"દુનિયાની સૌથી મૂલ્યવાન વસ્તુ જે એક વખત હાથમાંથી સરકી ગઈ પછી તો ગમે તેટલા ધમપછાડા કરો અથવા તો મોં માગી કિંમત ચૂકવો પરંતુ એ હાથમાં આવતી નથી, આપે છે તો કેવળ પસ્તાવાનો મોકો આપે છે", તો એ દુર્લભ વસ્તુ છે- "સમય"
અત્યારે માનવી સમજે છે બધું ,પરંતુ અમલ કરવામાં એટલી લાપરવાહી કરે છે કે ના પૂછો વાત!. દા.ત પાણી નું કેટલું મૂલ્ય છે અત્યારના સમયમાં જે એ જાણે છે છતાં તેનો ખોટો બગાડ કરતા સહેજે પણ અચકાતો નથી. માનવીની સાચી મૂડી જો કોઇ હોય તો તે છે તેના શરીરનું સ્વાસ્થ્ય પરંતુ તેને સાચવવા માટે તે જરા પણ ગંભીરતા લેતો નથી અને જ્યારે શરીરના યંત્રોમાં ખામી આવે ત્યારે સમય પણ પોતાના યંત્રોને ગતિમાન કરી ચૂક્યું હોય છે, પછી ચાહવા છતાં પણ કશુ શક્ય બનતું નથી.
સમય એ ગતિમાન છે, સમય એ કોઈના રોકાયા રોકાતો નથી, જગત ચાલે કે ન ચાલે પરંતુ સમય એ પોતાની ગતિ અવિરત ચાલુ રાખે છે. માનવી એ તો બસ સમયના પગલે પગલે પોતાના અચૂક પગલા સાચી દિશામાં ચાલુ જ રાખવાના હોય છે. પરંતુ માનવી શું સાચી દિશામાં સમયનો સદુપયોગ કરી સમયના પગલે પગલે ચાલી શકે છે?
આપણે જોઈએ તો લોકડાઉન પહેલા માનવી સહજ કેટલીક સાચી અથવા ખોટી દલીલોની વણજાર અવિરત ચાલુ જ રાખતો હતો કે પરિવારને હું જરા પણ ટાઈમ આપી શકતો નથી, કેમકે મારે કામ જ જેટલું હોય છે! મને જરા પણ પોતાના માટે સમય મળતો નથી! જરા પણ પુસ્તકો વાંચવાનો ટાઈમ મળતો નથી! મને જરા પણ બાળકો સાથે પૂરતો સમય પસાર કરવાનો મળતો નથી! મને જરા પણ મારી પત્ની સાથે બે ઘડી પ્રેમની વાતો કરવાનો સમય મળતો નથી! મને જરા પણ મારા માતા-પિતા સાથે નિખાલસતા થી વાતો કરવાનો ટાઈમ મળતો નથી! મને જરા પણ મારા ધંધામાં આગળ નવું નવું શું વિચારી શકાય તેનો ટાઈમ મળતો નથી! આવી તો કેટકેટલી દલીલો આપણા મન સાથે અથવા તો આપણા સ્નેહીજનો સાથે સહજભાવે કરતા હોઈએ છીએ!.
લોકડાઉન ના આજે લગભગ ૪૦ જેટલા દિવસો આજે પૂરા થઈ ગયા. તો તમે ખરેખર પોતાની કેટલી દલીલો ની ખરેખર પૂર્તિ કરી? કે પછી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ના ગુલામ બનીને રહ્યા? કે પછી સુવા પાછળ મૂલ્યવાન સમયને વેડફી નાખ્યો? કે પછી જગતની ખોટી પંચાત કે દલીલો પાછળ ખર્ચી નાખ્યો?
પરંતુ આ સમય છે
THINK DIFFERENT, BE DIFFERENT. પોતાના કલા-કૌશલ્ય ને વિકસાવવાનો તથા તેને એક પ્લેટફોર્મ આપવા નો આજ એક સોનેરી અવસર આવ્યો છે. તો તેનો જેટલો સદ્દઉપયોગ કરીશું તેટલું તેનું ભવિષ્ય માં ફળશ્રુતિ રૂપે તેનું હકારાત્મક પરિણામ જોવા મળશે. એટલે પોતાના જીવનમાં એવી કેટલીક કલા - કૌશલ્યના પાઠો વિકસાવીએ ને પોતાના જીવન તથા ધંધા ભવિષ્યમાં ઉપયોગી ઉપયોગમાં લાવી શકીએ. કેમકે આ સમય છે કંઈક વાવીને કંઈક લણવાનો!.
જો અત્યારે કોઈ પ્રવૃત્તિ રૂપ નવી સ્કિલ ને વાવીશું, તો એ ભવિષ્યમાં પાકરૂપે અચૂક મીઠા ફળ આપશે. બસ ખાલી જરૂર છે વાવણી અને માવજતની. એવી તો કેટકેટલી પ્રમાણરૂપ કૌશલ્યોની જરૂર આપણા જીવનમાં અનુભવાતી હોય છે. જેવીકે આપણા જીવનમાં અમુક બિન-જરૂરી સમય નો દુરુપયોગ કઈ રીતે અટકાવવો તથા તેનું પ્રયોજન કઈ રીતે કરવું, પોતાના આર્થિક-સામાજિક તથા શૈક્ષણિક લક્ષ્યને કઈ રીતે સાધી શકાય? તથા એ લક્ષ્યને સાધવા માટે નડતરરૂપ પરિબળોનો કઈ રીતે સામનો અને તેને જળ મૂળ માંથી ઉખાડી ફેકવું એનો ઉપાય કરી શકાય, તથા ઘરમાં રહી મનની શુદ્ધતા તથા તેને વેગીલું બનાવવા તથા આંતરિક શુદ્ધતા અને નિખાલસતા માટે સારા વ્યક્તિઓની આત્મકથા વાંચી શકાય જેનાથી એટલો તો જરૂર ખ્યાલ આવશે કે તેઓ પોતાના જીવનની વિપરીત પરિસ્થિતિ માં કઈ રીતે નીડર અને મનને સચેત રાખી પોતાના લક્ષ્યને બખૂબી સાધ્યો હતો. તો તેમાંથી પ્રેરણા લઈને આપણે પોતાના જીવનમાં આવેલી સમસ્યાઓને કઈ રીતે સામનો કરવો જેનું સલાહ સુચન અને માર્ગદર્શન મળી રહે છે, તથા આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ એટલું જ જરૂરી છે કેમ કે જીવનમાં બધું જ હશે તોપણ, કંઈક ખાલીપો નજરે પડશેતો તે હોય છે "આત્મસાધના" . સુખી જીવનની ચાવી INNER PEACE વગર શક્ય નથી, તથા પોતાના આ અચેત મન ને કઈ ક્રિયા તથા અભ્યાસ દ્વારા ના કંટ્રોલ માં લઇ શકાય તેનો અભ્યાસ પણ એટલો જ અનિવાર્ય છે, પોતાના ધંધામાં ઉતરોતર પ્રગતિ કઈ રીતે સાધી શકાય એ માટે દેશ-દુનિયાની નવી નવી ટેકનોલોજી સાથે માહિતગાર થવું તથા પોતાના ધંધામાં ઉપયોગી સોફ્ટવેર અને એપ્લિકેશનનું બેઝિક નોલેજ મેળવી શકાય.
તો પોતાનો કિંમતી અને મૂલ્યવાન સમયનું ફેલફતૂર અને ખોટા કામોમાં બગાડ ન કરીને પોતાના જીવનમાં ભવિષ્યમાં ઉપયોગી નીવડી શકે તેવા કાર્યોમાં લગાડી શકે તો જ આ લોકડાઉન નો કંઈક અર્થે આપણા જીવનમાં ઉપયોગમાં લઈ શક્યા તેવું કહી શકાય.
"સમય બહુ મૂલ્યવાન છે, તેને સમજી સમજી વિચારી વિચારીને ઉપયોગ કરવો" !!!