અસુર વેબ સીરીઝ રિવ્યૂ... ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસુર વેબ સીરીઝ રિવ્યૂ...

અસુર વેબ સીરીઝ રિવ્યૂ...

અસુર... એક્દમ કમાલની રિયલ એક્ટિંગ, એક્દમ હાઇ લેવલની થિયરી, દરેક પાત્રોને પોતાની સાથે જોડી - સરખાવી શકાય એવી સ્ટોરી, એકભાગ જોયા પછી તમે પોતાની જાતને રોકી ના શકો એવું સસ્પેન્સ થ્રિલર. એક એક ભાગ જોતા જઈશું એટલીજ અધિરાઈ પોતાની ચરમ ઉપર પહોંચશે એવી અદ્ભુત સ્ટોરી લાઇન. નોર્મલ 35 થી 45 મિનિટના ભાગ પણ છેલ્લો ભાગ 1 કલાક જેવો એમ કરી 8 ભાગમાં આ વેબ સીરીઝ "ASUR" તમે Voot ઉપર જોઈ શકશો.

"ક્રોધમાં અત્યંત વિનાશક ભાવ પેદા થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે, બુદ્ધિનો વિનાશ થાય છે અને વ્યક્તિના વ્યક્તિત્વનો નાશ થાય છે."

આ શબ્દો હતા અસુરના ખલનાયક શુભના, જેને અસુરમાં એક સાઈકો કિલર બતાવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પોતાના બાપને મારીને શું સાઈકો કિલર બની શકે.!? એવો સાઈકો કિલર જે દરેક વ્યક્તિના મોતને માયથોલોજી સાથે જોડીને એમને મોતને ઘાટ ઉતારી એમના જમણા હાથની આંગળી કાપી નાખે છે ને મોઢે અસુરનું માસ્ક પહેરાવે છે. એ એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે જે કોઈપણ આંગળી આપણી સામે ઊઠે ત્યારે આપણે સમય અને સંજોગો અનુસાર નિર્ણય લઈ પોતાની જાતને સાચી સાબિત કરવા એ આંગળી નમાવી અથવા કાપી નાખીએ છીએ. શુભના જન્મથી એના પિતા કુંડળી પ્રમાણે શુભને અસુર માનતા હતા અને એટલેજ શુભ પોતાની જાતને અસુર માની દૈવી શક્તિ ધરાવતી કુંડળીઓ જોઈ એમને એના શિકાર બનાવે છે.

Special Ops., Paatal lok, The Raikar Case, Four More Shots Please અને બીજી ઘણી વેબ સીરીઝ છોડી મને (ASUR) અસુરનો રિવ્યૂ આપવો વધારે જરૂરી લાગ્યો. કારણ કે મારી અને તમારી સાથે એવી ઘણી ઘટનાઓ ઘટી હશે કે જેમાં ઘણી સ્થાપિત વ્યક્તિઓની પણ "Dark Side" જોવા મળી હોય, જે દરેક વ્યક્તિમાં ક્યાંકને ક્યાંક છુપાયેલી હોય જ છે. કદાચ આ જ અસુરીય ગુણ સાથે સમય અને સંજોગોને આધીન થઈ જે તે વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ કરી એ "Dark Side" સાચી છે એવો બતાવવાનો પ્રયત્ન કરે છે અને એ દરમિયાન એ પોતાના અને પોતાનાઓના ફાયદા માટે બધુંજ અયોગ્ય પણ યોગ્યતા માની નીતિમત્તાને એકબાજુ મૂકી ધાર્યું કરવા લાગે છે. પોતાની ભૂલો માટે પોતાની જાતને છોડી બીજા ઉપર દોષ નાખવા પ્રયત્નો કરે છે.

અસુર પણ એવીજ સ્ટોરી છે જે વ્યક્તિઓની "Dark Side" ને પડકારો ઊભા કરી ઉજાગર કરે છે. વિલન શુભ એક સિરિયલ કિલર પોતાની સાથે બાળપણમાં થયેલા અન્યાયનો બદલો લેવા પોતાની આ killing સફરની શરૂઆત પોતાના પિતાથી કરે છે અને CBI ઑફિસર ધનંજય રાજપૂત અને નિખિલ નાયર સાથે રમત રમીને પોતાની આ રમતનો અંત કરે છે. અને આ અંત પણ જાણે અનેક સવાલો ઉભા કરી એમને એમ જીવંત રહે છે.

CBI ઑફિસર ધનંજય રાજપૂત કે જે પોતાની જાતને ઈમાનદાર વ્યક્તિ ગણતો હોય છે અને હમેશાં કોઈને સજા અપાવવા માટે કાંઈપણ કરી છૂટવા તત્પર હોય છે એણે જ શુભને સજા અપાવવા પ્રયત્ન કર્યો હતો. શુભની ઉમર નાની હોવા છતાં એણે કરેલા પિતાના ખૂન માટે ધનંજય રાજપૂતે એની ઉમર વધુ બતાવી સજા અપાવવા પ્રયત્ન કર્યો હતો અને એ માટે સામાન્ય નીતિમત્તાના નિયમો તોડયા હતા. એ જ એક કારણ બન્યું ધનંજય રાજપૂત માટે પોતાની પત્નીનું સિરિયલ કિલરે ખૂન કર્યું હોવા છતાં દોષી બનવાનું અને એ પણ પોતાના સાથીદાર નિખિલ તરફથી જ આ દોષ લાગવાનું. ધનંજય રાજપૂતની વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કેસ સોલ્વ કરવાની આવડત ઉપર શુભનો આ એક જોરદાર પ્રહાર હતો.

નિખિલ નાયર જે એક ફોરેન્સિક એક્સપર્ટ હોય છે અને જે ન્યાય આપવા અને અપાવવા માટે ક્યારેય પાછો ના પડે, જેણે ખુદ પોતાના ગુરુ અને પછી સાથીદાર એવા ધનંજય રાજપૂતને પણ જેલના સળિયા પાછળ પહોંચાડી દીધો એવા વ્યક્તિત્વમાં પણ સિરિયલ કિલર શુભ "Dark Side" છુપાયેલી છે એવું સાબિત કરે છે. નિખિલ નાયરના પરિવાર સાથે રમત રમીને શુભ નિખિલ નાયરની "Dark Side" ઉજાગર કરે છે અને એ સાબિત કરે છે કે નીતિમત્તાના નિયમો જ્યારે બીજા ઉપર પ્રસ્થાપિત કરવા હોય ત્યારે એ સરળ કામ છે પરંતુ જ્યારે પોતાના ઉપર કોઈ મુસીબત આવીને ઊભી થઈ જાય છે ત્યારે બધાજ નિયમો ભૂલી લગભગ આપણે બધા જ પોતાની જાતને સમય, સંજોગોને આધીન ખરી સાબિત કરવા પ્રયત્નો કરીએ છીએ.

એક્દમ શાર્પ માઇંડ બતાવેલો શુભ જ્યારે નિખિલ નાયરનો સાથ લઈ આગળના મર્ડર પ્લાન કરે છે, એ જરા અજુગતું લાગ્યું કે આવું કેમ કરવું જોઈએ.!? અને આટલા ટેક્નોલોજી અને માઇંડથી સ્ટ્રોગ પાત્ર શુભે નિખિલ નાયરની મદદ કેમ લીધી.!? પણ આગળ જતાં જ્યાં નિખિલ નાયર પોતાની નીતિમત્તા છોડે છે ત્યારે શુભનો આવું કરવાનો હેતુ સર થાય છે કે નિખિલમાં પણ ક્યાંકને ક્યાંક એક અસુર છુપાયેલો છે.

શુભ જ્યારે સમાજની દ્રષ્ટિએ ખુબજ પ્રતિષ્ઠિત ત્રણ વ્યક્તિઓને બંધ ચેમ્બરમાં ભેગી બંધ કરે છે અને એક એક શ્વાસ માટે તડપાવે છે ત્યારે એમના અંદરનો અસુર પણ ધીમે ધીમે એમની સારપ ઉપર હાવી થતો જાય છે અને આ જ ઘટનાનું લાઈવ કવરેજ બતાવી સમાજમાં જે તે વ્યક્તિઓની પ્રતિષ્ઠા અને વિચારો ઉપર અસુર કેવી રીતે હાવી થઈ જાય છે એ જીવતું ઉદાહરણ બતાવીને શુભ એકસાથે આખા સમાજની આસુરી શક્તિ ઉજાગર કરવા પ્રયત્ન કરે છે. એનો આવું કરવાનો એક ખાસ મકસદ હોય છે ભગવાનના કલ્કી અવતારને પૃથ્વી પર બોલાવવાનો.

સહાયક પાત્રોમાં લોલાર્ક દુબેનું કામ પણ વખાણવા લાયક છે. ક્યાંકને ક્યાંક એ પોતાના પાત્રને એ હદે તો લઈ જાય છે કે એક સ્ટ્રોંગ સહાયક ભૂમિકા ભજવી શકાય. બીજા સહાયક પાત્રો પણ ઠીક ઠાક લાગે છે. ક્યાંકને ક્યાંક થોડા વધુ પ્રમાણમાં એમની છાપ છોડે છે.

પણ એમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે રસુલ શેખ, શુભ અથવા શુભનો સાથીદાર એ તમે જ જોઈને નક્કી કરજો. રસુલ પોતાના કામમાં જ વ્યસ્ત રહેતું વ્યક્તિત્વ. આજુબાજુ બનતી ઘટનાઓથી પરે રહી પોતાનું કામ બખૂબી કરે, જાણે કાંઈ બન્યું જ ના હોય એવું વર્તન કરી કોઈનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચવા સક્ષમ છે. આ પાત્ર પડદા ઉપર ભલે ઓછું આવે છે. પણ તમે એને જોઈને ચોક્કસ એની એક્ટિંગના વખાણ કર્યા વગર રહી નહીં શકો.

અસુર એ કોઈ વ્યક્તિ નથી પણ જે તે વ્યક્તિમાં રહેલી "Dark Side" છે, જે ગમે ત્યારે, ગમે તે સ્વરૂપમાં હાવી થઈ આખું વ્યક્તિત્વ બદલી નાખે છે. ઘણી બધી જગ્યાએ સ્ટોરી થોડી ભૂલ ભરેલી લાગી જેમ કે ધનંજય રાજપૂતની પત્નીનું ખૂન જે પહેલા બતાવે છે એ જ વિડિયો કિલર શુભ ધનંજય રાજપૂતને મોકલે છે. ખરેખર એ કોઈ CCTV કૂટેજ હોવી જોઈતી હતી. ધનંજય રાજપૂતને ખબર હતી કે કોઈ પોતાનું બહાર વાત લઈ જાય છે છતાં પોતાના સાથીદારો ઉપર ધ્યાન ના રાખવું અને એને અવગણવું. કેફૅનમાં છુપાયેલો અસુર શુભ પ્લાનિંગ કરી, બધાને પરફેક્ટ ટાઇમમાં બહાર નીકળી બેભાન બનાવી નિખિલ નાયરને બંધક બનાવે છે. એ પણ થોડું અજુગતું લાગ્યું, હકીકતમાં તો એક જૂના કબ્રસ્તાન સુધી પહોંચ્યા પછી પણ એક તાજી ખોદાયેલી કબર શોધતા વાર લાગે એ વાત જ ગળે ઉતારવી મુશ્કેલ છે. તો પણ આ વેબ સીરીઝ ના બીજા ઘણા plus point આ બધી ખામીઓને નજરઅંદાઝ કરવા પુરતા છે.

ઓવર ઓલ કહીએ તો ઘણા સમય પછી એક્દમ અલગ વિષય ઉપર બનેલી દિલધડક વેબ સીરીઝ જોઈ એક્દમ મજા આવી ગઈ. અવનવા વળાંકો, દિલધડક સીનો, એક્ટિંગ અને સુપર બેગ્રાઉન્ડ મ્યૂઝિક સાથે ડાયરેક્ટર ઓની સેનનું કામકાજ કાબેલે તારીફ છે. અદ્ભૂત સસ્પેન્સ થ્રિલર દરેકે દરેક ભાગમાં તમારા સમયની કિંમત વસુલ કરી આપે છે. એકવાર અચૂક આ વેબ સીરીઝ જોઈ "Dark Side" નો રૂબરૂ અનુભવ કરવો અને એમાંથી પોતાના વ્યક્તિત્વ માટે કાંઈક ભેગું કરવું એ પણ એક અનોખો લહાવો બની રહેશે. એક્દમ ગેરન્ટીથી ચોક્કસ તમે જોઈને વખાણ્યા વગર નહીં રહી શકો એવી અદ્ભુત વેબ સિરીજ એટલે ASUR. અને હા વેબ સીરીઝ જોયા પછી મને ચોક્કસ અભિપ્રાય આપજો કે શુભ કોણ છે..!!??

©રોહિત પ્રજાપતિ