Magrur books and stories free download online pdf in Gujarati

મગરૂર


સંદીપે તેના મિત્ર સુશાંતનો ઈ-મેલ વાંચ્યો. ખૂબ ટૂંકો સંદેશો હતો. લખ્યું હતું “ પ્રિય મિત્ર સંદીપ, તારું ખૂબ અગત્યનું કામ છે તો તાત્કાલિક એટલાંટા આવી જ. તારા અમેરીકાના વિઝા હજુ પૂરા થયા નથી તેની મને જાણ છે. તારી પાસે તૈયારી કરવા માટે ફક્ત બે જ દિવસ છે. તારી એર ટિકિટ આ સાથે એટેચ કરી છે. કોઈ બહાનું ચાલશે નહિ. વધુ વાતો રૂબરૂમાં કરીશું. તારી ભાભીએ તને “જયશ્રી કૃષ્ણ” કહ્યા છે.” સંદીપે એર ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ લીધી. બે દિવસ પછી સવારે ચાર વાગ્યાની ફ્લાઇટ હતી.

સુશાંત છેલ્લા ઘણા સમયથી સંદીપને અમેરીકા બોલાવી રહ્યો હતો પરંતુ અમેરીકા જવાનો યોગ થયો ન હતો. આ વખતે તેણે સામેથી એર ટિકિટ બુક કરાવી મોકલી આપી હતી અને “ખૂબ અગત્યનું કામ છે” તેમ લખ્યું હતું એટલે ખરેખર કોઈ અગત્યનું કામ હશે જ તેમાં શંકાને કોઈ સ્થાન ન હતું. છેલ્લે અમેરીકા ગયાને સાત વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. હાલ તેના હાથ પર ઘણા અગત્યના કામો હતા તેમ છતાં તે પોતાના એક માત્ર પ્રિય મિત્ર સુશાંતનો આગ્રહ ટાળી ન શક્યો એટલે સંદીપે અમેરીકા જવાની તૈયારી કરવા માંડી.
સંદીપ જ્યારે ઇમિગ્રેશનની વિધિ પતાવી દક્ષિણ અમેરીકાના જ્યોર્જિયા સ્ટેટની રાજધાની એટલાંટા ના હાર્ટ્સફિલ્ડ-જેકસન આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાંથી સવારે સાડા ત્રણ વાગ્યે બહાર આવ્યો ત્યારે કડકડતી ઠંડીમાં તેને આવકારવા સુશાંત અને તેની પત્ની ઉર્મિલા હસતા મોંઢે હાજર હતા.

સુશાંતના ઘરમાં ચાર કલાકની ઉંઘ ખેંચી સંદીપ ફ્રેશ થઈ નીચે આવ્યો ત્યારે ઉર્મિલા રસોડામાં હતી. રસોડામાં ગરમા ગરમ તળાતા ભજીયાની સુગંધથી તેને ભૂખનો એહસાસ થયો. સુશાંત સમાચાર પત્રના પાનાં ફેરવવા બંધ કરી સંદીપને “ ગુડ મોર્નિંગ “ કહી સીધો ડાઈનીંગ ટેબલ તરફ દોરી ગયો. ગરમા ગરમ ભજીયાં, ચટણી તથા મેથીના થેપલા અને એક મોટા મગમાં કોફી લઈ ઉર્મિલા હાજર થઈ અને સંદીપને ઉદ્દેશીને બોલી, “ સંદીપ ભાઈ, બરાબર ઉંઘ આવી હતી કે નહીં ?. જોકે જેટ લેગના કારણે બે દિવસ થોડી તકલીફ પડશે પછી બધુ ગોઠવાઈ જશે.” સંદીપે માથું હલાવી તે બરાબર ઉંઘ્યો છે તેવું જણાવ્યું. બધાએ નાસ્તાને ન્યાય આપ્યો. આજે શનિવાર હતો એટલે ઘરમાં સૌને કોઈ ઉતાવળ ન હતી. હજુ સુશાંતના બાળકો જાગ્યા ન હતા.
સંદીપે સમાચારપત્ર પર ઉપરછલ્લી નજર નાખી. એક આળસ ખાધી અને સુશાંતને પૂછ્યું “ શું પ્રોગ્રામ બનાવ્યો છે, આજનો ?”
સુશાંત બોલ્યો “ આજે આરામ કરવાનો અને કાલથી બધા પ્રોગ્રામ શરૂ કરીશું.”

થોડીક ક્ષણો માટે શાંતિ પ્રસરી. સુશાંતે ઉર્મિલા સામે નજર કરી કંઈક ઈશારો કર્યો જે સંદીપે જોયો પરંતુ તેણે તેની કોઈ નોંધ ન લીધી.
પળ બે પળ પછી ઉર્મિલા તેનું ગળું સાફ કરી શબ્દો ગોઠવીને બોલી “ સંદીપ ભાઈ, બંસરી અહી એટલાંટામાં જ છે. તે બીમાર છે. ગયા વીક એન્ડમાં તે મને એક મેડીકલ સ્ટોરમાં મળી હતી. શરીર લેવાઈ ગયું છે. તમને ખૂબ યાદ કરતી હતી અને તમારી સાથે એક મુલાકાત ગોઠવી આપવા વિનંતી કરતી હતી. તે તમારી સમક્ષ કોઈ એકરાર કરવા માગે છે. તેણે મને કહ્યું કે તમે તેના બોલાવવાથી નહિ આવો અને તેની કથળેલી તબીયતના કારણે તે ભારત જઇ શકે તેમ નથી. દાક્તરોના કહેવા મુજબ તેની પાસે ખૂબ ઓછો સમય છે તેથી તેણે મને ખૂબ આજીજી કરી તમને અહી બોલાવવા વિનંતી કરી હતી. અમે તેની તમારા સાથેની બેવફાઈથી અજાણ નથી તેમ છતાં માનવતા ખાતર અમે તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા તમને તાબડતોબ બોલાવ્યા છે. તમને ખોટું લાગ્યું હોય તો અમને માફ કરજો પણ તમે તેને એકવાર જરૂર મળી લો તેવી અમારી ઈચ્છા છે.
બંસરીનું નામ સાંભળી સંદીપના ચહેરા પર અણગમો આવી ગયો.

થોડાક વર્ષો પહેલાં સંદીપ અને બંસરી એક બીજાનો પર્યાય હતા. મુંબઈમાં એક સંગીત સમારોહમાં સંદીપે પહેલીવાર બંસરીને જોઈ હતી. તે વખતે બંસરી ચોવીસ વર્ષની હતી અને સંદીપ છવ્વીસનો. તે તેના મિત્ર સુશાંત સાથે અંધેરી મુંબઈના “રંગશીલા થીએટર” માં યોજાએલ સંગીતના કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત સાંભળવા માટે ગયો હતો. સંગીતનો શોખ તેને વારસામાં મળ્યો હતો. તેના પિતા સફળ બિઝનેસમેન હોવાની સાથોસાથ સંગીતના ખુબ શોખીન પણ હતા. શહેરમાં યોજાતા દરેક સંગીતના કાર્યક્રમમાં તે અચૂક હાજરી આપતા. તેમને સંગીતના વિવિધ રાગની ઊંડી સમજ હતી. સંદીપ અને સુશાંત જ્યારે સાંજે “રંગશીલા થીએટર” માં દાખલ થયા ત્યારે કાર્યક્રમ શરુ થવાની તૈયારીમાં હતો. બંસરીએ સુર અને તાલ મેળવ્યા અને રાગ ભીમપલાસી પર આધારિત એક શાસ્ત્રીય રચના ઉંચા સ્વરમાં (હાઈ નોટ સાથે) શરુ કરી. બંસરીનું ગળું ખૂબ કેળવાયેલું હતું. તેણે સંગીતનું જ્ઞાન તેની માતા સિતારાદેવી પાસેથી મેળવ્યું હતું. સિતારાદેવીના ગુરુ પંડિત શોભરાજ હતા જે કલકત્તા ઘરાના સાથે જોડેલા હતા. બંસરી ખૂબ સરસ રીતે આરોહણ અને અવરોહણ કરી રહી હતી. તિન તાલમાં ગવાતી આ રચના સૌ શ્રોતાઓ ખૂબ તલ્લીન થઈને સાંભળી રહ્યા હતા. લગભગ અડધા કલાક પછી બંસરીએ તેની ગાયકી પૂરી કરી. સૌ શ્રોતાઓએ ઊભા થઈને તેને તાળીઓથી વધાવી લીધી. તાળિયો બંધ થઈ એટલે સંદીપ, જે ખુબ મોંઘી ટીકીટ ખર્ચી પ્રથમ હરોળમાં બેઠેલો હતો, ખૂબ ઊંચા અવાજે “ આફરીન... ! આફરીન !! “ પોકારી ઉઠ્યો. સંદીપનો પ્રશાંશાભર્યો અવાજ સાંભળી બંસરીએ તેના તરફ નજર નાખી. બંનેની નજર એક થઈ. બંસરીએ આંખોથી આભાર વ્યક્ત કર્યો. સંદીપનું હદય બંસરીનું રૂપ જોઈ ઝણઝણી ઉઠ્યું. યુરોપીયન હોય તેવો એકદમ ગોરો વાન, મધ્યમ બાંધો, ઊંચું કદ, માંજરી આંખો અને કલાત્મક રીતે પહેરેલી સાડી તેની ખુબસુરતીમાં વધારો કરતી હતી. તેના દિલની ધડકનો તેજ થઈ ગઈ. તે બંસરીને રૂબરૂ મળી અભિનંદન પાઠવવા ઈચ્છતો હતો એટલે કાર્યક્રમ પૂરો થયા બાદ તે સ્ટેજની નજીક પહોંચી ઓટોગ્રાફ લેનારાઓ સાથે જોડાઈ ગયો.

ઓટોગ્રાફ બુક બંસરીના હાથમાં આપતી વખતે તેનો હાથ બંસરીના હાથને સ્પર્શયો. તેના શરીરમાં એક મધુર ઝણઝણાટી ફેલાઈ ગઈ. સંદીપ અને બંસરીની નજર એક થઈ. સંદીપ બોલ્યો “ આપનું ગળું અને ગાયકી ખૂબ અદભૂત છે અને “હાઇ નોટ્સ” તો લાજવાબ છે. ખરેખર ખૂબ સુંદર અને સુરીલું પર્ફોર્મન્સ હતું. હું તમારો ફેન થઈ ગયો છુ.” બંસરીએ આંખોમાં આભારનો ભાવ પ્રદર્શિત કરી કહ્યું “ લાગે છે આપ શાસ્ત્રીય સંગીતની ખૂબ ઊંડી અને સારી સમજ ધરાવો છો. ખૂબ ખૂબ આભાર આપનો” અને તેને ઓટોગ્રાફ આપી આગળ વધી.
બંસરી સાથેની પ્રથમ મુલાકત પછી સંદીપ તેનો દીવાનો થઇ ગયો હતો. બંસરી સેલીબ્રીટી હોવાથી સંદીપને તેનું સરનામું તો મળી ગયું પરંતુ તેની મુલાકાત કરવાનું ખુબ કઠીન હતું. તેની કોઈ ઓફિસ હોવાનું સંદીપની જાણમાં ન હતું. એક દિવસે તે હિંમત કરી બંસરીના ઘરે પહોંચી ગયો. ડોરબેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યો. બંસરીની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું “ કોનું કામ છે ? “ સંદીપ બોલ્યો “ બંસરી મેડમનું. “ તેણે તેનું વીઝીટીંગ કાર્ડ આપ્યું જે લઇ નોકરાણી અંદર ગઈ. થોડાક સમય પછી નોકરાણીએ આવી તેને પ્રવેશ આપ્યો. સંદીપ બંસરી પાસે ઉપસ્થિત થયો ત્યારે તે પોતાનો રીયાઝ પૂર્ણ કરી ફ્રેશ થઇ દીવાનખંડમાં બેઠેલી હતી. બંસરીએ સંદીપને આવકાર આપી બેસવા ઈશારો કર્યો અને તેનું આવવાનું પ્રયોજન પૂછ્યું. સંદીપને લાગ્યું કે બંસરીએ તેને ઓળખ્યો નથી. તેણે તેના છેલ્લા કાર્યકર્મની યાદ અપાવી એટલે બંસરીને તેની યાદ તાજી થઈ. તેણે કહ્યું “ મેમ, હું નવી મુંબઈમાં આપનો કાર્યક્રમ યોજવા માંગું છું. તે બાબતે ચર્ચા કરવા આવ્યો છું.”

બંસરીએ સંદીપના કાર્ડ પર નજર ફેરવી કહ્યું, “ મિસ્ટર સંદીપ, હજુ હું આ ક્ષેત્રમાં ઉભરતી કલાકાર છું. એટલે મારા કાર્યક્રમો મારી માસી કામિનીદેવી યોજે છે. અત્યારસુધી મેં ત્રણ જ જાહેર કાર્યક્રમો કર્યા છે અને તે બધાનું માસી કામિનીદેવીએ જ આયોજન કર્યું છે. હું કોઈની સ્પોન્સરશીપ સ્વીકારવાનું પસંદ કરતી નથી. “

સંદીપ “હું આપનો પ્રોગ્રામ સ્પોન્સર નથી કરવા માગતો પરંતુ હું આપનો ફેન હોઇ સંગીત રસિકો સમક્ષ આપની કલાને ઉજાગર કરવા માંગુ છું. આપને મશહુર કરવા માગું છું. મારે આપના પ્રોગ્રામ દ્વારા કોઈ નાણાંકીય લાભ નથી મેળવવો, હું તો ફક્ત સંગીતની દુનિયાના એક ઉભરતા સિતારાને ચમકાવવા માંગુ છું. એક હોનહાર કલાકારને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માગું છું. ”
બંસરી થોડીકવાર ચૂપ રહી કઇંક વિચારતી રહી.

બંસરીને ચૂપ જોઈ સંદીપ આગળ બોલ્યો “ બંસરી મેમ, હું એક સફળ બીઝનેસમેન નો પુત્ર છું. મારી આપને સલાહ છે કે આપ એક ઓફીસ ખોલો, એક સેક્રેટરી રોકો જે આપની એપોઇન્ટમેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે, આપના ઇવેન્ટસ મેનેજ કરે જેથી આપ ગાયકી પર વધારે ધ્યાન આપી શકો.” તેણે ફરીથી દોહરાવ્યું “જો આપને અનુકુળ હોય અને સમય હોય તો મારી ઈચ્છા આપનો એક કાર્યક્રમ નવી મુંબઈ ખાતે યોજવાની છે.”

બંસરીને સંદીપની વાતમાં દમ લાગ્યો. તેણે કહ્યું “ મારી માસીએ તેમના કેટલાક ઓળખીતા મિત્રોની મદદથી અત્યાર સુધીના મારા કાર્યક્રમો યોજયા છે. માસી એક અઠવાડીયા માટે બેંગલુરૂ ગયા છે. તેમના આવ્યા પછી તેમની સાથે ચર્ચા કરી હું આપને નવી મુંબઈમાં કાર્યક્રમ યોજવા બાબતે જવાબ આપી શકું પરંતુ તે દરમ્યાન જો કોઈ સારો સેક્રેટરી આપના ધ્યાનમાં હોય તો મારૂ ધ્યાન દોરજો.“ સંદીપે કહ્યું “ ઓ.કે. ટેઈક યોર ઓન ટાઇમ”. તે દરમ્યાન નોકરાણી કોફી લાવી જેને બંને એ વાતો કરતાં કરતાં ન્યાય આપ્યો. કોફી પૂરી કરી સંદીપ બંસરીના ઘરેથી રવાના થયો.
કેટલાક ફિલ્મી કલાકારોના સેક્રેટરીઓ સાથે સંદીપને ઓળખાણ હતી. તેના સંપર્કો મારફતે તેણે બંસરી માટે કોઈ સારો અને અનુભવી સેક્રેટરી હોય તો તેની વિગતો મેળવવા પ્રયત્નો કર્યા. બે દિવસ પછી બે સારા સેક્રેટરીના બાયોડેટા મેળવી તે બંસરીને મળવા તેના ઘરે ગયો તો તેને જાણવા મળ્યું કે બંસરીને વાયરલ ફીવર હોવાથી હોસ્પીટલમાં દાખલ કરી છે. તે ત્યાંથી સીધો દવાખાને પહોંચ્યો. બંસરીને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યો હતો. તેને ખૂબ તાવ હતો. તે ઉંઘમાં કણસતી હતી. તેની પાસે દવાખાનામાં કોઈ પોતીકું ન હતું. સંદીપે ડોક્ટર સાથે બંસરીની બીમારી બાબતે ચર્ચા કરી. ડોક્ટરે કહ્યું કે કેટલાક જરૂરી ટેસ્ટ કરવા તેનું બ્લડ સેમ્પલ હોસ્પિટલ સ્થિત લેબોરેટરીમાં મોકલેલ છે જેના રિપોર્ટ્સની રાહ જોવાય છે. થોડીવારમાં રીપોર્ટ્સ આવી ગયા. બંસરીને ટાઇફોઇડ થયો હતો. ઓછામાં ઓછા એક અઠવાડીયા સુધી હોસ્પીટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જરૂરીયાત રહેશે તેવું ડોક્ટરે જણાવ્યુ. ટ્રીટમેંટ શરૂ થઈ. ડ્રીપ ચઢાવવામાં આવી. સંદીપ હોસ્પીટલમાં રોકાઈ ગયો. બે કલાક પછી બંસરીએ આંખો ખોલી ત્યારે તેણે સંદીપને તેના રૂમમાં બેઠેલો જોયો. તેણે તેની સામે ફિક્કું હાસ્ય વેર્યુ જેમાં પરિચિતતાનો એહસાસ સ્પષ્ટ વાર્તાતો હતો. ડ્યૂટી પર હાજર નર્સે બંસરીનું ટેમ્પરેચર માપી ચાર્ટમાં નોધ્યું. નર્સે સંદીપને કહ્યું કે હાલ ટેમ્પરેચર ડાઉન થયું છે પરંતુ ટાઇફોઇડમાં તાવની ચઢ ઉતર રહેશે. નર્સે ઈંટરકોમ પર ડોક્ટર સાથે વાત કરી અને તેમની સૂચના અનુસાર આગળની ટ્રીટમેંટ શરૂ કરી. મોડી સાંજે બંસરી થોડીક સ્વસ્થ જણાતી હતી. નર્સે તેને બેઠા થવામાં મદદ કરી. સંદીપ હજુ ત્યાં જ હતો જે જોઈ તેણે સંદીપ તરફ આભાર ભરી નજર નાખી ત્યારબાદ તેણે તેના મોબાઈલ પર નજર નાખી. તેની માસી કામિનીદેવીનો મેસેજ હતો. જે વાંચી તેણે તેનો મોબાઈલ સંદીપને ધર્યો. સંદીપે પણ મેસેજ વાંચ્યો. કામિનીદેવીએ લખ્યું હતું “ બંસરી... માય ચાઇલ્ડ, બાઈએ મને તારી માંદગીના સમાચાર આપ્યા છે. હું બેંગલુરૂથી પ્લેનમાં રવાના થઈ રહી છું. મને હોસ્પિટલ સુધી પહોંચતા અઢી કલાક જેટલો સમય લાગશે. મારે ડોક્ટર સાથે વાતચિત થઈ ગઈ છે. હું પહોંચું ત્યાં સુધી પ્લીઝ બેર વિથ મી.” મેસેજ બે કલાક પહેલાંનો હતો. એટલે કામિનીદેવી અડધા કલાકમાં આવી પહોંચશે તેવું અનુમાન લગાવી સંદીપે તેની કાંડા ઘડીયાળમાં સમય જોયો. બંસરીને લાગ્યું કે સંદીપને કદાચ મોડુ થતું હશે તેથી તે સમય જોઈ રહ્યો છે તેથી તેણે કહ્યું “ સંદીપજી, તમારે કોઈ અગત્યનું કામ હોય તો જઇ શકો છો. માસી હવે આવી પહોચશે. નાઉ આઈ ફીલ બેટર. ”
સંદીપ બોલ્યો “ બંસરીજી મેં ફક્ત સમય જાણવા માટેજ ઘડિયાળમાં નજર નાખી હતી. મારે કોઈ અગત્યનું કામ નથી. તમારે કઇંક કોફી જેવુ પીવું હોય તો વ્યવસ્થા કરું. તેણે તેની માંજરી આંખો ઢાળી હા કહી એટલે તે કોફી લેવા માટે હોસ્પિટલની કેંટિનમાં ગયો. તે કોફી લઈ પરત આવ્યો ત્યારે કામિની દેવી આવી ગયા હતા અને બંસરીની પથારીમાં બેસી તેમના ખોળામાં બંસરીનું માથું મૂકી પોતાનો હાથ ફેરવી રહ્યા હતા. બંસરી આંખો બંધ કરી તેમનું વાત્સલ્ય માણી રહી હતી. સંદીપ રૂમમાં દાખલ થયો એટલે તેનો પગરવ સાંભળી બંસરીએ તેની આંખો ખોલી. તેણે બંનેને એક બીજાનો પરીચય કરાવ્યો. સંદીપે પેપર કપમાં ગરમ કોફી કાઢી બંસરી અને કામિનીદેવી સમક્ષ ધરી. બંસરીએ કપ હાથમાં લીધો અને હળવે હળવે ગરમ કોફીના ઘૂંટડા ભરવા લાગી. કામિનીદેવીએ કહ્યું “ મારે સુગર છે એટલે હું સ્વીટ કોફી લેતી નથી.” સંદીપે કોફીનો કપ ઉઠાવી પોતાના હોઠે લગાડ્યો. સંદીપ મોડી રાત્રે હોસ્પિટલેથી ઘરે પરત ફર્યો.

એક અઠવાડીયા પછી બંસરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સંદીપ રોજ હોસ્પિટલે જઈ તેની તબિયતની માહિતી મેળવતો. બંસરી સંદીપના માયાળું, ઉમદા અને પરગજુ સ્વભાવથી પ્રભાવિત થઈ. એક મહિનાના આરામ પછી બંસરીએ ફરીથી રિયાઝ શરૂ કર્યો. તે સમય દરમ્યાન કામિનીદેવી અને સંદીપે બંસરી માટે એક હોંશીયાર સેક્રેટરીને નોકરીમાં રાખી લીધો હતો. પોશ લોકાલિટીમાં એક ઓફિસ ભાડે રાખી લીધી હતી અને બંસરીના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. બંસરી સંપૂર્ણ સ્વસ્થ થઈ ત્યારબાદ “કલામંચ એક્ટિંગ એકેડેમી” ના રંગમંચ પર નવી મુંબઈમાં બંસરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જે ખૂબ સફળ રહ્યો. બંસરીની ખ્યાતિ વધવા માંડી હતી. સંદીપ અને બંસરી પણ એક બીજાની નજીક આવી ગયા હતા. બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બંસરી સેલિબ્રિટી હોવાથી “ગોસીપ” થી બચવા સંદીપ અને બંસરી જાહેરમાં છૂટથી સાથે હરવા ફરવાનું ટાળતા હતા. તેનો મિત્ર સુશાંત સંદીપ અને બંસરીના પ્રેમથી પુરેપુરો માહિતગાર હતો. તે લગ્ન કરી અમેરિકા સેટલ થયો. હવે બંસરી અને સંદીપનો પ્રેમ ખૂબ પરવાન ચઢ્યો હતો. તેઓ મોટાભાગે રાત્રે સાથે ફરવા નીકળતા અને પ્રેમાલાપ માટે દરીયા કિનારે દૂર એકાંતના સ્થળો પસંદ કરતા. એક દિવસે સંદીપે બંસરી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો બંસરીએ તેનો સ્વીકાર કરી સાનુકૂળ પ્રતિઘોષ પણ પડ્યો.

એક દિવસે સંદીપ બંસરીને પોતાની માતા નંદા પાસે લઈ ગયો. તેણે પોતાની માતાને બંસરીની ઓળખાણ આપતાં કહ્યું “ મમ્મી, આ મારી મિત્ર બંસરી છે. તે મશહૂર શાસ્ત્રીય ગાયિકા સિતારાદેવીની દીકરી છે અને તે પણ શાસ્ત્રીય ગાયિકા છે.” સિતારાદેવીનું નામ સાંભળી સંદીપની મમ્મીના ચહેરા પર નારાજગી દેખાઈ તેમ છતાં તેમણે બંસરીને આવકારી. નોકર કોફી અને નાસ્તો મૂકી ગયો જેને ન્યાય આપી બંસરી થોડીક વારમાં સંદીપના ઘરેથી પરત આવી ગઈ.

સંદીપના ઘરેથી પરત ફરી બંસરી પોતાના બેડરૂમમાં જઈ ખૂબ રડી. કામિનીદેવીએ તેનું રડવાનું કારણ પૂછ્યું પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. તે સતત બે દિવસ સુધી ગમગીન રહી. તેણે કામિનીદેવીને કહ્યું, “ માસી, જેટલી બને તેટલી ઝડપથી મારે આ શહેર છોડી ક્યાંક દૂર ચાલ્યા જવું છે.” બંસરીનો નિર્ણય સાંભળી કામિનીદેવી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ સંદીપ અને બંસરી વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થઈ હશે. તેમણે બંસરીને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, “ બંસરી બેટા, પ્રેમમાં શરૂઆતમાં નાના મોટા ઝગડા, ગેરસમજ થતી રહેતી હોય છે જે સમય જતાં દૂર થઈ જાય છે માટે જો તારે સંદીપ સાથે કોઈ બાબતે વાંધો પડ્યો હોય તો મને જણાવ હું તેનો રસ્તો કાઢી લઇશ પરંતુ કોઈ નાની બાબત માટે શહેર છોડી ચાલ્યા જવાનું પગલું ઉતાવળિયું પુરવાર થશે.”

બંસરીએ કહ્યું , “ માસી, મારે અને સંદીપ વચ્ચે કોઈ ઝગડો થયો નથી કે કોઈ ગેરસમજ પણ થઈ નથી. હું તેનાથી નારાજ પણ નથી પણ હવે મારે આ શહેરમાં રહેવું નથી.’ કામિનીદેવી બંસરીની નારાજગીનું કારણ સમજી શકતા ન હતા. બંસરીની જીદ આગળ તેમણે નમતું જોખી દીધું અને તેમના વતન બેંગલુરૂમાં શિફ્ટ થવાનું નક્કી કરી મુંબઈ છોડવાની તૈયારી આરંભી દીધી.

બંસરીના સેક્રેટરી મારફતે જ્યારે સંદીપને બંસરીના મુંબઈ છોડીને બેંગલુરૂ ચાલ્યા જવાના સમાચાર જાણ્યા ત્યારે તેને આંચકો લાગ્યો. તે તરત બંસરીના ઘરે પહોચી ગયો પરંતુ બંસરીએ તેને મળવાની ધરાર ના પાડી દીધી તેણે કામિનીદેવીને તે બાબતે પૂછ્યું તો તેમણે જણાવ્યુ કે “ બંસરીને તારાથી કોઈ નારાજગી નથી પરંતુ શા માટે શહેર છોડી દેવું છે તે જણાવતી નથી.” સંદીપને બંસરીની છોકરમતથી ખૂબ લાગી આવ્યું. તેણે સતત બે દિવસ સુધી બંસરીને મળવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ બંસરીએ મુલાકત ન આપી. બંસરીએ મુંબઈ છોડ્યું ત્યારે સંદીપ તેના ઘર પાસે જ હાજર હતો તેમ છતાં બંસરીએ તેની તરફ નજર સુધ્ધાં ન નાખી. સંદીપ બંસરીના આવા મગરૂરી ભર્યા વર્તનથી ખૂબ નારાજ થઈ ગયો. બંસરીનું તેના સાથેનું રૂક્ષ વર્તન અને મુંબઈ છોડવાનું કારણ સંદીપ માટે હંમેશાં એક રહસ્ય જ રહ્યું.

બંસરીના મુંબઈ છોડી બેંગલુરૂ શિફટ થવા બાબતે પ્રિન્ટ મીડિયામાં થોડાક દિવસ ચર્ચા રહી. કોઈએ તે માટે સંદીપ સાથેના બ્રેકઅપનું કારણ દર્શાવ્યું તો કોઈએ બેંગલુરૂમાં કોઈની સાથે અફેર હોવાની વાત લખી. સુશાંતે તે સમાચાર વાંચી સાચું કારણ જાણવા માટે સંદીપને ફોન કર્યો. સંદીપ પોતે કારણોથી અજાણ હોવાથી કોઈ પ્રકાશ પાડી ન શક્યો પરંતુ તેના હૃદયમાં બંસરી માટે નફરત અને કાયમી કડવાશ ભરાઈ ગઈ. સંદીપને બંસરીની મગરૂરી કાંટાની જેમ ખૂંચતી હતી. બંસરીએ બેંગલુરૂ જઈ તેના જાહેર પરફોર્મન્સ ચાલુ રાખ્યા. ઘણીવાર વાર સંદીપની નજરો વચ્ચેથી બંસરીના કાર્યક્રમોની જાહેરાતો પસાર થતી. બંસરીની દિવસે દિવસે લોકપ્રિયતા વધતી જતી હતી. હવે તે વિદેશોમાં પણ પરફોર્મન્સ આપતી હતી. તે ખૂબ ધન કમાતી હશે તેવું અનુમાન કરી શકાતું હતું.

સંદીપે બંસરીની યાદો પોતાના દિલમાંથી કાઢી નાખી હતી. તે સુભદ્રા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયો હતો. તેમને એક પુત્ર હતો. તેમનું જીવન સુખી હતું. લગભગ વીસ બાવીસ વર્ષ પછી તેના મિત્ર થકી ફરીથી બંસરી તેના જીવનમાં રેતીમાંથી મડદુ બેઠું થાય તેમ જીવંત થઇ હતી. આટલા વર્ષે તેને મળવું કે કેમ તે સંદીપ નક્કી કરી શકતો ન હતો.

સંદીપને મૌન જોઈ ઉર્મિલા બોલી “ ક્યાં ખોવાઈ ગયા સંદીપ ભાઈ ? બંસરી કદાચ હવે લાંબુ નહી જીવે માટે માનવતા ખાતર મનમાંથી કડવાશ કાઢી તેની બેવફાઇ માટે તેનું શું કહેવું છે તે જાણવા માટે પણ એક વાર જરૂર મળો તેવી અમારી ઈચ્છા છે. બંસરી અહી નજીકમાં ડાઉન ટાઉનમાં પીચટ્રી સ્ટ્રીટમાં રહે છે જો તમે સંમતિ આપો તો આપણે ત્યાં જઈએ. સુશાંતે પણ સંદીપને કહ્યું, “ જો સંદીપ, બંસરીની તારી સાથે બેવફાઇ કરવાની કઈ મજબૂરી હતી તે તારે જાણી લેવી જોઈએ.”
સંદીપ બોલ્યો “ તે મગરૂર સ્ત્રી ના ખુલાસા પર ભરોસો કેટલો ? “
સુશાંત “ તેની મગરૂરી તેને મુબારક ! પરંતુ જ્યારે તે તેના જીવનના અસ્તાચળે તને મળવા માગે છે તેનો અર્થ એ કે તેને તેના વર્તન પર અફસોસ થયો છે માટે તેને પશ્ચાતાપનો મોકો આપવાનો વિવેક આપણે ન ચૂકવો જોઈએ તેથી એક વાર જરૂર મળી લેવું જોઈએ.”

સંદીપ બંસરીને મળવા સમંત થયો. જ્યારે બપોર પછી સૌ બંસરીના ઘરે પહોંચ્યા ત્યારે એક નર્સ તેને દવા પીવડાવી રહી હતી. બંસરીની કાયા કૃશ થઈ ગઈ હતી. તે કોઈના સહારા વિના હલન ચલન કરી શકવા માટે અસમર્થ હતી. બંસરી સંદીપને જોઈ ભાવુક થઈ ગઈ. તેની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. થોડી વાર માટે તે હીબકે ચઢી ગઈ. શાંત થયા પછી તે બોલી “ સંદીપ મને મળવાનો સમય કાઢવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે હું મારા જીવનની કિતાબ તમારી સનક્ષ ખુલ્લી મુકી એક ગૂઢ રહસ્ય તમારી સમક્ષ ખોલવા માગું છુ જે સાંભળી કદાચ તમે મારી મજબૂરી સમજી જશો અને મને માફ કરી દેશો. આટલું બોલવામાં તેને હાંફ ચઢી ગયો. અંગ્રેજ નર્સે તેને શ્રમ ન લેવા વિનંતી કરી પરંતુ બંસરી બોલતી રહી.

બંસરીએ કહ્યું “ સંદીપ હું જ્યારે સૌપ્રથમ તમારા ઘરે આવી હતી ત્યારે તમારી મમ્મીને મારી ઓળખાણ કરાવતાં તમે કહ્યું હતું કે હું સિતારાદેવીની દીકરી છું. તે સાંભળી તમારી મમ્મીના ચહેરા પરના અણગમાના ભાવોની કદાચ તમે નોંધ લીધી ન હતી પરંતુ હું તેમનો અણગમો પામી ગઈ હતી. કોફી પીતી વખતે મારી નજર તમારા સ્વર્ગવાસી પિતાશ્રીના ચંદનનો હાર ચઢાવેલા ફોટા પર પડી અને હું એકદમ ચોંકી ગઈ. હું દસ વર્ષની થઈ ત્યાં સુધી તમારા પિતાજી સમયાંતરે મારી મમ્મી પાસે આવતા હતા અને એકાંત માણતા હતા. તમારા અને મારા બાયોલોજીકલ પિતા એક જ હોવા જોઈએ તેવું અનુમાન કરવું મારા માટે અઘરું ન હતું કેમકે મારી મમ્મીનું નામ સાંભળી તમારી માતાનો અણગમો હું પારખી ગઈ હતી. જો આપણે આગળ વધી લગ્ન કરીએ અને શારીરીક સબંધ બાંધી બેસીએ તો ભાઈ બહેન હોવાના નાતે ખૂબ મોટો અનર્થ થઈ જશે તે વિચારી મે તમારાથી દૂર થઈ જવા મુંબઈ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જો તમે મને મુંબઈ છોડવા બાબતે પૂછો તો મારી પાસે કોઈ સશક્ત જવાબ નહતો અને હું મારી મમ્મી અને તમારા પિતાના સબંધો તમારી સમક્ષ ઉઘાડા પાડી તમને ક્ષોભ થાય તેવી સ્થિતિમાં મૂકવા માગતી ન હતી એટલે તમે મને મળવા માટે પ્રયત્નો કર્યા તેમ છતાં મે નિષ્ઠુર થઈ તમને મુલાકત ન આપી. હું જ્યારે મુંબઈ છોડીને જતી હતી ત્યારે પણ મેં તમારા તરફ નજર ન નાખી કેમકે જો મેં તમારી સામે જોયું હોત તો કદાચ હું રડી પડી હોત અને લાગણીના પ્રવાહમાં તણાઇ જઈ કદાચ મારાથી સત્ય વાત કહેવાઈ જાત એટલે મારુ મન મક્કમ કરી હું તમારા તરફ નજર નાખ્યા સિવાય ત્યાંથી ચાલી ગઈ હતી.
બેંગલુરૂ ગયા પછી તમને ભૂલી જવા માટે મે ખૂબ કામ કરવાનું શરૂ કરી દીધું. કામ કરવાથી ખૂબ પૈસો અને કિર્તિ મળી પરંતુ હદય હળવું થતું ન હતું. મુંબઈથી આવ્યાને પાંચ વર્ષના સમય પછી મારી માસી કામિનીદેવી ખૂબ ગંભીર બીમારીમા સપડાયા. તેમને લાગ્યું કે હવે તે લાંબુ નહિ જીવે એટલે એક દિવસે તેમણે મને એકાંતમાં બોલાવી કહ્યું “ બંસરી, તારી સાચી માતા સિતારાદેવી નહીં પરંતુ હું છુ. મારા મૃત્યુ પછી આપણી તિજોરીના ગુપ્ત ખાનામાં એક ડાયરી છે તે તું વાંચી લે જે જે વાંચ્યા બાદ તને તારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે.” હું મારી માસીની વાત સાંભળી અચંભિત થઈ ગઈ. મારૂ મન ગોટાળે ચઢ્યું. બે દિવસ પછી મારી માસી કામિનીદેવી મૃત્યુ પામ્યા. મેં તેમના ક્રિયાકર્મથી પરવારી તેમની ડાયરી હાથમાં લીધી. તેમની ડાયરીનો સાર આ રીતે હતો.

સિતારાદેવી અને કામિનીદેવી બંને સગી બહેનો હતી. તે મૂંબઈમાં શાસ્ત્રીય સંગીત શીખવા પંડિત શોભરાજ પાસે જતાં હતા. પંડિત શોભરાજ પાસે બીજા શિષ્યો પણ સંગીત શીખવા આવતા હતા પરંતુ તે શિષ્યો પૈકી સંદીપના પિતા ઉમેશકુમાર અને અંગ્રેજ શિષ્ય સેમ્યુઅલ તેમના પ્રિય શિષ્ય હતા. બંને ખૂબ ઉત્સાહી અને મહેનતુ હતા. સિતારાદેવીનું દિલ ઉમેશકુમાર પર વારી ગયું જ્યારે કામિનીદેવી ઉંચા, ગોરા અને માંજરી આંખોવાળા યુરોપીયન સેમ્યુઅલને દિલ દઈ બેઠી. કામિનીદેવી ખૂબ ચંચળ હતા. તે સેમ્યુઅલ સાથે ખૂબ ઝડપથી એકાકાર થઈ ગયા. જ્યારે કામિનીદેવીને તેમની કુંખમાં સેમ્યુઅલનો અંશ પાંગરી રહ્યાની જાણ થઈ ત્યારે તેમણે સેમ્યુઅલને તેમની સાથે લગ્ન કરી લેવા કહ્યું. સેમ્યુઅલ સંમત થઈ ગયો અને લગ્ન પહેલાં તેના પેરેન્ટ્સને એક વાર મળી લેવા અમેરીકા રવાના થયો.

સંદીપના દાદા એકાએક ગંભીર માંદગીમાં સપડાયા એટલે ઉમેશકુમારને સંગીત સાધના અધૂરી છોડી ધંધો સંભાળી લેવો પડ્યો. પિતાની આખરી ઈચ્છા પૂરી કરવા ઉમેશકુમાર તેમના પિતાના ગાઢ મિત્રની પુત્રી નંદા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. સેમ્યુઅલ બે દિવસમાં અમેરીકાથી ભારત આવનાર હોવાના સમાચાર કામિનીદેવીને આપ્યા પરંતુ તે ભારત ન આવ્યો. કામિનીદેવીએ સેમ્યુઅલના સમાચાર જાણવા અને તેની ભાળ મેળવવા ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ તેની કોઈ વિગતો તે મેળવી ન શકી. કામિનીદેવી કુંવારી માતા બનવા જઇ રહી હતી તેથી તે ખૂબ ચિંતામાં રહેતી હતી. સિતારાદેવી પોતાની બહેનની ખૂબ કાળજી લઈ રહી હતી તેમ છતાં કામિનીદેવી માનસિક રોગી બની ગઈ. તેને સેમ્યુઅલના ન આવવાનો ખૂબ સદમો હતો. તે પરિસ્થિતિમાં જ બંસરીનો જન્મ થયો. બંસરી પોતાના પિતાનું રૂપ લઈને જન્મી હતી. ગોરો વાન અને માંજરી આંખો સાથે જન્મેલી બંસરી જાણે સેમ્યુઅલનો હૂબહૂ અંશ હતી. બંસરીના જન્મ પછી કામિનીદેવી પાગલપનની હદ સુધી ડિપ્રેશનમાં ઘરકાવ થઈ ગઈ. બાળકી બંસરીને સંભાળવાની અને ઉછેરવાની જવાબદારી સ્વયંમભૂ રીતે સિતારાદેવીએ ઉપાડી લીધી. ગુરુ પંડિત શોભરાજજીએ શિષ્ય ઉમેશકુમારને સિતારાદેવી, કામિનીદેવી અને બંસરીની આર્થિક સંભાળ લેવાની જવાબદારી સોંપી.

સમય પસાર થતો રહ્યો. કામિનીદેવીને પુન:સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં લગભગ સાત વર્ષ જેટલો સમય લાગ્યો. આટલો સમય બંસરી સિતારાદેવી પાસે ઉછરતી રહી હતી એટલે તે કામિનીદેવીની પુત્રી છે તે વાત તેમણે છતી કરવાને બદલે મોઘમ રાખી. બાળકો પેદા ન કરવાનું નક્કી કરી ઉમેશકુમાર અને સિતારાદેવીએ ગાંધર્વ લગ્ન કરી લીધા. નંદાબેનને જ્યારે તેમના પતિના સિતારાદેવી સાથેના સબંધોની જાણ થઈ ત્યારે તે ખૂબ નારાજ થયા હતા પરંતુ તેમણે જીવવા માટે સમાધાન કરી લીધું હતું. બંસરી સિતારાદેવીની નહીં પણ કામિનીદેવીની દીકરી છે તે વાત તેમની જાણકારીમાં હતી એટલે તેમણે સંદીપને તેમની મિત્રતામાં આગળ વધતાં રોકયો ન હતો.

બંસરીને હવે બોલવામાં થાક વરતાતો હતો તેમ છતાં તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું “ જ્યારે મે જાણ્યું કે મારો પિતા સેમ્યુઅલ નામનો કોઈ અંગ્રેજ છે ત્યારે હું ખળભળી ઉઠી. મને થયું કે હું તેમને મળી મારી માતા સાથે કેમ બેવફાઇ કરી હતી તેની જાણકારી મેળવું અને તેમને મને પુત્રી તરીકે સ્વીકારવા ફરજ પાડું. હું તે માટે અમેરીકામાં સ્થાયી થઈ. મે તેમની ખૂબ શોધખોળ કરી પરંતુ અપૂરતી માહિતીના કારણે હું તેમને શોધી ન શકી એટલે મે એક ખાનગી ડિટેક્ટિવ રોકી તેમની વિગતો જાણવા પ્રયત્ન કર્યો. ખાનગી ડિટેકટિવે ખૂબ જહેમતના અંતે છ માસ પછી મને વિગતો પૂરી પાડી. તેની માહિતી અનુસાર મારી માતા કામિનીદેવી સાથે બે દિવસમાં ભારત આવવાની વાત થઇ તે દિવસે રાત્રે મારા પિતા તેમના મિત્રો સાથે એક હોટલમાં ડિનર લઈ રહ્યા હતા ત્યારે ત્યાં આતંકવાદી હુમલો થયો. એક ગનમેને હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં મારા પિતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ખાનગી ડિટેક્ટિવને મારા પિતાની વિગતો મેળવતી વખતે તેમના સોલિસિટર સાથે મુલાકાત થઈ હતી. મારા પિતા તેમની અમેરિકા ખાતેની તમામ મિલકતના વારસદાર તરીકે મારી માતા કામિનીદેવીનું નામ લખાવ્યું હતું. તેમના અકાળે અવસાન પછી તેમના સોલીસીટરે મારી માતાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે વખતે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે હું તેમની દીકરી તરીકે વિગતો મેળવું છુ તેવું તેમણે જાણ્યું ત્યારે હું તેમની કાયદેસરની વારસદાર છું તેવું પ્રસ્થાપિત થવાથી તેમણે મારા પિતાની તમામ સંપત્તિ મારા નામે ચઢાવી આપી. આ મકાન મારા પિતાની માલિકીનું છે. મારી પાસે પણ ઘણી સંપત્તિ છે પરંતુ હું લિવરના કેન્સરથી પીડાઉ છું અને મારી જિંદગીના ખૂબ થોડા દિવસો મારી પાસે બચ્યા છે. જીવનમાં ફરીથી સંદીપ તમારી સાથે મારી મુલાકાત થશે તેવું મેં કલ્પ્યું ન હતું તેથી મે આજે તમને જે બાબતો કહી તે તમામ વિગતો લખી એક સીલબંધ કવરમાં મૂકી મારા સોલીસીટરને મારા મૃત્યુ બાદ તમને પહોચાડવાની જવાબદારી સોંપી છે પરંતુ હવે તેની જરૂર રહેશે નહીં. તે ઉપરાંત મેં મારી તમામ સંપત્તિનું એક ટ્રષ્ટ રચ્યું છે. જેના ટ્રષ્ટી તરીકે મે સંદીપ તમને નિમ્યા છે. મારી સંપત્તિનો મારી ન હયાતીમાં કેવો અને ક્યાં ઉપયોગ કરવો તેની વિગતો પણ મે તેમને લખી જણાવી છે. મારા મૃત્યુ પછી તે તમારો સંપર્ક કરશે. સંદીપ હું આશા રાખું છું કે તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરશો અને મારી સંપત્તિનો સદુપયોગ થાય તે જોશો.

બંસરી હવે ખુબ હાંફી રહી હતી. નર્સ તેની હાલતથી ચિંતાતુર હતી. બંસરીએ સંદીપનો હાથ પોતાના હાથમાં લીધો. અને કહ્યું “ સંદીપ હવે કોઈ ખુલાસો જોઈએ છે ?” સંદીપ કઇં બોલી ન શક્યો. તે બંસરીની પથારીમાં બંસરી પાસે બેઠો અને તેનું માથું તેના ખોળામાં લઈ પંપાળવા માંડ્યો. બંસરીને સંદીપનું સાનિધ્ય ખૂબ ગમ્યું. બંસરીએ કહ્યું “ સંદીપ મને માફ કરી દેજો ભલે આ જીવનમાં હું તમારી ન થઈ શકી પરંતુ ભગવાન આવતાભવમાં મને તમારો સાથ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છુ.” તેણે સંદીપની મુલાકાત કરવી આપવા માટે સુશાંત અને ઉર્મિલાનો પણ આભાર માન્યો.

બંસરીની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી. એકાએક તેને લોહીની ઉલ્ટી થઈ અને સંદીપના ખોળામાં દેહ રહેવા દઈ તેનું પ્રાણ પંખેરૂ આ ફાની દુનીયામાંથી સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયું. હાજર સૌના હૈયા વલોપાત કરી ઉઠ્યા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED