Rahashy ek chavina judanu - 1 books and stories free download online pdf in Gujarati

રહસ્ય એક ચાવીના જુડાનું - 1

રહસ્ય એક ચાવીના જુડાનું

પ્રકરણ-૧

લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના જુડાનું” એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે તૈયાર અને હા, આપના પ્રતિભાવ આપવાનુ ન ચુકતા.

પ્રકરણ : 1

ઘરમાં આવીને મેઘનાએ લાઇટની સ્વિચ ઓન કરી. ઘણા વર્ષો બાદ તે આ ઘરમાં પ્રવેશી હતી. ઘરની હાલત ખુબ જ ખરાબ હતી. આટલા વર્ષોથી ઘર બંધ જ હતુ. લગ્ન બાદ કયારેય આ બાજુ આવવાની ફુરસદ જ મળી ન હતી. ઘરના દ્વારે જ કરોળીયાનું મસમોટુ જાળુ તેને આવકારતુ હતુ. કુમકુમ પગલાને બદલે ધૂળમાં પોતાના પગલા પાડે એવી પરિસ્થિતિ હતી ઘરની. કહેવાય છે ને કે પરિવાર રહેવાથી જ ચાર દિવાલો ઘર બને છે બાકી ખાલી પડેલ મહેલ પણ ખાવા દોડે છે. આજે આટલા વર્ષો બાદ આ મકાન ખોલવાની વેળાએ મેઘનાને એ માન્યામાં આવતુ ન હતુ કે આ મકાનમાં જ પોતાનું બાળપણ વિત્યુ હતુ. ઘરમાં પ્રવેશતા જ તેને શ્વાસ લેવામાં પણ તકલિફ થવા લાગી એટલે મેઘના દોડતી બારી ખોલવા ગઇ પણ આટલા વર્ષોની બંધ બારી એમ ખુલે તેમ હતી નહી. તેણે બહુ બળ અપનાવ્યુ બારીને ખોલવા માટે પણ બારી ખુલવાને બદલે આખરે તૂટી જ પડી અને સુસવાટા કરતી હવા ઘરમાં ડોકીયુ કરતી અંદર પ્રવેશી અને ધૂળ ઉડવાથી મેઘનાને ઉધરસ આવવા લાગી અને તેણે પોતાના દુપટ્ટા વડે ચહેરાને ઢાંકી દીધો અને તે બારીથી થોડી દૂર જતી રહી.

“આજે અહી આવી તો ગઇ પણ યાદ ન આવ્યુ કે પહેલાથી જ સફાઇ કરાવી લઉ. હવે તો સાંજ ઢળવા આવી, સફાઇ કામદાર પણ કાલે જ આવશે. કામવાળી નુરીને પણ કેટલી સમજાવી પણ એ ના માની એટલે ના જ માની. સારૂ છે આજે ઉપવાસ છે, અહી તો ખાલી ઊભા રહેવાના પણ ઠેકાણા નથી એમા રસોઇ ક્યાંથી બનાવત.” એકલી એકલી વાતો કરતી મેઘના ઘરમાં લટાર મારવા ગઇ.

બેડરૂમમાં સુવા માટે જગ્યા તેને સાફ કરવાની હતી એટલે તેણે જેવો બેડરૂમ ખોલ્યો કે ત્યાં પણ ધૂળની ડમરીઓ કબજો જમાવીને બેઠી જ હતી. અંધારૂ થવા આવ્યુ હતુ એટલે તેણે જેવી લાઇટ ચાલુ કરવા હાથ લંબાવ્યો કે કાંઇક નીચે પડવાનો અવાજ આવ્યો પણ લેમ્પ ચાલુ થયો નહી એટલે તેને શું પડ્યુ તે કાંઇ દેખાયુ નહી. મેઘનાએ શું પડ્યુ છે એ વિચારને પડતો મૂકીને હોલમાં પડેલી બેગમાંથી ટોર્ચ લેવા નીકળી ગઇ.

“મને ખબર જ હતી કે લેમ્પના કાંઇ ઠેકાણા નહી હોય એટલે જ સારૂ થયુ સાથે બે-ચાર લેમ્પ પણ લાવી.” લેમ્પ લઇને રૂમમાં પરત આવતા તે એકલી એકલી વાતો કરતી નાનુ ટેબલ લઇને લેમ્પ ચડાવવા જતી હતી ત્યાં ડોરબેલ વાગી. “કોણ આવ્યુ હશે અત્યારે?” લેમ્પ ચડાવવાનું કામ પડતુ મૂકીને મેઘના દરવાજો ખોલવા માટે ગઇ. “અરે રમામાસી તમે? કેમ છો?” મેઘના નાની હતી ત્યારથી તેમના પડોશી રમામાસીને જોઇને મેઘના ખુશ થતા તેમને ભેટી પડી. સાવ ઘર જેવો સંબંધ હતો તેમની સાથે. માનો ખોળો અને રમા માસીના ખોળામાં તેને કયારેય ભેદ મહેસુસ થયો ન હતો.

“હું તો મજામાં છું, તુ કેમ છે બેટા? ઘરની લાઇટ ચાલુ જોઇ મને થયુ કે તુ આવી ગઇ છે એટલે તને મળવા દોડી આવી બેટા. લે તારા માટે પાણી લાવી છું.” પાણીની બોટલ મેઘના સામે ધરતા રમામાસી બોલ્યા.

બન્ને લાંબા સમય બાદ મળ્યા હતા એટલે જુની વાતોએ એવા તે વળગી ગયા કે રાત્રી ક્યારે ઢળી ચૂકી તેની બન્નેને ખબર જ ન રહી, જ્યારે નાનો સુકેતુ રમામાસીને જમવા બોલાવા આવ્યો ત્યારે બન્નેએ નાછુટકે વાતોને આટોપવી પડી.

“ચાલ ને બેટા, કાંઇ ફરાળી ચાલે તો એ પણ બની જશે, થોડુ જમી લે તો સારૂ.” રમામાસીએ ફરી મેઘનાને જમવા માટે આગ્રહ કર્યો.

“ના માસી, કાંઇ ફરાળી નહી, અત્યારે રાત્રે કાંઇ નહી ચાલે. તમે મારી ઉપાધી ન કરો. તમે આરામથી જમો અને હવે હું પણ થોડીઘણી સફાઇ કરી સુવાની તૈયારી કરી લઉ.”

“ઠીક છે બેટા.” કહેતા રમામાસી પોતાના ઘરે જવા નીકળ્યા અને મેઘના પણ બેડરૂમ ભણી ચાલતી થઇ. લેમ્પ ચડાવી તેણે બેડ પર ઢાંકેલું કપડુ હટાવી દીધુ અને બેડની સફાઇ કરી લીધી અને ગાદલા પર સ્વચ્છ ઓછાડ બીછાવી દીધો. આજુબાજુમાંથી થોડી સાફસફાઇ કરી લીધી અને સુવાની તૈયારી કરી તે બેડ પર આડી પડી. આમ પણ સવારે તો સફાઇ કામદાર આવવાના જ હતા. રમામાસી સાથે એવી તે વાતોએ વળગી હતી મેઘના કે એ ભૂલી જ ગઇ કે બેડ નીચે કાંઇક પડવાનો અવાજ આવ્યો હતો.

આટલા વર્ષોમાં આવડા મોટા મકાનમાં એકલા રહેવાનો તેનો પ્રથમ અનુભવ હતો એટલે તેને ઊંઘ આવતી જ ન હતી, તે આમથી તેમ પડખા ફેરવતી હતી. તેનું બાળપણ આ જ ઘરમાં વિત્યુ હતુ. નાનુ એવુ ઘર હતુ તેમનુ બે બેડરૂમ હોલ કિચન અને પાછળ બગીચામાં એક રૂમ હતો તે સદાય બંધ રહેતો હતો.

પોતાના વિતેલા બાળપણના મકાનમાં આજે સુતા સુતા પોતાના બાળપણના દિવસો માનસપટ પર ફરવા લાગ્યા, કેવી પોતે તેના પપ્પાને પાછળના બગીચામાં ઘોડો બનાવતી અને તેની પીઠ પર બેસીને તે તબળક..... તબળક..... કરતી ઘોડાને ખેલાવતી. પોતાની બાળપણની પણ તરોતાજા વાતો યાદ આવતા મેઘનાની આંખમાં આંસુ આવી ગયા. પોતે એકલી છે એવુ તેને સતત મહેસુસ થવા લાગ્યુ, તેને વધુ ડર લાગવા લાગ્યો.

તેના પતિએ કહ્યુ તે આવતી કાલે બધા સાથે જઇશુ પરંતુ મેઘના તેની એક વાત ન માની અને પોતે એકલી અહી આ મકાને આવી ગઇ. તેની વાત ન માનવા બદલ અત્યારે મેઘનાને ખુબ જ અફસોસ થઇ રહ્યો હતો. બધુ ભૂલી સુઇ જવા માટે તેણે આંખોને ડારો દઇને મીંચી રાખી.

સતત તેને મનમાં છાનો ડર સતાવી રહ્યો હતો. તેનુ મન સતત બેચેન હતુ, ઘણો થાક હોવા છતા તેની આંખો બંધ થતી ન હતી પડખા ફેરવતી સતત તે ઊંઘમાં સરી પડવા મથતી હતી પરંતુ ઊંઘ આવતી જ ન હતી ત્યાં અચાનક કાંઇક ધડામ કરતો અવાજ આવ્યો અને તે સફાળી બેઠી થઇ ગઇ. તેની આંખોમાં ડર સાફસાફ તરી આવ્યો હતો. અચાનક આમ કાંઇક પડવાના અવાજથી મેઘના ડરથી ફફડી ઊઠી અને તેણે લાઇટ ઓન કરી. ડરતા ડરતા તે પલંગ પરથી ઉતરી અને ચોતરફ નજર ફેરવવા લાગી. તમામ બારી દરવાજા બંધ હતા, પવનનું નામ નિશાન હતુ નહી અને એવુ કાંઇ ખાસ રૂમમાં હતુ પણ નહી તો આમ અચાનક શું પડ્યુ હશે એ વિચારે મેઘના ધીમે પગલે ચાલતી નજરોને ચોમેર ફેરવવા લાગી, તેની આંખમાં ભયના લીસોટા ઉપસી આવ્યા હતા. થોડીવાર આમ તેમ જોતા તેને કાંઇ દેખાયુ નહી એટલે તેનો ડર વધી ગયો અને સાથે સાથે જીજ્ઞાશા પણ વધી ગઇ કે અવાજ આવ્યો તો આવ્યો ક્યાંથી? પરસેવાથી લથબથ મેઘનાને પાણીની તરસ લાગી આવતા તે પાણીની બોટલ લેવા ગઇ તો બોટલ તેની જગ્યાએ ન જોતા તેને અવાજ ક્યાંથી આવ્યો તેના વિષે થોડુ થોડુ સમજાવા લાગ્યુ. નીચે વળીને તેણે પલંગ નીચે જોયુ તો તેને પાણીની બોટલ પલંગ નીચે દેખાઇ. હવે તેને કાંઇક હાશકારો થયો અને મનમાં ઉદભવેલી શંકા કુશંકાઓને ખંખેરી નાખી તેણે પાણીની બોટલને બહાર કાઢી અને એક જ ઘુંટમાં પાણીની આખી બોટલને પુરી કરી દીધી. આટલુ પાણી પીવા છતા પણ તેનો શ્વાસ હજુ અધ્ધર જ હતો. તેને બરોબર યાદ હતુ કે પાણીની બોટલ તો બેડની બાજુમાં ટેબલ પર વ્યવસ્થિત રાખી હતી તો અચાનક આમ બોટલ પડી કેમ? ઘરમાં ઉંદર તો હતા નહી કે તે બોટલ પાડે તો પછી બોટલ પડી કેમ તે વિચારે ઊંચા શ્વાસ ભરતી મેઘના પલંગ પર બેઠી ત્યાં અચાનક તે સફાળી બેઠી થઇ ગઇ. તેને થોડી વાર પહેલાનું પલંગ નીચેનું દ્રશ્ય યાદ આવી ગયુ અને તે પલંગ નીચે જોવા માટે ઝુકી તો પલંગ નીચે તેને ચાવીનો એક જુડો દેખાયો.

ખુબ જ જુનવાણી જમાનાની ચાવીઓ હતી અને સાથે પુરાતન કહી શકાય તેવા જુડામાં તે ચાવીઓ ભરાવેલી હતી. તેણે તે ચાવીના ઝુડાને નીચેથી લઇ લીધો અને પોતાના હાથમાં લઇ તેને નીહાળવા લાગી. “મેઘના બેટા તને કહ્યુ છે ને કે આ ચાવીના જુડાથી તારે રમવાનુ નથી.” “પણ પપ્પા તમે જ કહો છો કે આ નકામી ચાવીઓ છે તો પછી મને કેમ રમવા દેતા નથી?” “ના બેટા, એ નકામી ચાવી ભલે હોય પણ તેનાથી રમવાનુ નહી, તારે રમવા માટે રમકડાની ક્યાં તાણ છે તે આ નકામી ચાવીઓની પાછળ પડી છે?”

ચાવીના એ જુડાને જોઇ મેઘનાને પોતાના બાળપણની વાતો યાદ આવી ગઇ. ચાવીનો એ જુડો હંમેશા બેડરૂમમાં સ્વીચબોર્ડની બાજુમાં જ લટકાયેલો રહેતો. તેને એ જુડાથી રમવુ બહુ જ ગમતુ પણ તેના પપ્પા તેને ક્યારેય એ ચાવીના જુડાથી રમવા દેતા જ નહી. ભૂલથી પણ ક્યારેક રમવા લઇ લે અને તેના પપ્પા જોઇ લે તો આખુ ઘર માથે લઇ લેતા. મેઘનાને ઘણી વખત પ્રશ્ન થતો કે જો આ ચાવીઓ નકામી જ છે તો પછી તેને સાચવીને શું ફાયદો છે? તે આ પ્રશ્ન ઘણી વખત તે પોતાના મમ્મી પપ્પાને પુછ્તી પણ ક્યારેય તેને સંતોષકારક ઉત્તર મળતો જ નહી. “તુ નાની છે.” એમ કહી તેઓ આ વાતને ટાળી દેતા.

પછી તો મેઘનાએ પણ ચાવીના રહસ્ય વિષે પુછવાનું બંધ કરી દીધુ હતુ. આટલા વર્ષોથી તેણે ક્યારેય આ ચાવીઓ કે જુડા વિષે વિચાર્યુ ન હતુ પરંતુ આજે અચાનક આમ ચાવીઓનો જુડો તેની સામે આવતા તેના વિચારો ગતિમાન થઇ ગયા હતા કે નક્કી આ ચાવીઓના જુડાનું કાંઇક તો રહસ્ય છે જ, જે મૃત્યુપર્યંત તેના માતાપિતાએ તેનાથી છુપાવ્યુ હતુ.

આ બાજુ તેના વિચારો ગતિમાન હતા અને બીજી બાજુ તે એ પુરાતન ચાવીઓને ફેરવી ફેરવીને જોતી હતી. જુડામાં અલગ અલગ આકાર અને સાઇઝની દસ ચાવીઓ હતી. ચાવીઓમાં ચિત્ર વિચિત્ર આકૃતિઓ અંકિત થયેલી હતી. આટલા વર્ષો વિતવા છતા પણ ચાવીઓ હજુ જેમની તેમ જ હતી, તેમાં જરા પણ કાટ વાગ્યો ન હતો.

મેઘના એકધ્યાને ચાવીઓને જોવામાં તલ્લીન હતી ત્યાં અચાનક જ જુનવાણી ઘડિયાળના ટકોરા વાગવા લાગ્યા. બે ટકોરા વાગ્યા ત્યાં મેઘનાને ખબર પડી કે રાત્રીના બે વાગ્યા છે.

“ઓહ, માય ગોડ. હું પણ શું આવુ વિચારી રહી છુ. કેટલાક લોકોને જુની વસ્તુઓ સાચવાનો શોખ હોય છે. કદાચ મમ્મી પપ્પાને પણ આવો શોખ હશે. નાહક ખોટા સાચા વિચારોમાં ” તેને લાગ્યુ કે ખોટો સમય બગાડી રહી છે. તે ચાવીનો જુડો પાણીની બોટલ પાસે મુકીને પથારીમાં લાંબી થઇ.

એક લાંબા વાળ વાળી એક સ્ત્રી ઘુમ્મટ તાણીને ચાલી જઇ રહી તેનો સાડીનો છેડો સળગી રહ્યો. મેઘના બુમ પાડવાની ખુબ જ કોશિષ કરી રહી હતી પરંતુ તેનો અવાજ જ બહાર આવી શકતો ન હતો. મેઘના સ્ત્રીથી ખુબ જ નજીક પાછળ જ હતી. પરંતુ તે સ્ત્રીને પકડી પણ શકતી ન હતી. તે સ્ત્રી ધીરે ધીરે આગળ વધતી જતી હતી. થોડુ ચાલી ત્યાં એક ભવ્ય દરવાજો દેખાયો જેમા એક જુનવાણી રાજાશાહી તાળુ લગાવેલુ હતુ. તે સ્ત્રીએ પોતાની કમરે ખોસેલો ચાવીનો જુડો કાઢ્યો અને તેમાંથી એક ચાવીની મદદથી તેણે દરવાજો ખોલ્યો અને તે અંદર જતી રહી. મેઘના પણ તેની પાછળ અંદર જવા ગઇ ત્યાં ધડામ કરતો દરવાજો બંધ થઇ ગયો ત્યાં અચાનક જ મેઘનાની ઊંઘ ઊડી ગઇ.

મેઘના એકદમ સુનમુન બની પથારીમાં ઘડીભર બેસી રહી. વિચારોનો વેગ થંભી ગયો હતો. આંખો ચારે દિશામાં ફેરવતી તે બધુ બાઘાની જેમ નીહાળી રહી હતી. પરસેવાના બીંદુઓ તેના કપાળેથી ઉતરી આવ્યા હતા. થોડીવાર રહી તેણે ઘડીયાળમાં જોયુ તો સાત વાગી ચુક્યા હતા.

“આ સ્વપ્ન હતુ કે પછી મારા મનના વિચારો ફક્ત? પેલી સ્ત્રી પાસે એ જ ચાવીનો જુડો હતો જે રાત્રે મે જોયો. સવારનુ સપનુ !! મેઘનાના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. સવાર સવારમાં આવુ સપનુ કેમ આવ્યુ? સવારના સપના સાચા પડે છે. વાહિયાત વાતો સવારના સપના સાચા પડે. મોડી રાત સુધી ચાવીના જુડા વિશે વિચાર્યુ એટલે આવુ વિચિત્ર સપનુ તેને આવ્યુ. તે ચાવીના જુડાના અને સ્વપ્નના બધા વિચારોને પડતા મુકી ફ્રેશ થવા ગઇ ત્યાં અચાનક જ ફોનની રીંગ વાગી.

શુ હશે આ ચાવીના જુડાનુ રહસ્ય? મેઘનાના માતા પિતાએ કેમ આટલા વર્ષો સુધી ચાવીના જુડા વિષે સત્ય છુપાવ્યુ? આ ચાવીનો જુડો ખાલી શોખ માટે સાચવ્યો હતો કે તેની પાછળ કોઇ રહસ્ય છે? આ બધુ જાણવા માટે તો બીજો ભાગ વાંચવો જ રહ્યો.

વધુ આવતા અંકે..................

શું છે આ ચાવીના જુડા પાછળનો ભેદ? મેઘના તેને ઉકેલી શકશે કે નહી??? કોઇ છુપી શક્તિ છે કે પછી નકારાત્મક ઉર્જા આ ચાવીના જુડાના રહસ્ય પાછળ???

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED