paanch koyada - 17 - last part books and stories free download online pdf in Gujarati

પાંચ કોયડા - ૧૭ - છેલ્લો ભાગ

પાંચ કોયડા-૧૭

અંતિમ કોયડો

બીજા દિવસે સવારે રઘલાએ રજૂ કરેલી થિયરી સાથે અમે સંજીવ જોગાણી ના ઘરે પહોંચ્યા. કુદરત કોઈ સંકેત દ્વારા દર વખતે કોયડાને ઉકેલવા માં મદદ કરી રહી હતી એટલે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ એ અમારી તરફેણમાં હશે.

અમારી આખી વાત સાંભળી લીધા પછી એ અજીબ રીતે મલકાયા. અમારા બંનેની પીઠ થાબડી અને બોલ્યા-‘ કીર્તિ નો તારા પરનો વિશ્વાસ સાચો ઠર્યો છે ;આજ વાત કીર્તિ એ થોડા વર્ષો પહેલાં રજૂ કરી હતી.

‘ પણ આ વાત થિયરીજ છે કે તેમાં સત્ય પણ છે ?’ મેં પૂછ્યું

આવો સવાલ મને પણ ઉદ્ભવ્યો એટલે ફરીથી ઓફિસિયલ આ કેસની તપાસ શરૂ કરી. ખાસી જહેમત પડી દાસ પરીવાર ને ફરી શોધવા ! આખું પરિવાર અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યું હતું. પણ કુલદીપ અને માયા કેટલીક વખત અહીં મુંબઈ આવતા ,મુંબઈ ના નવા સરનામે પહોંચ્યો અને માયાને આખી વાત કહી. પિતાની સંભારણા સ્વરૂપે તે બંને હજી તે ગ્રામોફોન અને રેકોર્ડ સાચવી રાખ્યા હતા. તે બધી રેકોર્ડ હજી પણ સારી સ્થિતિમાં હતી. ફરીથી બધી રેકોર્ડ મેં સાંભળતા એક રેકોર્ડ એવી મળી આવી કે જેમાં બરાબર એક કલાક પછી રિવોલ્વરની ગોળી નો અવાજ સંભળાયો; અને પાછું સંગીત વાગવાનું શરૂ થયું. આ ઘટનાનું સત્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.કારણ કે મુખ્ય સૂત્રધાર મનોહર બરાબર ત્રણ વર્ષ પછી કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. તમે બંને સાચી થિયરી રજુ કરી છે એટલે આગળના કોયડા સુધી તમને લઇ જવા પડશે.’

‘પાંચમા કોયડા ની ચાવી ઉકેલવા હું તમને એક ચાવી આપું છું ‘ હસતા હસતા તે બોલ્યા.’ ‘ આ ફ્લેટની ચાવી છે લેક વ્યુ રેસિડન્સી નામની સ્કીમ છે ,મુંબઈના દાદરા વિસ્તારમાં, કીર્તિ એ કહ્યું છે તમારે જે જોઈએ છે તે આ ફ્લેટમાં મળી રહેશે મારું કામ પૂરું થાય છે જો આ કોયડા ઉકેલાઇ જાય તો આખી સફર કહેવા તમે બન્ને આવશો તો આનંદ થશે’

‘ચોક્કસ સર!’ જોગાણી સરના હાથ પકડી મેં મજબૂત હસ્તધૂનન કર્યું. ચાવી લઈને અમે બંને બહાર નીકળ્યા .રઘલાનું સૂચન મારે માનવું પડ્યું તેનું કહેવું હતું કે’ હવે ફ્લેટની ચાવી મળી છે તો હોટલમાં શું કામ રોકાવું ખોટા ભાડા ભરવા’

અમે હોટેલમાંથી ચેકઆઉટ કરીને જોગણી સરે આપેલા સરનામે પહોંચ્યા.લેકવ્યુ રેસીડેન્સી દસ માળના ફ્લેટની સ્કીમ હતી.ત્રીજા માળના ફ્લેટ નંબર 304 ની ચાવી અમને આપવામાં આવી. ફલેટ ખોલીને અંદર પ્રવેશ્યા. બે બેડરૂમ હોલ કિચન ધરાવતો ફલેટ હતો .ફલેટમાં જરૂરિયાતની કહી શકાય તેવી ઘણી બધી ચીજો મોજુદ હતી. મેં ફ્લેટનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું .મુખ્ય બેઠકરૂમમાં એક એલ આકારે ગોઠવાયેલો સોફા હતો.ભીત પર બે ઇમારતો વચ્ચે સૂર્યાસ્ત થતાં સૂર્યનું સુંદર ચિત્ર હતું.સોફા ની સામે ટીવી સેટ બાજુમાં નાની ફૂલદાની અને દરવાજા વાળી દીવાલ પર એક વૉલકલોક હતું. જે બંધ હતું એના કાંટા ૬:૩૦ સમય પર સ્થિર થઈ ગયા હતા. બંને બેડ રૂમમાં ડબલબેડ ,અટેચ્ડ બાથરૂમ અને જરૂરિયાત મુજબનું ફર્નિચર હતા. મેં અને રઘલાએ પંખો કરી ફરસ પરજ લંબાવ્યું.શરૂઆત ક્યાંથી કરવી અમે બંને વિચારી રહ્યા હતા.

રઘલા, આ ફ્લેટમાંથી તમને જે જોઇએ તે મળી રહેશે એનો અર્થ શું હશે ? રઘલાએ ચોથો કોયડો ઉકેલ્યા પછી મને તેના પર વિશ્વાસ બેસ્યો હતો.

‘કીર્તિ ચૌધરીએ આપણને આગલા કોયડાઓમાં જેમ ગોળ ગોળ ફેરવ્યા હતા !આમાં પણ એવું જ હશે ! આપણે આ આખા ફ્લેટને બહુ જ શાંતિ તપાસવો પડશે ! કદાચ આ ફલેટમાંજ તેમની બે લખેલી ચોપડીઓ પડી હોય કે કોઇ અગત્યના ડોક્યુમેન્ટ કે કોઈ !’

‘ કે કોઈ સુરાગ !’

‘ એક્ઝેટલી ગજા એવું જ’

‘ તો ચાલ ફ્લેટનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ. કદાચ કોઈ છૂપાયેલો સંદેશો મળી જાય. હું બેઠક ખંડ અને કિચનમાં જોઉં છું. તું બાકીના બે બેડરૂમ તપાસ’ અમે ફ્લેટનું માઇક્રોસ્કોપિક અવલોકન શરૂ કર્યું. પહેલું કામ દીવાલોને તપાસવાનું શરૂ કર્યું દરેકે દરેક દીવાલને અમે ઝીણવટથી જોઇ. ચલચિત્રોમાં દીવાલને ટકોરા મારી દિવાલમાં કોઈ સૂક્ષ્મ ચાપ કે તેહખાનુ શોધતા બતાવે છે, અમે પણ એની નકલ શરૂ કરી .સાંજ થતાં સુધીમાં તો અમારા આંગળા દુખવા આવી ગયા. પણ કયાંય કોઇ છુપી કળ મળી નહીં. મેં અને રઘલા એ વારાફરતી દરેક રૂમની દીવાલો તપાસી પણ દર વખતે નિરાશા !રાત્રે ૮ વાગ્યા સુધીમાં તો અમારો ડિટેક્ટિવ આત્મા થાકી ચૂક્યો હતો .રાતનું જમવાનું પતાવીને અમે ફરી કામે વળગ્યા પણ કોઈ મહત્વની કડી મળી નહીં.વહેલી સવારે ઊઠીને ફરી શરૂઆત કરવાનું બંનેએ નક્કી કર્યું.

બીજા દિવસે સવારે ફ્લેટની દરેકે દરેક વસ્તુ ત્યાં સુધી કે સંડાશ જવા ના પાયખાના સુધીની નોંધ મેં કાગળ માં કરી.રઘલાએ ખૂણે ખૂણે ફરી આ નોંધ ને પાકી કરી .

‘આજે આપણે આ દરેક વસ્તુ તપાસીશુ .જરૂર પડે તો ખોલીને પણ તપાસીશુ’ રઘલા એ પોતાનો ફક્ત અંગુઠો ઉંચો કરી મને બ્રેવો કહ્યું. બેઠક રૂમ માં રહેલ સૂર્યાસ્તનું પેઇન્ટિંગ, સોફાસેટ, ઘડિયાળ, બેડરૂમમાં રહેલા તકિયા ગાદી ,ફર્નિચર ,કિચનમાં રહેલો જરૂરી રસોઈ નો સામાન, દરેકે દરેક અમે દસ વખત તપાસ્યા. રઘલા એ ઘડિયાળ અને ટીવી સુધ્ધા ખોલી નાખ્યા. એમાં ક્યાંય કશું જરૂર મળ્યું નહી. હવે અમે ઇન્કમટેક્સ ખાતાના ઓફિસર બની ચૂક્યા હતા.બેડરૂમમાં રહેલા ગાદી, પલંગ ,બેઠકરૂમમાં સોફાસેટ અમે ચપ્પા વડે ચીરી નાખ્યા. તેની અંદર થી નીકળેલા રૂના ઢગલાઓથી આખો રૂમ ભરાઈ ગયો. પડદા લગાવવા માટે ના પાઇપ સુદ્ધા અમે ખોલી નાખ્યા. પણ ક્યાંય કશું જ હાથ ન લાગ્યું.

તે દિવસ અમને જમવાનું પણ ન ભાવ્યું. વધારામાં સાધનાનો ફોન ફરીથી આવ્યો .તે રહીમ સુદ્ધાં ને મળી આવી હતી .રહીમે તેને કહ્યું કે તેણે આવો કોઈ બિઝનેસ મારી જોડે શરૂ કર્યો નથી. એ વાતનો આઘાત અને ગુસ્સો મારા પર નીકળ્યા. મેં તેને મારી અને કીર્તિ ચૌધરી સાથેની ડિલની વાતચીત કરી. એને પણ એણે એક વધારાનું જુઠ્ઠાણું માન્યું. તેણે તાત્કાલિક મને પાછો અમદાવાદ આવવા કહ્યુ. મેં તેની પાસે ફક્ત વધારાના બે દિવસ માગ્યા. વાત ન સાંભળતાં તેણે ફોન કાપી નાખ્યો. ફરી ફરીને આખો ફલેટ ફેદીં નાખ્યો. ફ્લેટ ની હાલત ઉકરડા જેવી બદતર બની ગઇ. સાંજ થતા સુધીમાં અમે બંને થાક્યા.

‘ હવે તો આ ફલેટ ની લાદી તોડીએ તો આપણને કોઈ સુરાગ મળે ‘ રઘલો બોલ્યો

‘ ના એવું ના બની શકે મને લાગે છે કે, આપણે શરૂઆત ખોટી કરી છે. દરેક કોયડાની જેમ આમાં પણ કોઇ કરામત હશે.’

રઘલો બહારથી ચા લઇ આવ્યો. અમે બંને મગજને શાંત કરવા બાલ્કનીમાં ગોઠવાયા .બાલ્કનીમાં ચાની ચુસ્કી લેતા અમે મુંબઈના સૂર્યાસ્તને નિહાળી રહ્યા .સાંજના સૂર્યાસ્ત ના દ્રશ્યે અમારા થાકેલા મગજને સાંત્વના દઇ રહ્યું હતું. અચાનક એ શાંતિ ખળભળી ઉઠી મારો હાથમાં રહેલો ચા નો પ્યાલો ઢોળાઈ ગયો.

‘ રઘલા પેઇન્ટિંગ !એ સૂર્યાસ્તનું પેઇન્ટિંગ !’ મારો અવાજ મારા કાન માં પડઘા દેવા લાગ્યો

‘ જે બેઠકરૂમમાં હતું તેને શું છે એનું’

હું લગભગ એ પેઈન્ટિંગ જોવા દોડ્યો .ગડી કરીને ફ્રેમમાંથી અલગ કરેલું પેઇન્ટિંગ મેં ઉપાડ્યું. પેઇન્ટિંગ આખું ખોલીને બારીકાઈથી જોયું મારા આંખના છેડે આનંદના અશ્રુ ચમકી ઊઠ્યા

‘એવું શું છે ગજા આ પેઇન્ટિંગમાં?’

‘ જાણે છે આ કઈ જગ્યા છે!’આ મારા ઘર જયોત એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી લેવાયેલું પેઇન્ટિંગ છે. ઘડિયાળનો ૬:૩૦ નોસમય સૂર્યાસ્ત સમજવા જ રખાયો હતો.’

‘એનો મતલબ કીર્તિ ચૌધરી તારા ઘરે આવ્યા હતા અને પાંચમાં કોયડાનો અંત તારા ઘરમાં છે .એટલે કે આપણે જે કોયડાઓ શોધવા આટલી જહેમત કરી તેનો છેલ્લો જવાબ તો તારા ઘરે જ હતો .રઘલો માથું પકડીને બેસી ગયો. કીર્તિ ચૌધરી ના મગજ ને મનોમન દાદ દેતા થોડીવાર એ જ શૂન્ય મનસ્ક સ્થિતિમાં અમે બેસી રહ્યા

‘ તું જલ્દી સાધના ને ફોન લગાડ હવે જવાબ હાથવેંતમાં જ છે!

મેં મારી બોલવાની સ્ક્રિપ્ટ તૈયાર કરી. બે-ત્રણ રીંગ પછી સાધના એ ફોન ઉપાડ્યો. મેં શરૂ કર્યુ.‘સાધના હું જાણું છું કે તું મારાથી ખૂબ નારાજ છે તું ઇચ્છે છે કે હું અત્યારે ને અત્યારે અમદાવાદ પાછો આવું .હું પણ એવું જ ઈચ્છું છું .બસ એક ખાલી મારા છેલ્લા સવાલનો જવાબ આપી દે! આ છેલ્લા મહિનામાં એવી કોઈ ઘટના બની હોય જે સાવ સામાન્ય હોય

પણ તે મને ના કહી હોય. કોઈ આપણા ઘરે આવ્યું હોય, કોઈ પત્ર આવ્યો હોય. પ્લીઝ સાધના મારા માટે નહીં આપણા ભવિષ્ય માટે પણ વિચારી ને મને કહે’

થોડીક વાર સામેના છેડે શાંતિ છવાઈ ગઈ પછી તે બોલી‘હા એકાદ મહિના પહેલા એક ફોટોગ્રાફર ભાઈ આવ્યા હતા .ઉંમરમાં ખાસ્સા મોટા દાદા જેવા કંઈક સાહની એવી અટક હતી’

પછી શું થયું ? મારાથી ના રહેવાયુ

‘ ઉભા તો રહો કહું છું. પછી શું !મને વિનંતી કરી કે તમારી બાલ્કનીમાંથી સૂર્યાસ્તના બે એક ફોટા લેવા છે .આદમી દેખાવે અને બોલે એકદમ જેન્ટલમેન લાગ્યા આપણા બાજુ વાળા પડોસણ મધુબેન મારી જોડે જ હતા.એમને પણ કંઈક વાંધાજનક ના લાગ્યું એટલે મેં અંદર આવવા દીધા. બે-ત્રણ ક્લિક કરી બાલ્કનીમાં મને થેંક્યુ કહ્યું. મધુબેન આગળ સારું લાગે એટલે મેં ચા પાણીનો વિવેક કર્યો પણ એમણે ના પાડી કહેતા હતા કે એમનો ફ્લેટ તો મુંબઈમાં છે પણ દેશ-વિદેશોમાં ફરવાનું વધારે રહે છે.

‘મુંબઈમાં કયાં ? લેક વ્યુ રેસિડન્સી ! એવું કંઈ નામ આપેલ !

‘ હા એવું જ કંઈક હતું .અત્યારે યાદ નથી’

‘ બીજું કંઈ એમણે કહ્યું હતું એકદમ આવેશ સાથે હું બોલ્યો’

‘હા એવું કહેતા હતા કે, બધુ કામ પતાવી જ્યારે મુંબઈના ફલેટે જવાનું થાય ,ત્યારે લેટર બોક્ષ તો આખું ભરાઈ ગયું હોય એ દરેક ટપાલ નો જવાબ આપતા જ કલાકો થાય.’

‘લેટર બોક્ષ ! લેટર બોક્ષ !’

ફોન કાપી ને હું અને રઘલો ઇમારતની નીચે રાખેલા લેટર બોક્ષ તરફ દોડ્યા

‘રૂમ નંબર 304 નું લેટર બોક્ષ!’

સંખ્યાબંધ હરોળમાં ગોઠવાયેલા લેટર બોક્સ માં 304 નંબર વાળુ એક લેટર બોક્ષ પણ હતું .અમારી જોડે તેની ચાવી હતી નહીં અમે તેને તોડી જ નાખ્યું. તેમાં એક સિલબંધ ખાખી મોટું કવર હતું. જેની ઉપર કદાચ કિર્તી ચોધરીના જ હસ્તાક્ષરમાં લખેલું હતું-‘TO MY DEAR FRIEND BHAGAVAT’

આ કવર અમારી જીતનું હતુ. પાછલા અઠવાડિયામાં અમે કરેલા સંઘર્ષનું ઇનામ હતું .મેં નોકરી છોડીને ઉઠાવેલા જોખમનું સુખદ પરિણામ હતું.

ફ્લેટમાં જઇ અમે કવર ખોલ્યું તે કવરમાં કીર્તિ ચૌધરી ના હાથે લખાયેલી છેલ્લી બે ચોપડીઓની ઓરીજનલ પ્રતો હતી. સાથે ડાયમંડ પ્રકાશન કંપની સાથે થયેલો કરાર પણ હતો કે આ બે ચોપડીઓની તમામ રોયલ્ટી ગજેન્દ્ર ભાગવતને આપવામાં આવે .વકીલો પાસે તૈયાર કરાયેલું આ લખાણ પણ હતું કે આ ચોપડીઓ પર મારા સિવાય બીજા કોઈ દાવો ના કરી શકે.આજ ઊજવણીનો દિવસ હતો હું અને રઘલો એકબીજાને ભેટીને ખૂબ રડ્યા .મેં ઈશ્વરને અને કીર્તિ ચૌધરીને મનોમન ધન્યવાદ આપ્યા.

ઉપસંહાર:- ડાયમંડ પબ્લિકેશને આ બે ચોપડીઓની પ્રત સાથેનો ફોટો અખબારમાં મુક્યો. અખબારમાં મારો ફોટો જોઈ સાધનાનો ગુસ્સો તો શમીજ ગયો.સાથે સાથે પડોશમાં તેણે મારી પ્રશંસાના ફુલ વહેતા કરી દીધા. આ પુસ્તકોની રોયલ્ટી જ્યારે ઘરે આવતી શરૂ થઈ ,ત્યારે હું સમાજ થી માંડીને સાસરામાં સ્ટાર બની ગયો .રઘલા સાથે કરેલી શરતના ૧૦ ટકાના બદલે ૧૫ ટકા રોયલ્ટીની રકમ મેં આપી.મારી યાત્રામાં મદદ કરનાર ગરીબ દંપતી ડાહ્યાલાલ અને કપિલાબેન ને પાછળથી ત્રણ લાખ રૂપિયા આપ્યા. વાત આટલેથી અટકતી નથી મને ડાયમંડ પબ્લિકેશન તરફથી ઓફર થઈ છે:-“ કીર્તિ ચૌધરી ના કોયડા મેં કઈ રીતે ઉકેલ્યા એની નવલકથા લખવા માટે…………”

- સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED