બળતા બપોરે Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બળતા બપોરે




અર્પણ
સપ્રેમ
માનવતાથી ભરેલા નખશિશ માણસોને
સાથે જ
વહાલા વાચકોને...












બળતા બપોરે
પ્રાસ્તાવિક:
"બળતા બપોરે" એ સાંપ્રત સમયમાં સમાજ અને દુનિયામાં ઘટતી ઘટનાઓનો ચિતાર આપતી વાસ્તવિક વાર્તાઓ છે.
વર્તમાન સમયમાં સમાજમાં અનેક દુર્ઘટનાઓ સર્જાય છે. જે મનને બેચેન બનાવે છે અને દિલને ડંખી જાય છે. આખરે આપણને થયું છે શું? કે આપણે આટલા ક્રૂર બની ગયા છીએ? ખૂન, બળાત્કાર, પ્રણયભંગ, લૂંટફાટ આ બધું જ ન જાણે વિનાશના ક્યાં કિનારે લઈ જશે? એ જ સમજાતું નથી!
પ્રગતિ અને વિકાસના નામે, આધુનિકતાના નામે આપણે અનેક દુષ્કૃત્યોને પેદા કર્યા છે. જેમ જેમ શિક્ષણ, સંસ્કાર, સુખ અને સમજદારી વધતી જ જાય છે, એમ સમાજમાં અફરાતરફી, દુશ્મનાવટ, કોઈને દેખાડી દેવાની કે પાડી દેવાની ઘેલછામાં ઉમેરો જ થતો જાય છે. આવનારી ભવિષ્યની પેઢી માટે આ ખતરનાક બીના લેખાશે. આવા ખતરનાક બનાવો ક્યાંય સુધી મનને કળ વળવા દેતી નથી!
'બળતા બપોરે' ની મારી આ વાર્તાઓ સમાજમાં ઘટતી, ઘટાવાતી ઘટનાઓને વાચા આપવાનો નમ્ર પ્રયાસ માત્ર છે. અને એથી કરીને પણ જો સમાજમાંથી આવી એકાદ બીનાનો અંત આવશે તો મારા માટે એ સુખદ અવસર હશે.
આ સંગ્રહની એકેક નવલિકાઓ આપને ગમશે જ! છતાંય ભોંયમાં ધરબાયેલ સૂરજડું છું. હજી ઉગવાની કોશિશ કરી રહ્યો છું. ઉગીને આથમીશ, સાહિત્યની પ્રખર જ્યોતિ પ્રગટાવીશ કે પછી ભોંયમાં જ ધરબાઈને પતન નોંતરાવીશ? એ તો વહાલા વાંચકો/સાહિત્યકારો આપ જ નક્કી કરી શકવા સમર્થ છો.
ટૂંકમાં, 'બળતા બપોરે' ની માવજત કરવામાં ક્યાંય કોઈ જ કસર છોડી નથી. છતાંય નવો નિશાળીયો છું. એથી જો ક્યાંય કોઈ ક્ષતિ રહી હોય કે અણઘડ રજુઆત થઈ હોય તો વાચકો તથા સાહિત્યકારો મને ક્ષમ્ય સમજે.ગમે તેમ પણ જો વાંચકો 'બળતા બપોરે' ની મીઠી છાંયમાં આરામથી વિચરશે કે વિહરશે તો અમીભર્યા આનંદના ઓડકાર આવશે જ.
આપના પ્રતિભાવોના અસહ્ય ઈંતજારમાં......
-અલ્પ શબ્દમૂડીનો સર્જક
અશ્ક રેશમિયા
વસંતવિલાસ, ગાંગુવાડા.
ashkkchauhan@gmail.com





અનુક્રમ
૧. અનાથનો નાથ
૨. આબરૂ
૩. બળતા બપોર
૪. નાતરું....
૫. દગો
૬. વસવસો
૭. લફરું
૮. ભાભી
૯. નપાવટ
૧૦. અભરખા
૧૧. ઘરેણું
૧૨. ઝંખના
૧૩. પ્રણયાતીત
૧૪. મૂલ્યવાન મૂડી
૧૫. ત્રિભેટે

૧. અનાથનો નાથ
'સર, સર....!!' બાળકોએ કૂતુહલભરી અપાર ખુશીથી કહેવા માંડ્યું:'સર, અમારા ઘેર અમારા દાદા-દાદી અમને મળવા આવ્યા છે!' બાળકોના ચહેરા પર આનંદના ફુવારાઓ ઉડી રહ્યાં હતાં.
'મળવા નહીં!' બીજાએ વચ્ચે જ કહ્યું:'એ તો કાયમ માટે આપણા ઘેર રહી જવા આવ્યા છે. પાપા ખુદ એમને લઈને આવ્યા છે.'
શિક્ષક એ બંને બાળકોની અચરજભરી વાત સાંભળીને સ્તબ્ધ થયા. પળવારમાં એ વિચારોના વમળે ચડ્યા.
પેલા બંને બાળકોના નામ નીલ અને નલીન.
‎નીલ અને નલીન આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં.
એકવાર શિક્ષકશ્રીએ નીલ-નીલેશના પિતાજીને શાળામાં બોલાવીને કહ્યું:'તમારા બાળકને તમે સમય ન આપી શકો તો દાદા-દાદી જોડે બેસાડો. એમની વાતો સાંભળશે તો આપોઆપ ખીલતા જશે. લેશન પૂરુ કરતા થશે. ભણતરમાં ઠીક રહેશે. દાદા-દાદી જોડે નવી નવી વાતો સાંભળીને સંસ્કાર અને કેળવણી પણ શીખશે.'
'પણ સાહેબ!' કહેતા અંબરભાઈની આંખો ભરાઈ આવી. હૈયું હીજરાયું. ભયંકર આઘાત અનુભવાયો. હૈયું હલી ગયું.
અંબરે માવતર જોયા જ ક્યાં હતાં? માવતરના મહોબ્બતની જબ્બર ખોટ સાલી હતી એને. માતાપિતાની માયા અને અંબરને ભવોભવનું છેટું પડી ગયું હતું.
માવતરનો અભાગિયો દીકરો હતો અંબર. કારમી ગરીબીમાં સબડતા હતાં એના માવતર. એક સાંધે ત્યાં તેર તૂટે એવી કપરી દશા હતી. ચારેક ભાંગેલા તૂટેલા વાસણો અને ઘાસફૂસમાંથી બનાવેલ નાનકડા ઝુંપડા સિવાય અન્ય કોઈ જાગીરી હતી નહી! દિ' આખો દાડિયું રળે ત્યારે માંડ બે ટંકનો રોટલો નસીબ થતો. ને એવા એક સમયે અંબરનો જન્મ થયો. સુવાવડ વખતે અપૂરતી કાળજી અને પોષણયુક્ત આહારના અભાવે અંબર અઠવાડિયાનો હતો અને એની માં ને રોગ લાધ્યો. બે જ દિવસમાં એ ભુંડા મોતને ભેટી. હજું પુત્રનું મોઢુંય બરોબર નહોતું જોયું ને કુદરતે એને પરબારા ગણાવ્યા.
વળી, ઓછું હતું એમ થોડાંક દિવસના અંતરે અંબરના પિતાજી પણ એની માં ની ગતિને વશ થયા.
અંબર નોંધારો થયો, સાવ નોંધારો. એના કાકા કે ફૂઈ હતાં નહી. માટે બે-ચાર દિવસમાં લોકોએ એને અનાથાલયમાં મોકલી આપ્યો.
‎અંબર આ બીનાથી અજાણ હતો. એને આ હ્રદયદ્રાવક ગોઝારી ઘટના ત્યારે જાણવા મળી જ્યારે એ દશમાં ધોરણમાં હતો. શિક્ષકે માતૃપ્રેમ વિશે નિબંધ લખવા કહ્યો. અંબરે અનાથાલયમાં આવીને પૂછ્યું:'મારા માં-બાપ કોણ અને ક્યાં છે? મને કેમ અત્યાર લગી માવતરની મમતા મળી નહી?'
ને એના ઝળઝળિયાં ભરેલા ભીના સવાલનો જવાબ હતો:'બેટા, તું અનાથ છે! તારા માવતરનો કોઈ જ પત્તો નથી. અને એ હયાત પણ નથી.'
અંબર ઘટના જાણતો ગયો અને આંખેથી આંસુઓ વહાવતો રહ્યો. ભેગું અનાથાલય પણ રડ્યું.
‎અંબર ભણ્યો. ગણ્યો. બે પાંદડે થયો. ને પછી બે જીવે પણ થયો. લગન થયા. બે બાળકનો પિતા થયો.
સંસારની સર્વ વાતોએ એ બહું જ સુખી હતો. કિન્તું બે બાભતોથી એ અત્યંત દુ:ખી હતો:એક માવતરની માયા, મમતા, લાગણી પામી નહી શકવાનો અફસોસ અને બીજુ માં-બાપની સેવા કરવાનો અવસર ન મળ્યો એનો વસવસો.
‎શાળાના શિક્ષકે જ્યારે એના બાળકોને દાદા-દાદીના ખોળે ખુંદવાની સલાહ આપી હતી ત્યારે રડતી આંખે અંબરે આ ઘટના સંભળાવી હતી. શિક્ષકનો આત્મા પણ ત્યારે ખુબ દુ:ખી થયો હતો.
હવે જ્યારે નીલ-નલીને પોતાના એ જ શિક્ષકને વાત કરી કે અમારા ઘેર દાદા-દાદી આવ્યા છે ત્યારે એ શિક્ષકને મીઠો આઘાત ન લાગે તો જ નવાઈ.
સાંજે શાળા છૂટતાં જ શિક્ષક અંબરને ઘેર પહોંચી ગયા. જોયું તો આલીશાન બંગલામાં બે વૃદ્ધ હિંડોળે હીંચી રહ્યાં છે. હૈયે હેત અને પાંપણે પ્યાર ઊભરાઈ રહ્યાં. બેયના ખોળામાં નીલ અને નલીન આનંદની ગોષ્ટિઓ કરી રહ્યાં છે.
‎શિક્ષકને હર્ષ થયો. ઉમંગે હૈયું ઝુમી ઉઠ્યું. ચોતરફ નજર કરી. અન્ય કોઈ નજરે ચડ્યું નહી.
'લાગે છે અંબર નોકરીએથી મોડો આવશે. એની સંસ્કારી પત્ની પણ શાયદ બજારમાં ગઈ હશે.' શિક્ષકે મનોમન અનુમાન લગાવ્યું.
‎ભાવવિભોર બનીને એકટસ ઊભેલા શિક્ષક પર દાદા-દાદીની નજર પડી. એમણે ઉમળકાભેર આવકાર આપ્યો. સાથે બાળકોએ પણ ગુરૂજીનું સ્વાગત કર્યું.
'અંબર આપનો પહેલો પુત્ર કે બીજો?' પાણી પીતા પીતા વાતનો તાગ જાણવા શિક્ષકે વાત ઉચ્ચારી.
'બેટા...!' વૃદ્ધે બેટાથી શિક્ષકને વાતની શરૂઆત કરી. 'અમારા કૂખને આવા સો ટચના અદના દીકરાને જન્માવવાના ભાગ્ય જ ક્યાં? ભાગ્યશાળીના પેટે જ આવા પુત્ર અવતરે છે! અમે તો પેટે પથ્થરા જણ્યા સાહેબ, પથ્થરા!'
વૃદ્ધની આંખોએ બનેલી ઘટના કણાની માફક ફરી ખટકવા લાગી, ઊભરાવા માંડી.
દાદાએ વાતની શરૂઆત કરી:'સાહેબ....!! પૂરા સો વીઘા જમીનના માલિક હતાં અમે. કાળની થપાટ બહું ગોઝારી છે. સમો થયો ને કુદરતે અમારા કૂખે રૂપાળા બે દીકરા અવતાર્યા. એ દીકરાઓને જોતા આંખ ઠરતી ને હૈયા આનંદથી ઊભરાતા. ઉરમાં લાગણીના પ્રચંડ કૉડ લઈને એમને ઉછેર્યા. વખત જતા વળી એક દીકરી અવતરી, હૈયામાં જે વાતની કમી ખટકતી હતી એ પુરી થઈ. પરંતું દીકરી કરતાં દીકરાઓને ઉછેરવામાં કોઈ મણા ન રાખી. પેટે પાટા બાંધીને એમની જવાબદારી નિભાવી અને બે પાંદડે કરી આપ્યા. એવી ઘણી વેળા આવી જ્યારે અમારે ભૂખ્યા સૂવાનો વારો આવતો. અમે દીકરાઓને ભૂખ્યા ક્યારેય ન સૂવડાવ્યા; જો કે એ અમારી ફરજ, જવાબદારી કે લાગણી, માયા, મમતા જે હોય એ પણ અમે એમને મોટા કર્યા.'
દાદાએ પાણીનો ઘૂંટડો ભર્યો. આંસું લૂછ્યા. પોતાની વહાલી જીવનસંગિની તરફ દ્રષ્ટિ કરી વાત આગળ વધારી:'દીકરાઓને વખતે પરણાવી ગમતી વહું લાવી આપી, ઘર વસાવી આપ્યા. બેયને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડવા દીધી. દરમિયાન દીકરીને પણ રંગે ચંગે અને અઢળક ઉમળકાભેર પરણાવી સાસરે વળાવી.
કિન્તું જે ધામધૂમ દીકરાઓના લગનમાં કરી એવા ધૂમધામથી દીકરીનો માંડવો ન રોપી શક્યાનો વસવસો હજીયે હૈયે ડંખે છે.'
'હાથપગ ચાલ્યા ત્યાં લગી કામ કરતા રહ્યાં. હવે જીવતરના આંગણે ઘડપણ આવી પોગ્યું હતું. ને જોતજોતામાં જોબનવંતા ખોળિયામાં એ ઊતરી ગયું. અમને એના ભરડામાં લીધાં. અંતરમાં હવે અરમાન ઉમટ્યા કે હવે શાંતિથી હરિમાળા કરશું. દીકરાઓ સારે ઠેકાણે કમાતા થઈ ગયા હતાં એટલે લાગ્યું કે હવે એ અમને સાચવશે કિન્તું......!' બેય વૃદ્ધોની આંખે સામટો મહેરામણ ઉમટ્યો. નાના બાળકની માફક હૈયા હીબકે ચડ્યાં. અવાજ તરડાયો. ડોશીએ ડોશાને બાથમાં લઈ સાંત્વના આપી. નીલ અને નલીને ભીની આંખે દાદા-દાદીની ભીની આંખ કોરી કરી આપી. શિક્ષકે પણ પોતાની આંખ સાફ કરી.
'જવા દો હવે એ બધી બિહામણી વાતો. આપણે દીકરાઓ નહી પણ પથ્થરા જણ્યા'તાં જાણે! આપણા ભાગ્ય જ આવા હશે, કોઈને હવે દોષ આપ્યે શું ?' ડોશીએ સાંત્વનાના બોલ કહ્યાં.
‎દાદાએ વીતકકથા આગળ વધારી:'સાહેબ.. વખત થયો ને દીકરાઓએ નોખા થવાની વાત કરી. ભાઈઓ તો નોખા થતા આવ્યા છે એમ સમજી અમે વાત સ્વિકારી. અમલમાં મૂકી. જો કે અમારે સંયુક્ત કુંટુંબની જ ઈચ્છા હતી, કિન્તું આ નવી વહુઓને એ પોસાતું જ ક્યાં હતું?
સરસામાન, માલમિલકતનો વહેવાર કરવાની બે ઘડી મોર્ય ડોશી મને કાનમાં કહે, 'ડોશાજી! હું કહું છું જોજો...આપણને તો મોટો જ માંગશે!' કહીને એ હરખથી હલબલી ઉઠી હતી.
‎'ના, ના ! આપણે તો નાનાના ભાગે જ શોભીએ! જગનો નિયમ જ છે કે માવતર તો નાનો દીકરો જ સાચવે.' મે પણ મારી મંછા કહી.
‎અમે શીખવેલ સંસ્કાર, જીવન જીવવાની રીતો, જીવનને જાણવાની અને જોવાની રીતભાત, માણસાઈભર્યો વહેવાર એ બધાથી લાગતું હતું કે સૌ પ્રથમ બેય દીકરાઓ અમે કોના ભેગા રહીશું એની માગણી કરશે, કિન્તું.......!'
‎કિન્તું સઘળું વહેંચાઈ ગયું, બે સરખા ભાગ પડી ગયા. લૂગડાં-લતા, ઘરેણા-રૂપિયા અને જમીન પણ! અમે છેવટ લગી નોંધારાની માફક મોં વકાસીને બેસી રહ્યાં. એકેય દીકરો અમને માગે તો શું પણ તુટેલી ખાટલી, જૂની તપેલી અને બે ગ્લાસ અમારા જૂના ખોરડામાં મૂકી આવ્યા અને પોતપોતાને ઘેર વળ્યા. અમે નધણિયાની જેમ ઝાંખી પડવા મથતી કીકીઓમાં શ્રાવણ ભાદરવો ભરીને એકમેકને તાકી રહ્યાં. છતા દીકરાએ અમે અનાથ અને વાંઝીયા બન્યા.
‎બસ, સાહેબ...! એ જ ઘડીએ અમે પહેરેલે લૂગડે મહામહેનતે ઊભું કરેલું-દીકરા કરતાંય સવાયું લાડકું ઝુંપડું છોડ્યું. અમારું એ ગામ, એ ઝુંપડું અમને જતાં જોઈને જાણે ચોંધારે ચડ્યા હોય એવી દશામાં અમે એમને છોડ્યા. મંઝીલ નહોતી, નહોતી સફરની ખબર કે નહોતી ક્યાંય આશરાની ફિકર. સગા દીકરાઓય અમારા ન થયા તો પછી બીજા તો કોની પાસે આશરાની અપેક્ષા રાખીએ. પ્રભુએ બક્ષેલા જીવનનો મલાજો જાળવવા અમે જે જડી એ વાટ પકડી.'
'તો પછી તમે તમારી દીકરીને ઘેર કેમ ના ગયા?' શિક્ષકે છેલ્લો સવાલ ઉપાડ્યો.
'અરે સાહેબ..! બે દીકરાઓ પણ જે ન ઉપાડી શક્યા એવા આ રાંકડા ઘડપણનો ભાર દીકરીને માથે શીદને નાખવો? દીકરીનું ઘર ગરીબ. પણ જમાઈ લાખ રૂપિયાના. બાળપણમાં જ એના માવતર સંસારને સ્વાહા કરી ગયા હતાં. માવતરનું સુખ ન ભોગવી શકેલ જમાઈ અમને માવતર કરતાંય સવાઈ ખુશીથી અમારી સેવા ઉપાડી લેત. કિંન્તું એમને ભારી ન પડવાનું અમે મુનાસીબ માન્યું અને આખરે રખડતા-ભટકતા દશેક દિ'એ એક મંદિરે જઈ ચડ્યા.
‎સવારની વેળાએ મંદિરને ઓટલે એક તરફ-કોઈને નડીએ નહી એમ અમે પ્રભુસ્મરણમાં લીન બની દીન અવસ્થામાં બેઠા હતાં. હૈયે હોળી અને હોઠ પર ઝગમગાતી દીવાળી સમું તેજ હતું. એટલામાં દેવદૂત સરીખા અંબરનું આગમન થયું. ભગવાનની મૂરત પર નજર પડે એ પહેલા જ એની અમિદષ્ટિ અમારા પર ઠરી. એ નજરોએ અમારા અંતરે ટાઢક ઉમટાવી. અનાથ જાણી બળતે હૈયે ઉમળકાભેર એ અમને એના ઘેર લઈ આવ્યો.'
'જે દિવસથી અંબર અમને અહી લઈ આવ્યો છે તે દિવસથી એ મંદિર અને મંદિરના મારગને વીસરી ગયો છે. ઈશ્વરની માફક અમારી સેવા- આરાધના કરે છે એ.'
'જૂનું જે હતું એ દુ:ખ વીસરાવી દીધું છે અંબરે. કિન્તું એક નવું દરદ ક્યારેક આંખમાં ને અંતરમાં ઉથલો મારી જાય છે. અને એ વેધક વેદના એટલે અંબરને અમારી કૂખે નહી જન્માવી શકવાનો અને લાલનપાલનનું સુખ ના આપી શકવાનો અખંડ વસવસો.'
'અમારી અઢળક આશિષ એના પરિવારને યુગાન્તરો સુધી ફળજો.' કહેતા બંને વૃદ્ધોએ સામે બારણામાં ઊભેલા અંબર અને એની પત્નીના અમરતાભર્યા ઓવારણા લીધા.
* * *





૨. આબરૂ

દામું જેનો સખત ઈંતજાર કરી રહ્યો હતો એ ફોનની ઘંટડી રણકી ઊઠી. સાંભળતા જ એણે મૂછ પર તાવ દીધો. નરાધમનું કાસળ કાઢી નાખ્યાનો પારાવાર આનંદ ઊમટ્યો.
મંદ મુસ્કુરાહટભેર હળવેકથી એણે રીસીવર ઉપાડ્યું.
'હેલ્લો....ઓઓ...સર..સર..!' ભયંકર રૂદનનો અવાજ દામુના કાને ઉતર્યો.
બાપના કારમા મરણનું કાતિલ દુ:ખ કેવું હોય એ અનુભવાયું. ઝીણો આઘાત થયો. પલળેલી પાંપણે સંયમ ધર્યો ને ફોન કાને કર્યો, 'બોલો કોણ? શું થયું?'
'અરે સર, મારા પિતાજીનું ખૂન થઈ ગયું!' કહેતા કહેનાર ધ્રુસકે ચડ્યો.
‎'હેએએ! ખૂન? હાલ જ હું આવી પહોચ્યો. ક્યાંય સુધી ખૂનીને છોડીશ નહી.' કહીને દામુંએ ચાર પોલીસવાળાઓને લઈને મળેલા સરનામે ગાડી હંકારી મૂકી.
માર્ગમાં હોટલ પર ગાડી ઊભી રહી. ચા નો ઓર્ડર આપ્યો. એક પગ બાંકડા પર અને બીજો પગ જમીન પર રાખીને દામુ કંઈક વિચારમાં ચડ્યો.
'સર, ત્યાં ખૂન થયું છે અને આપ અહીં આરામથી ચા ની ચુસ્કી માણવા ઊભા રહ્યાં છો?' દામુના શાંત-કંઈ ન ઘટવાના અણસાર આપતા ચહેરા પર નજર કરી એક હવાલદારે પૂછ્યું.
'ખૂ....ન?' ચા ની ચુસ્કી ભરતા ઈન્સ્પેક્ટર દામુએ કહેવા માંડ્યું, 'ભગત, ખૂન થઈ ગયા પછીની ઉતાવળ શા કામની? ઉતાવળ કર્યે ક્યાં મરનાર પાછું આવવાનું છે?'
‎'અરે સર, પણ ખૂની તો ઝડપાઈ જાય ને?'
‎'પકડાઈ જવા માટે શું એ ત્યાં જ ઊભો હશે?' પછી મંદ હાસ્યથી એણે ઉમેર્યું: 'ભગત! ખૂની ક્યારેય નહી પકડાય! અંધારી રાતમાં એ ક્યાંય ઓગળી ગયો હશે!' કહીને ટેબલ પર ખાલી કપ મૂક્યો
‎'તો પછી સર, નક્કી એ ખૂની!' હોઠ પર આંગળી મૂકીને કંઈક ભેદ જાણી ગયાની અદામાં હવાલદાર વાલજીએ કહેવા માંડ્યું કે તરત જ વચ્ચે જ 'હવાલદાર વાલજી!' નો વ્હીસ્કીના કડવા પેગ જેવા કડક શબ્દો દામુના મુખેથી નીકળ્યા અને ચર્ચા ખોરવાઈ ગઈ.
ઈન્સ્પેક્ટર દામુ એટલે દયાનો સાગર. હમદર્દીનો બેતાજ બાદશાહ. માણસાઈના મોઘમ બાગ ભરેલા હતા એના દિલમાં. કોઈપણ સંજોગોમાં કોઈનું અહિત ન ચાહનારો એ માણસ હતો. અને આરોપીઓનો તો જાણે યમ!
સમાજના કોઈપણ વર્ગના ગમે તેવા માણસે કોઈપણ માણસને રંજાડવાની ફરિયાદ આવતી કે તત્ક્ષણ આરોપીનું એ આવી જ બનાવતો.
‎ખૂની અને બળાત્કારીઓનું તો ઠંડે કલેજે ઠંડું કતલ કરવામાં દામું પાવરધો હતો. છતાંય કોઈને એની ગંધ સુધ્ધા ન આવવા દેતો.
જે દુખિયારાના દુ:ખ દામુએ હર્યા હતાં એ સૌ એને ઈશ્વરની માફક પૂજતા હતાં.
સચ્ચાઈનો ચાહક અને માનવતાનો પૂજારી દામું એક નખશિશ વફાદાર પોલીસ ઈન્સપેક્ટર હતો.
ભયંકર અંધારું અજવાળાને પીવા માંડ્યું હતું. કાળરાત્રિ મારતે ઘોડે દોડી આવતી હતી. અંધારામાં કાળો ઓળો ક્યાંય ન દેખાય એવો વખત થયો એટલે એક સ્ત્રી લાંબો ઘુંઘટ તાણીને બીતી-બીતી ઘરેથી નીકળી.
એણે ચોફેર ચકોર નજર ફેરવી. પોતે નીકળી છે એ કોઈએ જોયું નથી એની પાક્કી ખાતરી કરી. ધીમાં છતાં લાંબા ઉતાવળા પગે એ પોલીસ સ્ટેશને પહોંચી.
થાણામાં લાઈટના અજવાળામાં પોતે પરખાઈ ન જાય એવી બીકે એણે ઘુંઘટ વધારે લાંબો કર્યો. બિલ્લી પગે દામુંની ઓફિસમાં ડરામણું ડોકિયું કર્યું. છાતીમાં ભયંકર ધબકાર હતો ને મનમાં ન કળી શકાય એવો વહેમ. એની આંખો સજલ બની. ઘેર ભાગી જવાને એ તત્પર બની.
એવામાં ડ્યુટી પૂરી કરીને ઘેર જવાની તૈયારી કરતા દામુની નજર દરવાજે ડોકાઈ. ઓળો નજરે થયો. એણે દીવાલઘડી તરફ જોયું.
'અટાણે એક સ્ત્રી અને અહીં?' જીવનમાં પહેલીવાર આટલી મોડે એક સ્ત્રીના ઓળાને એકલી પોલીસથાણે આવેલી જોઈ એને ભયંકર અચરજ થયો.
'અંદર આવો.' તદન શાંત છતાં ઝડપથી માનભેર શબ્દોથી એણે આવકાર આપ્યો.
‎સ્ત્રી ધીમાં ડગલે ડરતી-ડરતી અંદર પ્રવેશી. ચકળવકળ આંખે આમ તેમ દ્રષ્ટિ કરીને એણે ઈન્સ્પેક્ટરથી નજરો મિલાવી.
ડર, ગભરામણ અને ભયભીત સ્ત્રીને જોઈ દામુએ ઝડપી ઉકેલ આપવા પૂછ્યું: 'બોલો બેન, કેમ આટલે મોડે આવવું પડ્યું? શું તકલીફ છે?'
‎'સાયબ!' આંખો ભરાઈ આવી. એ આગળ બોલી, 'મારી દીકરીની આબરૂ સાયબ!' અને ચોંધાર આંસુએ રડી પડી.
‎દામુએ ઝળઝળિયાભરેલી આંખોએ સાંત્વના આપી.
'સાયબ, અમારા રાંકની આબરૂનું કોઈ રખેવાળ નહી? મારી દીકરીનું જીવતર ઝેર કર્યું રે ઝેર.'
દામુએ ઘટેલી ઘટનાની રજેરજ જાણી. કોઈનેય ગંંધ ન આવે એવી ચતુરાઈથી પેલી સ્ત્રીને ન્યાય આપવાની પાક્કી ખાતરી આપીને ઘેર પહોંચાડી.
‎ને દામું ઘેર જવાના બદલે સીધો જ ફાર્મ હાઉસ પર પહોંચી ગયો. પેલી સ્ત્રીના બતાવ્યા મુજબના મારગે એ સીધો જ ત્રીજી મજલે ચડ્યો. એણે અધખુલ્લા દરવાજામાંથી ડોકિયું કરી ચોર નજરે અંદર તાક્યું. મહીં તેજમલ નામનો આધેડ આદમી હુક્કો ગટગટાવી રહ્યો હતો. બરાબરના બે કસ ખેંચ્યા બાદ એ બબડ્યો, 'હાશ! આખરે પેલી સવિતા ઠેકાણે આવી જ ગઈ! આપણે જ ડરી ગયા હતાં ને છેવટે એને જ કેવી ડરાવી મૂકી!' જાતે જ મૂછોના ઓવારણા લેતો ફરી મોટેથી બોલ્યો: 'વાહ, તેજમલ, વાહ! પહેલા અજાણતા ધમાલ કરીને પછી કેવો કમાલ કર્યો! હાશ, બચી ગયો તું! બચી ગયો!'
એ અવાજ દામુને કાને પડ્યો. એ નખશિશ ઊકળી ઊઠ્યો.
'બચી નથી ગયો તેજમલ! મોતને વહેલું તેડું આપ્યું છે, તેડું!' અચાનકનો અવાજ સાંભળતા જ તેજમલ હેબતાયો. ગભરામણથી હુક્કો વેરણછેરણ થયો. ને એ પરસેવે નહાઈ રહ્યો.
‎'ઈન્સ્પેક્ટર દામુની ગોળીથી આજસુધી કોઈ ખૂની કે બળાત્કારી બચી જ ક્યાં શક્યું છે?' કહેતા દામુએ તેજમલના લમણે બંદુકનું નાળચું ભરાવ્યું. તેજમલના મોતિયા મરવા લાગ્યા. હવાતિયા ખાવા લાગ્યો.
તેજમલ એટલે એકસો પચ્ચીસ વીઘા જમીનનો એકનો એક માલિક. ખેતીના મબલક પાક અને પશુપાલનથી એ સારી એવી પૂંજીનો ધણી બન્યો હતો. શાહી એનો ઠાઠ હતો. એના પાંચ સભ્યોમાંથી કોઈ સળી ભાંગીને બે નહોતું કરતું. બધા જ કામ માટે મજૂર રાખેલ હતાં.
‎તેજમલ પૈસાદાર જરૂર હતો કિન્તું માનમર્યાદાની પૂરતી કમાણી કમાઈ શક્યો નહોતો. ગામમાં કે પંથકમાં કોઈ ખરાબ કામ તો નહોતા કર્યા પણ સારા કહી શકાય એવા કર્મો પણ એના કર્મના ખાતામાં ક્યાં જમા કરી શક્યો હતો! એનું મન બસ મોજશોખમાં મંડાયેલ હતું. તેમ છતાંય સીધા માણસ તરીકેની છાપ હતી એની.
એક વખતની વાત છે.
સૂર્યાસ્તનો સમય હતો. સંસારના સર્વ જીવો ઘેર જવાની તૈયારી કરી રહ્યાં હતાં. એવે સમયે તેજમલ પણ એની ગાડી લઈને ફાર્મ હાઉસ ભણી વળી રહ્યો હતો. વાડીમાં વળતાં જ નિત્યની ટેવ મુજબ એણે ચોતરફ નજર ઉડાવી. અચાનક એણે જોયું તો દૂ...ર શેઢા પર કોઈ કંઈક મથામણ કરી રહ્યું હોવાનું નજરે પડ્યું. તેજમલે આમતેમ જોયું અન્ય કોઈ કળાયું નહી એટલે એણે ખુદે જ ગાડી ઊભી રાખી. ઝીણી નજરે ફરી જોયું તો એક યુવતી ઘાસનો ભારો ઊંચકવાની વ્યર્થ મથામણ કરી રહી હતી. તેજમલને દયા આવી. મનમાં મદદની ભાવના જાગી. જીવનમાં પ્રથમવાર મજૂર તરફે એને હમદર્દી જાગી.
'છોકરી! કોણ છે તું ?' નજીક પહોંચતા જ તેજમલે અમથો સવાલ કર્યો.
‎છોકરી હળવી ગભરાઈ. પછી શાંત ભાવે ઉત્તર વાળ્યો: 'કાકા, હું સવિતાની છોરી.' કહેતી એણે ફાટેલા સાડલેથી યૌવન ઢાંકવાની કોશિશ કરી, જે રીતે માં એ શીખવ્યું હતું એ રીતે. ને એ જ પળે તેજમલની દષ્ટિ એના ઊભરા લેતા ઊભારો પર બેઠી. યુવતી જેમ જેમ એના શરીરને ઢાંકવાની મથામણ કરતી હતી એમ એ લઘરવગર લૂગડામાંથી જાણે ડોકિયું કરી રહ્યું હતું.
લજ્જાભેર છોકરી ફરી ઘાસનો ભારો ઊંચકવાની વ્યર્થ કોશિષ કરવા લાગી.
'લે! ઊભી રહે.' કહેતા તેજમલે શેઢો ઠેક્યો. ભારાને હાથ અડાડતા ફરી બોલ્યો: 'લે, ઊપડાવી દઉં.' કહીને એણે ભારો ઊંચકવા માંડ્યો. ભારો માથે પહોંચતાં પહોંચતાં જ સરક્યો. પળમાં ભોંય ભેગો થયો. યુવતીનો ફાટ્યો તૂટ્યો સાડલો પણ.
ભારો પડતી વેળાએ ફરી ટેકો આપવાના પ્રયાસ વખતે તેજમલનો હાથ અનાયાસે જ છોકરીની છાતીએ ગયો! ને એ સાથે જ તેજમલના માહ્યલાં એરૂએ ફેણ ચડાવી. છોકરી ભોય પરથી સાડલો લઈને બદન ઢાંકે એ પહેલા તો તેજમલનું તન કામાતૂર થયું.
દયાની જે પવિત્ર ભાવનાથી આવ્યો હતો એ તેજમલ નિર્દય બન્યો. ઘડીકમાં જે માણસ હતો પળમાં જ પાપી પિશાચ બની ગયો!
દર્દની ભયંકર ચીખ તેજમલની ભરચક ભુજાઓમાં દબાઈ ગઈ. ને રાંકની મોંઘેરી મિરાતસમી આબરૂને દાગ લાગ્યો. હૈયામાં દર્દનો દવ લાગ્યો.
સમી સાંજે ચીમળાયેલા ચમન સમી હાલતે છોકરી ગામ વચ્ચેથી નીકળી. કેટલાંકની નજર પડી, કેટલાંકે જોયું ન જોયું કર્યું. છતાં કોઈની આંખો છોકરીના ડિલને કે દર્દને પારખી ન શકી.
‎આંગણે આવતાં જ છોકરીના હીબકા ભારે ચિત્કારમાં ફેરવાયા. ઢળતા જતાં આછા અંધારામાં સવિતાએ દીકરીની વેદના પારખી. કિન્તું તેજમલ આવું કંઈ કરે એ એના માન્યામાં આવ્યું નહી. ને અન્ય કોઈની હિંમત બને નહી કે તેજમલની વાડીમાં આવો કાળો કૅર વર્તાવી શકે!
સવિતાના માન્યમાં ન આવે છતાંય માનવું પડ્યું. માં જણ્યાસમ લાગતો તેજમલ નરાધમ નીકળ્યો, હવે શું?
‎એક તરફ ચૂલો સૂનમૂન પડ્યો હતો. બીજી પા સવિતા ઘેરા વિમાસણમાં સપડાઈ. કોને કહેવું કે દીકરીની આબરૂને બેઆબરૂ કરવામાં આવી છે? એક જ સમયે બે સ્ત્રી ધ્રુજી ઊઠી. સવિતાને જીવતર ઝેર લાગ્યું ને એની દીકરીને જવાની ઝેર લાગી. ગરીબી-વિવશતા અને નોંધારાપણું દાનવસમ ભાસ્યું. એક વિધવા હતી ને બીજી નબાપી હતી. કોની કને મદદ માગવી? ને માગવાથી મદદ મળશે કે મળશે બદનામી!
બંનેના ચહેરા પર કાળરાત્રિ સમી ભયંકર માયુસી છવાઈ ગઈ.
‎'સવિતા..!!' ખખડધજ ખોરડામાં અડીખમ છતાં તરડાયેલ આવાજ ઊતર્યો. સવિતાના સરવા કાનોએ એ સાદ વરત્યો. દર્દના વાળું ને આંસુઓના પાણી અડધે છોડી સવિતા બારણે આવી.
સવિતાએ કાળ ભાળ્યો. કાસળ કાઢી નાખવાનું મન થયું.
તેજમલને પારખતા જ છોકરી પડોશમાં ભાગી ગઈ.
‎'સવિતા, ગઈકાલે મારાથી ગલતી થઈ ગઈ.' કહેતા એણે વીસ હજારની થપ્પી સવિતાની સામે ધરી. ખુદની આબરૂનો કચ્ચરઘાણ વળી જવાની વિવશતા સાથે.
‎'અમ રાંકની આબરૂનું બસ આટલું જ મૂલ? ક્યાં મોં એ તું મારી દીકરીની ઈજ્જતની કિંમત આંકવા આવ્યો છે?' કહેતા હતું એટલું જોર કરીને સવિતાએ ભૂંગળી ઊંચકી, તેજમલનો વધ કરવા જ. એ ભોંઠો પડ્યો.
‎'એય સવિતા, શાંત થા. તું મારું કશું જ ઉખાડી શકવાની નથી. તું માનતી હોઈશ કે આ રૂપિયા તારી છોકરીની લૂંટાયેલ આબરૂની કિંમત છે તો એ તારી ભૂલ છે. આ રૂપિયા તારી અને તારી છોકરીની આબરૂ ઢાંકવાની મૂલ્યવાન મૂડી છે.' નિર્લજ્જ અને નફ્ફટાઈ ધરીને એ આગળ બોલ્યો, 'દેખ સવિતા, કાલે શાયદ લોકોને ભાળ મળે કે તારી દીકરીની આબરૂ!'
‎સવિતા થરથરી ઊઠી. એણે ભૂખ્યા પેટે ગમ ખાધો.
‎બે-ચાર દિવસો વીતી ગયા. સવિતાને ચૈન નહોતું પડતું. લૂંટાઈ ગયેલી ઈજ્જતની આણ રાખવા એ કશું કરી કે વિચારી શકવા અસમર્થ રહી.
‎'સમાજમાં-લોકોમાં આબરૂ રાખવાના લીધે હું મારી દીકરીની લૂંટાયેલી આબરૂની ઈજ્જત રાખવા બેઠી છું? જે લૂંટાઈ જ ગઈ છે એનો મોભો રાખ્યેય હવે શું? લોકમાં દીકરીને બેઆબરૂ થવાના ભયથી લૂંટાયેલી લાજ પાછી આવી જવાની છે શું?' એક રાત્રે પડખા ઘસતી સવિતા વિચારી રહી.
‎'ના, હવે હું જંપીશ નહી. મારી કંચનસમી દીકરીની કોમળ કાયાને આમ અભડાવીને ચીમળાવનારને ગમે તે ભોગે ઉઘાડો કરીને જ રહીશ! એને જેલને હવાલે કર્યા વિના હવે જંપીશ નહી.' એક દઢ નિશ્ચય થયો.
બીજી સાંજે સવિતા મહાભિનિષ્ક્રમણ કરવા પોલીસથાણે ઉપડી. 'મારી દીકરીની આબરૂ લૂંટી!' સાંભળતાં જ દામુના દિલમાં રહેલ દેવ પ્રગટ થયો. એણે એ જ ઘડીએ તેજમલની વાડીની વાટ પકડી.
‎'ઈન્સ્પેક્ટર સાહેબ! મારાથી અજાણતા એ ભૂલ થઈ! મને માફ કરી દો. હું આપની આગળ મારા જીવતરની ભીખ માગું છું.'
'હટ! સાલા, એક માસૂમ અને સગી દીકરી સમી છોકરીનું શિયળ અભડાવતા તને શરમ ન આવી, નીચ-નુગરા?' દામુએ લમણે બંદુક ભરાવીને ટ્રીગર પર આગળી બેસાડી.
‎'સાહેબ મને......!'
‎'અરે, હટ રે ભૂંડા....!'
‎તેજમલ અત્યારે જે ભીખ માગી રહ્યો હતો એનાથીયે દર્દનાક રીતે પેલી છોકરી કરગરી હતી છતાંયે પોતે ક્યાં દયા રાખી હતી, એ સાંભર્યું. મનમાં થયું હું ખુદ કોઈને બક્ષી ન શક્યો તો મારા પર તો કોણ રહેમ કરવાનુું? નાસીપાત થયો. મોત મુઠ્ઠીમાં લીધું.
‎દરમિયાન દામુએ એના રામ રમાડી દીધા. તેજમલનું કામ તમામ કરીને એ સીધો જ સવિતાને સારા સમાચાર આપી આવ્યો. ત્યાંથી સીધો જ પોલીસસ્ટેશને પહોચ્યો.
દામુ ફોનના ઈંતજારમાં બેઠો હતો અને સવિતા ઘેરા વિમાસણમાં સરી પડી.
એ વિચારતી હતી: 'શું તેજમલના મરણથી મારી દીકરીની ઈજ્જતને રૂઝ આવી જશે? એ કાળમુખો તો ગયો કિન્તું મારી દીકરીના દાગનું શું?'
વળી પાછો વિચાર ઉદભવ્યો: 'એક તેજમલ ગયો પરંતું ન જાણે આવા કેટલા નરાધમ તેજમલ સમાજમાં ને જગતમાં રખડતા હશે? ફરી દીકરી સંગે આવું કાળું કલંક નહી જ થાય એની ખાતરી શું?' આ અનુત્તર સવાલનો એના અજાગ્રત મને જાણે ઉત્તર વાળ્યો: 'બળાત્કારની સજા કણઈપણ પ્રકારનું મોત કે જેલની સજા હરગિજ ન હોવી જોઈએ.બલકે આવા બેબાક બળાત્કારીઓને તો સરાજાહેર ખસી કરીને આખલાની માફક રખડતા-રઝડતા મૂકી દેવા જોઈએ. પછી જોઈએ ક્યા માઈના લાલનું જીગર ચાલે છે કે આવું નાલાયક-હલકટભર્યું કામ કરી શકે?'
‎રાતના અગિયારેક વાગે દામુ પોતાના જમાદારના કાફલા સાથે તેજમલની મેડીએ પહોંચી આવ્યો, તેજમલના મરણની કડી મેળવવા જ!
એણે જોયું તો તેજમલના હાથમાં બંદૂક હતી. એક હાથમાં સ્યુસાઈડ નોંધની ચબરખી હતી. જેમાં લખ્યું હતું: 'મે સંસારની સઘળી મોહમાંયા માણી લીધી છે. હવે મારે કશું કરવા-જોવા-ભોગવવા લાયક રહ્યું નથી. માટે આપમેળે જ આ ફાની દુનિયાને અલવિદા કરી જાઉં છું.'
રાત અંધારામાં ઓગળતી જતી હતી.
* * *

૩.બળતા બપોર
ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચુડ કીચુડ અવાજ કાને પડતો જણાતો હતો.
એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો.
મેં જોયું તો એક સ્ત્રી કેડમાં બાળક તેડીને કંઈક અમર આશ લઈને ઊભી હતી. માથા પર નાનકડું પોટલું હતું ને એક હાથમાં થેલી. આશાભરી આંખે એ મારો ચહેરો વાંચવા મથી રહી.
ફેરિયા જેવી લાગતી એ સ્ત્રીને ભરબપોરે જાકારો આપતા જીભ ન ઊપડી. ને મે હળવેકથી જાળી ખોલી, મીઠો આવકાર આપ્યો.
ડિલે સહેંજ દૂબળી, વાને શ્યામ. પરંતું દેખાવે જરા આકર્ષક. એના જીર્ણ છતાં સ્વચ્છ લૂગડાં મન મોહી લેતા હતાં. બાળકના શરીર પરનો સદરો અને થીગડાવાળી ચડ્ડી પણ ચોખ્ખા હતાં. એ સ્ત્રી સ્વચ્છતા બાબતે ઘણી સુઘડ હતી એ જોઈ આનંદ થયો.
હું પીસેલા હોઠે એના આગમનનો અણસાર પામવા મથી રહ્યો.
એટલામાં હું પાણી લઈ આવ્યો. મે જોયું તો એનું બાળક મારા બાળકના રમકડા સાથે રમવામાં મશગૂલ હતું. પેલી સ્ત્રી એ બાળકને જોઈ મનોમન હરખાતી, પોરસાતી જતી હતી. છતાંય હાથના ઈશારા વડે કૉરે આવી જવા જાણે ધમકીભરી વિનવણી કરી રહી હતી.
" લો બેન, પાણી!" મે બાળક સામે જોતાં પ્યાલો ધર્યો.
"ઓમ આવતી રે, બેટી. લે, પોણી આલું." કહીને સ્ત્રીએ એની થેલીમાંથી પ્યાલો કાઢ્યો.
"બેટી" પરથી મને ખાતરી થઈ જ ગઈ કે એ બાળકી હતી. એના પર એની માં ના વાક્યોની કોઈ જ અસર ના થઈ. એ રમતમાં ઓતપ્રોત રહી.
"ભલે રમતી, રમવા દો! આમેય આ રમકડાં હજું બીજા બાળકોને કામ આવ્યા જ નથી. મારો બાબો કોઈને રમવા આપતો જ નથી!"
"સોકરાં તો એવા જ હોય, સાયબ." કહી એણે મારી તરફ એનો પ્યાલો ધર્યો, કહ્યું:"લો, પાણી આમાં રેડી દો."
અસ્વસ્થ થતાં મે કહ્યું, બેન સીધું આ જ ગ્લાસમાં પી લ્યો, કશો જ વાંધો નથી!"
"ના, સાયબ!" એણે નકારમાં માથું હલાવ્યું. કહ્યું:"હું તમને ક્યાં અભડાવું? સાયબ!"
બારણે મારી નજર પડી. મારો બાબો બારણું ઝાલીને એના રમકડાંથી રમતી પેલી છોકરીને જોઈ રહ્યો હતો.
મને ચિંતા થઈ. હાલ જ આ બંને વચ્ચે ઝપાઝપી થવાની! કિન્તું ઈશ્વર કૃપા, કશું જ બન્યું નહી. મારો બાબલો એ બાળકીની પાસે જઈને ગુમસૂમ બેસી ગયો. એના વર્તને મને નવાઈથી નવડાવ્યો. એ ઊંઘમાંથી ઊઠ્યો એટલે કે અન્ય કોઈ કારણોસર એણે રમકડા આંચક્યા નહીં. હું ખાસ કંઈ જાણી શક્યો નહી.
"અરે બેન! જમાનો બદલાઈ ગયો! હવે આવું કશું જ રાખવાનું ના હોય, લો પાણી પી લ્યો!"
એ મને ટગર ટગર માત્ર જોઈ રહી. કોઈ પ્રતિક્રિયા વિના જ.
"બેન, આભડછેટની પીડા મેં ભોગવી છે, અનુભવી છે અને ભોગવું છું. માટે તમને એ પીડાનો અનુભવ કરાવવા નથી ઈચ્છતો. કહેવાતા ઉજળા લોકો અમારી આભડછેટ રાખે છે, અમે તમારી રાખીશું તો પછી આ ત્રાસવાદી દૂષણ ક્યારે અટકશે? જાતિભેદ અને અસમાનતાના આ મહાદાનવને આપણે સહિયારા પ્રયત્નોથી ડામીને દેશવટે મૂકવો જોઈએ. તમારે એમાં સંપૂર્ણ સહયોગ કરવો જોઈએ."
હું આગળ કંઈ બોલું એ પહેલા જ મારી મક્કમતા જોઈ એ સ્ત્રીએ લાચારીસહ મારા કરમાંહેથી હળવે રહી પ્યાલો સરકાવી લીધો. એનું હૈયું હરખાતું હતું અને વદન કચવાતું હતું એ હું જોઈ રહ્યો.
પાણી પીને એણે પોટલું ખોલ્યું. માંહેથી ખાટલાના પાયાની નીચે અને ધાતુના ડબ્બાની નીચે લગાવવાના દટ્ટા કાઢ્યા. કહેવા લાગી: "લો, સાહેબ આ દટ્ટા! સારા જોઈને, માપીને લઈ લો!"
"ના... નથી લેવાના હો! તમને કેમની ખબર પડી કે અમારે દટ્ટાની જરૂર છે?" ખાટલા તરફ જોઈ મેં કહ્યું.
"અરે સાયબ! આ જુઓને!" ભીંતને અઢેલીને ઊભેલા હારબંધ ખાટલા તરફ આંગળી ચીંધતી એ બોલી: "આ જુઓ, એકેય ખાટલાને દટ્ટા જ ક્યાં છે!" કહેતી એ ખુદ પાયાનું માપ કાઢવા લાગી.
હું અચકાયો. એની જબરજસ્તી મને ખુંચી.
"પરંતું બેન! અમે એ ખાટલાનો ઉપયોગ જ નથી કરતા, તો પછી દટ્ટા ચોડવાની જરૂર જ ક્યાં છે!"
"અરે, રાખી લો સાયબ! આપણા બંનેનું કામ થઈ જશે!"
એની મીઠી કાકલુદીભરી જબરજસ્તી સાંભળી મને જબરૂ કૂતુહલ થયું.
દરમિયાન મે જોયું તો બાળકી ભૂખી થઈ હોય એમ ત્વરાએ આવીને એની માંની છાતીએ વળગી. ઘડીક છાતીએ વળગે ને પળમાં જ રડતી- રડતી એ છોડી મૂકે. એ સ્ત્રી એના વાંસે હાથ ફેરવતી સાંત્વના આપ્યે જાય.
ભૂખથી તરફડતી એ બાળકી પર મને તીવ્ર અનુકંપા વછુટી. મારૂ બાળક માત્ર અકારણ જ રડે તોય મારૂ કાળજુ ચિરાઈ જાય છે, તો આ બેબી તો ભૂખથી ક્રંદન કરી રહી હતી. મારૂ બાળક આમ રડે તો હું કેવા કેવા વાના કરૂં! એ ખયાલ ઊઠ્યો. ને એ સાથે જ મે ખીસ્સામાંથી વીસ રૂપિયાની નોટ કાઢીને એની સામે ધરી. કહ્યું; "લો, બેન બાળકીને કંઈક ખવડાવજો."
ને એ સાથે જ એ છંછેડાઈ! જાણે એની આબરૂની મે ફજેતી ઉડાવી હોય એમ જ. મનોભાવ બદલતી એ કહે:" ના, સાયબ ના હો! ભીખ કે દયા ન જોઈએ મને! અમે મા-દીકરી નિરાધાર જરૂર છીએ પરંતું ભીખની હકદાર જરાયે નથી હો!"
એણે અતીત ખોદવા માંડ્યો. કહે:"સાયબ, ગરીબ જરૂર છું. લાચાર જરાયે નથી. ભૂખ પોસાસે કિન્તું ભીખ કે દયા હરગિજ નહીં. અમ જેવા ખમીરવંતા રાંકને દુનિયાદારીથી દયાની નહિ, હમદર્દની જરૂર છે. અને હાં, સુખેથી બે ટંકના રોટલા રળી લેવાની આબરૂદાર ત્રેવડ છે મારામાં. કિન્તું આ બાળકીને ખાતર એ કરી શકતી નથી એ મારી મજબૂરી છે. એટલે જ આમ દર દર ભટકીને પેટપૂજા કરવી પડે છે."
એણે આગળ વધાર્યુ;" ઘરવાળો ગુજર્યો ને મારે માથે દુ:ખના પહાડ ઉતર્યા! હું સાવ જ નિરાધાર થઈ. આંખે આંસું અને અધરેથી દર્દ નીતરતું હતું. એક તો એ ગયા એનું કારમું દુ:ખ હતું ને બીજું જે હયાત મૂકી ગયા હતાં એ મારી આ દીકરીની જાળવણીનું, સાચવણીનુ, ઉછેરનું, એને આબાદ રાખવાની પારાવાર પીડા ઉમેરાણી. આભ તૂટી પડ્યા જેવી વલે થઈ! પણ મે હિંમત રાખી.
સાયબ, સંસાર કેટલો અસાર થઈ ગયો છે એની આપને તો જાણ હશે જ. આજના વિકસતા જુગમાં જો કોઈ ચીજનું સૌથી વધારે મૂલ ચૂકવવું પડતું હોય તો એ છે ઓરતોની આબરૂનું! અબળા ઓરતોની આબરૂને ધૂળ કરવી એ તો આજના કાયર માણસનું ચપટી વગાડવા જેવું કામ. અને એમાંય આજે દીકરીઓની આબરૂ બેરોકટોક ન લૂંટાઈ હોય એવો એકેય દિવસ ક્યાં ગુજરે છે. જાણે સ્ત્રીઓને બેઈજ્જત કરવાની હોડ જામી ન હોય! એમ છતાંય ન જાણે કોની રહેમથી આવી જઘન્ય ઘટનાઓ ઘટવાને બદલે ઉલટી વધતી, વકરતી જ જાય છે!"
હું ભરી આંખે સુણતો રહ્યો ને એ એની કરમ કહાણી કહેતી રહી. આગળ કહે:" શરૂઆતના દિવસોમાં મૂલમજૂરી કરી ગુજરાન ચલાવતી, પરંતું ત્યાં વારેઘડીએ રડતી
બાળકીને છાની રાખવાના એક જ ખયાલે ધાવણ ધવરાવતી. એ સમય વેડફાતો જોઈ માલીકોને ગમતું ન હતું. ને મેં રડતી આંખે હંમેશ માટે મજૂરી છોડી મૂકી, ને રખડીને રોટલો રળવાના આ ધંધામાં વળી! દિ' આખો ભમીને આખરે ગુજરાન રળી લેવાય છે, એનો અદકેરો આનંદ છે. દુ:ખ-દર્દ, પીડા છે તો માત્ર નિરાધારપણાનું. નજીકના પરિવારનું નજીકમાં કોઈ જ નથી. શહેરના છેવાડે ઝુંપડપટ્ટીઓના ઓથે છેડા પર ઝૂંપડું બાંધીને રહું છું.બસ, ક્યારેક એ ઝુંપડી ભેગી હું કે મારી આ બાળકીને કોઈ પાશવી ઉપાડી ન જાય કે અભડાવી ન જાય એ એક જ બીકે મારી છાતી ધબકારો ચૂકવા મથે છે, બાકી તો લીલાલહેર છે, સાયબ!"
"આને આટલામાંય લીલાલહેર છે ને હું? આટઆટલો પગાર છતાંય જાણે કંઈક ખૂટતું કેમ લાગે છે? કેવી વિચિત્રતા?" હું એની મક્કમતા, જીંદાદિલી જોઈ સ્વગત બબડ્યો.
એણે વાત અધૂરી મેલી આંસું લૂછ્યા. પરસેવાથી રેબઝેબ બાળકીને પાલવથી હવા નાખી રહી. એ જોઈ મે ટેબલપંખો એની તરફ ફેરવ્યો.
અને મે આખરી ઉપાય તરીકે કહ્યું:"બેન, આ ખાટલા અમે ઉપયોગમાં નથી લેતા એટલે દટ્ટાની જરૂર નથી જ. અને રહી વાત પૈસાની તો એ પૈસા હું મારી દીકરી સમજીને આપું છું, રાખી લો."
"ના, સાયબ! માફ કરજો. હું મારા સ્વબળે અને આત્મભરોસે જીવી લેવાની પ્રતિગ્ના લઈ બેઠી છુ! આપની માનવતાભરી પ્રેમાળ ઉદારતાને સલામ. છતાંય તમારે મદદ કરવી જ હોય તો આ દટ્ટા લઈ જ લો."
અને મે સહર્ષ એણે કહેલા ભાવે અને એણે આપ્યા એવા દટ્ટા લઈ લીધા.
અમારી મીઠી રકઝક સાંભળી મારી પત્નીની ઊંઘ ઉડી ગઈ હતી. એ ઓસરીમાં આવી. પેલી બાળકી એની માં ના ખોળામાં મીઠી નીંદર માણી રહી હતી. હું ખાટલાના પાયામાં દટ્ટા લગાવવા લાગી ગયો હતો. મારો બાબો દટ્ટા ઝાલીને મારી પડખે ઊભો હતો. પેલી બાળકી ઊંઘ પૂરી કરીને જાગી ત્યાં સુધી મારી સ્ત્રીએ અને પેલી બાઈએ અલકમલકની વાતોના વડાં કર્યા.
આ બીનાને વીસેક દિવસ વીતી ગયા હતાં.
શાળએથી છૂટ્યા બાદ હું હાઈવે પરની ચોકડી પર મિત્રો સાથે બેઠો હતો.
શેરડીના રસનો પ્યાલો ઘુંટડે ઘુંટડે ખાલી થતો જતો હતો. એવામાં મારી નજરે ભૂખથી ટળવળીને બેવડ વળેલા એક છોકરા પર પડી. હું પળભર એને તાકી રહ્યો. 'શાળાએ જવાની ઉંમરે આમ કેટલા બાળકો રેંઢિયાળા બનીને ભીખ માગી રહ્યાં હશે?' આ સવાલ સાથે આપણી વ્યવસ્થા અને કુદરત પર ધૃણા ઉપજી.
છોકરો સાવ દયામણે મોઢે એક હાથ લોકો સામે અને બીજો પેટ પર તથા મોં પાસે વારાફરતી લાવીને ભીખ માટે આજીજી કરતો હતો. જાણે નવજીવન માંગી રહ્યો ન હોય! પરંતું કોઈનામાં એની દરકાર કરવાની જાણે હિંમત જ નહોતી.
હું ઊભો થઈને અથવા બૂમ પાડીને છોકરાને પાસે બોલાવીને કંઈક આપું એ પહેલા જ એક સ્ત્રી ત્યાં આવી ઊભી રહી. ઓળખીતી લાગતી, એને હું ઓળખી ગયો. એણે પોટલું નીચે મૂક્યું. એની બાળકીને ભોંય પર બેસાડી. પેલા છોકરાને જોતાં જ એણે થેલીમાંથી બિસ્કીટનું પોકેટ કાઢીને છોકરાને આપ્યું ને ખોળામાં બેસાડી વહાલ વરસાવવા માંડ્યું! ખુશીનો માર્યો છોકરો આકળવિકળ બનીને લોકોની નજરોમાં જાણે કે કંઈક જોતો, કંઈક બતાવવા માંગતો હોય એમ ચોફેર નજરો ફેરવી રહ્યો.
તે એ જ સ્વાભિમાની સ્ત્રી હતી જે મારા ઘેર દટ્ટાઓ લઈ આવી હતી.
મારો હાથ ખીસ્સામાં જ રહ્યો. અંદર પૈસા તો હતાં કિન્તું સીનામાં જાણે હૈયું જ નહોતું.
* * *





૪. નાતરું....
હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર નૂર.
ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી.
ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું.
દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો.દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી જતી હતી.
દાદીના હૈયાના ધબકાર હજી તેજીમાં હતાં. એનો શ્વાસ જાણે મહાધમણ! કરચલીભર્યા ગાલ વાટે આંસુઓ સીધા પાલવના કિનારે ઊતરવા લાગ્યા. પૌત્રવત્સલ પ્રેમાળ-લાગણીછમ્મ દિલમાં ભયંકર સુનામી સર્જાઈ. હૈયું સરરરાટ કરતું તરડાયું.
'શું થયું મારા એકમાત્ર પૌત્રને? મારા એકના એક રાંકના રતનને કોણે માર્યો-ધમકાવ્યો? શાને આમ આજે અચાનક રડે છે?'
કંઈ કેટલાય અનુત્તર સવાલો પાંપણની અણીએ ઘોડાપૂર બનીને ઊમટ્યા. એ વિચારે ચડી. ફરી મનમાં જ બબડી: 'મારા કુલદીપક ! તું તો મારી એકોતેર પેઢીને તારનાર.અને તું જ આમ રડે છે? તને કોણ મારી- વઢી શકે?'
દાદી ગુસ્સાભેર જબરા જુસ્સે ચડી. ફાટવાની તૈયારી કરતા તિતરવિત્તર પાલવથી એણે પોતાની અને પૌત્રની ભીની તરબોળ આંખો કોરી કરી. ફાળ પડેલા હૈયાના હિલ્લોળે ચડેલા સુનામી સમાં તરંગો શાંત કરવા મથામણ આદરી. દાદીએ ધીમાં અવાજે બચીઓ ભરતા પૂછ્યું: ' દીકરા દીપક, કેમ આમ દોડતો-રડતો આવ્યો? તને કોણે માર્યો-ધમકાવ્યો? જલદી બતાવ! સાલાના હાડકા જ ભાંગી નાખું.' શરીરે સાવ શિથિલ ડોશીએ યૌવનભર્યું જબરું પૌરૂષત્વ બતાવ્યું.
ઉત્તરમાં દીપક ટગર ટગર દાદીની આંખો અને ચહેરાના ન કળી શકાય એવા ભાવો વાંચવા મથી રહ્યો. એના ધબકાર હજી ચાલું જ હતાં.
દાદીએ ગભરું દીપકને ફરી છાતીસરસો કર્યો. પ્રચુર વહાલથી નવડાવી લીધો. ગભરાયેલા દીપકે દાદીની દાઢી ફરતે હાથ ફેરવતા કહેવા માંડ્યું: 'દાદી, હવે હું શાળાએ નહી જાઉં!' કહીને એ સંકોચાયો.
‎'કેમ, મારા લાલ કેમ? શું થયું બોલ?' સાશ્ચર્યથી દાદીએ વીગત જાણવા કોશિશ કરી.
‎'નહી, હવે તો હું નહી જ જાઉં!' કહેતાંક જ દીપક ઝડપભેર ઘરમાં ઘુસી ગયો. અંદરથી બારણું વાસી દીધું. દાદીને ફરી ફાળ થઈ.હૈયું ડામાડોળ થયું.
દાદીનું નામ ચંપાબા.
ઉંમરના છઠ્ઠા દાયકાના પડાવને ઓળંગી ચૂક્યા છે. એક જ દીકરાના જનની છે. ને એકના એક પૌત્રના એકમાત્ર વારસદાર. એકમાત્ર પૌત્ર દીપક સિવાય એમનું કોઈ જ નથી. ને દીપકને પણ દાદી સવા ક્યાં કોઈ છે! ચંપાબા સાવ ગરીબીમાં જ જન્મ્યા, ઉછેર્યા અને ગરીબીમાં મોંઘેરા જીવનનો ગુજારો કરે છે. સંસારની અનેક તડકી-છાંયડીઓ જીવી અને અનુભવી છે.
‎પેટમાં પુત્ર ઉછરી રહ્યો હતો. આઠમો માસ ચાલતો હતો. ક્યારેક પતિને મજુરી ન મળતી ત્યારે અડોશપડોશમાંથી ઉછીનું લાવીને ચૂલો ઉફણાવી લેતા. એકવાર ચચ્ચાર દિવસથી મજુરીકામ ન મળતા ચંપાબાના પતિ કામની શોધમાં પડોશને ગામ ગયા. ભૂખથી સાવ બેવડ બનીને નીકળેલા એ સાંજે લાશ બનીને પાછા ફર્યા. પ્રાણ લઈને ગયેલું શરીર નિષ્પ્રાણ થઈને પાછું ફર્યું!
દન આખો કમરતોડ કાળી મજૂરી કરીને સાંજે બે ટંકનું અનાજ લઈને આવશે એવા અમર ઓરતાના ઈંતજારમાં રહેલા ચંપાબાને વાળું ટાણે જ પતિની લાશ રૂબરૂ થઈ. કોળિયો હવામાં ને જીવ અધ્ધર! તાળવે તાળું લાગ્યું.
અખંડ ઓરતા ભેળું ભવ્ય જીવતર રોળાયું, ને રોળાઈ ધગધગતી જવાની! ચંપાબા પર શૂનકાર સમાં સાતેય આસમાન ખાંગા થયા. ને જીવ પર બારે મેઘ સમાં દુ:ખનો વરસાદ!
કોઈ આરો કે સહારો ન રહ્યો.
સાવ નોધારા!
'બાજરો વાઢતા શેઢેથી કાળોતરાએ ડંખ માર્યો. ઝેર ઝટ દઈને રગેરગમાં પ્રસરી ગયું. વૈદ કને જતાં જ જીવ આકાશ માર્ગે થયો.' શબ લઈને આવનારમાંથી એક જણાએ દુ:ખ દબાવીને નીચી નજરે વાત કરી.
'અરરર...મૂઆ સાપોલિયા! તે મારા રાંકના રતનને રોળ્યું! આમ ઝેર ઑકતા તારી ડૉક કેમ ના મરડાઈ ગઈ! તું કેમ ફાટી ન પડ્યો મૂઆ સાપરડા!' એક ડોશીએ કાળ ઉતારતા કહ્યું.
ફળિયામાં ગમગીનભર્યો કારમો સોપો પડી ગયો. ફળિયું જાણે વેરાન!
‎ભાંગેલા તૂટેલા ચીંથરેહાલ ગરીબ ઘરનો મોભ ગયો. ચડતી ઉંમરે જ ચંપાબા અનાથ વિધવા બન્યા.
ભારે આઘાતમાં ખપી ગયેલા ચંપાબાને માંડ બે દિવસે સહેંજ કળ વળી. લોકોએ સાંત્વના આપી. હૈયાધારણા આપી. જીવને જીવવા કાજ બે ટંકના રોટલાની સૌએ વ્યવસ્થા કરી.
મહિનાએક દિવસ બાદ અડોશપડોશની સ્ત્રીઓ કહે: 'બેન ચંપા, અઠવાડિયાએકમાં તારે ખાટલો થઈ જશે. તું કહે તો તારે લાયક કો'ક ગોઠવણ કરીએ. જેથી તમારા આવનાર બાળકને બાપ મળે.'
'ના બેન, ના હો! રખેને મને એકના બે ભવ કરાવો! નાતરું કરીને મારે અવગતે નથી જવું. પતિની મોંઘેરી જણસને આમ સાવ રેંઢી ન મૂકી શકું. અન્યના પારણે હું મારા બાળકને નહી ઝુલવા દઉં.' પેટ પર હાથ પસવારતા વળી આગળ કહે:'હવે તો હું અહીં જ રહીશ. અહીં જ મારા બાળને જન્માવીશ ને અહીં જ ઉછેરીશ.' આંખે આંસું નીતરતા ગયા. સુખી ભાવિનું સુખ નિહાળતા રહ્યાં. હૈયે હોળી ને હોઠ પર દિવાળી.
‎દરમિયાન વખત થયો ને ચંપાબાના પેટેથી પુત્ર અવતર્યો.
ફળિયામાં આનંદ ઊતરી આવ્યો. સૌના અંતર ઉમંગે નાચવા લાગ્યા.
હૈયાના એક ગમગીન ખૂણે પતિના ચિત્તચીર વિરહી મરશિયા ગવાઈ રહ્યાં હતાં જ્યારે બીજે ખૂણે આછો આનંદ ઉમળકા ભરવા આતુર હતો. એ આનંદ પળભરમાં જ આંસુઓના સમંદરમાં પરિવર્ત્યો. ઉરમાં ધરબાયેલ પતિનો પ્યાર પાંપણે આવ્યો, સહેંજ અટક્યો ને ઉભરાઈ પડ્યો.
પતિ પારાવાર સાંભરી આવ્યા. અંતરમાં માંડ સંગ્રહી રાખેલા હીબકા ક્ષણમાં જ હિલ્લોળે ચડ્યા.
‎પેટે મજબૂત પાટા બાંધીને પુત્રને ઉછર્યો. મોટો કર્યો.ઉંમરલાયક થયો એટલે સારું ઘર અને વહું જોઈને સમરાંગણ સમાં સોનેરી સંસાર રથ સાથે જોડ્યો.
‎દીકરો હવે મજૂરીએ જવા લાગ્યો.ચંપાબા અને એની વહું લોકોના કપડા - વાસણ કરીને ટંક ટૂંકો કરતા. સંસાર હવે સુખી લાગતો હતો. ચંપાબાને લાગ્યું ઘડપણ હવે આનંદે પસાર થશે. એવામાં એક પાવન દિવસે એમના દીકરાને ઘેર પારણું બંધાયું. અખંડ ઈંતજાર બાદ પૌત્ર પધાર્યો.ચંપાબા દાદી બની ગયા. મનમાં મંગળ મેળો ભરાણો. ચોફેર ખુશી ઊડી. ફરી આનંદ છવાયો.
ચંપાબા વિચારોના અશ્વે આરૂઢ થયા. હજી કાલે જ તો એ પરણીને આવી હતી. સંસાર માણવાના લાખેણા કૉડ હતાં ને સહસા વિધવા બની ગયા. વિધિની કેવી ક્રુર વક્રતા! લીલીછમ્મ જીંદગી પળમાં જ વેરાન! હરિયાળી લાગણીથી લથબથ જીવતર સળગતા વેરાન રણમાં ફેરવાયું! આંખે ઝળઝળિયા થયા. ફરી મનમાં બબડ્યા: 'વિધવામાંથી માં અને માતામાંથી પાછી દાદી.વાહ! કુદરત વાહ! કેવી ગોળવંતી તારી લીલા. ઘડીક તડકે, ઘડીક છાંયડે. તું બહું જબરો નીકળ્યો હો કિરતાર.' કહેતા એ રડી પડ્યા. પાલવ પલળી રહ્યો ત્યાં લગી રડતા રહ્યાં.
એ આંસું હર્ષના હતા કે દર્દના એ ખુદ નક્કી કરી શક્યાં નહી.
પૌત્રનું નામ પડ્યું દીપક.
ખોળામાંથી છૂટીને દોડતા ઘરમાં પ્રવેશીને બારણું બંધ કરતા દીપકને જોઈને ચંપાબા ઝીણી આંખે સફાળે લાકડીને ટેકે ટેકે બારણા સુધી ગયા. નજીવા ધક્કાથી બારણું ઊઘડી ગયું. ખૂણામાં નજર કરી.
'ક્યાં ગયો દીપક? બેટા આવ. હેંડ હું તને શાળાએ મૂકી આવું. તારે ભણવું તો પડશે જ! તારે માથે તો મારો ભવ છે. તારા પર જ જીવનની ભવાઈ છે બેટા.'
વળી કહેવા લાગ્યા:'તને માર્યો હોય એનું નામ બતાવ. બેટમજીનું માથું જ ફોડી નાખું. કોની હેશિયત છે કે તને મારી શકે! દીકરા, બહાર આવ અને મને બીના કહે. પેટમાં ફાળ પડી છે કે તું આમ ભાગતો આવ્યો જ કેમ?'
ઘડીકવાર બાદ બંને ખખડજ બારણે આવ્યા. અચાનક જ બંનેની નજરો એક જ જગ્યાએ સ્થિર થઈ. જોયું તો ઉબડખાબડ આંગણે એક અજાણી સ્ત્રી ઊભી હતી.
પ્રચંડ આવકારના અખંડ ઓરતા લઈને, અબળાની માફક, ઘોર પ્રાયશ્વિતના પોટલા ઉપાડીને. વરસતી આંખે અને વિલાયેલા વદને એ એમ જ ઊભી હતી. અચાનક જ સફાળે આવીને એ ચંપાબાને ચરણે થઈ.
‎દીપકે એ સ્ત્રીને જોઈ. ઓળખી. એ જ સ્ત્રી જેનેે શાળામાં જોઈને એ ભાગી આવ્યો હતો. એ ફરી ગભરાયો. હીબકે ચડ્યો. દાદીનો ઘાઘરો ઝાલીને એ પાછળ લપાયો. વારે વારે ડોકિયું કરીને એ પેલી સ્ત્રીને જોવા મથતો. એ ગઈ કે નહી એ જાણવા જ.
જીંદગીના દર્દ પીધેલ ચંપાબાની ચકોર આંખો ઝટ ઝીણી થઈ. પિછાણવાની કપરી પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ. આછી ઓળખાણ પડવા માંડી. ચહેરો ઓળખાયો. ચંપાબા સફાળે બે ડગલા પાછા ખસ્યા. એ ધક્કાથી દીપક પડ્યો.
‎'ફટ રે ભૂંડી વેશ.....!' અંતરમાં વીજળી ઝબુકી. એ અટક્યા. ભાન થયું. એક સ્ત્રીની હેસિયતથી બીજી સ્ત્રી માટે હળહળતા ઘોર અપમાનસમો શબ્દ એ ઉચ્ચારી શક્યા નહી. છતાંય હૈયામાં ધરબાયેલ ક્રોધ આગ બની ઉઠ્યો. કહ્યું:'હરાયી કાળમુખી, એકનો જીવ લઈને ધરાઈ નથી એટલે હવે બીજાની જાન લેવા આવી છે નુગરી ડાકણ!' રાતાપીળા થતા ચંપાબાએ જે હાથ લાગી એ લાકડી ઉગામી.
આશરે આવનાર સ્ત્રી પાલવ પાથરીને આંગણામાં ઊભી રહી. ન ચલિત થઈ કે ન વિચલિત.
એક વખત દીપક ફળિયામાં ભાઈબંધો ભેગો રમતો હતો. એક છોકરાએ નજીવી બાબતે એને માર્યો. દીપક કહે, 'હું મારી માં ને કહીને તને મરાવીશ.'
'એ તારી માં થોડી છે! તારી માં તો ક્યાંય નાતરે ગઈ છે. ઘેર છે એ તો તારી દાદી છે.' એક અળવીતરા છોકરાએ કહ્યું. સાંભળતાં જ મુઠ્ઠી વાળીને દીપકે દોટ મૂકી.
દોડતા ઘેર આવતા જ દીપકે ભરી આંખે ચંપાબાને રડમસ સવાલ કર્યો:'તું મારી માં કે દાદી?'
ચુંટી ખણી હોય એમ ચંપાબા ચમક્યા. હૈયે ધ્રુજારી થઈ. જે વાત છુપી હતી જાહેર થઈ. દિલ ડંખી ગયું. અવાજ તરડાયો:'બેટા, હું તારી માં યે ખરી ને દાદીએ ખરી.'
'તો મારા માં-બાપ ક્યાં? કેમ કદી અહીં આવતા નથી?'
ચંપાબાની આંખો ચોધારે ચડી.
પૌત્રની જીદ પૂરી કરવા ચાહી. ધીરે રહી બાળક દીપકના કોમળ અંતરને ઠેસ ન પહોંચે એમ ઘટના વર્ણવી. ભેગી શીખ પણ આપી:'દીકરા, દીપક! તું મારું હીર છે. જીવનનું જીવંત ખમીર છે. આંખોનું રતન છે. મારો આધાર છે. એકલીનો સહારો છે. એ ડાકણ તને લેવા કે તારૂ કાસળ કાઢવા ક્યારેક અહીં આવશે. એનો ભરોસો કરતો નહી. એ તારી માં નહી ડાકણ છે ડાકણ.'
‎પછી માથે હાથ ફેરવતા આગળ કહે,'બેટા, કદીક એ શાળાએ પણ આવે ખરી. તું એ કપાતરને ઓળખી તો નહી શકે પરંતું તને એવું લાગે કે કોઈ સ્ત્રી અથવા માણસ તને બોલાવે, તારી કને આવવાનો પ્રયાસ કરે એટલે તત્કાલ તારે તારા સાહેબને કહી દેવાનું કે આવનાર માણસ તારું હરણ કરી જવા આવ્યું છે. તારો સાહેબ એને જેલ હવાલે કરાવશે.'
એક દિવસ રિશેષના વખતે દીપક એના ભેરૂ ભેગો રમતો હતો. એવામાં એક અજાણી સ્ત્રી એના તરફ આવતી દેખાઈ. દીપકે ઓળખવા કોશિશ કરી. દાદીએ વર્ણવેલી જ સ્ત્રી સમી લાગી. દીપકે સીધા જ પોબારા ગણ્યા, ઘર ભણી. ગભરામણથી હાંફળો ફાંફળો થઈને એણે દોટ મૂકી.
‎'ફટ રે ભૂંડી ડાકણ....!' દાદીના મુખે આવું સાંભળીને દીપકને ખાતરી થઈ કે આંગણે ઊભેલી એ એના પિતાની હત્યારી જ છે. પારાવાર ગુસ્સો ઉપડ્યો. ઊભી ને ઊભી ચીરી નાખવાને મન થયું. કિન્તું કશું કરી શક્યો નહી. હજું બાળક હતો. નિ:સહાય હતો. કંઈક કરવાને એનામાં હિંમત જ ક્યાં હતી!
‎સગા બાપને મોતને ઘાટ ઉતારનારને ક્યો પુત્ર માફ કરી શકે? ભલે પછી એ માં હોય કે અન્ય વ્યક્તિ! વળી, પેટે પાટા બાંધીને ઉછરેલા એકના એક દીકરાને રહેંસી નાખનાર આંખ સામે આવીને ઊભી રહી જાય તો કંઈ માતા એને સહી શકે?
ચંપાબાએ હતું એટલું જોર કરીને સ્ત્રીના માથા પર ઘા કર્યો. માથું ચૂકી ગયું ને પીઠ પર ધડામ કરતો ઘા બેઠો. સ્ત્રી તમ્મર ખાઈને ભોય ભેગી થઈ.
એ સ્ત્રી એટલે ચંપાબાના એકના એક દીકરાની વહું. એમની માજીવહું! અને એ જ દીકરાને અકાળ હત્યારી, એક પુત્રને ત્યાગનારી કઠોર સ્ત્રી. નામે હીરલ.
ચંપાબા જેટલી ઉમંગથી હીરલને વહું બનાવી લાવ્યા હતાં એટલાં જ ઉમળકાથી હીરલ સાસરે આવી હતી.
પરણ્યાની પહેલી જ રાત્રે હીરલે પતિને કહ્યું હતું:'તમો નાહક ચંત્યા કરશો નહી. આપણે બેય ભેગા મળી મજુરી કરશું. આ ઝુંપડી પાડીને માટીનું સુંદર ખોરડું બનાવશું. જેમાં નહી વરસાદ કે નહી વાવાઝોડાનો ડર. આપણે માં ને અને આવનાર બાળકને સુખી સંસારના દીદાર કરાવીશું.'
પતિને પહેલી જ રાતે હીરલમાં ભરોસો બેઠો. ઊજળું ભવિષ્ય દીઠું.
દિવસો બાદ બંને મજુરીએ જવા લાગ્યા. એકાદ વરસે એમને પારણું બંધાયું. સરસ દીકરો અવતર્યો. એ દીકરો દાદી જોડે ઉછરતો ગયો. એ બેય પતિ-પત્ની મજુરીએ જવા લાગ્યા.
એમ કરતા એક દિવસ પડોશના ગામે મજુરીએ ગયા. પખવાડિયા સુધીનું વાઢવાનું હતું. બાજરાનો પાક વાઢવાનું કામ હતું. ચાર દિવસ બાદ ખેતરવાળાની નજર હીરલ પર પડી. પડી એવી જ બેઠી. હીરલ ગમી. આંખે ઊતરી. પખવાડિયામાં એમના અંતર એક થયા. હજી ગઈકાલે જ પતિની થઈ હતી એ પળમાં જ પરાયાની થઈ બેઠી.
માણસને પ્રેમનો પારો ચડતા અને ઊતરતા વાર નથી લાગતી.
પડખે જ બેઠું મીઠું માણસ ક્યારે દુશમન બની જાય એની કોઈ ખાતરી ખરી?
બે વરસ સુધી છૂપો સ્નેહ ચાલ્યો. કોઈને ગંધ આવી નહી. ફરી ઉનાળો આવ્યો. બાજરી લણવાનો વખત થયો. હીરલ હવે પતિની જરાય રહી નહોતી. પહેલી રાતે પરમેશ્વર માનેલો પતિ હવે પ્રેત લાગ્યો. પોતાના આશક ભેગા મળીને હીરલે ઝટ કરતું પતિનું કાસળ કાઢી નાખ્યું!
ન પુત્રનો વિચાર ન પતિનો ખયાલ! ન લજ્જા ન આબરું!
પરાયાના મોહમાં પડેલી હીરલે પતિહત્યાનું ભારે પાપ આચર્યું.
પુત્રદ્રોહ કર્યો. ને ભરબપોરેે નાતરું કર્યું.
‎ચંપાબાએ સમાજમાં વાત નાખી. કિન્તું કંઈ ઉપજ્યું નહી. વળી, થાણેદાર પણ ધનના ઢગલામાં આળોટ્યો અને ફરજ ચૂક્યો. ચંપાબાને ન્યાય મળ્યો નહી.
ચંપાબા ફરી નોંધારા થયા. નજરાયેલું સુખ જાણે છંછેડાયું. ને ડંખી ગયું! ગરીબી ફરી કોટે વળગી. લીલાછમ્મ બેમાંથી પાછા સૂકાભઠ્ઠ એક પાંદડે થયા. ઘરડેઘડપણ કમાવાની અને પૌત્રને ઉછેરવાની બેવડી જવાબદારી આવી.
‎લાકડીના જીવલેણ ઘા થી બેભાન બનેલી હીરલ પળવારે ભાનમાં આવી. કળ વળતા જ એણે કહેવા માંડ્યું:'માં.....'
'માં ની હમણા કહું એ..! નીકળ અહીંથી! નહી તો ઊભી ને ઊભી ચીરી નાખીશ, ડાકણ!' કહીને ચંપબાએ દીપક જોડે ઘરમાંથી બુઠ્ઠી કુહાડી મંગાવી.
હીરલે પોક મૂકી. આંખ વાટે આંસુઓના દરિયા ઉલેચ્યા. ચંપાબાનું હૈયું પીગળ્યું. કિન્તું કાળજું કઠણ રાખ્યું. હીરલે વ્યથાની વેદનાભરી વીતકકથાના પોટલા ખોલવા માંડ્યા.
'માં, હવે મને મોતને ઘાટ ઉતારો કે નરક સમી જંજાળમાંથી ઉગારો. હું મરી તો ત્યારની ગઈ છું જ્યારથી નાતરે ગઈ છું. હવે આશરો આપીને જીવાડો ઠીક નહી તો મરણ તો છે જ! હું એ ઘર, ગામ હંમેશ માટે ત્યજીને આવી છું. ત્યા ગઈ એ મારી મોટી ભૂલ હતી. હું ધનના ઢગલાના મોહમાં અટવાઈ. અને પારાવાર પાપ કરી બેઠી. મારા એ પાપનું બૂરું ફળ મને મળી ગયું છે. ત્યાં હું પત્ની તરીકે નહી, એક ગણિકાની માફક રહી છું, આપના જેવા માનવોના મહામહેરામણમાં નહી! કાતિલ દાનવોની ખતરનાક દુનિયામાં ગઈ હતી. અહીંથી ગઈ એ દિનથી પાશવી જુલમ સહેતી રહી છું. આજે લાગ જોઈને ભાગી આવી છું. હવે તમે જે કરો એ જ સત્ય ન્યાય. પરંતું મને આશરો આપો.
ચંપાબાની નજરો દીપકના ચહેરાને તાકી રહી ને હીજરાયેલું હૈયું ઘમાસાણે ચડ્યું હતું.
'તું એ લાગની જ હતી. તને તો નકરું ઝેર આપી દેવું જોઈતું હતું.' મન બબડ્યું.
ને એ જ ક્ષણે પાવન દિલમાં ધરબાયેલો દયાનો દેદિપ્યમાન દરિયો હિલ્લોળે ચડ્યો.
બોલ્યા:'તારા પાપની સજા ઈશ્વરને ખબર. હું તને સજા દેનારી કોણ? કિન્તું, એક સ્ત્રી, લાચાર અબળા, વિવશ વિધવા, નોંધારી નારીની દશામાં મે જે સહન કર્યું છે એ તને સહન કરવા નહી દઉં! તને લાચાર, નોંધારી અબળા માનીને આશરો જરુર આપીશ પરંતું માફ તો ક્યારેય નહી કરું!!'
ને ચંબાબાની દયા પર ફિદા થઈને દીપક હીરલની વેદનાભરી આંખોના અકળ્ય ભાવો જોઈ રહ્યો.
* * *
૫. દગો
"લગનના તો પાકા કૉલ નથી આપતી ભૂપત, લેકિન આ ખોળિયામાં પ્રાણ રહેશે ત્યાં લગી આ કાયા પર તારો અબાધિત અધિકાર રહેશે! જા, આ મારૂ તને અફર વચન છે. તું ચાહે ત્યારે કિન્તું મારી અનુકૂળતાએ મને મળી શકશે."
‎આ સાંભળીને ભૂપત એના ખોળામાંથી ભડકીને સફાળો ઊભો થઈ ગયો.
વરસાદની આહલાદક મોસમ હતી. ચોફેર લીલુછમ્મ ઘાસ ઉગી નીકળ્યું હતું. લીલી વનરાઈઓ હળવી હવામાં મંદ મંદ મુસ્કુરાહટ સાથે મોઘમ મલકાટમાં લહેરાઈ હતી.
‎'ભૂપત, દીકરા ! મારી કાયા મને સાથ આપે એવા કોઈ અણસાર દેખાતા નથી. માટે આ વખતે તું ગોવાળ બને એવી મારી અદમ્ય ઈચ્છા છે.'
‎'પણ બાપું! મારે હજી મૂછનો દોરોય નથી ફૂટ્યો. હું એકલો ગામ આખાની ભેંસો શીદને કાબૂમાં રાખી શકીશ?'
‎'બેટા...! આપણા ગામની ભેંસો બહું જ ભોળી છે. ઘાસ ચરવા સિવાય અન્ય કોઈ જ ચાળા એ સમજતી જ નથી. આ મારો ત્રીસ વરસનો અનુભવ છે. અને જંગલ તો આપણા પાદર સમું. તારે કોઈ જ ભે રાખવો નહી હો.'
‎'હા બાપું ! તો પછી મારે ક્યારથી ગોવાળી કરવાની છે?' બાપની આંખમાં આંખ ભેરવી ભૂપતે પૂછ્યું.
‎ભૂપત એના બાપનો જયેષ્ટ પુત્ર. એને સમજણ આવી ત્યારથી એ જોતો આવ્યો હતો કે ગામની ભેંસ ચારવી એ જ એક એના બાપનો ધંધો. ગોવાળપદું જ જાણે એમને કોઠે પડી ગયું હોય એમ એ દર ચોમાસે ગોવાળ બની જતાં. એક ભેસના બે રૂપિયા લેખે ગામની પચાસેક ભેસોની એ રખેવાળી કરતા. આવી રીતે ગુજરાન ચાલતું.
‎આ સિલસિલો છેક ઉતરાયણ સુધી ચાલતો. પછીના સમયગાળામાં એ દાડિયા તરીકે મજૂરી કરતા.
‎એ જમાનામાં હજું ભણતરનું આટલું મૂલ નહોતું જ. ગણ્યા ગાંઠ્યા અને નસીબદાર માણસો જ નિશાળનું પાટિયું ભાળતા. બાકીના ગામની ગલીએ, ખેતરે, પાદરે આયખાની મોજ ઉડાડતા.
‎એમ કરતા ભૂપત ઉંમરલાયક થયો. એટલે એના પિતાએ એને ગોવાળ બનાવવાની તૈયારી કરી.
‎'જો ભૂપત, આજે પાંચમ ને હવે છઠ્ઠ, સાતમ અને એમ કર તું આઠમથી તારા કામના શ્રીગણેશ કર. બે દિ' તારે ફરવું હોય એમ ભાઈબંધો ભેગી મોજ કરી લે. પછી આખું જંગલ તારૂ ને તું જંગલનો છોરૂ.'
‎ભૂપતને હાલ ગોવાળ નહોતું બનવું કે નહોતું કોઈ કામે ચડવું કિન્તું ઘરની ડામાડોળ આર્થિક સ્થિતિએ એને મજબૂર બનાવ્યો. કમને એણે એ કામ ઉપાડવું પડ્યું. એને ગોવાળ બનવા સિવાય ઘરમાં આવકનું કોઈ કેતા કોઈ સાધન જ ક્યાં હતું! જમીન તો એના બાપના કે એના દાદાના કોઈના નામે હતી જ નહી.
‎બે દિવસમાં ભૂપતના બાપુએ એને જંગલની રજેરજથી અવગત કરી દીધો. ભેહોને રોકવી, ટોકવી અને તળાવમાંથી બહાર કાઢવાની એવી સઘળી તાલીમ આપી દીધી. ભૂપતે પણ એમાં પારંગતતા ધારણ કરી.
‎આઠમ આવી એટલે વહેલી સવારે ગામ આખાની ભેંસ લઈ ભૂપતે વનની વાટ પકડી.
‎છેક સાંજે એ ઘેર આવ્યો, થાકીને લોથપોથ.
‎આમ કરતા અઠવાડિયું વીતી ગયું.
‎ભૂપતના પિતાજી રોજે રોજ એના જંગલના અનુભવો પૂછે અને જરૂરી સલાહ આપે.
શરૂઆતમાં ભૂપતનું કચવાતું મન હવે વનને વહાલ કરવા માંડ્યું. જંગલ એને ગમવા લાગ્યું.
‎એક દિવસ ભૂપત ભેંસ લઈને જંગલથી રોજ કરતા થોડે દૂર પહોંચી ગયો. ઊંચા-ઊંચા લીલાછમ્મ ઘાસને ભેંસ મોઢુંય ઊંચું કર્યા વિના ચર્યે જતી હતી. કોઈ જ ભેસ આડી અવળી થાય એવું નહોતું લાગતું. ભૂપત આ લાગ જોઈને ખાખરાના ઝાડે ચડી ગયો.
‎એ શાંત હતો. નવરો હતો. વનની વાસંતી વનરાઈઓને નિહાળવામાં મશગૂલ હતો.
‎ગામનું ગોંદરૂ, પાદર અને ભાઈબંધો સાંભર્યા. ઘેર દોડી જવાને મન યુદ્ધે ચડ્યું. પણ ક્ષણમાં જ હારી ગયું. સહસા એના કાનમાં કોઈના ગાવાનો અવાજ ઊતર્યો, સીધો જ હૈયે બેઠો. એ અવાજની શીતળતાએ એના મનને ઠાર્યું. એણે એ મધુરા સાદ ભણી કાન સરવા કર્યા. કોઈ યુવતી ગાતી હતી:
‎ 'હંસરાજ રહી જાઓ ને આજની રાત....
‎કરૂ મારા દલડાની વાત, દલડાની વાત...
હંસરાજ રહી જાઓ ને આજની રાત.....'
‎એ કોકિલકંઠી અવાજે ભૂપતના યૌવન ચડતા કાળજાને મોહિત કર્યું. ઉરમાં ન કળાય એવો સળવળાટ થયો. શાંત ભાવે શાંત બનીને એણે ગીત માણવું શરૂ કર્યું.
‎થોડીવારે એ ખાખરા પરથી હેઠે ઉતર્યો. પગરખા પગે કર્યા. ગીત ગાતી પગલી ભણી પગ ઉપાડ્યા. ચોફેર દષ્ટિ કરી. યુવતી અને પોતાના સિવાય કોઈ કળાયું નહી. ધ્રાસકો પડ્યો. ફાળ પડી કે એકલી યુવતી કને જતાં શાયદ એના પર આળ નાખે તો? એના ચરણ અટક્યા. અને ભેગો ખુદ પણ અટકી ગયો.
‎યુવતીનું નામ ભૈરવી. ભૂપતના પડોશના જ ગામની વતની. ભૈરવીના માવતરની વિશાળ વાડી હતી. ભેસોનો મોટો તબેલો હતો.
‎ભૈરવી સોળમાં વરસની શાન સમજીને સત્તરના રાજસિંહાસન પર આરૂઢ થઈ રહી હતી. કાયાનો ઠીક ઠીક વિકાસ થઈ રહ્યો હતો. એક ભરપૂર અને નશીલી નાર બનીને એનું જોબનીયું જોબનવંતું થતું જતું હતું.
‎'આપણે તે વળી ક્યાં એને ડરાવવી કે ધમકાવવી કે પછી એનું કંઈ લૂંટી લેવાનું છે તે આમ ડરવાનું? ચાલને જીવ એની થોડી નજીક જઈને ગીતની મોજ માણી આવીએ.' મનમાં બબડતા એણે લાંબા અને લપાતા ડગલે ભૈરવી ભણી પ્રણાણ કર્યું.
‎ભૈરવી ઝાડના થડને અડીને ઊભી હતી. એક પગ જમીન પર અને બીજો પગ ઢીંચણમાંથી વાળીને થડને ટેકે રાખ્યો હતો. વાળની લટ વાયરા સંગે ઝુલી રહી હતી. આનંદવિભોર બનીને ગીત ગાવામાં મસ્તાન હતી.
‎એવામાં ભૂપત ભૈરવીની તદન સામેના વૃક્ષના ઓથે લપાયો. ગીત સાંભળવામાં મસ્તાન બની મશગૂલ બન્યો.
‎ભૈરવીએ શાંત વગડામાં ગીતોના શૂર છેડ્યા. પોતાના કંઠને વાયરાની સંગે વહેતો મૂક્યો: 'ઈંધણા વીણવા ગઈ'તી મોરી સૈયર...
‎ ઈંધણા વીણવા ગી'તી રે...
વેળા બપોરની થઈ'તી મોરી સૈયર.....'
એવામાં ભૂપતના પગે મંકોડાએ ઠસાવીને બચકું ભર્યું. ચીસ ખાળવા છતાંય 'બાપરે' કરતા ધીમો અવાજ નીકળી ગયો.
ભૈરવીના સતેજ કાને એ અવાજ ઉતર્યો. એ અટકી. એનો કંઠ અટક્યો અને શાંત ધડકનો તેજ બની. છાતી ધમણમાં ફેરવાઈ. દિલમાં ભયની ભેંકાર ફાળ પડી. એ ડરી. એનું ચડતું જોબન ડર્યું. કાયાની કલી ચીમળાવા સમ બની. પોતાની મસ્તાન લીલા સંકોરીને ઊભડક બેઠકે એ ઝાડના થડે બેસી ગઈ.
"કોણ છે પણે?"‎હળવા હાથે છાતી દબાવી ક્ષણેકવાર રહી એણે ઉચ્ચાર્યુ.
‎એક પળ, બે પળ એમ કરતા કેટલીય પળ વીતી કિન્તું કોઈ અવાજ ન આવ્યો કે કોઈ છાયા કળાઈ નહી.
પકડાઈ જવાની બીકે ભૂપત ભયને બાથ ભરી થડને ચીપકી રહ્યો.
‎ભૈરવી એકટસ એ થડ ભણી તાકીને બહાવરી બેઠી હતી.
‎ઝાઝીવાર બાદ ભૂપતે ભાગી જવા ડગ ઉપાડ્યા. પરંતું બે જ ડગલામાં પગમાં લાકડાનું ઠુંઠ્ઠું આવી જતાં ધડામ કરતા એ પટકાયો.
‎ભૈરવીની ચકોર નજરોએ એ ઓળાને જોયો. 'પુરૂષ' મનમાં બબડતી એ થથડી ઊઠી. એ પુરૂષ ભાગતો હતો એટલે ચોર-લૂંટારૂ તો ન જ હોઈ શકે એવી પ્રતિતિ થઈ. એય ડરીને ભાગતો હતો એ જાણીને ભૈરવીમાં થોડી હિંમત આવી. ગભરાયેલા હ્રદયમાં કળ વળી. સફાળે દોડતી આવીને એ પુરૂષને ઊભો થવામાં મદદ કરે એટલીવારમાં તો એ જાતે જ ઊભો થયો. કપડા ખંખેર્યા. પકડાઈ ગયાની બીકે એ છોભીલો પડ્યો. એણે લાગ જોઈને ઝટ દોડી જવાની તૈયારી કે તરત જ એનો હાથ ભૈરવીના હાથમાં ભરાયો.
‎ભૂપત ગભરાયો. 'હવે શું? આબરૂના નાહક ધજાગરા ઉડી જવાના!' એ ભારે ભયથી સ્વગત બોલ્યો.
‎"કોણ છો તમે ? અને અહી શા માટે ? છુપાઈને શું જોતા હતાં?" સવાલોના સમરાંગણમાં ભૈરવ અટવાયો.
‎એ મૌન રહ્યો. ન હોઠ ઉપાડ્યા કે ન આંખ. ડરની ભયંકર રેખાઓ એના વદન પર વિષાદ બનીને ઊભરી આવી.
‎ભૈરવી જ્યારે ભૂપતનો હાથ ઝાલીને સવાલ કરી હતી ત્યારે એણે અનુભવ્યું કે એના અંતરમાં અકળ્ય સળવળાટ સરકી રહ્યો હતો. એના ઉરમાં મીઠી કંપારી વછુટી રહી. રોમરોમ મધુરી ગડમથલથી નાચી રહ્યાં. એક નવું જ પરિવર્તન અનુભવાયું. એણે સફાળે ભૂપતનો હાથ છોડી મૂક્યો. ઘડીક પોતાના ડિલ ભણી અને ઘડીક ભૂપતની આંખને એ તાકી રહી. છતાંય એક અજાણ્યું ખેંચાણ ભૂપતનો હાથ પકડી રાખવા જાણે એને મજબૂર કરી રહ્યું.
‎ભૂપતને પણ અનેક રોમાંચક લખલખા અનુભવાયા. અજાણી યુવતીના હાથમાં પોતાનો હાથ પડતાં જ એનું અંગેઅંગ આહલાદકતાથી ફરફરી ઊઠ્યું. જીવનમાં પ્રથમવાર આટલી નજીકથી અને રોમાંચકતાથી યુવતીને જોઈ. એની પુરૂષસહજ લાગણીઓ ઝટાક કરતી જવાન થઈ ઊઠી. દિલમાં પ્રેમનો લીસો સળવળાટ થયો. લાગણીઓનો મહેરામણ કિનારો ઓળંગી જવા હિલ્લોળે ચડ્યો. એકટસ બની એ ભૈરવીને તેજ છતાં કોમળ નજરે તાકી રહ્યો.
‎ઘડીકવાર પહેલા બંનેના દિલમાં જે હતો એ ભય ઓસર્યો અને લીલી લાગણીઓએ વિશાળ સામ્રાજ્ય સર્જ્યું.
‎ભૈરવી શરમાઈ.
લજ્જા એના આયખાને ઘેરી વળી.
સ્ત્રી સહજ ઊર્મિઓ ઉમંગભેર ઉછળી.
‎છાતીનો ભરપૂર વિકાસ ભાળીને એકવાર એની માં એ શીખામણ આપી હતી:'દીકરી, ભૈરવી! તું હવે જવાન થઈ રહી છે. ડિલને આમ ઉઘાડું ન રખાય. પુરૂષની નજરે ન પડે એ ખાતર તારે હવે સાડલો ઓઢવો જ રહ્યો.'
‎અને બીજા જ દિવસે ભૈરવીએ નવો નક્કોર સાડલો ડિલને ઓઢાડ્યો હતો.
‎સૂરજ માથા પર આવી ચૂક્યો હતો. ભેસો પેટ ભરીને છાંયડે આરામ ફરમાવી રહી હતી. ભાતું ખાવાનો વખત વીતી રહ્યો હતો. બંને એકમેકને તાકતા ઊભા હતાં.
‎ઝાડની ડાળીએ લટકતા શીશા પર ભૂપતની નજર પડી. ભૈરવીએ એને પાણી પાયું. પાણીની ધાર ભૂપતના ખોબામાં રેડતી-રેડતી ભૈરવી વિચારના વહાણે આરૂઢ થઈ. એને યાદ આવ્યું કે એની માં શરીરે કપડું ઢાંકવાનું શા સારૂં કહેતી હતી, એનો જવાબ એ મહેસૂસ કરી રહી.
‎પાણી પીધા બાદ બંને બેઠા.
‎પરિચય કેળવાતો ગયો.
પળમાં એકમેકના અંતરમાં ઊતરી ગયા.
પ્રેમના પારણે પ્રથમ પરિચય થયો.
‎હવે રોજ વનમાં મિલનની મહેફિલ જામતી. પ્રણયના ફાગ ખેલાતા. દિવાળી આવતા સુધી તો બેય જીવ એક બની બેઠા. સાંજ વસમી અને રાત વેરણ લાગતી.
‎વખત વીતતો ગયો.
ત્રણેક વરસના વાણા વહી ગયા.
‎ઘરમાં એના વેવિશાળની વાતો થતી એ ભૈરવી સાંભળતી અને બેભાન બની જતી. હૈયું ધ્રુજવા લાગતું. ભૂપત નજરે ચડતો.
‎'પરાયાના પનારે તો હું કેમ કરીને ભવ પૂરો કરીશ! વરીશ તો હું ભૂપતને જ, નહી તો કોઈ ખાલી કૂવો પૂરીશ!' એ રોજ મનમાં બબડતી.
‎એક દિવસની વાત છે.
‎સાંજનો મશરૂમ વખત. ગામમાં નવરાતનો ઢોલ ઢબુકતો હતો એવે વખતે ભૈરવીના બાપું ગામતરૂ કરીને આવ્યા. પાણી પીધા બાદ એમણે પત્નીને કહ્યું:'કહું છું સાંભળે છે? ભૈરવીનું સગું ગોઠવીને આવ્યો છું. છોકરો સારો છે, મહેનતું છે અને શરીરે પણ ઠીક ઠીક કાઠો છે. ઘેર વિશાળ વાડી છે. આપણી દીકરી ત્યાં ખુશ રહેશે.'
‎ ઉકળતા ચરૂ સમાં આ શબ્દો ભૈરવીના કાને સડસડાટ કરતા ઊતર્યા. એ તત્ક્ષણ તમ્મર ખાઈને ઢળી પડી.
પળવારે કળ વળી. ભૂપત, મહોબ્બત અને વનની મધુર યાદો સ્મૃતિપટ્ટે ઉપસી આવી. કિન્તું હવે શું? કોઈ આરો જ ક્યાં બચ્યો હતો!
‎'ભૂપત પણ પ્રથમ વેળાએ અજાણ્યો જ હતો ને ? ને છતાંય એની હારે કેવું મન મળ્યું ને ગમવા લાગ્યો હતો! બસ, એમ જ એ અજાણ્યા જણ સાથેય પનારો પડી જશે.' એણે અનુભવ્યું.
‎'બકા, ભૈરવી! તારૂ આ મુખકમળ આજે આમ વીલાઈ કેમ ગયું છે?'
‎ભૈરવી મૌન રહી. કોશિશ કરવા છતાંય આંખો છલકાઈ આવી. ઘો ની માફક એ ભૂપતને ભેટી પડી. હૈયે હીબકા સમાતા નહોતાં.
‎ભૂપતે એને સાચવી. એ શાંત થઈ. આંસું લૂછ્યા.
‎'પોતાની આવી વલે છે તો સગપણની વાત સુણીને ભૂપત પર શી વીતશે? કંઈ તાકાતથી એ જીરવી શકશે?' આવા ખયાલે એણે ભૂપતને કશું જ નહી કહેવાનું ઉચિત ધાર્યું.
‎થોડા દિવસો બાદ ભૂપતે લગનની વાત છેડી. 'બકું,ભૈરવી! હવે આપણા લગનની વય વીતી રહી છે. તું તૈયાર હોય તો આપણે પરણી જઈએ.'
‎'પરણવું શું આમ સાવ સહેલું છે?'
‎'કેમ વળી, શું થઈ જવાનું છે?'
‎'તને ખબર નથી ભૂપત? આપણું પરણવું તલવારની ધાર સમું છે. અરે, લગન તો ઠીક પરંતું ઘેર લગનની વાત ઉપાડતા જ ડોકે તલવાર બેસશે.'
‎ભૈરવીનેય ભૂપત સંગ પરણવું તો ક્યાં નહોતું? એય પરણવાના કેટલા કૉડ સજાવી બેઠી હતી? પ્રણયની પહેલી પળે જ એણે ભૂપતને પતિ માની લીધો હતો. રોજ સવારે જંગલમાં ઉપડતી વેળાએ જાણે એ સાસરે જતી હોય, પતિ જોડે જતી હોય એવા ઉમળકા ક્યાં નહોતા અનુભવતી!
‎કિન્તું હવે ક્યાં કોઈ આરો ઓવારો જ બચ્યો હતો?
‎એણે હૈયા ઉકલત વાપરી.
‎ભૂપતને પ્રેમથી-સમજદારીથી સમજાવવા માંડ્યું:'ભૂપત ! લગનનો તો પાક્કો કૉલ નથી આપતી પરંતું જીવતેજીવ આ ખોળિયા પર તારો અબાધિત હક રહેશે. તને જ પરણાશે એની ખાતરી તો નથી પણ તું જ ભરથાર રહ્યો છે અને ભવોભવ રહેશે.'
‎ આ સાંભળતા જ ભૂપત ભૈરવીના આગોશથી તિતરવિતર થઈ છટકી ગયો.
‎એણે ઝનુનભેર કહેવા માંડ્યું:'નહી ભૈરવી નહી, તારે પરણવું તો મને જ પડશે! અને હુંય પરણીશ તો તને જ!'
‎'નહીતર?'
‎'નહીતર હોળી પૂરીશ!'
‎'ભૂપત, ગાંડો થયો કે શું?' ભેંસ તરફ નજર કરી આગળ કહે, 'લગન શું આપણા હાથની વાત છે?'
‎ફરી ભૂપતને ટાઢો પાડવાના ઉપાય તરીકે કહ્યું:'મારા પ્રાણનાથ, ભવોભવના ભરથાર, મનના મોહક માણીગર મારેય લગન તારી હારે જ કરવા છે. તુજ વિના મુજને કલ્પી જ ક્યાં શકું છું? તારી હાજરી વિનાની વેરણ રાત યુગો જેવડી લાગે છે, તો તારા વના ભવ શે ગુજારીશ?'
‎'તો પછી ભૈરવી, ઝટ થઈ જા તૈયાર. હાલ જ પરણી જઈએ!'
‎'ભૂપત!' એની ઉઘાડી છાતીએ ચુંબન ભરીને એ બોલી:'આપણે કુંવારા જ ક્યાં છીએ! કહીને મલકાઈ ઊઠી. ભૂપતને પણ ખુશી ઉમટી. એણે ચુંબનોથી ભૈરવીને નવડાવી દીધી.
‎'કાલે તારા માવતરને પૂછી આવજે. એ હા પાડે એટલે હું તૈયાર છું.' ભૈરવીએ સઘળો ભાર ભૂપતને માથે છોડ્યો.
‎માવતર સાંભર્યા ને ભૂપત ભોંઠો પડ્યો. પરજાતિની યુવતી જોડે લગન કરવાથી માવતર પર શી વીતશે એ સાંભર્યું.
‎બીજા દિવસે ભૂપતને તાવ ચડ્યો.
‎ત્રણેક દિવસો સુધી એ વનની વાટે જઈ શક્યો નહી.
‎ભૈરવી રોજ એના ઈંતજારે ઝુરતી. અસંખ્ય બુરા ખયાલો એના ઉરને ચીરી જતા. આકુળવ્યાકુળ થઈ ઉઠતી.
‎'આજે તો ઠીક, પણ આવતી કાલે હું ભૂપતની સીમમાં જઈશ.' એણે વિચાર્યું.
‎'ભૈરવી, કાલે તારો પતિ તને મળવા આવવાનો છે. જંગલના પેલા ઊંચા ખાખરા નીચે એ તારી રાહ જોશે.' એક સ્ત્રીએ ભૈરવીને વાવડ આપ્યા.
ભૈરવીના બળતા જીગરમાં જાણે ઘી હોમાયું.
‎સાંભળતાં જ ભૈરવી ડઘાઈ. કોઈ ઉપાય રહ્યો નહી. બહાવરા મને એ તૈયાર થઈ. વળી, પાછો ભૂપત સાંભર્યો, 'એ આવી જશે તો? અમને મળતા જોઈ જશે તો?' મનમાં અસંખ્ય વમળો ઉમટ્યા. પાછા ફરી પોતે જ એના સવાલનો ઉત્તર આપતી, 'શાયદ ભૂપત હવે નહી જ આવે!'
‎સવારનો ખુશનુમાં સમય હતો. ભૈરવી એના પતિન મળી. વાતવિમર્ષ થઈ .વેલ બનીને વીંટળાઈ પડી. અલવિદા કરવાનો વખત હતો. ‎
ને ભૂપતે જંગલમાં દેખા દીધી! એ બહાવરો બનીને આમતેમ ભૈરવીને શોધવા લાગ્યો. બૂમ પાડવાની તૈયારી કરતો હતો ને એની નજર ભૈરવી પર પડી.
‎ભૈરવીને જોતાં જ જેની આંખો ઠરતી એવા ભૂપતને આજે ભયંકર આઘાતે ઘેરો ઘાલ્યો. ફાટી જ પડ્યો. પરંતું તરત જ કળ મેળવી. એણે ધારી ધારીને જોયું. હજુંયે ભૈરવી કોઈને બાથ ભરીને ઊભી હતી.
‎ભૂપતના ગુસ્સાએ સાતમું આકાશ ભેદ્યું.
‎'હં..., તો આવા બે નંબરના ખેલ ખેલવા જ મને લગનની ના પાડતી હતી કેમ? સાલી દગાખોર! મારી સંગે આવડો દગો?' એણે લાકડાનું ડાળું હાથમાં લીધું. ભૈરવીને ભાંગી નાખવા જ. 'મારા જીવતેજીવ તો અન્યો સંગ પ્રણયના આવા ખેલ ખેલી જ શાની શકે?' એણે દોટ મૂકી. ભૈરવીનું કાસળ કાઢી નાખવા જ.
‎એ થોડો નજીક ગયો. જોયું તો ભૈરવી એ પુરૂષથી છૂટવાની જાણે કોશિશ કરી રહી હતી. તરત જ અફર નિર્ણય ફર્યો. સમજાયું કે પેલો પુરૂષ ભૈરવી સંગ જબરજસ્તી કરી રહ્યો છે. એ સફાળે વધારે ઝનુનથી દોડ્યો.
‎લાકડાના એક જ ઝાટકે એણે પરણ્યા પહેલા જ ભૈરવીને વિધવા કરી મૂકી.
* * *















૬.વસવસો
સાંજનો મશરૂમ સમય હતો. ગોધણ ગામમાં વળી રહ્યાં હતાં. પંખીઓના ઉડાનથી ગગન અનેરૂ શોભી રહ્યું હતું. વડલાની વડવાઈએ કેટલાંક બાળકો હીંચી રહ્યાં હતાં. કૂવા પર પનિહારીઓની ભીડ ઓસરતી જતી હતી.
છેલ્લે ત્રણેક પનિહારીઓ માથે બેડલા મૂકીને નીકળી.
કૂવો હવે એકલો થઈ પડ્યો. સૂનોભેંકાર ભાસતો હતો.
‎'હે અલી, શું પેલા છોકરાને તે નજરે કર્યો કે નહી?' દમીની સામે આવીને કેડ પર હાથ મૂકતા ખેમી બોલી. એની આંખમાં યુવાનીનો ઉત્સાહભર્યો ઉમંગ હતો. હૈયે તલપાપડ થતી તાલાવેલી હતી.
'ક્યો છોકરો અલી ?' વનિતાએ વચ્ચે જ પૂછ્યું.
‎'અરે વનું ! શું તને ખબર નથી?' ખેમીએ એનેય સવાલ કર્યો.
‎'ના રે બાઈ ના, મને કુણ કે તે ખબર્યું હોય?
ખેમી અને વનિતાના વદનના ભાવો વાંચતી દમી શૂન્યમનસ્ક બની ઊભી હતી.
‎'અલી દમી! તે આ વનિતાને કેમની વાત્યું કરી નહી?' દમી તરફ જોતા ખેમીએ ફરી સવાલ કર્યો. પછી આગળ ઉમેર્યું:'અલી,આપણે ત્રણેય સખી છીએ. અને સખી-બહેનપણી એને જ કહેવાય જે એકમેકના મનની અંદરની અને બહારની સઘળી જ અરે, રજેરજની વાતો જાણતી હોય.'
'હા,પણ હું હવે કહેવાની જ હતી. અને આ એક વાત સિવાય બીજી કંઈ વાત મે મારા મનમાં ખાનગી રાખી છે! બોલો, તમે જ કહો. તમે જ તો મને રજે રજ જાણો જ છો પછી શું?'
‎અને એ જ વેળાએ વનિતાને મનમાં થયું:'પણ તમે મારા મનની એક સાવ અંગત વાત નથી જાણતી. 'એનાથી અંતરમાં ડૂસકું મૂકાઈ ગયું.
‎દમી, વનિતા અને ખેમી ત્રણેય પાક્કી સહેલીઓ. ત્રણેયના મહોલ્લાઓ અલગ પણ હૈયા એક જ. ગામ કૂવે જ એમના વહાલપના બહેનપણા બંધાયા હતાં. સવાર, બપોર અને સાંજે ગામકૂવે પાણીએ આવવાનો એમનો નિત્યક્રમ.
‎ખેમીને હજી હમણાં જ સોળમું બેઠું છે. એનું વિકસતું જતું શરીર એને રોજ અહેસાસ કરાવતું રહે છે કે એ હવે યૌવનના ઉતુંગ મિનારે પહોંચી રહી છે.
એક વખત પેલા શંભુલાલની દીકરીએ પૂછ્યું હતું:'અલી ખેમી, તું હમણાંથી દનમાં દહ વખત કેમ નહાય છે?' ત્યારે 'બકા, તું હજી થોડી નાનકડી છે. યુવાનીનો ઉંબરો ઓળંગીશ એટલે આપમેળે તને આ સવાલનો ઉકેલ જડી આવશે. 'કહીને ખેમીએ ન કળી શકાય એવા ભાવથી અડધો ઉત્તર વાળ્યો હતો. અને એ જ પળે ખેમીને હૈયે એક જબકારો થયો. એ સ્વગત બબડી હતી:'હાય રે અલા ! લ્યો, મારીયે જવાની ખીલખીલાટે ચડી છે! બળ્યું આ ઉંમરનું તો શું કરવું?'
‎દમી બે દાયકાને ઓળંગી ચૂકેલી, કૌટુંબિક વ્યવહાર જાણી ચૂકેલી, સંસારની સારી-નરસી ઘટનાઓ-બાબતોને સુપેરે જાણી ચૂકેલી યુવતી છે. ભરયુવાનીના અહેસાસમાં સફર કરી રહી છે. ક્યાં, ક્યારે અને કેવી રીતે તથા કોની સાથે કેમ હરવું, ફરવું અને કોને કેમ મળવું એનો વહેવાર એ સારી પેઠે જાણે છે. વાને શ્યામ પણ બુધ્ધિએ તેજવાન છે.
ક્યારેક પરગામ જવાનું હોય કે સંજોગોવસાત દાડીએ જવાનું થતું ત્યારે આ ત્રિપુટી સાથે જ હોય.
‎આછું અંધારૂ ભળવા માંડ્યું હતું. છતાંય એ ત્રણેય બહેનપણીઓ એ જ જગ્યાએ વાતો કરતી ઊભી હતી. ગામ ભોળું, માયાળું અને સંસ્કારી હતું. એટલે કોઈ ભય નહોતો. વળી, ઘેર કોઈને કશી ચિંતા નહોતી. માટે એ નિર્ભિક રહી વાતોની મોજ માણી રહી હતી.
‎'લો હવે,જે હોય એ છોકરાની વાત પૂરી કરો. મનેય કંઈક ખબર પડે. 'વનિતાએ અતિઉત્સાહથી પૂછ્યું.
'અલી, પેલો છોકરો...! જ્યાં મારા સગપણની ચર્ચા ચાલે છે. એ છોકરાની વાત કરે છે આ ખેમલી!' દમીએ શાંત ભાવે કહ્યું. એના ઉરમાં 'સગાઈ' શબ્દનો શૂર ઊઠતાં જ લાગણીઓના અસંખ્ય ફુવારાઓ ઊડી ગયા. હૈયે મીઠી ધ્રુજારી થઈ. આંખોમાં ગજબની ચમક ઉપડી. ‎
'હા, એની જ વાત કરૂ છું પણ તું જવાબ તો દે કે તે એને નજરોનજર કર્યો કે નહી?' ખેમી ફરી ઊધડો લેતી હોય એવા ભાવે કહ્યું.
'પણ એમાં ભાળવાનો શું હોય? એને તો હું સુહાગની સંગીન સૅજ પર જોઈશ!' અસ્તાચળ તરફ મીટ માંડતી દમીએ આગળ ક્હ્યું:'માવતર જે નક્કી કરે છે એ યોગ્ય જ હશે. માવતરે એ જોયો, જાણ્યો એટલે બસ!જોઈ જોઈને આપણે તો રૂપ જ જોવાના ને!બાકી ગણઅવગણ તો માવિતરો જ પારખી શકે ને?'
'હા, એ વાત ખરી હો દમી ! છોકરો દેખાવ કરતાં વ્યવહારે વધું કુશળ હોવો જોઈએ. 'ખેમીએ વળી ટાપસી પૂરી.
'તો પછી શું કામ જોવા માટેના સવાલ કરે છે?'
‎'એ તો અમથું જ! બળ્યું જીવ જ એવો કે જોયો હોય તો આંખોને ટાઢક વળે. હૈયાને ઉમંગ થાય. ક્યારેક શમણા જોવા હોય તો કામ આવે. બાકી જોયા જાણ્યા વના તો બળ્યા શમણાંય શે જોવા-સજાવવા?' ખેમી એકસામટું બોલી ગઈ.
વળી, જાણે કંઈક ખૂટતું હોય એમ ઉતાવળે બોલી:'પણ ખરૂં કહું દમી, વનું! મને તો શરીરે સપ્રમાણ પાતળા,ખભે જરાક પહોળા અને ફરવાના મસ્ત શોખીન તથા દેખાવે એકદમ અલ્લડ, વાતોમાં સાવ બેશરમ યુવાનો જ ગમે હો!' અને એ જાતે ને જાતે જ તાળી લઈ ઉમળકા ભરવા લાગી.
'બળ્યું, ભાળવાનો તો જીવ મનેય ઘણો થાય છે. પણ મેળ કેમનો થાય? હાલ ક્યાંય મેળાય ક્યાં ભરાવાના છે તે મેળ પડે??' મોઢા પર ઉદાસી ભરીને દમી બોલી. વળી એણે આગળ વાત વધારી:'ખેમી, વનું કિન્તું બાપુજીની વાતો પરથી લાગે છે કે આ ઉનાળો તો કોઈ કાળે ટળી શકે એમ નથી. હવે તો ઠેઠ સુહાગ રાતે જ દીદાર પામશું?' કહી એણે નિશાશો ભર્યો.
‎'છતાંય એકવાર મળ્યા હોઈએ, નજરે ચડ્યા હોઈએ તો ઠીક. એવું મને લાગે છે. વળી, મળીએ એટલે મોહ જાગે, લાગણી ઉમટે અને એ ઉમટેલી લાગણી સમજાય. ને વળી કંઈ કંઈ નહી તો એકમેકના મનના ભાવો તો જાણી શકીએ ને?' ખેમીએ કૅડ પરથી બેડા પર હાથ મૂકતા એની વાત મૂકી.
‎'પણ મારી બાઈ હજી તો વાત જ ચાલે છે. વેવિશાળ નક્કી થાય પછી જ કંઈક ગોઠવીએ ખરા હો!વનું, તું સાથે આવશે ને!' આટલી વારની ગૂમસૂમ રહેલી વનિતા તરફ ઈશારો કરીને દમી બોલી.જેમાં ખેમીએ પણ હા ભરી.
પણ આ શું ?
'હજી તો વાત જ ચાલે છે, નક્કી થાય પછી જ મળીએ.' આ શબ્દો કાને અથડાતાભેંર જ વનિતાના હૈયે સો-સો તીર ભોંકાયા. એ હલબલી ઊઠી. એના ગોરા ગાલ પરની ગોરાડું જમીન પર પાંપણના ભરપૂર પાણી ફરી વળ્યા.
‎એ પાણી માટલું છલકાવાથી ઊભરાયા કે વનિતાની કોઈ વણકહી વેદનાના હતાં એ પેલી બેય સહેલી કળી શકી નહી.
વનિતા ડિલે ભરપૂર છે. પુરુષોને આકર્ષવાના સઘળા લક્ષણો એના શરીરમાં વિદ્યમાન છે. અલ્લડ, નટખટ અને ભારે નખરાળી છે એ. વારેતહેવારે બનીઠનીને તૈયાર રહેવું એ એનો અલાયદો શોખ. એને તૈયાર થવું ખૂબ જ ગમે. એવી કળાથી આંખોમાં કાજલ આંજે કે પુરૂષને પ્રથમ નજરે જ મોહમાં પાડી દે!
કેડે પાતળી, છાતીએ ભરપૂર અને કાજળભરી નમણી નજરોવાળી એકદમ અલ્લડ અને ઊભરતી યુવાનીની મસ્તીમાં મસ્તાન છોકરીઓ પુરૂષોને વધારે પસંદ હશે, શાયદ!
‎વનિતાને અઢારમું ઊતરવાની તૈયારીઓ થઈ રહી હતી. સારા માઠા પ્રસંગે એ સૌપ્રથમ પુરૂષોની અડફેટે આવતી. એનું એ એની બહેનપણીઓ સમક્ષ ગૌરવ લેતી. મનોમન ખુશ થતી. સમજદાર હતી. કિન્તું એક ભયંકર અને ગોઝારી ગફલત કરી બેઠી હતી એ. અને એ ગલતી એની સખીઓથી છૂપાવી રાખી હતી. માત્ર ત્રણ જ જણ જાણતા હતાં એ ખતા વિશે. ત્રણેયની મૂઠી બંધ હતી એટલે એ આબાદ હતી.
'શું થયું વનું?' ખેમીએ વનિતાના વિખરાયેલા વદન તરફ અમીદ્રષ્ટિ કરી પૂછ્યું. એય ગળગળી થઈ ઊઠી.
‎'કંઈ જ નહી અલી,અમથું જ !'
'ના મારી બેન, આ ઉદાસ આંખોમાં કંઈક તો ગમ છે જ? આજ તારે ઈ કહેવું જ પડશે.તારા સીનામાં કંઈક ભારે દુ:ખ સળવળે છે. મને એ તારી ઉતરી ગયેલી કીકીમાં કળાય છે.' દમીએ પણ સાંત્વનાભેર વાતનો તાગ જાણવા કહ્યું.
'બસ અલી ! તમે ધારો એવું કશું જ નથી ! વનિએ વાત છુપાવવા કોશિશ કરી.' આ તમે જે કરો છો એ વાત સાંભળું છું. ગમે છે. સારી સમજભરી વાતો છે તમારી.' પછી આંસું લૂંછતા આગળ કહે:' પણ હા દમી હો ! મળવું તો સગપણ ઠેકાણે થાય પછી જ હો! લગન પછીનોય સંબંધ તૂટી જાય છે તો આ તો સગપણ? ને વળી હૈયા? હૈયા અને વેવિશાળ તૂટતા આ જમાનામાં ક્યાં લગીરે વાર લાગે છે'
‎'એવું તું ક્યાં આધારે કહી શકે વનિતા?'
એ તો હજી આપણે કોઈને દેહના કે દિલના દાન આપ્યા નથી કે પ્રેમમાં પડ્યા નથી એટલે નહી જ જાણી શકીએ.
દિલ અને દેહના દાન તો પતિદેવને જ કરાય.વળી પારકાને પ્રેમ કરવાની જરૂર જ શી છે. એ પણ પતિદેવને જ કરાય ને!' દમીએ કહ્યું.
'પતિ પણ પારકો નીકળે એવા જોગ સંસારમાં છાછવારે ક્યાં નથી બનતા?' દમીની નજરોમાં અને ખેમીની છાતી પર આંખ ઠેરવતી વનિતા વધારે કહે:'તમને નથી લાગતું કે સુહાગની સૅજ સુધી કૌમાર્ય જાળવી રાખવું એ દરેક સ્ત્રીનો પવિત્ર ધર્મ હોવો જોઈએ?'
‎'બધાની તો શું ખબર,પણ આપણે તો એ જાળવીએ જ છીએ ને!'
'લેકિન હું....હું....!' કહેતી વનિતા ધ્રુસકે ભરાણી.
‎પછી છાના રહીને એણે વીગતે વાત કરવા માંડી.
‎'સખીઓ, હજું પોર સાલની જ વાત છે. મને સત્તરમું ચડતું હતું ને પિતાજી....
'અરે, ગમે ત્યારની વાત હોય પણ અમરાથી છાની રાખી જ કેમ? શું અમે તારી દશમન હતી?' દમી ગુસ્સાભેર વચ્ચે જ બોલી પડી.
ત્રણેય ત્રિભેટે આવીને ઊભી હતી. ત્યાંથી ત્રણેયના રસ્તા ફંટાતા હતાં. ખેમીના શાંત આગ્રહથી વનિએ વાત આગળ વધારી.
‎'મારા પિતાજીને લાગ્યું કે હું હવે ઉંમરલાયક થઈ ગઈ છું. એટલે મારો સંબંધ નક્કી કરવાનું વિચાર્યું. માં એ ઘણાયે વાર્યા પણ પિતાજી એકના બે ન થયા. આખરે માનપુર ગામે મારા સગપણની વાત ચલાવી. સગપણની વાત આવે એટલે હૈયામાં કેટલી અને કેવી ઉથલપાથલ થાય એ તમે જાણો જ છો. મને પણ એવા કેટલાંય લખલખા હૈયા સોંસરવા થયા. પછી એક દિવસે અમે એકમેકને જોયા.પસંદ થયા. ત્યારબાદ એકવાર મારા મામાની દીકરીના લગનમાં મળ્યા.
એમ કરતા અમે એકમેકની લાગણીમાં ઓળખોળ થયા. એવામાં બાદલપુરમાં મેળો ભરાયો. અને અમે ફરી મળ્યા. મેળાની મોજ માણીને બપોર બાદ અમે એકાંતમાં નજીકના જંગલમાં ગયા.ત્યાં...' અને એ ફરી રડી પડી.
થોડીવારે ઉમેર્યું:'ત્યાં શાંત વાતાવરણમાં લાગણીની લીલીછમ્મ લીલાઓ કરી. ભેગી તનમનની તરસ પણ છીપાવી લીધી!મારી તો ના હતી પણ પેલો કહે હવે આપણી સગાઈ થઈ જવાની છે, લગન પણ થશે પછી આમ ઊઘાડેછોગ મળવામાં વાંધો શો? અને હુંય લાગણીમાં તણાઈ.તનતૃષા છીપાવવા બહાવરી બની અને મે મારી મોંઘેરી મિરાતસમું કૌમાર્ય ખોયું!'
દમી અને ખેમી ધડકતા હૈયે ઉકળતા શરીરે બાઘી બનીને સાંભળતી હતી.
'એ ગોજારી બીનાને માંડ મહિનો વીત્યો હશે ને મારા બાપુજી અચાનક કહે કે એ છોકરા સાથે વેવિશાળ ગોઠવી નહી શકાય. કારણમાં કહે કે છોકરો ઉંમરમાં મોટો અને રખડેલ છે.
હું ફસાણી. હૈયું ઘડીક ધબકારો ચૂકી ગયું.જીવ નીકળું-નીકળું થવા લાગ્યો. ક્યાં મોઢે પિતાજીને કહું કે હું.....!'
વળી ધીરે રહીને એણે વાત માંડી....'પછી મહિનોએક થયો ને મારૂ પેટ પાક્યું. હું થરથરી ઊઠી. આંખે ભયંકર અંધારા ઊતર્યા. વખ ઘોળવા વખત થયો. જીવન ખોતા જીવ ના હાલ્યો.બીતા બીતા પેલી આંગણવાડીવાળી બેનના કાને વાત નાખી. એ વહારે આવી. દવા લાવી આપી ને પેટ સાફ કર્યું. આખરે સઘળું હેમખેમ પાર ઊતર્યું. કિન્તું મે મારૂં અખંડ કૌમાર્ય ખોયું એનો વસવસો મને જીવતરના આખરી શ્વાસ સુધી ડંખતો રહેશે'
દમી અને ખેમીના આઘાતભર્યા હ્રદયમાં ઉની લાય ઉપડી ગઈ. અને હૈયા ધબાક કરતા ઘડીભર બેસી ગયા.
* * *












૭. લફરું
"વૈભવી કહું છું, હવે માની જા ! શું કામ મારો સંસાર ઉજાડે છે ને ભવ બગાડે છે?" રડમસ સાદે વિશ્વ બોલી ગયો. પછી લમણે હાથ ભરાવી બેઠો રહ્યો.
‎'તને તારા સંસારની ને ભવની પડી છે, કેમ?' વિશ્વ તરફ હાથનો ઈશારો કરતી વૈભવી મીઠાશથી ફરી તાડુકી :'વિશ્વ ! તું તારા સંસાર ઉજડવાની બળતરામાં પડ્યો છે કિન્તું તે મારી આખી જીંદગી, અરે આખું માસુમ શરીર બગાડ્યું છે એનું શું?'
"કિન્તું એમાં વાંક મારા એકલાનો..."
‎'અરે ભલેને વાંક મારી એકલીનો હોય, તને છોડીશ તો નહી જ.' વચ્ચે જ બોલી.
"કિન્તું વૈભવી! મારો સંસાર, મારી આબરૂ, મારું બાળક...! એ બધાનો એમાં શો વાંક? એમનું શું?"
'તો તું જ ઉકેલ આપ કે તે મારૂ શરીર અભડાવ્યું એનું શું ?'
રાતના દશેક થયા છે. ચોફેર જાજરમાન રોશની ઝળહળી રહી છે. સાબરમતીના ધીરગંભીર તીરે રીવરફ્રન્ટના બાગમાં વિશ્વ અને વૈભવી ગડમથલમાં ડૂબી રહ્યાં છે. વારેઘડીએ પત્નીનો ફોન કટઓફ થઈ જાય છે. ઘેર જઈને પત્નીને શો જવાબ આપવો એના કરતા હાલ આ પ્રેમીકાને ક્યાં ઉપાયે મનાવવી એના ઘોર વિમાસણમાં એ મનમાં ને મનમાં મથી રહ્યો.
જે સંબંધ માત્ર સાવ સહેજમાં-ઓળઘોળ ઉમળકાથી, લાગણીની લચી પડેલી વહાલી વેલથી બંધાયો હતો, એ જ સંબંધને છૂટો કરતા ગળે તલવાર મૂકાયા જેવી વલે થઈ ગઈ હતી.
"આવા સંબંધો શા માટે બંધાતા જ હશે, જે સંબંધોને છોડવા - વિખૂટા કરવા જીવસટોસટની બાજી લગાવવી પડતી હોય !" વિશ્વ મનમાં જ બબડ્યો.
"ચાલ, હવે કાલે કંઈક ઉકેલ લાવશું કે મળશે." એક લાં..બા નિશાશાભેર બોલતો વિશ્વ ગાડી તરફ વળ્યો.
'કાલે નહી, ફેંસલો અત્યારે અને હાલ જ થશે !' વિશ્વનો હાથ ખેંચતા એ બોલી.
વિશ્વએ ઊભડક બેઠક લીધી. વૈભવીને બાથમાં કરી. મીઠાશથી અધરો ખોલ્યા :"જો વૈભવી, મારાથી તારૂં તન અભડાયું એની અન્ય કોઈને જાણ નથી." વાળમાં આંગળી પસવારતા આગળ ચલાવ્યું :"એટલે જ્યાં સુધી માણસના ગુનાઓ કે કુચારિત્રની સરાજાહેર જાણ જગતને ન થાય ત્યાં સુધી માણસ ગુનેગાર કે ચારિત્રવિહિન બનતો નથી. માટે તું નિર્દોષ અને તારૂ શરીર પણ નિર્દોષ છે. તું તારા પતિ જોડે લગન કરીને સુખી સંસાર માણીને સુખી થઈ શકે છે."
‎'વિશ્વ, તું કહેવા શું માગે છે? તે મારી જીંદગી નથી બગાડી એમ? મને ભોળવીને તારા કુકર્મો પર પડદો પાડવા ચાહે છે કેમ?'
"એમ નહી વૈભવી ! બકા તું સમજ. મને બદનામીનાં હડકવાયા હવનમાં ન હોમ."
‎'અને હું જીવતેજીવ હોમાઈ જાઉં એમ?'
"તને કોઈ જ ફેર નહી પડે !"
'તો તને વળી ક્યાં પડવાનો છે, વિશ્વ? તું ગમે તેવા પાસા ફેંક પણ તારે મને પત્ની તો બનાવવી જ પડશે !'
'મને અને ફેર ?' વિશ્વ સાવ હતાશ થઈને બોલ્યો :'જો તારી સંગે લગન કરીશ તો ભાગવું પડશે. ભાગીશ એટલે માવતરને છોડવા પડશે. મારી વહાલસોયી પ્રેમાળ પત્નીને છોડવી પડશે અને છેવટે મારો કાળજાનો કટકો મારા લાલ મારા દીકરાનેય તરછોડવો પડશે. વળી, મારી નાહકની બદનામી થશે. મારી નોકરી જશે એટલે હું સાવ નોંધારો બનીશ. મારી પત્ની અને મારા આધારે હેમખેમ જીવન ગુજારનાર મારા માવતર આ કુઠરાઘાત કોઈ કાળે સહન નહી કરી શકે. માટે કહું છું મને પરણવાના અરમાન આ વહેતી નદીમાં પધરાવી દે.'
‎'વિશ્વ, તું મારી આંખોનું નૂર છે. હૈયાનો મોંઘોમૂલો હાર છે. મારો આશરો છે. તારા વિના હું સાવ નોંધારી બની જઈશ, નોંધારી! તારા સિવાય કોઈને અપનાવવા આ હૈયું તૈયાર નથી. મે તને જ મારો આધાર અને ભરથાર માન્યો છે. એક તારા લીધે જ, તારા ભરોસે જ મે મારી સગાઈ કરેલા પતિને ભૂલાવ્યો છે. ને તું આજે એમ કહે કે મને વીસરી જા! તો એ કેમ બની શકે ? તું જ કહે.'
"એક પરણેલા પુરૂષને તું કઈ હેસિયતથી તારો ભરથાર માની શકે છે? કંઈ રીતે, વૈભવી?"
‎'તો પછી તુંય છતી બૈરીએ કંઈ વિસાતથી એક કુંવારી કન્યાને આમ ધરાર અભડાવી શકે ?'
'એ બધું ગળાડૂબ પ્રેમમાં થયું.'
'શું કહ્યું ? શું કહ્યું? પ્રેમ?? પ્રેમ તો તે મારી સંગે રંગરેલીયા મનાવવા કર્યો'તો કેમ?'
‎"એમાં તારો સાથ અને તારી ખુશી પણ હતી."
'કેમ, વિશ્વ ! તે મને એકવાર લગનનું વચન આપ્યું હતું એ વીસરી ગયો કે ?'
વિશ્વના સ્મૃતિપટ્ટ પર તાજુ થયું.
સમયચક્ર અવળી દિશાએ ફરતું થયું.
એકવાર બપોરી વેળાએ કાંકરિયામાં નૌકાવિહાર વેળાએ વૈભવીએ કહ્યું હતું :'વહાલા વિશ્વ, મારી બેતાબ આંખો હરપળ તારા દિવ્ય દીદાર ઝંખે છે. હૈયું તારો મધુરો સાથ ઝંખે છે. તું મને આખા જીવનભરનો સાથ આપે તો મને અન્ય કોઈ ઉમ્મીદ નહી રહે. બસ, આટલી કૃપા તું કરી આપ.'
"હું મરતે દમ તક તને જ ચાહીશ. તારા પ્રેમને પૂરો આશરો આપીશ. તારી શાદી બાદ પણ તને મળતો રહીશ, ચાહીશ. પ્રેમના પીયુશ પાતો રહીશ. તને વફાદાર રહીશ"
"વિશ્વ, આપણા લગન થઈ જાય તો ?" વચ્ચેજ આનંદના ઉમળકામાં વૈભવીએ સવાલ ખડો કર્યો. પછી ઉમેર્યું :'હું તને અને તારી જીંદગીને સોને મઢીશ. જીવની માફક તારી ખાતરી કરીશ.'
"થાય તો સારૂ. પણ..." એણે અધુરો સહયોગ દર્શાવ્યો.
અને સમય થંભી ગયો.
જે પોતાની પત્નિને વફાદાર રહી શક્યો નથી એ પ્રેમિકાને વફાદાર રહેવાની પાકી ખાતરી આપી રહ્યો છે! અને બીજી બાજું જે પોતાના શરીર તથા ભાવિ ભરથારને સાચવી શકવા સમર્થ રહી નથી એ અન્યને સાચવવાની જવાબદારી લે છે! કેવો ક્રુર મિથ્યાભાસ!
‎પૂર્વેની ઘટનાને ચકાસી લીધા બાદ વિશ્વએ કહ્યું :'વૈભવી, એ પળે મે તને પાક્કું વચન નહોતું આપ્યું. મારૂ એ વાક્ય હજી અધુંરું જ રખડે છે બિચારું.'
'વિશ્વ ! બકા, માની જા. હું તને તારી સઘળી બદનામી અને બરબાદીમાંથી ઉગારીશ. તારા પુત્રને પાળીશ-પોષીશ. તારા માવતરના ચરણ પૂજીશ. બસ, તું મને તારી જીંદગીમાં પનાહ આપી દે.'
‎"કિન્તું પરંતું એ સઘળું તો મારી વહાલસોયી પત્ની હાલ સુપેરે કરે જ છે. તારે નાહકનો એ ભાર શું કામ વેંઢારવો? એના કરતા તો તારા સગાઈ કરેલા એ કરોડપતિ પતિને પરણ અને સુખી થા. તે મને સાથ આપ્યો એ બદલ મારી અસંખ્ય દુઆઓ તને ફળશે.'
‎'નહી વિશ્વ, પરણીશ તો હું તને જ!'
વિશ્વ કચવાયો. સાવ સલવાયો, ને આખરે રઘવાયો. ન ઘરનો કે ન ઘાટનો રહ્યો. જીવ તાળવે આવી ગયો. એણે સાબરમતીમાં છલાંગ લગાવવા ડગ ઉપાડ્યા.
‎વૈભવીએ ફરી એનો કર ઝાલ્યો. એ બોલી :' આટલી સહજતાથી હું તને નહી જવા દઉં. તે મારી જીંદગી બગાડી છે.'
‎વિશ્વ થથડ્યો. પ્રણયની ભૂલ સમજાણી. ક્યાં પહોચવા સફર આદરી હતી ને ક્યાં જઈ પડાયું છે? આખું વૃતાંત એની નજરે કીડીયારાની માફર ઊભરાયું.
પત્ની પ્રથમ સુવાવડ ખાવા પિયરે ગઈ હતી. એ માવતર સાથે એકલો રહેતો હતો.
સારી કંપનીમાં નોકરી. ઊંચો પગાર. માનમોભો. સુખી સંસાર. મોજથી જીંદગી વીતતી હતી.
પત્ની પિયરે ગયા બાદ એની નોકરીનું સ્થળાંતર થયું. મણિનગરની એક સોસાયટીમાં એ રહેવા ગયો. ‎
સોસાયટીમાં રહેવાના પ્રથમ દિવસે જ એણે પહેલીવાર વૈભવીને જોઈ. વૈભવીની વૈભવશાળી રૂપની જહોજલાલી જોઈ એ મોહિત થયો. એ ગમી ગઈ. આંખ વાટે હ્રદયમહેલમાં ઊતરી. મન લપસ્યું.
ઘણીવાર તો એ એકટસ વૈભવીને તાકી રહેતો. એ આંખ પરણાવે એ પહેલા જ એના માહ્યલાએ એને ટકોર્યો :'સબૂર વિશ્વ ! તુ એક પત્નીનો ધણી છે. થોડાંક વખત પછી બાપ બનીશ. સંસાર બહાર આવા ગતકડામાં અટવાઈશ તો અવગતે થઈશ. શાયદ અકસ્માતને ભેટીશ. પાછો વળી જા.' અને એણે સંયમ પાળ્યો.
બે-ચાર માસ વીતી ગયા.
વૈભવી અને વિશ્વની આંખો દિવસમાં ચાર વાર મળતી. ટકરાતી. ક્યારેક ભેદાતી પણ ખરી.
‎વૈભવીને પણ વિશ્વ પહેલી જ નજરે ગમી ગયો હતો. એનું શરીરસૌષ્ઠવ વૈભવીને કાયમ આકર્ષતું.
વિશ્વના દીદાર માત્રથી એના હૈયામાં ન કળી શકાય એવી મીઠી ઉથલપાથલ થતી.
પરિચય વધતો ગયો.
એકબીજાને ઘેર આવનજાવન વધી.
એકવાર સાંજે વિશ્વએ કચવાતા મને ઉચ્ચાર્યું :'વૈભવી, તું મને થોડો અપનાવી શકે?'
વૈભવીને ગોળ ખાતા પતાસું મળ્યું. એનું શરીર પ્રણયથી પલળી ગયું. તત્ક્ષણ એની છાતીએ વળગી જવા જીગર જવાન થયું.
'કેમ યાર?' હાસ્યને હોઠમાં જ દાબી એણે સામો સવાલ કર્યો. હૈયું હાં પાડવા તાગડધિન્ના કરતું હતું. ઉછળી-ઉછળીને ભેટી પડવાનું મન થયું. એણે સ્વસ્થતા ધરી.
‎"સંસાર સૂનો ભાસે છે. એકલતા જીરવાતી નથી. આપ ગમી ગયા છો. ઉરે વસી ગયા છો." હૈયે હતું એ હોઠે લાવી દીધું.
'થોડો શું કામ, પૂરેપૂરો અપનાવી લઉં! પરંતું તમારી પ્રેમાળ પત્નીને ખબર પડશે તો?' હાસ્યના હજારો ફૂંવારા ઉતડાડતી એણે સણસણતો સવાલ ઉડાડ્યો.
‎'હં...' પગ વડે જમીન ખોતરતા એણે ઉમેર્યું :' કિન્તું મારી પત્નીને કહેવા કોણ જવાનું છે? તમે કે હું?'
'બેમાંથી તો કોઈ જ નહી, શાયદ!'
‎'આવો એક બનીએ. મોજ માણીએ.'
‎અને આછા અંધારામાં વૈભવી વિશ્વની છાતીએ બાઝી પડી.
પોતાની ખડતલ ભુજાઓમાં વૈભવીને બરાબરની દબાવતા વિશ્વ મનમાં બબડી રહ્યો હતો :"વૈભવી! મારે તને ક્યાં આજીવન પ્રેમ કરવો છે ? હું તો મારી ગોઝારી એકલતાની ભીડ ભાંગવા બેઠો છું. મારી પત્ની આવે એટલી જ વાર છે, બસ. ત્યાં સુધી તુજ સંગ ફાગ ખેલતો રહીશ. તનમનની પ્યાસ બુજાવતો રહીશ. મારી પત્નીના આગમન સાથે જ તને રસ્તે રઝળતી કરી દઈશ.'
અને આખરે એ ખુદ રઝળતો થઈ ગયો.
* * *











૮. ભાભી
શુકન ભણતો હતો ત્યારે જ એના માવતર ગુજરી ગયા હતાં. વળી, યુવા વયે જ લગ્ન થઈ ગયા હતાં. ઘરની બેવડી જવાબદારી એના શિરે આવી પડી હતી:એક જાતે ભણવું અને બીજું પરિવારનું ગુજરાન ચલાવવું. આવી વિષમ પરિસ્થિતિમાં કમને એણે ભણતર અડધે મેલ્યું. કાળી મજૂરી કરવા માંડી. ધીમે ધીમે સારું કામ મળવા લાગ્યું.
દરમિયાન એને એક નાનીકડી કંપનીમાં નોકરી મળી ગઈ!
ગુજરાન સુખેથી ચાલવા લાગ્યું.
પિતાના અને પોતાના અધુરા અરમાનો પૂરા કરવા માટે શુકને નાનાભાઈને ભણાવ્યો. નાનાનુ નામ ફરમાન. એને ભણાવવા સારું થઈ કોઈ મણા બાકી ન રાખી. પોતે અગવડો વેઠીને ફરમાનને બધી જ સગવડો પૂરી કરી આપી. ફરમાન પણ એવો જ ખંતીલો. ભણવા સિવાય એને બીજું કોઈ કામ નહીં. એ મન લગાવીને ભણે. અભ્યાસમાં તો એ જીવ રેડી દેતો! આખરે ભણતરની ભક્તિ ફળી. બંને ભાઈઓની મહેનત રંગ લાવી અને નાનો કલેક્ટર બની ગયો! પરિવારમાં અને ગામમાં આનંદનો વરસાદ વરસી ગયો. આજુબાજુના પંથકમાં ખુશીઓની મોઘમ ખુશબુ પ્રસરી.
માટીના ગારલીંપણવાળા ખોરડામાં ઉછરીને કલેકટર બનવુ એ નાનીસૂની વાત તો નહોતી જ!
આ બધામાં સૌથી વધારે ખુશ થઈ હતી તો ફરમાનની ભાભી જ. એના તો જાણે ભાગ્ય જ ખુલી ગયા!
સુખી સંસારની સુંદર સવાર થવા લાગી. શુકનને પણ પોતે ન ભણી શક્યાનો અફસોસ રહ્યો નહીં. પોતાના અરમાન પૂરા થયેલા જોઈને એ રાજીના રેડ થઇને દિવસો ગુજારતો. ફરમાન મોટાભાઈને પિતાતુલ્ય સમજતો. એની આજ્ઞાઓનું તંદુરસ્તપણે પાલન કરતો. મોટો કહે સવાર તો સવાર અને કહે રાત તો રાત. પણ કલેક્ટર બન્યા બાદ મોટાએ એની જવાબદારી એના શિરે જ મૂકી દીધી. તેમ છતાં ફરમાન લગીરે આડુંઅવળું ન કરે. પગાર પણ એ મોટા ભાઈના હાથમાં જ આપી દેતો.
દરમિયાન મોટાભાઈને એક પછી એક એમ બે દીકરા અવતર્યા. એમના ઉછેરમાં- લાડકોડમાં ફરમાન પોતાની જાન રેડી દેતો. એ પોતાના ભત્રીજાની એટલી બધી ખાતરદારી કરતો જાણે એ એના સગા બાળકો ન હોય! ભાભી આ જોઈ મનોમન ખુશ થતી. ક્યારેક તો અતિઉમંગમાં- ઉત્સાહમાં આવીને એ દિયરના ઓવારણા લઈ લેતી.
એક વખતની વાત છે. સમય પૂરપાટે વહી રહ્યો હતો. ચોફેર આનંદમંગલ વર્તાતો હતો. એકવાર શુભ ઘડી જોઈ મોટાભાઈએ પત્નીને કહ્યું:" એય, સાંભળે છે કે, હવે નાનકાના લગ્ન લઈએ! ક્યાંક સારું જોઈને ગોઠવી લઈએ."
આ સાંભળીને પહેલા તો ભાભી રાજી-રાજી થઈ. પરંતુ તરત જ કાળ એના કાળજે બેઠો. અને ભાભીને અમંગળ વિચારે ચડાવી દીધી. 'એ પરણશે તો પગાર બંધ થશે, મારા બાળક પ્રત્યેનો પ્રેમ-લાગણી ઓછી થશે અને આપણું શું? આપણે ભૂખે મરવાનો વારો આવશે." એણે મનોમન કાળું વિચાર્યું.
બીજા દિવસે સવારે એણે પતિને કહ્યું:"કહું છું નાનકાને પરણાવવાની શી ઉતાવળ છે? હાલ તો આપણે એને સાચવીએ જ છીએ ને! અત્યારે એને પરણાવવાની કોઈ જરૂર નથી. હજું એની ઉંમર જ ક્યાં થઈ છે! એ ભણ્યો એટલે ક્લેક્ટર થઈ ગયો! બાકી છે તો કાલનું છોકરું જ ને? એને ઉંમરલાયક થવા દો. સંસારની વાતો સમજવા દો. પછી નિરાંતે આપણે એના લગન કરાવીશું. ઉતાવળે આંબા પકાવવાની કોઈ જ જરૂર નથી."
અને ફરમાનના લગ્નની વાત પર પડદો પડી ગયો!
આમને આમ પાંચ વર્ષના વાણા વહી ગયા. નાનાની લોકચાહના ખૂબ ફેલાઈ. એના કામકાજની પ્રસંશા થવા લાગી. ગરીબોનો તો એ બેલી તરીકે ઉભરી આવ્યો. એની સારી લોકચાહના જોઈ-સાંભળી ગામે-ગામથી એના માટે સારા સારા માગા આવવા લાગ્યા.
ફરમાનના મનમાં લગ્નની ઘેલછા જાગે એ પહેલાં જ લાગ જોઈને ભાભીએ બાજુના શહેરમાં પચ્ચીસ લાખનું મકાન લેવડાવી દીધું. અને પોતાના પતિના નામે કરી દીધું. નાનાને ગંધ ન આવવા દીધી કે તે એક ભયંકર કાવતરાનો ભોગ બની રહ્યો છે! અને કદાચ નાનાને ખબર હોત તો પણ એ આને ધ્યાનમાં લેત નહીં. એ તો મોટાનો રૂણી હતો.
વખત વીતતો ગયો. ફરમાન ધીમે-ધીમે સંસારની સારી-નરસી વાતો સારી રીતે સમજવા લાગ્યો. દરમિયાન એના ઘેર એના લગ્ન માટેના માંગાઓની વણઝાર છૂટવા માંડી. એ કશું બોલતો નહોતો. એને બોલવાને કોઈ સ્થાન નહોતું. ભાઈ- ભાભી જ બધું નક્કી કરતા. ભાઈ અને ભાભી જે કરે એ જ શ્રેષ્ઠ! કિન્તુ એણે જોયું-સાંભળ્યું તો દરેક આવનારને ભાભી એક જ જવાબ આપીને પાછા મોકલી દેતી હતી:"નાનો હજી નાદાન છે. એની પરણવાની ઉંમર થઈ નથી. અને એ સંસાર વિશે ઝાઝું કશું જાણતો નથી." લગભગ માગું લઈ આવનાર દરકને આ જ જવાબ આપીને ભાભી હસતે વદને વિદાય કરી દેતી.
એક દિવસ સમી સાંજના બે માણસો એના ઘેર આવ્યા. મોટાભાઈ બોલે એ પહેલાં જ ભાભીએ કહ્યું:" અમારો નાનકો લગ્નની ના પાડે છે!" અને બાજુની રૂમમાં બેઠા બેઠા ફરમાને અનાયાસે જ કાનોકાન આ સાંભળ્યું. એને કંઈક વહેમ આવી.
એ વહેલી સવારે ઉઠ્યો. ઓફિસ જવાના સમય પહેલાં રાત્રે આવેલા મહેમાનોના ગામ પહોંચી ગયો. સીધું જ કહ્યું:"શ્રીમાન, મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ એક મહિનો. બધી જ રીતે કુશળ છું. સંસારને સારી રીતે જાણું છું. જગતના રીત-રિવાજો પ્રત્યે માહિતગાર છું. ગઈ રાતે આપ અમારા ઘરે મારુ માગુ લઈને આવ્યા હતા. એ માગુ મને મંજુર છે. હુ આપની દીકરીને ઓળખું છું. અમે એક્મેકના સથવારે મધુર જિંદગી જીવી શકીશું. આપ ચાહો તો મને આપની આબરૂસમ દીકરી સાથે લગ્નગ્રંથિથી બાંધી શકો છો!"
બીજા દિવસે ભાઈ અને ભાભીએ મળીને નાનાના લગ્નનું નક્કી કર્યું. અને આવતા દિવસોમાં રંગેચંગે લગ્ન પણ લેવાઈ ગયા. ભાભી દિયરને પરણતો જોઈ ન શકી. એના અંતરમાં આગ લાગી.
મોટાની સાથે નાનાનો સંસાર સુખેથી પસાર થવા લાગ્યો. મોટાનો પરિવાર પણ આરામદાયક જિંદગીમાં હતો. કોઈને કંઈ જ વાતે તકલીફ નહોતી જ. પોતાના લગ્ન પછી પણ ભત્રીજાઓના લાડકોડમાં એમના ઉછેરમાં ઓટ ના આવી. ઉલટું દિવસેને દિવસે પ્રેમમાં વધારો થવા લાગ્યો. હવે તો નાનાની વહુ પણ એમના ભત્રીજાઓને દીકરાની જેમ લાડકોડથી ઉછેરવા લાગી. જોનારને લાગે જ નહિ કે એ પેલા બે બાળકોની કાકી છે. એના પ્રેમમાં જાણે ઉછાળા મારતું માતૃત્વ!
જેવી ઘરમાં દેરાણી આવી કે ભાભીના ચહેરા પર ઉદાસીએ સામ્રાજ્ય સર્જ્યું. મોટો ભાઈ બધું સમજી શકતો હતો પણ બોલવાની કે કશું કહેવાને કોઈ સ્થાન જ નહોતું. જેમ ચાલતું હતું એમ ચાલવા દેવામાં જ એણે શાણપણ સમજી.
"ભાભી મને હસીને વાતો નથી કરતા. મારી સાથે જાણે ઓરમાન ભર્યું વર્તન કરતાં હોય એવું મને લાગે છે." ફરમાનની પત્નીએ એને કહ્યું.
"એ તારો વહેમ છે. હું ભાભીને ઓળખું છું. ને એના ચહેરા પર આવું કશુંક હશે. બાકી હૈયામાં તો આપણા પ્રત્યે માતૃત્વ સમો ભારોભાર પ્રેમ છે."
થોડાક દિવસો બાદ ફરમાને એકાંતમાં જઈને કહ્યું:"ભાભી, હમણાંથી તમે ઉદાસ રહો છો. હું કારણ સમજી શકતો નથી. તમારા ઉદાસીના કારણે તમારી દેરાણી પણ ટેન્શનમાં રહે છે. જો કંઈ પ્રોબ્લેમ જેવું હોય તો કહો. આપણે ઉકેલ લાવીએ. અને જો કશું જ ન હોય તો આપ બંને સાથે હળી-મળીને બહેન જેવી રહેશો તો આપણે પહેલાં કરતાં સવાયા સુખી થઈશું. ગામમાં અને પંથકમાં આપણે ઉદાહરણરૂપ બનીશું. આવતા દહાડે લોકો કહેશે કે ભાઈ હો તો આવા અને દેરાણી-જેઠાણી હો તો તમારા જેવી!"
ભાભીએ નાનકાને કશો જ ઉત્તર વાળ્યો નહીં.
ઉત્તર વાળે જ શાની? એના મનમાં તો વહેમે ઘર ઘાલ્યું હતું. ઉલટાની એ વધારે ઉશ્કેરાઈ. એણે કાવતરા ગોઠવવા માંડ્યા. પિતાની જમીનમાંથી તો બાળપણથી જ એણે નાનાનું નામ કમી કરાવેલ હતું.
ધીમે-ધીમે નાનાને ભાભીની મેલી મંછાની પૂરી જાણ થઈ ગઈ. કિન્તુ એણે આંખ આડા કાન કર્યા. સૌ સારા વાના થશે અને એક દિવસ ભાભીને ભાન થશે એમ સમજીને એણે વાત વિસારે પાડી. પણ એમ ભાભી માને શાની?
ભાભી કોઈ જ વાતે નમતું જોખવા તૈયાર નહોતી. એના મનમાં તો પેલા ભયંકર કુવિચારે સ્થાન જમાવી લીધું હતું કે નાનો અમને કશું આપશે નહીં. અમારે ભીખારી થવાનો વખત આવશે. મારા બાળકો રઝળી પડશે. જ્યારે નાનાના મનમાં તો આવું કશું જ હતું નહીં. એ તો પોતાના ભાઈ-ભાભીને પિતાતુલ્ય- માવતરસમા જ માનતો હતો. અને એણે એ વાત પોતાની પત્નીને પણ કહી રાખી હતી. પત્ની પણ એ વાતમાં ખુશીથી સહમત હતી.
ભાભી હંમેશા છંછેડાયેલી જ રહેતી. છતાય ફરમાનની સમજું વહુ ભેગી એને સારી ફાવટ આવી ગઈ હતી. લગ્નના બે વર્ષ સુધી પણ એ પોતાનો પગાર ભાઇને જ આપી દેતો. એ જોઈ ભાભી ખૂબ હરખાતી.
એકવાર રાત્રે એ સૂતી હતી ને એને કુવિચાર આવ્યો:" બીજું તો બધું ઠીક, ફરમાન હાલ તો અમારો છે. એની વહુ પણ મારી સગી બહેન જેવું વર્તન રાખે છે. માનપાન આપે છે કિન્તુ જ્યારે એને ઘેર બાળકો અવતરશે તો એનો પગાર અને સંપત્તિનો અમને હક મળશે જ નહીં! ત્યારે અમારું શું થશે!" અને આ વિચારે એણે બીજી જ સવારે પોતાના કાવતરાને અંજામ આપવાનું શરૂ કરી દીધું.
"નાના, તને અને તારી પત્નીને જો અહીં અગવડ પડતી હોય તો આપણે ઉપર બીજો માળ બનાવી લઈએ." મોટાએ એક વખત જમતી વખતે નાનાને કહ્યું.
કોળીયો હાથમાં જ રાખતા નાનાએ તત્ક્ષણ ઉત્તર વાળ્યો:"ના ભાઈ, ના હો! અમને અહીં કોઈ જ અગવડ પડતી નથી. અમારે તમારાથી કોઈ કાળે અલગ થવું નથી."
એમ કરતા ચારેક વરસ વીતી ગયા. ફરમાન અને એની પત્નીને દિવસો ચડતા ન હતા એટલે બંનેને ચિંતા પેઠી. એક દિવસ ફરમાને એની પત્નીને કહ્યું:"આપણે પણ બાળક હોય તો ઠીક. પણ મને કંઈ સમજાતું નથી આ આપણા શરીર સાથ કેમ નથી આપતા?"
"હશે, એ બધું કુદરતના હાથની વાત છે. કુદરત એની મરજી પડશે ત્યારે સૌ સારાવાના કરશે." પત્નીએ દુ:ખ દબાવી હળવાશ વેરી.
"પણ, આટલા વરસ તો કુદરતે કોઈને રાહ નથી જોવડાવી. નક્કી આપણા બેમાંથી એકમાં કંઈક ખૂટતું હોવું જોઈએ!"
"ના ના, એવું કશું ન હોય. એ બધું કુદરતની કમાલ છે. અને આપણે બાળકો તો છે જ. આ મોટાભાઈના બે બાળકો આપણા જ તો બાળકો છે! આપણે એમને સગા બાળકો જેમ ઉછેરીએ છીએ. પછી આપણે ચિંતા શાની?"
"તારી વાત સાચી. પણ આપણા એ આપણા."
" અરે યાર! તમે ઘેલા થઈ ગયા લાગો છો. એ આપણા જ બાળકો છે. જુઓ આપણે એમને અને એ આપણને કેટલો બધો લાડ લડાવે છે!"
"છતાં પણ મને એક અફસોસ સતાવે છે. ગમે એ પણ આપણે એમને આપણા નામ તો નથી આપી શકતા ને?"
"એ તો આપણે એકને દત્તક લઈ લઈએ! પછી આપણા નામ જોડાઈ જશે, ને એ આપણું બાળક થઈ જશે, બસ!"
"બધું તો ઠીક બકા, પણ પછી લોકો આપણા વિષે જાતજાતની વાતો કરશે. તુ સ્ત્રીમાં અને હું પુરૂષમાં નથી જગતમાં એવી અફવા ફેલાશે. અને એ દુઃખ મારાથી સહન નહી થાય. આપણે બાળકો તો જોઈશે જ, ગમે તે ભોગે!"
બંનેના હ્રદય વલોવાતા. વલોપાત જીરવાતો નહોતો.
સમય જતા ક્યાં વાર લાગે છે! બાળકોની ભૂખ ચરમસીમાએ પહોંચી હતી! કોઈ આશા નહોતી દેખાતી. મોટાથી આ દુઃખ જોયું નહોતું જવાતું. ઘણીવાર એ આડકતરી વાણીમાં કહેતો,"નાના, તને બાળકો તો બહુ પસંદ છે એટલે હવે ટૂંક સમયમાં કુદરત તારે ઘેર બાળકો મોકલશે!"
પણ એ ટૂંકો સમય લાંબો ને લાંબો થતો જતો હતો.
સૌને ચિંતા કોરી ખાતી હતી. માત્ર એક જ વ્યક્તિ આનંદ-મંગળથી ખુશખુશાલ બનીને ફરતી હતી. અને એ વ્યક્તિ એટલે ફરમાનની વહાલી ભાભી!
નાની વહુને પેટ નહોતું ચડતું એ જોઈ ભાભી મનમાંને મનમાં બહું જ હરખાતી.
એક દિવસ ફરમાન એની પત્ની સાથે ડૉક્ટરની દવા લેવા પહોંચી ગયો. ડોક્ટરે જરૂરી રિપોર્ટ કરાવીને સારવાર ચાલુ કરી. એક મહિનો, બે મહિનો પણ કોઈ જ ફરક પડ્યો નહીં. ડોક્ટરે હાથ ઊંચા કર્યા. થોડા સમય પછી તે બીજા દવાખાને પહોંચ્યા. એમ કરતા બધા જ ડોક્ટરો અને દવાનો એક જ રિપોર્ટ આવતો હતો:નોર્મલ! બંને જ પતિ-પત્ની બાળકને જન્મ આપવા માટે પરફેક્ટ હતા! તો પછી નડતું'તું શું? એ જ નહોતું સમજાતું!
કેટલાય દવાખાના અને ડોક્ટર બદલી નાખ્યા પણ કોઈ જ દવા કે ડૉક્ટર્સની કારી ફાવી નહીં.
આખરે થાક્યા.
હથિયાર હેઠા મેલ્યા.
એકવાર પત્નીએ કહ્યું:"આપણે એક કામ કરીએ, કોઈ ભુવાજી પાસે જઈએ!"
"બકા, તુ રહેવા દે. એ પોતાનું ભલું નથી કરી શકતો ને બીજાનું શું ભલું કરી શકવાનો? આ બધું અત્યારના સમયમાં અંધશ્રદ્ધા છે. ને હું એમાં સહેંજેય માનતો નથી."
"અરે હા, તમારી વાત સાચી! તમે વિજ્ઞાનમાં માનો છો તો એના માટે આપણે દરેક પ્રકારની દવા કરાવી. હવે આખરી ઉપાય તરીકે દવા છોડીને બદલામાં એક વાર ભગવાન અને ભુવાનોય વિશ્વાસ કરી લઈએ!"
ફરમાન કમને તૈયાર થયો.
એટલામાં ફરમાનની ઓફિસમાં એક દિવસ એક ગરીબ કાકા આવી પહોંચ્યા. એમણે ફરમાનને ઘણા બધા ડોક્ટર પાસે જતા જોયો હતો. એટલે એના દરદને પારખી ગયા હતા. કાકાએ ધીમે રહીને કહ્યું:"સાહેબ ! મને ખબર છે તમારે શૅર માટીની ખોટ છે! માણસ પાસે બધું જ હોય પણ જો શૅર માટીની ખોટ હોય તો એની જિંદગી કોઈ કામની નથી રહેતી. એ દુઃખ હું સારી પેઠે સમજું છું. માટે આપને એક છેલ્લી વાત કરવા આવ્યો છું, જો આપ મારી વાત માનો તો?"
અને ફરમાનને કાકાની વાત માનવી પડી.
બીજા દિવસે એ પોતાની પત્નીને લઈને કાકાના કહ્યા પ્રમાણેના ડોક્ટર પાસે પહોંચી ગયો.
"સાહેબ!"
"બસ, ભાઈ રહેવા દો .હું તમારી વેદના બરોબર સમજી શકું છું.
આપ માત્ર ઈશ્વર પર શ્રદ્ધા રાખો."
અને એ દંપતી પર હાસ્યનું તાજું મોજુ આહલાદક બનીને ફરી વળ્યું.
"ભાઈ, અનાથ બાળકની અને વાંજીયા મા-બાપની વેદના શું હોઈ શકે? એ હું આટલા વર્ષની સર્વિસ દરમિયાન સારી પેઠે જાણી ચુક્યો છું. અનુભવી ચૂક્યો છું."
"પણ સાહેબ! અમને કોઈ તકલીફ નથી. અમે તંદુરસ્ત છીએ. કોઈપણ ડોક્ટર એવું નથી કહેતો કે અમે બન્ને બાળક પેદા કરવામાં અસમર્થ છીએ! તો પછી અમારે આ ખોટ શા માટે?" કહી એણે ફાઈલ ડોક્ટરના હાથમાં સોંપી.
ડોક્ટરે મધ જેવું સ્મિત વેર્યું. ફાઈલ વાચવા માંડી.
ડોક્ટર બીજી ફાઈલ ઉકેલવાની તૈયારી કરતો હતો ત્યારે જ ફરમાને વચ્ચે કહ્યું:"સાહેબ! હવે આપની પાસે છેલ્લો ટ્રાય છે. અમે હાર્યા છીએ. હવે તો કમોતે કૂવો-હવાડો કરવો પડશે!" કહી એણે લમણે હાથ ભરાવ્યો.
"શાં માટે? ભાઈ! ઈશ્વરે આટલું સરસ જીવન આપ્યું છે! એ ઈશ્વરનું અપમાન શા માટે? બાળક આપવા ના આપવા એ અંતે તો ઈશ્વરના હાથની જ વાત છે ને! એના નિર્ણયનું ઉલ્લંઘન હરગિજ ન કરાય!"
"સાહેબ! બાળક વિના તો શેને જીવાય? જીવન વેરાન- વેરાન લાગે છે!"
"ધીરજ અને શ્રદ્ધા રાખો ઈશ્વર બાળક જરૂર આપશે! હું તમારા માટે બનતી બધી જ કોશિશ કરીશ!"
ડોક્ટરે એક સમયની દવા આપીને બંનેને રવાના કર્યા.
બીજા દિવસે આવવા કહ્યું.
સાંજ વીતી ચૂકી હતી. ડોક્ટરને ઘેર જવાનો વખત થયો હતો. પણ એ ફરમાનની ફાઈલનો અભ્યાસ કરવામાં મશગૂલ હતો. બધી જ ફાઈલ, બધા જ રિપોર્ટ બરાબર ચેક કર્યા. બધું જ નોર્મલ હતું. ડોક્ટર વિચારે ચડ્યો:"આવું તો બને જ કેમ? મોડે સુધી વિચારતા ડોક્ટરને કોઇપણ જાતનો ઉપાય મળ્યો નહીં. ડોક્ટરની બેચેની વધવા લાગી. હવે શું?
રાત્રિના દસેક વાગ્યાનો સમય હતો. ડોક્ટર ઘેર જવાને બદલે સીધો જ શહેરના જાણીતા જ્યોતિષશાસ્ત્રી પાસે પહોંચી ગયો! કહ્યું:" જ્યોતિષશ્રી, આપની પાસે એક ગૂંચવણ લઈને આવ્યો છું. મારું વિજ્ઞાન જે નથી કરી શક્યું એવું કામ કોણે કર્યું છે?" કહીને ડૉક્ટરે એ દંપતિના ફોટા જ્યોતિષ સામે કર્યા. એ તરફ નજર નાખીને જ્યોતિષીએ કહ્યું:"ડોક્ટર! આ દંપત્તિના કિસ્મતમાં બે બાળકો લખેલા છે! ધન્યવાદ છે આ દંપતીને! કુદરતે એમને એક બાળક અને એક બાળકી આપેલી છે!"
વરસોનો અનુભવી ડોક્ટર જ્યારે પોતાના ઉપાયથી કે દવાથી કોઈ મરીઝને સારો કરી શકતો નહીં ત્યારે આ જ જ્યોતિષ એની વહારે અવતો.
"પરંતું જ્યોતિષશાસ્ત્રી, લગ્નના ચાર-ચાર વર્ષ થવા આવ્યા છતાં મહિના ચડયા નથી! છેલ્લા આઠેક મહિનાથી શહેરના પ્રખ્યાત ડોક્ટરો પાસે રિપોર્ટ કરાવ્યા, દવા લીધી. બધું જ નોર્મલ છે. છતાં બાળક અવતરવા કેમ અશક્ય છે?"
"ઓહોહોહો! ડોક્ટર! લગ્નના દોઢ વર્ષમાં એમને દીકરી અવતરવાની હતી અને આજે ચાર વર્ષ થઇ ગયા છે! છતાંય ખોળો ખાલી! અશક્ય છે ડોક્ટર, અશક્ય! નક્કી ક્યાંક કંઈક ચૂંક થઈ લાગે છે!"
ઘડીક રહીને જ્યોતિષીએ કહ્યું:"ડોક્ટર, આવનાર સ્ત્રીની કૂખને કોઈ મેલી વિદ્યાના જાણકારે બાંધી દીધી છે!"
"એવું કેવી રીતે બની શકે, જ્યોતિષશાસ્ત્રી? સાવ અશક્ય છે?"
"ડોક્ટર!" ડોક્ટર સામે જોઈને કહ્યું:" અને આ શક્ય હોય તો?"

"તો, હું કાલથી આવા મેલી વિદ્યાના જાણકાર અને લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા લોકોને જેલ હવાલે કરાવીશ!"
"બીજું બધું તો ઠીક જ્યોતિષશાસ્ત્રી! પણ આ બેનની કૂખ કોણે અને શા માટે બાંધી? આ બંનેએ કોનું શું બગાડયું છે?"

"બગાડ્યું નથી, બગાડવાના વહેમે આ આફત નોંતરી છે! અત્યારે રાત વધી રહી છે, ડૉક્ટર. કાલે સવારે હું તમને તમારા સવાલોના જવાબ જરૂર આપીશ. પણ હાં, આ દંપતિને કાલે મારી પાસે લેતા આવજો."
જતાં જતાં ડોક્ટરે જ્યોતિષશાસ્ત્રીને ફરમાને કહેલી એના લગ્નથી માંડીને અત્યાર સુધીમાં જે જે ઘટનાઓ ઘટી હતી, એની સાથેના વર્તનના બનાવો બન્યા હતાં એ બધા જ બનાવો ડોક્ટરને કહ્યાં પ્રમાણે ડૉક્ટરે જ્યોતિષશાસ્ત્રને કહી સંભળાવ્યા.
અને એ જ ઘડીએ જ્યોતિષશાસ્ત્રીએ ડોક્ટરને પાછા બોલાવીને કહ્યું:"થોભી જાઓ! અને સાંભળો! તમારા જે દર્દી છે એ દર્દીની ભાભીએ પોતાના સુખી પરિવાર માટે થઈને; આ દંપતિની સંપતિ ખાવા માટે થઈને એ ભાભીએ જ આ બેનની કૂખ બંધાવી છે! કિન્તું હવે આપણે આ વાત સરાજાહેર કરીને એ સુખી-સમૃદ્ધ પરિવારને ખેદાનમેદાન નથી કરવું! કાલે એ દંપતિ તમારા દવાખાને આવે એટલે ત્યાં જ વિધિ કરીને આપણે એ બેનની કૂખ છૂટી કરવી છે!"
ડોક્ટર અને જ્યોતિષી મોડી રાત્રે ઘસઘસાટ ઊંઘતા હતાં જ્યારે ફરમાન અને એની પત્ની ઊઘાડી આંખે રાતભર પડખા ઘસતા રહ્યા.
* * *


૯.નપાવટ
'દીકરો નહી, દશમન બનીને; અરે, કાળો નાગ બનીને અવતર્યો હતો એ સાલો!' એક જણાએ બળાપો કાઢ્યો.
‎'ન જાણે ક્યાં ભવનું વેર વાળ્યું એણે? જો દેવ સમાં સગા બાપને કાળના- મોતના ખપ્પરમાં હોમી ગયો.' બીજા એકે દુ:ખભર્યો સ્વર મૂક્યો.
આંગણામાં લાશ પડી છે. રોનારાઓ રૂદન ખાળી શકવા સમર્થ નથી. હકડેઠઠ ભીડ જામી છે. ગામ આખુ, ને આખું પંથક ઊભરાઈ આવ્યું છે. કોઈની આંખો ચોંધાર છે, તો કોઈની આંખે ઝળઝળિયા અવતરે છે. વળી, કોઈ હીબકે છે.
એક સજ્જનનું મોત કેટલું વસમું હોય છે એનું દુ:ખભર્યું વરવું દ્રશ્ય હતું એ.
એ નખશિશ સજ્જન એટલે ઉદો.
‎ઉદાના અકાળ અવસાને ગામ અને પાસેના પંથકમાં વેરાની વેરી મૂકી હતી.
‎નામે ઉદો, પણ સૌ એને 'કાકા' ના હુલામણા નામે જ સંબોધતા અને ઓળખતા.
ઉદાના બાપ ગામના મુખી. પરંતું સ્વરાજ આવ્યા બાદ એમણે મુખીપણાને ગોરાઓ ભેગું પરદેશ મોકલી દીધેલ. છતાંય, લોક સારા - માઠા અવસરે સલાહ-સૂચન કે ન્યાય માગવા આવતા. લોકમા માનમરતબો એવો જ. સૌ રાજીપો મેળવીને આશિષ આપી વિદાય થતાં.
પિતાના અવસાન બાદ બાપના મુખીપણાના અભેમાનમાં જીવવા કરતાં ઉદાએ એક સામાન્ય જનનું જાહેર જીવન શરૂ કર્યું. ક્યારેક પ્રસંગોપાત લોકો એને મુખી કહેતા એ એને ધીમી ધારે ખુંચતું. ધીમે ધીમે એણે એ આદત પણ છોડાવી.
ઉદાનું ઘર ગામને ગોંદરે જ. ઘણીવાર તો લાગતું જાણે એનું ઘર જ ગામનું ગોંદરૂ છે. સવાર-સાંજ આવતાં જતાં મુસાફરોનો તથા ગામલોકોનો અહીં મેળો ભરાતો. પતિ-પત્ની બેય જણ મનના બહું માયાળું. ભોળા પણ એટલા જ. દગો કરતા એમનું દિલ ડંખી જતું. જે દિવસે આંગણે કોઈના ચરણની રજ ન ખંખેરાઈ હોય એ દિ'એ એમનું ચેન હણાઈ જતું. વટેમાર્ગુઓનો મોટો વિસામો હતો ઉદાનું ઘર. એ ઉદાનું એકલાનું નહી કિન્તું સૌનું સહિયારું હોય એમ એ સૌને આવકારવા, પોતાનામાં સમાવી લેવા હંમેશ તત્પર રહેતું.
આવી માયાળું માનવતાથી એ 'કાકા' ના નામે ખ્યાત થયેલા.
ઉદો માનવી અને માનવતાનો જબરો ચાહક. ગામના કોઈનું બૂરું તો શું કરે પણ ક્યાંય ખોટું થયાના વાવડ મળતા તો એનો દયાળું જીવ બળી જતો.
એક સારા સજ્જન તરીકેની આગવી ઓળખ મેળવી હતી ઉદાએ.
આ સઘળા કારણોને લીધે ઝાંઝાં માનપાન મળતાં. ઠેર - ઠેર એનો માનમરતબો ને મોભો જળવાઈ રહેતો. પણ ઉદાને આનું કોઈ મૂલ નહોતું. એને તો બસ લોકની સેવાનો હરખ હતો.
ઉદાને સાત ખોટનો એકનો એક દીકરો.
દીકરીના અખંડ ઓરતા હતાં પરંતું એ ફળ્યા નહી. દીકરી વિનાનું ઘર ને આંગણું વેરાન ભાસતા. દીકરીના અભાવનું દુ:ખ ખાળવા એકવાર ગામ આખાની બહેન-દીકરીઓને અતિહેતથી જમાડી, લૂગડાંલતાં આપી ખુશ કરી.
છતાંયે કોઈની આશિષ ન ફળી.
હૈયામાં દીકરીનો અજંપો સદાય ડંખતો.
ઉદો સર્વ વાતે સુખી. સમાજમાં માનપાન હતાં. આબરૂ હતી. પાંચ માણસોમાં બેસનાર હતો એ.
'ભેમજી...!'
ઉદાના એક જ દીકરાનું નામ ભેમજી.
બાળપણથી જ એની કેળવણીમાં ઉદાએ કોઈ મણા નહોતી રાખી. એના આંગણેથી સંસ્કારોની જે સૌરભ ઉડતી એમાં ભેમજી ઓળઘોળ હતો. ભેમજીમાં લોકો દેવના દીદાર કરતા. એ ભોળો અને જબરો દયાળું. બાપના અને દાદાના બેવડા સુસંસ્કાર ઊતર્યા હતાં એનામાં.
ઘણીવાર લોકો કહેતા :'જેમ ઉદાએ એના બાપનું નામ અમર-ઊજાળી રાખ્યું છે એમ આ ભેમજી ઉદાનું નામ ઊજાળવાનો એમાં બેમત નથી. એ બાપનું અને દાદાનું એમ બેયનું નામ અમર કરી જવાનો.
‎ભેમજીને ભણાવીને કલેક્ટર બનાવવાની ઉદાની એક મહેચ્છા. કિન્તું, ભેમજીને અને ભણતરને જાણે ગાઉનું છેટું હોય એમ ભેમજીને ભણવામાં ટપ્પા ન પડે. ભણતરને અધવચ્ચે જ મૂકીને એ ખેતીના કામે જોતરાયો. સો વીઘાની જમીનનો એ ધણી. થોડાંક જ વખતમાં એ ખેતીકામમાં પાવરધો બન્યો.
ભેમજીને ખેતીમાં જોઈને કચવાતા મને ઉદો મનમાં હરખાતો. પુત્રને સારી રીતે કેળવાયેલ, સૌની આબરૂનો માનમોભો રાખનારો ભાળીને ઉદો અનેકવાર ભેમજી પર વારી જતો. એ મનમાં ને મનમાં પોરસાતો.
'કહું છું સાંભળે છે?' કોઠીમાંથી બાજરો કાઢતી પત્નીને ઉદાએ કહેવા માંડ્યું:'આપણો ભેમજી હવે જવાન થતો જાય છે. વ્યવહારૂ પણ ઠીકઠીક થયો છે. અને ખેતીવાડીમાં તો કેવો માહેર છે!'
‎'હા, પણ એટલેથી હવે શું?'
'એય ને હવે આપણે વાડીએ જવાનું બંધ! હવે તો લોકોની વધારે સેવા કરીને માધવની માયાના મીઠા મેવા મેળવવા સારૂ આવતાં જતાં માણસોની સેવાની મોજ ઉઠાવીએ.'
‎'ઠીક, પણ ભેમજી સગપણને લાયક થયો છે એનું શું?!'
'ઓહ! એ તો હવે એકાદ વરહમાં હું એને ઠેકાણે પાડી દઈશ.'વળી પત્નીની ચિંતાને હરતા ઉમેર્યું:'આપણા ભેમજી હાટું કન્યાનો ક્યાં તોટો છે! ચપટીએકમાં ભેમજી ચૉરી ભગો થયો સમજો.'
'ગોઠવવાનું તો ઠીક, એ ક્યાંય આડે માર્ગે ફંટાઈ ન જાય એનું ધ્યાન રાખજો.'
‎'હું કોણ? હું ઉદો. અને ભેમજી મારો લાલ. મારો કાંધનો હકદાર.' પત્નીના હાથને હળવે શ્પર્શીને એણે વાત આગળ વધારી: 'એ મારો દીકરો છે. મે એને કેળવવામાં કોઈ ઓછપ નથી રાખી. કાળા-ધોળાની પરખ એને ક્યાં નથી? સીધી લીટીનો જવાન છે એ. માર્ગેથી વિચલિત નહી થાય.
"હા, છતાં પણ જાળવજો. ધ્યાન રાખજો. આ તો જવાની....! આડી અવળી થયા વિના નહી રહેવાની!"
'ઠીક છે, મારી ચાતક નજરે રહેશે એ.' કહી ઉદાએ વાત સમેટી.
વહાલો વખત વીતતો ગયો.
‎એક સમયે જરાક કામ અર્થે ભેમજી બાજુના ગામતરે ગયો.
કામથી પરવારીને એ ઘેર-ગામ આવવા નીકળ્યો. ચોરાથી થોડેક આઘે ગયો કે એણે ગામકૂવે નીર સિંચતી કન્યા જોઈ. નજરો કન્યાની નમણી કેડે અટકી. તરત જ પછી એના નાગણસમાં ચોટલે ઊતરી. ભેમજીને કંઈક થયું. અનાયાસે જ એ પેલી કન્યાને તાકી રહ્યો. કમખાની કમનીય કમાનસમી દોરી જોઈ એણે ચરણ ચાલું કર્યા. કમરની લચક ભાળી મોહાતુર બન્યો. પળમાં પ્રણયવિહવળ થઈ કન્યાની સન્મુખ થયો. યુવતીના મોહક મોં ને નજરે કર્યું. "આહ! કેવું અફલાતુન વદન!" પ્રેણયાતુર મન બબડ્યું. આંખ ઠરી. હૈયું ઊછળ્યું. રોમ રવાડે ચડ્યા. જોબન સાત ઘોડલે સવાર થયું.
‎પાણી સીંચતી નવયૌવનાના વિખરાયેલ છતાં પરસેવાથી ઊઘાડી પીઠે ચોંટેલ જુલ્ફો, છાતીએથી સરી ગયેલ પાલવ અને પરસેવાથી નીતરતી ડોક આંખે કરી ભેમજીનું અસ્તિત્વ પ્રણયાતુર થયું.
ભેમજીએ નખશિશ એ યુવતીને હૈયા સૌંસરવી કરી.
'લ્યો ભાઈ, પાણી પી લ્યો.' પાલવ સરખો કરી પોતાને અમિનેષ નજરે તાકી રહેલ ભેમજી તરફ ડોળ નમાવતી એ યુવતીએ કોયલસો ટહુકો વેર્યો. ભેમજીના દિલની કુંજગલિઓમાં એ ઉતર્યો.
સતત ચોથીવાર 'લ્યો ભાઈ પાણી પી લ્યો' એવા ટહુકા થયા બાદ ભેમજી સ્વસ્થ થયો.
એણે સફાળે ઉચ્ચાર્યું:' છોકરી, ફરીથી ભાઈ કહેવાની ગુસ્તાખી કરીશ નહી. કિન્તું હાં, મારા ઘરનું પાણી ભરવાની હામ હોય તો જ પાણી પાવાની કોશિશ કરજે.'
છોકરી ભેમજીનો ઈશારો અને ઈરાદો પળમાં પામી ગઈ. ક્ષણમાં એ વધારે સ્વસ્થ થઈ. પીઠનો પરસેવો લૂછ્યો. ફૂલેલી છાતી પાલવ પૂંઠે સંતાડી.
કેડે હેલ મૂકી વિના ઉત્તરે એ ઘર તરફ રવાના થઈ.
ભેમજી એને જતી જોઈ રહ્યો.
રાત્રે એને ચેન ન થયું.
‎બીજા દિવસે ફરી એ પેલી યુવતીની આંખે ચડ્યો. વેવિશાળનો પ્રસ્તાવ મૂક્યો:'છોકરી, ગઈ કાલે તારા પર મોહિત થવાયું છે.'
'એ કાલ હતી, ગુજરી ગઈ. હવે આજે શું છે?'
"આજે એમાં ઘુઘવતી ભરતી આવી છે. ને મોહ મેદાને ચડ્યો છે."
'કંઈ હેસિયતથી?'
'ખબર નથી. પણ ઉરમાં લાગણીના અશ્વો તમને ઉપાડી જવા હણહણાટભેર તલસે છે. શાયદ પુરૂષપણું હોઈ શકે, વિજાતીય આકર્ષણ હોઈ શકે કે પછી લાગણીની લીલીછમ્મ લીલાઓ!'
‎'મોહ મૃત્યુ તરફ ધકેલે છે એ ખબર છે?'
'ના, સંસારની ઝાઝી ખબર નથી, કિન્તું ફિકર પણ નથી.'
'મોહબ્બતે કંઈ કેટલીયે જીંદગી ઝેર કરી છે.'
'હશે, લેકિન મને શું?'
'મોહ, માયા, મોહબ્બત અને મને વીસરી જવામાં જ સાર છે.'
'અશક્ય છે!'
‎'બદનામ-બરબાદ થવાશે. વહાલી જીંદગીને વખ ઘોળવાનો વખત આવશે.'
'હું છું ને! સઘળું હેમખેમ પાર ઉતારીશ.'
'શહેંનશાહ સમાં પણ બચી શક્યા નથી, 'કિન્તું...!??'
'કિન્તું, પરંતું બરંતું કઈ જ નહી ચાલે. સ્નેહ જાગ્યો હોય તો માત્ર સહર્ષ સ્વિકાર જ.'
પ્રણયસંધાન થયું.
પરિચય કેળવાયો.
હૈયાની અદલાબદલી થઈ.
'ભેમજી, જીવનભર મને સાચવી રાખવાની ત્રેવડ હોય તો અને તો જ મને સ્વિકારજો, આગળ વધજો. હજી વખત છે.'
"ચંદ્રાવતી!" કહીને ભેમજીએ ભીષ્મપ્રતિગ્ના લીધી.
પછી તો લાગણીઓએ બુલેટ ટ્રેનની ગતિ પકડી.
વાડીની જવાબદારી સંભાળ્યા બાદ ભેમજી ઘેર ઓછો આવતો. એનું ભાતું ને વાળું વેળાસર ખેતરે પહોંચી જતું.
કિન્તું, રોજ એકાંતરે માવતર ભેગું વાળું કરવાનો એનો નિત્યક્રમ.
રોજ રાત્રે બાર વાગ્યાથી છેક હરણા આથમવાની વેળા સુધી ભેમજી ચંદ્રાવતીની સોડમાં રહેતો. લીલાછમ્મ ખેતરમાં લાગણીની લીલાઓ રચાતી.
"કાકા" ઉદાની પડખે બેઠક લેતા એક જણાએ કહેવા માંડ્યું:'તમારા માન્યામાં નહી આવે પણ એ સત્ય છે કે ભેમજીનો પગ કોઈ કાળકુંડાળામાં પડ્યો હોય એવા અણસાર છે!'
'હે! શું થયું મારા લાલને?' ઉદો બેબાકળો બન્યો.
'કાકા' ઉદાની પીઠ થાબડતા આગળ કહ્યું:'વાત એમ નથી, વાત જાણે એમ છે કે ભેમજી પડોશના ગામની કો'ક છોરી હારે અતારથી ફાગ ગાતો થઈ ગયો છે!'
‎'હે!???? જા જા, જુઠ્ઠા! બદનામ કરવા શું હાલી પડ્યા છો લ્યા!' કહેતા જીવનમાં પ્રથમવાર હાથ ઉગામ્યો. ભાન થતાં જ એ ચેષ્ટાને કૉરે કરી. સ્વસ્થતા અપનાવી. ગુસ્સો ઠંડો કરી ગળે ઉતાર્યો.
'કાકા, હું હાવ સાચું જ કહું છું.'
'ના, ના. તારી કોઈ ભૂલ થાય છે. મારો ભીમો, મારો કેળવાયેલ એ આવી ખતા કરી શકે જ નહી!'
ભેમજી ટેવ મુજબ ઘેર આવ્યો.
ઉદાએ જમાનાની પીધેલ આંખ ઝીણી કરીને નખશિશ કર્યો. વરસોની પારખું નજરો ભેમજીના ડિલને જાણે ટકોરા મારીને એની ખાતરી કરી રહી. ક્યાંય કોઈ અજુગતું થયાના અણસાર ન દીઠાં. કળ વળી. ભરોસો બેઠો. મનોમન અંતરના ઓવારણા લીધા.
'બેટા, ભેમજી ! મને ઠીક નથી. કાયામાં કળતર થાય છે જરીક. કદાચ વૈદ્ય કનેય જવું પડે. તું બે દિ' ઘેર જ રહે એવી મંછા છે.' સાંભળેલી વાતનો તાગ જાણવા ઉદાએ વિચાર્યું.
'જી, બાપુજી.'
ત્રીજી રાત્રે પેટમાં વાળું પહોંચાડીને ભેમજી વાડીએ જવા ઉપડ્યો. ઉદાના મનમાં જે જરાક જ વહેમ હતી એ બે દિવસમાં પણ દીઠી નહી. પાક્કો વિશવા બેઠો.
ભેમજીને સ્વસ્થ અને શાંત ચિત્તે જતો જોઈ ઉદાએ રાહતનો દમ લીધો. 'ખરો મારો ભેમજી ! દીકરો નહી દેવ છે દેવ!' ઉદો મનમાં જ બબડ્યો. જાતે જ પીઠ થાબડી.**
'ચંદ્રી' રાત્રિના અંધકારમાં ચંદ્રાવતીના ચહેરા પર હાથ ફેરવતા ભેમજીએ કહેવા માંડ્યું:'સૃષ્ટિના ઉદયકાળથી પ્રેમ અસ્તિત્વમાં છે. જમાનો સૌને પ્રેમ કરતો આવ્યો છે. આટઆટલી ખુનામરકી થવા છતાંય લોકો એને સ્વિકારતા કેમ નથી? પ્રેમીઓને સંગાથે જીવવા દેતા આ જમાનાને થાય છે શું?'
'જમાનાને નહી, માનવીને કહો. જમાનો તો એ જ રફ્તારમાં વહે છે. એ કોઈને કનડતો નથી. એનો સ્વભાવ જ એવો નથી. નિર્દયી જુલ્મો તો આ માણસો કરે છે માણસો!'
'તો શું આપણે ગુનો કર્યો છે?'
'હા, લોકો માટે. લોકોની નજરે. પરંતું....' એણે ભેમજીના ગાલે ચુંબન ચોટાડ્યું. આગળ કહ્યું:'જ્યાં સુધી આપણે કરેલા કાર્યો લોકો સ્વિકારે નહી ત્યાં સુધી એ ગુનો જ છે.'
'લોક સમજતું શાને નથી? બે જીવ મળે એમાં એમને શું?' ભેમજીએ બળાપો કાઢ્યો.
'હું ખુદ આવા લોકોને ધિક્કારું છું જે લોકો અન્યોના પ્રણયસંબંધને પાપગુનો ગણે છે. પણ મને એક વાત આજલગી સમજાણી નથી!'
'શું ? કંઈ વાત??' ભેમજીએ વચ્ચે જ પૂછયું.
‎'એ કે જે લોકો પ્રણયના શૂરા મારગે મુસાફરી ખેડી ચૂકેલ છે અથવા જે લોકો હજીયે અન્યો સંગ પ્રણયથી બંધાયેલ છે એ જ લોકો અન્યોના પ્રણયસંબંધને શાને સ્વિકારી શકતા નથી? અથવા અન્યોને શાને બદનામ-બરબાદ કરવા મેદાને પડતા હશે?'
વળી કંઈક વિચારીને ચંદ્રાવતીએ વાત આગળ વધારી:'પ્રિયંવર, હજું ચાર મહિના પહેલની જ ઘટના છે. મારા ગામમાં જ એ ઘટેલ. જેમાં મળેલા બે હૈયાઓને લોકોએ ખુલ્લામાં નિર્વસ્ર કરીને ફાંસીએ લટકાવ્યા હતાં. એમાં નવાઈની વાત એ હતી કે એ ગોઝારા કાંડમાં એવા માણસો જ વધારે સામેલ હતાં જે માણસો કોઈને પ્રેમ કરતા હતાં. જે ગુના સબબ પેલા બે જણને મોતને ઘાટ વળાવ્યા હતાં એવા જ ગુના એ આચરી રહ્યાં હતાં. એમાંથી ઘણાને તો મે મારી સગી આંખે રંગરેલીયા માણતાં જોયા. બોલ, દેવ ! જે લોક કોઈના પ્રણયમાં હતાં એ જ બીજાના પ્રણયને જોઈ ન શક્યા? પછી જમાનાને બિચારાને દોષ આપ્યે શું વળે?' ચંદ્રાવતીનો ચહેરો આંસુંએ નહાઈ રહ્યો.**
‎'દીકરા ભીમ, હવે તું ઉંમરલાયક થયો છે. તારું વેવિશાળ ગોઠવી દઈએ તો કેમનું રહેશે?'
'જેવી આપની ઈચ્છા, પિતાજી.' ભેમજી માત્ર આટલું જ ઉચ્ચારી શક્યો હતો.
ચોથા દિવસે કોઈએ ઉડતા વાવડ પહોચાડ્યા કે ભેમજી ચંદ્રાવતી સંગ નાસી ગયેલ છે.
કહેનારની વાતમાં ને ઉડતા આવેલ સંદેશા પર ભરોસો ન બેઠો. થોડીકવારે ચંદ્રાવતીનું આખું ગામ ઉદાના આંગણે ઉતર્યું.
ઉદો તાગ જાણી ગયો.
'અરરરરર....મારી આબરૂ....! મારી કેળવણી...! મારો ભેમજી.....!' ઉદાને ભયંકર આઘાત થયો.
ઘડીકમાં જ એ જમીનદોસ્ત થયો.
ચંદ્રાવતી અને ભેમજી અદાલતમાં એકમેકને વરમાળા પહેરાવી રહ્યાં હતાં જ્યારે ઘેર વૈદ્ય કને જતાં પહેલાં જ ઉદાના પ્રાણપંખેરૂં સરગની વાટે થયા હતાં. ‎
* * *






૧૦.અભરખા
'અરે,અર્શિતભાઈ! તમે ને અહીંથી? અને વળી, આટલે મોડા?' અર્શિતની પડખે જ બાઈક ઊભું રાખતા કહ્યું. કહેવાવાળા ભાઈ ચહેરા પર ન કળી શકાય એવું ગજબનું હાસ્ય રેલાવી રહ્યાં. દાઢમાં ન કળાય એવું મારકણું છતાં મીઠું મલકી રહ્યાં. એના મનોભાવો પરથી મનમાં કંઈક અલગ મિજાજ હોય એવું અર્શિતને લાગ્યું. કિન્તું એણે મનમાં ધર્યું નહી, ને ઉત્તર વાળ્યો:'હા, સાહેબ ! આ કામમાં થોડું વધારે મોડું થઈ ગયું.' કહીને એણે લાઈટબીલનો ચોપડો કહેનારની આંખ સામે ધર્યો.
મતલબ વિનાની ચર્ચા કર્યા બાદ બંને ત્યાંથી વિખૂટા પડ્યા.
ગલીના નાકે વળાંક લેતાં જ અર્શિતની વાહે નજર પડી. એણે જોયું તો એને સવાલ કરનાર એ જે ગલી-ઘરેથી નીકળ્યો હતો એ તરફ વળ્યો. કંઈક રંધાઈ જવાનો એને વહેમ પડ્યો, પણ તત્ક્ષણ છોડ્યો. એની જાણ બહાર એનું હૈયું ધમણ થવા તરફ વળી રહ્યું.
અર્શિતને ઉપરનો સવાલ કરનાર એના ઉપરી સાહેબ હતાં. બંને એક જ જગ્યાએ નોકરીએ હતાં.
અર્શિતના એ સાહેબનું નામ ચંચુદાસ.
'પેલો અર્શિતીયો કેમ આવ્યો હતો?' ચંચુદાસે કરડા હોઠે ડુંગળી જેવા ડોળા કાઢીને પૂછ્યું.
પાણીનો ગ્લાસ આપતા દીલાવરીબેને વિના કોઈ હાવભાવે ટૂંકમાં ઉત્તર વાળ્યો:' લાઈટબીલ આપવા આવ્યા હતાં.' કહીને એમણે પાલવ સરખો કર્યો.
પાણીનો ઘુંટડો ભરતા - ભરતા ચંચુદાસની વહેમાયેલી નજરોએ દિલાવરીને નખશિશ કરી. ક્યાંય કપડાલતાનો કે એના દીદારમાં વેરવિખેર ન જોતાં ચંચુદાસના વહમાયેલા હૈયાને ટાઢક વળી. દરમિયાન દિલાવરીની દીકરી એના રૂમમાંથી બહાર આવી, ઊંઘમાંથી ઊઠીને વિખરાયેલી હાલતે. એ જોઈ ચંચુદાસના હાથમાંથી પ્યાલો પડી ગયો. ને એ સાથે જ મનમાં ધ્રાસકો પડ્યો.
રાતના દશ સવાદશના સમયની આ ઘટના.
‎દિલાવરી એટલે દિલની અને દેહની દિલદાર-દાતાર.
રૂપિયાના મોહમાં એ ગમેતેવા પુરૂષનેય પડખું આપી દેતી. ક્યારેક જો કોઈ દાનેશ્વરી મળી જતો તો એ સગી દીકરીનેય એને તાબે થવા મજબૂર કરતી! દીકરી કમને શબવત પડી રહેતી.
દિલાવરીની દીકરીને જ્યારથી સાન આવી ત્યારથી માતાની આવી હરકતોથી એ ખૂબ જ ખીજાતી. મનોમન માં પ્રત્યે સૂગ અને તિરસ્કાર ઉપજતો. ઘણીવાર તો એ માં નું અને આવનાર પુરુષનું ઢીમ ઢાળી દેવાના વાદે ચડતી. પણ અટકી જતી. ધીરે ધીરે એ ખુદ આવા કપરા કાર્યમાં કેવી રીતે હોમાઈ ગઈ એનું ભાન ખુદ એનેય રહ્યું નહી.
ચંચુદાસ એટલે રંગીનમિજાજી મોજીલો માણસ.
યુવાની જોરમાં હતી ત્યાં લગી તો અન્ય સ્ત્રીઓ તરફ આંખ ઊંચી કરવાની ત્રેવડ નહોતી. સંસાર માંડ્યા બાદ એકપત્નિત્વ પાળવામાં માહેર. કિન્તું ઉંમરની ઢળતી સંધ્યાએ પોતાના વાંઝિયપણાનું કારણ શોધવાની અઘરી મથામણ આદરી.
દરમિયાન એમની અન્ય જગ્યાએ બદલી થઈ ગઈ.
નોકરીના શહેરમાં ફરજ પર જતાં જ મકાન ગોતવાની તજવીજ કરતી વેળાએ દિલાવરી સાથે પ્રથમ મુલાકાત થઈ. એ મુલાકાત આગળ ઉપર જતાં મીઠી મહોબ્બતમાં પરિણમી.
દિલાવરી દિલે અને ડિલે બહું જ દેખાવડી. એની ભૂખરી આંખ પળભરમાં પુરૂષને પાણી પાણી કરી દેતી. મકાન શોધવાની બાબતમાં એણે ચંચુદાસને ખાસ્સી મદદ કરેલી. આખરે ક્યાંય મેળ ન પડતાં પોતાની પડોશના મકાનનો મેળ પાડી આપેલો.
આસ્તે આસ્તે ઘરોબો કેળવાતો ગયો.
બંને મોડાવહેલા એકમેકના ઘેર આવતા જતાં થયા. એકવાર દિલાવરીને જોઈતું હતું ને ચંચુદાસે આંખના ઈશારે રાતવાસનું આમંત્રણ આપ્યું. પળમાં જ પાંપણના પલકારે સહર્ષ સ્વિકારાઈ ગયું.
પછી તો ધીમે ધીમે ચંચુદાસે પૈસાના બળે દિલાવરી પર એકહથ્થું શાસન જમાવી લીધું.
દિલાવરી ત્યારે ત્રીસેક વર્ષની શ્યામ સ્વરુપવાન વિધવા. કેટલાંક નશીલા પુરુષોને એ કુંવારી કન્યા સમ લાગતી. સત્તરેક વર્ષની એક માસૂમ દીકરી હતી. ગલીના નાકે જ ઘર. એકલી હતી. કોઈ રોકટોક હતી નહી. શરૂમાં મજુરી કામ કરીને બંનેનું પટીયું રળતી. પણ પછી એ અનાયાસે જ યુવાનીની રંગીનીયોમાં સરી ગઈ. જોતજોતામાં ગામ આખાના રંગીન મિજાજી પુરુષોના મોજનું મોઘમ સાધન બની. શ્યામાકર્ષણ રૂપ અને અલ્લડમસ્ત યુવાનીના જોરે જલસા થવા લાગ્યા.
"દિલું! તારે હવેથી અન્યોના ઘેર જવું નહી કે કોઈને આપણા ઘેર આમંત્રવા નહી હો! હું તારી અને છોકરીને અછો-અછો વાના કરી આપીશ. બધી રીતે તને હું ખુશ કરીશ. પૈસે-ટકે, પહેરવે-ઓઢવે અને હરવે- ફરવે મરજી માફક ભોગ ભોગવી શકીશ." ચંચુદાસે એકવાર રાત્રે જમતી વેળાએ કહ્યું.
તે દિ' થી ચંચુદાસ એટલે જાણે દિલાવરીનું સંપૂર્ણ અક્ષયપાત્ર!
પણ એમ કહ્યે એ સખણી તો શાની રહે. ચંચુદાસ જ્યારે ઓફિસના કે અન્ય કામ અર્થે અન્યત્ર જતો ત્યારે દિલાવરી ઘેર જ એના આશિકોનો અડ્ડો જમાવતી. મોજ કરતી. પૈસે આળોટતી.
ઘણીવાર એ ટિફિન આપવા ચંચુદાસની ઑફિસે જતી.
એકવાર એણે અર્શિતને જોયો. આંખ ઠરી. પલકારમાં જ સળવળાટ કરતો આંખ વાટે ઉરમાં ઉતાર્યો. એ જવાનીના જોબનવંતા જોરમાં આવી ગઈ. પલળી ગઈ. આસ્તે રહી અર્શિતથી પરિચય કેળવતી થઈ. ઘેર ચા-પાણીનું આમંત્રણ આપતી. પરંતું વિના કામે કોઈના ઘેર નહી જવાનો અર્શિતનો નિયમ. એટલે દિલાવરીની મનની મનમાં જ રહી જતી.
'વાહ, અર્શિતભાઈ તમે તો બહું જ શૂરા નીકળ્યા હો! રાત્રે તમે મીર મારી આવ્યા ને જબરી મોજ કરી આવ્યા હો !' રિશેષના વખતે સૌ સ્ટાફ મિત્રો જ્યારે ચા- નાસ્તાની મસ્ત મહેફિલ માણી રહ્યાં હતાં ત્યારે લાગ જોઈને અચાનક જ ચંચુદાસે મણકો મૂક્યો. ને હલકી વાત ઉપાડી.
અર્શિતને અત્રી નામની એક સહકર્મી યુવતી જોડે સારું બનતું. એ મેળાપ તોડવા ચંચુદાસે પોબારા પાસા ગોઠવવા માંડ્યા.
'કેવી મોજ વળી?' ઝીણી નજરે મંદોદરે રસપૂર્વક પૂછ્યું.
'અરે, પૂછો ને અર્શિતને જ !' ઈશારો કરતાં ચંચુદાસ બોલ્યા.
'બોલ અર્શિત, તે શી મજા કરી કે આ ચંચુદાસ દાઢે બળતા આટલા હરખપદુડા થઈ રહ્યાં છે?'
'અરે ભાઈ, મને તો કશી ખબર જ નથી! આ ચંચુદાસ ખબર નહી ક્યાંથી શું અફવા ઉપાડી લાવ્યા છે?'
'અરે હા..હા..! માલ ખાઈને કેવું મન છૂપાવો છો?' નજીક સરકતા ચંચુદાસે ઉશ્કેરાટ વધારી.
'ચાલ અર્શિત, જે મજા કરી કરી હોય એ સાચેસાચ સરાજાહેર કર. ઝટ દૂધનું દૂધ ને પાણીનું પાણી કર. જેથી ચંચુદાસને રાહત થાય. નહી તો નાસ્તાની ઉલટી કરી નાખશે બિચારા.' અણગમાંથી મોં મચકોડતી અત્રિએ કહ્યું. એ અર્શિતની પડખે આવી બેઠી. ખભે હાથ મૂક્યો.
એ જોઈ ચંચુદાસને બળતરા ઉપડી.
'અરે ભાઈ, કોઈ મજા નહી. આ ચંચુદાસ નકામું વાતનું વતેસર કરી રહ્યાં છે.' અત્રિ તરફ નજર ફેરવી અર્શિતે વાત આગળ વધારી:'એ તો કાલ રાત્રે બીલ આપતાં આપતાં જરાક મોડું થઈ ગયું. છેલ્લે પેલી વિધવાબાઈ એવી દિલાવરીબેનનું ઘર આવ્યું. એ માં- દીકરીના હઠાગ્રહથી ત્યાં જમીને મોડે દશેક વાગ્યે ઘેર આવવા નીકળ્યો ને આ આપણા સાહેબ જોઈ ગયા. બસ એટલી જ વાત છે. એમાં આ સાહેબ વહેમે ભરાયા છે. એમને મૉકો મળ્યો એટલે આજે મને સરાજાહેર બેઆબરૂ કરવા નીકળ્યા છે.'
'વહેમ નહીં, મે બધી જ ખાતરી કરી લીધી છે હો! તમે મનની ભૂખ મિટાવી કે તનની?' મૂછમાં હસતા વળી આગળ કહે:'આપ કહો તો સબૂત દેખાડું?' એ અર્શતની નજીક આવ્યા. આંખમાં આંખ ભેરવી. ને મૂછ પર તાવ દેતા અર્શિતની બેદાગ આબરૂના ધજાગરા ઉડાડવા માંડ્યાં.
અર્શિત એ સમયે નવો સવો આવ્યો હોવાથી ચંચુદાસની દિલાવરી જોડેના ગઠબંધનની કે એમની ચાલચલગતની ઝાઝી ગતાગમ નહોતી જ. એટલે જ એ આ ભૂલ કરી બેઠો.
દરમિયાન બળેવ આવી.
દિલાવરીની એક દૂરની બહેનપણી બળેવના ત્રીજા દિવસે એને મળવા આવી. ચંચુદાસ વતનમાં ગયેલ હતાં. અર્શિત પાંચેક દિવસ અગાઉ વતનથી આવેલ હોઈ રક્ષાબંધનના તહેવાર પર ઘેર જવાનું માંડી વાળ્યું હતું. વળી, એ ફિક્સ વેતનનો શિકારી હોઈ એનો પગાર પણ સાવ ઓછો હતો એટલે વારેઘડીના ધક્કા પોસાય એમ જ ક્યાં હતાં! એની રાખડી પણ ટપાલી મારફતે પહોંચી આવી હતી.
જરૂરી આયોજન કરીને દિલાવરી એની સખીને અર્શિતને ઘેર લઈ ગઈ. લાગ જોઈને વાતમાંને વાતમાં પટાવીને એની બહેનપણી જોડે અર્શિતને રાખડી બંધાવી લીધી.
દિલાવરી હવે દર પંદર દિવસે એની સહેલીને બોલાવી લેતી. એ જ્યારે આવતી ત્યારે અર્શિતના ઘેર મોકલતી જ. સાથે એની દીકરીને પણ અવશ્ય મોકલતી.
દિલાવરીની દીકરી દેખાવડી. પ્રથમ દીદારે જ આંખમાં વસી જાય ને ઉકળતું ઉર ઠારે એવી. શરીરે સપ્રમાણ પણ એની છાતીનો ભરાવદાર વિકાસ તરત જ ઊડીને આંખે વળગે એવો. કમરનો કમાન સમો મરોડ ગાત્રો ટટ્ટાર કરી મૂકે. અધરોની મચકોડ સાથેની મુસ્કાન ગમે એવી વયના પુરૂષને મોહમાં પાડી દે!
જ્યારે પહેલી વખત અર્શિત એના ઘેર જમ્યો હતો ત્યારે એ ગમી હતી. લેકિન આવું સાહસ કરતા એ ડરી ગયો.
પોતાની ધર્મની બહેન જ્યારે આવતી ત્યારે એની સાથે દિલાવરીની દીકરીના આગમનથી એની આંખો અનેરા ઉમંગથી ઊભરાઈ જતી. ઉરના ઊંડાણમાં અર્શિતને એનું આવવું ગમતું. એને જોઈને મન હળવાશ અનુભવતું. એકલતા ઊભી પૂંછડીએ ઊડી જતી ને વહાલા વતનનો વસમો વિયોગ વાસંતી વૈભવમાં ફેરવાઈ જતો. સૂનું મકાન મઘમઘાટ કરતા ચમનમાં પરિવર્તતું.
કંઈ કેટલાય અવર્ણનીય અને અકલ્પીય લખલખાઓ હૈયાને આહલાદકતામાં ગરકાવ કરી મૂકતા.
'દીકરી, મારી બહેનપણીને અર્શિતની બહેન બનાવવી એ એક સ્વાર્થી કાવતરૂ છે. ખરી હકીકત તો તારે એ બહાને અર્શિતના હૈયાની સરજમીન પર કબજો જમાવીને એનો પગાર અને એનું શરીર મેળવવાનું છે.'
'પણ મમ્મી..?'
‎'પણ ને બણ જાય તેલ લેવા કે જાય જનાલીવાડામાં! એને પ્રેમમાં પાડીને મારા પલંગમાં સાવ ઊઘાડો કર.'
બનાવટી બીનાથી અર્શિત સાવ અજાણ હતો. ધીરે ધીરે દિલાવરીના ઘેર આવાગમન વધતું ગયું. એક પ્રકારનો ઘરોબો કેળવાતો ગયો. જ્યારે જ્યારે દિલાવરીની બહેનપણી આવતી ત્યારે હવે એ જીદ કરીને કંઈક બહાનું બનાવીને અર્શિતને એના ઘેર બોલાવી લેતી. મન ભરીને લલચાયેલી નજરે, કાગને ડોળે, ભૂખ્યા વરૂની પેઠે એ મોં વકાસીને અર્શિતને તાકી રહેતી.
એમ કરતા એક વખત અર્શિતને ઓચિંતાની દિલાવરીના ચારિત્ર્ય અંગે ભાળ મળી. સાથે એ પણ જાણવા મળ્યું કે ચંચુદાસ સાથે એના કેવા સંબંધ છે અને પોતાની સંગે કેવા કેવા કાતિલ બંધનોની ફિરાકમાં છે? એ જાણ્યા બાદ જબરી સિફ્તથી એણે એ વ્યવહારથી કૉરે થવાની કળા કેળવી.
દરમિયાન અર્શિતનો પગાર સારો એવો વધી ગયો.
‎'અર્શિત, હવે મારાથી ધીરજ ખમાતી નથી. મારી તરફડતી તરસ છિપાવો. તમારી ઈચ્છા હોય તો ભલે પહેલા એક વખત મારી દીકરી સંગ ગાળી લો. કિન્તું એકવાર, હાં એક જ વાર અંગે અંગમાં ભડભડ થતી આગને શમાવો. મને તમારા જોશીલા બાહુપાશમાં જકડીને ભીંસી નાખો ભીંસી.' કહેતી દાંત ભીંસતી દિલાવરીએ અર્શિતનો હાથ પકડ્યો, ખેંચ્યો, દાબ્યો. છાતી સરસો ખેંચવા પ્રયાસ કર્યો, હાથ અને અર્શિત બંનેને.
ઓચિંતા હુમલાથી ‎અર્શિત ડઘાયો. હાથ છોડાવવાની તજવીજ કરતા હાથમાંથી વીજળીની બીલબૂક જમીનદોસ્ત થઈ. એ ગભરાયો. દિલાવરીની દીકરી સામેના જ ખંડમાં બેઠી બેઠી આ તમાશો જોઈ- સાંભળી રહી હતી. અનાયાસે જ એ તરફ અર્શિતની નજરો ખેંચાણી. જાણે કહેતો હતો કે મને આ ડાકણથી બચાવ. પરંતું એણે ઝીણી નજરે જોયું તો એ પણ જાણે પ્રેણયભીના આમંત્રણ આપી રહી હતી.
માંડ છૂટીને અર્શિતે ત્યાંથી પોબારા ગણ્યા.
ધીમે ધીમે ચંચુદાસને આ સઘળી ઘટનાની જાણ મળી. બળેવ પછીના જે જે બનાવો બન્યા એની એણે રજેરજની માહિતિ મેળવી. હાશકારો થયો. કશું અજુંગતું બન્યું નથી એનો આનંદ ઉજવ્યો. દિલાવરીને ઠપકો આપવા જેવું લાગ્યું નહી. એ પણ હવે એને ક્યાં ગણકારતી જ હતી! છતાં પણ ચંચુદાસે ઑફિસમાં અને ગામની ગલીઓમાં અર્શિતની બનાવટી બદનામીના પતાસા વહેંચવા માંડ્યાં. લોકો સઘળું જાણતા હતાં. કોઈ કાને ધરતા નહોતા.
અર્શિતની સામે કોઈ શંકાની નજરે જોતાં જ ક્યાં હતાં.
એક વખતની વાત છે.
સાંજની વેળા હતી.
અંધારૂ વધ્યે જતું હતું.
અર્શિતની શૂનકાર ડેલીએ અચાનક ટકોરાના રણકાર થયા, અને એ એના શાંત દિલમાં પડઘાયા. ઘડીકમાં તો એ પણ ડઘાયો. પછી હૈયે હામ ધરી.
‎"કોણ?" કહેતા એણે હળવેકથી ઉઘાડા ડિલે ડેલી ઊઘાડી. માત્ર કોણ છે એ જોવા જ.
કેડમાં માટલી ભરાવીને એક વિરોધી યૌવન ઝળહળતું દીઠું. આછા અંધકારમાં એણે ચહેરો ઓળખ્યો. દિલમાં દીવા પ્રગટ્યા અને આંખે રોશની થઈ.
હૈયામાં જે ઘુંટાતા હતાં એ અભરખા પૂરા થવાની પળ નસીબ થઈ.
'સર, બે દિવસથી પાણી આવ્યું નથી એટલે આજ મને થયું કે આપને કૂવાનું મીઠું પાણી પહોચાડી આવું. તેથી હાલ જ કૂવેથી આ માટલી ભરી આવી છું.' કહેતા એણે ડેલીમાં ઉમળકાભર્યા એવા ઉમંગથી પ્રવેશ કર્યો જાણે ચૉરીએ ચડી!
અર્શિત વિના કોઈ ભાવે એની ઊઘાડી બારી સમી પીઠને તાકી રહ્યો. ક્ષણમાં જ ભૂરી ભૂરી માંસલ પીઠ પ્રત્યે એ આકર્ષાયો. ઉરમાં ઉમંગભર્યો ઉનો- ઉનો સળવળાટ થયો. લાગણીની લીલીછમ્મ કૂંપળો ફૂટવા માંડી. પ્રચુરપણે વહાલ ઊભરાયું. રૂવેરૂવાં જવાન થઈ ટટ્ટાર થવા લાગ્યા. બાથ ભરવા આતુર થયો.
પણ પળમાં જ એ રડી પડ્યો.
આંખે શ્રાવણ ભાદરવો બેઠો.
ઉમંગભર્યા ઉરમાં ઉદાસી છવાઈ ગઈ.
માટલું મૂકીને હરણીની માફક દોડતી આવીને યુવતી અર્શિતને બાઝી પડી, વરસોના વિયોગથી વિહવળ બનેલી માશૂકાની માફક જ! અર્શિત ઓગળીને ફૂંદેફૂંદા થઈ ગયો. સ્વર્ગસમું પરમ સુખ પામ્યો. હૈયાને ટાઢક થઈ. મનમાં ઘુંટાતી એક અકથ્ય-અસહ્ય વેદનાની પીડાને દાબીને એ પ્રણયશૃંગારની ભરપૂર મોજ માણી રહ્યો.
આ વૈભવશાળી સઘળા સ્વર્ગીય સુખ વચાળે એક અજંપો, એક ખાલીપો, એક દરદ ભીના ભીના અંતરને સૂકવીને બાળી રહ્યું. કોકડે વાળી રહ્યું. હ્રદયમાં રડી પડ્યો. અંતરના અભરખા રોળાયાનો સ્વાનુભવ થયો.
"ઓહ અર્શિત! આહ અર્શિત! વાહ અર્શિત." કહેતી યુવતીએ લાંબો અને મધુર ઊહંકારો ભર્યો. બચીઓ ભરવા માંડી. જાણે અર્શિતને સુહાગના ભર્યાભાદર્યા આમંત્રણ ને નિમંત્રણ આપતી હતી.
અર્શિત એકદમ ગોફણની માફક છૂટીને અળગો થઈ ગયો.
'અર્શિત, મુજ વિશે ઝાંઝાં વહેમમાં રહેશો નહી.'
‎'કેમ, કેવો વહેમ?'
‎'મારા ખંડ લગી કમને માત્ર ત્રણ જ પુરૂષો પહોંચી શક્યા છે. કિન્તું કૌમાર્યના કામણગારા કાંગરા મે હેમખેમ જાળવી રાખ્યા છે. આજે તમારે એ તોડી પાડવાના છે. એ અભડાવાના છે.' કહેતી પવનવેગે આવીને ફરી એ અર્શિતની આગોશમાં સમાઈ. ભયંકર વાવાઝોડા સમું સુહાગનું ઝનુન એના તનમનને જાણે ભમાવી રહ્યું.
જીસ્મનું યુદ્ધ જીતવા જાણે એ વારાંગના બની.
'શું કરવું ને શું કહેવું ?' અર્શિત વિમાસણને તાબે થયો. હૈયું આ સોનેરી પળને માણવા આતુર હતું. કિન્તું તાકડે જ શરીર જાણે અવળચંડાઈએ ચડ્યું.
હાંફતા સ્વરે ધીમાં છતાં માદક અવાજે કહ્યું:'ડિયર અર્શિત ! આ સુહાની ઘડીથી હું હંમેશા તમારે ચરણે ને શરણે થાઉં છું. તમે ચાહો ત્યારે મને ભોગવી શકશો, બેરોકટોક! હું તમને પાક્કું વચન આપું છું કે હવેથી આ શરીર પર પરાયા પુરૂષનો છાયો સરખોય નહી પડવા દઉં, ગમે તે ભોગે.'
અને એ જ પળે ફરી ધડધડાકાભેર ડેલી ખખડી. ભેગુ પેલી યુવતીનું હૈયું પણ! ડેલી ખુલ્લી જ હતી. એક જ ઝાટકે એનું બારણું ખૂલી ગયું.
ઝડપભેર એ યુવતી નિર્ભય થઈને આઘી ખસી. વિરોધી જીસ્મ સંગ લડવાનું શૌર્ય ફેલ થયું. નીતરતા ડિલે અને વીલા દિલે અરમાન અધુરા મેલી ખાલી મન તથા ખાલી માટલું લઈને ડેલી ઓળંગવાની તૈયારી કરી.
દરવાજે જોયું તો દિલાવરી પોલીસના કાફલા સાથે ઊભી હતી!
અંધરામાં એ ડાકણ સરખી લાગી.
'મમ્મી, હું કોઈપણ ભોગે અર્શિતસરને ફસાવીસ નહી, ને ફસાવા દઈશ પણ નહી. હું એને ચાહું છું એટલે મેળવીને જરૂર જંપીશ. કિન્તું તારી જે મેલી મંછા છે એ હરગીજ સફળ નહી થવા દઉં.' એ દિવસે જ્યારે દિલાવરીએ અર્શિતને ફસાવવાની ને પૈસા પડાવી લેવાની વાત કરી'તી ત્યારે એની દીકરીએ ઉપરના આ વાક્યો ઉત્તર પેટે ઉચ્ચાર્યા હતાં. અને સોંસરા દિલાવરીના કાનમાં ઊતાર્યા હતાં. સાંભળીને દિલાવરી નાગણ પેઠે છંછેડાઈ હતી.
બસ, ત્યારથી બેયને રંગે હાથ પકડવાની પેરવી રચતી હતી. લાગ ભાળીને કાવતરાને અંજામ આપવા મશગૂલ હતી.
દિલાવરીને જ્યારે અહેસાસ થયો કે એની દીકરી અને અર્શિત વચ્ચે નજરનો લગાવ છે. મનનો મધુર મોહપાશ રચાઈ ગયેલ છે. એ ઘડીથી એણે એ બેયને એક પલંગે થવાના ખૂબ જ અવસર આપ્યા. એમાં કિન્તું એ ફળી નહી.
આખરે દીકરીને અર્શિતને મળવા આતુર બનેલ જોઈ એક સાંજે એણે એક ઘાટ ઘડ્યો.
બહેનપણીને મળવા જવાના અને રાત્રિ રોકાણના બહાને ઘેરથી નીકળી. શહેરમાં પહોંચી. પોતાના ઓળખીતા ફોજદારને બનાવટી બાતમી આપી. આયોજન મુજબ અર્શિતને બળાત્કારી સાબિત કરીને પૈસા પડાવવા તરકટ રચ્યું.
દિલાવરીને જેવી ભાળ મળી કે એની દીકરી અર્શિતની ડેલીએ દસ્તક દઈ ચૂકી છે, એવી જ એ પોલીસના કાફલા સાથે ફાળ ભરતી દોડી આવી.
‎'તમારી સઘળી લીલાઓ હવે સંકેલી લો; અને ચાલો જેલ કોટડીએ, અર્શિત સાહેબ!'
‎'કેવી લીલા ને કેવી વાત?'
‎'ઓહ! એક યુવતીને ઘરમાં બંધ કરીને, એની આબરૂને દાગ દઈને વળી પાછા પૂછે છે કે કેવી લીલા? જબરા છે શાહુકાર બનવાના ઢોંગ હો!' કહીને પી.આઈ.એ હથકડી આગળ ધરી.
હ્રદયમાં ગભરાયેલ પણ સ્વસ્થચિત્તે અર્શિત ઘરમાં ગયો એવો જ પાછો આવ્યો.
હાથમાં કેટલીક ફાઈલો રમતી હતી.
એણે ચૂપચાપ એ ફાઈલો પી.આઈ.ને હસ્તક કરી.
ફાઈલના પત્તા ફેરવાવા લાગ્યા. બધી જ ફાઈલમાં છેલ્લે એક જ ધ્રુવ વાક્ય સરખી રીતે મળતું આવતું હતું. જે વાંચતાં-વાંચતાં મોટેલી બોલી પડાયું:'શરીરમાં જરૂરી હોર્મોન્સના અભાવે શરીરસુખ ભોગવવા અસમર્થ!'
* * *



૧૧.ઘરેણું
ચોફેર નવરાત્રિનો ઉમંગ ઉટપટાંગ બનીને ઉછાળા મારી રહ્યો હતો. આવનાર નવરાત્રીનો મોઘમ જગમગાટ અને યુવા હૈયાઓનો થનગનાટ વીતેલી દરેક નવરાત્રીઓને ફીકી પાડી રહ્યો હતો.
નવરાત્રી એટલે કે લોકોને અને જગતને પોતાના રૂપનાં તથા અદાઓની કાજળઘેરી કામણગારી અદાઓથી નખશિશ આંજી નાખવાનો અવસર. દરેકના દિલમાં અધૂરા ઓરતા બનીને વસી જવાનો જાણે અણમોલ અવસર!
"દીદી! કેવી લાગુ છું જોજે જરા?" સૌંદર્યના સાધનોથી સજ્જ બનેલી દિવ્યલતાએ ગૉળ ઘૂમીને આયનામાં જોઈને પૂછ્યું.
"અદલ અપ્સરા!" તીરછી નજર નાખીને પાછું અવંતીએ ઉમેર્યું:"શાયદ, ઉર્વશી કે મેનકા પણ તને જોઈને અંજાઈ જાય. કે પછી તારા દેખાવથી ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠે એવી પરી લાગે છે હો!"
"ત્યારે તો દીદી!" આછા આછા કમખાની દોરી બાંધતા- બાંધતા દિવ્યલતાએ આગળ ચલાવ્યું:"ગરબા ચોકમાં આજે મારો વટ પડી જવાનો, વટ! લોકો માતાને વીસરીને તરસથી- ટપકતી નજરે મારા દીદાર કરશે, હં!"
"દિવ્યુ, સૌંદર્ય તો ગણિકાઓમાં પણ દરિયાની માફક ઉભરાય છે કિન્તું શું કામનું?" દિવ્યલતાના માસૂમ ગાલ પર મેશનું ટપકું કરતા અવંતી આગળ બોલી:" દીદી! સ્ત્રી ચારિત્ર્યથી શોભે છે, સૌંદર્યથી નહિ. લોકોના હૃદયમાં આપણું ચારિત્ર્ય વસવું જોઈએ. સૌંદર્ય નહીં સમજી!" કહીને એને દિવ્યતાને પ્યારથી ચૂમી લીધી.
એ સાંભળતા જ દિવ્યલતા જાણે ઉગાડી પડી ગઈ હોય, તદન નિર્વસ્ત્ર થઈ ગઈ હોય એમ એ વિવશ બની ગઈ. રડી પડી. મનમાં જ બગડી:"દીદીએ મારી- એની સગી બહેનની સરખામણી ગણિકા સાથે કરી?" અને હીબકે ચડી ગઈ.
સુંદર શરીર પુરુષોના હવસની ભૂખ સંતોષે છે. જ્યારે સુંદર ચારિત્ર્ય પુરુષોના મનને મોહી લે છે. પુરુષો ભલે બાહ્ય રીતે સૌંદર્યનો આશિક હોય કિન્તુ મનના ભીતરથી તો ચારિત્ર્યવાન સ્ત્રીની જ ખેવના રાખતો હોય છે. માટે જ તેઓ પોતાની સ્ત્રીને અપ્સરાની માફક તૈયાર થયેલ જોઈ શકતો નથી. અને અન્ય સ્ત્રીને સૌંદર્યથી મઘમઘતી જોવા તલસતો - ઝંખતો હોય છે!
અવંતિએ દિવ્યલતાને છાતીસરસી ચાંપી, છાની રાખી. એના આંસુ લૂંછતા બોલી:" રડ નહી દિવ્યું બકા, જો તો તારું મેકઅપ, આ મહા મહેનતે તૈયાર કરેલું તારું સૌદર્ય આંસુઓના વહેણમાં ધોવાઇ રહ્યું છે!"
"સૌંદર્ય ભલે ધોવાતું હોય દીદી, ચારિત્ર્ય ન ધોવાવું જોઈએ! ચારિત્ર્ય તો આપણું અમૂલ્ય અલંકાર છે. હવે હું પ્રાણની માફક એનું જતન કરીશ!"
* * *











૧૨.ઝંખના
પોળના નાકે આવેલા ખખડધજ મકાન આગળ આવીને સાઈકલ પરથી ઉતરતા – ઉતરતા ટપાલીએ બુમ પાડી, ‘તેજસકાકા ....તમારા નામનો પત્ર છે.’
પત્ર શબ્દ સંભાળતા જ એમના જીવમાં જીવ આવ્યો.ઝંખવાઈ ગયેલી આખોમાં હજારો સૂર્યના જેવી તેજસ્વીતા આવી.રૂક્ષ શરીરમાં જોબનવંતુ જોર આવ્યું. જીભ પર નમણું નામ આવીને અટકી પડ્યું .
‘પત્ર’ માત્ર આ શબ્દ થી પેટ ભરાઈ ગયું હોય એમ ભોજન અરધું મૂકીનેએમણે દરવાજા ભણી સફાળે ડગ માંડ્યા . બહાર આવતા સુધીમાં તો કઈ કેટલાય અપ્રગટ વિચારો એમના દિલ અને દિમાગની ઘુમરીઓને રણકાવી ગયા.
ટપાલી નજીક આવતા જ એમનાથી બબડી પડયું ,’હાશ !આખરે જીવણ આવી ખરી !મારો તો ભવ સુધરી ગયો.વર્ષોની ઇંતેજારી આજે ફળી ખરી .
તેજકાકાના મોઢે નામ સાંભળીને ટપાલીએ જીવણ નો જ પત્ર છેએવું ઉચ્ચાયું. ને તે જ ઘડીએ પળવાર એ ફાટફાટ થતી જુવાનીમાં પહોચી ગયા .
પત્ર હાથમાં લેતા જ એમણે ઊંચેરા આકાશ તરફ નજર દોડાવી.
પરમપિતા પરમાત્માનો ઉમળકાભેર આભાર માન્યો.એમનાથી બબડી જવાયું ,’વાહ કુદરત વાહ !ઘરડે ઘડપણમાં તે મને જવાની પછી આપી ખરી.’
તેઓ ઉમરમાં સિતેરના દાયકાને વટાવી ચુક્યા હતા.
એકલા હતા.એકલતા હતી.આડી –અવળી તિરાડો પડેલી દીવાલો હતી.
ભીની ભીની પણ શુષ્ક થતી જતી કોઈની યાદ હતી.સંગાથમાં માત્ર સોનેરી ખ્વાબ હતું,જીવણ સાથે મારવાનું.બાકી જર્જરિત મકાન અને ચાર –પાંચ ભાંગ્યાતૂટ્યા હાંડલા સિવાય કશું જ નહોતું અંદર!
હા,ઉરમાં અજબ પ્રકારની જીજીવિષા હતી.મકાનમાં ચાર ઓરડા હતા.તેમાં ત્રણ સ્મશાનવત બની ગયા હતા.ને એકમાં એ આનંદથી વ્યથિત જીવન ગુજારતા હતા.
તદ્દન બેઠા ઘાટના મકાનની જર્જરિત દીવાલો અંદર કોઈ જર્જરિત માણસ રહે છે એની ચાડી ખાતી હસતી હતી.પોળના નાકે જ આવેલું આ અત્યંત જર્જરિત મકાન આખી પોળની સુંદરતાને –ઘાટને ભરખી જતું હતું જાણે ! છતાંય પોતાના માલિકની ખાતર જીવી રહ્યું હતું .
તેજસ પોતાના પિતાનું એકમાત્ર સંતાન હતો.
એ બાળપણ થી લઈને યૌવનના ઉંબરાના પહેલા પગથીયા સુધી એમણે ખુબ જાહોજલાલી ભોગવી હતી.યુવાનીના ઉંબરે બીજો પગ મુકતા જ એમના સબંધોની જિદગીમાં એક એવો ભયંકર વંટોળિયો ફુંકાઈ ગયો કે આજીવન કુંવારા રહેવાની ભીષ્મપ્રતિજ્ઞા લઈ બેઠા.
વંશવેલો ટકાવી રાખવા પિતાએ ખુબ મનાવ્યા પણ તેઓ કેમેય કરીને લગ્ન કરવા તૈયાર જ નહોતા. લોહીના સંબંધ કરતાંય સ્નેહનો સંબંધઉંચો છે શાયદ !
ઘસાઈ ગયેલા ચશ્માં આંખે વળગાડીને એમણે વળગાડી એમણે પત્ર ખોલવા માંડ્યો.ખોલતા પહેલા સો –સો બચીઓં ભરી.એ પત્ર નહી પણ એમની જીવણ હતી જાણે.
અચાનક જીવણનો ચહેરો ભીની –ભીની થતી જતી આંખો આગળ મ્હોરવા લાગ્યો..
એ અતીતની યુવાનીમાં સરી પડ્યા. પોતે પહેલીવાર જીવણને ક્યા મળ્યા હતા એ યાદ આવ્યું .પ્રથમવાર એને જોઈ ત્યારે પારિજાતની જેમ કેવી ખીલતી હતી એ.જાણે હમણાં જ કળી ખીલી હોય એવી એની આભા હતી.
જીવણને જોઈને પોતે કેવા શરમાઈ ગયા હતા એ યાદ આવ્યું.અબુધ નાદાનિયતમાં એ બંને કેવા તો એકમેકમાં ઓગળી ગયા હતા.
જીદગીની પ્રથમ લાગણી પ્રથમ ચાહત-સ્નેહ મુલાકાતો ,આનંદ –મસ્તી , ફુલો ના ઉપવનમાં નાચતું –કૂદતું પતંગિયું હતું એ જિદગી.
પ્રસંગે–પ્રસંગના વિચારે એજવાન થતા જતા હતા.
વિજોગની ઇતજાર ભરી સ્થિતિમાં જે શરીર સાવ સાવ જર્જરિત થઈ ગયું હતું .એ શરીરમાં ઘડીકમા કુંપળો ફુટી ને એ અડીખમ ઝાડ બની ગયું.જેના જવાથી રગેરગ સુકાઈને કોકડું થઈ જવા પડી હતી.એ રગમાં પ્રચંડવેગથી પડતા ઝરણાની જેમ લોહી દોડવા પડ્યું હતું.
માત્ર વર્ષો પછી પોતાના જણનો પત્ર આવતા હૈયું આવું જવાન થવા લાગ્યું હતું તો એ જણ રૂબરૂ આંખ સામે આવીને ઊભું રહેશે ત્યારે હૈયું ક્યાંનું ક્યા પહોચી જશે.
અચાનક છાતીમાં પ્રચંડ સુનામી સર્જાઈ. મસ્તિષ્કમાં ધરતીકંપ થવા લાગ્યો.એ ઢગલો થઈ ને ભોય ઢળી પડ્યા.પત્ર ઉડીને કોઈ ખૂણામાં ભરાઈ ગયો.એમને જીવણની વિદાય યાદ આવી ગઈ.કેવા કેવા કોલ આપ્યા હતા એને.ને કેવી એ પળવારમાં બધુય વિસરીને બીજા જોડે લગ્ન કરી ગઈ હતી.ને આજલગીની જિદંગીમાં ન કોઈ વાવડ કે ના દેખા દીઘી.
કેમ? કેવી હાલતમાં છોડી ગઈ ગઈ હતી એ?
જાણે કોઈ સંબંધ જ નહોતો એમ!
જાણે એકવારનો એનો તેજસ મરી ગયો હોય એમ!અને એ પણ એ જરૂર આવશે એવી ઝંખનાએ મરી મરીને જીવી રહ્યા હતા .
જીવણનો વૃતાન્ત યાદ આવતા એ ભાનમાં આવ્યા .જીવણ ખુદ જીવન લઈને આવી છે , આ પત્ર રૂપે !એવુ ભાન થતા એમણે અતીતને ખંખેયોં .મારી નાખ્યો .
પત્ર વાંચવા માંડ્યો .
“તેજસ, તમારી સાથેની હસીન દુનિયા છોડીને જયારે નવીન જીંદગી સજાવવા અહી આવી હતી ,
ત્યારે મનમાં સુખના –આનંદના પારાવાર સાગર લઈને આવી હતી.કિન્તુ સુખનું ગજું શું કે એ કોઈને આજીવન સુખી રાખી શકે ?એ સુખ હવે દુઃખનોનો ભયંકર દાવાનળ બનીને હદયને પારાવાર દઝાડી રહ્યો છે. તમારો સ્નેહાળ સાનિધ્ય છોડીને ગઈ એ બદલ અફસોસ થઈ રહ્યો છે,ને તમને વિજોગની એકલતાભરી ગમગીન ગતમાં છોડતી ગઈ એનો અત્યારે ક્ષોભ અનુભવી રહું છું.
નાનપણમાં બાળપણ વીતી ગયું. કિશોરાવસ્થા તમારી સાથે આનંદમા ગળી.ચડતી –જવાનીએ તમોને વિસરીને લગ્ન કરી લીધા.સંસાર સુખ દુ:ખ માણ્યાં.ઘરડે ઘડપણ હવે ક્યાય આરો નથી.પતિના મુત્યુ બાદ સંતાનોના ઘેર સંતાકુકડી બનીને જીવતી રહી. વખત આવ્યો ને સંતાનો ઘરડેઘડપણમાં એકલાને મૂકી ગયા.એ ગયા એ ગયા. છેલ્લા ત્રણ વરસથી સતાનો નું કોઈ પતુ નથી.જાણે હું ની:સંતાન હોઉં એમ નિરાધાર બની ગઈ છું. આજે જીંદગીની એકલતામાં હવે મને આભાસ થાય છે કે મારા વગર તમોએ જીંદગી ને કેમ મનાવી રાખી હશે ?
જીંદગી ઉન્માદમાં વિતાવી. ઘડપણ દુ:ખ આવી રહ્યું છે.આ છેલ્લી ક્ષણોમાં હદય સહારો ફંફોસ્તુ હતું.ને આજે અચાનક હોઠ પર તમારું નામ આવ્યું .અતીતને વિસરી જઈને તમારા સામીપ્યમાં આયખું પૂરું કરવા ઇચ્છુ છું .તમને દુ:ખ દીધાના અફસોસમાં તમારી સગાથે રહેવા માગું છું.
ક્દાચ મને ખબર હોત કે સંતાનો આવા વંઠેલા નીકળશે .જીદગીની સંધ્યાએ તમારા હુંફની જરૂર પડશે .એ જાણતી હોત તો કદાચ તમારાથી દુર થઈ ન હોત.”
‘ક્ષમા કરજો .
પત્ર મળતા જ મારા સરનામે આવી ને મને લઈ જજો.’
- લિ તમારી જીવણ
પત્ર વાંચતા વાંચતા તેજ્સકાકા તેજસ બનતા જતા હતા .પત્ર ને પૂરો વાંચ્યા બાદ એ નાચી ઉઠયા .જાણે ભગવાન મળ્યો હોય !સાથે કબર બની ગયેલું એમનું ઘર આળસ મરડીને ઊભું થઈ ગયું નવા આગંતુકને વધાવવા. જીંદગીની છેલ્લી ક્ષણમાં જેની ઝંખના હતી. એ જણનો પત્ર મળતા જ એમના જીવમાં જીવ આવ્યો.
ને તેજસકાકાએ એ જ ઘડીએ જીવણ તરફ દોટ મૂકી.
* * *

૧૩.પ્રણયાતીત
ગગનમાં વાદળનો ભયંકર ગગડાટ થયો ને કીર્તીદેવના ઉરમાં વીજળી પડી.વીજળીના એ દિલફાડ કડાકાઓએ કીર્તીદેવના અસ્તિત્વને હલબલાવી નાખ્યું.ને એ જ ઘડીએ અતીત દાનવ બનીને એણે ચોટ્યો. કીર્તિદેવનો અતીત એટલે બાદશાહી જહોજલાલીમાથી નરકની યાતનામાં સમેટાયેલ સમય.
ચોમાસું બરાબર જામ્યું હતું.બાર બાર દિવસ સુધી વરસાદની ઝડીઓ અવની પર તૂટી પડી હતી.આકાશમાં કાળાદડિબાંગ વાદળા સિવાય સુરજનું કે તારોડિયાનું ક્યાય નામોનિશાન નહોતું રહ્યું. વરસાદે ધરતી પરના જીવોની સાથે જાણે અનિશ્ચિત રમત માંડી હોય એમ ઘડીક થંભી જાય ને પછી અચાનક ધોધમાર વરસી પડે.કદાચ મેઘો પોતાની પ્રીયતમ-સી ધરતીને પોતાની શીતલ લાગણીથી તરબતર કરી નાખવા માંગતો હોય એમ જાણે રડી રહ્યો હતો.
સવારના અગિયાર વાગવા છતાય ગઈ રાતના આઠ વાગ્યાથી શરુ થયેલો મેઘો ઘડીભર માટે પણ ખમી જવાનું નામ નહોતો લેતો.સ્વર્ગમાંથી જાણે ઇન્દ્રએ તેને ચાર માસ માટે તડીપાર કર્યો હોય એમ એણે અવની પર ધામા નાખી રાખ્યા હતા.આવા ભીષણ વરસાદમાં વાદળના ગગડાટ સાથે જ બેય હાથે બારીના સળિયાને ઝાલીને ઉભો હતો.એની શૂન્યમનસ્ક બનેલી આંખો બહાર વરસતા મુશળધાર વરસાદને તાકી રહી હતી. જાણે વરસાદ સાથે એના જનમો–જનમનો નાતો હોય એમ એ વરસાદને પોતાની અંદર ઝીલી રહ્યો હતો. કોઈની તીવ્ર યાદ એને રગેરગમા ભીંજવી રહી હતી.અચાનક કોઈ અદ્રશ્ય દ્રશ્ય એની નજરોમાં ઘોળાયું ને એની આંખને ટશરો ફૂટી! ને એ ઢળી પડ્યો.એનો અવાજ સાંભળીને રસોડામાંથી રોટલી બનાવતી બનાવતી એની પત્ની સફાળે દોડતી આવી પહોચી.
બારીની નીચે દીવાલને અઢેલીને ઢગલો થઇ પડેલા અમનને જોઈને અનાર ડઘાઈ જ ગઈ.તેના શરીરે કંપારી છૂટી આવી.ઘડીક્માં તો તેને ૧૦૮ નંબર ડાયલ કરવાનું વિચાર્યું.પણ પછી ઘડીક જ એ વિચાર માંડી વાળ્યો.આખરે ગજબની હિંમતથી તેણે કિર્તિદેવને સંભાળી લીધો.
હજુ ગઈ દિવાળી ટાણે જ કિર્તિદેવ અને અનારના લગ્ન થયા હતા.
લગ્નની વાત સાંભળીને જે હૈયું વસંત બનીને મ્હોરાવા લાગે,સોનાના હિંડોળે હીંચવા લાગે,જે મન મોર બની થનગનાટ કરવા લાગે,જે જીવ આનંદની જ્હોજ્લાલીમાં આવી જાય એવે વખતે કીર્તીદેવનું વીલું મો જોઈને એના માવતરે પૂછ્યું; ‘બેટા,તારા વદનના વિષાદનું કારણ?’
માવતરને જવાબ દેતા જીભ ભારે બની.પણ પિતાજીના હઠાગ્રહને વશ બની એણે હોઠ ખોલ્યા; ‘પિતાજી ,હું કોઈ યુવતીને લગ્નનું વચન આપી બેઠો છું.’
‘કઈ હેસિયતથી ?’
‘અમે એકમેકને પ્રેમ કરીએ છીએ.’
પ્રેમ એટલે શું ?એ ખબર છે તને?’
‘પ્રેમ એટલે પેર્મ એટલે પ્રેમ જ ..પ્રેમ એટલે ગમતીલા જણની સાનિધ્યમાં જીવવા મરવાની તીવ્ર તાલાવેલી.’
‘બેટા,પ્રેમ એ નથી,પ્રેમ એ છે જે લગ્ન બાદ પ્રગટે.લગ્ન પહેલા પ્રગટે એ તો નરી વાસના છે વાસના..’ઋજુ સ્વભાવે એની માતાએ કહ્યું.વળી વાત આગળ વધારી;‘દીકરા,ખરો પ્રેમ એ છે જે અમે તને જન્મ આપીને ઉછર્યો,પાળ્યો,પોષ્યો..’
માવતરની વાત સાંભળીને કીર્તીદેવના ગાત્રો ઢીલા પડ્યાં.એ ભોય પર બેસી ગયો.ખભા પર હાથ બેઠો ને કાનમાં અવાજ ઉતર્યો; ‘બેટા,તને તારી પસંદ પર ભરોસો છે તો બેધડક તું તારું વચન નિભાવી શકે છે.તારી તરફ ના અમારા નિશ્વાર્થ –પવિત્ર પ્રેમને ખાતર તને આ છૂટ આપું છું.પણ એકવાર અમારે એને જોવી છે.’
પિતાજીની વાત સાંભળતા જ એણે દોટ મૂકી,પોતાની પ્રેયસી-પત્ની તરફ! આનંદઘેલો બની ગયો હતો એ! જે માવતર સામે પોતાના પ્રણયની–ચાહેલી સુંદરી સાથે પરણવાની વાત કરતા જીભ ઉપડતી નહોતી,એ જ માવતરે સહેજમાં એની વાત માની લીધી હતી એ વાતે એણે માવતર તરફ પ્રેમના-લાગણીના ઉભરાઓ આવવા લાગ્યા.
‘પ્રેમ એટલે શું “’એ અને સમજાયું.
એક કલાકમાં એ પોતાની પ્રેયસીને લઈને માવતર સામે ઉભો રહ્યો.ખુશી એના ઉરમાં સમાતી નહોતી.આનંદના અપાર લખલખા મનને રોમાંચિત કરી રહ્યા હતા.
‘પિતાજી,તમારી ભાવિ પુત્રવધુ..રેશમા..!’
‘...રેશમા..!’ જેને જોતા જ,મળતા જ હૈયાને ટાઢક વળી હતી.આંખોમાં ગજબ ચમક ઉભરી હતી..એજ ઉરમાં ને આંખોમાં નામ સાંભળતા જ દાવાનળ સર્જાયો!
‘દીકરા..!’ આંખો વરસવા લાગી.અવાજ તરડાયો.
‘તે ચાહી-ચાહી ને એક મુસ્લિમ યુવતીને ચાહી?’
‘ચાહતની લાગણીઓને નાત-જાતના,ઊંચ-નીચના સીમાડા નથી નડતા.’
તો તારી પાસે બે રસ્તા છે:એક,અમારા ધડાપણને પ્રેમ આપવો. બીજું;તારા પ્રેમને પામવો. ગમે તે પસંદ કર. સુખી થા.’
એણે પ્રથમ માર્ગ પસંદ કર્યો.ને માવતરની પસંદ ‘અનાર’ને પરણી ગયો.
આ વરસાદ પડ્યો ત્યાં લગી આઠ-આઠ માસ થવા છતાય કીર્તીદેવે અનારને ક્યારેય એવું નહોતું લાગવા દીધું કે અનરા સિવાયની એની એક દુનિયા છે.એણે અનારને બધી રીતે બેશુમાર પ્રેમ આપ્યો હતો.પોતાની પત્ની માટે થઈને એણે પેલી દુનિયાનેય વિસારે પાડી દીધી હતી.અનારને એણે મોધમ પ્રેમ આપ્યો હતો.બન્ને જન દુધમાં સાકાર ભળી જાય એમ એકમેકમાં ઓગળી ગયા હતા. લગ્ન બાદ પ્રગટે એ સાચો પ્રેમ-લાગણી.’માવતરનું આ વાક્ય એના મનને ટકોરતું રહેતું.
અનાર અને કીર્તિદેવ બેય એકમેકમાં ઓળધોળ મનીને વર્તમાનમાં એ રીતે જીવતા હતા જાણે એમનો ભૂતકાળ કે ભવિષ્ય કાળ છે જ નહી.બન્નેનું એક જ સુત્ર હતું:વર્તમાનમાં જીવે એ જ સુખી થાય છે,બાકી ભવિષ્ય કે અતીત નર્યા દુખો કે હતાશા સિવાય કશું જ નથી.આવા જીવન મંત્રને સાર્થક કરતા એ બેય મધુર જીન્દગી જીવી રહ્યા હતા.ઘણીવાર તો સોસાયટીના લોકો ણે પણ એમની ઈર્શ્યા આવતી.
સમય સમયનું કામ કરે છે.પ્રકૃતિએ પોતાની લીલા વિસતારવા માંડી.લગભગ કોરા ધાકોર લાગતા આકાશમાં વાદળોના એવા ગજ ખડકી ગયા જાને કુક્ષેત્રમાં કોરવ સેના !
આકાશમાં ઘટાટોપ વાદળાઓ જોઈને મોરલીયાઓએ ટેહુકાર કરવા લાગ્યા.પ્રકૃતિ ગાંડીતુર બની.
આકાશમાં મેહુલાનું સામ્રાજ્ય હતું ને કીર્તીદેવના ઉરતંત્ર પર રેશમા નામની યુવતીનું.વરસાદનું આગમન થતા જ રેશમાની યાદોએ કીર્તીદેવ ને ઘમરોળવા માંડ્યો.એનું રોમરોમ રેશમાને પોકારવા લાગ્યું.જેમ મેહુલાઓ વરસાદને બોલાવે એમ! કેમ ન પોકારે? હજુ ગઈ સાલે જ આવા જ વરસાદમાં રેશમા એને મળી હતી.
એ વરસતા વરસાદમાં બાઈક સાથે ખાબોચિયામાં લપસ્યો હતો.બચાવની બુમો પાડે કે સ્વપ્રયત્ને ઉભા થવાનો નિર્ણય થાય એ પહેલા એની પડખે સ્કૂટી આવી ઉભી.એને મદદ મળી.એ ઉભો થયો.પ્રથમ પરિચય.ને પછી પ્રેમ! કીર્તિદેવ-રેશમા! બાઈક અને સ્કૂટી પર એકસાથે નામ કોતરાણું:કિરિશ્મા!
પછી તો આખી વર્ષાઋતુ એકમેકની ભીની ભીની માદક બાહોમાં ભીંજાઈને ગુજારી હતી.પછી ભલા રેશમા યાદ ના આવે તો જ નહી.
જેમ જેમ વરસાદ જોર પકડતો જતો હતો એમ એમ કીર્તીદેવના દિલની ઉર્મીઓ જવાન થતી જતી હતી.વરસતા વરસાદમાં રેશમાનો વિરહ એણે હજો જ્વાળામુખીની જેમ દઝાડવા માંડ્યો હતો.કીર્તીદેવને હવે લાગી રહ્યું હતું કે પોતે માવતરની ઈચ્છા મુજબના લગ્ન કરીને રેશમાથી ઘોર દગો કર્યો છે.અને આ તીવ્ર સંતાપ એણે કેમેય કરીને જીવવા નોતો દેતો. માવતર તરફની લીલીછમ લાગણીને વશ થઇ એણે પોતાના પ્રેમને લીલે લાકડે દીધો હતો એની તીવ્ર આગ કીર્તીદેવના રોમેરોમને સળગાવી રહી હતી .
કીર્તીદેવની ક્ષણેક્ષણ કટાતી જતી હાલતથી અનારને પહેલા તો લાગ્યું કે પતિને કોઈ રોગે ભરડામા લીધો છે.કિન્તુ ધીરે-ધીરે એનો એ વ્હેમ ઓસરવા લાગ્યો.ને બીજા વહેમે એની જગ્યા લીધી.આવતા દહાડે અનારને સમજાઈ ગયું કે એનો પતિ કો’ક અભાગણીના વિરહમાં ઝૂરતો લાગે છે.
લગ્નની આગલી એ રાતે રેશમાને મળ્યો.આંનંદની ચરમસીમા સમું મલકાતી રેશમા કીર્તીદેવને ભેટી.પ્રત્યુત્તર રૂપે કીર્તીદેવે કહેવા માંડ્યું; ‘રેશમા, હું અહી તારા અખંડ અરમાનોની હોળી કરવા આવ્યો છું ને તું આમ મલકાય છે ?’
ચુંબકના સજાતીય ધ્રુવની જેમ એ અળગી ખસી! દિલમાં ધ્રાસ્કો પડ્યો.સપનાઓના સાગરમાં ભયંકર ત્સુનામી સર્જાઈ! સ્વર્ગસમા પ્રણય સંબંધ પર ધિક્કાર છૂટ્યો. અભડાયેલા શરીરમાંથી સ્વાર્થી સંબંધની બદબૂ વછૂટી.એ ધ્રુજી ઉઠી.
એને પામવી હતી.એના સપનાઓના સમન્દરમાં તરીને સ્વર્ગે સીધાવવું હતું.પણ વ્યર્થ ! માવતર તરફનો પ્રેમ એને આગળ વધવા નહોતો દેતો.
‘રેશમા ઉરના આંગણે તને આવકાર આપ્યો ત્યારે નહોતી ખબર કે લોહીની લાગણીના સંબંધો આટલા નાજુક હોય છે.સંબંધોના એવા વળાંક પર છું કે એકેય દિશા ભણી જવા સમર્થ નથી.ને એજ વળાંક પર ઉભો રહેવા કાબેલ પણ નથી!’
એ બોલતો જતો હતો ને રેશમા હમણા જ લગાવીને આવેલી મહેંદી ઉતારી રહી હતી, અને જાતે જ સેથામાં સિંદુર ભરી રહી હતી .
એને કૈક કહેવું હતું.પ્રેમની વ્યખ્યા સમજાવવી હતી.કીર્તિદેવ જે લોહીના સંબધોની વાત કરતો હતો પોતે એજ લોહીના સંબધોને હમણા જ કાયમ માટે તોડી આવી હતી,તેના સાનિધ્યમાં રહેવાજ ! પણ આ શું ! જીવનના ભયકર મોડ ઊપર પર તો એ પોતે હતી! પણ એ ચુપ રહી.ન આંખો વરસાવી ન હોઠ ફરકાવ્યા.માત્ર સંજોગોનો સ્વીકાર.સખીએ કહેલી વાત હૈયામાં ગુંજી:‘રેશમા,કીર્તિદેવ હિંદુ છે,બહુ ભરોશો રાખતી નહિ.એ શાદીથી ડરી જશે.’
એ કશું બોલી નહોતી.શંકાને કોઈ સ્થાન નહોતું.અસ્તિત્વ ઓગાળીને ઓળઘોળ હતી એના પ્રેમમાં!તો કીર્તિદેવના પ્રેમમાં પણ ક્યાં ઓછપ હતી! એય દિલ ફાડીને પ્રેમ કરતો હતો.વળી થોડી વારે કીર્તિદેવે વાત આગળ વધારી;‘રેશમા, હવે તું કહે એમ મારી પાસે અત્યારે બે રસ્તા છે ,એક .........
એનાથી વચ્ચે બોલી પડાયું ;’મેરે મહેબુબ ! માંબાપ સે બીછડને કા–ઉનકો તરછોડને કા દર્દ ક્યાં હોતા હૈ યે મૈ પિછલે તીન ઘંટો સે મહેસુસ કર રહી હું ! ઇસલીયે મૈ ચાહતી હું તુમ પહલા રાસ્તા અપનાઓ.’
એક પ્રગાઢ આલીગન આપીને તે વહી ગઈ.શરીર શીથીલ બન્યું, જીવનમાં ઝેર ઘોળાયું. જીવ આપવા તૈયાર હતો એણે જ પ્રાણ ત્યજવાની મજબુરી આપી.
બાર-બાર દિવસથી ધોધમાર વરસાદે અનાર અને કીર્તીદેવના ભવ્યતમ જીવતરમાં વિરહી વિટંબણાઓનું ભયંકર પુર લાવી ધીધુ હતું.છતાંય અનારે અપાર ધીરજ ધરી.પતિના વળગણને ઠેકાણે લાવાવા તેણીએ કઈંક પેતરા રચ્યા કિન્તુ કિર્તિદેવની સ્થિતિ દિવસે-દિવસે વણસતી જતી હતી .
એક સાંજે અનારે પોતાના પ્રિય પતિને પંપાળતા બોલવા માંડી;‘પ્રિયવર કિર્તિદેવ દિવસે-દિવસે તમારી કથળતી હાલત અને દવાનળની પેઠે સળગતા વિરહી મનને જોઈને મને લાગે છે કે તમારી જીન્દગી માંથી કઈક ઓછું થયું છે આ સંભાળીને જાણે અજબ ધબકારો થયો હોય એમ કિર્તિદેવ અનારની આગોશમાંથી દૂર હટી ગયો. ઘડીકવાર શાંતી જાળવીને અનારે ફરી કહેવા માંડ્યું;‘દેવ, આઠ-આઠ મહિનાથી મારા અસ્તિત્વનો આનંદ લુંટીને કદાચ હવે તમને ધરપત થઇ હશે કિન્તુ હું તમારાથી સહેજે ધરાઈ નથી. શાયદ પ્રભુ કરે ને તમારાથી પહેલા મને જો મોત આવી જાય તો બીજા જન્મેય હું તમારી પત્ની બનવાનું ચાહીશ, એટલી લાગણી,એટલો પ્રેમ અને સાગરની પેઠે ઘુઘવાટ કરતો સ્નેહ છે મને તમારા પ્રેત્યે. અને જેના કાજે હું જીવી રહી છુ મારો એજ ભરથાર જો આમ દુઃખમાં સબડતો હોય તો મારું જીવવું હરામ છે”
‘બસ અનાર, બસ ! હવે જાજુ બોલીને મને દુખીયારને વધારે દુખી બનાવીશ નહિ.આ વરસાદ પહેલા તો હુંય આવું જ વિચારતો હતો. કિન્તુ વરસાદ ના ઝાપટાએ મારા જીવનને,અરે, આખા અસ્તિત્વને તારાથી વેગળું કરી મુક્યું છે.હું લાખ કોશિશ કરું છું પણ મને વળગી ગયેલું આ વળગણ મારા શરીરથી જરાય ખસતું નથી.અનાર કદાચ હવે હું આવતી ગમે તે કાલે મરી જઈશ.આમ બોલતો કીર્તિદેવ જે અનારની ગોદને ઠુકરાવી બેઠો હતો એ પાછો અનારના ખોળામાં માથું નાખી બેઠો હતો.કીર્તિદેવની આસુઓથી ઘેરાયેલી દર્દભરી દાસ્તાન સંભાળીને અનારની આખોમાં પણ આંશુ ઉભરાઇ આવ્યા.એણે ધીરજ ધરી.પતિને સહ્રદય સાંત્વના આપી. પછી ધીરે રહીને પૂછ્યું, “કીર્તિદેવ, એવું તો શું થઇ ગયું છે કે તમને તમારાજ જીવવા ભરોશો નથી રહ્યો ? કે પછી મારામાં કોઈ ખોટ કે અવગુણ જોયો ?” એવું નથી અનાર પણ મને મારો ભૂતકાળ અત્યારે મારા આ સુખી વર્તમાનને જીવવા દે એમ મને નથી લાગતું .’
‘કીર્તિદેવ ચોરીના મંગલ ફેરા ફેરી વખતે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જિંદગીની ગમે તેવી કપરી હાલતમાં પણ હું મારા પતિદેવને આધીન રહીનેજ જીવીશ. અને કદાચ બને એવું કે પતિ ખાતર થઈને મોતને વહાલું કરવું પડે તોય હું હસતા હસતા ફના થઇ જઈશ.કિન્તુ મારા પતિને ક્યારેય સંસારની ઉપાધિઓથી કણસવા નહિ દઉં. આ છેલ્લા બાર દિવસથી તડપન જોઈને મારું શેર શેર લોહી ઉડે છે, પણ તમને કઈ પૂછવાની હિંમત નહોતી કરી શકતી. કારણ કે હું કઈ પુછું ને તમને કદાચ વધારે ચોટ પહોચે એ વિચારે આજ લાગી મેં હૈયામાં દર્દના ભયંકર ડુમાઓને દાબીને હોઠ પર અમસ્તું સ્મિત ધરી રાખ્યું છે.’
અનાર કઈ બોલે એ પહેલા તો કીર્તીદેવે વાત આગળ વધારી; ‘અનાર , મને લાગે છે કે તું ટે લીધેલી પ્રતિજ્ઞા કદાચ નહિ પાળી શકે કારણકે મારું દર્દ જ એવા પ્રકારનું છે કે તું તો શું પણ દુનિયાની કોઈ સ્ત્રી સહી ન શકે !’નહોતું કેવું છતાંયે કીર્તીદેવથી કહેવાઈ ગયું .કારણ કે એણે સમજી રહ્યું હતું કે પોતે હવે કદાચ થોડાજ દિવસનો મહેમાન છે તો ભલા હૈયામાં ઘૂંટાતી વેદનાનું રાજ ખોલીને કેમ ના જવું? અને આ વિચારે એણે અનારને ઉપરનું વાક્ય કહ્યું.જે સાંભળીને ઘડીક વિચાર કરીને અનાર બોલી; ‘કીર્તિદેવ,મારી પ્રતિજ્ઞા એટલી પાંગળી નથી કે મારી જિંદગીથી મને ખુદને ને હરાવી જાય?તમે તમારા દર્દના પોટલાને અત્યારે મારી આગળ ખોલી નાખો.શક્ય હોય કે તમારા એ દર્દની દવા મારી પાસે હોય!’
રાત સમયના સથવારે વહી રહી હતી.બેય પતી-પત્ની અદ્રશ્ય દર્દની એ આગમાં શેકાઇ રહ્યા હતા.કીર્તિદેવ છાતી ફાડીને પોતાની પીડાનું વૃતાંત કહી રહ્યો હતો.અને અનાર કાન દઈને સાંભળતી આશ્વાશન આપી રહી હતી.
‘અનાર,! અનારની આંખોમાં આંખ ભેરવીને કહેવા માંડ્યું., ‘તારી આંખોમાં જે શ્રદ્ધા છે,જે લાગણી છે,તારા ચહેરા પર આ જે પ્રસન્નતા દેખાય છે,સીનામાં સ્નેહભર્યું જે સાહસ છે અને તારા હોઠ પર તારી એ પ્રતિજ્ઞા પાળવાની જે ઉત્કંઠા સળવળે છે એ સઘળું કદાચ મારા એક વાક્યથી કડડભૂસ થઇ જશે.’
‘કીર્તીદેવ, મારું જે થવાનું હોય એ થાય કિન્તુ હું તમને આમ પીડાઓથી પીધેલી હાલતમાં નથી જોઈ શકતી.’
‘તો હું પણ તને મારી પીડાની ભાગીદાર બનાવા નથી માગતો.’
આખી સોસાયટીમાં સોપો પડી ગયો હતો.વરસાદે જરા આરામ ફરમાવી હતી.પરંતુ હજી નેવા ટપકતા હતા.એવામાં ઘડીયાળમાં બારના ટકોરા પડ્યા.એ સાંભળીને કઈંક વિચારમાં પડેલા કીર્તીદેવે કહ્યું; ‘અનાર મારી પીડાની કથની સામ્ભળવવી રહેવા દે ,નહી તો આપણે બેય ક્યાંયના નહી રહીએ.’
‘કીર્તિદેવ,કદાચ તમે સ્ત્રીની તાકાત જોઈ નથી લાગતી.અરે ,ભલે મને પાંખો ના હોય પણ આખા આકાશને આંબવાની તાકાત છે મારી આન્ખોમા!’
કીર્તિદેવને હવે લાગી રહ્યું હતું કે પોતાની જિંદગીમાં હવે દાવાનળ ને અને વાવાઝોડું બેય આવી ગયા છે તો બચવાના વ્યર્થ ફાંફા શું કામ મારવાના.આમ વિચારી ને એણે પોતાના દર્દની સઘળી દાસ્તાન અથથી ઇતિ સુધી અનારને કરી સંભળાવી.અનાર સરવા કાને આંખોમાં આંખ ભેરવીને તે બધું સાંભળી રહી હતી.કીર્તિદેવની વાતો સંભાળીને એના પ્રત્યે નફરત જાગવાને બદલે એ ક્ષણે ક્ષણ ખુશ મિજાજથી મહોરતી જતી હતી. છેવટે એક ઊંડો નીસાસો નાખીને એણે અનારને પુછી નાખ્યું;’અનાર બોલ એ રેશમાને ફરીથી મારી જિંદગીમાં લાવવાની તાકાત છે તારામાં ?
સમય વરસાદની ભીની ભીનાશમાં ઓગળતો જતો હતો.બહાર જોરદાર ફૂંકાઈ રહેલો પવનિયો રેશમાની યાદોને જાણે ખોબે ખોબે લાવીને બારીની અંદર રહેલા કીર્તિદેવ પર ઢોળી રહ્યો હતો.અનારને જાણે પોતાના પતિદેવની દર્દની સચોટ દવા માળીઓ ગઈ હોય એમ એ ખુશ મિજાજ બની ગઈ હતી.અનારની આ ખુશ મિજાજ જોઈને કીર્તિદેવ એવો તો ઓગળી ગયો હતો કે એણે બાર બાર દિવસ પછી ફરીથી જોરદાર આનંદ થી અનારને પોતાનામાં સમાવી લીધી.
જે દર્દ ની દવા જડી ગઈ હોય અને છતાંય એ દર્દને ઉપાડી ઉપાડી ને ફરે એ બીજા પણ આતો પતિપરાયણ એવી અનાર ! એ શેને રોકાય !
પ્હો ફાટતા જ અનારે રેશમાને ખોળી કાઢી! ઉર્વશી જેવી રેશમા શોકાતુર બની બેઠી હતી.પાસમાં પારણુ ઝુલતું હતું.ચાર માસનો બાળક મહી મીઠી નીંદર માણી રહ્યો હતો.નામ હતું:’આર્યનદેવ!’ મો જાણે અદ્દલ કીર્તિદેવ!
ઢળતી સંધ્યાની સાક્ષીએ નવવધુના સાજમાં વાજતે ગાજતે અનાર રેશમાને પોતાના ઘેર,એના પ્રીયત્તમને ઘેર, એના પતિના ઘેર લઈ આવી. હંમેશ ની માટે .
* *




૧૪. મૂલ્યવાન મૂડી
સવારના દશ વાગ્યાનો સમય હતો.પ્રભાતની કોમળતામાં અમદાવાદનું કાળુપુર રેલવે સ્ટેશન તળાવમાં ડ્રાઉં...ડ્રાઉં...કરતા દેડકાઓની માફક દેકારે ચડ્યું હતું. ઘોંઘાટ તો એટલો બધો કે ટ્રેન છેક નજીક આવીને હોર્ન વગાડે ત્યારે ખબર પડે કે હવે ટ્રેન આવી છે. ભીડ પણ એટલી બધી ખદબદતી હતી કે ક્યાંય આરામથી પગ મૂકવાની જગ્યા ન મળે! ગંદકીનો પણ કંઈ પાર નહી.જાણે મધમાખી ઉછેર કેન્દ્ર ખોલ્યુ હોય એટલી તો માખીઓ.આવી પરિસ્થિતિમાં મગજને જો કાબુમાં ન રાખ્યું હોય તો વડોદરા જવાને બદલે મુંબઈ કે દિલ્હી પહોચી જવાય!
સમય થયો ને પ્લેટફોર્મ પર વડોદરા જવા માટેની ટ્રેન આવી.ટ્રેન સ્થિર થઈ ત્યા સુધીમાં તો ઉતારુઓ એમાં એવી રીતે ગોઠવાઈ ગયા હતા જાણે કોઈ આગળના સ્ટેશનેથી આવ્યા ન હોય! એ વખતે એવું લાગતુ હતું કે ટ્રેન પૂરેપૂરી ઊભી ન રહે તોય ચાલે.
જેમ ચાલતી બસમાં ચડી જવા બદલ અમદાવદીઓને બેસ્ટ એવોર્ડ આપવો ઘટે એમ વગર ટિકિટે મુસાફરી કરતા ભારતવાસીઓનેય એવોર્ડ આપવો પડે!

દશ વાગીને દશ મિનિટ થઈ હતી.ટ્રેને લીલી ઝંડી લીધી.એનો વેગ ધીમે ધીમે વધતો જતો હતો.છેલ્લાથી પાંચમાં ડબ્બાની છેલ્લી ખાલી સીટ પર આધેડ વયના બે જુવાનીયા બેઠા હતા.દેખાવે લગભગ સરખા લાગતા હતા.અધિકારી જેવો બેયનો રૂઆબ હતો.એકના ચહેરા પર ખુમારીભરી ગજબની પ્રસન્નતા હતી.ને બીજાના વદન પર વિષાદથી ઘેરાયેલી ઉદારતા છવાયેલી હતી.
આણંદનુ સ્ટેશન આવ્યુ ત્યા સુધી બન્ને મૌન હતા.ત્યાથી આગળ વધતા એક જણાએ ચૂપકીદી તોડી.ને સામેખવાળાને પૂછ્યું,'સાહેબ..તમારૂ નામ?'
અતિ જિગ્નાસાથી પૂછાયેલ સવાલનો એટલા જ ઉમળકાથી જવાબ મળ્યો.મારૂ નામ અનુપમ શર્મા.અને સાહેબ તમારૂ??
'મારૂ નામ છે અન્ના અત્તરવાલા.'કહેંતાની સાથે જ એમણે પોતાના સરનામાંવાળું કાર્ડ અનુપમના હાથમાં સોંપ્યું.
વડોદરા જાણે ક્યાંક જતું રહેવાનું હોય એમ એને પકડવા ટ્રેન પાટો ચૂકી ન જવાય એમ સાચવીને પૂરપાટ ઝડપે દોડી રહી હતી.ક્યાંક આંખો વાતો કરી રહી હતી.ક્યાક નયનો આરામ ફરમાવી રહ્યા હતા.તો વળી ક્યાંક દૂર...દૂ....ર છતાંય નજીક લાગતી હરિયાળીને માણી રહી હતી.
પેલા બેય સાહેબની આંખો ક્યાંય વિરહી રહી હતી પણ અધરો વાતે વળગી રહ્યા હતાં.
'વડોદરામાં કોઈને મળવા જાઓ છો?'અન્ના સાહેબે સવાલ કર્યો.
'જી,હા.ત્યા મારી મોટી ફેકટરી ચાલે છે તેની ટુંકી મુલાકાતે જઈ રહ્યો છું.કડીમાં મારું જીનનું કારખાનું ચાલે છે.અમદાવાદમાં મારા નામે બે ટ્રસ્ટ ચાલે છે.અને એક મોટા મંદિરનો હું ટ્રસ્ટીની સાથે મોટો દાતા પણ છું.આ બધાના કારણે સમય ન મળતાં દરેક જગ્યાએ થોડો થોડો સમય આપું છું.'આ બધાથી જાણે પોતે સારાય સ્વર્ગનું આધિપત્ય ભોગવતા હોય એમ શર્માજી બોલી ગયા.
આપ જબરી માયા છો હો! કેટલો ભોગવટો ભોગવી રહ્યા છો! અન્નાજીએ પાણી ચડાવ્યું.
'સાહેબ, માયા મેળવવા તો આ આંખોમાંથી ચારેય મહાસાગરોના પાણી વહાવી ચૂક્યો છું.અને આકાશ-પાતાળ એક કરીને અા સઘળું પામી શક્યો છું. પણ હા,તમે શું કરો છો એ તો જણાવો.કેટલી પ્રોપર્ટી છે તમારા નામે?
અન્ના અત્તરવાલાએ હળવો ખોખારો ખાધો.પછી ધીમા સ્વરે કહેવા માંડ્યું, 'શર્માજી,મારી મૂડી તો તમારા આગળ કંઈ નથી.છતાંય સાભળો:'મારી મૂડીમાં મારા ત્રણ સંસ્કારી બાળકો છે.એક શુશીલ અને ગુણીયલ પત્ની છે.તેમજ હરક્ષણે પૂજનીય એવા વહાલા માવતર છે.આ બધાને બે ટંકનું ભોજન મળી રહે એટલા સારું થઈને વડોદરામાં બહું નાનું નહી તેમજ બહું મોટું નહી એવું એક નાનું દવાખાનું ચલાવીને હસીન જીંદગી ગુજારું છું.
અન્ના સાહેબની સાવ હળવાશભરી વાત સાંભળીને શર્માજીનો ચહેરો જરાક વ્યથિત થઈ ગયો.
એવામાં શર્માજીના ફોનની ઘંટડી રણકી.ફોન પરની વાત સાંભળીને એમની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.ને ઊંડો નિશાશો નાખ્યો.
'કંઈક માઠા સમાચાર લાગે છે,શર્માજી!'એમના ખભા પર હાથ મૂક્યો.શર્માજીની આંખો વધારે વરસી.આંસું લૂછતા અન્નાજીએ આશ્વાસન આપવા માંડ્યું.થોડીવારે સ્વસ્થતા વળતા અન્નાજીએ પૂછ્યું: 'કેમ આમ રડો છો સાહેબ? શું થયું?'
આંસું લુછતા શર્માજી બોલ્યા:'જીવનની છેલ્લી પળોમાં માતાજીએ વૃધ્ધાશ્રમમાં દેહ છોડ્યો!!' કહેતા કહેતા એ મોટેથી રડી પડ્યા.
'વૃદ્ધાશ્રમ!'શબ્દ કાને પડતાં જ અત્તરવાલાના અંતરમાંથી અરેરાટી છૂટી ગઈ! એમનું દુખી હૈયું બબડ્યું, 'અરરર!આટલો મોટો દાનવીર થઈને તે માતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી ?હાય..હાય!! ધિક્કાર છે તમને કે તમે જગતની મૂલ્યવાન અને દુર્લભ એવી માતૃસંપતિને જીવતેજીવ ઠેબે ચડાવી દીધી? સાલા ઢોંગીડા,તને તો આશ્વાસ પણ નહોતું આપવું જોઈતું!'
ઘડીકવાર બંનેના વદન પર મૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું.બેયના મનમાં વિરોધી ગડમથલો ચાલવા માંડી.
શર્માજીના શરમભર્યા અસ્તિત્વ સામે જનનીને વૃધ્ધાશ્રમ મૂકતી વેળાનું ગોઝારું દશ્ય તાજું થયું.એ દિવસે કેટ કેટલું રડી હતી માં? ને પોતે પણ વિવશભર્યા કેટ કેટલા આંસુંઓ સાર્યા હતા?! એક અભાગણ માં સગા જાયાને કરગરી રહી હતી:"દીકરા,મારા લાલ..!મને ઘરડાઘરે ન મૂક! તારા હસમુખા દીદારે-દીદારે ઘરડી થયેલી મારી શુષ્ક આંખોને કાળમુખો વિયોગ ન આપ દીકરા....ન આપ..!!!અરે તારા પરિવારને આટલી ખુંચતી હોઉં ને તો ગામના છેવાડે નાનકડું ખોરડું બાંધી આપ.ત્યા હું જાતે રોટલો રળી લઈશ! ને આવતા જતાં તારું મુખ જોઈને હાશકારો અનુભવી લઈશ.પણ બેટા...! તું આવું ગાંડપણ રહેવા દે...રહેવા દે...!"
પણ એ વિવશ હતો.જીવ નહોતો ચાલતો.પત્નીએ દાનવ બનાવેલા અનુપમે વરસતી આંખે પગ ઉપાડ્યા.ને આખરે નાછુટકે માં ને જનનીને કે જેણે જનમ આપીને સુંદર ઘર વસાવી આપ્યું હતું એ જ જનેતાને બેઘર કરી દીધી હતી.
હવે આ સમયે પત્ની પર તિરસ્કાર છુટ્યો.ને પોતાની જાત પર ધિક્કાર વછુટ્યો.પણ હવે શું?રાંડ્યા પછીનું ડહાપણ શાં કામનું ?
ટ્રેનની બારી પકડી એ ખૂબ રડ્યા.પોકે પોકે રડ્યા.પણ કોઈએ કહેવા પૂરતી પણ સાંત્વના ન આપી!
થોડીવારે રહી એ સ્વગત બબડ્યા: "અનુપમ...! હવે આનું પ્રાયશ્ચિત શું?"
તરત જ એમને પોતાની દીકરી સાંભરી.આંસુંઓ લૂંછતા એ બાથરૂમ તરફ ગયા.દીકરીને ફોન જોડ્યો:'મારી વહાલી દીકરી! બેટા, દીકરી તરીકે આજે તું મને એક વચન આપીશ?'
'હા,પપ્પા..આપની કોઈ વાતને આજ લગી મે ક્યારેય નકારી છે?'
'પણ દીકું...આજ તું મને પાક્કું વચન આપ!'
'પાક્કુ વચન છે પાપા,બોલો આપ કહેશો એમ જ કરીશ.જીવના જોખમે પણ કરીશ...!'
'તો બેટા..અમે તને જે લાડકોડથી ઉછેરી છે એવા જ અદકા ઉમળકાથી લગન પછી તારા સાસું-સસરાને સાચવજે.'
અને શર્માજી પાછા પોતાની જગ્યાએ થયા.

વડોદરું આઘેથી ઓરું આવી રહ્યું હતું.સૌ મુસાફરોની આંખો પ્રગાઢ આરામ ફરમાવી રહી હતી.માત્ર પેલા બે જણની આંખો વારેઘડીએ ઉઘાડબંધ થતી જતી હતી.
'માતા'અને 'વૃદ્ધાશ્રમ'બે શબ્દોથી ભારે કુઠરાઘાત પામેલ અન્નાજીનું દિલ ચીરાઈ જતું હતું.શર્માજીની માતાના દુખદ અવસાનના વાવડ સુણીને સૂકાઈ ગયેલ હોઠ પર જીભ ફેરવતા અત્તરવાલાએ કહેવા માંડ્યું,'અરરરર!તમારું જીવતર બેકાર ગયું શર્માજી! કે તમે જીવતેજીવ સગી જનનીને વૃદ્ધાશ્રમમાંથી પરબારી યમલોક પહોંચાડી દીધી? ફેક્ટરી માલિક,મીલ માલિક ને વળી,મોટા ગજાના દાનવીર!મારી સામે આવી બધી બડાશ મારતા તમને શરમ પણ ન આવી? શું કહેવું મારે તમને?મને શબ્દો નથી જડતાં.છતાંય સાંભળો:'આપણા પુરાણોએ અને શાસ્ત્રોએ તથા આપણા સાહિત્યકારોની કલમે હંમેશા માતાને સ્વર્ગતુલ્ય માની છે.વળી એ "માં"ને જગતનું મહાતીર્થ કહ્યું છે,પરંતું એ જ મહાતીર્થસમી 'માં' ઘડપણમાં પુત્રતીર્થને ઝંખતી વૃદ્ધાશ્રમમાં જ મૃત્યુંને ભેટે છે એ આપણા માનવસમાજની આપણી મોટામાં મોટી કરુણ કરુણા છે.માવતરને વૃદ્ધાશ્રમમાં મુકીને પછી મંદિરમાં,તીર્થોમાં કે ટ્રસ્ટોમાં કરેલું કરોડોનું દાન એ દાન નથી પણ ગધેડાના પગમાં રગદોળાતી ધૂળ છે ધૂળ! અને જ્યાં સુધી તારા જેવા કુપાત્ર પાકતા રહેશે ત્યાં સુધી સ્વર્ગનું સામ્રાજ્ય ધરતી પરથી એક વેંત દૂર રહેવાનું!'બોલતા બોલતા અન્નાજીની આંખેથી અશ્રુધારા વહી આવી.
લગભગ એક કલાકથી દોડતી ટ્રેનને મળવા વડોદરુ દોડતું એની સામે આવી રહ્યું હતું.
* * *


૧૫. ત્રિભેટે
પશ્વિમના આકાશમાં સંગેમરમરી સંધ્યા ખીલી ઊઠી હતી.ક્ષિતિજ નજીકના આકાશના આંગણામાં કરોડો કેસરિયા પુષ્પો ખીલ્યા હોય એવું લાગી રહ્યું હતું.
સૂરજ આથમવાને હજી ક્ષણોની વાર હતી.તેમ છતાંય એમ લાગતું હતું જાણે સૂર્યોદય થવા જઈ રહ્યો છે.આવી મનમોહક તથા નશીલી સાંજની મોજ માણવા સારું અમર અને અરૂણ એમના એક વર્ષના બાળક સાથે નિર્ણયનરથી અખબારનગર નજીક આવેલી ખુલ્લા ખેતર જેવી જગ્યાએ આવી પહોચ્યા.સામેના માર્ગ પર વાહનોની અડાબીડ ભીડ ધસારા સાથે આમથી તેમ પૂરપાટે દોડી રહી હતી.ચારેકોર વાહનોનો અવાજ અને ઘોંઘાટ કાને પડ્યું કંઈ જ સંભળાવા નહોતો જ દેતો.
એ વખતે અમર અને અરૂણા આકાશની રંગીન નીરવતાને મન ભરીને માણી રહ્યાં હતાં.
અમર અને અરૂણાને સંધ્યા ખૂબ જ ગમતી હતી.તેમ છતાંય દરરોજ આથમતા સૂરજને નિહાળવાની ટેવ તો નહોતી જ ! પરંતું ક્યારેક નવરાશની પળોમાં એ બંને એમના અતીતની યાદી સ્વરૂપે સંધ્યાને મન ભરીને માણવાનો સુઅવસર ઝડપી લેતા હતાં.અતીતની યાદ એટલે કે ત્રણ વર્ષ પહેલા જ એ બેયના લગ્ન સંધ્યાની આવી મોહક પળોમાં જ થયા હતાં.એક તરફ ક્ષિતિજમાં પેલો સૂરજીયો ડૂંબું-ડૂંબું થઈ રહ્યો હતો જ્યારે બીજી પા અવની પર આ બંને એકમેકમાં સમાઈ જવા માટે સૂર્યોદય સમી પ્રભુતામાં પગલા પાડી રહ્યાં હતાં.લગ્નવેળાની એવી આ સંધ્યાની યાદમાં ક્યારેક- ક્યારેક આ બંને એમની એ લગ્નવેળાની પળને માણવા આવી જતાં હતાં.
અંધારાના કાળાઘોર ઓળાઓ અવની પર ઉતરી આવતા હતાં.આમેય શહેરમાં તો કુદરત કરતાંય વહેલી સાંજ ઉતરી આવે છે.આકાશમાં સિતારાઓ ઊગી ગયા છે કે કેમ એ તો નહોશું જાણી શકાતું પણ જો કોઈ ત્રણ-ચાર માળની ઈમારતની અગાશી પરથી નીચે જોયું હોય તો ચોક્કસ એવું લાગે જાણે સિતારાઓ આકાશ છોડીને શહેર પર/અવની પર ઊતરી આવ્યા ન હોય!અંધારું ધીમે-ધીમે વધવા માંડ્યું હતું,પણ તેનો અહેસાસ નહોતો થતો.
કાલે રવિવાર હતો.એટલે એ બેયને ઘેર જવાની કોઈ જ ઉતાવળ નહોતી.તેમ છતાંય નાના બાળકની ખાતર એ બંને ત્યાથી અખબાર નગરની ચોકડી આગળ આવવા નીકળ્યા.ત્યાં આવીને એમણે આઈસ્ક્રીમની દુકાને બેઠક જમાવી.
એવામાં એક અજીબ ઘટના સર્જાઈ!
અમર અને અરૂણા એમની મીઠી મધુરી વાતોમાં મશગુલ હતાં.નાનો બાળક આઈસ્ક્રીમની મજા માણી રહ્યો હતો.એ જ પળે 'હાય ડિયર અમર!આઈ લવ યુ!' કહેતાંકને એક યુવતી ત્યાં આવીને ઊભી રહી ગઈ! સૌંદર્યની દેવી એ સ્વર્ગની અપ્સરાસમી લાગી રહી હતી.
એનો મધુરો મોહક સ્વર, અદાઓ, ચડિયાતું અને શરીરસૌષ્ઠવ હતું. મિસ વલ્ડ વખતની એશ્વર્યાનેય શરમાવે એવી લાવણ્યમયી એનામાં સુંદરતા હતી. આજની કેટરીનાને ટક્કર મારે એવી એની લવચીક અને લોભામણી અદાઓ હતી. વાળ અને વાળની સ્ટાઇલ તો એવી કે અનેક યુવાનોને એકસામટા દિવાનાઓ એને જોઇને ગાંડા ગાંડા થઇ જાય. આંખોમાં ગજબની રોનક હતી. ચહેરામાં ગજબની ખુમારી હતી. અને હોઠો ઉપર સંગેમરમરી લાલીમાં હતી. એની ચાલ તો એવી કે એને ચાલતા જોઇને મુંબઈ જેવું ધમધમતું શહેર પણ ઘડી ભર તો થોભી જાય! કુદરતે એનામાં શકુન્તલા જેવી સુંદરતા, ઉર્વર્શી જેવી કમનીયતા, મેનકા અને રંભા જેવી મોહકતા તથા દિવ્યતા ઠાંસી ઠાંસી ને ભરી હતી.
દુનિયાના ઇતિહાસની ,વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા, રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી. એને જોઇને એમજ લાગે કે જાણે શાક્ષાત અપ્સરા ! કદાચ કુદરતે એને સર્જવામાં ભૂલ કરી હશે!
આવી રૂપરૂપના અંબારસમી અજાણી યુવતીને જોઈને અરૂણા એકટસ તેને તાકી જ રહી.એવામાં 'હાય ડિયર,સ્વીટી અંજુ!' કહીને અમર તેને પોતાની ભુજાઓમાં લઈને ભેટી પડ્યો!ના તો એને આસપાસના લોકોનો સંકોચ હતો કે ના પોતાની પત્નીનો.કારણ કે એના ભેટવામાં નિખાલસભરી નરી નિર્દોષતા હતી.અંજુથી છૂટા થયા બાદ એણે અરૂણાને મીઠું ચુંબન આપ્યું.
એકમેકથી સાવ છૂટા પડ્યા બાદ લગભગ ત્રણેક સાલ બાદ આમ અચાનક મળ્યા હોવાથી અમર અને અંજુની આંખોમાં,હોઠોમાં,દિલમાં અને ધડકનમાં ખુશી નહોતી સમાતી!
વિયોગમાં સુકાઈને સાવ કોકડું વળીને સૂતેલ ભવ્ય ભૂતકાળ લીલીછમ્મ જહોજલાલી બનીને એમની આંખ સામે નાચી રહ્યો હતો.
જીવનસંગી બનીને જીવનભર સાથે રહેવાનું શક્ય નહોતું ત્યારે સુંદર સમાધાન કરતી વેળાએ અંજુએ અમરને કહ્યું હતું:'અમર ! મને ખબર છે કે પ્રેમ અને પ્રેમીને છોડવા મુશ્કેલ હોય છે.પણ પ્રણયની મંઝીલ એ નથી કે બે જણાએ જીવનભર સાથે જ રહેવું! પ્રેમની ખરી સફળતા એમાં જ છે કે એકમેકને કંઈ ન પામ્યાનો વસવસો ન હોય.અને આપણે એક ભરપૂર જીવન માણ્યું છે.હવે આપણે જીવનસંગી નહી બનીએ તો પણ અફસોસ કરવા જેવું કશું બચ્યું નથી.સમર્પણ જ પ્રેમની તાકાત અને મીઠી મંઝીલ છે.આપણાથી આપણે ખુદ અને માવતર સાથે સંબંધીઓ ખુશ રહે એ જ પ્રણયની આખરી અને સલામત મંઝીલ છે.તું માને તો સારુ રહેશે.'
અને અમર અંજુની વાતોને ગજવે કરીને અરૂણાને હેમખેમ પરણી ગયો હતો.
એવા જ એક સમયે અંજુ શાદી શુદા બનીને પરીની માફક પરદેશ ઉપડી ગઈ હતી.ને ત્યાં જઈને વતનના ભવ્ય વિયોગે હૈયું રોજ બાળતી હતી.વિદેશની ઝાકમઝાળ ભરેલી જહોજલાલી વતનની સાવ ગરીબી આગળ પણ એને પાંગળી લાગતી હતી.વતન આવવાના ઘણાય હવાતિયા માર્ય કિન્તું નસીબ જોગે ત્રણ સાલ સુધી વતનનો વહાલ ન મળ્યો.એવામાં એક સમય આવ્યો અને એ વતનને વહાલી થઈ.સાથે બીજા જ દિવસે એના પ્રાણસમાં પ્રેમી અમરની બાહોમાં થઈ!
એક સમયના દિલફાડ પ્રેમીઓ કે જેઓ એકમેકને મુશળધાર પ્રેમ કરતા હતાં. એ મળેલા બે જીવ જ્યારે સાવ વિખુટા પડ્યા બાદ મળ્યા હતાં ત્યારે એમની અપાર ખુશી સાતમું આસમાન અને પાંચમું પાતાળ ભેદીને ક્યાંયની ક્યાંય પહોચી ગઈ હતી!
મહોબ્બતની મિલનમાં જબરી તાકાત છે.એમાં હજારો ચુંબક સમી તાકાત રહેલી છે.આવી મધુરી મુલાકાત સ્વર્ગનેય વીસરાવી દે એવી હોય છે.એટલે જ તો પ્રેમીઓ મુલાકાત માટે આટલા બેબાકળા હોય છે!
'માય ડિયર એન્ડ લવલી વાઈફ અરૂણા,ધીસ ઈઝ માય પાસ્ટ લવર અંજુ!'અંજુ તરફ ઈશારો કરતા અમર બોલ્યો.એટલે અરૂણા પણ અંજુને ભેટી!પોતાના એક વર્ષના ખિલખિલાટ કરતા બાળકને ઊંચકીને અમરે ઊમેર્યું:'અંજુ,ધીસ ઈઝ માય લવલી સન!' અને આમ કહેતા જ એણે એ પુત્રને અંજુને ખોળે કર્યો.
પતિ-પત્ની અને પ્રેમિકાનું પ્રેમાળ જોડુ એકમેકમાં એવું ઓળઘોળ બની ગયું કે જાણે એક નાનકડો પ્રેમાળ પરિવાર!
એક સાથે ચાર જીવ એકમેકમાં એમ ભળી ગયા છતાંય કોઈના મનમાં કોઈના પ્રત્યે દ્વેશ નહી કે નહી ઈર્ષ્યા!
આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની મીઠી મીજબાની મનભરીને માણ્યા બાદ અમરે એમના અલૌકિક અતીતના પટારાની ગાંઠ ખોલવા માંડી.
પુત્રને અંજુના હાથમાંથી લેતાં એ બોલ્યો:'અરૂણા,જ્યારે આપણે એકબીજાને કલ્પ્યા સુધ્ધા નહોતાં ત્યારે અમે એટલે કે 'હું અને અંજુ' એકબીજાને નખશિશ જાણી ચૂક્યા હતાં.અમે એકમેકના ગળાની ગાંઠ અને જીગરના ટૂકડા હતાં.આંખોના અમી અને શમણાઓના સૌદાગર હતાં.માત્ર અમારા ખોળિયા ભિન્ન હતાં પણ પ્રાણ એક હતાં.અમારી મહોબ્બત અને મુલાકાત જોનારને ભયંકર ઈર્ષ્યા કરાવી જતી હતી.'
'અરૂણા,કોલેજકાળ દરમિયાન અમારી મિત્રતામાં મહોબ્બતની મોસમ ખીલી અને અમે ખુશખુશાલ બનીને પ્રણયના વાદે ચડ્યા.અને એવા ચડ્યા કે હજુ સુધી પડ્યા જ નથી.હજીયે યાદોના આકાશમાં મેઘધનુષ બનીને આનંદથી વિહરીએ છીએ.આ મારા પ્રિય શહેર અમદાવાદનું જાહરે અને ખાનગી એકેય એવું સ્થળ નહી હોય જ્યાં અમે હેતથી આનંદના ઉમળકા લઈને મળ્યા ન હોઈએ!'અંજુની આનંદથી છલકાઈ ઉઠેલી આંખોમાં આંખ ભેરવીને અમર બોલ્યો જતો હતો ને અરૂણા નિખાસલતાથી છલકતા અમરના મલકાતા વદનને તાકી અને માણી રહી હતી.
પોતાના પ્રાણ પ્રિય પતિ અને એ પતિના પ્રેમાળ પ્રિયજનને આમ એકસાથે જ પોતાની નજરો સામે જ મળતાં અને ખીલતાં જોઈને એ મનોમન બહું જ હરખાઈ રહી હતી.
'અરૂણા,આજ લગી અમને બેયને એકબીજાને છોડ્યાનો કોઈ જ વસવસો નથી.અમારા બેયના સુંદર શમણાઓને અમે ફળીભૂત કરી જ લીધા છે.બસ,એક જ આખરી ખ્વાહીશ હતી:જીંદગીભર એકમેકના સામિપ્યમાં રહેવાની! કિન્તું વિધિને શાયદ આ મંજુર નહોતું.અને અમે હરખાતાં-હરખાતાં સુંદર સમાધાન કરી લીધું હતું.આખરે મે હસતા વદને એ સમયના મારા આ અમરને અમર આશિષ આપીને તારા તરફની વાટે વળાવી દીધો હતો.' અરૂણાની પડખે જ બેઠેલી અંજુ આમ બોલી રહી હતી ત્યારે એની સોનેરી આંખોમાં ઊભરાયેલ આંસુમાં સહસ્ત્ર દીવડાઓ ઝળહળાં-ઝળહળાં થતાં હતાં.
અતીતના બે પ્યારા પારેવાઓેએ ફરીથી પ્યાર બનીને પોતાના ભવ્ય ભૂતકાળને ખૂબ સંભાર્યો-વાગોળ્યો.અરૂણા હરખાતાં અને મલકાતાં ચહેરે એ બધું સાંભળી રહી હતી.જેમ-જેમ અંધારું વધતું જતું હતું એમ એમ એમના અતીતની રોશની પ્રકાશી રહી હતી.
રાતના નવ વાગવા આવ્યા હતાં.પણ અમદાવાદના ઝળહળતાં મારગ પરના વાહનોના અવરજવરથી એમ ભાસતું હતું જાણે પ્હોં ફાટવાદી તૈયારી થઈ રહી છે!
અચાનકની મધુરી મુલાકાતથી મસ્ત બનીને મલકાઈ ઊઠેલા ત્રણેય જણ ખુશ થયા.પછી અત્યાગ્રહથી અરૂણા અંજુને પોતાના ઘેર લઈ આવી.બંનેએ મળીને સુંદર રસોઈ બનાવી.ચારેય જણા ભેગા બેસીને જમ્યા.
બીજા દિવસે આઠ વાગ્યાના સુમારે અમર અને અરૂણાએ ભારે હૈયે પુન:મળવાના વાયદા સાથે અંજુને વિદાય કરી.
ઘડીકવારમાં તો અંજુ ઊગતા સૂરજના તેજ અજવાળામાં ઓગળી ગઈ!
© -અશ્ક રેશમિયા