માસૂમ દુઆ Abid Khanusia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

માસૂમ દુઆ

** માસુમ દુઆ **
શબેકદ્રની તરાહવીની નમાજ અદા કરી થોડીક નફિલ નમાજો પઢી સાબિરા સુવા માટે ગઈ ત્યારે ખાટલામાં તેની પાંચ વર્ષની દીકરી સના જાગતી હતી. સાબિરાએ તેના વાળમાં હાથ ફેરવી તેને ઉંઘવાની દુઆ પઢી સુઈ જવા કહ્યું. સનાએ મોટેથી ઉંઘવાની દુઆ પઢી આંખો બંધ કરી લીધી. સાબિરા પણ પડખું ફેરવી ઉંઘવાની કોશીશ કરવા લાગી પરંતુ ન જાણે કેમ આજે તેની આંખોમાં ઉંઘ ચઢતી ન હતી. તેણે બે ચાર વાર પડખાં ફેરવ્યા તેમ છતાં તેને ઉંઘ ન આવી. તેણે સના સામે જોયું. સના હજુ પણ જાગતી હતી. સાબિરાએ માસુમ સનાના ગાલ પર હાથ ફેરવ્યો. સાબિરાને સનાના ગાલ પર ભીનાશ જેવું લાગ્યું. સાબિરાએ સનાને પોતાના આગોશમાં લઇ ભીના અવાજે કહ્યું “ બેટા ! આજે ફરીથી અબ્બુની યાદ આવી ગઈ ?” પાંચ વર્ષની સનાએ ભરાએલા અવાજમાં કહ્યું “ હા, અમ્મી ” અને પછી બોલી “ અમ્મી, મારા અબ્બુ ક્યારે આવશે ? “ અને હિબકાં ભરવા લાગી. સાબિરાના ગળામાંથી પણ એક દબાએલું ડૂસકું નીકળી ગયું. તે રડતાં રડતાં બોલી “ બેટા, ઇંશા અલ્લાહ ! તારા અબ્બુ જલ્દી આવી જશે.” તેનો હાથ સનાની પીઠ પર પ્રેમથી ફરતો રહ્યો.

સાબિરા જાણતી હતી કે આ ઠાલુ આશ્વાસન છે. તેના પતિ સમદના છેલ્લા બે વર્ષ થી કોઈ સગડ મળતા ન હતા. સમદ જયારે સાઉદી અરેબિયા ગયો ત્યારે સના માંડ એક વર્ષની હતી. સમદ ખાસ ભણેલો ન હોવાથી તે ડ્રાઈવીંગ શીખ્યો હતો અને એક ટ્રકમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેના પગારમાંથી માંડ તેમનું ગુજરાન ચાલતું હતું. તેની શાદી પછી એક વર્ષમાં તેના અબ્બુ અને બીજા વર્ષે તેની અમ્મી ટૂંકી માંદગીમાં અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. સનાના આગમનથી સાબિરા અને સમદ ખુબ ખુશ હતા. દીકરીના સુખી ભવિષ્ય માટે તેણે વધારે કમાણી કરવા સાઉદી અરેબિયા જવાનું નક્કી કર્યું હતું. સાઉદીયા જવા માટેના ખર્ચની રકમ તે માંડ માંડ ભેગી કરી શક્યો હતો. તે માટે તેને સાબિરાના ઘરેણાં પણ વેચવા પડ્યા હતા.

સમદને સાઉદી અરેબિયાના નજરાન શહેરમાં એક અંગ્રેજ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી મળી હતી. નજરાન પહોંચી સમદે તેના સુખરૂપ પહોચી જવાની જાણ ફોન દ્વારા સાબિરાને કરી હતી. તે સમયે મોબાઈલ ફોનનું ચલણ ન હતું પરંતુ એસ.ટી.ડી.ની સુવિધા હોવાથી તેણે પોતાના ઘરની નજીક આવેલ એસ.ટી.ડી. બુથ પર સમાચાર આપ્યા હતા. એસ.ટી.ડી. બુથના માલિક ખુબ ભલા હતા. તેમણે તેમના ત્યાં કામ કરતા એક કિશોર મારફતે સાબિરાને તે સમાચાર પહોંચાડી દીધા હતા. તે પછી થોડા દિવસે સમદનો એક પત્ર પણ સાબિરાને મળ્યો હતો જેમાં રાજીખુશીના સમાચાર હતા. ત્યારબાદ પણ અવારનવાર સમદના રાજી ખુશીના સમાચાર પત્રો દ્વારા અને ફોનથી મળતા રહેતા હતા. સમદ ઘરખર્ચ માટે નિયમિત રકમ પણ મોકલાવતો હતો. સમદને એક જ વાતનું દુખ હતું કે તેની કંપનીમાં કોઈ ગુજરાતી માણસ કામ કરતો ન હતો. ભારતીયોમાં કેરાલા અને બિહારના લોકો હતા તે ઉપરાંત પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકો પણ કામ કરતા હતા. તેને તેમની સાથે દોસ્તી થઇ ગઈ હતી તેમ છતાં કોઈ ગુજરાતી ન હોવાથી તેને એકલવાયું લાગતું હતું. આર્થિક રીતે મજબુર હોવાથી તે નોકરી નિભાવી રહ્યો હતો.
એક વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો ત્યારે કંપનીનું નજરાન ખાતેનું કામ પૂરું થઇ ગયું. કંપની પાસે સાઉદી અરેબિયામાં કોઈ નવો પ્રોજેક્ટ હાથ પર ન હોવાથી કંપનીએ સૌ કર્મચારીઓને જણાવ્યું કે જે માણસોના કંપની સાથેના એગ્રીમેન્ટ પૂરા થવા આવ્યા છે તેમને કંપની નિયમ મુજબનું વળતર ચૂકવી નોકરીમાંથી છૂટા કરશે. જેના એગ્રીમેન્ટ ચાલુ છે તેમના માટે હવે બે વિકલ્પ છે ક્યાંતો નિયમ મુજબનો એડવાન્સ પગાર લઇ છુટા થઇ પોતાના વતન પરત જાઓ અથવા કંપનીના ઈરાક ખાતે ચાલતા પ્રોજેક્ટમાં જોડાઈ જાઓ. જો તમે ઈરાક આવવા તૈયાર હોવ તો તે અંગેની કાયદાકીય કાર્યવાહી કંપની પોતાના ખર્ચે કરશે અને તમારો પગાર પણ વધારી દેવામાં આવશે તેમજ ત્યાં ઓવર ટાઈમ કામ પણ કરવા મળશે.”

કેટલાક જુના ભારતીય કર્મચારીઓ એડવાન્સ પગાર લઇ નોકરી છોડી ભારત પરત આવી ગયા. સમદે વિચાર્યું કે હજુતો સાઉદિયા આવવા માટે જે ખર્ચો થયો હતો તેટલો પગાર પણ તેને મળ્યો ન હતો અને કંપની ઇરાકમાં નોકરી માટે પગાર વધારો કરી આપવા તૈયાર છે તેમજ ત્યાં ઓવર ટાઈમ નોકરી કરી વધારે પગાર રળી લેવો સારો તેમ વિચારી તેણે ભારત પરત જવાના બદલે કંપની સાથે ઇરાક જવાનું સ્વીકારી લીધું. તેણે વિગતવાર પત્ર લખી સાબિરાને પોતે ઈરાક જતો હોવાની વાત જણાવી દીધી.

ઈરાક આવ્યા પછી તેણે સાબિરાને એસ.ટી.ડી. બૂથ પર બોલાવી ખૂબ લાંબી વાત કરી અને તે સુખી છે તેમ જણાવી દીધું. સના સાથે પણ કાલીઘેલી ભાષામાં વાત કરી આનંદ મેળવ્યો. ઇરાકમાં સમદને વધારે પગાર મળતો હતો. એક સમયનું ખાવાનું કંપની મફત આપતી હતી. સમદ રાત્રે મોડે સુધી ઓવર ટાઈમ વાહનો ચલાવતો. ઓવર ટાઈમ માટે દોઢો પગાર મળતો હોવાથી હવે તેની પાસે સારી એવી રકમ બચતી હતી.

સમદને ઇરાકમાં આવ્યાને બે વરસ પૂરા થવા આવ્યા હતા. તેને હવે ઘર સાંભર્યું હતું. તેણે કંપની પાસે ઘેર જવાની રજા માગી. કંપની એ જણાવ્યુ કે આઠ દસ માસમાં આ પ્રોજેકટ પૂરો થઈ જશે માટે જો તે ત્યાં સુધી રોકાય તો તેને કંપની ચાલુ પગારે બે મહિનાની રજા આપશે અને જવા આવવાની પ્લેનની ટિકિટ પણ આપશે. સમદે વધુ દસ માસ રોકાઈ જવાનું નક્કી કર્યું.
તે સમયે દક્ષિણ ઇરાકમાં ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું હતું. કુર્દ લોકો સમાન અધિકારની માંગણી કરી રહ્યા હતા. સમદ જે સાઇટ પર કામ કરતો હતો તે સાઇટ શહેરથી ખૂબ દૂર હતી પરંતુ તેની આજુબાજુ આવેલી પહાડીયોમાં વસતા કુર્દ લોકોનો ભય હતો. કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં માણસોના રક્ષણ માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ હતો માટે સૌ કોઈ નિર્ભયતાથી કામ કરતા હતા. હવે કામ પૂર્ણ થવામાં લગભગ બે માસ જેટલો સમય બાકી હતો. કંપનીએ કામ આટોપવા માંડ્યુ હતું. સમદ પણ ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે નજીકના શહેરમાં જઈ સાબિરા માટે કપડાં અને થોડાક દાગીના ખરીદ કર્યા હતા. સના માટે પણ રમકડાં, કપડાં વિગેરે ખરીદી લીધા હતા. સમદ કંપની તરફથી છુટ્ટી પર જવાની પરવાનગી મળે અને પ્લેનની ટિકિટની મળે તેની રાહ જોઈ રહ્યો હતો.એક દિવસે તેણે સાબિરાને એસ.ટી.ડી. બૂથ પર બોલાવી ખૂબ વાતો કરી અને કહ્યું કે હવે બે ચાર દિવસમાં પ્લેનની ટિકીટ આવી જશે અને તે દસેક દિવસમાં ઘરે આવી જશે.
સમદ સાથે વાત થયાને પંદર દિવસ વીતી ગયા તેમ છતાં તે ઘરે ન આવ્યો એટલે સાબિરાને ફિકર થવા માંડી. તે રોજ એસ.ટી.ડી. બૂથ ચલાવતા ચાચા પાસે જઇ સમદનો કોઈ ફોન કે સંદેશો હતો કે કેમ તેની વિગતો મેળવતી હતી અને કોઈ સમાચાર ન હોવાની વાત જાણી નિરાશ થઈ પાછી ફરતી હતી. સના પણ પોતાના અબ્બુના સમાચાર જાણવા તેની અમ્મી સાથે રોજ એસ.ટી.ડી. બૂથ જતી હતી. સનાએ તેના અબ્બુને ફક્ત ફોટામાં જ જોયા હતા એટલે તે તેમને રૂબરૂ મળવા ખુબ આતુર હતી. તેની ભોળી આંખો અબ્બુનો દિદાર કરવા બેકરાર હતી પરંતુ તેમના કોઈ સમાચાર ન હતા.
એક દિવસે સાબિરાએ એસ.ટી.ડી. વાળા ચાચાને સમદને ઈરાક ફોન કરી તેના સમાચાર મેળવવા આજીજી કરી. ચાચાએ પોતાના રજીસ્ટરમાંની આવેલ ફોનની નોધો જોઈ સમદ દ્વારા જે છેલ્લો ફોન કરવામાં આવ્યો હતો ત્યાં ફોન જોડ્યો. તે ઈરાકમાં કોઈ એસ.ટી.ડી. બૂથનો હતો. આ એક સરકારી બૂથ હતું જે ઓટોમેટિક ચાલતું હતું. તેમાં કોઈ કર્મચારી ન હોવાથી તે ફોન નો રીપ્લાય થયો. સાબિરાએ ગામમાં એક ભણેલા યુવાનને સમદ ઇરાકમાં જે કંપનીમાં કામ કરતો હતો તેનું નામ જણાવી ત્યાંથી સમદની વિગતો મેળવી આપવા વિનંતી કરી. તે સમયે ઇન્ટરનેટનો વ્યાપ આટલો ન હતો તેથી ઘણી કોશીશો કરવા છતાં કોઈ વિગતો ન મળી શકી. સાબિરા નિરાશ થઈ અલ્લાહના ભરોસે સમદના આવવાની રાહ જોતી રહી. સમદ તરફથી ઘર ખર્ચની રકમ આવતી બંધ થઇ ગઈ હતી એટલે તેને ઘર ચલાવવામાં મુશ્કેલી પડવા લાગી. તેણે બે ચાર ઘરમાં વાસણ અને કચરા પોતાનું કામ કરવાનું શરુ કર્યું અને જે રકમ મળે તેનાથી તેનું અને સનાનું ગુજરાન ચલાવવા લાગી.
સના જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને પોતાના અબ્બુની વધારે ને વધારે યાદ આવવા લાગી. તેની બહેનપણીઓને જ્યારે પોતાના અબ્બુના હાથની આંગળી પકડી બજાર તરફ જતી જોતી ત્યારે નાની સનાના હદયમાંથી નિસાસો નીકળી જતો હતો. તે ઉદાસ થઈ પોતાની અમ્મીના દામનમાં મોઢું સંતાડી રડી પડતી હતી. સાબિરા સનાના માસુમ દિલમાં થતી વેદના સમજી શકતી હતી પરતું તે લાચાર હતી. તે સનાને ખોટા દિલાસા આપી તેનું મન બહેલાવવાની કોશીશો કરતી રહેતી હતી.
ગઈ રમજાન ઈદ વખતે સનાએ અબ્બુ માટે ખૂબ જીદ કરી હતી. તેનું કાયપોત જોઈ આડોશી પાડોશીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. સાબિરા સનાને પોતાની આંગળીએ વળગાડી બજાર લઈ ગઈ હતી અને તેના માટે તેની પસંદગીના કપડાં અને રમકડાં ખરીદી આપ્યા હતા તેમ છતાં સનાની ઉદાસી દૂર થઈ ન હતી.
ચારેક માસ પહેલાં એક પોલીસ અધિકારી સાબિરાના ઘરે આવ્યા હતા અને સમદની વિગતો મેળવી હતી. પોલીસ અધિકારી શા માટે સમદની તપાસ કરે છે તે બાબતે કુતૂહલ થવાથી સાબિરાએ પૂછ્યું “ સાહેબ મારા પતિ કોઈ ગુનામાં તો નથી સંડોવાયા ને ? “
પોલીસ અધિકારીએ કહ્યું “ બેન ખરેખર મારી પાસે કોઈ વિગતો નથી પરંતુ ઈરાક ખાતેની ભારતીય દૂતાવાસની કચેરી દ્વારા સમદની વિગતો મંગાવવામાં આવી છે અને અમોને સમદ વતન પાછો આવી ગયો છે કે કેમ તેની તપાસ કરવાનો હુકમ છે. “
સાબિરા ડરતાં ડરતાં બોલી “ સાહેબ તેમની કોઈ માહિતી છે ? તે જીવતા છે કે....? ” તે વાક્ય પૂરું ન કરી શકી. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો.
પોલીસ અધિકારી એક પત્નીની મનોવ્યથા સમજી શકતા હતા. તેમણે કહ્યું “ જુઓ બેન મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ મારા ઉપરી અધિકારીઓ વાત કરતા હતા તે મુજબ ઇરાકની જેલમાં આપણા દેશના કેદીઓને છોડાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી વિદેશ ખાતા તરફથી આ તપાસ થઈ રહી છે. લાગે છે કદાચ સમદ કેદમાં હોય તો તેને છોડાવવા અથવા બીજા કોઈ અન્ય કારણો સર સમદની વિગતો મંગાવવામાં આવી હોય. હું આબાબતે વધારે કઈ જાણતો નથી પરંતુ સરકાર આ બાબતમાં ખૂબ ગંભીર છે માટે જે હશે તે વિગતો ટૂંક સમયમાં સામે આવી જશે. ઉપરવાળા પર ભરોસો રાખજો સૌ સારું થશે.”

પોલીસ અધિકારીના ગયા પછી સાબિરા રડી પડી હતી. સના પણ રડવા લાગી હતી. આડોશી પાડોશીઓ પોલીસ અધિકારી શા માટે આવ્યા હતા તે જાણવા સાબિરાના ઘરે આવ્યા અને સૌ પોતપોતાના બુધ્ધિના આંક મુજબ તેનું આકલન કરવા લાગ્યા.

સાબિરાને તહજ્જુદની નમાજનો સમય થયો ત્યાંસુધી ઊંઘ ન આવી. તે વજુ કરી તહજજૂદની નમાજની નિયત કરી નમાજમાં મશગુલ થઈ ગઈ. આજે શબે કદ્રની પાક રાત હોવાથી તેણે થોડીક લાંબી નમાજ પઢી. નમાજ પૂરી કરી તેણે સલામ ફેરવી તો જોયું કે સના પણ તેની પાછળ બેસી પોતાના બે નાના હાથ ઉઠાવી આંખો બંધ કરી દુઆ માંગી રહી હતી. તે તેના અબ્બુને જલ્દી ઘરે મોકલી આપવા અલ્લાહ રબ્બુલ ઈજ્જતને આજીજી કરી રહી હતી. તે એકની એક દુઆ વારંવાર દોહરાવી રહી હતી. તેની આંખોમાથી આંસુ નીકળી તેના ગાલ પર થઈ વહી રહ્યા હતા. સાબિરા તેની માસૂમ દીકરીની દુઆ પાછળ મનમાં આમીન કહી રહી હતી. થોડીક વાર પછી સનાએ પોતાની આંખો ખોલી. સાબિરાએ સનાને પોતાના ખોળામાં લઈ તેના ગાલ પરના આંસુ સાફ કર્યા. માસૂમ સના બોલી “ અમ્મી મદરસામાં આજે અમારા ઉસ્તાદ કહેતા હતા કે આજની આ પાક રાતે જે દુઆ માગવામાં આવે તે અલ્લાહ કબુલ કરે છે એટલે મે મારા અબ્બુના જલ્દી ઘરે આવવાની દુઆ માંગી છે. હું તો રમજાનના પહેલા દિવસથી મારા અબ્બા માટે દુઆ માગું છું . અલ્લાહ મારી દુઆ કબુલ કરશે ને અમ્મી ?”

સાબિરા ભરાએલા સ્વરે બોલી “ જરૂર કબુલ કરશે બેટા ! અલ્લાહ ગફુરૂર રહીમ છે અને તે કોઇની દુઆ રદ કરતો નથી. તારી દુઆ પણ જરૂર કબુલ કરશે. “ સાબિરા સનાને પથારીમાં સુવડાવી શેહરી માટે રસોઈ કરવાના કામમાં પરોવાઈ ગઈ. રસોઈ પૂરી કરી તે શેહરી કરવાની તૈયારી કરતી હતી ત્યારે તેના દરવાજા પર કોઈકે દસ્તક આપી. કોઈ પાડોશી શેહરી માટે સાલન આપવા આવ્યું હશે તેમ માની સાબિરાએ દરવાજો ખોલ્યો. અલ્લાહે જાણે માસુમ સનાની દુઆ સાંભળી લીધી હોય તેમ દરવાજા પર સમદને ઉભેલો જોઈ સાબિરા તેને વળગી પડી. તેના ગળામાંથી એક મોટું ડૂસકું નીકળી ગયું. અમ્મીને મોટેથી રડતાં સાંભળી સના પણ દરવાજા પર આવી ગઈ. પોતાની અમ્મીને કોઈ અજાણ્યા પુરુષને વળગીને રડતી જોઈ પહેલાંતો સના ખચકાઈએ પણ તેણે અનુમાન લગાવ્યું કે ચોક્કસ આ તેના અબ્બુ જ છે તેથી તે મોટા આવાજે “અબ્બુ આવી ગયા ...... અબ્બુ આવી ગયા...!!!” તેમ કહી તાળિયો પાડી નાચવા લાગી.

સનાનો અવાજ સાંભળી સાબિરા સમદથી અલગ થઈ ગઈ. સમદે નાની સનાને પોતાના હાથોમાં ઉપાડી લઈ તેને ચુંબનોથી નવડાવી નાખી અને તેના ખભા પર બેસાડી ગોળ ગોળ ચક્કર ફરવા લાગ્યો. શોર સાંભળી આજુ બાજુના લોકો ભેગા થઈ ગયા. સમદને આવેલો જોઈ શેરીમાં ઈદ જેવો માહોલ થઇ ગયો. સૌ સાબિરાને મુબારકબાદી પાઠવી ગયા. સમદ અને સાબિરા સહેરી માટે દસ્તરખાન પર બેઠા એટલે સના પણ આવી ગઈ અને બોલી “અમ્મી મારે પણ આજે રોજો રાખવો છે. મેં મન્નત માની હતી કે જો અબ્બા આવી જશે તો હું રોજો રાખીશ ” સબીરા બોલી “ બેટા હજુ તું નાની છે તેથી તું આટલી ગરમીમાં રોજો પૂરો નહીં પાડી શકે. હું ઈદ પછી તારી મન્નતના એક રોજાના બદલે દસ રોજા રાખીને તારી મન્નત પૂરી કરીશ બસ.” સનાએ રોજો રાખવાની જીદ ચાલુ રાખી એટલે સમદે તેને રોજો રાખવા દીધો.

સમદના જણાવ્યા મુજબ સાબિરા સાથે ફોન પર છેલ્લી વાત કરી તે કંપનીની સાઈટ પર પહોચ્યો તેના થોડા સમય બાદ કેટલાક કુર્દ બળવાખોરોએ લુંટફાટના ઈરાદાથી તલવારો અને અન્ય હાથવગા હથોયારોથી કેમ્પ પર હુમલો કરી દીધો. કામ પૂરું થવા આવ્યું હોવાથી કેમ્પ પર સલામતીની વ્યવસ્થા ઓછી કરવામાં આવી હતી. કેમ્પમાં જે માણસો હતા તેમને બળવાખોરો બંદીવાન બનાવી લઇ ગયા હતા. તેમાં સમદ પણ હતો. બળવાખોરોએ તેમને જીવતા છોડવા માટે કંપની પાસેથી મોટી રકમની માંગણી કરી હતી. કંપનીના અધિકારીઓ સરકારની મદદથી બળવાખોરો સાથે વાતચીત કરી રહ્યા હતા પરંતુ તેમાં સફળતા મળતી ન હતી. તેવામાં એક દિવસે સમદને તક મળતાં તે બળવાખોરોની કેદમાંથી ભાગી જવામાં સફળ થયો. જો તે ત્યાંથી ન ભાગ્યો હોત તો સારું હતું કેમકે થોડા અઠવાડીયામાં કંપનીએ બળવાખોરોને પૈસા આપી બધા બંદીવાનોને છોડાવી લીધા હતા.

સમદ બળવાખોરોની કેદમાંથી નીકળી તો ગયો પરંતુ તેની પાસે પાસપોર્ટ કે હકામો ન હોવાના કારણે પોલીસે તેને પકડી જેલમાં પૂરી દીધો. કંપનીએ સમદની રજા મંજુર કરી હતી એટલે કંપનીની મુખ્ય ઓફીસથી પાસપોર્ટ અને હવાઈ યાત્રાની ટીકોટ કેમ્પ ઓફીસપર મોકલી આપવામાં આવ્યાં હતાં જે કુર્દ બળવાખોરોના હુમલા પહેલાં જ સમદને આવ્યાં હતાં પરંતુ કુર્દ બળવાખોરોના હુમલાના કારણે અફડાતફડીમાં બીજા દસ્તાવેજો સાથે તેનો પાસપોર્ટ અને હકામો વિગેરે પણ ખોવાઈ ગયા હતા. સમદે પોલીસ અધિકારીઓને તેમની કંપનીમાં તપાસ કરવા કહ્યું. પરંતુ કંપની તાત્કાલિક કોઈ વિગતો પૂરી પાડી શકી નહિ તેથી તેને ઈરાકમાં ગેરકાયદેસર રહેવા માટે દોષી ગણી ચાર વર્ષની કેદની સજા ફટકારી. સમદે તેને જેલમાં મળેલી સલાહ અનુસાર બગદાદ સ્થિત આપણા દેશની રાજદૂત કચેરીમાં વિગતવાર અરજી કરી. ઈરાકમાં રૂબરૂ તપાસ પછી ભારતમાંથી અહેવાલ મેળવવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરી સમદને કેદમાંથી મુક્ત કરાવી ભારત પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

ઇદના દિવસે સનાને તેના અબ્બુની આંગળી પકડી હોંશે હોંશે ઇદગાહ તરફ જતી જોઈ સાબિરા તેના જીવનમાં આવેલ ઝંઝાવાતનો ગમ ભૂલી અલ્લાહનો શુક્રીયા અદા કરવા બે રકાત નફીલ નમાજ પઢવા ઘરમાં ચાલી ગઈ.


-આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
-તા. ૨૬-૦૪-૨૦૧૯