિસાયો..? ચાલ જમવા, આપણે એ ઘોડી કાલે જ મંગાવી લઈશું." બલભદ્ર હસી પડ્યાં.
"એ દાંગવ રાજા, એની ઘોડી કોઈને બતાવતો પણ નથી.અને મહેલમાં રાખે છે..તમે કાલે નહીં અત્યારે જ કોઈને એ ઘોડી લેવા મોકલો તો જ હું જમવા આવીશ. અને જો સવારે એ ઘોડી નહીં આવે તો કાલથી હું પાણીનો પણ ત્યાગ કરીશ.અને આ વાત મારા પિતાજીને કરવાની નથી..."
પ્રદ્યુમન, બલભદ્ર પાસે ખૂબ લાડ કરતો.અને બલભદ્રને એ ખૂબ વ્હાલો પણ હતો..
"ચાલ દીકરા..હું હમણાં જ કોઈને મોકલું છું.સવારે એ ઘોડી તારી પાસે હશે બસ..ચાલ હવે.."
"એમ નહીં. મારી સામે જ કોઈને બોલાવીને આજ્ઞા કરો.." પ્રદ્યુમન પણ ઓછો ન્હોતો.
બલભદ્રને વાત ખૂબ સરળ લાગી હતી.એક તાબાનો રાજા તો ગુલામ કહેવાય.એક ઘોડી શું એની તમામ મિલકત પણ દ્વારકાની જ ગણાય.
એટલે એમણે એક સિપાહીને બોલાવીને દાંગવ રાજાના રાજ્યમાં જઈને જે ઘોડી મહેલમાં રાખવામાં આવી છે એ લઈ આવવા હુકમ કર્યો.
પ્રદ્યુમન રાજી થઈને એમની જોડે જમવા ચાલ્યો.
બંનેને આવતા વાર લાગી એટલે ભગવાને પૂછ્યું, "કેમ બહુ વાર લાગી પુત્ર..? નારદજી કેમ રોકાયા નહીં..? એમણે તને કંઈ કહ્યું તો નથી ને..?"
પ્રધુમન બલભદ્ર સામે જોઇને ચૂપ રહ્યોં.એ જોઈને ભગવાન ખિજાયા...
"દાઉ..શું વાત છે..? નારદે કંઈ પટ્ટી તો નથી પઢાવીને..? તમને આવતા વાર કેમ લાગી દાઉ..?"
"અરે..વાતમાં કંઈ ભલીવાર નથી.તું ચિંતા ન કર કાન્હા..ચાલો જમી લઈએ.." બલભદ્રે વાત ટાળતાં કહ્યું.
"તો તમે તાઉ દીકરો મને નહીં કહો એમ ? કોઈ વાંધો નહીં. પણ જો કાંઈ લડવાની વાત આવી તો હું ચલાવી નહીં લઉં.. મને એ નારદ આવ્યા ત્યારથી જ શંકા પડી છે..
મહેમાનોના કક્ષમાં વિશ્રામ કરવાને બદલે તંબુરો લઈ પ્રદુમનના મહેલે ગયા..પણ યાદ રાખજે તારી કોઈ જીદ હું માન્ય નહીં રાખું.."
પ્રદ્યુમને ફરી તાઉ સામે જોયું.
તાઉશ્રીએ શાંતિ રાખવા ઈશારો કર્યો.અને જમીને સૌ પોતપોતાના મહેલમાં જઈને સુઈ ગયા.
નારદજીએ દીવાસળી ચાંપી હતી એની ભગવાનને તો ખબર જ હતી પણ બલભદ્રને ખબર ન્હોતી કે દાંગવ એ ઘોડી આપવાની ના પડવાનો હતો.અને એમાંથી ખૂબ ભયાનક યુદ્ધ થવાનું હતું.અને એ યુદ્ધ બીજા કોઈ સાથે નહીં પણ કૌરવો અને પાંડવો સામે..!
(ક્રમશ :)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED