Prinses Niyabi - 20 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 20

મીનાક્ષી રત્ન મેળવી નિયાબી ખુશ થઈ ગઈ. તો દેવીસિંહએ હાશ અનુભવી. એણે પોતાની જવાબદારી પુરી કરી એનો સંતોષ એના ચહેરા પર દેખાતો હતો. બધા એક બીજાને જીતની વધાઈ આપી રહ્યા હતા. દેવીસિંહે માતંગીની ફરી ગળે લગાવી દીધી. ઝાબી, અગીલા અને ઓનીર ખુશ થતા કેરાકને ભેટી પડ્યા. નુએન અને રીનીતા પણ એકબીજાને ભેટી પડ્યા.

ત્યાં દાદી ઓના ધીરે ધીરે ચાલતા આવ્યા. નિયાબી એમને જોઈ તરત જ એમની તરફ દોડી અને એમને સહારો આપ્યો.

નિયાબી જાણતી હતી કે દાદી ઓના કેમ અહીં આવ્યા હતા. એ એમને લુકાસા પાસે લઈ ગઈ. દાદી ઓના લુકાસાના નિર્જીવ શરીર પાસે બેસી ગયા અને એનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. એ વ્હાલથી એના ચહેરા પર હાથ ફેરવવા લાગ્યાં. એમની આંખો રડી રહી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર બધા લોકો ઢીલા થઈ ગયા. નિયાબી નીચી દાદી ઓના પાસે બેસી એમના ખભે હાથ મુક્યો. દાદી ઓનાએ એની સામે જોયું. નિયાબી ઉદાસ થઈ ગઈ.

દાદી ઓના: રાજકુમારી તમે જો પરવાનગી આપો તો હું લુકાસા અને મોઝિનોની અંતિમક્રિયા કરવા માંગુ છું.

પોતાના માટે રાજકુમારી સંબોધન સાંભળી નિયાબી નવાઈ પામી ગઈ. પણ એ વધુ કઈ ના પૂછતાં બોલી, દાદી ઓના લુકાસા અને મોઝિનોની અંતિમક્રિયા તમે ઈચ્છશો એ પ્રમાણે કરવામાં આવશે. પછી એણે માતંગી સામે જોઈ કહ્યું, સેનાપતિ માતંગી અંતિમક્રિયાની તૈયારીઓ કરાવો. ને કોઈપણ વસ્તુ છૂટે નહિ એનું ધ્યાન રાખજો.

માતંગીએ માથું નમાવી કહ્યું, જી રાજકુમારી. હું ધ્યાન રાખીશ.

દાદી ઓના ઉભા થયા ને દેવીસિંહની સામે જોઈ બોલ્યાં, દેવીસિંહજી રાજકુમારીને અને બીજા બધાને રાજમહેલ લઈ જાવ.

દેવીસિંહ: જી દાદી ઓના.

નિયાબી: દાદી તમે પણ ચાલો.

દાદી: ના રાજકુમારી તમે જાવ. હું થોડો સમય એકલી રહેવા માંગુ છું.

નિયાબીએ કેરાક સામે જોયું. કેરાકે ઈશારાથી જ એમની વાત માનવા કહ્યું. પછી એ બધા મહેલમાં ગયા. માતંગીએ જીમુતા અને કજાલીની મદદ થી લુકાસા અને મોઝિનોની અંતિમક્રિયાની તૈયારીઓ કરાવી. આ અંતિમક્રિયામાં નિયાબીથી લઈ બધા જ લોકોએ હાજરી આપી.

એ પછી બાકીની બધી જવાબદારી ઓનીર, માતંગી, ઝાબી એમ બધાએ સંભાળી લીધી. સૌ પ્રથમ તો ઘાયલોની સારવાર ચાલુ કરી દેવામાં આવી. જે લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોની વિધિવત અંતિમક્રિયા કરવામાં આવી. જે નુકશાન થયું હતું એની પર કામ ચાલુ કરવામાં આવ્યું. નિયાબી પોતે આ બધામાં ધ્યાન આપી રહી હતી. પાંચ દિવસની મહેનત પછી બધું થાળે પડવા લાગ્યું. પછી કેરાકે બધાને એકસાથે બોલાવ્યા.

કેરાક: દેવીસિંહજી હવે અહીં બધું ઠીક થવા લાગ્યું છે. તો મારી તમને વિનંતી છે કે રાજકુમારી નિયાબીને હવે રાયગઢના રાજા તરીકેનો કાર્યભાર સંભાળવા આપી દેવો જોઈએ. હવે વધુ રાહ જોવાની કોઈ જરૂર નથી.

દેવીસિંહ: જી રાજા કેરાક હું આપની વાતથી સહમત છું. હું આજે જ રાજપુરોહિત સાથે વાત કરી આ માટેની વ્યવસ્થા કરવું છું.

કેરાક: ઠીક છે. પછી નિયાબી સામે જોઈ કેરાક બોલ્યો, રાજકુમારી મેં તમને કહેલું એ પ્રમાણે તમને તમારું રાજ્ય પાછું અપાવી દીધું છે. હવે મારી ઈચ્છા છે કે તમે રાજ્યનો કારભાર સંભાળી ને રાજ્યની પ્રગતિ માટે કાર્ય કરો.

નિયાબી: જી રાજા કેરાક. આ માટે હું આપની ખુબ ખુબ આભારી છું. હું મારી જવાબદારી સ્વીકારવા તૈયાર છું. પણ મારી આપને એક વિનંતી છે.

કેરાક: જી રાજકુમારી બોલો.

નિયાબી: હું ઈચ્છું છું કે રાણી અસીતા અને તમારા રાજ્યના લોકો પણ આ પ્રસંગે મને આશિષ આપવા અહીં પધારે.

કેરાક: જરૂર રાજકુમારી. હું આજે જ એ લોકોને સંદેશો મોકલી આપું છું.

એ પછી બે દિવસ પછી નિયાબીના રાજ્યાભિષેકનો દિવસ નક્કી થયો. બધા લોકો ઉત્સાહથી આની તૈયારીઓમાં જોડાઈ ગયા. રાયગઢને સરસ શણગારવામાં આવ્યું. લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. દાદી ઓના પણ આ કામમાં જોડાઈ ગયા હતા. અસીતા પણ રાયગઢ આવી ગઈ હતી.

ને નિયત સમયે અને દિવસે નિયાબીનો રાજ્યાભિષેક ધામધૂમથી કરવામાં આવ્યો. બધા માટે હર્ષઉલ્લાસનો દિવસ હતો. રાજ્યાભિષેક પછી બધા લોકો માટે શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના લોકો પણ આ ભોજનમાં સામેલ થયા હતા.

એક મોટા ઓરડામાં નિયાબીએ પોતાને મદદ કરનાર બધા લોકો માટે એક સાથે બેસી ભોજન કરવાની વ્યવસ્થા કરી હતી. એમાં અગીલા, અસીતા, કેરાક, ઝાબી, ઓનીર, દાદી ઓના, દેવીસિંહ, માતંગી બધાજ હાજર હતા.

બધાએ નિયાબીને રાજ્યાભિષેક માટે શુભેચ્છાઓ આપી. પછી બધા ભોજન માટે બેઠા.

ઝાબી: અગીલા આજે તો મજા જ છે. હું તો પેટ ભરીને ખાઈશ.

અગીલા કટાક્ષ કરતા બોલી, પેટુ તું બધું ખાઈ લે. પછી બચશે તો અમે ખાઈશું.

કેરાક: અગીલા તું ખૂટવાની ચિંતા ના કરીશ. આજે એ ગમે એટલું ખાય ખાવાનું ખૂટવાનું નથી.

કેરાકની વાત સાંભળી બધા ખળખળાટ હસી પડ્યા.

નિયાબીએ દાદી ઓના સામે જોયું. એ પણ ખુશ દેખાઈ રહ્યા હતા.

નિયાબી: દાદી ઓના મેં નક્કી કર્યું છે કે તમે મારી સાથે અહીં જ રહેશો.

દાદી ઓના: હા રાજકુમારી નિયાબી. હવે હું આ ઉંમરમાં બીજે ક્યાં જઈશ?

આ સાંભળી માતંગી બોલી, દાદી તમે હજુ ઘરડા નથી થયા. તમે હજુ તો બીજા 100 વર્ષ સુધી રાયગઢની સેવા કરી શકો એટલા ખડતલ છો. તમારી કોઈ ઉંમર થઈ જ નથી.

દાદી ઓના માતંગી સામે જોઈ હસી પડ્યા.

નિયાબી: દાદી ઓના મને દેવીસિંહજી અને રાજા કેરાકે તમારા વિશે બધી વાત કરી કે તમે કેવી રીતે મારી મદદ કરી. ને સતત મારુ ધ્યાન રાખ્યું. હું આપની આભારી છું.

દાદી: રાજકુમારી એ મારી ફરજ હતી. મેં મારા રાજ્ય માટે આ બધું કર્યું છે. એ માટે તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી.

નિયાબી: દાદી તેમ છતાં હું તમારી આભારી છું. પણ હજુ મને એક પ્રશ્ન છે જો તમે પરવાનગી આપો તો હું પૂછવા માંગુ છું.

દાદી: રાજકુમારી તમારે પરવાનગી ના માંગવાની હોય. તમારે તો હવે હુકમ કરવાનો હોય. બોલો હું શુ મદદ કરી શકું?

નિયાબી: દાદી ઓના મોઝિનો રોજ કેમ યુવાન યુવતીઓ ની નોંધ રાખતો હતો? એ કોને શોધી રહ્યો હતો?

દાદી: રાજકુમારી નિયાબી મોઝિનો એક એવી યુવતીને શોધી રહ્યો હતો જેના કુટુંબને કોઈપણ રીતનો આશીર્વાદ ભગવાન દ્વારા કે કોઈ સાધુસંતો દ્વારા મળ્યો હોય. જેની પાસે કોઈ દૈવીય વસ્તુ હોય. જેમ તમારા વડવાઓ પાસે મીનાક્ષી રત્ન હતું. મોઝિનોના રોગને દૂર કરવાનો આ બીજો ઉપાય હતો. મોઝિનો એવી યુવતી શોધી એના લોહીને ગંગાજળમાં નાખી સ્નાન કરતો તો એનો રોગ દૂર થઈ જતો. એટલે એ દરેક યુવતીની નોંધણી રાખતો હતો. ને એવી યુવતી રાજીખુશીથી પોતાનું લોહી મોઝિનોને આપી દે એટલે જ મોઝિનોએ રાયગઢ પર જાદુ કરી રાખ્યો હતો. જેથી લોકો એને એક દયાળુ ને સારો રાજા માને. ને રાજીખુશીથી એના માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય.

આ સાંભળી બધાને હવે નોંધણીનો અને રાયગઢની જાહોજલાલીનો રાજ સમજ આવી ગયો.

કેરાક: રાજકુમારી હવે કાલે અમે બધા આવતીકાલે પાછા અમારા રાજ્યમાં જવા નિકળીશું.

આ સાંભળી નિયાબી ઉદાસ થઈ ગઈ. એ બોલી, રાજા કેરાક મને મદદ કરવા રોકાઈ જાવ. હજુ મને રાજ્ય ચલાવવાનો કોઈ અનુભવ નથી.

કેરાક: રાજકુમારી તમારી પાસે દેવીસિંહ, માતંગી, દાદી ઓના જેવા લોકો મદદ કરવા માટે છે. ને તમે પોતે પણ આ કામ માટે કાબિલિયત ધરાવો છો.

નિયાબી: રાજા કેરાક તમે રહેશો તો મને આનંદ થશે. તમે તો જાણો છોકે હું એકલી જ છું. મને બધું શીખતાં સમય લાગશે.

નિયાબીની વાત સાંભળી અસીતા બોલી, રાજા કેરાક જો તમને વાંધો ના હોય તો ઝાબી, અગીલા અને ઓનીરને થોડા સમય માટે રાજકુમારીની મદદ માટે અહીં જ રહેવાદો.

અસીતાની વાત સાંભળી કેરાક વિચારમાં પડી ગયો.

દાદી ઓના: રાજા કેરાક તમે અમારી ઘણી મદદ કરી છે. જો આ વાત પણ માન્ય રાખશો તો અમે તમારા આભારી રહીશું.

કેરાક તરત જ દાદી ઓના તરફ જોઈ બોલ્યો, અરે દાદી ઓના તમારે આમ વિનંતી ના કરવાની હોય. તમે અમારા વડીલ છો. તમે અમને આદેશ આપી શકો.

દાદી: ના રાજા કેરાક હું તો માત્ર વિનંતી કરી શકું. ને એ તમે સાંભળો એવી અપેક્ષા રાખી શકું.

રાજા કેરાક પોતાની જગ્યાએ થી ઉભો થયો ને દાદી ઓના પાસે ગયો. તેમની પાસે બેસી એમનો હાથ પકડી બોલ્યો, જેવી આપની ઈચ્છા.

આ સાંભળી બધા ખુશ થઈ ગયા. અત્યાર સુધી શુ પરિણામ આવશે એ સાંભળવાની આતુરતા જોતો ઓનીર ખુશ થઈ ગયો. એણે નિયાબી પર નજર કરી. નિયાબીના ચહેરા પર પણ ખુશી દેખાઈ રહી હતી. ઓનીરનો ચહેરો મલકી ઉઠ્યો.

રાત્રે દાદી ઓના કેરાકને મળવા એમના ઓરડામાં ગયા.

કેરાક: દાદી મને સંદેશો મોકલ્યો હોત હું તમને મળવા આવી જાત.

દાદી ઓના ખુરશી પર બેસતાં બોલ્યાં, રાજા કેરાક કામ મારુ હતું. એટલે મારેજ આવવું જોઈએ.

અસીતા દાદી પાસે બેસતાં બોલી, બોલો દાદી શુ કામ હતું?

દાદી: રાજા કેરાક આટલા સમયમાં તમે રાજકુમારી નિયાબીને ઓળખી જ ગયા હશો. એમના સ્વભાવથી પણ પરિચિત હશો.

કેરાક: હા દાદી. ઘણા ખરા અંશે હું એમને ઓળખી શક્યો છું.

દાદી: રાજા કેરાક મેં જેટલા રાજકુમારીને ઓળખ્યા છે એમાં મને એમની ચિંતા થાય છે. એમણે પોતાની આસપાસ એક કવચ બનાવી પોતાને એમાં પુરી દીધા છે. એમના ભૂતકાળે એમને સંબંધોથી દૂર કરી દીધા છે. હું ઈચ્છું કે રાજકુમારી એ કવચ તોડી એમાં થી બહાર નીકળે. ને દુનિયા, સબંધો કેટલા સારા અને જરૂરી છે એ સમજે. ને એ માટે હું તમારી પાસે કઈક માંગવા ઈચ્છું છું.

કેરાક: દાદી એ વાત તો હું પણ જાણું છું. મને અને અસીતાને પણ એજ ચિંતા છે કે રાજકુમારી એમની એકલતામાં ક્યાંક ખોવાઈ ના જાય.

દાદી: હા ને એટલે જ મને એવું થતું રોકવા તમારી મદદની જરૂર છે.

અસીતા: હા દાદી બોલો અમે તમારી શુ મદદ કરી શકીએ એમ છીએ?

દાદી: રાણી અસીતા હું ઈચ્છું છું કે ઓનીર રાજકુમારી નિયાબીને સંભાળી લે.

રાજા કેરાક અને અસીતા એકદમ નવાઈ પામી ગયા. બંને એકબીજાની સામે જોવા લાગ્યા.

દાદી બંનેના ચહેરનો ભાવાર્થ સમજી ગયા એટલે બોલ્યાં, મેં આટલા સમયમાં જોયું છે કે ઓનીર નિયાબીને સમજી શકે છે. એ સતત નિયાબીને દરેક તકલીફોથી બચાવતો ફરે છે. મેં ઓનીરની આંખોમાં નિયાબી માટે પ્રેમ જોયો છે.

આ સાંભળી બંને ખુશ થઈ ગયા.

અસીતા: ને દાદી નિયાબી?

દાદી: અસીતા નિયાબી માટેતો પહેલા પ્રેમ શુ એ સમજવાની જરૂર છે. પછી પ્રેમની વાત. એ હજુ ઓનીરને સમજી નથી. એતો આ જાણતી પણ નથી.

કેરાક: તો દાદી ઓના તમે જે કહી રહ્યાં છો એ કેવી રીતે શક્ય બનશે?

દાદી ખુશ થતા બોલ્યાં, એની ચિંતા તમે ના કરો. હું એ જોઈ લઈશ. તમે ઓનીરના માતાપિતા છો. એટલે મારે કંઈપણ કરતા પહેલા તમને પૂછવું જરૂરી છે.

કેરાક: દાદી ઓના સાચું કહું તો તમે મારી મોટી જવાબદારી હળવી કરી દીધી. દરેક દીકરાના માતાપિતા પોતાના દીકરા માટે યોગ્ય વ્યક્તિની શોધ કરતા હોય છે. ને અમારી આ શોધ તમે પુરી કરી દીધી. નિયાબી જો હમેશ માટે અમારી સાથે રહે તો એ અમારું અહોભાગ્ય કહેવાય. ઓનીર માટે એના થી યોગ્ય બીજું કોઈ ના હોય શકે. તને શુ લાગે છે અસીતા?

અસીતા: તમે એકદમ સાચું કહ્યું. હું પણ આવું જ ઈચ્છતી હતી. પણ ડરતી હતી કે એ અયોગ્ય હોય તો? પણ હવે કોઈ ડર નથી. દાદી ઓના અમે તમારી વાત સાથે સહમત છીએ. પણ એકવાર ઓનીરનું મન જાણવાનો પ્રયત્ન અવશ્ય કરીશું.

દાદી ઓના ઉભા થતા બોલ્યાં, જરૂર રાણી અસીતા. મને મારા અનુભવ પર પૂરો ભરોસો છે. મારુ અનુમાન ખોટું તો નહીજ હોય.

કેરાક: અમે પણ એજ આશા રાખીએ છીએ.

દાદી: તો હું રજા લઉં. પછી દાદી ઓના એમનું અભિવાદન કરી ત્યાં થી નીકળી ગયા.

દાદીના ગયા પછી અસીતા કેરાક પાસે ગઈ ને બોલી, તમને લાગે છે કે આ શક્ય બને?

કેરાક: ખબર નથી અસી. પણ જો શક્ય બને તો નિયાબી માટે સારું છે. ઓનીર એને જરૂર સાચવી લેશે.

અસીતા: તો પછી ચાલો ઓનીરના મનને પણ જાણી લઈએ? એ શુ કહે છે એ સાંભળી લઈએ.

પછી બને ઓનીર પાસે ગયા. ઓનીર પોતાના ઓરડામાં શાંતિથી બેસીને કઈક વિચારી રહ્યો હતો.

અસીતા: શુ વિચારે છે ઓનીર?

અવાજ સાંભળી ઓનીર ઉભો થઈ ગયો અને બંનેને આવકાર્યા.

ઓનીર: કઈ નહિ. બસ એમજ.

અસીતા: ઓનીર તારી ઈચ્છા અહીં રોકાવાની ના હોય તો કોઈ સમસ્યા નથી. તું અમારી સાથે જ ચાલ. હું રાજકુમારી સાથે વાત કરી લઈશ.

આ સાંભળી ઓનીર એકદમ બોલી પડ્યો, ના..ના..ના.. માતા એવું કઈ નથી. હું અહીં રોકાઈશ. એના અવાજમાં હળબળાહટ હતો. માનો કોઈએ ગમતી વસ્તુ છીનવવાની કોશિશ કરી હોય.

અસીતા: તો તું અહીં રોકાવા ઈચ્છે છે? તને અહીં રોકાવું ગમશે?

ઓનીર એકદમ બોલી પડ્યો, હા.....

અસીતાને ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

કેરાક: બસ હવે તું શાંત થઈ જા. હવે વધુ એને પરેશાન ના કર. પછી ઓનીરનો હાથ પકડી પોતાની પાસે બેસાડી એણે પૂછ્યું, ઓનીર તું ખુશ તો છે ને?

ઓનીર: હા પિતાજી.

કેરાક: ઓનીર શું તું રાજકુમારી નિયાબીને પસંદ કરે છે?

અચાનક આવો સવાલ સાંભળી ઓનીર ઉભો થઈ ગયો ને થોડો દૂર જતો રહ્યો. એને સમજ ના પડી કે એના પિતા આવું કેમ પૂછી રહ્યા છે? એ અંદરથી હલી ગયો.

કેરાક ઉભો થયો ને ઓનીર પાસે ગયો. એનો હાથ પકડી એની સામે જોયું. ઓનીરને શુ કહેવું? કરવું? એની સમજ ના પડી. એણે પોતાની આંખો નીચે ઝુકાવી દીધી.

કેરાક: તારી આંખો અને તારું વર્તન કહે છે કે હું જે સવાલ પૂછી રહ્યો છું એનો જવાબ હા છે.

ઓનીરે પોતાના પિતાની આંખોમાં જોયું.

કેરાકે ઓનીરનો ચહેરો પકડી પૂછ્યું, સાચું સમજી રહ્યો છું ને હું?

ઓનીરે માથું હલાવી હા કહ્યું.

કેરાક: ને નિયાબી?

ઓનીર એકદમ નિરાશ થઈ ગયો. ને નીચે બેસી ગયો.

અસીતા એની પાસે આવી ને બેસી. પછી બોલી, ઓનીર તારા માટે આ પરિસ્થિતિ પડકાર બની જશે. આટલા સમયમાં તું નિયાબીને સમજી ગયો હશે.

ઓનીરે માથું હલાવી હા કહી.

કેરાક: તો તને લાગે છે કે નિયાબી સબંધોમાં ભરોસો કરી શકશે? એ તને સમજી શકશે?

ઓનીર: ખબર નથી મને. અત્યાર સુધી આ વિશે મેં ક્યારેય વિચાર્યું નથી. ને સાચું કહું તો આ માટે ક્યારેય કોઈ પ્રયત્ન પણ કર્યો નથી. પણ હું પ્રયત્ન કરવા માંગુ છું.

કેરાક: તો પછી કોઈ સમસ્યા નથી. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે. એ જરૂર સફળ થશે.

ઓનીર ખુશ થઈ ગયો. ને પોતાના પિતાને ભેટી પડ્યો. અસીતાએ એના માથે હાથ ફેરવ્યો. ત્રણેય જણ ખુશ થઈ ગયા.ક્રમશ.................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED