બસ પછી તો પુછવું જ શું? મને તેની દરેક વાત સારી લાગતી. તેનું હસવું, આંખોના ઉલાળા, વાળની મોકળી લટો... બસ જોયા જ કરૂ. બસ ત્યારબાદ મારૂ કાર્ય શરૂં થયું. તેને પામવાનું કાર્ય. સાથે સાથે ડર પણ લાગતો કે તે મારી નહી થાય તો? પણ પછી એવા ખરાબ વિચારો હું મારા મનમાંથી કાઢી નાંખતો. શિક્ષકો પણ વારંવાર ટોક્યા કરતા:”ભણવામાં ધ્યાન રાખ. બીજે ધ્યાન રાખવું હોય તો વર્ગની બહાર જતા રહો.” પણ શું કરવું મને તેનું ચરસી બંધાણ થઈ ગયું હતું. વારંવાર તેની તરફ જોવાઈ જ જવાતું.
એવામાં ખબર પડી કે એક મારો મિત્ર વિરલ તેની સાથે અગાઉ અભ્યાસ કરતો હતો. તેની પુછ્પરછ ચાલુ કરી. તેના વિશે જેટલી માહિતી મળી તેટલી માહિતી મેળવી. વિરલ પાસેથી મને તેના શોખ અને મનગમતા વિષયો વિશે માહિતી મળી. બસ પછી તો શું? આપણે તો એ જ પ્રમાણે વર્તવા માંડ્યું. કોલેજમાં રોજેય પ્રાર્થના સભા હોય. તેમાં તેને ગમતો વિષય ભજન. આપણે પણ આવડે ન આવડે પણ ભજન તો ગાવાનું જ. સારુ ગવાય કે ખરાબ ગવાય તેની પરવા કર્યા વગર ગાયે જ રાખ્યુ. પણ મને એ બરાબર યાદ છે સૌથી વધુ તાળીઓ તે જ પાડતી. એ સમયે એવું અનુભવાતું કે શું તેને પણ હું ગમતો?
અંધ પ્રેમ હતો કે શું તેની મને હજુય ખબર પડી નથી. પણ પ્રેમ તો શાશ્વત જ છે. તમે જેને ચાહો તે પણ તમને ચાહે એવું જરૂરી નથી પણ આપણો પ્રેમ સાચો હોય તો આપણે ચાહ્યે જ જવાનું. ત્યારે બસ મારી ચાહ એક જ સર્વોપરી હતી. બીજું બધું ગૌણ હતું. કોલેજમાંથી દરીયાકીનારાના એક સ્થળે એક દિવસીય પ્રવાસ થયો. મારા મિત્રો જાણતા જ હતા મારા વિશે. માટે તેમણે પણ પ્રવાસની બસમાં પણ બને તેટલી નજીક તેની પાસે બેઠક મળે તેવી વ્યવસ્થા કરી. સ્લીપીંગ કોચ બસ હતી. માટે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે. તે પણ બસમાં બાજુના જ કંપાર્ટમેન્ટમાં જ હતી. તેનો અવાજ સ્પષ્ટ સાંભળી શકતો હતો. હજું સુધી તેને ખ્યાલ નહોતો કે હું તેના ગળાડુબ પ્રેમમાં છું.
દરીયાકિનારે ફરતાં-ફરતાં મારા મિત્ર રમેશના મોબાઈલમાં તેના છાની રીતે ફોટા પાડી રમેશના મોબાઈલની મેમરી પુરી કરી નાંખી. હજુય રમેશ ક્યારેક વાતો વાતોમાં એ દીવસો યાદ કરીને મને વઢતો હોય છે: “તુંય યાર ખરો છે. તારા પ્રેમ માટે મારા મોબાઈલની પથારી ફેરવી નાંખી.” અને અમે મન મુકીને હસી દેતા. બધા જ મિત્રોએ પોતપોતાની રીતે લાગવગનો ઉપયોગ કરીને એ પ્રવાસના બધાજ ફોટાની સી.ડી. મેળવી આપી. તે ફોટા મે મારા કોમ્પ્યુટરમાં કોપી કર્યા. બધાજ ફોટા મેં ધ્યાનથી જોયા અને તેમાં તે જેટલા પણ ફોટામાં હોય તે બધાજ ફોટા મેં અલગ તારવી લીધા. કોમ્પ્યુટરમાં કામ કરવાના સમયે તેના અલગ તારવેલા ફોટાનું ફોલ્ડર હંમેશા ખુલ્લું જ હોય. વારંવાર તેના ફોટા જોયા કરતો. ઘરની કોઈ વ્યક્તિ આવી જાય તો પાછું ફટાફટ બંધ પણ કરવું પડતું. વિરલ પાસેથી કોમ્પ્યુટરમાંના કેટલાક ફોલ્ડરો સંતાડવા માટેનો સોફટવેર લીધો અને તરત જ પહેલું કામ તેના ફોટા સંતાડવાનું કર્યું.
આમને આમ દીવસો પસાર થયા કરતા. મારા મિત્રો મને વારંવાર તેના તરફના મારા પ્રેમનો એકરાર કરી લેવા માટે પ્રોસ્તાહિત કરતાં. પણ મને ડર લાગતો. હું ઘણા સમય સુધી એ એકરાર ન જ કરી શક્યો. મને એમ કે તે ના માને તો? અને ના માને અને તેની સાથેની મિત્રતા પણ તુટી જાય તો મારૂં શું થાય? ફજેતો થઈ જાય મારા પ્રેમનો. પણ કુદરતને બીજું જ કંઈક મંજુર હતું.
(તે આવતા અંકે જાણીશું)