Akbandh chahat books and stories free download online pdf in Gujarati

અકબંધ ચાહત...

અકબંધ ચાહત...

આજે પણ હમેશાંની જેમ યશ મોડે સુધી હોસ્પિટલમાં Emergency વોર્ડમાં સેવા આપી રહ્યો હતો. આમતો એની નોકરી આઠ કલાકની જ હતી પણ એ હમેશાં સોળ કલાક ત્યાં હાજર રહેતો. અને Emergency માં બોલાવો ત્યારે હાજર. આમ તો એ ત્યાં કમ્પ્યુટર પર કામ કરતો પણ બધા માટે એ એથી વિશેષ હતો. હોસ્પિટલ માં ક્યાંય પણ કોઈ કામ અટકે એટલે એને જ યાદ કરવામાં આવે. વડોદરાની સરકારી હોસ્પિટલમાં યશ છેલ્લા આઠ વર્ષથી એ સેવા આપી રહ્યો હતો. 

રાત્રિના અગિયાર વાગી ગયા હોવાથી અવરજવર એક્દમ પાંખી થઈ ગઈ હતી. યશ કમ્પ્યુટરમાં દવાઓની એન્ટ્રી કરવા બેઠો. આમ તો એ યંત્રવત એન્ટ્રી કરતો હતો પણ એક દમ વિહવળ હતો. અને એ વિહવળતા  એની આંખોમાંથી ટપકી પડી અને સાથે જ મનમાં એક નામ સરી પડયું કાવ્યા... 

*****

યશને એક પ્રખ્યાત અને મોંઘી કોમર્સ કોલેજમાં એડમિશન અપાવવામાં આવ્યું હતું કારણકે એના એના પિતા હર્ષદ મહેતાનું એક સપનું હતું કે મારો દીકરો CA બને. પણ એને સહેજપણ પોતાના જૂના મિત્ર વર્તુળથી દૂર જવું ગમ્યું નહોતું. એનામાં હોશિયારી ભારોભાર હતી. પણ એનું મન કાંઈક અલગજ વિચારતું હતું. 

એક્દમ મજબૂત બાંધો. એનું વ્યક્તિત્વ જ એક્દમ નિરાળું હતું. એની વાકછટા બધાને મોહી લે એવી હતી. સહજ અને નિર્મળ સ્વભાવ યશને બધાથી અલગ તારવતો હતો. એના આ જ સ્વભાવના લીધે એને મિત્રો બનાવતા વાર ના લાગી અને મિત્રવર્તુળ સતત વધતું ગયું. પણ એમાં એક ખાસ મિત્ર હતી કાવ્યા. હા એને એ પહેલી નજરમાં જ ગમી હતી.

કાવ્યા... કાવ્યા એટલે હસમુખો સ્વભાવ અને ભારોભાર છલકાતો આત્મવિશ્વાસ એ બંને નું મિશ્રણ. બધાની સામે પોતે બેસ્ટ સાબિત થવાની હોડ છતા બેસ્ટ થવા માટે એની અથાક મહેનત. હમેશાં એ આમજ પોતાને જીવંત અને વ્યસ્ત રાખતી. 

યશ સાથે પણ આવીજ રીતે એને મુલાકાત ખાસ થઈ હતી. એ યશ જ હતો જેણે કાવ્યાને જનરલ નોલેજની external પરીક્ષામાં ટક્કર આપી હતી. અને કાવ્યા કરતા એક પોઈંટ વધુ મેળવી જીત મેળવી હતી. કાવ્યાને એના સ્વભાવ મુજબ યશ આગળ વધ્યો એ ગમ્યું નહોતું પણ આખરે એણે યશને અભિનંદન પાઠવ્યા. આ જ એક મુલાકાત બંને માટે ખાસ બની હતી. 

કાવ્યા માટે યશનું ધ્યાન ભટકાવી આગળ વધવું જરૂરી હતું જ્યારે યશ માટે કાવ્યાની મિત્રતા. આમને આમ કૉલેજનું એક વર્ષ વીતી ગયું અને આ વખતે પણ કાવ્યાને યશ કરતા ઓછાજ માર્ક મળ્યા. યશ માટે કાવ્યા હવે એક મિત્ર કરતા વિશેષ હતી. એટલેજ પહેલા એનેજ ફોન કર્યો. યશનો કાવ્યાને કરેલો એ ફોન કાવ્યાને વિચારતો કરી ગયો. યશે કાવ્યાને કહ્યું કે... 

"તારો આપેલો આ અવિરત અને અતૂટ સાથ મને પ્રેરી રહ્યો છે જેથી હું આ સફળતા મેળવી શક્યો." 

કાવ્યાને આખી રાત ઊંગ ના આવી એને ખબર હતી કે એણે યશ માટે ક્યારેય સારું નહોતું વિચાર્યું પણ યશ તો એને જ ક્રેડિટ આપી રહ્યો હતો. આજે પહેલીવાર એ પસ્તાઈ રહી હતી. યશની આ વાતો એને ગમી હતી અને જાણે એને અહેસાસ થયો કે જાણે અજાણે એ યશ તરફ ઢળી રહી હતી. અને આવા વિચારો આવતાજ એની આંખમાં આંસુ આવી ગયા. સાથે દિલમાંથી યશ માટે દબાઈ રહેલું લાગણીઓનું ઘોડાપુર તુટી પડયું અને આંખોથી એ વરસી પડયું. 

ત્યારપછી એમની વચ્ચે વાતોનો દોર સતત વધી ગયો હતો અને એકબીજા વગર એકપણ દિવસ જાણે ના નીકળે એવું થતું હતું. એક એક દિવસ એમને નજીક લાવી રહ્યો હતો અને જાણે એ એકબીજા માટેજ છે એ અહેસાસ થઈ રહ્યો હતો. 

પણ પ્રેમનો એકરાર તો કાવ્યા ના જન્મદિવસે જ થયો. યશે બહુ રાહ જોઈ હતી આ દિવસ માટે. એને કાવ્યાનો જન્મદિવસ એક દમ ખાસ બનાવવો હતો અને સાથે જ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે પણ એ દિવસથી વધારે યોગ્ય કોઈ દિવસ હોઇ જ ના શકે એવું એનું માનવું હતું. યશે પહેલેથી જ બધી તૈયારી કરી લીધી હતી. શહેરથી થોડે દૂર હાઈ વે પરની એક હોટેલમાં એના ટેરેસ ઉપર એક સ્પેશિયલ ટેબલની વ્યવસ્થા કરાવી ને ત્યાં કેન્ડલ લાઈટ ડિનરની વ્યવસ્થા કરાવી દીધી અને એક સુંદર અને સિમ્પલ સોનાની રીંગ પણ લઈ રાખી હતી. 

કાવ્યાના બર્થ ડે પર યશ સમય કરતાં વહેલો જ હોટેલ પર પહોંચી ગયો હતો. બધી તૈયારી પર એક નજર નાખી દીધી અને ખુલ્લા આકાશમાંથી ચાંદની પણ જાણે યશનો પ્લાન જાણીને શાક્ષી પુરાવવા આવી હોય એમ પોતાની શીતળતા વેરી રહી હતી. યશ ટેબલ ઉપર જઈને બેઠો. કાવ્યા પહેલેથી જ સમયની બહુ પાબંધ હતી એટલે એક દમ ટાઈમે આઠ ના ટકોરે કાવ્યાની હોટેલમાં એન્ટ્રી થાય છે. લાઇટ પિંક કલરનું ટી શર્ટ, બ્લૂ જીન્સ, એક દમ લાઈટ મેકઅપમાં કાવ્યા એક દમ સુંદર લાગતી હતી. જેવી કાવ્યા ટેબલ ઉપર આવીને બેસે છે એવો જ વેઇટર કેક મૂકી જાય છે. હોટેલના સ્પિકરમાંથી હેપ્પી બર્થ ડે નું સોંગ ચાલુ થાય છે અને કાવ્યા કેક કટ કરીને યશને ખવડાવે છે. અને એક દમ જ યશ ઘૂંટણિયે બેસી જાય છે અને રિંગનું બોક્સ ઓપન કરીને કાવ્યા ને, "હું તારા વગર નહીં જીવી શકું. I love you કાવ્યા..." કહે છે. એટલામાંજ આકાશમાંથી એક તારો ખરે છે જાણે આ બંનેના અપ્રતિમ પ્રેમ અને સાથની શાક્ષી પુરી રહ્યો હતો. બંને માટે આ પળ એક્દમ ખાસ હતા અને જાણે કુદરત પણ આ સંબંધ માટે સહમત હતી એવી લાગણી અનુભવે છે. 

કાવ્યા માટે આ બધું એટલું જલ્દી અને અચાનક હતું કે એ કાંઈજ સમજી શકી નહીં. પણ એના મનમાં યશ હતોજ અને ખરતા તારા ને જોઈને થયું કે હા આ જ મારો પ્રેમ છે એટલે એણે તરતજ આ વાત સ્વીકારી. 

આ દિવસ પછી દિવસે ને દિવસે એ બંને એક્દમ નજીક આવતા ગયા, એમનો પ્રેમ વધતો ગયો અને કોલેજના બીજા વર્ષના અંત સુધીમાં તો યશ અને કાવ્યાની જોડી આખી કૉલેજમાં પ્રખ્યાત થઈ ગઈ. કોલેજનું બીજા વર્ષનું રિઝલ્ટ આવ્યું અને યશ આ વખતે પણ ફોન કરવામાં અવ્વલ. તરતજ કાવ્યાને ફોન કર્યો અને કહ્યું "જાનુ આ વખતે પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો." કાવ્યા કાંઈજ બોલે એ પહેલા યશ બોલ્યો "અભિનંદન મારી કાવ્યા આ વખતે કૉલેજમાં ફર્સ્ટ આવી છે. આ વખતે તે બાજી મારી લીધી... મને પણ જીત્યો અને મારો નંબર પણ..!! વાહ... "

યશની ખુશી જોઈ કાવ્યા પણ ખુશ થઈ ગઈ પણ એને મનમાં એવું થઈ ગયું કે મારા યશનો નંબર આવવો જોઈતો હતો. હવે ફાઇનલ થર્ડ યરમાં તો મારા યશનો જ નંબર આવવો જોઇએ. પછી વિચાર્યું કે હું કેટલી બદલાઈ ગઈ છું. એક વર્ષમાં આટલું પરિવર્તન..!! જાણે યશમાં ભળી ને યશ જેવી થઈ ગઈ છું..!!

આમને આમ દિવસો વીતતા ગયા સાથે બંનેનો પ્રેમ પણ. એમણે એકબીજાના ઘરમાં પણ આ વાત કહી દીધી હતી કે અમે એકબીજાના પ્રેમમાં છીએ અને ઘરવાળા પણ સાથેજ સહમત હતા. અને કેમ ના હોય..!? કારણ બંને જ હોશિયાર અને એકબીજાથી ચઢિયતા, ઘરવાળાઓને બીજું શું જોઈએ..!! એકબીજા સાથે જીવનમાં નવા નવા અધ્યાય જોડતા જતા હતા અને નવા સપનાઓ સજાવતા હતા. જાણે આ જોડીને કોઈજ અલગ ના કરી શકે એવું લાગી રહ્યું હતું. આમને આમ થર્ડ યરની પરીક્ષા આપી અને બંને ના પેપર ખુબ સરસ ગયા હતા.

છેલ્લા પેપરના દિવસે એ બંને પિઝા ખાવા ગયા ત્યારે પીઝા ખાતી વખતે કાવ્યા એ યશ ને કહ્યું કે, "મેં તારા માટે માનતા માની છે, તું ફાઇનલમાં કૉલેજમાં ફર્સ્ટ આવે એ માટે. તું ફર્સ્ટ આવીશ તો આપણે જરૂરિયાત મંદને મદદ કરશું અને એમની સેવા કરશું એક વર્ષ. પછીજ આપણે લગ્ન કે કોઈ નોકરી કરીશું. છેલ્લા ૬ મહિનાથી હું દરરોજ મંદીર જાઉં છું અને આ જ માંગુ છું. મને ખબર છે પરમાત્મા પરમપિતા મારી વાત માનશે." યશ બોલી ઊઠ્યો "Oye ગાંડી છોકરી આ બધું શું તારું મારું કરે છે. અરે, આપણો જ નંબર આવશે..! અને આપણો નંબર આવશે એટલે આપણે તારી માનતા ચોક્કસ પુરી કરશું જ." અને બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યાંજ બધાની વચ્ચે બધું ભાન ભૂલી એકબીજાને ભેટી પડ્યા. યશ પણ ભાવવિભોર થયો અને કાવ્યાના કપાળે હળવું ચુંબન કર્યું. એકબીજાથી છૂટું પડવાનું સહેજપણ મન થતું નહોતું, કારણકે હવે દરરોજ મળી શકાશે નહીં એ વાત બંને જાણતા હતા. પણ એક વાતની ખુશી હતી કે હવે બહુજ જલ્દી બંને લગ્ન કરી શકશે અને સાથે રહી શકશે. 

પણ આ તરફ વિધિના વિધાન અલગ હતા. સમય કેવા કેવા ખેલ ખેલે છે એ ક્યાં કોઈ જાણે છે. પિઝા શોપમાંથી બહાર નીકળીને Activa લઈને બંને પોતપોતાના ઘર તરફ જવા નીકળ્યા. જેવો યશ Bye કહી પોતાના ઘર તરફ જવા વળ્યો ત્યાંજ પાછળથી એક ચિત્કાર અવાજ સંભળાયો યશ.... કાવ્યાનો આ અવાજ સાંભળીને તરતજ યશ ઉભો રહ્યો અને પાછો વળ્યો એક ટ્રક કાવ્યાને ટક્કર મારી આગળ નીકળી ગઈ હતી. રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં કાવ્યા યશને જોઈ રહી હતી. યશને જેવું ભાન થયું તરતજ યશ કાવ્યાને એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો અને Emergency વોર્ડ માં દાખલ થયો. 

તરતજ ત્યાં કેસ નોંધાવવા ક્લાર્ક પાસે ગયો ક્લાર્ક ફોનમાં વ્યસ્ત હતો એણે કહ્યું લો આ ફોર્મ ભરી લો પછી કેસ નોંધવામાં આવશે. એને વિનંતી કરી કે તમે સારવાર આપવાની ચાલુ કરો હું આ પ્રોસેસ કરું છું. ક્લાર્ક ના માન્યો એ એક્દમ બેફિકરાઈથી બોલ્યો "કહ્યું એટલું કરો તમારા જેવા કેટલાએ લોકો આખો દિવસ આવે છે." ત્યાંજ કાવ્યાનો અવાજ આવ્યો યશ... એ કાવ્યા તરફ ગયો અને કહ્યું કે બધું ઓકે થઈ જશે હું છું ને..! તરતજ સમય ના બગાડતા એણે ફોર્મ ભર્યું. ક્લાર્ક શાંતિ થી ફોનમાં વાતો કરતા કરતા ફોર્મ કમ્પ્યુટરમાં ભરી રહ્યો હતો. એણે ત્યાંજ ઘણો સમય વ્યતીત કર્યો. બીજી તરફ કાવ્યાના શરીરમાંથી લોહી ઘટી રહ્યું હતું અને સાથે એનું હલન ચલન પણ.

આ બધી કાગળની formality પતાવીને એ આગળ વધ્યો ત્યાં એને કમ્પાઉન્ડરે કહ્યું અહીંયા બેસો. હું પ્રાથમિક સારવાર આપું છું. યશે કહ્યું મારી કાવ્યાને જલ્દી સારવાર આપો ડોક્ટર ક્યાં છે એમને બોલાવો. એણે કહ્યું સાહેબ આવતાજ હશે એ આવ્યા નથી અને બીજા ડોક્ટર ઘરે જવા નીકળી ગયા છે. પૂછપરછ કરતાં ખબર પડી કે સમય થતાં એક શિફ્ટ ના ડોક્ટર નીકળી ગયા છે જ્યારે આવવા વાળા ડોક્ટરનું પોતાનું પ્રાઇવેટ હૉસ્પિટલ હોવાથી ત્યાંથી આવવામાં મોડા થયા છે. 

બીજી તરફ કાવ્યામાં ચેતના ઘટી રહી હતી. એવામાંજ ડોક્ટર આવ્યા અને તરતજ કાવ્યાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ત્યાં સુધીમાં કાવ્યા અને યશના પરિવારજનો પણ ત્યાં આવી ગયા હતા. એક કલાક પછી ડોક્ટર આવ્યા અને કહ્યું કે "She is no more." વધુ લોહી વહી જવાના કારણે બચાવી શક્યા નહીં. આવું કહેતાજ જાણે યશ ઉપર આભ તૂટી પડયું. અને ત્યાં બધાજ હિબકે ચડ્યા કોને કોણ સંભાળે એ જ સમજાઈ નહોતું રહ્યું. કાવ્યા સાથે જીવવાના બધાજ સપના, અરમાનો પળભરમાં વિખેરાઈ ગયા હતા. 

બધીજ હોસ્પિટલની વિધિ પૂર્ણ કરી બધાં ઘરે ગયા અને કાવ્યાની અંતિમવિધિ કરવામાં આવી. યશનું જીવન જાણે અંત થઈ રહ્યું હતું. હજુ પણ યશ ને કાવ્યાની છેલ્લી વાતો યાદ આવી કે જરૂરિયાત મંદની સેવા કરવી. આ તરફ યશ સમજી રહ્યો હતો કે આ બધુંજ આ ખરાબ વ્યવસ્થાના લીધે થયું છે. સમયસર સારવાર મળી હોત તો કદાચ કાવ્યા હયાત હોત. કાવ્યાની બધીજ અંતિમ વિધિઓ પૂર્ણ કરી પણ યશ હવે ગુમસુમ રહેતો. 

થોડા દિવસમાં ફાઇનલ રિઝલ્ટ પણ આવ્યું અને યશ કૉલેજમાં પહેલો આવ્યો અને કાવ્યા બીજી. યશે મનમાં વિચાર્યું અને પપ્પાને કહ્યું કે મારે CA બનવું નથી મારે કાવ્યાની ઇચ્છા પૂરી કરવી છે. જરૂરિયાત મંદની સેવા કરીને. આખરે એના પરિવારજનો પણ એના સાથે હતા. એ પણ જાણતા હતા કે યશને જીવંત રાખવાનો આ એકજ રસ્તો હતો. 

યશે સરકારી હોસ્પિટલમાં ક્લાર્કની પરીક્ષા આપી. એ હતો એક્દમ હોશિયાર એટલે પહેલી જ વારમાં સફળતા મળી અને સરકારી હોસ્પિટલમાં Emergency વોર્ડમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવવા લાગ્યો. ત્યારથી એને ક્યારેય ઘરે જવાનું મન થતુંજ નહોતું. એને દરેક દર્દીઓમાં પોતાની કાવ્યાજ દેખાતી. કોઈપણ કેસ હોય એ તરતજ પોતેજ ફોર્મ ભરતો, દવાઓ તરતજ પહોંચાડતો અને ડૉક્ટરો સાથે પણ સંબંધો કેળવી એ ફટાફટ સારવાર કરાવડાવતો. એનો સમય પત્યા પછીપણ એ ત્યાં હમેશાં સેવામાં હાજર રહેતો. બધાજ એને સન્માનની નજરથી જોતા હતા કારણ કે કોણ કોઈપણ સ્વાર્થ વગર આમ કામ કરે..!! 

*****

આ બધોજ ઘટનાક્રમ યશના મગજમાં ચાલી રહ્યો હતો ત્યાંજ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો અને એક યુવાન કેસ નોંધાવવા એની પાસે આવીને ઉભો રહ્યો. મારી કાવ્યાને બચાવો સાહેબ. યશનો શ્વાસ, ધબકારા ત્યાંજ જાણે થંભી ગયાં છતાં તરતજ સ્વસ્થ થઈ કહ્યું ભાઈ ચિંતા ના કરો હું છું ને. તમે તમારી કાવ્યા પાસે જાઓ. કમ્પાઉન્ડરને બોલાવી તરતજ સારવાર ચાલુ કરાવી અને હમેશાંની જેમ એની પાછળ જઈને ફોર્મ ભર્યું. 

આજે ફરી એક કાવ્યાને બચાવવાનો આનંદ હતો. આંખો ભીની હતી પણ મનમાં એક રાહત હતી કે હું ફરી કોઈના કામમાં આવી શક્યો. જાણે હું કાવ્યાના સપનાને સાકાર કરી રહ્યો હતો. જરૂરિયાત મંદ ની મદદ. અને ફરી યશ પોતાની જગ્યા ઉપર બેસી બીજી પ્રોસેસ પતાવવા લાગ્યો. અને ફરી યાદોમાં ખોવાઈ ગયો. 

"મનમાં એક રાહત હતી કે ચાહત સલામત હતી, 

ભલે એની સાથે જીવી ના શક્યો આ ભવમાં, 

પણ સપના એના સાકાર કરીને, સેવામાંજ જાણે, 

જન્મો જન્મની પ્રીત અમારી ધબકારા ભરતી હતી."

*****

Join My fb Group :- Sweet beat Frdzzzzz
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED