MAHABHARAT NA RAHSHYO - 4 books and stories free download online pdf in Gujarati

મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (4)

દાંગવ આખ્યાન (4)

દાંગવની ઘોડી માટે હવે યુદ્ધ અનિવાર્ય હતું. બે મહાન રાષ્ટ્રો વચ્ચે..! કદાચ ક્યારેય ન થઈ શકે એવું મહાયુદ્ધ એક નાની અમથી વાતમાંથી આવી પડ્યું હતું.એ ભગવાન શ્રી કૃષ્ણને ગમતી વાત ન હતી.
પોતાનો એક ગુલામ રાજા અપમાન કરીને એક ઘોડી આપવાની ના કહે..અને અન્ય રાજ્યના શરણે જાય..એ રાજ્ય એટલે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રષ્થ..
સગી ફોઈના દીકરા પાંડવોએ એ દાંગવને શરણે રાખ્યો એ વાત બલભદ્રને બિલકુલ ગમી ન હતી.
ક્ષત્રિય ધર્મનું પાલન કરવા માટે પાંડવોને ના છૂટકે આ યુદ્ધ કરવું પડે તેમ હતું એ પણ એક વાસ્તવિકતા હતી..!
ભીષ્મપિતાએ આ યુદ્ધની આગેવાની લીધી. ભગવાન શ્રીકૃષ્ણ અને બલભદ્ર સામે લડવાનું હતું. યુદ્ધ જો એનો ખરો રંગ પકડે તો કોણ સાળો અને કોણ બનેવી..કોણ મામાના અને કોણ ફોઈના..! ભગવાન એમનું સુદર્શન ચક્ર છોડે તો કોઈ બચે નહીં.
ભીષ્મપિતાને આ વાતનો ડર હતો. શ્રીકૃષ્ણ ભગવાનના એ આ યુધ્ધ સામે લડી શકે એવી એક હથિયાર તો હોવું જ જોઈએ એમ વિચાર કરતા ભીષ્મપિતા બેઠા હતા.
યુધિષ્ઠિરે એમને ચિંતિત જોઈને પ્રશ્ન કર્યો, "હે પિતામહ..તને શા વિચારમાં ડૂબેલા છો..આ યુદ્ધ તો ખરેખર બલભદ્રજીએ આપણી માથે થોપ્યું છે..એ ઘોડીની માંગણી જતી કરે તો હજી પણ આ યુદ્ધ અટકી શકે તેમ છે.."
"પ્રિય પુત્ર યુધિષ્ઠિર.. હવે એ વાત કરવાનો કોઈ અર્થ નથી.યુદ્ધ તો નક્કી થઈ જ ગયું છે.તો હવે એ યુદ્ધમાં આપણે સુદર્શન ચક્ર સામે લડે એવું હથિયાર મેળવવું જરૂરી છે.પુત્ર...જો ભગવાન એ ચક્ર છૂટું મુકશે તો આપણે કોઈ બચી શકીશું નહીં.."
'' પિતામહ..વાસુદેવ એવું કદી નહીં કરે..આપણો વિનાશ થાય એવું એ ક્યારેય નહીં કરે.." યુધિષ્ઠિરે કહ્યુ.
''પુત્ર, યુદ્ધ તો યુદ્ધ હોય છે.મને પણ ખબર છે કે દેવકીનંદન એ હથિયાર કદી આપણી સામે નહીં વાપરે.છતાં પણ સાવચેતી સારી.જો આપણી પાસે શંકર ભગવાનું ત્રિશૂળ હોય તો આપણે સુરક્ષિત રહીશું.. ન કરે નારાયણ..પણ જો યુદ્ધમાં ગુસ્સે ભરાઈને વાસુદેવ એમનું સુદર્શન ચક્ર વહેતું મૂકે તો આપણે એની સામે ત્રિશૂળ છૂટું મૂકી શકીએ..દેવના આયુધને દેવનું આયુધ જ રોકી શકે..મારા કે અર્જુનના બાણ કામમાં નહીં આવે..!''
એ વખતે ત્યાં બેઠેલા ભીમે આ સાંભળીને કહ્યું, "હું ભગવાન શંકરનો ભક્ત છું..મને આજ્ઞા આપો તો હું જઈને શિવજીનું એ ત્રિશૂળ હમણાં જ લઈ આવું.."
ભીષ્મપિતા ભીમના વચનો સાંભળીને રાજી થયા. ભીમને ત્રિશૂળ લેવા મોકલવામાં આવ્યો.
જંગલમાં વહેતી નાનકડી નદીના કિનારે આવેલા શંકરના મંદિરમાં જઈ ભીમે ભગવાનની ખૂબ જ સ્તુતિ કરી.પૂજન અર્ચન કરીને શિવજીને પ્રસન્ન કરવા ઘણી આજીજી કરી. ભીમની એ સેવા જોઈને પાર્વતીજીએ પ્રસન્ન થઈને શિવજી તરફ જોયું..
"ભગવન..તમારો આ ગાંડીયો ભક્ત ક્યારનો આજીજી કરી રહ્યો છે.તમે એને દર્શન નહીં આપો ત્યાં સુધી જવાનો નથી. એ હઠીલો છે એ તો તમે જાણો જ છો.શા માટે બિચારાને કષ્ટ આપી રહ્યાં છો..જાવ સ્વામી એને જે જોઈતું હોય એ આપી આવો.."
"હે સતી, તમે જાણતા નથી. એ ગાંડીયો આજે મારું ત્રિશૂળ લેવા આવ્યો છે. મારું ત્રિશૂળ કંઈ કોઈને ઉછીનું આપવાનું શસ્ત્ર નથી...એટલે ભલે એ કરગરે..પણ હું એને ત્રિશૂળ તો નહીં જ આપું. ભગવાન પણ જીદે ભરાયા હતા..
ભીમની પૂજા ખૂટી પડી.જેટલા મંત્ર એ જાણતો હતો એ બધા ત્રણ-ત્રણવાર જપવા છતાં શિવજી પ્રગટ થયા નહીં એટલે ભીમ ગુસ્સે થયો..
"તો તમે એમ નહીં માનો એમને..! પૂજા કરું છું, સ્તુતિ કરું છું, વારંવાર તમને વિનવું છું..પણ તમે દર્શન દેતા નથી. ભોળીયા શંકર તમે ઉભા રહો.. હું હમણાં જ તમને પરચો બતાવું.." એમ કહીને ભીમ મંદિરમાંથી બહાર નીકળ્યો..
નદીના વહેણને રોકીને બધું પાણી મંદિર તરફ વાળ્યું..નાનકડું મંદિર પાણીમાં ડૂબવા લાગ્યું. ઝાડી ઝાંખરા અને કાદવ મંદિરમાં જમા થવા લાગ્યો.એ જોઈ પાર્વતીજી અકળાયા..
"આપ જાણો છો પ્રભુ, કે આ ગાંડીયો કોઈ વાતે એની જીદ નથી છોડવાનો. છતાં તમે માનતા નથી.જાવ.. પ્રભુ..જઈને એને ત્રિશુલ જોઈએ તો ત્રિશૂળ અને ડાક-ડમરું જોઈએ તો ડાક-ડમરું આપી આવો. ગળામાં પડેલા આ સાપ માંગે તો એ પણ આપી દેજો..પણ એને અહીંથી રવાના કરો.."
"પણ સતી..."
"હવે પણ ને બણ પ્રભુ..મારાથી શ્વાસ પણ લેવાતો નથી. તમે જાવ જલ્દી.."
ભગવાન શિવજી મુંઝાયા. ભીમ આગળ એમનું કાંઈ ચાલ્યું નહીં..આખરે એમને પ્રગટ થવું જ પડ્યું.
"વત્સ ભીમ..આવી સેવા કરાય કે..? "
ભીમે શિવજીને પ્રગટ થયેલા જોયા. એના આનંદની સીમા ન રહી.તરત જ પ્રભુના ચરણોમાં નમી પડ્યો..
"પ્રભુ..કેટકેટલી વિનવણીઓ,પૂજા અને મંત્રો કામમાં નથી આવતા, એ મેં આજે જ જાણ્યું.. મારા પ્રણામ સ્વીકાર કરો..અને મને જલ્દીથી ત્રિશૂળ આપી દો, એટલે હું મારા રસ્તે પડું.."
"અરે ગાંડીયા..આ મારું ત્રિશૂળ એમ કોઈને એ આપી શકાય નહીં.." પ્રભુએ હળવેથી હસીને ના પાડી.
ભીમે બે હાથ જોડ્યા.
"પ્રભુ આપ તો જાણો જ છો કે શા માટે હું ત્રિશૂળ લેવા આવ્યો છું..જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી હું આપને હવે છોડવાનો નથી. આપ્યા વગર તમારે છૂટકો પણ નથી.. તો શા માટે મને ત્રાસ આપી રહ્યા છો ભગવન..લાવો જલ્દી..!'' કહીને ભીમે શિવજીના પગ પકડી લીધા.
શિવજી તો અંતર્યામી અને ભોળા ભગવાન છે. અપ્સરાના ઉદ્ધાર માટે સાડા ત્રણ વજ્ર ભેગા થવા દેવા પડે તેમ હતા.અને એ સાડા ત્રણ વજ્રમાં આ ત્રિશૂળ એક વજ્ર હતું..
હાથ ઊંચો કરીને શિવજીએ એ ત્રિશૂળ હાજર કર્યું. ત્રિશૂળ ભીમને આપતા હસીને કહ્યુ, "વત્સ, જ્યારે જરૂર પડે ત્યારે જ આનો ઉપયોગ કરજે..કાર્ય પૂર્ણ કરીને મારું આ ત્રિશૂળ મારી પાસે પરત આવી જશે.."
"જેવી આજ્ઞા.. પ્રભુ.." ભીમસેન ત્રિશૂળ લઈને ઇન્દ્રપ્રસ્થ આવી ગયો.

* * * *

શકુનીએ કરેલી ગોઠવણ વિદુરજીના ધ્યાનમાં આવી હતી.હસ્તીનાપુરની સેના અને કૌરવો પાછળ રહીને દગો કરવાની યોજના ઘડી રહ્યાં હતાં.
ભીષ્મપિતાએ એ યોજના ઉપર પાણી ફેરવ્યું હતું. દ્વારકાના દરેક યોદ્ધા સામે કૌરવો અને પાંડવોને એકની સામે એક એમ ગોઠવ્યાં..
એ ગોઠવણી મુજબ કોઈ પાછળ રહી શકે એવું રહ્યું નહીં..!
ભીમ શિવજીનું ત્રિશૂળ લઈ આવ્યો હતો એટલે હવે શ્રીકૃષ્ણના ચક્રની બીક ન્હોતી.
પાંડવો અને કૌરવોની સેનાએ દ્વારકા ઉપર કૂચ કરી..સામ-સામા લશ્કરો ગોઠવાઈ ગયા..
શ્રીકૃષ્ણ પ્રભુએ અને ભીષ્મપિતાએ પોતપોતાના શંખ ફૂંકયા.. અભિમન્યુએ પ્રદ્યુમન સાથે થોડો વાદ- વિવાદ કર્યો.
બંને સેનાઓ ટકરાઈ..તલવારો, ભાલાઓ અને ગદાઓ ઉછળવા લાગી.લોહીની નદીઓ વહેવા લાગી..
એવામાં સહદેવે જોયું કે શ્રીકૃષ્ણ તો અર્જુનનો રથ ચલાવતા નથી..
સહદેવ સાથે પ્રભુ વચને બંધાયા હતા કે હંમેશા તેઓ અર્જુનનો રથ ચલાવે તો સહદેવે યુદ્ધમાં એકમાંથી અનેક થવું નહીં.. આજ પ્રભુએ વચન પાળ્યું નહીં એટલે સહદેવ પણ શા માટે વચન પાળે ?
પોતાની આંગળી પર તલવાર વડે કાપો મૂકીને સહદેવે એના રક્તનું એક બુંદ જમીન પર પાડ્યું. એ સાથે જ ચોસઠ જોગણીઓએ આપેલા વચન મુજબ સહદેવ એકમાંથી અનેક થયો..
આ અગાઉ કરેલા યુદ્ધ મુજબ જેવો યોદ્ધો એ પ્રમાણેની સંખ્યામાં સહદેવ એને ઢીબવા લાગ્યા..
બલભદ્રને બાર અને શ્રીકૃષ્ણને વીસ સહદેવ માર મારવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં બસ સહદેવ જ દેખાઈ રહ્યા હતા..
પાંડવો અને કૌરવોની સેના પણ આ અચરજ જોઈને લડવાનું ભૂલી ગઈ.જોકે એ સેનાનું કામ એકલો સહદેવ કરી રહ્યો હતો.કોઈ હથિયારની જરૂર ન્હોતી. સહદેવ બધાને ઢીકા-પાટુનો માર મારી રહ્યો હતો..!
દુર્યોધન આ જોઈને મામા શકુનીને પૂછવા લાગ્યો, "મામા, આ સહદેવ આવી વિદ્યા ક્યાંથી શીખી આવ્યો.આ તો એકમાંથી અનેક સહદેવ થયા. સેનાની તો જરૂર જ પડે તેમ નથી.."
"હા..ભાંજા. હું પણ નવાઈ પામ્યો છું.." કહીને શકુની સહદેવની લીલા જોઈ રહ્યો.
ભીષ્મપિતા અને દ્રોણગુરુ પણ સહદેવનું પરાક્રમ જોઈ રહ્યાં હતાં.
*
શ્રીકૃષ્ણને વીસ સહદેવ મારી રહ્યા હતા. પ્રભુએ કહ્યું, "અરે સહદેવ..તે મને વચન આપ્યું હતું કે તું ક્યારેય એકમાંથી અનેક નહી થાય..તો પછી આજ કેમ વચન તોડ્યું..?"
"તમે એ વચનના બદલામાં જે વચન આપ્યું હતું એ યાદ કરો વાસુદેવ.." કહીને એક સહદેવે ઢીકો મારી લીધો.
ભગવાનને તરત જ પોતાનું વચન યાદ આવ્યું.
"પણ સહદેવ..હું ખુદ તમારી સામે લડી રહ્યો છું..તો કેવી રીતે હું અર્જુનનો રથ ચલાવું ?" પ્રભુએ કહ્યુ.
"એટલે જ તો હું એકમાંથી અનેક થયો છું..જ્યારે અમારે તમારી સામે લડવાનું થાય ત્યારે જ મારે અનેક થવાની જરૂર પડે.. બાકી આ જગતમાં અર્જુન અને ભીમનો સામનો કરી શકે એવી કોઈ સેના નથી વાસુદેવ..હવે બોલો, વચન પાળો છો કે માર ખાવો છે..?"
એ બંનેને વાતો કરતાં જોઈ બલભદ્ર ખીજાયા, "કાન્હા..મને આ બાર સહદેવ ચોંટ્યા છે.મને છોડાવ.."
"તમને તો બાર ચોંટ્યા છે..મને તો વીસ સહદેવ ફરી વળ્યા છે.લઈ લો હવે ઘોડી..મેં તો કહ્યુ જ હતુ કે રહેવા દો..હવે ભોગવો..'' કહીને ભગવાને સહદેવને પોતાની માયા સમેટી લેવા કહ્યું.
"પહેલા આપ અર્જુનનો રથ ચલાવો..તો જ હું તમને મારતો બંધ થઈશ.." સહદેવે ફરી ઘુસ્તો મારીને કહ્યુ.
ભગવાન તરત જ ભાગ્યા.દોડીને અર્જુનના સારથીને હટાવીને પોતે અર્જુનનો રથ ચલાવવા લાગ્યા.
એ જોઈ સહદેવે તરત જ પોતાની માયા સમેટી લીધી. અનેકમાંથી એક થઈને એ પોતાના રથ પર પાછો ફર્યો..
દ્વારકાની સેનાને સહદેવે ખૂબ માર માર્યો હતો.જમીન પર પાડી દઈને દરેક યોદ્ધાના હથિયારો પણ છીનવી લીધા હતા.
સહદેવને એના રથ પર આવેલો જોયો એ જ ક્ષણે શ્રીકૃષ્ણ અર્જુનના રથમાંથી ઉતરીને દોડ્યા. સહદેવ હજુ કંઈ સમજે કે વિચારે તે પહેલાં જ ગુસ્સે થયેલા કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર ચઢાવ્યું.
એ જોઈને ભીષ્મપિતાએ ભીમને રાડ પાડીને ત્રિશૂળ છૂટું મુકવા કહ્યું.
જેવું સુદર્શન ચક્ર ભગવાનની આંગળી પરથી છૂટ્યું કે તરત જ ભીમે શિવજીના ત્રિશૂળને ચક્ર તરફ વહેતું મુક્યું.
એ સાથે જ ત્રિશૂળ ઉપડ્યું.ચક્ર સાથે જઈને ટકરાયું..!
બંને દિવ્યાસ્ત્રોના ટકરાવથી અગ્નિનો એક મોટો ભડકો ઉત્પન્ન થયો.એ આગ જમીન પર પડી. નીચે ઉભેલી સેનામાં નાસભાગ મચી ગઈ. સૈનિકો લડવાનું ભૂલીને એ દિવ્યાસ્ત્રોનું યુદ્ધ જોવા લાગ્યાં.
બંને શસ્ત્રો એકબીજાની વિરૂદ્ધ દિશામાં પાછા ફરીને તીવ્ર ગતિથી એકબીજા તરફ પારાવાર વેગે ધસી જવા લાગ્યા. જેવા બંને આયુધો ટકરાય એટલે અગ્નિનો તેજપુંજ જમીન પર પડતો હતો.
જમીન પર ઉભેલા સૈનિકો બળવા લાગ્યા.ઘોડા અને હાથી દાઝીને પાગલ થઈ ગયા.
થોડીવારે ત્રિશૂળ અને ચક્રનું યુદ્ધ અતિશય ઘાતક બનવા લાગ્યું. બંને આયુધોના ટકરાવથી આગના ગોળા ઉત્પન્ન થઈને નીચે પડવા લાગ્યાં. નીચે બંને સૈન્યમાં જબરી નાસભાગ મચી હતી.આગ ભયાનક સ્વરૂપ પકડવા લાગી હતી.
એ જોઈને શ્રીકૃષ્ણ પોતાના રથ પરથી ઉતરીને ભીષ્મપિતા પાસે આવ્યા..
"પિતામહ..આપે એ શું કર્યું..? શા માટે તમે આ શિવજીનું ત્રિશૂળ લઈ આવ્યા..હવે જો આ યુદ્ધ નહીં અટકે તો પૃથ્વીનો નાશ થઈ જશે.આ આગમાંથી કોઈ નહીં બચે.."
"તો તમે અમારા પર ચક્ર શા માટે છોડ્યું વાસુદેવ..? શું તમે અમારો સર્વનાશ કરવા માંગતા હતા ?" ભીષ્મપિતાએ કહ્યુ.
ભગવાન સમજી ગયા કે આ સમય વાદ- વિવાદનો નથી. એમણે તરત જ પૂછ્યું, "આ ત્રિશૂળ કોણ લઈ આવ્યું છે..?"
"હું લઈ આવ્યો છું..દેવકીનંદન.." ભીમે આગળ વધીને કહ્યુ.
"તો તમે એ ત્રિશૂળ જલ્દી પાછું બોલાવી લો, ભ્રાતા ભીમ.."
''મને એ ત્રિશૂળને પાછું કેમ બોલાવાય એ ખબર નથી. મને તો શિવજીએ કહ્યુ હતુ કે આ દિવ્યાસ્ત્ર છે..એનું કામ પૂરું કરીને એની મેળે પાછું આવતું રહેશે.."
ભીમે હાથ ઊંચા કરીને કહ્યુ.
"એનું કામ એટલે વિનાશ...ભ્રાતા ભીમ..વિનાશ.
સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ જશે.." પ્રભુએ ચિંતા કરી.
"તો હે વાસુદેવ..આપ આપના ચક્રને શા માટે પાછું બોલાવી લેતા નથી.." અર્જુને આવીને કહ્યુ.
"હું ચક્રને પાછું બોલાવી લઉં તો પણ એ ચક્ર પાછું ન આવે.જો ચક્ર પાછું આવે તો ત્રિશૂળ એનો પીછો છોડે નહીં.."
"તો હવે શું ઉપાય કરવો, એ તમે જ કહો." ભીષ્મપિતાએ હાથ જોડીને કહ્યુ.
એ જ વખતે ભગવાને અર્જુનની ધજા પર હનુમાનજીને આરામથી બેસીને બંને આયુધોની લડાઈ જોતા જોયા..
"અરે..મારૂતીનંદન.. આપને આમ નિરાંતે યુદ્ધ જોઈ રહેતાં શરમ નથી આવતી..? શું તમે એ બંનેને છુટા પાડી શકવાનું સામર્થ્ય નથી ધરાવતા..? આ પૃથ્વીનો વિનાશ થઈ જશે એ જાણવા છતાં તમે આરામથી બેઠા છો ?'' શ્રીકૃષ્ણે ખિજાઈને કહ્યુ.
"પ્રભુ..આમ મારી ઉપર ગુસ્સો ન કરો..આપની જ ભૂલ છે.આપને આવી રીતે પાંડવો પર સુદર્શન ચક્ર ચડાવવું ન જોઈએ..હવે મને શા માટે વઢો છો..હું તો આપ આજ્ઞા આપો તો હમણાં જ જઈને એ બંને આયુધોને એક એક હાથમાં પકડી લઉં.. પણ પછી હું ક્યાં જઉં ? પૃથ્વી મારો એ દિવ્યાસ્ત્ર સહિતનો ભાર ખમી શકશે નહીં..હું સીધો જ પાતાળ લોકમાં જઈ પડું..તેથી જો આપ નીચે કોઈ વજ્રની વ્યવસ્થા કરો તો હું જઈને બન્ને શસ્ત્રોનો છુટા પાડી દઉં.." હનુમાનજીએ કહ્યુ.
"વજ્ર..? એવું વજ્ર તો..." ભગવાન વિચારમાં પડ્યા. પછી એકાએક એમને યાદ આવ્યું..
"અરે ભ્રાતા ભીમ..તમારું ડાબું અંગ વજ્રનું છે..એક કામ કરો..તમે પૃથ્વી પર સુઈ જાવ. હનુમાનજી એ બંને શસ્ત્ર લઈને તમારી ઉપર પડશે.." શ્રીકૃષ્ણે ભીમનો હાથ ખેંચીને કહ્યુ.
ભીમે તરત જ પોતાનો હાથ છોડાવી લીધો...
"વાહ..પ્રભુ.. વાહ..ટાઢા પાણીએ ખસ કાઢવા માંગો છો ? જે હનુમાનજીનું પૂછડું પણ મારાથી ઊંચું થયું ન્હોતું. હમણાં હનુમાનજી એમ કહેતા હતા કે એ બે શસ્ત્ર સાથેનો એમનો ભાર આ પૃથ્વી પણ ખમી શકે નહીં..એ હનુમાનજી મારી ઉપર પડે એટલે મારું શું થાય..? તમારે જે રસ્તો કરવો હોય તે કરો.. એમ હું મફતમાં મરવા માગતો નથી..." કહીને ભીમ પોતાની ગદા ખભા પર મૂકીને ચાલતો ચાલતો બબડતો હતો, "કોણે કીધું'તું ચક્ર છોડવાનું.."
શ્રીકૃષ્ણે ભીમની પાછળ જઈ એનો હાથ પકડ્યો. એની શક્તિ વિશે સમજણ આપીને માંડ સમજાવ્યો. હનુમાનજીએ પણ ભીમને સાંત્વન આપ્યું કે "તું ડર નહીં.. હું એકદમ હળવેથી તારા શરીર પર પગ મુકીને ઉતરીશ.."
ભીમ ડરતો ડરતો જમીન પર સૂતો. હનુમાનજીએ કૂદકો મારીને લડતા બંને શસ્ત્રોને બળપૂર્વક પકડી રાખ્યા.ભીમના ડાબા પડખા પર પગ મૂકીને ઊભા રહ્યા..
એ જ ક્ષણે સાડા ત્રણ વજ્ર...એક હનુમાન, બીજું સુદર્શન ચક્ર, ત્રીજું શિવજીનું ત્રિશૂળ અને અડધું ભીમનું અંગ...એમ સાડા ત્રણ વજ્ર ભેગા થઈ ગયા..
સાડા ત્રણ વજ્ર ભેગા થતા જ પેલી અપ્સરા શ્રાપમુકત થઈ ગઈ.ઘોડીમાંથી અપ્સરા બનીને સ્વર્ગના માર્ગે ઉપડી.
એને જતી જોઈએ દાંગવ રાજાએ એનો હાથ પકડ્યો.
"છોડ.. રાજન મારો હાથ.હું તો સ્વર્ગની અપ્સરા છું..હું તારી જેવા પામર મનુષ્યની રાણી બનીને પૃથ્વી પર રહેવા નથી આવી.." અપ્સરાએ પોતાનો હાથ છોડાવીને કહ્યું.
"પણ મેં તારા માટે થઈને આવડું મોટું યુદ્ધ કરાવ્યું. તે મારી સાથે લગ્ન કર્યા છે. એનું શું..?'' દાંગવ કરગરી પડ્યો.
"એ તું જાણે.. છોડ મને મારે સ્વર્ગે જવાનું મોડું થાય છે.." કહીને એ અપ્સરા અકાશમાર્ગે રવાના થઈ ગઈ..
દાંગવ એ જોઈને ફરી બળી મરવા તૈયાર થયો. આખરે ભગવાન શ્રીકૃષ્ણએ એને સમજાવ્યો કે હે દાંગવ રાજા..તમે તો માત્ર નિમિત્ત છો..દુર્વાશા મુનિએ જે દિવસે આ અપ્સરાને શ્રાપ આપ્યો, તે જ દિવસે આવી રીતે સાડા ત્રણ વજ્ર એકઠા થવાનું નક્કી થઈ ચૂક્યું હતું..એટલે આપ સંતાપ ન કરો.."
ભગવાનના મધુર વચનો સાંભળી દાંગવે પ્રભુને પ્રણામ કર્યા.
સૌ, એકબીજાની ક્ષમા માંગીને હસી-ખુશીથી છુટા પડ્યાં..
(સમાપ્ત)

નોંધ :- વાચક મિત્રો,
મહાભારત જેવા મહાન ગ્રંથને ભારતના અનેક લેખકોએ પોતપોતાની રીતે વર્ણવ્યો છે.આ વાર્તા વલ્લભકૃત રાગરાગણી મહાભારતમાં આવે છે. મેં એ ગ્રંથનો આધાર લઈને દાંગવ આખ્યાનને મારા શબ્દોમાં આપની સમક્ષ રજુ કર્યુ છે.તેથી આ વાર્તા મારી રચના કોઈ કાળે બની શકે નહીં.
કેટલાંક વાચકોએ આ વાર્તા વિશે મને અલગ-અલગ મંતવ્યો આપ્યા છે.એ સૌ વાચકોનો આભાર..
અંતમાં એટલું જ કહેવાનું કે કોઈ પણ પૌરાણિક કે ઐતિહાસિક વાર્તા અંગે મતમતાંતરો સંભવી શકે. એટલે મેં લખેલી આ કથા જ સાચી છે એવું હું ભારપૂર્વક કહેવાનો આગ્રહ રાખતો નથી.અન્ય કેટલાક ગ્રંથમાં દાંગવ કથા થોડી અલગ રીતે પણ હોઈ શકે.અને
એ જ કારણે જ મહાભારતની સીરિયલમાં આવી કોઈ વાર્તાનો ઉલ્લેખ જોવા મળતો નથી.
--------------******----------------


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED