લોકડાઉનની તાત્કાલિક અસરથી ઘરમાં કેશ પૂરું થઈ ગયું, એટલે 65 વર્ષના કાઠિયાવાડી બાપાને ATM કાર્ડનો પહેલીવાર ઉપયોગ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. દસેક વર્ષથી ATM કાર્ડ તિજોરીના ખૂણામાં ધૂળ ખાતું હશે.
બાપા ખાસ ભણેલા તો નહીં પણ સ્વાભિમાની જબરા...બને ત્યાં સુધી કોઈની મદદ ના માગે. એવામાં બાપા ગયા ATM મશીન પાસે, ATM કાર્ડ દાખલ કર્યું! પણ સિસ્ટમ અંગ્રેજીમાં એવો મેસેજ બતાવે કે "તમારું કાર્ડ જૂનું છે, નવા અપગ્રેડ કાર્ડ માટે નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો.." અને બાપા એવું સમજે કે 'સાલા પિનનંબર ખોટા પડે છે' એટલે બાપાએ ત્રણ-ચાર વખત ટ્રાય કરી અલગ અલગ પિનનંબર નાખીને પણ મેળ ના પડ્યો.
એવામાં ઉતાવળમાં એક ભાઈ પૈસા ઉપાડવા આવે છે, બાપની તકલીફ જોઈને તેને સહજ રીતે સવાલ કરે છે"કેમ દાદા શુ થયું...?" બાપાએ જવાબ આપ્યો"અરે ભાઈ જો ને...વર્ષો પછી ATM હારે પનારો પડ્યો,કંઈક પિનનંબરની માથાકૂટ છે હવે..."
"દાદા હમણાં છએક મહિનાથી થોડો ફેરફાર થયો છે... બેંકે આપેલા પિનનંબરનો એક જ વખત ઉપયોગ થઈ શકે. પછી આપણે ATM મશીનથી નવા પિન સેટ કરવા પડે. બહુ મગજમારી વાળું કામ છે, મેં પણ એક જુવાનિયા પાસેથી કરાવેલ...બિચારો બહુ ભલો હતો, બધાને કરી આપતો હતો"
બાપાને ATM પિન બદલવા વાળી વાત મગજમાં બેસી ગઈ.પણ હવે મદદ કરી શકે એવા જુવાનીયની શોધમાં હતા. બાપાએ આખી વાત ડોશીમાં ને કરી. ડોશીમાંના ધ્યાનમાં એક જુવાનિયો હતો.
"અરે, બાજુમાં ઓલી કાજલીનો ગગો જ ઈન્જિનિયરીનું ભણે છે, બહુ હોશિયાર છે...એના માટે તો આ ડાબા હાથનું કામ છે!"
આ માથાકૂટમાંથી નીકળવા બાપાએ બોલાવ્યો ભણેલ-ગણેલ એન્જિનિયરને! આખી સમસ્યા જણાવી. એન્જિનિયરે પેલા તો ATM નો પિનનંબર માંગ્યો..."એની પણ જરૂર પડશે આમાં..." બાપાએ ટાઢો ટોન્ટ માર્યો.
પિનનંબર વાળું કાગળીયું જે બેંકમાંથી આવે એમાં ખાસ સૂચના લખેલી હોય, કે પિન કોઈ સાથે શેર કરવો નહીં. એટલે બાપા એન્જિનિયરને પિનનંબર આપતા ખચકાટ અનુભવતા હતા. પણ આપવો પડે એ મજબૂરી હતી. છતાં એ પિન નંબર વાળું કાગળીયું ના આપતા બાપાએ જાતે તેમાંથી પિન નંબર જોયો અને એન્જિનિયરને હળવેકથી કીધો. કોઈ ત્રીજું પણ ના સાંભળે એ રીતે(ડોશીમાં પણ નહીં...)
હવે બાપા અને એન્જિનિયર ATM મશીને ગયા. એન્જિનિયરે ATM કાર્ડ મશીનમાં દાખલ કર્યું, સિસ્ટમે પિનનંબર માંગ્યો, તેને બાપાએ જણાવેલ પિનનંબર દાખલ કર્યો, મશીનમાં થોડું લોડિંગ થઈને ટ્રાન્જેકશન ફેલ થયું...
સિસ્ટમ ફોલ્ટ ગણીને એન્જીનીયરે ફરી પાછી આ જ પ્રોસેસ રિપીટ કરી, પાછું એનું એ જ પરિણામ...એન્જિનિયર મૂંઝાયો "દાદા બીજા કોઈ ATM મશીને જઈને ટ્રાય કરીએ, અહીં સર્વર ડાઉન હોય એવું લાગે છે"
બીજા ATM સુધી પહોંચ્યા ત્યાં સુધી એન્જિનિયર વિચારતો હતો,કે શું પ્રોબ્લેમ હોય શકે બાપાના ATM કાર્ડમાં?
ATM મશીન પહોંચીને મશીનમાં કાર્ડ દાખલ કર્યું, સિસ્ટમે પિન નંબર માંગ્યો...તે પિન નંબર ભૂલી ગયો હતો. તેને બાપાને પૂછ્યું "દાદા શુ હતો પિન નંબર...? હું ભૂલી ગયો"
બાપાએ શબ્દોના બાણ માર્યા એન્જીનીયરને " ગગા હજી અડધો કલાક પેલા જ તને પિન નંબર કીધો, ને તું ભૂલી પણ ગયો...આજકાલના જુવાનિયાવના મગજ સાવ તકલાદી થઈ ગયા છે"
એન્જીનીયર મનમાં બબડયો "e,G,g,c,K,H,Pi,eV,W...આ બધા અચળાકોને યાદ રાખું કે તમારા પિન નંબરને"
બાપાએ ફરી એકવાર પિન નંબર જણાવ્યા, એન્જીનીયરે ફરી એકવાર એની એ જ પ્રોસેસ રિપીટ કરી...પણ એનું એ જ પરિણામ 'ટ્રાન્જેકશન ફેલ...'
એટલે એન્જીનીયરનો શક યકીનમાં બદલાય ગયો. તેને બાપાને કીધું
"તમારું કાર્ડ બ્લોક થઈ ગયું લાગે છે...!
"એમ ક્યાંથી બ્લોક થઈ જાય, આટલા વર્ષોમાં પહેલી વાર વાપરું છું"
"એ સિવાય તો આવી રીતે થઈ જ ના શકે"
"ગગા, તને ATM કાર્ડ વાપરતા તો આવડે છે ને, પહેલી વાર ઉપયોગ કરતો હોય એવું લાગે છે...થોડાદિવસો પહેલા જ એક જુવાનિયો અમારા જેવાને મદદ કરતો હતો, એ તો તારા જેટલો ભણેલો પણ નહોતો લાગતો!!!"
હવે એન્જીનીયર માટે પાણી માથા ઉપરથી વહી જતું હતુ. તેને બે શબ્દો સંભળાવ્યા હોય, તો પણ વાંધો નહોતો. પણ સીધો જ અત્યાર સુધીમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કમાયેલા નામ પર જ સવાલ ઉભો કરી દીધો. છતાં પણ તેને ગુસ્સા પર કાબુ મેળવતા બાપાને જવાબ આપ્યો.
"તો એ તમારા ગામડાંના બુદ્ધિશાળી જુવાનિયા પાસે જ કરાવી લેવાય ને!"
બાપા પણ માથાકૂટ કરવાના મૂડમાં લાગતા હતા.
"એનાથી થઈ શકે તો તારાથી કેમ નહિ...!!! એ મારે જાણવું છે"
"પણ, દાદા તમારું કાર્ડ બ્લોક થઈ ગયું છે, તે જુવાનિયાથી તો શું, લગભગ ગામના કોઈ જુવાનીયથી તમારો પ્રોબ્લેમ સોલ્વ નહિ થાય"
"હા..., એવું તે કઈ હોતા હશે. ખાલી પિન નંબર બદલવાનો છે. એટલું પણ આવા ભણેલા-ગણેલાથી થતું નથી બોલો...હું આટલું ભણ્યો હોત, તો ક્યાંનો ક્યાં હોત!"
"દાદા, હું કંઈ શશીકાંત દાસ નથી કે તમારું કામ ઘરેબેઠા કરી આપું!"
બાપા હજી એક જ વાત પકડીને બેઠા હતા
"મને તો આવા કામ આવડે નહિ, બાકી કોઈની ગરજ કરું નહિ. પણ ગગા તારું આટલું ભણતર શુ કામ નું! એ નથી સમજાતું મને!!!"
હવે એન્જિનિયરનો પણ ઈગો હર્ટ થઈ ગયો હતો...
"બેંકે ગયા સિવાય ગામનો કોઈ પણ માણસ જો તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે, તો હું મારું એન્જીનીયરીંગ મૂકી દઉં અને તમારા ખેતરે કામ કરવામાં લાગી જાવ એક પણ રૂપિયો લીધા વગર..."
બે માંથી એકેય શાંત પડે એવું લાગતું નહોતું. અંતે એન્જિનિયરે કંટાળીને બાપાને મફતનું જ્ઞાન આપ્યું
"દાદા, સોમવારે બેંકે જઇને સાહેબને કાર્ડ બતાવીને કહેજો કે, કાર્ડ બ્લોક થઈ ગયું છે...એટલે તે પોતે જ તમારા માટે એક એપ્લિકેશન લખીને તમારી સહી કરાવશે. પછી થોડા દિવસોમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે...પણ તમે મને માફ કરો, આટલો ભણેલો છું, છતાં તમારો પ્રોબ્લેમ સોલ્વ નહી કરી શકું"
હવે આખી માથાકૂટના મૂળ ઉપર પ્રકાશ પાડીએ...
બાપાએ એન્જીનીયરને પોતાની ઘરે બોલાવ્યો, પિન બદલવાનું કહ્યું, પરંતુ એ ના જણાવ્યું કે અગાઉ મેં પણ ATM મશીને જઈને પૈસા ઉપાડવા ટ્રાય કરી હતી અને ત્રણ-ચાર વખત પિન નંબર દાખલ કર્યો હતો.
પણ કઈ મેળ ના પડ્યો અને પિનનંબર ચેન્જ કરવાની મફતની સલાહ સાંભળીને તને બોલાવ્યો છે....
(સ્વાભાવિક છે ત્રણ-ચાર વખત પિનનંબર દાખલ કરશો એટલે કાર્ડ તો બ્લોક જ થઈ જવાનું છે ને!!!)
-sK's ink