અંગત ડાયરી - વ્હાય મી Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - વ્હાય મી

અંગત ડાયરી
============
શીર્ષક : વ્હાય મી?
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૦૩, મે ૨૦૨૦, રવિવાર

ક્યાંક વાંચેલો એક પ્રસંગ જેટલું મને યાદ રહ્યું એ મુજબ વાંચો: ઓલમ્પિકના ફાઈનલમાં પહોંચેલા એક ખેલાડીનું મેચના આગલા દિવસે જ એક્સિડેન્ટ થયું. હાથે, પગે પ્લાસ્ટર આવ્યા. એ મેચ ન રમી શક્યો. એના ચાહક વર્ગમાં જ નહીં, સમગ્ર રમત જગતમાં સન્નાટો પ્રસરી ગયો. થોડા દિવસો પછી એ થોડો સ્વસ્થ થયો ત્યારે એની સામે પત્રોનો ઢગલો કરવામાં આવ્યો. આ પત્રોમાં વિશ્વના ખૂણે-ખૂણેથી એના ચાહકો, પ્રસંશકો દ્વારા એને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એની સાથે બનેલી દુર્ઘટના બદલ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલાકે લખ્યું હતું કે ભગવાને તારી સાથે ખોટું કર્યું તો કેટલાકે ગેટ વેલ સૂનની પ્રાર્થના કરી હતી.

થોડા સમય બાદ એ ખેલાડીએ એક જ પોસ્ટ દ્વારા એ સૌ ચાહકોને આપેલો જવાબ જરા ધ્યાનથી વાંચો: "સૌથી પહેલો મેચ હું મારી સ્કૂલમાં જીત્યો. મને સિલેક્ટ કરી જીલ્લા લેવલે મોકલવામાં આવ્યો. ત્યાંથી જીતી હું સ્ટેટ લેવલે અને છેલ્લે નેશનલ લેવલે સિલેક્ટ થયો. એ પછી મને ઓલમ્પિકમાં મોકલવામાં આવ્યો. પહેલો, બીજો અને ત્રીજો રાઉન્ડ જીતી હું સેમી ફાઈનલ સુધી પહોંચી ગયો. ઈશ્વરે મને એ મેચ પણ જીતાડ્યો અને હું ફાઈનલમાં પહોંચી ગયો. ફાઈનલ પહેલા હું લગભગ આઠથી દસ મેચ રમ્યો અને જીત્યો. એ એકેય વખતે મેં ઈશ્વરને નહોતું પૂછ્યું: વ્હાય મી? મને જ કેમ આટલી જીત? તો ફાઈનલ પહેલા મારું એક્સિડેન્ટ થાય ત્યારે ય મારે ‘વ્હાય મી’ એવો પ્રશ્ન પૂછી ઈશ્વર ઉપર દોષનો ટોપલો ઢોળવો જોઈએ નહીં. જો હું સુખ કે સફળતા માટે ઈશ્વરને ‘વ્હાય મી’ ન પૂછતો હોઉં તો દુખ કે નિષ્ફળતા માટે પણ મને ‘વ્હાય મી’ પૂછવાનો અધિકાર નથી." તમારા જેવા સમજદારો માટે ઈશારો કાફી છે.

તમે જે લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છો એના માટે ઈશ્વરે તમને સિલેક્ટ કર્યા છે. એમણે આપેલી ગીફ્ટસનું લિસ્ટ બહુ લાંબુ છે. માતા-પિતા, મિત્રો, જીવનસાથી, નોકરી-ધંધાથી શરુ કરી ટીવી, ફ્રીઝ, મોબાઈલ, બાગ-બગીચા, હાથ, પગ, બુદ્ધિ વગેરે વગેરે વગેરે. કદી પૂછ્યું ખરું? કેમ મને આટલું બધું? હું એવું તે કયું ટીલું લઈને આવ્યો છું કે તું મને એક ‘રાજકુમાર’ જેવા જલસા કરાવે છે? ઉલટા અમુક ચસ્કેલા તો એવાય છે જે ‘ઈશ્વર બિશ્વર જેવું કંઈ છે જ નહીં, એવું માની બેફામ ગોટાળા કર્યે જાય છે.’

જૂનવાણી વિચારવાળા મારા દાદા મને ઘણી વાર કહેતા, "આપણને ઈશ્વર જગાડે છે." મને થતું આ થોડું વધુ પડતું કહેવાય. કાયમ એલાર્મ વાગવાથી કે લાઈટ જવાથી કે પત્નીની બૂમોથી જાગી જનાર આપણે કદી કાનુડાને સવારના પહોરમાં આપણા પલંગ પાસે વાંસળી વગાડી આપણને જગાડતો જોયો નથી.

એક રવિવારની સવારે મારા મમ્મીએ મને જગાડ્યો. "ઉઠ જલ્દી, પાછલી શેરીવાળા કાકા જો, આંખો નથી ખોલતા." મેં મારી આંખો માંડ માંડ ખોલી કહ્યું, "કાકાની આંખો પર પાણી છાંટો એટલે ઉઠી જશે." મમ્મી કહે, "છાંટી જોયું, નથી ઉઠતા." મેં કહ્યું, "જોર જોરથી હલાવી જુઓ." મમ્મી કહે, "એમ પણ કર્યું, ન ઉઠ્યા." મને અમારા એન.સી.સી.ના દિવસો યાદ આવી ગયા. કેમ્પમાં અમે ઊંઘણશી મિત્રને પગથી લાત મારીને જગાડતા, પણ કાકા માટે એવો કીમિયો ન કરાય. મેં જરા જુદું કહ્યું, "એમને ઊંચકીને ફળિયામાં તડકામાં મૂકી દો, જાગી જશે." એ બોલી એમ પણ કર્યું, ન જાગ્યા. હવે મેં છેલ્લો ઉપાય કહ્યો, "એના પગે સળગતી દીવાસળી ચાંપો એ ઊભા થઇને ભાગશે." પણ મિત્રો, એ દિવસે કાકાને સળગતી ભઠ્ઠીમાં નાંખવામાં આવ્યા તો પણ એ ન જ જાગ્યા. મને થયું મારા સૂચવેલા એકેય કીમિયા કેમ કામ ન આવ્યા. એલાર્મ તો શું, સળગતી ભઠ્ઠીથી પણ કાકા કેમ ન જાગ્યા. તે દિવસે મારો બહુ મોટો ભ્રમ ભાંગી ગયો. એલાર્મ કે પત્નીની બૂમ કે દુધવાળાની બૂમ આપણને જગાડે એ પહેલા ‘કૃષ્ણ કનૈયો’ આપણને જગાડી જાય છે. જે દિવસે એ આપણને ન જગાડે એ દિવસે દુનિયાની કોઈ તાકાત આપણને જગાડી શકવાની નથી. મારાથી આપોઆપ શ્રીકૃષ્ણની છબી સામે સેલ્યુટ થઇ ગયું અને મોંમાંથી શબ્દો સરી પડ્યા: વ્હાય મી?
મિત્રો, આજે સવારે પૃથ્વી પર હજારો લોકો જાગ્યા નથી. કૃષ્ણ કનૈયાએ એમને ન જગાડ્યા. એમનો રોલ પૂરો થયો. તમને જગાડવામાં આવ્યા છે. યુ આર સિલેકટેડ બાય ગોડ. તમારા શ્વાસ ચાલુ રાખવાની મહેનત કૃષ્ણ કનૈયો કરવાનો છે. વિચાર કર્યો? શા માટે?

ટીવી સામે ટાંટિયા લાંબા કરી પડ્યા પડ્યા, ચાના ઘૂંટ મારવા માટે કે પછી ફેસબુક, વોટ્સઅએપ પર આલતુ-ફાલતુ ચેટીંગ કરવા માટે? ચારે બાજુ રોકકળ, કમ્પ્લેઇન્સ, વાંધા-વચકા કરવા માટે કે પછી...

એ જ સમયે મારી સામેના મકાનમાં રહેતા ડોક્ટર સાહેબને મેં ઉતાવળે સ્કૂટર પર બેસતા જોયા. મેં પૂછ્યું, "ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ, કેમ આટલી બધી ઉતાવળમાં?’ મારી સામે નિર્દોષ સ્મિત કરી એ બોલ્યા, "ઈમરજન્સી છે, હારના નહિ, જીતના હૈ, કોરોના કો હરાના હૈ."
મારી સામે અનેક પોલીસમિત્રો, સ્વયંસેવકો, શિક્ષકો, ઈમાનદાર રાજનેતાઓ, પત્રકારો, દુકાનદારો, શાકભાજી વાળાઓ અને ડ્રાઈવરોના ચહેરા ઉપસી આવ્યા. કોણ જાણે કેમ, મને એ તમામ ‘કોરોના વૉરિયર્સ’ના માથા પર સુંદર મજાનું મોરપીંછ દેખાતું હતું. બાકી તમે ખુદ સમજદાર છો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)