પારિજાતના પુષ્પો Abid Khanusia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પો

** પારિજાતના પુષ્પો **

આજે લેખક અને કવિ ભાર્ગવ પરીખનો ૭૫મો જન્મ દિવસ હતો. તેમને ગઈ કાલે રાત્રે તાવ આવ્યો હતો. હજુ પણ શરીર ગરમ હતું. શરીરમાં આળસ ભરાઈ હતી. પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું તેમ છતાં હળવેકથી ઉભા થઇ બાલ્કનીમાં આંટો મારી આવ્યા. તેમની આંખો કંઇક શોધી રહી હોય તેવું લાગ્યું. પાછા આવી પથારીમાં લંબાવ્યું. થોડીક વાર પછી તેમના પત્ની વૈભવીબેન બેડ રૂમમાં દાખલ થયા. તેમનો પગરવ સાંભળી ભાર્ગવભાઈએ આંખો ખોલી. વૈભવીબેને ભાર્ગવભાઈના હાથ પર હાથ મૂકી તેમના ટેમ્પરેચરનો એહસાસ કર્યો અને “હેપ્પી બર્થ ડે, ભાર્ગવ” કહી એક સ્નેહાળ સ્મિત ફરકાવ્યું. ભાર્ગવભાઈએ આંખોથીજ આભાર વ્યક્ત કર્યો.

દૈનિક ક્રિયાઓ પતાવી વૈભવીબેન અને ભાર્ગવભાઈ નાસ્તા માટે ડાઈનીંગ ટેબલ પર આવ્યા ત્યારે સૌ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. ભાર્ગવભાઈએ પોતાનું સ્થાન લીધું એટલે ઘરના તમામ સભ્યોએ ઉભા થઇ “ હેપ્પી બીર્થ ડે ટુ પાપા” કહી તેમને વિશ કર્યું. ભાર્ગવભાઈએ બધાને થેન્ક્સ કહી નાસ્તાને ન્યાય આપ્યો. નાસ્તાના ટેબલ પર ત્રણ પેઢી બિરાજમાન હતી. ભાર્ગવભાઈ, વૈભવી બેન, તેમના ત્રણ દીકરા, તેમની પત્નીઓ અને છ બાળકો.

તેમના કુટુંબે ભાર્ગવભાઈની ૭૫મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમના સૌથી નાના દીકરાએ સાંજે બંગલાના ગાર્ડનમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ભાર્ગવભાઈના કેટલાક અંગત મિત્રો, ખ્યાતનામ લેખકો, કવિઓ અને થોડાક સબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના નાના દીકરાએ ભાર્ગવભાઈને કાર્યક્રમની અને પાર્ટીમાં હાજર રહેનારની વિગતો આપી જો કોઈ ફેરફાર કરવો હોય તો તે બાબતે તેના પાપા ને પૂછયું. ભાર્ગવભાઈએ કોઈ ફેરફાર સૂચવ્યો નહિ. બધા પાર્ટીના આયોજનમાં જોતરાઈ ગયા. ભાર્ગવભાઈ થોડોક સમય બાળકો સાથે વિતાવી પાછા પોતાના રૂમમાં આવી ગયા.
ભાર્ગવભાઈની ૭૫મી વર્ષગાંઠની પાર્ટી ધામધુમથી પૂરી થઇ. બધાએ ખુબ આનંદથી આ અવસરને માણ્યો. ભાર્ગવભાઈને પણ જુના મિત્રોને મળી ખુબ આનંદ થયો. તેમણે જાહેર કર્યું કે હવે તેઓએ શહેર છોડી પોતાના પૈતૃક ગામમાં જિંદગીના બાકીના વર્ષો ગાળવાનું નક્કી કરેલ છે. વૈભવીબેને પણ તેમાં સંમતિ આપી. મોડી રાત્રે ભાર્ગવભાઈ પોતાના બેડરૂમમાં આવ્યા અને સુતા પહેલાં બાલ્કનીમાં આવી થોડોક સમય ઉભા રહ્યા. તેમની આંખો હજુ કંઇક શોધતી હતી. વૈભાવીબેન બેડરૂમમાં દાખલ થયા એટલે ભાર્ગવભાઈ બાલ્કની છોડી પલંગ પર આવ્યા. વૈભવીબેને પૂછયું “ શું કોઈનો ઈન્તેજાર છે ?” ભાર્ગવભાઈએ કોઈ જવાબ આપવાને બદલે આંખો બંધ કરી દીધી. વૈભવીબેને તેમના કબાટમાંથી એક પાર્સલ લાવી ભાર્ગવભાઈના હાથમાં મુક્યું અને બોલ્યા “તમારી આંખોની વિહ્વળતાનો જવાબ આ પાર્સલમાં છે”. ભાર્ગવભાઈ બે ઘડી પાર્સલ સામે જોઈ રહ્યા મોકલનારનું નામ વાંચવા પોતાની આંખો પર ચશ્માં ચઢાવ્યા. તેમણે પાર્સલને ચારે બાજુ ફેરવી જોયું પરંતુ પાર્સલ પર મોકલનારનું નામ ન હતું. પાર્સલ ખાસું મોટું હતું અને ગીફ્ટ પેપેરથી પેક કરવામાં આવ્યું હતું પરંતુ તે તાજું જણાતું નહતું. તેના પરની કરચલીઓ તે જુનું હોવાની ચાડી ખાતી હતી. ભાર્ગવભાઈએ પ્રશ્નાર્થ આંખે વૈભવીબેન સામે જોયું. વૈભવીબેને પેપર કટર નાઈફ વડે પાર્સલ ખોલ્યું. પાર્સલમાં સુકાઈ ગયેલા પારિજાતના પુષ્પો હતા અને એક ટૂંકો પત્ર હતો.

પત્રમાં લખ્યું હતું “ પ્રિય ભાર્ગવ. કદાચ તમને પ્રિય શબ્દ ઉચિત નહિ લાગે પરંતુ તમે મારા માટે આજીવન પ્રિય જ રહ્યા છો માટે લખ્યો છે. તમને તમારી ૭૫મી વર્ષગાંઠની ખુબ ખુબ શુભકામનાઓ. જયારે તમે આ પત્ર વાંચતા હશો ત્યારે હું આ દુનિયામાં નહી હોઉં. પરંતુ છેલ્લા ૫૦ વર્ષથી તમારા જન્મ દિવસે તમને ગમતા પારિજાતના પુષ્પોની ભેટ ધરતી આવી છું એટલે આ વર્ષે પણ મોકલાવી રહી છું. કદાચ પુષ્પો સુકાઈ ગયા હશે પરંતુ તેમાં હજી તેની મહેક બાકી હશે. તમેતો લેખક છો અને કવિ હૃદય ધરાવો છે. જો શબ્દોના વિવરણથી તમે તમારા વાચકોને બાગની ખુશ્બુનો અહેસાસ કરાવી શકતા હોવ તો સુકા પુષ્પોની મહેકનો અહેસાસ માણવો તમારા માટે અશક્ય નહી રહે !. મારા અંગેની વધુ વિગતો તમને વૈભવી કહેશે. ૭૫મા જન્મદિવસની ફરીથી શુભકામના પાઠવતી તમારી અરુણાના વંદન.”

ભાર્ગવભાઈએ પત્રને બે વાર વાંચ્યો. થોડીક વાર આંખો બંધ કરી કંઇક વિચારી રહ્યા. વૈભવીબેને પાર્સલ બંધ કરી બાજુની ટીપોય પર મુક્યું. ભાર્ગવભાઈએ આંખો ખોલી વૈભવીબેન સામે જોયું. વૈભવીબેન બોલ્યા ભાર્ગવ, “તમને અરુણા યાદ છે ?. પેલી ચહેરા પર શીતળાના ડાઘ વાળી થોડીક શ્યામ અને પાતળી છોકરી જે મારી સાથે ભણતી હતી” ભાર્ગવભાઈએ કહ્યું “ હા, તે છોકરી કવિ સંમેલનમાં અચૂક હાજર રહેતી અને મારી ગઝલો અને કાવ્યોને ખુબ બિરદાવતી હતી. પણ કોલેજ કાળ પછી મેં કદી તેને જોઈ નથી.” વૈભવીબેન બોલ્યા “સાચી વાત છે. આપણા લગ્ન થયા તે પહેલાં તેના લગ્ન થઇ ગયા હતા. લગ્ન પછી તે તેના પતિ સાથે દક્ષિણ આફ્રિકા ચાલી ગઈ હતી.” મારી અને અરુણા વચ્ચે તમને પામવાની સ્પર્ધા ચાલતી હતી. તે તમારા કાવ્યો, ગઝલો અને વાર્તાઓની ચાહક હતી. તે અવારનવાર તમારા પ્રશંશક તરીકે તમને મળતી અને તમારું સામીપ્ય મેળવવા પ્રયત્ન કરતી. તમે તેને એક પ્રશંશક તરીકે જોતા ત્યારે તે તમને પ્રેમિકા તરીકે પામવાની કોશિશ કરતી હતી. અમારા વચ્ચે એક શરત હતી કે અમારા બંનેમાંથી જે કોઈ તમારી સાથે લગ્ન કરે તેણે બીજીને તમને પ્રેમ કરતાં રોકવી નહિ અને તે બાબતે કોઈ કલેશ કરવો નહિ તેમજ જીવનમાં કદીએ તે બાબતે તમારી સમક્ષ ભેદ ખોલવો નહિ. મારા સદભાગ્યે ! તમે મારી સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા. અરુણા તમને મનોમન એક તરફી પ્રેમ કરતી રહી. તે દુર રહીને પણ તમને ચાહતી અને દર વર્ષે તમારા જન્મદિવસે એક પ્રશંશકના નામે તમને ગમતા પારિજાતના પુષ્પોની ભેટ મોકલી તમારા તરફનો તેનો પ્રેમ વ્યક્ત કરતી રહી. તે થોડાક સમયથી બીમાર હતી. તેને લીવરનું કેન્સર હતું. આફ્રિકાથી મુંબઈમાં તેના ઈલાજ માટે આવી ત્યારે તેણે મને સંદેશો મોકલી તેની પાસે તાતા મેમોરીયલ હોસ્પીટલમાં બોલાવી હતી. તેને એહસાસ થઇ ગયો હતો કે તે લાંબુ જીવશે નહિ. તેણે આ પાર્સલ મને આપી કહ્યું કે આ પાર્સલ મારે તમને તમારા જન્મ દિવસે આપવું. હું આજે અરુણાને આપેલ વચન પૂરું કરું છું. અરુણા બે મહિના પહેલાં મૃત્યુ પામી છે.“

ભાર્ગવભાઈ તેમને આજીવન પ્લુટોનિક પ્રેમ કરતી અરુણા દ્વારા મોકલાવેલ પારિજાતના સુકા પુષ્પોને એક લાંબુ ચુંબન કરી વૈભવીબેનના ખોળામાં માથું મૂકી ભીની આંખે મનોમન અરુણાના પ્રેમની ખુશ્બુ માણતા માણતા બોલી ઉઠ્યા કે” સુંઘી શકો તો સુંઘીલો બાગમાં હજીય ખુશ્બુ બાકી છે, હું વિસરાયેલી પાનખર નહી પણ વિતી ગયેલી વસંત છું !”
-આબિદ ખણુંસીયા
("આદાબ" નવલપુરી)