નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૪ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૪

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૪
સુરજે મોહનભાઈને એંજલ વિશે જણાવ્યું. મોહનભાઈના ગયાં પછી સુરજે એંજલને ધનસુખભાઈ વિશે કેવી રીતે જણાવવું? એ અંગે પ્લાન બનાવવાનું શરૂ કર્યું.

સુરજ તેજસ સાથે એંજલની ઘરે આવ્યો હતો. તેજસે દરવાજો ખખડાવ્યો. શારદા દરવાજો ખોલવા આવી. તેજસની સાથે સુરજને જોઈને શારદા તેની સામે વિસ્મયતાથી જોવાં લાગી.

"આ કોણ છે??" સુરજ સામે જોઈને શારદાએ તેજસને પૂછ્યું.

"આ મારો મિત્ર છે. આ બાળકોને ડાન્સ શીખવાડે છે. એંજલની સ્કુલમાં હમણાં વાર્ષિક મહોત્સવ છે. તો હું આને એંજલને ડાન્સ શીખવાડવા માટે મારી સાથે લાવ્યો છું." તેજસે સુરજ અંગે ખોટી માહિતી આપતાં કહ્યું.

"આ આજે ઘરની અંદર નહીં આવી શકે. મારે આ અંગે પહેલાં સાહેબને વાત કરવી પડશે." શારદાએ કડક શબ્દોમાં કહી દીધું.

"અરે પણ, આ આજે સાંજે તો લંડન જતો રહેવાનો છે. તો આજે એક દિવસ જ એંજલ પાસે છે. ડાન્સ શીખવા માટે!!"

"ઠીક છે, પણ હું આના પર નજર રાખીશ. સાહેબે એંજલને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મળવાની નાં પાડી છે."

"ઓકે."

આખરે શારદા માની જ ગઈ. સુરજ અને તેજસ બંને એંજલના રૂમમાં ગયાં. શારદા સુરજ પર નજર રાખતી હોવાથી પહેલાં તેજસે એંજલને ભણાવવાનું ચાલું કર્યું. રસોઈનો સમય થતાં શારદાને કિચનમાં જવું પડ્યું. એ મોકાનો લાભ લઈને સુરજે પોતાનું કામ ચાલું કરી દીધું.

"બેટા, તારાં પપ્પા ક્યાં??" સુરજે જાણી જોઈને એંજલને તેનાં પપ્પા વિશે પૂછ્યું.

"એ ક્યારેય ઘરે રહેતાં જ નથી. ક્યારેક જ મને મળવાં આવે. મેં કેટલીવાર તેમને કહ્યું કે, તમે રોજ મારી સાથે રહો. પણ એ દર વખતે એમ જ કહે કે, તેમને કામ હોય." એંજલ ઉદાસ થઈને બોલી.

"તો તારે રોજ તારાં પપ્પા સાથે રહેવું છે??"

"હાં, તમે એવું કરી શકશો??" એંજલ ખુશ થઈને સુરજને પૂછવા લાગી.

"ચોક્કસ, પણ એ માટે તારે મારી મદદ કરવી જોશે. બોલ કરીશ મદદ??"

"શું કરવું પડશે મારે??" એંજલ બંને ગાલે હાથ રાખીને માસુમિયત સાથે બોલી.

"તારે એક નાટક કરવું પડશે. શારદા આંટી રસોઈ બનાવીને અહીં આવે. ત્યારે તારે ચક્કર આવે છે, એવું નાટક કરીને પડી જવાનું. પછી હું બધું સંભાળી લઈશ.પણ જ્યાં સુધી હું નાં કહું. ત્યાં સુધી તારે એ નાટક ચાલું રાખવાનું." સુરજે એંજલને બધું વિગતવાર સમજાવ્યું.

"ઓકે, પણ એવું કરવાથી પપ્પા રોજ મારી સાથે રહેશે??"

"હાં, હું કહું એમ તું કરીશ, એટલે તારાં પપ્પા રોજ તારી સાથે રહેશે."

"ઓકે, તો હું એમ જ કરીશ."

એક કલાક પછી શારદાએ બધી રસોઈ બનાવી લીધી. તેજસનો ટ્યુશનનો સમય પણ પૂરો થઈ ગયો હતો. શારદા એંજલના રૂમમાં ગઈ.

"ચાલો બેટા, તમારો જમવાનો સમય થઈ ગયો." શારદાએ આવીને કહ્યું.

શારદાના આવતાં જ સુરજે એંજલને આંખો ઝુકાવીને ઈશારો કર્યો. તેજસ અને સુરજ બંને ઘરે જવા માટે ઊભાં થઈને દરવાજા તરફ આગળ વધ્યાં. બરાબર એ જ સમયે એંજલ જમીન પર ઢળી પડી. શારદા એંજલને એ હાલતમાં જોઈને હેબતાઈ ગઈ.

"એંજલ બેટા, શું થયું તને??" શારદા એંજલનુ માથું પોતાનાં ખોળામાં લઈને બોલી.

"અરે, શું થયું એંજલને??" સુરજ એંજલ પાસે જઈને બોલ્યો.

"તમે જલ્દી ડોક્ટરને બોલાવો. સાહેબ એંજલને આ હાલતમાં જોઈ ગયાં. તો મારી નોકરી ઉપર ખતરો ઉભો થશે." શારદા સુરજને વિનવણી કરવાં લાગી.

સુરજે તરત જ એંજલને તેનાં બેડ પર સુવડાવી. શારદા હજું પણ ડરેલી હતી. સુરજે એક નજર તેજસ સામે કરી. તેજસ તરત જ શારદાને લઈને બહાર જતો રહ્યો. શારદાના બહાર જતાં જ સુરજે પોતાની ઘરેથી લાવેલી ડ્રગ્સની કોથળી તોડીને, એમાંથી થોડો પાઉડર જમીન પર વેરી દીધો. બાકી બચેલા પાઉડરની કોથળી તેણે બેડ પાસેનાં ટેબલ પર મૂકી દીધી. પછી તેણે એંજલને જગાડી.

"બેટા, હું હમણાં તારાં પપ્પાને કોલ કરીને બોલાવીશ. પણ તું તારું નાટક ચાલું રાખજે. તારાં પપ્પા આવીને તને ઉઠાડે તો પણ તારે ઉઠવાનું નથી." એંજલે આંખો ખોલી, એટલે સુરજે તેને શું કરવાનું? એ અંગે માહિતી આપી.

"ઓકે." એંજલ સુરજની સમજાવટનો જવાબ આપીને ફરી સૂઈ ગઈ.

સુરજ બહાર શારદા અને તેજસ પાસે ગયો. શારદા ચહેરો ઝુકાવીને સોફા પર બેઠી હતી. તેજસ તેની પાસે ઉભો હતો. જેવું સુરજે વિચાર્યું હતું. એવું જ થઈ રહ્યું હતું.

"તમે એંજલના પપ્પાને કોલ કરીને બોલાવી લો. આવી બાબત તેમને જણાવવી જરૂરી છે. તેમને જણાવ્યાં વગર આપણે એંજલને ક્યાંય લઈ જઈ નાં શકીએ." સુરજે શારદાને કહ્યું.

શારદાને પણ સુરજની વાત સાચી લાગી. જો ધનસુખભાઈને આ બાબતની જાણકારી આપવામાં નાં આવે. અને એવામાં એંજલને કાંઈ થઈ જાય. તો બધો દોષ શારદા પર આવે. સુરજની વાત સાંભળીને શારદાએ સમજદારી વાપરી. શારદાએ હિંમત કરીને ધનસુખભાઈને કોલ કર્યો.

શારદા ધ્રુજતાં હાથે અને થોથરાતા અવાજે 'એંજલને કંઈક થઈ ગયું છે. જલ્દી ઘરે આવો.' એટલું તો માંડ બોલી શકી. પછી તેણે તરત જ ફોન કાપી નાંખ્યો.

શારદાના કોલ કટ કરતાં જ સુરજ ઘરની બહાર નીકળી ગયો. તેજસ શારદા પાસે જ રહ્યો. વીસ મિનિટના અંતરે જ ધનસુખભાઈ આવી પહોંચ્યા. તે તરત જ એંજલ પાસે તેનાં રૂમમાં ગયાં.

રૂમની અંદર એંજલ તેનાં બેડ પર સૂતી હતી. ધનસુખભાઈ તરત જ તેની પાસે ગયાં. ત્યાં જ તેમની નજર ત્યાં આજુબાજુ પડેલાં પાઉડર પર પડી. પછી તેમણે ટેબલ પર પડેલી ડ્રગ્સની કોથળી જોઈ. એ જોઈને તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.

"શારદા... અહીં આવ." ધનસુખભાઈ આખાં ઘરમાં સંભાળાય એટલાં ઉંચા અવાજે બોલ્યાં.

ધનસુખભાઈનો અવાજ સાંભળીને શારદા અને તેજસ તરત જ અંદર ગયાં. જ્યાં ધનસુખભાઈ ડ્રગ્સની કોથળી હાથમાં લઈને ઉભા હતાં.

"આ કોથળી અહીં કોણ લાવ્યું??" ધનસુખભાઈએ શારદા સામે ગુસ્સાભરી નજરે જોઈને કહ્યું.

"મ..મ..મને નથી ખબર સાહેબ!!" શારદા લથડતાં શબ્દોમાં બોલી.

"અહીં તેજસ સિવાય કોઈ આવ્યું હતું??"

"સ..સ..સાહેબ-"

"સર, પહેલાં એંજલને સારવારની જરૂર છે. મેં ડોક્ટરને કોલ કર્યો છે. તે હમણાં આવતાં જ હશે." શારદા કાંઈ બોલે એ પહેલાં જ તેજસે કહ્યું.

ધનસુખભાઈ તેજસની વાત યોગ્ય લાગતાં તેઓ વધું કાંઈ નાં બોલ્યાં. ધનસુખભાઈએ પહેલાં ડ્રગ્સની કોથળી કબાટમાં મૂકી દીધી. પછી તેઓ એંજલ પાસે તેનો હાથ પકડીને બેસી ગયાં. થોડીવાર થતાં જ ડોક્ટર ત્યાં આવી ગયાં.

"સાહેબ, જુઓ ને!! આ એંજલને શું થયું છે??" ડોક્ટરને જોઈને તરત જ ધનસુખભાઈએ કહ્યું.

ડોક્ટરે એંજલની તપાસ કરી. તપાસ કર્યા પછી ડોક્ટરે એક નજર તેજસ તરફ કરી. તેજસે આંખો ઝૂકાવીને ઈશારો કર્યો. ડોક્ટર તેજસનો ઈશારો સમજી ગયાં. તેજસનો ઈશારો મળતાં જ ડોક્ટરે પોતાનો ચહેરો ગંભીર બનાવી લીધો.

"શું થયું ડોક્ટર?? તમારો ચહેરો આવો કેમ થઈ ગયો??" ધનસુખભાઈએ ડોક્ટરને પૂછ્યું.

"એંજલે કોઈ નશીલાં પદાર્થનું સેવન કર્યું છે??" ડોક્ટરે પૂછ્યું.

ડોક્ટરના શબ્દો સાંભળી ધનસુખભાઈ મૌન થઈ ગયાં. તે બસ એંજલ અને ડોક્ટર સામે વારાફરતી જોવાં લાગ્યાં. પણ ડોક્ટરને કાંઈ કહી નાં શક્યાં.

"એંજલની તપાસ કર્યા પછી તેણે કોઈ નશીલાં પદાર્થનું સેવન કર્યું હોય. એવું લાગી રહ્યું છે. તે અત્યારે બેભાન અવસ્થામાં છે. ક્યારે ભાનમાં આવશે?? એ કાંઈ કહી નહીં શકાય." ધનસુખભાઈ પાસેથી કોઈ જવાબ નાં મળતાં ડોક્ટરે કહ્યું.

ડોક્ટર તપાસ કરીને અમુક દવાઓ આપીને જતાં રહ્યાં. તેજસ પણ તેમની પાછળ ગયો.

"થેંક્યું, ડોક્ટર!!" તેજસે ડોક્ટર સાથે હાથ મિલાવીને કહ્યું.

"એમાં થેંક્યું નાં હોય. તું તો મારો બાળપણનો મિત્ર છે. તું કહે એ કામ તો મારે કરવું જ પડે. આમ પણ ડોક્ટરોનું કામ હોય છે. બીજાંની મદદ કરવી એ!! તો તારાં આ સારાં કામમાં મારે તારી મદદ કરવી જ પડે."

ડોક્ટરની વાતો પરથી લાગી રહ્યું હતું કે, તેઓ તેજસના કહેવાથી એંજલ અંગે ખોટું બોલ્યાં હતાં. ડોક્ટરના ગયાં પછી તેજસ ફરી એંજલના રૂમમાં ગયો. ધનસુખભાઈ એંજલનો હાથ પોતાના હાથમાં લઈને તેની પાસે બેઠાં હતાં.

"એંજલ બેટા, આ તને શું થઈ ગયું?? મારી બદલાની આગમાં તારી આવી હાલત થશે. એ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. જાતે જ ઈન્સાફ કરવાનાં ચક્કરમાં તારી સાથે જ અન્યાય થઈ ગયો." ધનસુખભાઈ રડતાં રડતાં એંજલને કહેવા લાગ્યાં.

એંજલ સુરજના કહેવાથી ઉભી તો નાં થઈ. પણ તે ધનસુખભાઈની બધી વાતો સાંભળતી હતી. ધનસુખભાઈની એવી વાતો સાંભળીને એંજલની સમજમાં કાંઈ નાં આવ્યું. ધનસુખભાઈનું રડવાનું સતત વધી રહ્યું હતું.

"કેમ અંકલ?? આજે તમારી છોકરીનાં જીવન ઉપર વાત આવી. તો તમે રડવા લાગ્યાં. પણ જ્યારે તમે આવાં રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો. ત્યારે તમને વિચાર નાં આવ્યો? કે આમાં કેટલાંય છોકરાં છોકરીઓનાં જીવન બરબાદ થઈ જાશે!! કેટલાંય પરિવાર વેરવિખેર થઈ જાશે!!" અચાનક જ સુરજે આવીને કહ્યું. સુરજની વાતો સાંભળી ધનસુખભાઈ થોડીવાર માટે હેબતાઈ ગયાં.

"તું અહીં?? તો આ બધું તે કર્યું છે??" ધનસુખભાઈ સુરજ સામે અચરજભરી નજરે જોઈને બોલ્યાં.

"હાં, પણ એંજલ બિલકુલ ઠીક છે. તેને કાંઈ થયું નથી. તેણે મારાં કહેવાથી જ આ નાટક કર્યું હતું. મારી પાસે તેની મદદ લેવા સિવાય કોઈ રસ્તો નહોતો. તમારો ધંધો ઘણી જગ્યાએ વિકસિત છે. તો તમને માત્ર જેલમાં નાંખવાનો કોઈ ફાયદો નહોતો. જો તમે જાતે આ બધું બંધ કરો. તો જ આ ધંધો બંધ થાય એમ હતો. તો મેં એંજલની મદદ લીધી."

"શું બકવાસ કરે છે?? એંજલ ઠીક છે, તો એ ઉભી કેમ નથી થતી??"

"એંજલ, ઉઠી જા બેટા!! હવે તારાં પપ્પા તને છોડીને ક્યાંય નહીં જાય. સાચું કહ્યું ને, મેં અંકલ??" સુરજ ધનસુખભાઈ સામે હસીને બોલ્યો.

સુરજના કહેવાથી એંજલ તરત જ ઉઠીને ધનસુખભાઈને ભેટી પડી. પશ્ચાતાપના આંસુ સારતા ધનસુખભાઈ એંજલ બિલકુલ ઠીક છે. એ જોઈને ખુશીનાં આંસુ સારવા લાગ્યા.

"પપ્પા, સાચે જ તમે મને છોડીને ક્યાંય નહીં જાવ??" એંજલ પોતાની કાલીઘેલી અને શાંત ભાષામાં બોલી.

"હાં બેટા, હવે હું તને છોડીને ક્યાંય નહીં જાવ." ધનસુખભાઈ એંજલની માથે હાથ ફેરવીને બોલ્યાં.

"તો હવે તમે આ ધંધો છોડી દેશો ને??" સુરજ ધનસુખભાઈ સામે એક આશાભરી નજરે જોઈને બોલ્યો.

"હાં, હવે હું એ કામ ક્યારેય નહીં કરું. જેનાંથી મારી દીકરીને તકલીફ થાય."

"તો ચાલો મારી સાથે સંધ્યાની ઘરે!! ત્યાં જઈને તમારી બહેન અને સંધ્યા બંને સામે બધી હકીકત જણાવીને માફી માંગી લો."

ધનસુખભાઈ સુરજની વાત સાંભળીને થોડીવાર વિચારમાં પડી ગયાં. પછી તરત જ ઉભાં થઈને બહાર ગયાં.

"શારદા, તું એંજલનુ ધ્યાન રાખજે. હું બસ હમણાં જ આવું." ધનસુખભાઈ એમ કહીને સુરજ સાથે ઘરની બહાર નીકળી ગયાં.

ધનસુખભાઈએ બહાર આવીને કાર ગેટની બહાર કાઢી, સુરજને બેસવા ઈશારો કર્યો. ધનસુખભાઈની એવી હરકતથી સુરજને થયું કે, ધનસુખભાઈ સંધ્યાની ઘરે જવા માટે અને બધી હકીકત રુકમણીબેનને જણાવવા માટે તૈયાર થઈ ગયા છે. તેથી સુરજ પણ ધનસુખભાઈની સાથે કારમાં બેસી ગયો.
(ક્રમશઃ)
શું ધનસુખભાઈ ખરેખર ડ્રગ્સનો ધંધો છોડી દેશે?? શું તેઓ પોતાની બધી ભૂલો રુકમણીબેન આગળ કબૂલી લેશે?? એ જોશું આગળનાં ભાગમાં.