Indian Military books and stories free download online pdf in Gujarati

ભારતીય સેના - પૂર્વોત્તરના સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ – આદિજાતી - નાગા Naga Regiment - The Head Hunters

પશ્ચિમોત્તર કાશ્મીર, ઉરી, કાલા પહાડ બ્રિગેડ – 1976-77; નાગા સૈનિકોનું કાલા પહાડ બ્રિગેડ પર આગમન થતાં જ પરંપરાગત સ્વાગત થયું. પાકિસ્તાનીઓએ આપણી અગ્રીમ હરોળની પોસ્ટ પર ત્રણેક મોર્ટાર શેલ વરસાવ્યા, સામાન્ય રીતે જયારે પણ કોઈ નવું આર્મી યુનિટ કાશ્મીર બોર્ડર પર તૈનાત થાય કે પાકિસ્તાનીઓ તેમનું સ્વાગત આ જ રીતે કરતા આવ્યા છે. પરંતુ આ વખતે નાગા રેજીમેન્ટના જવાનોએ એ વળતો જવાબ આપવાનું માંડી વાળ્યું. હવે તો જાણે ભૂંડ ગંદકી ભાળી ગયું. ત્યારબાદની બે રાત્રી સુધી બે-પાંચ પાકિસ્તાની સૈનિકો ભારતીય સીમામાં ઘુસી જાય, આપણી ચોકીઓ પર હેન્ડ ગ્રેનેડ વરસાવે અને પાછા ભાગી જાય તેવું બનતું રહ્યું.
ત્રીજી રાત્રે, નાઈટ ડ્યુટી પર હાજર નાગા સૈનિકોએ જાળ બિછાવી અને એમ્બુશ લગાવીને આપણી સીમાની અંદર ઘુસેલા બે પાકિસ્તાની સૈનિકોને પકડી પાડ્યા. બંનેને મુશ્કેટાટ એક વૃક્ષ સાથે બાંધી દીધા. બાજુમાં અગ્નિ પ્રગટાવીને આપણા નાગા સૈનિકોએ તેમની અને અગ્નિની ફરતે પારંપરિક નાગા નૃત્ય કર્યું. ‘જીંગા લાલા હો ઓ ઓ ઓ...’ એવું જ કંઇક..
પછી એક પાકિસ્તાની સૈનિકનો પગ કાપીને, આગમાં રીતસર શેક્યો. બીજી સવારે બંને પાકિસ્તાનીઓને છોડી મુક્યા. પણ એ પહેલા તેમને નાગા જવાન અને હવાલદાર સાહેબ વચ્ચેની નીચેની વાતચીત સંભળાવવામાં આવી:
જવાન: “ઉસ્તાદ જી,ઇનકો રખતે હૈ, બિલકુલ ચીકન જૈસા ટેસ્ટ હૈ.”
હવાલદાર: “નહીં રે, ઇનકો જાને દો, યે દોનો બહોત કમઝોર હૈ. અબ તો યહાં તીન સાલ રહના હૈ; તુ ટેન્શન મત લે, ઔર બહુત મોટે તગડે મિલેંગે.”
પાકિસ્તાનની બલુચ રેજીમેન્ટ જે એલ.ઓ.સી.ની પેલે પાર તૈનાત હતી, ત્યાં આ ખબર જંગલની આગની જેમ પ્રસરી ગઈ. એ દિવસથી લઇને આગલા ત્રણ વર્ષ સુધી, જ્યાં સુધી નાગા રેજીમેન્ટની જગ્યાએ બીજુ યુનિટ આવ્યું નહીં ત્યાં સુધી, એક પણ દુશ્મન સૈનિક, એલઓસીની નજીક તો શું; ઇવન દૂરબીનમાં પણ દેખાયો નહિ.
**********************************************************************
દુશ્મનો વચ્ચે હેડ-હન્ટર્સ તરીકે ફેમસ એવા નાગા સૈનિકોની પ્રતિષ્ઠા નવી જગ્યાઓએ તેમનું પોસ્ટીંગ થાય તે પહેલા પહોંચી જતી હોય છે. નાગા સૈનિકોનો યુદ્ધઘોષ ‘જય દુર્ગા નાગા’ દુશ્મનોના હર્દયમાં કંપકંપી જન્માવે છે. છદ્મ અને ગેરીલ્લા યુદ્ધના માસ્ટર એવા નાગા આદિવાસીઓ જન્મજાત સૈનિક હોય છે. સ્વભાવે રંગીલા, આતિથ્યસત્કારમાં અવ્વલ, શરમાળ, અત્યંત નિખાલસ અને બહાદૂર એવા નાગા સૈનિકો ધુપ્પ અંધારામાં લડાતા રાત્રી યુદ્ધમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ લડવૈયા તરીકે પંકાયેલા છે.
અત્રે એક વાતની સ્પષ્ટતા કરવી ઘટે: ‘ડાઓ’ તરીકે ઓળખાતા તીક્ષ્ણ ખંજર વડે સામેના દુશ્મનનું શિર વાઢી લેવું તે આદિજાતી નાગાની પૌરાણિક પરંપરા છે. નાગા આદિવાસીઓ પૂર્વોત્તર રાજ્યોમાં હિમાલય પર્વતમાળાઓના દુર્ગમ જંગલોમાં વસતા હોવાથી પ્રત્યેક જીવિત વસ્તુનું ભોજન કરી શકે તેવું અનુકુલન સાધી ચુક્યા છે પરંતુ, તેઓ મેલી વિદ્યા વાપરનારા કે નકસલવાદીઓ કે પછી માનવભક્ષી તો કદાપી નથી.
ભારત ભૂમિની પૌરાણિક યોદ્ધા આદિજાતીમાંની એક એવી નાગા જનજાતિના યોદ્ધાઓને રાષ્ટ્રની મૂળ ધારા સાથે જોડવા માટે તેમને ભારતીય સૈન્યમાં જોડાવાની તક આપવામાં આવી અને તેમને કોઇપણ જાતની તાલીમ વગર સૈન્યમાં ભરતી કરાયા હતા. તેમ છતાં પણ નાગા વીરોએ પોતાનું હીર પુરવાર કરવાની કોઇપણ તક જતી કરી નથી. નાગા યોદ્ધા યુદ્ધક્ષેત્રમાં કદી શરણાગતિ કે પીછેહઠ કરતા નથી.
નાગા વીરોને તેમની યુદ્ધક્ષત્રે બહાદૂરી બદલ રાષ્ટ્રે અત્યાર સુધીમાં ૧ મહાવીરચક્ર, ૮ વીર ચક્ર, ૬ શૌર્ય ચક્ર, ૧ યુદ્ધ સેવા મેડલ, ૧ વિશિષ્ઠ સેવા મેડલ, ૪૮ સેના મેડલોથી સન્માનિત કર્યા છે. નાગા સૈનિકોમાં સિપાહી ગંગચીંગ કોન્યાક, ડોઉઝોલી અન્ગામી, કેપ્ટન નીકેઝ્હાકોઉં કેન્ગુરુસે, અને કોર્પોરલ સપુની માઓ ની બહાદૂરીના કિસ્સા ઘેર-ઘેર જાણીતા છે. અસંભવ પરિસ્થિતિઓ હોય કે પછી જીવલેણ જંગનું મેદાન, નાગા વીરોએ મોખરે રહીને દેશ માટે આહુતિઓ આપી છે.
ભારતીય સેનામાં અમુક પરંપરાઓ અંગ્રેજોના કાળથી ચાલતી આવે છે. તેમાંની એક છે, ‘લડે સિપાહી નામ સરદાર કા.’ એટલે કે સૈનિકોની બહાદૂરી અને બલિદાનોનો શ્રેય મોટેભાગે તેમના લીડરો એવા અધિકારીઓને મળી જતો હોય છે. આ કારણથી જ જવાનોને તેમનાં બલિદાનોનું શ્રેય પુરતું મળ્યું નથી. સૈન્ય ઈતિહાસમાં જવાનોના ફાળાને કેટલાક ઉદાહરણોને છોડો તો નજરઅંદાજ કરાયા છે. ભારતીય જવાનોને તેમની સાથે સતત થઇ રહેલા આ સોતેલા વર્તાવની કસક હંમેશા રહી જ છે, તે નાગા રેજીમેન્ટના સૈનિકો હોય કે પછી અન્ય કોઈ રેજીમેન્ટના.
બ્રિટીશરોને ભારતભૂમિ પરથી હાંકી કાઢવાની લડતમાં પણ આદિજાતી નાગાની ભૂમિકા અવિસ્મરણીય રહી છે. હેરાકા (શુદ્ધ) સંઘર્ષ નામક ચળવળ ચલાવીને હાઈપોઉં જાડોનાંગ નામના યુવાને ઉત્તર પ્રૂવની અનેક જનજાતિઓને એકથી કરીને પ્રદેશમાંથી બ્રિટીશરોને હટાવવા પુરજોર કોશિશ કરી. ફેબ્રુઆરી ૧૯૩૧માં હાઈપોઉં જાડોનાંગને અંગ્રેજોએ પકડીને તેના પર ફર્જી કેસ ચલાવવામાં આવ્યો અને તેને ઓગસ્ટ ૨૯ ૧૯૩૧ના રોજ ઇમ્ફાલ જેલમાં ફાંસી આપી દેવામાં આવી. જાડોનાંગની જગ્યા તેમની કઝીન ગાઈડીનલીઉ રાનીએ લીધી. રાનીએ બ્રિટીશરો પર ગેરીલ્લા હુમલાઓ કરીને તેમને હંફાવ્યા જ પણ સાથે સાથે તેમણે અન્ય કબીલાઓને અંગ્રજોને કર આપવાનું બંદ કરવા કહ્યું અને રાજકીય લડતની પણ પુરજોરમાં આગેવાની લીધી. અંગ્રેજોએ તેમની કેપ્ટન મેકડોનાલ્ડની આગેવાનીમાં આસામ રાયફલ્સની આખી ટુકડીને રાનીની ખોજબીનમાં લગાવી દીધી. કેટલાય મહિનાઓ સુધી સેનાએન હંફાવ્યા બાદ ૧૭ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ અંગ્રેજોએ ગાઈડીનલીઉની તેમના સાથીઓ સાથે ધરપકડ કરી. તેમના મોટાભાગના સાથીઓને યા તો જેલમાં ધકેલી દેવામાં આવ્યા અન્યથા મારી નાખવામાં આવ્યા અને ગાઈડીનલીઉ પર સેના સાથે સંઘર્ષ અને ખૂનનો ખટલો ચલાવવામાં આવ્યો. આઠ મહિના ચાલેલા કેસ પછી ગાઈડીનલીઉને આજીવન કારાવાસની સજા થઇ. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે પંડિત જવાહરલાલ નેહરુએ ગાઈડીનલીઉને કેદમાંથી માનપૂર્વક આઝાદ કર્યા અને તેમને ‘નાગા-રાની’ની ઉપાધી આપી.
માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર નાગા વીરોના અમર બલિદાનોને રાષ્ટ્ર કદી ભુલાવી નહી શકે પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં અને દેશની સુરક્ષામાં સમગ્રપણે તેમના યોગદાનનો સમાજ દ્વારા સ્વીકાર થયો નથી. પૂર્વોત્તર સિવાયના અન્ય રાજ્યોના નાગરિકોએ પણ નાગા અને અન્ય જનજાતિઓના લોકોને ચીની-નેપાળી એવા નામોલ્લેખ કરી નીચા દેખાડવા અને તેમની સાથે જાતિગત ભેદભાવ કરવો તે સદંતર અયોગ્ય છે. પૂર્વોત્તરના લોકો ચીની, ચિંકી કે પછી નેપાળી નથી અને આપણા પોતાના સીદી ભાઈઓ પણ નીગ્રો કે આફ્રિકન કે પછી વેસ્ટ ઇન્ડિયન નથી. તેઓ પણ આપણી બધાની જેવા જ ભારતીયો છે. ભૂલશો નહીં કે રંગ, રૂપ, વેશ-ભૂષા તથા ભાષાની અનેકતાને લીધે જ ભારત આટલું મહાન બન્યું છે.
આ અદનો નૌસૈનિક નાગા આદિજાતીના મુઠી ઊંચેરા યોદ્ધાઓને દિલથી સેલ્યુટ કરે છે.
જય હિન્દ
Petty Officer Manan Bhatt
sainikswaraj@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED