Paanch Koyda - 1 books and stories free download online pdf in Gujarati

પાંચ કોયડા - 1

પાંચ કોયડા

(હાસ્યમય રહસ્યકથા)

ભાગ 1. ટોર્ચર રૂમ

ભાગવત ! ભાગવાનો સમય આવી ગયો છે મોટા લહેકાથી નિલીમા એ મારા ટેબલ આગળ આવીને કહ્યુ.

નિલીમાનો આ લહેકો નજીકના ચાર પાંચ ટેબલ સુધી પણ સંભળાયો, અને ફરી એ ના ગમતા અટ્ટહાસ્યનો અવાજ. દિલીપ તો જાણે આ પ્રસંગ ની જ રાહ જોઇ રહ્યો હોય એમ કુદીને મારા ટેબલ નજીક આવ્યો.

હે નિલીમા ! અંદર માથુર સાથે પંડિત પણ છે ?

દિલીપે આ બોલતા તેના બંને હાથ મારા ખભા પર ટેક્વી દીધા.

પંડિત તો હોય જ ને!

તો તો ભાગવત જોવા જેવી થશે નહિ ! ફરીથી પાછા એ અટ્ટહાસ્યો નો અવાજ.

એય, દિલીપ ! પંડિત ને કોઇને પાણીચુ આપવાનુ હોય તો કઇ રીતે કહે છે? નિલીમા બોલી.

અત્યારના સંજોગો જોતા,ભાગવત તમે આ કંપનીના માળખામાં ફીટ બેસતા નથી. આશા રાખુ છુ કે તમે નવી જોબ જલ્દી શોધી લેશો. બાકી ! કોઇને પણ કાઢવા એ મારો સ્વભાવ નથી. કેવુ રહ્યુ નિલીમા ? દિલીપ બોલ્યો.

પરફેકટ બોસ !

મેં મારી ચશ્માની દાંડી સરખી કરી. ફાઇલો ને મજબુતીથી પકડી મારી કુચ શરૂ કરી. હું ગજેન્દ્ર ભાગવત મારી જાતને અગ્નિકુંડ માં હોમવા જઇ રહ્યો હતો. મારા ટેબલ થી બસ ત્રીસ ડગલા દુર એ સેલ્સ કેબિન હતી. મહિનાના આગળ ના દિવસોમાં તે અનેક અર્જુનોને પોતાના લક્ષ્યો બતાવતી અને આખરના દિવસોમાં તે હિટલરની ગેસ ચેમ્બર બની જતી. અને આ ગેસ ચેમ્બર ના સર્વશતાધીશ તરીકે પસંદગી થઇ હતી પંડિતની. પંડિતને ખાસ મુંબઇથી અમદાવાદનુ સેલ્સ સુધારવા મોકલવામાં આવ્યો હતો. મારાથી તે દસેક વર્ષ નાનો હશે પણ તે તમામ પ્રકારના માનસિક ટોર્ચર નો ઉસ્તાદ હતો. તે ધારે તે વાતમાં લોકોને હા પડાવી શકતો અને ધારે ત્યારે ના. યોગ્ય એમપ્લોઇ ની પીઠ થાબડવાનુ તે ચુકતો નહી,અને એ જ એમપ્લોઇનુ બીજા મહિનાનુ સેલ્સ બગડે તો ભાષામાં ગાળો પણ સારી પેઠે વાપરતો. કદાચ પોતાના બાળકોના નામ તે ભુલી જાય પણ સેલ્સ ના બધા આંકડા તેને યાદ રહેતા. પંડિત કરતા એક જ બાબતે હું આગળ હતો. ના અનુભવ બાબતે નહી. વાળ બાબતે ! પંડિતના માથાના અડધા ભાગ સુધી ટાલ પડેલી હતી અને હું હજી પણ ઘટ્ટ કાળા વાળનો માલીક છું. રખે એવુ માનવાની ભુલ કરતા કે હું દેખાવડો છું. હું ઓમપુરી ને જ મારો રોલમોડેલ માનવાનુ પસંદ કરુ છું. કોલેજ કાળમાં મારી પાસે સુંદર છોકરી સાથે એક જ યાદગાર ઘટના છે. પરીક્ષામાં આગળ ની બેંચે બેસેલી છોકરીનો પડેલો હાથરૂમાલ મેં પાછો આપેલો અને તેણે હસીને થેન્ક યુ કહેલુ. હા ઘણા લોકો એક થેન્ક યુ માં આખી જિંદગી કાઢી નાખતા હોય છે.

મે આઇ કમ ઇન સર? ફુલ એ. સી ચેમ્બર નુ અડધુ બારણુ ખોલી મેં વિવેક કર્યો.

હા! હા વેલકમ મિ. ભાગવત ! તમારી જ રાહ જોવાઇ છે પંડિત બોલ્યો.

અંદર ની કેબિનમાં માથુર તેમની કાયમી સીટ પર બેઠેલા હતા. માથુર હું આ કંપનીમાં આવ્યો ત્યારથી અમારા સિનિયર હતા. ઘણી વખત કંપનીમાં થી મળતી ઉંચી પોસ્ટ ની ઓફર તેમણે નકારી કાઢી હતી. પહેલાથી તે એકસરખા વાતાવરણ માં કામ કરવા ટેવાયેલા. કંપનીના શરૂઆતના વર્ષો માં તે લાગેલા,તેથી કંપનીમાં માન ઘણુ હતુ. મારા જેવા એમપ્લોઇ ની તે કાયમ ફેવર કરતા. હવે કંપનીની નવી સ્ટ્રેટેજી અને પંડિત જેવા લોકો સાથે તેમને પણ કામ કરવુ ગમતુ નહિ. મેં આંખથી જ તેમને મદદ કરવાનો ઇશારો કર્યો.

મારા પર એક તૃચ્છ નજર નાખીને પંડિત માર્કર બોર્ડ આગળ ગયો. બોર્ડ પર્‍ તેણે ત્રણ ખાના પાડયા. પહેલા ખાનામાં મન્થ, બીજા ખાનામાં કંપનીનુ એવરેજ સેલ અને ત્રીજા ખાનામાં ભાગવત સેલ લખ્યું. ભાગવત સેલ પર એક ગોળ રાઉન્ડ કર્યુ. મને તે રાઉન્ડ ફાંસીના ફંદા બરાબર લાગ્યુ.

તો ભાગવત તમને ખ્યાલ છે ? આપણી કંપનીનુ અમદાવાદ બ્રાન્ચનુ નવેમ્બર મહિનાનુ એવરેજ સેલ શુ હતુ?પ્રેશર નો પહેલો રાઉન્ડ શરૂ થઇ ગયો હતો.

સર ! એ લગભગ સવા બે લાખ આસપાસ હશે.

લગભગ ભાગવત ! લગભગ શબ્દ મેં વાપર્યો હોત તો હું આ પોસ્ટ પર ના હોત. મને એલર્જી છે લગભગ, કદાચ જેવા શબ્દો થી. આઇ નીડ એકઝેટલી કેટલો હતો.

મનમાં તો થયુ હવે તો સરકાર પણ નવેમ્બર મહિનાનો સીલેબસ માર્ચ મહિનામાં પુછતા નથી. વિદ્યાથીઓ જેટલી દયા મારા પર ના બતાવી શકાય! મેં બને એટલો નિર્દોષ બનવાનો ડોળ કર્યો,પણ પંડિત એકપણ તક ગુમાવવા નહોતો માંગતો.

જોયુ માથુર,શ્રીમાન ને ફકત પાંચ મહિના પહેલાના સેલ્સ વિશે ખ્યાલ નથી. આમ બબડતા તેણે એવરેજ સેલ વાળા ખાનામાં ૨,૮૩,૦૦૦ લખ્યા. બાજુના ખાનામાં લખતા પહેલા મારી સામે એક તિચ્છી નજર કરી અને ત્યાં લખ્યુ, ૧,૧૨,૦૦૦. તો આ ભાગવત તમારુ સેલ હતુ-૧,૧૨,૦૦૦. એવરેજ સેલ થી ફકત ૧,૭૧,૦૦૦ જ ઓછુ. કોઇ કારણ છે તમારી પાસે ?

સર, નવેમ્બર મહિનામાં મારા મધર ની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા એ અઠવાડિયુ તો હું રજા પર હતો.

ઓકે ,અઠવાડિયુ રજા પર આમ બોલતા તેણે એક ચોથુ ખાનુ પાડી તેમાં મારા સેલની સામે બરાબર લખ્યા.

તો હુ ડિસેમ્બર મહિનાના સેલ્સ પર આવુ અને સોરી ભાગવત ! ડિસેમ્બર મહિનાના આંકડા તને પુછવાની તસ્દી નથી લેતો.

કાશ હુ બોસ હોત! અને આળસ મરડતા બોલી શકત, વાંધો નહિ, તમતમારે આગળ વધો. પણ મેં મોં પર બને એટલી શરમ બતાવવાનો પ્રયત્ન કર્યો.

પંડિતે ડિસેમ્બર ના ખાનામાં લખ્યુ. ૨,૨૪,૦૦૦ અને મારા ખાનામાં લખ્યુ-૧,૪૦,૦૦૦. સિંહ પોતાના શિકાર ને ઘુરકીને જ તેની સારી શકિત હણી લે છે,આજે એ શિકાર હું હતો.

તો,ભાગવત ! આ સેલ ઘટવાનુ કોઇ યોગ્ય ! ખરેખર યોગ્ય ! કારણ છે તારી પાસે

સર, એ મહિને મારા પુત્ર ને કમળો થઇ ગયો હતો. એ દોડ-ધામમાં હું સેલ્સ પર ધ્યાન નહોતો આપી શકયો. મેં ત્રણ દિવસની રજા પણ લીધેલી છે.

હા હું પોતે એના પુત્ર ની ખબર કાઢવા ગયો છું માથુરે સંમતિ પુરાવી.

માથુર ભાગવત ની સાત દિવસ ની નવેમ્બર મહિનાની રજા બાદ કરવામાં આવે અને બાકીના ૨૩ દિવસો ને પણ એવરેજ સેલથી ભાગવામાં આવે આમ બોલતા તેણે કેલ્ક્યુલેટર પર્‍ ઝડપથી અમુક આંકડા લખીને તારણ આપ્યુ.

એવરેજ સેલ ૨, ૧૬, ૯૬૬ આવે છે. જે આંકડો પણ તમારા પ્રિય ભાગવત ના નવેમ્બર ના સેલ ૧,૧૨,૦૦૦ થી ઘણો ઓછો છે.

અને ભાગવત ! જાન્યુઆરી અને ફ્રેબુઆરી મહિનામાં પણ તમારા કોઇ સગા બિમાર થયા છે કે ગુજરી ગયા હતા ?

ના સર, આ બે મહિના તો બધા દિવસ હું હાજર હતો. હું બોલ્યો.

તો તો તમે જાણતા જ હશો કે આ બે મહિનામાં તમે ફકત ૩,૨૫,૦૦૦ નુ વેચાણ કર્યુ છે. પંડિતે ફરી આંકડાની માયાજાળ રચી. અને તમારા મિત્ર નો રેકોર્ડ છે. માથુર છેલ્લા નવ મહિનાથી સતત તેમનુ સેલ કંપનીમાં સૌથી નબળુ રહ્યુ છે. અને એ પણ એટલુ નબળુ કે કંપનીમાં હમણા જ ભરતી થયેલા છોકરાઓ કરતા પણ ઓછુ છે.

પંડિત ઘણી વાર સેલ્સ પર્સનના જીવનમાં એવો સમય આવી જાય છે કે તેનુ સેલ્સ નબળુ લાગે પણ મને ખ્યાલ છે કે ભાગવત માં હજી ઘણો પોટેન્સિયલ છે હાશ માથુર મારા તરફથી બોલ્યા.

હા,સર આ વખતે હું મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ મેં તરત જ આગળ અનુસંધાન બાંધ્યુ.

પ્રયત્નો નહી પરિણામ ભાગવત પરિણામ. માર્ચ મહિનો આપણી કંપની માટે કેટલો અગત્યનો છે, તુ જાણે છે મારા ઉપર પર કંપનીનુ પ્રેશર છે

માર્ચ મહિનાનો ટારગેટ તો તને ખબર જ હશે ને પંડિતે ફરી એક વેધક નજરે મને પ્રશ્ન પુછયો.

૪,૦૦,૦૦૦ સર

ઓકે તમને ખબર છે. તો હમણા જ સ્ટોકીસ્ટ ના આંકડા પરથી અત્યાર સુધીનુ તારુ સેલ છે,ફકત ૧,૨૨,૦૦૦ . પંદર દિવસ વીતી ગયા છે. બાકીના પંદર દિવસમાં તુ આ ૪,૦૦,૦૦૦ નો ટારગેટ મેળવી લઇશ ને ભાગવત પંડિત બોલ્યો.

ખરેખર તો મને અંદરથી પરસેવો છુટી ગયો હતો. છતાં હું બોલ્યો- હું ચોકકસ કરીશ

જોઇએ આમ બોલીને તે મારી ખુરશી આગળ આવ્યો એક હાથ મારા ખભા પર મુકી બોલ્યો.

ભાગવત ! નજર ધ્યેય સામે રાખો તો કંઇપણ અઘરુ નથી. મેં તો આવા ઘણા ટારગેટ પુરા કર્યા છે. તુ એ વિચાર કે ફકત માર્ચ મહિનાનો પણ ટારગેટ તુ મેળવી લઇશ તો માર્ચ મહિનાના અંતે યોજાતી કંપનીની પાર્ટીમાં કદાચ તને ગોવાની ટીપ ની ટિકીટો મળે. પત્ની સાથે રહેવાનુ-ખાવાનુ બધુ કંપનીના ખર્ચે. અને આવી બાબતોમાં આપણી કંપની મન મુકીને પૈસા વાપરે છે. હું ઘણી વાર જઇ આવ્યો છુ. તુ એ બધા લાભ વિચાર અને વિચાર તો કર જયારે કંપનીના બેસ્ટ એમ્પ્લોઇ તરીકે તને એવોર્ડ અપાતો હોય અને બધી જગ્યાએ તાળીઓ પડતી હોય અને તારી પત્ની આ બધામાં હાજર હોય. સફળતા નશો છે,ભાગવત . બસ એક વાર આદત પડી જવી જોઇએ.

પંડિતે તેની કાયમી સ્પીચ પુરી કરી પણ મને તેમાં આશા કરતા ચિંતા વધારે અનુભવાઇ. છેલ્લા ચાર વર્ષથી સતત અમે કંપનીના આવા પ્રસંગમાં જોડાતા. દર વખતે બીજા સાથી મિત્રો એક પછી એક એવોર્ડ મેળવતા. દર એવોર્ડ વખતે હું જોરશોરથી તાળી પાડતો. પણ સાધના મારી પત્ની તાળીમાં સાથ તો પુરાવતી પણ જાણે કહેતી ના હોય- તમારો નંબર કયારેક આવશે કે નહિ ? અને પછીના અઠવાડિયે જેટલી દલીલો પંડિત સાથે કરવી પડતી તેટલી જ સાધના સાથે કરવી પડતી.

-ક્રમશ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED