Nafratni aag ma prem nu khilyu gulaab - 25 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૫

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૫


સુરજના પ્લાન મુજબ જ બધું થઈ રહ્યું હતું. ધનસુખભાઈને એંજલની એવી હાલત જોઈને પછતાવો થઈ રહ્યો હતો.




સુરજ ધનસુખભાઈ સાથે કારમાં બેસી ગયો. ધનસુખભાઈએ કારને સંધ્યાના ઘરની બદલે બીજી તરફ વાળી દીધી. સુરજની સમજમાં કાંઈ નાં આવ્યું. ધનસુખભાઈના ચહેરાનાં હાવભાવ પણ બદલાઈ ગયાં હતાં. થોડીવાર પહેલાં જે દુઃખ અને હતાશા તેમનાં ચહેરા પર હતી. એ ગાયબ થઈ ગઈ હતી. એની જગ્યાએ એક રહસ્યમયી હાસ્ય તેમનાં ચહેરા પર રમી રહ્યું હતું.

આશરે અડધી કલાકનાં સમય બાદ ધનસુખભાઈએ એક આલિશાન બંગલાની સામે કાર રોકી. અદ્ભુત કોતરણી ધરાવતો એ બંગલો કોઈ હવેલી જેવો લાગતો હતો. પણ તેમાં એક મુખ્ય દરવાજા સિવાય કોઈ નાનીસૂની બારી પણ નહોતી. બંગલાનું એવી રીતે કામકાજ કરવામાં આવ્યું હતું કે, કોઈ મુખ્ય દરવાજા સિવાય અંદરની એક વસ્તુ પણ નાં જોઈ શકે.

"અંદર ચાલ." ધનસુખભાઈએ કારમાંથી ઉતરીને સુરજ જે તરફ બેઠો હતો. એ દરવાજો ખોલીને તેને બંગલાની અંદર આવવાં કહ્યું.

સુરજ નીચે ઉતરીને ધનસુખભાઈની પાછળ પાછળ ચાલવા લાગ્યો. બંગલાની અંદર પ્રવેશતાં જ સુરજ અચંબિત રહી ગયો.

કેટલાંય મોટાં મોટાં ખોખાં, કામદારો અને હજારોની સંખ્યામાં ડ્રગ્સની કોથળી!! જે ત્યાં કામ કરતાં લોકો ખોખાંની અંદર ભરી રહ્યાં હતાં.

"મને અહીં લાવવાનું કારણ??" સુરજે ગંભીર ચહેરે ધનસુખભાઈ સામે જોઈને પૂછ્યું.

"તને શું લાગ્યું?? વર્ષો જૂનો ખેલ, મારી બદલાની આગ, ઉર્મિલાની મોત, એ બધું હું એટલી આસાનીથી ભૂલી જઈશ એમ??" ધનસુખભાઈ આરામથી લાકડાની કોતરણીવાળા સોફામાં બેસીને, હાથમાં દારૂનો ગ્લાસ લઈને બોલ્યાં.

"આ મારાં સવાલનો જવાબ નથી." સુરજ ગુસ્સે થઈને બોલ્યો.

"મેં તારી વાત માની લીધી. મારાં ડ્રગ્સનાં ધંધાને લીધે ઘણાં જીવન બરબાદ થયાં છે. તો આજથી હું આ ધંધો છોડી દઈશ. પણ બદલામાં આ ધંધો તે અને તારાં પપ્પાએ ચાલું કર્યો છે. એમ કહીને તું જેલમાં ચાલ્યો જા." ધનસુખભાઈ સસ્મિત ચહેરે બોલ્યાં.

"વાહ... વાહ...મને અને મારાં દિકરાને ફસાવવાનો સારો પ્લાન હતો. પણ સાંભળી લે Mr. DK..મને રૂપિયા કરતાં મારો સુરજ વધારે વ્હાલો છે. રહી વાત ઉર્મિલાની!! તો એ મારાં રસ્તાનો કાંટો હતી. તું કોણ છે?? કેવો છે?? આ બધું કેમ કરે છે?? એ મને પહેલેથી ખબર હતી. એટલે જ તે દિવસે ઉર્મિલાને કેદ કરવાની જગ્યાએ મેં તેને મારી નાંખી હતી." અચાનક હિતેશભાઈએ આવીને કહ્યું.

"ઓહ, તો આજ સુધી તમે લોકો મને રમાડતાં હતાં?? પણ હવે તમારો ખેલ વધું નહીં ચાલે. આજે જ્યારે તમને ખબર પડી જ ગઈ છે. તો હવે જેલમાં જવાની તૈયારી કરી લો." ધનસુખભાઈ સોફા પરથી ઉભાં થઈને બોલ્યાં.

હિતેશભાઈએ સુરજને અંગૂઠો બતાવ્યો. સુરજના મેસેજથી જ હિતેશભાઈ અહીં આવ્યાં હતાં. ધનસુખભાઈ પોતાની રમત રમી ગયાં હતાં. જેની ખુશી તેમનાં ચહેરા પર નજર આવી રહી હતી. સુરજ કોઈ વિચારોમાં ખોવાયેલો હતો.

"પપ્પા..પપ્પા..તમે મને અહીં કેમ બોલાવી??" એંજલ દોડતી દોડતી ધનસુખભાઈ પાસે આવી. તેની સાથે તેજસ હતો. એ જ તેને અહીં લાવ્યો હતો.

એંજલને ત્યાં જોઈને ધનસુખભાઈ ફરી ચિંતામાં મૂકાઈ ગયાં. તેમનાં ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ. એંજલ બંગલો અને અંદરની વસ્તુઓને નિહાળવા લાગી.

"પપ્પા, આ બોક્સ શેનાં છે??" એંજલે ધનસુખભાઈનો હાથ ખેંચી તેમનાં ચહેરા નજીક જઈને પૂછ્યું.

ધનસુખભાઈ એંજલનો પ્રશ્ન સાંભળીને નિઃશબ્દ થઈ ગયાં. ફરી એકવાર એંજલે તેમને તેમની જીત સુધી પહોંચતાં અટકાવી દીધાં.

અમુક વખતે જાતે ન્યાય કરવાં શોધેલો રસ્તો જ્યારે આપણને ગેરમાર્ગે દોરી જાય. ત્યારે આપણી નજીકનાં લોકો જ આપણને સાચો રસ્તો બતાવે છે. આજે એવું જ કામ એંજલ કરી રહી હતી. પણ ધનસુખભાઈ આ બાબત સમજી નહોતાં શકતાં.

"હવે જવાબ આપો‌‌ તમારી લાડકી દીકરીને!! આ બોક્સ અંગે શું જાણકારી આપશો??" સુરજ ધનસુખભાઈ સામે જોઈને બોલ્યો.

એંજલ જવાબ નાં મળતાં એ બોક્સ તરફ જવા લાગી. ધનસુખભાઈએ તરત જ તેને પકડીને રોકી લીધી. પણ એંજલ એ બોક્સ જોવાં માટે જીદ્દ કરવા લાગી. ધનસુખભાઈથી આ બધું સહન કરવું મુશ્કેલ બનતું જતું હતું.

ધનસુખભાઈ તરત જ એંજલનો હાથ પકડી તેને બહાર લઈ ગયાં. બહાર જઈને એંજલને કારમાં બેસાડી. તેમને કારને પૂરપાટ વેગે પોતાનાં ઘર તરફ હંકારી મૂકી.

આ તરફ હિતેશભાઈ સુરજને ભેટીને રડવા લાગ્યા. આજે તેમને તેમની બધી ભૂલો સ્વીકાર્ય હતી. સુરજ પણ ખુશ હતો. પણ આગળ હજું ઘણું થવાનું બાકી હતું. એક કડી તૂટી હતી. પણ મેઈન કડી તોડવાની બાકી હતી.

અમુક વસ્તુઓ બનાવવી અઘરી હોય છે. પણ તોડવી આસાન હોય છે. પણ અહીં આ ધંધાની શરૂઆત આસાનીથી થઈ ગઈ હતી. પણ તેને જડમૂળથી નાબૂદ કરવો અઘરું કામ હતું.

સુરજ કંઈક વિચારીને તરત જ બહાર નીકળી, ઓટો રિક્ષા કરીને રવાનાં થઈ ગયો. થોડીવારમાં ઓટો રિક્ષા મોહનભાઈની ઓફિસ સામે આવીને ઉભી રહી ગઈ. સુરજ ઓટો રિક્ષામાંથી નીચે ઉતરીને, પૈસા ચૂકવીને ઓફિસ તરફ જવાની સીડીઓ ચડવા લાગ્યો.

"કામ થઈ ગયું??" સુરજે મોહનભાઈની ઓફિસનો દરવાજો ખોલ્યો. એવું જ તરત મોહનભાઈએ પૂછ્યું.

સુરજે જે બન્યું. એ બધું મોહનભાઈને જણાવ્યું. મોહનભાઈ હતાશ થવાની જગ્યાએ ખુશ થઈ ગયાં.

"અંકલ, તમે ખુશ કેમ થાવ છો?? આપણો પ્લાન પૂરો સફળ નથી થયો." સુરજે મોહનભાઈને ખુશ જોઈને સવાલ કર્યો.

"માન્યું કે, આપણો પ્લાન પૂરો સફળ નથી થયો. પણ હવે આગળનો પ્લાન ધનસુખ ખુદ જ અમલમાં મૂકી દેશે." મોહનભાઈ પોતાની ખુરશી પરથી ઉભાં થઈને બારી બહાર એક નજર કરીને બોલ્યાં.

"મતલબ?? હું સમજ્યો નહીં."

"બસ થોડીવાર રાહ જો. તને બધું સમજાઈ જાશે."

સુરજ આગળ કાંઈ બોલે. એ પહેલાં જ મોહનભાઈની ઓફિસનો દરવાજો ખૂલ્યો. સુરજે પાછળ ફરીને જોયું. સામે ધનસુખભાઈ ઉભાં હતાં. સુરજ ધનસુખભાઈને ત્યાં જોઈને ચોંકી ગયો.

"આવ, તારી જ રાહ જોતો હતો." મોહનભાઈ જાણે પહેલેથી જ બધું જાણતાં હોય. એમ નરમાશથી બોલ્યાં.

ધનસુખભાઈ તરત જઈને મોહનભાઈને ભેટીને રડવા લાગ્યા. મોહનભાઈ તેમને સાંત્વના આપવા તેમની પીઠ પસવારતા હતાં. સુરજ આ દ્રશ્ય જોઈને આભો બની ગયો.

ધનસુખભાઈના શાંત થતાં જ મોહનભાઈએ કોઈકને કોલ કરીને તેમની ઓફિસે બોલાવ્યાં. કોલ કર્યા બાદ તેમણે ધનસુખભાઈને પાણીનો ગ્લાસ આપ્યો. ધનસુખભાઈ પાણી પીને ખુરશી પર બેઠાં. થોડીવાર થઈ ત્યાં જ ફરી ઓફિસનો દરવાજો ખૂલ્યો. આ વખતે સુરજના પપ્પા હિતેશભાઈ હતાં. સુરજને એક પછી એક ઝટકા લાગી રહ્યાં હતાં. જે પ્લાનની શરૂઆત તેણે કરી. એમાં હવે મોહનભાઈ ખુદ આગળ વધી રહ્યાં હતાં.

"હવે આને હકીકત જણાવવાનો સમય આવી ગયો છે." મોહનભાઈ હિતેશભાઈ તરફ નજર કરીને બોલ્યાં.

હિતેશભાઈએ આંખના ઈશારે જ મૂક સહમતી આપી. જાણે તેમને ખબર હતી કે, મોહનભાઈ કંઈ હકીકતની વાત કરતાં હતાં.

"તમે કંઈ હકીકતની વાત કરો છો?? મારાં પપ્પા એવું તો શું જાણે છે??" સુરજથી આ ગુંચવણ નાં ઉકેલાતાં તેણે પોતાની ધીરજ ગુમાવીને પોતાનો સવાલ પૂછી જ લીધો.

"બેટા, હજું એક એવું રાઝ છે. જે મેં પણ તારાથી છુપાવ્યું છે. આજે એ રાઝ ખુલશે‌. તો બધું સરખું થઈ જાશે." હિતેશભાઈએ સુરજના ખંભે હાથ મૂકીને કહ્યું.

સુરજ રાઝ શબ્દ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તે તરત મોહનભાઈ સામે જોવાં લાગ્યો. મોહનભાઈએ ડોકું ધુણાવીને સુરજને હાં પાડી. મોહનભાઈની એવી હરકતથી સુરજ સમજી ગયો કે, તે પણ આ રાઝ વિશે જાણતાં હતાં.




(ક્રમશઃ)



આખરે કયું એવું રાઝ હતું?? જેનાં ખુલતાં બધું સરખું થઈ જવાનું હતું. એવી કંઈ હકીકત હતી?? જે મોહનભાઈ અને હિતેશભાઈ બંને જાણતા હતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED