Jokar - 26 books and stories free download online pdf in Gujarati

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 26
લેખક – મેર મેહુલ
મારી અને શેફાલીની રાસલીલા સૌની સામે આવી ગઈ હતી. કોઈએ અમારો વિડીયો ઉતારી વાઇરલ કરી દીધો હતો.પ્રિન્સિપાલે અમને બંનેને ઓફિસમાં મળવા પણ બોલાવ્યા હતા.મને એ કોઈની પરવાહ નહોતી.મારે બસ એકવાર નિધિને મળીને કહેવું હતું.મારી ભૂલ કબૂલવી હતી.હું તેનાં રૂમમાં પ્રવેશ્યો ત્યારે એ રૂમમાં એકલી બેઠી હતી.
હા,એ બેશક અત્યારે વધારે ખુબસુરત લાગતી હતી, પણ તેના માટે હું ખુશ થાઉં એવું મેં નહોતું કર્યું.હું તેની સામે જઈ ઉભો રહ્યો ત્યારે હું અસ્વસ્થ હતો.તેણે મારી સામે જોયું.
“ઓહ,જૈનીત.ગુડ મોર્નિંગ”તેણે બનાવટી સ્મિત સાથે કહ્યું.તેના આ શબ્દો મને તીરની જેમ ચુભ્યા. મેં વિચાર્યું હતું એ મારા પર ગુસ્સો કરશે.મેં આવું કેમ કર્યું તેનું કારણ પૂછશે.તેણે તો એવી રીતે ગુડ મોર્નિંગ કહ્યું જાણે કંઈ બન્યું જ ના હોય.
“નિધુ….”હું આટલું જ બોલી શક્યો.
“તબિયત કેમ છે હવે?”તેણે પુછ્યું.હું તેની બાજુમાં જઈને બેસી ગયો.
“નિધિ પેલો વીડિયો…”મેં કહ્યું.
“હા જોયો મેં”તેણે એટલી સહજતાથી એ વાત કહી જાણે કોઈ નવા આલ્બમના વીડિયો વિશે અમે ચર્ચા કરી રહ્યા હોય.
“નિધિ આઈ એમ સૉરી….”મને શબ્દો નહોતા મળતા.એનું આવું વર્તન જોઈ હું ખુદ અચરજમાં હતો.
“અરે તું શા માટે સૉરી કહે છે?,થાય ઘણીવાર એવું.ઇટ્સ ઓકે.મને ખોટું નથી લાગ્યું” તેણે હસીને કહ્યું.મને આશ્ચર્ય થયું.તેના ચહેરા પર મારા માટે જરા પણ ગુસ્સો નહોતો.
“નિધિ એ વીડિયોમાં હું અને શેફાલી….”
“અરે બાબા મને ખબર છે તમે બંને તેમાં કિસ કરો છો.પણ મને એ વાતનું જરા પણ ખોટું નથી લાગ્યું,તું કેમ પરાણે ખોટું લગાવરાવે છે?”તેણે ફરી હસીને કહ્યું.
કા’તો નિધિને વધારે જ ખોટું લાગી ગયું હતું કા પછી એ આ વાત સ્વીકારીને આગળ વધી ગઈ હતી.મારા પેટમાં ફાળ પડી.નક્કી આગળ કોઈ ભયંકર ઘટના બનાવી હતી.
“નિધિ…”મેં કહ્યું.
“મને ખબર છે તું મને જ પ્રેમ કરે છે અને મને છોડીને ક્યાં ભાગી નથી જવાનો”એ ઉભી થઈ, “હું હાલ કોમન રૂમમાં જાઉં છું,કૉલેજ પુરી થાય પછી મળું તને”
એ ચાલી ગઈ.અમારા સંબંધ પાછળ મોટો પ્રશ્નાર્થચિહ્ન છોડીને.મને નિધિની વાતો જરા પણ ના સમજાય.એ એટલી નોર્મલ કેવી રીતે રહી શકે?
મને યાદ આવ્યું.મારે પ્રિન્સિપાલની ઓફિસમાં જવાનું હતું.મેં ઓફીસ તરફ પગ ઉપાડ્યા.હું પ્રિન્સિપાલના કેબિનમાં પ્રવેશ્યો ત્યારે શેફાલી ત્યાં હાજર હતી.
અડધી કલાક પછી અમે બંને કેબિનમાંથી બહાર આવ્યા.કોલેજમાં આવી હરકત કરવા માટે મને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.મેં માફી માંગી, શેફાલીએ પોતાની ભૂલ સ્વીકારી પણ પ્રિન્સિપાલે ‘એકને કાઢીશું તો બીજા સો સુધરશે’એવું કહી એકના બે ના થયા.મારા હિસાબે આટલી મોટી તો ભૂલ નહોતી જ.
“આ વીડિયો કોણે વાયરલ કર્યો?”બહાર આવ્યા એટલે મેં શેફાલીને પૂછ્યું.અચાનક મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો.
“બકુલે”
“ચાલ મારી સાથે”તેનો હાથ પકડી હું કેમ્પસમાં આવ્યો. બકુલ તેના ત્રણ-ચાર દોસ્તો સાથે પાર્કિંગમાં બેઠો હતો.
“જુઓ ભાઈઓ આવી ગયા ઇમરાન અને મલ્લિકા..હાહાહા”બકુલે મજાક ઉડાવતા કહ્યું.
“બકુલભાઈ,તમને શું મળ્યું આ વીડિયો વાયરલ કરીને?”મેં તેની પાસે જઈને કહ્યું.
તેણે મારો હાથ પકડ્યો,પોતાની છાતી પર રાખ્યો અને કહ્યું, “સુકુન….સુકુન મળ્યું”
“મારે પણ જોઈએ છે એ સુકુન, કઈ દુકાને મળે છે?”મેં હસીને શર્ટની સ્લીવ ઉપર કરી કડું કાંડા પરથી ઉપર ચડાવ્યું,
“ચુમિયો સમજે છે મને?”તેણે આંખો બતાવીને કહ્યું, “સિનિયર સાથે કેવી રીતે વાત કરાય નથી શીખવ્યું કોઈએ?”
“મેથીપાક ખાધેલો કોઈ દિવસ?,મેં સાંભળ્યું છે બોવ મીઠો હોય છે”મેં હસીને કહ્યું.
“તને ઈચ્છા લાગે છે મેથીપાક ખાવાની”
“તમે ફિલ્મ નથી જોતાં લાગતા”મેં ફરી હસીને કહ્યું.
“કેમ,શું હોય છે ફિલ્મમાં?”
“આવા ડાયલોગ પછી વિલન હંમેશા પીટાય છે…એટલું પણ નથી ખબર?”
“તારા ડાયલોગ એટલા સ્ટ્રોંગ નથી બકા અને અમે ચાર છીએ.તું અમને મારીશ એમ?”
“એ જ પ્રૉબ્લેમ છે મારી યાર…મને ડાયલોગ બોલતાં આવડતું જ નથી.ખાલી મારતાં જ આવડે છે”કહેતાં તેના નાક ઉપર મેં એક મુક્કો માર્યો.એ નાક દબાવી નીચે પછડાયો.તેના ત્રણ દોસ્ત બાઇક પરથી નીચે ઉતરી ગયા.
“તમારી બહેનનો આવો વીડિયો જોઈ શકવાની હિંમત હોય તો જ આગળ વધજો”તેઓને આંગળી બતાવતા મેં કહ્યું.હકીકતમાં હું પોતાનો બચાવ કરતો હતો.મને ખબર હતી હું એકલો તેઓને નથી પહોંચી શકવાનો એટલે મેં તેને ઈમોશનલ બ્લેકમેઈલ કર્યા.તેઓ ત્રણેય ગરદન ઝુકાવી ઉભા રહ્યા,જે મારી ધારણા બહારની વાત હતી.
“ચાલ,શેફાલી”હું કેન્ટીન તરફ ચાલતો થયો.કેન્ટીનમાં આવી બે સમોસની ડિસ લઈ હું ટેબલ પર બેસી ગયો. પાછળથી શેફાલી પણ ચુપચાપ આવીને બેસી ગઈ.
મારા વિચારો હાલ મેટ્રો ટ્રેન કરતાં પણ વધુ ઝડપે દોડતાં હતા.નિધિથી દૂર હું કેવી રીતે રહી શકીશ.જેના વિના આપણે એક પળની પણ કલ્પના નથી કરતા એ વ્યક્તિ અચાનક દૂર થઈ જાય તો જિંદગી નીરસ બની ગઈ હોય એવું લાગે છે.એ તો ખુદ મારી જિંદગી બની ગઈ હતી,હવે તેનાથી દૂર થવું મતલબ મારા શરીરમાંથી આત્માનું દૂર થવું.આત્મા ના હોય તો શું રહે?,માત્ર શરીર.આત્મા વિનાનું હલનચલન કરતું એક ખોળિયું.
“હું એ નહીં થવા દઉં”ટેબલ પર હાથ પછાડતા હું બરાડ્યો.
શેફાલી મારો અવાજ સાંભળીને ચોકી ગઈ,અનાયસે જ સમોસું ઉઠાવવા લંબાયેલો તેનો હાથ પાછો ખેંચાય ગયો.
“શું નહિ થવા દે?” તેણે પૂછ્યું.
“હું નિધિને મારાથી દૂર નહીં થવા દઉં,મારા પપ્પાને ખબર પડશે તો એ મને ગામડે બોલાવી લેશે,મારે નિધિ વિના રહેવું પડશે.તેની યાદોમાં તડપવું પડશે.હું એ નહિ થવા દઉં”હું ઉભો થઇ ગયો અને ચાલવા મંડ્યો.
“ક્યાં જાય છે?” શેફાલીએ પૂછ્યું, “નિધિ પાસે?”
તેની વાત સાંભળી જ ના હોય એવી રીતે હું કેન્ટીનની બહાર નીકળી ગયો.મેં નિધિને કૉલ લગાવ્યો.
“ક્યાં છે તું?”તેણે કૉલ રિસીવ કર્યો એટલે મેં પુછ્યું.
“કોમન રૂમમાં”તેણે કહ્યું.
“હું બહાર તારી રાહ જોઉં છું,જલ્દી આવજે”કહી મેં કૉલ કટ કરી દીધો.હું નહોતો ઇચ્છતો કે એ ના આવવા બાબતે કોઈ દલીલ કરે.
થોડીવાર પછી એ બહાર આવી.તેનો ચહેરા હજી એવો જ હતો.બેજાન અને તરડાઈ ગયેલો.એ મારી પાસે આવીને ઉભી રહી એટલે મારી અંદર ચાલી રહેલી બધી વાતો હું ઓકવા મંડ્યો, “નિધિ...હું તને પ્રેમ કરતો હતો,કરું છું અને કરતો રહીશ.કોઈ છોકરીની કિસ કે સહેવાસના કારણે એ કોઈ દિવસ ઓછો નહિ થાય”
“પણ હું ક્યાં કહું છું તું મને પ્રેમ નથી કરતો,મને ખબર જ છે કે તું મને કેટલો પ્રેમ કરે છે અને એટલે જ અત્યારે તારી સામે ઉભી છું.” તેણે એકદમ સ્વથતાથી કહ્યું.
નિધિના આવા શબ્દોથી મને ખુદ પર તરસ આવવા લાગ્યું.મેં તેને એટલી હદ સુધી તરછોડી હતી કે એ ગુસ્સો કરવાની પરિસ્થિતિમાં નહોતી રહી શકી.
“નિધિ”તેના ખભા પર હાથ રાખી મેં છેલ્લી વાત કહી, “હું ભૂલી ગયો કે જેને સપનાંથી વધારે નહોતી માની એ જિંદગી બની ગઈ છે.જેને મારા કરતાં પણ વધુ સારો છોકરો મળી શક્યો હોત તેણે પહેલેથી મને પસંદ કરી લીધો છે.કોઈએ સાચું જ કહ્યું હશે,’જે વ્યક્તિ આપણી સૌથી નજીક હોય ત્યારે તેની કિંમત નથી થતી અને અચાનક જ દૂર થઈ જાય ત્યારે એ અનમોલ લાગે છે’.હું એ વાત ભૂલી ગયો એટલે મને સજા પણ મળે છે.”મારા શબ્દોમાં ડૂમો બાજી ગયો હતો.આનાથી આગળ બોલવાની મારામાં હિંમત નહોતી.
“તું કેમ આવું બોલે છે યાર?,તને શી સજા મળે છે?મને પ્રેમ કરવાની?”તેણે કહ્યું.
“હું કાલે જાઉં છું મારા ઘરે”મેં નિસાસો નાખીને કહ્યું.
“મને છીડીને,આટલો જ પ્રેમ હતો તારો?”તેણે આજના દિવસના પહેલાં એવા શબ્દો કહ્યા જેનાથી મારા દિલને સુકુન મળ્યું.
“મને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો છે, કાલે પપ્પાને જાણ થશે એટલે તેઓ મને બોલાવી લેશે”મેં કહ્યું.
“એવી રીતે કેમ કાઢી શકે એ લોકો?,તે કોઈ ગુન્હો થોડો કર્યો હતો?” નિધિએ મોટેથી કહ્યું.
એ મને બચાવવા માટે એવું કહી રહી હતી કે તે મને સમજી રહી હતી એ મને નથી ખબર પણ તેના શબ્દો અત્યારે મારા માટે કોઈ અમૃતથી કમ નહોતા.
“એ લોકોનું કહેવું છે કે મારા કારણે કોલેજની ખરાબ છાપ ઉપસી આવશે અને એકને કાઢીશું તો પાછળ સો લોકો આવું કરતાં ડરશે”
“હું પણ જોઉં છું કોણ તને કાઢે છે આ કૉલેજમાંથી”તેણે કહ્યું, “મને બધી ખબર છે કેવી રીતે એ લોકોને ચૂપ કરવા”
“નિધિ”મેં ધીમેથી કહ્યું, “તે મને માફ કરી દીધુંને?”
બેઘડી એ ચૂપ રહી.
“એ બધી ચર્ચા પછી કરીશું,તું ચાલ મારી સાથે અત્યારે”
અમે બંને પ્રૉ.બી.સી.પટેલની ઑફિસમાં પહોંચ્યા.
“સર મારે એક ફરિયાદ નોંધાવવી હતી”નિધિએ શાંત અવાજે કહ્યું.
“આ છોકરા વિરુદ્ધ?”પ્રોફેસરે પૂછ્યું, “હમણાં જ મેં તેને રેસ્ટીકેટ કર્યો છે”
“ના સર,તમારા વિરુદ્ધ.એ છોકરા વતી.તમે તેની સાથે જે અન્યાય કર્યો છે તેના માટે?”નિધિ હજી શાંત હતી.મને અહેસાસ થઈ ગયો હતો,નક્કી આ તુફાન પહેલાંની શાંતિ હતી.
(ક્રમશઃ)
નિધીએ એવું શા માટે કહ્યું હતું?,નિધિ એવું તો શું રહસ્ય જાણતી હતી?શા માટે એ પ્રોફેસર સામે આવી રીતે બોલી?, શું જૈનીતને ફસાવવામાં આવ્યો હતો?,જૈનીત કોઈ ષડયંત્રનો શિકાર તો નથી થયોને?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED