ફફડાટ... પ્રેમની પરાકાષ્ઠા.!  ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફફડાટ... પ્રેમની પરાકાષ્ઠા.! 

ફફડાટ... પ્રેમની પરાકાષ્ઠા.!

"અણધાર્યું કોઈ આવી ચઢે જીવનમાં,
દસ્તક કરી દે એ દિલના દરવાજામાં,
રંગાઈ જાય પછી મનડું એના રંગમાં,
સુખ દુઃખ જોડાઈ જાય એના સંગમાં."
બરોડાના પોશ એરિયા હરણી રોડ ઉપર સ્થિત સ્વરા પટેલના ઘરે આજે ફરી નૈતિક સોની પોતાનું એ જ જૂનું એક્ટિવા લઈને પહોંચી ગયો. આમતો નૈતિકની આર્થિક સ્થિતિ સ્વરાની સરખામણીમાં ક્યાંય આવે એમ નહોતી પણ કોણ જાણે કેમ કયા ભવનું બંધન એ લોકોની મિત્રતા અને પછી થયેલા પ્રેમને આગળ વધારી રહ્યું હતું.

સ્વરાના ઘરે બધાજ સ્વરા સાથે નૈતિકની મિત્રતા છે એ જાણતા હતા અને નૈતિકની અવરજવર પણ સ્વરાના ઘરે ચાલુ જ રહેતી. સ્વરાના ઘરે આમતો નૈતિક આવે એવો કોઈને વાંધો નહોતો પણ એ બંનેની વધતી નિકટતાથી સ્વરાના મોટાભાઈ થોડા પરેશાન હતા. છતાં આ બધું અવગણીને સ્વરા નૈતિકને પોતાના ત્યાં બોલાવી જ લેતી. નૈતિક પણ જાણે આ પળની રાહ જોતો હોય એમ પહોંચી જતો.

આજે ફરી સ્વરાએ નૈતિકને બોલાવ્યો હતો. નૈતિક જ્યારે સ્વરાના ઘરે પહોંચ્યો તો એને જોઈને એક્દમ અવાક રહી ગયો. લોંગ સ્કર્ટ અને ડિઝાઇનર ટોપમાં એ એક્દમ મોહક લાગી રહી હતી. એના કાનના લાંબા ઈયરીંગ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. આમ એકીટસે જોઈ રહેલા નૈતિકને સ્વરાએ કહ્યું, "ઓયે.. આમ શું જોવે છે.!?" એમ કહીને નૈતિકને એની સામે એકીટશે જોતા રોક્યો એને સોફા ઉપર બેસવા કહ્યું.

આજે એક બોલીવુડ નાઈટ ઈવેન્ટ શો માં સ્વરા જવાની હતી અને એના બે પાસ હોવાથી એણે નૈતિકને પણ કહ્યું હતું કે, "તું અહીં ઘરે આવજે ને અહીંથી આપણે મારી ગાડી લઈને નાઇટ શો માં જઈશું." એટલે નૈતિક પણ સમયસર હાજર થઈ ગયો હતો. નૈતિકને સ્વરાએ પોતાની ફેવરેટ ચા પોતાની જાતે બનાવી પીવડાવી અને ઘરેથી પોતાની હોન્ડા સિટી કાર લઈને સ્વરા અને નૈતિક નાઈટ શો માં જવા નીકળ્યા.

એક્દમ ચકાચોંધ લાઇટિંગ વચ્ચે એ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વરા અને નૈતિક એકબીજાના હાથમાં હાથ રાખીને એ શોનો ખુબજ આનંદ લીધો અને જાણે આ પળો ફરી ક્યારે આવશે એવું વિચારીને એકબીજાને પણ ખુબજ સરસ રીતે સાથ આપ્યો. એ પળને મનમોહક બનાવે એવા એકબીજા સાથે ફોટા લીધા અને એ ફોટા સાથે શો નો વિડિયો ફેસબુક ઉપર યાદગાર પળની શાક્ષી માટે અપલોડ કર્યો.

આખરે રાત્રે દસ વાગે એ શો પુરો થયો અને બંને સ્વરાની હોન્ડા સિટી કાર લઈને ઘરે આવવા નીકળ્યા. ઉનાળાની એ રાતમાં સ્વરાએ આઇસક્રીમ ખાવાનું કહ્યું તો વળી નૈતિકે પણ હા પાડી અને એક આઇસક્રીમ પાર્લર ઉપર કાર ઉભી રાખી સ્વરાની ફેવરેટ ચોકો ચિપ્સ લઈ આવ્યો અને ગાડીમાં અંદર બેઠા.

નૈતિકે ગાડી ચાલુ કરી અને થોડી આગળ એક્દમ ઓછી અવરજવર વળી જગ્યાએ ગાડી સાઇડમાં પાર્ક કરી. લગભગ રાતના અગિયાર વાગ્યા વાગ્યા હોવાથી આમપણ અવર જવર ઓછી હતી. નૈતિક અને સ્વરા આઇસક્રીમ ખાવામાં પડ્યા અને એ દરમિયાન નૈતિકે સ્વરાનો હાથ પકડી લીધો અને આંગળીમાં આંગળી પરોવી એની વીંટી જોડે રમત કરવા લાગ્યો. સ્વરા પણ કોઈ જ વિરોધ વગર આ પળોને માણી રહી હતી. અચાનક નૈતિકનું ધ્યાન સ્વરાના હોઠ પર લાગેલા આઇસ્ક્રીમ પર પડ્યું અને શરારત સૂઝતાં એણે એના હોઠ ત્યાં મૂકી દીધા. એમની જિંદગીમાં આ પળ પહેલી વાર આવી હતી ને જાણે સ્વરા પણ આ પળને માણવા ઈચ્છતી હોય એમ એના હાથ આપોઆપ નૈતિક ફરતે વીંટળાઈ ગયા. વાતાવરણમાં ફેલાયેલી પારિજાતની મંદ મંદ સુગંધ, નિતાંત નીરવતા અને સ્પર્શનો એહસાસ બંનેને માદકતા તરફ દોરી ગયા. થોડી વાર સુધી એકબીજાને ચુંબનોથી ભીંજવી દીધા બાદ જ્યારે બંને એકબીજાથી અળગા થયા ત્યારે બંનેના ચેહરા પર એક અલગ ચમક દેખાતી હતી, સાથે થોડી લજ્જા અને સંકોચ પણ દેખાતા હતા.

નૈતિક અને સ્વરા હજી પણ જે કંઈ બની ગયું એના કેફમાં હતા. અને અચાનક જ એક પોલીસની પેટ્રોલીંગ ગાડી એમની ગાડી સામે આવીને ઊભી રહી ગઈ. એકદમ બદલાતા આ ઘટનાક્રમમાં બંનેના દિલમાં એક ફફડાટ વ્યાપી ગયો કે પોલીસની ગાડી અહીં, અત્યારે, અમારી પાસે શું કામ..!? તરતજ ગાડીમાંથી બે પોલિસ ઉતરીને નૈતિકને ગાડીની બહાર નીકળવા ઇશારો કર્યો અને ફોન લઈ પૂછપરછ ચાલુ કરી. આ તરફ સ્વરાનો ફોન પણ લઈ લેવામાં આવ્યો અને એને પણ બીજી તરફ લઈ પૂછપરછ કરવામાં આવી.

"આટલી રાત્રે ગાડીમાં શું કરતાં હતાં.!?, ક્યાંથી આવ્યા.!? કેમ અહીં ઊભા રહ્યા.!? તમારા બંને વચ્ચે સંબંધ શું છે.!?" એવા કેટ કેટલાયે સવાલોનો મારો કરવામાં આવ્યો. રિતસરની કોઈ મોટી ભૂલ કે ગુનો કર્યો હોય એવી ઉલટ તપાસ કરવામાં આવી. ફફડાટ, વ્યગ્રતા, ચિંતા આ બધુંજ ચારે તરફ ઘેરી વળ્યું. પોલીસે રિતસરની એવી વાત મોંમા નાખવા પ્રયત્ન કર્યો કે તમે લોકો કાંઈક ખોટું કામ કરી રહ્યા છો. પણ આ તરફ બંનેનો જવાબ એ જ હતો કે અમે મિત્ર છીએ અને પરિવાર પણ જાણે છે કે અમે સાથે છીએ.

છતાં પણ પોલીસ ટસના મસ થતાં નહોતાં. સ્વરાના ઘરનો ફોન નંબર માગવામાં આવ્યો પણ તેના મનમાં ફફડાટ અને ડર વ્યાપી ગયો હતો કે ભાઈ બોલશે. આમપણ ભાઈને નૈતિક સાથે એનું ફરવું ગમતું નહોતું અને જો આવું કાંઈક થાય તો એનું બહાર નીકળવાનું બંધ થઈ જાય. એટલે એણે પોલિસ સાથે વાત કરી અને કહ્યું કે ખરેખર અમે એવું કાંઈજ કર્યું નથી પણ હું મારા ફેમિલીનો નંબર નહીં આપી શકું.

આ તરફ નૈતિકને પણ એના પરિવાર સાથે વાત કરાવવા કહેવામાં આવ્યું અને પરિવારને પોલિસ સ્ટેશન બોલાવવા પડશે એવું કહેવામાં આવ્યું. ફફડાટ એક્દમ અંદર સુધી વ્યાપી ગયો હતો. શું કહેવું અને શું કરવું સમજાતું નહોતું, અને બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો.

થોડીવાર વાત કર્યા પછી પણ બંને પોતાની વાત ઉપર અડગ રહેતા પોલીસે એમની ગાડીની ચાવી લઈ લીધી. એ બંનેને પાછળ બેસાડી પોલિસ સ્ટેશન તરફ ગાડી હંકારી મૂકી. આ તરફ સ્વરા અને નૈતિક સમય સ્થિતિ જાણી ગયા હતા અને સાથે પોલીસનો મનસૂબો પણ સમજી ગયા હતા. એટલે એમણે સીધું જ પૂછી લીધુ કે સાહેબ કાંઈક સમજો આપણે આનો વચ્ચેનો રસ્તો કાંઈક કાઢીએ.

આખરે પોલિસ પણ પોતાના કામની વાત આવતાજ મનોમન ખુશ થઈ અને ગાડી રસ્તામાં ઉભી રાખી અને પૂછ્યું બોલો હવે શું કરવું છે.? અને નૈતિકને એક તરફ લઈ જઈ એને પૂછ્યું કે, "કેટલા પૈસા તું અત્યારે આપી શકે.!?" નૈતિક તો આમપણ સામાન્ય ઘરનો છોકરો હતો છતાં પાકીટ કાઢ્યું અને એની પાસે જેટલા પૈસા હતા એ પોલીસ સામે ધરી દીધા. પોલીસે કડક થઈને કહ્યું, "તું ગણ કેટલા છે.!?" નૈતિકે ગણીને કહ્યું કે, "સાહેબ સાડા સાતસો છે. આ લઈ લો પણ અમને જવા દો." પોલીસે આટલા ઓછા પૈસા લેવાનો સાફ ઇનકાર કર્યો. "લઈને ફરવા નીકળ્યો છે ને આટલા જ પૈસા તારી પાસે.? અને ઉમેર્યું કે, "ઓછામાં ઓછા વિસ હજાર થાય, નહીંતો કેસ થશે અને બંનેના પરિવારને પોલિસ સ્ટેશન અત્યારેજ બોલાવવા પડશે." આ સાંભળતા જ નૈતિકના પગ ધ્રૂજી ગયા અને આંખમાંથી એક ટપકું સરી પડયું. મનમાં એમ થયું કે, "મારા લીધે આ સ્થિતિનું સર્જન થયું અને હું કાંઈજ કામનો નથી, આ સ્થિતિમાંથી હું અમને બંનેને બહાર નહીં કાઢી શકું."

આ તરફ સ્વરા નજીક આવી અને એણે કહ્યું કે, "મારી પાસે પૈસા છે બે હજાર જેવા, મારા ભાઈ મને પોકેટ મની આપે એમાંથી પડ્યા છે હું એ પણ તમને આપી દઉં પણ પ્લીઝ નૈતિકને કાંઈજ ના કહેશો. મેં જ એને મારી સાથે પ્રોગ્રામમાં જવા ઘરે બોલાવ્યો હતો. એણે એનું એક્ટિવા ત્યાં પાર્ક કર્યું અને ત્યાંથી અમે મારી ગાડીમાં નીકળ્યા. એમાં એની કોઈજ ભૂલ નથી." છતાં પણ પોલિસ ટસના મસ ના થયા.

હવે ફરીથી બંનેની અલગ પૂછપરછ કરવામાં આવી. નૈતિકને કહેવામાં આવ્યું કે, "કાંઈપણ કર, ATM માં જઈને પૈસાની વ્યવસ્થા કર અથવા અમે આ છોકરીને જવા દઈએ પણ અમારે હવે બતાવવા માટે પણ કેસ કરવો પડશે એટલે તારી ઉપર કેસ કરી નાખીએ." નૈતિકને કાંઈજ સુજતું નહોતું ATM માં પણ નૈતિક પાસે ચાર હજાર જેટલાજ પડ્યા હતા એટલે ફફડાટમાં નૈતિક ભાંગી રહ્યો હતો.

આ તરફ સ્વરા પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહી હતી. એ પોલીસને પોતાનો ફોન આપવા વિનંતી કરી રહી હતી. જેથી એ સોશીયલ મીડિયામાં મૂકેલા પ્રોગ્રામના ફોટા બતાવીને પોતાની એ સચ્ચાઈ સાબિત કરી શકે કે એ અને નૈતિક સારા મિત્રો છે, બંને પ્રોગ્રામમાંથી જ પાછા ફરી રહ્યા હતા, બંનેના પરિવાર એમની મૈત્રી વિશે જાણે છે, તેથી જ તેઓ આમ સોશીયલ મીડિયામાં એમના ફોટા શેર કરી શક્યા. સાથે સાથે એ વાતનું પણ રટણ કરી રહી હતી કે, "સાહેબ આ જે પણ પૈસા છે એ બધા લઈ લો. કેસ કરશો તો મારે બહાર જવાનું છે એટલે મને વિઝામાં તકલીફ પડશે. મારું બહાર નીકળવું મારો ભાઈ બંધ કરવી દેશે અને પ્લીઝ નૈતિકની ભૂલ નથી એ તો મારા કહેવાથી મારી સાથે આવ્યો હતો."

આ બધાજ ઘટનાક્રમમાં પોલિસ પણ હેરાન હતી બંને એકબીજાને બચાવવા પ્રયત્નો કરી રહ્યા હતા અને પોતાની વાત ઉપર અડગ હતા. કદાચ એમના માટે પણ એક નવુંજ ઉદાહરણ હતું. જ્યારે આજના સમયમાં પોતે પોતાની જાતને બચાવવા બીજાને ખોટું સાબિત કરે અથવા મુશ્કેલીમાં બીજાને મૂકીને એકલું ચાલ્યું જાય ત્યારે એ સમયમાં આ બંને એકબીજાને બચાવવા ભરપૂર પ્રયત્નો કરી રહ્યા હતા અને ખાસ તો મને તકલીફ આપો પણ એને છોડો એવું કહી રહ્યા હતા.

આખરે પોલીસે કહ્યું કે, "જો તમે સાચા હોવ તો નૈતિકનું Activa બતાવો જે એ લઈને આવ્યો છે." અને એ પહેલાં એ Activa નો નંબર પણ પૂછી લીધો હતો જેથી ખબર પડે કે આ લોકો કેટલું સાચું કે ખોટું બોલી રહ્યા છે. આખરે સ્વરાના બંગલા બહાર પડેલું નૈતિકનું Activa બતાવવામાં આવ્યુ અને નંબર પણ ચેક કરવામાં આવ્યો.

છતાં પણ સંતોષ ના થતા ફરીથી એમની ઉલટ તપાસ કરવામાં આવી. સ્વરાને ગાડીમાં બેસવાની ફરજ પાડવામાં આવી અને નૈતિકને થોડો દૂર લઈ જવામાં આવ્યો. એને કહેવામાં આવ્યું કે કેમ એ છોકરીની લાગણીઓ સાથે રમી રહ્યો છે. પોલીસના મનમાં રહીરહીને એક જ શંકા આવી રહી હતી કે, આ રહ્યો ગરીબ ઘરનો છોકરો અને કદાચ પૈસા કે પોતાની જરૂરિયાત સંતોષવા માટે આનો ઉપયોગ કરી રહ્યો છે. એટલે એમણે નૈતિકને કહ્યું કે, "તારી ઉપર કેસ કરીએ છીએ અને એને જવા દઈએ છીએ."

એકપળનો પણ વિચાર કર્યા વગર નૈતિકે પોલીસને કહ્યું કે, "હા મારા ઉપર કેસ કરો પણ પ્લીઝ સ્વરાને જવા દો. એનું બહાર નીકળવાનું બંધ થશે અને એ તકલીફમાં મુકાશે મારા લીધે." સ્વરા ભલે થોડી દૂર હતી પણ એ જાણતી હતી કે આવા કેસમાં પોલીસ પુરુષને વધુ હેરાન કરે એટલે એનું સમગ્ર ધ્યાન એ બાજુ જ હતું. આ બધી વાતચીત સાંભળીને એ ખૂબ જ ડરી ગઈ હતી કે એના આગ્રહના કારણે નૈતિક આવ્યો હતો ને આમ તકલીફમાં મુકાઈ ગયો હતો. એક બાજુ ફફડાટ હતો તો બીજી બાજુ નૈતિકનો જવાબ સાંભળીને એની ઉપર ગર્વ થઈ રહ્યો હતો અને પોતાની પસંદગી પર અભિમાન પણ..!

તરતજ સ્વરા ગાડીની બહાર નીકળી અને કહ્યું, "પ્લીઝ સાહેબ જવા દો. હું માનું છું કે અમારી ભૂલ થઈ પણ અમને તકલીફ ના પડે એવો કાંઈક રસ્તો કરી આપો." કદાચ આ જ એ પળો હતા જ્યારે આ પ્રેમ જીતી રહ્યો હતો અને લાલચ હારી રહી હતી.

આખરે અડધો પોણો કલાક ચાલેલી આ વાતચીત પછી પોલીસને પણ સચ્ચાઈ સમજાઈ ગઈ હતી. પૂછપરછ કરતાં પોલીસો એમની વાન તરફ જાય છે અને બધા એકબીજા સાથે અંદર અંદર વાત કરે છે. પછી સ્વરા અને નૈતિક પાસે આવીને કહે છે કે, "જાઓ, પણ ફરી આવી રીતે ક્યારેય કોઈ પણ પ્રવૃત્તિ માટે મોડી રાતે આવા રોડ ઉપર ઉભા ના રહેતા જેથી તમે તકલીફમાં મુકાઈ જાઓ. અમારી જગ્યાએ કોઈ લુખ્ખા તત્વો આવે તો શું થાય તમારું એ તમે જાણો છો.!?"

સ્વરા અને નૈતિક એકબીજા સામુ જોઈ રહ્યા, કદાચ એમને પણ ભૂલ સમજાઈ રહી હતી કે પ્રેમના આવેગમાં કાંઈક, ક્યાંક તો ભૂલ કરી છે. અને આટલી વાત થયા પછી બધા પોતપોતાના રસ્તે જવા લાગ્યા.

સ્વરા તો ગાડીમાં બેસતા જ નૈતિકને ભેટી પડે છે. સ્તબ્ધ છતાં પણ અદભુત હતી એ પળ જ્યારે એક દિલમાં રહેલો ફફડાટ બીજા દિલના ફફડાટને અનુભવી ઠારી રહ્યો હતો અને એકબીજાના પ્રેમની પરાકાષ્ઠા અનુભવી રહ્યો હતો.!

"પ્રેમમાં પડો તો એને જ બનાવો નિષ્ઠા.
પામવું જ નથી કંઈ પ્રેમની પરાકાષ્ઠા!
ઘણા ઉતાર ચડાવ આવશે આ રાહમાં,
અવગણીને એને..
પ્રેમ જીવંત રહે એજ પ્રેમની પરાકાષ્ઠા.!"

©રોહિત પ્રજાપતિ
અમદાવાદ

સદા ખુશ રહો..
સદા જીવંત રહો..
સદા સંબંધ મહેકાવતા રહો..
જય શ્રી કૃષ્ણ 🙏🏼