Aaruddh an eternal love - 16 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૬

આર્યા અનાથઆશ્રમ પહોંચી ગઈ. એના મગજમાં ઘટનાઓ ભમી રહી હતી, અનિરુદ્ધનું વર્તન એ સમજવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ સમજી શકતી ન હતી. અનિરુદ્ધ ઘણીવાર એને ખૂબ જ તકલીફ આપતો, અને ઘણીવાર એની ખૂબ કાળજી લેતો.

આજે એના મગજમાંથી અનિરુદ્ધ ખસતો ન હતો, ક્યારે માયાબહેને ની પાસે આવીને ઊભા રહી ગયા એ પણ એને ખબર ન પડી.

"આર્યા...."

"જી સર..."

"અરે પાગલ, હું તારી સર નથી." માયાબહેને કહ્યું ત્યારે આર્યાને ભાન થઇ કે પોતે ઘેર છે.

"તું તો કામમાં બહુ ડૂબી ગઈ છે ને મારી દીકરી, કે ઘેર પણ તને ઓફિસ જેવું જ લાગે છે. વારુ, હું તારી સાથે એક મહત્વની વાત કરવા આવી હતી. મને ખૂબ ઇચ્છા છે કે તારા અને જયના લગ્ન થાય. તમે બંને એકબીજા માટે ખૂબ જ યોગ્ય છો. તમારી બંનેની ઉંમર પણ યોગ્ય છે. મેં જયને વાત કરી રાખી છે, તું શું કહે છે, એ તો તૈયાર છે."

આર્યા જાણતી જ હતી કે જય પોતાને પસંદ કરે છે, કદાચ જયે પ્રપોઝ કર્યું હોત તોપણ પોતે ના પાડી ન હોત, પરંતુ અત્યારે એને કંઈક અલગ જ લાગણીઓ થઈ રહી હતી. એને અનિરુદ્ધ વારંવાર યાદ આવતો હતો, પરંતુ અનન્યાનો પણ કોઈ વાંક થોડો હતો? પોતાના કારણે એ બંને વચ્ચે દરાર પડી રહી હતી એ આર્યા સમજી શકતી હતી.

જય પોતાના માટે શું નહોતું કર્યું? એને ના પાડીને એક રીતે એના ઉપકાર પર અપકાર કરવા જેવું થશે એવું આર્યાને લાગી રહ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી પોતાના જીવનમાં જે ધમાચકડી ચાલી રહી છે એનો હવે અંત આવી જવો જોઈએ એવું આર્યાને લાગ્યું.

"શું વિચારમાં પડી ગઈ બેટા? મારે હવે જયને ને તારો જવાબ આપવો પડશે. એ ઈચ્છે તો તને સીધું જ પૂછી શકે પરંતુ એણે આ કામ મને સોંપ્યું છે."

"હું તૈયાર છું મમ્મી!!!" આર્યાના મુખેથી આ શબ્દો સાંભળીને માયાબહેન હરખાઈ ગયા.

***

અનિરુદ્ધ ઉજવણીના સ્થળે તૈયારીઓ જોવા માટે આવી પહોંચ્યો હતો. આજે છેલ્લો દિવસ હતો, આવતીકાલે ઉજવણી હતી. આર્યાને થોડું મોડું થયું હતું, એ નક્કી ખીજાશે એ બીકે ઉતાવળે ચાલતી અનિરુદ્ધ પાસે જઈ રહી હતી, એ અનિરુદ્ધ પાસે પહોંચી બરાબર એ જ વખતે જય પણ ત્યાં પહોંચ્યો.

"જય, તારું કામ તો હેલિકોપ્ટર જેવું થતું જાય છે. આમ તો બધા જર્નલિસ્ટ આવા જ હોય પરંતુ તું કઈ જગ્યાએથી આવી જાય છે ખબર પણ પડતી નથી." અનિરુદ્ધ આજે સારા મૂડમાં હતો.

જવાબમાં જયે કશું કહ્યું નહીં પરંતુ અનિરુદ્ધ સામે પેંડાનું બોક્સ ધર્યું.

"શું વાત છે જય? ફરી કોઈ બીજી ચેનલ શરૂ કરવાની છે કે શું?" બોક્સમાંથી એક પેંડો ઉપાડીને એનું બટકુ ભરતા અનિરુદ્ધે પૂછ્યું.

"એથી પણ મોટી વાત છે અનિરુદ્ધ, એક્ચ્યુલી મારી જિંદગીની સૌથી મોટી વાત છે. આઈ એમ ગોઈંગ ટુ મેરી વિદ આર્યા." આટલું કહીને જય આર્યા સામે ફર્યો અને એને કહ્યું, "થેન્ક્યુ સો મચ આર્યા, હું તને હૃદયથી ચાહું છું, મારી સાથે લગ્ન કરવાની હા પાડીને તે મને મારા જીવનની સૌથી મોટી ભેટ આપી છે. મને સવારના પહોરમાં માયાબહેને આ સારા સમાચાર આપ્યા. એટલે સીધો જ તને મળવા અહીં આવી પહોંચ્યો."

મોંમાં રહેલું પેંડાનું બટકું અનિરુદ્ધને કડવું લાગ્યું. "કોંગ્રેચ્યુલેશન્સ જય."એણે કહ્યું અને જોયું આર્યા સામે, ધારદાર નજરે.

"આ ગાંધીજયંતીનો ઉત્સવ પૂરો થઈ જાય પછી એક દિવસ આપણે ખરીદી કરવા જવું પડશે, આર્યા. આજે હું જાપાન જાઉં છું, નવા કેમેરા અને બીજી ખરીદી માટે, કદાચ બે-ત્રણ દિવસ કોન્ટેક્ટ નહીં થઈ શકે.

સારું ત્યારે હું જાઉં છું, બાય અનિરુદ્ધ." કહેતો જય ત્યાંથી ચાલતો થઈ ગયો.

"આ સનગ્લાસ રાખી લો મિસ આર્યા, આજે આખો દિવસ ખૂબ તડકો પડવાનો છે એવું ગૂગલ કહે છે. હું નથી ઇચ્છતો કે તમને તાપ લાગી જાય અને નામ મારું આવે."

"તમારા હાથને હવે કેમ છે સર?"આર્યાથી અનિરુદ્ધ ની તબિયત પૂછાઇ ગઈ, અનિરુદ્ધને આખી રાત હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને હજુ દસેક મિનિટ પહેલા જ એને ડોક્ટરે માંડ કરીને રજા આપી હતી એ વાત આર્યા જાણતી હતી.

"દેખાય એ જખમોના હાલ-હવાલ સહુ પૂછે છે,
ના દેખાય એ જખ્મોની ચિંતા કોને પડી છે?"

આર્યાની આંખોમાં આંખો નાંખીને અનિરુદ્ધ આ બે પંક્તિઓ બોલ્યો, ઉભો થયો, ગળા ફરતે રહેલો પાટો છોડી નાખ્યો, અને પોતાની જાતે ઉજવણીની તૈયારીઓ નું ચેકલિસ્ટ કરવા બેઠો.

"સર, તમને તકલીફ થશે, હું કરી આપું છું."

"ના, હાથને આટલા બધા લાડ કરાવવા સારા નહીં, અને મારે મારું કામ જાતે કરવાની ટેવ પાડવી જોઈએ. તમે તો આજે છો અને કાલે નથી."

"સર પ્લીઝ.."

"ઈટ્સ ઓકે, મિસ આર્યા."

"સર, તમારા મમ્મી હાજર હોય અને તમને આ હાલતમાં જુએ તો એમને કેટલું દુઃખ થાય! પ્લીઝ..."

આર્યા ની આ વાત પર સહમત થવાને બદલે અનિરુદ્ધ એકદમ ગુસ્સે થયો, એના હાથમાં રહેલું લેપટોપ એણે બાજુના ટેબલ પર ધડામ દઈને મૂક્યું અને ત્યાંથી ચાલતો થઈ ગયો.

***

આજે ફરી અનાથાશ્રમની યુવતીઓ ધમાચકડીએ ચડી હતી. આવતીકાલના ગાંધીજયંતીના ઉત્સવમાં અનાથાશ્રમને હાજર રહેવાનું હતું. શું પહેરવું એ બાબતે બધી છોકરીઓ ચર્ચા કરી રહી હતી.

એ બધી જાણવા માગતી હતી કે અનિરુદ્ધ મોટેભાગે કેવા રંગનો શર્ટ પહેરે છે, જે રંગ વારંવાર પહેરતો હોય એ એનો પ્રિય હોય, એ જ રંગ પહેરીને એ બધી જવા ઇચ્છતી હતી.

પરંતુ આર્યાનું ધ્યાન તો બીજે જ ક્યાંક હતું,

"એક સુંદર અને સુશીલ પુરુષ સાથે સંબંધે જોડાયાનો આનંદ મુખ મંડળ પર હોવો જોઈએ એના બદલે વિરહમાં તડપતી શકુંતલાનો વિષાદ જેના મુખ મંડળ પર વ્યાપેલો છે એવી હે પ્રિય આર્યા, તમોને શેનો શોક છે? શું તમને એમ લાગી રહ્યું છે કે ખબરપત્રી એવા તમારા ભાવિ પતિ, તમોને પણ એક ખબરપત્રીની માફક આખું જીવન પૃચ્છા કર્યા કરશે?" હજુ પણ રેખાનો લવારો ચાલુ જ રહેતો, પરંતુ આટલું સાંભળીને આર્યા ખડખડાટ હસી પડી.

અવની મોકો જોઇને આર્યા બાજુ પર લઇ ગ‌ઈ, અને આર્યાને કારણ પૂછી લીધું કે એ શા માટે આટલી બધી વિચારમાં પડી ગઈ છે. અવની આર્યાની ખાસ બહેનપણી હતી, એ બધી વાત એને કહેતી. એણે છેલ્લા થોડા દિવસોથી અનિરુદ્ધનું વર્તન અને બધી વાતો અવનીને જણાવી.

"એ તને પ્રેમ કરે છે, પાગલ."અવનીએ આર્યાને કહ્યું અને આર્યા એને તાકી રહી.

****

આજે ગાંધીજયંતી હતી, જયે અનિરુદ્ધ સાથે વાત કરી લીધી હતી, એથી આજે આર્યાની નોકરીનો છેલ્લો દિવસ હતો, બધી છોકરીઓ હજુ તૈયાર થઈ રહી હતી, આર્યા ઝડપથી તૈયાર થઈને ચાલતી થઈ ગઈ, અનિરુદ્ધે એને કશું કહ્યું ન હતું તો પણ.

આર્યા ઝડપભેર ચાલતી મેદાનમાં પહોંચી ગઈ, એની આંખો અનિરુદ્ધને જોવા માટે ઘેલી બની હતી જાણે.

વ્હાઈટ શર્ટ, બ્લૂ જીન્સ પહેરેલો અનિરુદ્ધ જબરજસ્ત લાગતો હતો. છેક એની પાસે પહોંચી તો પણ એણે આર્યા સામે જોયું નહીં.

ક્રમશઃબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED