Aaruddh an eternal love - 20 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૨૦

આર્યાએ હોસ્પિટલ જઈને જોયું તો અનિરુદ્ધ બેડ પર બેઠો હતો. અનિરુદ્ધના પિતાજી એની સામેની ખુરશી પર બેઠા હતા અને ડોક્ટર બાજુએ ઉભા હતા.

અનિરુદ્ધને જોઈને લાગતું ન હતું કે અત્યાર સુધી એને યાદશક્તિ ન હતી, એ એકદમ સ્વસ્થ જણાતો હતો. હા, એનું શરીર જરૂર નબળું પડી ગયું હતું અને હાથની પીડા પણ ખૂબ હતી.

"આવ બેટા, તારાથી હવે શું છુપાવવાનું? અનિરુદ્ધ માનસિક રીતે તંદુરસ્ત જ છે. બધી પરિસ્થિતિ ઠીક કરવા માટે મેં એની અને એના ડોક્ટર મિત્ર પાસે નાટક કરાવેલું. પેલા જયંત મંકોડીએ એવી જાળ બિછાવેલી કે બધું ઠીક કરવા માટે આ જરૂરી હતું."

અનિરુદ્ધના પિતા રિટાયર્ડ આઇપીએસ ઓફિસર હતા, એ જયંત મંકોડી જેવા ગુનેગારોના દાવ સારી રીતે સમજતા હતા. એ છેક રાજસ્થાન રહેતા હતા પરંતુ અનિરુદ્ધની પળેપળની ખબર રાખતા રહેતા.

"હવે તમે બંને પતિ-પત્ની બેસો, ડોક્ટર અનિરુદ્ધને રજા આપવાના છે એટલે હું ફોર્માલીટી પૂરી કરી આવું. ચાલો ડોક્ટર જ‌ઈશુ ને!"

અનિરુદ્ધના પિતાની વાત સાંભળીને આર્યા એકદમ ગુસ્સે ભરાઇ ગઇ હતી. એ લોકો ગયા પછી અનિરુદ્ધ અને આર્યા એકલા પડ્યા.

"તમે તમારા મનમાં સમજો છો શું? શું હું તમારા હાથની કઠપુતળી છું? તમારી હિંમત કેવી રીતે ચાલી મારી સાથે મને છેતરી ને લગ્ન કરવાની! કોઈનું જીવન બગાડવું એ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે."

"શટ અપ આર્યા, મને કોઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો. હું મારા પિતાજી ની કોઈ વાત ના માનું એવું બનતું નથી, તારી સાથેના લગ્ન એ એમની જ ઈચ્છા હતી. બાકી મારી પાસે હજાર રસ્તા હતા, બાય ધ વે, મારી કેરિયર તો તારા લીધે જ બગડી છે, મેં તને પેલા ગુંડા થી બચાવી ન હોત તો આ દિવસ જ ન આવ્યો હોત."

"સારુ, તમારે અને મારે એક પણ ને લગ્ન કરવા ન હતા, તો આપણે આ જ ક્ષણે પૂરું કરીએ, હું જાઉં છું પાછી."

અનિરુદ્ધ ઉભો થઇ ગયો, એણે આર્યાનો હાથ પકડી રાખ્યો, "મારી મરજી વિના તું ક્યાંય નહીં જઇ શકે."

અનિરુદ્ધની એકદમ નજીક આવી ગયેલી આર્યાને ધકધક થઈ રહ્યું. એ કશું બોલી શકી નહીં.

***

"શરત લગાવવી હોય તો લગાવી લે ડોક્ટર, એ બંને અત્યારે ઝઘડતા જ હશે. પરંતુ એક દિવસ એવો આવશે કે એકબીજા વગર રહી પણ નહી શકે. એ બંનેની આંખો મે વાંચી છે. એ બંનેના લગ્ન થાય એ માટે મેં જ મહિલા મંડળને આઈડિયા આપેલો."

અનિરુદ્ધના પિતાજી બોલ્યા અને જવાબમાં ડોક્ટર સ્મિત આપી રહ્યા.

***

અનિરુદ્ધને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, અનિરુદ્ધને એના બંગલે લઈ જતા પહેલા એના પિતાજી અનિરુદ્ધ અને આર્યાને અનાથાશ્રમે લઈ ગયા, આર્યાને વિધિવત વિદાય કરાવવા માટે.

આર્યાને અનિરુદ્ધના ઘેર મોકલતા પહેલા માયાબહેને પોતાની એક સુંદર સાડી પહેરાવી, ઘરેણા પહેરાવ્યા, વાળમાં ફૂલો ગૂંથી આપ્યા. આર્યા એકદમ સુંદર લાગી રહી હતી. માયાબહેન એને લઈને બહાર આવ્યા ત્યારે અનિરુદ્ધ એની સામે એકીટશે જોઈ રહ્યો, આજ સુધી આર્યા આવી તૈયાર કોઈ દિવસ નહોતી થઈ. અનિરુદ્ધ જ નહીં આશ્રમના બધા માણસો એનું સોળે કળાએ ખીલેલું રૂપ જોઇ રહ્યા.

બધી છોકરીઓને તો જાણે ઘરે રામ આવ્યા, એ બધી અનિરુદ્ધને ઘેરાઈને ઊભી રહી, અનિરુદ્ધની તબિયત પૂછવાના બહાને બધી એની સાથે વાતો કરવા લાગી.

માયાબહેનને આર્યા છેક હિમાચલપ્રદેશમાંથી મળી હતી, આજ સુધી એમણે આર્યાને પોતાની દીકરી હોય એમ જ રાખી હતી, આર્યા પણ પોતાના માતા-પિતા વિશે કદી જાણવાની ઈચ્છા બતાવતી ન હતી કારણ કે એના માટે તો માયાબહેન જ એનું સર્વસ્વ હતા. આજે આ જ મા-દીકરીની જોડી ને છુટા પડવાનો વખત આવ્યો હતો.

ખરેખર સ્ત્રીઓ જેટલી સહનશક્તિ કોઈનામાં હોતી નથી, એક વૃક્ષને જો મૂળિયા સહિત ઉખાડી ને બીજી રોપવામાં આવે તો પણ તેને તકલીફ પડે છે, પરંતુ એક યુવતી અત્યાર સુધી જે ઘરમાં મોટી થઈ હતી ત્યાંથી બીજા ઘરે જીવનભર માટે જાય છે પરંતુ સહજ બધું જ સ્વીકારી લે છે. એની પ્રેમ આપવાની ક્ષમતા પણ અદ્વિતીય છે, પોતાના પિતાના ઘરની સાથે સાથે સસરા પક્ષના માણસોને પણ એટલી જ કાળજી થી સાચવી શકે છે.

આર્યાને હવે માયાબહેનનો પાલવ‌ છોડવાનો વખત થયો હતો. માયાબહેને એને કપાળે ચૂમી ભરી,

"સુખી રહેજે મારી દીકરી.... એક દીકરીને વિદાય કરવાનું દુઃખ અને સુખ બંનેમાં મને મળ્યું છે, પરંતુ આવા સંજોગો અને આવી પરિસ્થિતિમાં મળશે એવું ધાર્યું ન હતું, તને મારે શું સલાહ આપવાની હોય બેટા, તું ખૂબ સમજદાર છે."

માયાબહેન અને આર્યા બંને એકબીજાને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા, આશ્રમની બધી છોકરીઓ રડવા લાગી.

"આટલું બધું રડવાનું શું હોય?તને કંઈ કતલખાને લઈ જવાની નથી."

અનિરુદ્ધના પિતાજીએ ઈશારો કર્યો અને અનિરુદ્ધ આગળ કંઈ બોલતા અટકી ગયો.

અનિરુદ્ધની ગાડીમાં બેસતાં આર્યા પાછળ વળીને જોઈ શકી નહીં, પોતાની સામે તાકી રહેલી સોએક આંખો સામે એનાથી જોવાયું નહીં. એ આંખો પોતાની લાડકડીને જતાં જોઈ રહી, બધા માતા-પિતા જેમ પોતાની વહાલસોયીને જતાં જોઈ રહે છે એમ કારણકે વિદાય અનાથ દીકરીની હોય કે સનાથ, વિદાય વખતે હૃદયમાં પેદા થતું રસાયણ તો એક સરખું જ હોય છે, એ ગરીબી કે અમીરી ના ભેદભાવ પણ જોતું નથી.

ઈચ્છાએ કે અનિચ્છાએ બે માણસો જોડાઈ ગયા હતા, એક સંબંધ બંધાઈ ગયો હતો, એ બંનેમાંથી એક પણને ખબર નહોતી કે આ સંબંધ આગળ જતાં એક મિશાલ બની જવાનો છે.

આખરે આર્યા પોતાના ઘેર પહોંચી, અનિરુદ્ધના ઘેર.

"મને સ્ત્રીઓ જેવું સ્વાગત કરતાં તો આવડતું નથી બેટા, પરંતુ હૃદયથી તને આશીર્વાદ જરૂર આપું છું."કહીને અનિરુદ્ધના પિતાજીએ ઘરમાં પ્રવેશતી આર્યાને આશીર્વાદ આપવા માટે માથે હાથ મૂક્યો.

આર્યા પણ એમને પગે લાગી.

"અનિરુદ્ધને તમારા રૂમમાં સાચવીને લઈ જા, રસોઈવાળા આવ્યા છે એમને હું સુચના આપી દઉં."

અનિરુદ્ધને ટેકો આપવા માટે આર્યા એની નજીક ગઈ તો અનિરુદ્ધે એની સામે જોયું અને ત્યાંથી ચાલ્યો ગયો.

આર્યા સંકોચ પામતી અનિરુદ્ધની પાછળ એના રૂમમાં ગઈ,
"તને તો મજા આવતી હશે નહીં, અનાથઆશ્રમ થી સીધા બંગલે.."

"હું સમજી શકું છું કે તમે શું કહેવા માગો છો, તમારા રૂપિયા તમને મુબારક. અને હા... મેં તમને મારી સાથે લગ્ન કરવા માટે કોઇ દબાણ કર્યું નથી. તમારી ઇજ્જત બચાવવા બદલ તમારો આભાર માનવાને બદલે તમે તો ઉલ્ટા મને ગુનેગાર ગણો છો."

ફરી અનિરુદ્ધના ગુસ્સાએ એના મગજનો કબજો લઈ લીધો. બારણાની નજીક ઉભેલી આર્યાને એણે ખેંચી, એ સીધી આવીને અનિરૂદ્ધ સાથે અથડાઈ, અનિરુદ્ધે એક હાથે એની કમર પકડી લીધી,

"શેનો આભાર માનું? તેં મારી કેરિયર બગાડી એનો? અત્યારે હું ફરજમોકૂફ થયો છું એનો? મારી કોઈ આબરૂ ન રહી એનો?"

બોલતા બોલતા અનિરુદ્ધનું ધ્યાન આર્યાની આખો સામે ગયું, એની આંખોમાં આંસુ આવી ગયા હતા. કોઈ અકથ્ય વેદના એની આંખોમાંથી આંસુ સ્વરૂપે બહાર ડોકાઈ રહી હતી.

આર્યાની આંખોમાં આંસું જોઈને અનિરુદ્ધના મોં ની તંગ થયેલી રેખાઓ મુક્ત થઈ, આર્યાની કમરે રાખેલો એનો હાથ સહેજ ઢીલો પડ્યો,

"આર્યા.... આઈ મીન..."

આર્યા આંસુ લૂછતી અનિરુદ્ધના હાથની પકડ છોડાવતી ત્યાંથી દોડીને જતી રહી. બંને વચ્ચે કંઈક એવું હતું, જે એ બંનેને ખેંચતું હતું, કંઈક એવું હતું જે બંનેને વિરુદ્ધ હોવા છતાં દૂર થવા દેતું ન હતું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED