paanch koyada 9 books and stories free download online pdf in Gujarati

પાંચ કોયડા - 9

ભાગ 9 – બીજો કોયડો

કેસેટ પુરી થઇ.સાંભળીને અમે બંને ખુબ રાજી થયા.અમને લાગ્યુ કે આ તો બહુ સહેલુ કામ છે.અમદાવાદની કોઇ પોળમાં રહેતા માણસનો પ્રિય પ્રસંગ શુ છે તે જ જાણવાનુ !સીધા તે ડાહ્યાભાઇ ને મળીશુ અને પુછી લઇશુ ! રઘલો તો એટલો ઉત્સાહમાં હતો કે બોલવા લાગ્યો-‘ આ ડાહ્યાભાઇ પ્રજાપતી નો આખો બાયોડેટા કાઢી નાખીશુ,ગજા ! પોળમાં આપણા ઘણા મિત્રો રહે છે.’

પણ એ ઉત્સાહ ઝાઝો ટકયો નહી. મોટી હવેલી ની પોળમાં રહેતા ડાહ્યાભાઇ પ્રજાપતી નુ ઘર તો શોધી કાઢયુ,પણ આજુબાજુ ના રહેવાસીઓ પાસેથી જાણ થઇ કે ડોસો મગજનો એકદમ છટકેલ છે.તેના પુત્રો તેનાથી અલગ રહે છે.તેની પાસેથી કોઇ વાત કઢાવવી તે સિંહ ના મોઢામાંથી કોળિયો કાઢવા જેવી વાત હતી.મેં રઘલાને સમજાવ્યુ કે અહીં કળથી કામ લેવુ પડશે.કળથી કામ લેવાનો ઉપાય પણ અમને મળી ગયો.મેં અને રઘલાએ એક સુંદર યોજના બનાવી.યોજના આ પ્રમાણે હતી-‘ અમારે બંનેએ અમારી જાતને એક વર્તમાનપત્ર ના રિર્પોટર તરીકે જાહેર કરવાની હતી.અમે પોળકલ્ચર પર એક આર્ટીકલ લખવા જઇ રહ્યા હતા અને તે માટે અમારે પોળમાં રહેતા ઉંમરલાયક માણસોના ઇન્ટરવ્યુ લેવાના હતા.’ રઘલાની ઓફીસે પહોંચી અમે આ નાટક માટેનો સામાન એકઠો કર્યો.પ્રેસ રિપોર્ટરો વાપરે એ પ્રમાણેનુ આઇડેન્ટીટી કાર્ડ તૈયાર કર્યુ.અમદાવાદના જાણીતા વર્તમાન પત્ર દિવ્યભાસ્કર નુ નામ ઉપયોગમાં લેવાનુ અમે વિચાર્યુ.એક માઇક નો સેટ ભાડે લઇ તેને દિવ્યભાસ્કર ના નામના સ્ટીકર ચોંટાડયા.વાસ્તવિકતા લાગે અને લોકો પર આબેહુબ અસર થાય તે માટે રઘલો એક મુવી કેમેરો લઇ આવ્યો.અમે બંને એ પ્રશ્ર્નોની પ્રશ્ર્નાવલી તૈયાર કરી.રઘલાએ સલાહ આપી કે આપણે સીધા ડાહ્યાભાઇ પ્રજાપતી ને ત્યાં જવા કરતા પોળમાં એક હવા પેદા કરીશુ કે અમે આ વર્તમાનપત્ર તરફથી આવ્યા છીએ અને પોળમાં વર્ષોથી રહેતા લોકોના ઇન્ટરવ્યુ લેવાના છીએ.તે માટે સીધા ડાહ્યાભાઇ નો ઇન્ટરવ્યુ લેવા કરતા તેજ પોળ ના બીજા વયોવૃદ્ધ નો ઇન્ટરવ્યુ લેવા,ત્યાં સુધીમાં પોળમાં બધાને જાણ થઇ જાય.ડાહ્યાભાઇ પાસે છેલ્લે જવુ એટલે તે સારો પ્રતિસાદ આપે.રઘલાની વાત મને પણ શીરાની જેમ ગળે ઉતરી ગઇ.અમે એક-બે રિર્હસલ પણ કરી જોયા જેથી સાચુકલો પત્રકાર આવ્યો છે તેવુ જ લાગે.પત્રકાર ના રૂપમાં હું આબેહુબ ઉપસી આવ્યો.પછી અમે એક સફેદ પ્રેસ લખેલી ગાડી લઇને મોટી હવેલી ની પોળે પહોંચ્યા.

આયોજન મુજબ કામ થઇ રહ્યુ હતુ.વાતાવરણમાં એવી જ રંગત આવી ગઇ હતી જેની અપેક્ષા હતી.દિવ્યભાસ્કર માં પોતાના વિશે લેખ આવવાનો છે તેવુ જાણી લોકો હોંશેહોંશે તૈયાર થઇ ગયા.દરેક જગ્યાએ જઇ જે પણ ફેમિલી મેમ્બર હાજર હતા તે તમામ ના અમે તે ઘરના વડીલ વ્યકિત સાથે ફોટોગ્રાફ પણ લીધા.બધાને એવી ખાતરી પણ આપી કે આ ફોટોગ્રાફ ભાસ્કરમાં છપાશે.સાંજ સુધીમાં અમે આવા ચારેક ઇન્ટરવ્યુ લઇ લીધા હતા.ચોથો ઇન્ટરવ્યુ તો બિલકુલ ડાહ્યાભાઇ ના ઘરની સામે જ ગોઠવયો કે જેથી ડાહ્યાભાઇ ના ઘર્મપત્ની તેને નિહાળી શકે.બરાબર ચાર ઇન્ટરવ્યુ પત્યા પછી અમે ડાહ્યાભાઇ ના ઘરે ગયા. મેં માસ્ટર સ્ટ્રોક મારતા તેમના પત્નીને કહ્યુ-“ કાકી ! અમે ખુબ ખુશ છીએ.આખરે અમને એવા કપલનો ઇન્ટરવ્યુ લેવા મળશે કે જે છેલ્લા ૪૦ વર્ષોથી પોતાનુ જીવન પોળમાં ગાળી રહ્યા છે.તમારા લોકો પાસેથી અમને ઘણી ચટપટી વાતો જાણવા મળશે.”

ડાહ્યાભાઇ ના પત્ની શ્રીમતી કપિલાબેને અમને સુંદર આવકાર આપ્યો.ડાહ્યાભાઇ ઘરમાં ખખડધજ લાકડાની ખુરશીમાં બેસી આ બધુ નિહાળી રહ્યા હતા.એ વ્યકિત ને જોઇને એવુ લાગતુ હતુ કે તેનુ નામ જ ફક્ત ડાહ્યાભાઇ હતુ.રઘલાએ થોડી સલુકાઇ વાપરી તેમને કહ્યુ-“ અંકલ ! જરા ફેસ હસતો રાખજો.આ વિડિઓમાં તમારો હસતો ચહેરો બધાને ખુબ જોવો ગમશે.”

“ ફરીવાર મારા ચહેરા વિશે વાત કરી છે ને તો આ તારો કેમેરો ઉંચકીને ફેંકી દઇશ.પહેલા તારો ચહેરો જો

અરીસામાં !તારી ભરતી કઇ રીતે કરી આ છાપાવાળાઓએ” મેં માંડ હસવુ રોકયુ.અને રઘલાને આંખથી જ ચુપ રહેવાનો ઇશારો કર્યો.

“ તો કાકા, તમે ચાલીશ વર્ષોથી પોળમાં રહો છો.તેવુ તમારા પાડોશીએ કહ્યુ.તમે આ પોળની લાઇફ ને માણી છે.સમજી છે.તમારા જીવનના એવા ઘણા પ્રસંગો હશે જે તમે અમારી સાથે વહેંચી શકો.” મેં પુરી પત્રકારની અદાથી સવાલ પુંછયો.

“ શુ ઘુળ વહેંચુ તમારી જોડે ! મારા પિતા એ મને અને કપિલાને પહેરેલ કપડે કાઢી મુકેલા ગામમાંથી.ગામનુ મોટુ ઘર અને વારસો છોડીને અહીં રહેવા આવવુ પડયુ ભાડાના મકાનમાં !”

“ એટલે આ મકાન ભાડાનુ છે ?” – મેં થોડે દુર બેસેલ કપિલાબેન ને પ્રશ્ર્ન પુછયો.

“ ના,ના ! ભાડાનુ નથી.અમારું પોતાનુ જ છે.એટલા વર્ષો પહેલા જયારે રહેવા આવ્યા ત્યારે આ મકાનમાં ભાડે રહેતા હતા.પાછળથી મકાન-માલીક પાસે થી આજ ઘર અમે ખરીદી લીધુ” કપિલાબેને હસતા જવાબ આપ્યો.

“ તો તો તમારે એ વખતે ઘણો સંઘર્ષ કરવો પડયો હશે,નહિ કાકા ?” મેં મારા અવાજમાં પુરી લાગણી દર્શાવી.

“ હા,ભાઇ સંઘર્ષ તો ખાસો કરવો પડયો” આમ કહીને ડાહ્યાકાકાએ પોતાનુ જીવન વૃતાંત શરૂ કર્યુ.

ડાહ્યાકાકાનુ જીવન વૃતાંત આજની સિરિયલો કરતા પણ લાંબુ ચાલ્યુ.તેમણે પોતાના શાળા કક્ષાના પ્રસંગોથી શરૂઆત કરી અને બે કલાક બાદ હજી તેઓ પોતાના પહેલા છોકરાના જન્મ સુધી જ પહોંચ્યા હતા ! કપિલાબેને બે એક વાર ચા પણ પીવડાવી પણ રઘલાના બગાસા વધતા જ ગયા.દરેક પ્રસંગ ને મેં શરૂઆતમાં તો શાંતિથી સાંભળ્યા.કારણ આમાંથી જ એક પ્રસંગ મારુ ભાગ્ય બદલી શકે એમ હતા.પણ મારો કંટાળો વધતો જ ગયો.તેમના દરેક પ્રસંગ ની નોંધ મેં ડાયરીમાં ટપકાવાનુ ચાલુ કર્યુ.બે કલાક જેટલો સમય વીતવા છતા હજી સુધી એવો કોઇ બનાવ મારા સાંભળવામાં આવ્યો નહી કે જેનાથી કિર્તી ચૌધરીનો કોયડો ઉકેલી શકાય.પણ નિષ્ફળતાનો ડર મને વારંવાર કહેતો -

“ભાગવત કોન્સટ્રેટ ! યુ હેવ નો મોર ચોઇસ”

હા,સાચેજ મારી પાસે ચોઇસ નહોતી.તેથી દરેક પ્રસંગનો હું હાસ્યથી,આશ્ર્ચર્યથી પ્રત્યુતર આપતો.કોઇ પણ વૃદ્ધની જીવન કથની સાંભળવી તે સાચેજ અશકય કામ છે.ડાહ્યાભાઇએ દરેક પ્રસંગ ને પોતાની પ્રશંસા નુ સ્વરૂપ આપી દીધુ.હદ તો ત્યારે થઇ તેમના છોકરાની સ્કુલને ફી માંગનાર શાળાના શિક્ષકો અને આચાર્ય ને તેમણે કઇ રીતે ધમકાવ્યા હતાં.તેનુ વર્ણન પણ પુરતી ભાષાકીય સમૃદ્ધી (ગાળ) સાથે કર્યુ.આખરે મેં મગજ ને થોડો આરામ આપવા તેમને કહ્યુ.

“ કાકા,તમને વાંધો ના હોય તો હું જરા ટોઇલેટ જઇને આવુ”

“ હા,હા જાઓ મારે કયાં ઉતાવળ છે?” ડાહ્યાભાઇ બોલ્યા.

“ ડોસા ! મારે ઉતાવળ છે.મારી પાસે તેર જ દિવસ છે” આ વાકય હું મનમાં જ બોલી શકયો.ટોઇલેટમાં મે મનોમન મારા બધા ભગવાન,કુળદેવી ને યાદ કર્યા.ઇશ્ર્વર ને પણ શકય તેટલી લાલચો આપી.મમ્મી ની જે પ્રકારની બાધાઓ મને પહેલા રમુજી લાગતી તેવી જ બાધાઓ બીજા કોયડાએ મારી પાસે લેવડાવી.અને ખરેખર જાદુઇ અસર થઇ.

ટોઇલેટ માંથી નીકળીને હું મારી ખુરશી પર ગોઠવાયો.ત્યાં જ કપિલાબેન બોલ્યા.-“ અલ્યા,પેલી વાત તો તમે કરી જ નહી?” આટલુ બોલતા તે ખડખડાટ કંઇ યાદ કરીને હસવાં લાગ્યા.

“હા,એ વાત !” ડાહ્યાકાકા પણ મોટેથી હસવા લાગ્યા.પહેલી વાર એ ડોસાના ચહેરા પર મેં હાસ્ય જોયુ.

“ એ વાત તો કરવાની જ રહી ગઇ” ડાહ્યાકાકા અને કપિલાબેનની નજરો ફરી મળી અને બંને ફરીથી હસવા લાગ્યા.રઘલાની અંદર પહેલી વાર ઉત્સાહ નો સંચાર થયો.મારી અંદર પણ.

“ કઇ વાત છે કાકા,જરા અમને તો કહો ?” રઘલાએ રંગલાની અદાથી અમને પુછયું.

“ વાત એમ તો કંઇ ખાસ નથી.પણ અમારા જેવા માણસો માટે તો ખાસ જ કહેવાય.” ડાહ્યાકાકાએ મારી જેમ જ પોતાના ચશ્માને ઠીક કર્યા.અને બોલવાનુ શરૂ કર્યુ.

“ ભાઇ,આ શહેરમાં આવ્યાને તો ઘણો સમય થઇ ગયો હતો.પણ હું કે તારા કાકી કયાંય બહાર નીકળતા નહીં.કારણ શુ હોય? કાયમ પૈસાની રામાયણ ! એ વખતે તો બાર સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતી ! એમાં વળી મોજમજા કેવી હોય ! અમારા એ સમયમાં નાટકોનો દબદબો હતો.એ નાટકમાં તો ચકકાર ભીડ હોય જોવા માટે ! ટિકીટો પણ ખાસી મોંધી.એ વખતે ટાઉનહોલમાં નાટક ચાલતુ હતુ- ‘ નસીબની માયાજાળ’ બરાબરને ?” ખોંખારા ખાતા ડાહ્યાકાકાએ કપિલાબેન ને પુછયું.

“ એ તે કંઇ ભુલાતુ હશે ? બધી નસીબની તો માયાજાળ છે.આપણી જોડે પણ એવુ જ બન્યુ હતુ ને ?”

******************ક્રમશ : *************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED