Vruddha ni vyatha books and stories free download online pdf in Gujarati

વૃદ્ધા ની વ્યથા


આ ઘટના છે વર્ષ ૨૦૦૮ ની આસપાસની. અમદાવાદમાં આવેલ ના-ના પ્રકારની પોળોમાંની એક પોળની. વાત છે, ત્યાં બનેલ એક સત્ય ઘટનાની. પોળમાં આવેલ દરેક ઘર એકબીજાને અડીને હોય. આંગણું માત્ર નામનું! બે ડગલાં મૂકો ત્યાં તો બીજાનું ઘર શરૂ. પોળમાં આવેલ મકાનની દિવાલો, ધાબા, ગલીઓ, રસ્તા બધા એકબીજાથી સટીને હોય..! અમારું ઘર પણ એવું આ વાત છે અમારા પાડોશમાં રહેતા એક વૃદ્ધાની.
પાડોશમાં આવેલા મકાનમાં બે ડોશીઓ રહેતી. બંને ડોશીઓ સંબંધમાં નણંદ ભાભી... નણંદ નું નામ ઢબુ ફઈ અને તેમની ભાભી નું નામ નાથીબેન. નાથીબેન ને બધા ‘નાથી ડોશી’ કહેતાં. નાથી ડોશી પોતાના સૌથી નાના દિકરા દીપકભાઈ સાથે રહેતી. ઉંમર લગભગ સત્તાવન એકવર્ષ હશે. ઢબુ ફઈની ઉંમર આશરે ૮૪ ૮૫ વર્ષ હશે. નાથી ડોશી લગભગ ૯૭ - ૯૮ વર્ષની. નાથી ની નણંદ ઢબુ ફઈના જુવાનીમાં લગ્ન થયા હતા. પહેલા લગ્નમાં તેમનો પતિ ખેતરમાં સાપ કરડવાથી પરલોક સિધાવી ગયો. પછી બીજા લગ્ન થયેલા ત્યારે તેનું અકસ્માતમાં મૃત્યુ થયું. બીજા લગ્નથી ઢબુ ને પાંચ સંતાનો. પાંચ માંથી બે દીકરીઓને અમદાવાદ બહાર પરણાવી દીધેલ અને ત્રણ દીકરાઓનો પણ ઘર સંસાર માંડી આપ્યો. વૃદ્ધ થતાં ઢબુ ફઈને અને ત્રણેય દીકરાઓમાંથી કોઇપણ રાખવા તૈયાર ન હતાં. તેમના કુટુંબીજનોએ સભા બોલાવી ને તેમનો ફેસલો કરવાનું નક્કી કર્યું. બધાની સંમતિથી ઢબુ ફઈને દરેક પુત્રના ઘરે તેમજ તેમના ભાઈ ભાભી ના ઘરે ત્રણ ત્રણ મહિના રાખવા કહ્યું. ત્રણેય પુત્રો તથા ભાઈ ભાભી ના ઘરે વારાફરતી ત્રણ મહિના રાખવાનો નિયમ બંધાયો. છોકરાઓ અને તેમની વહુઓ વૃદ્ધાને રાખે તો ખરી, પણ નોકરાણી કરતાંય ભૂંડા હાલ માં..! જમવાનું આપે પણ એંઠુંએકઠું કરેલું. નોકર કરતાં પણ વધારે કામ તેમની પાસે કરાવે. તે મૂંગા મોંઢે આ બધું સહન કરતા, કોને કહેતા, આ વ્યથા?? તેમની આવી દશા કરનાર તેમના પોતાના જ દીકરાઓ ને તેમની વહુઓ જ હતી. ત્રણેય દીકરાઓને ત્યાં ત્રણ ત્રણ મહિના પૂરા કર્યા બાદ તેમના ભાઈના ઘરમાં રહેવાનો વારો આવ્યો. ઢબુ ફઈનો ત્રીજા નંબરનો દીકરો પોતાની માંને તેના મામાના ઘરે મૂકી ગયો.
પોતાની નણંદ ઢબુ ફઈને ત્રણ મહિના રાખવી પડશે, તે વાતથી નાથી ડોશી પહેલાથી ગુસ્સે ભરાયેલી - ચીડાયેલી હતી અને પોતાના ઘરમાં નાથી અને તેનો નાનો દીકરો દિપક ક-મને રાખવા મજબૂર હતા. નાથી ડોશી ઢબુ ફઈ પ્રત્યે ઈર્ષા, ઘૃણા રાખતી હતી. તેને બોજ સમજતી હતી. તેમને જમવાનું પણ ન હતું આપતી. તેમને લાકડીઓથી માર મારતી. એ પછી છેવટે તે ગાંડી થઈ ગઈ. તેને કપડાં પણ પહેરવા ન આપતી. મારી મારી ને તેનું માથું ફાડી ને એક નાનકડી કોટડીમાં પૂરી દીધી. કોટડી ને નામે ધાબા પર જતી સીડીઓના નીચેની જગ્યા હતી. તેમાં ભંગાર ભરેલું હતું ને એક પતરાની આડ કરીને દોરીથી બાંધી દરવાજા ની જેમ ઊભું કરવામાં આવ્યું હતું. ઢબુ ફઈને મારીને તેની અંદર પૂરી દેતી. નાથી ડોશીનું આ નિત્યક્રમ બની ગયું હતું.
અમે આ પોળમાં નવા રહેવા આવ્યા હતા. પરિણામે આ બધું અમારા માટે સખત આઘાતજનક હતું. એક સ્ત્રી થઈને નાથી ડોશી આટલી ઉંમરમાં પણ પોતાની જ સગી નણંદની સાથે આવો દુર્વ્યવહાર કરતી, એ વાતથી અમે અચંબામાં હતા. આ બધું જોવું અમારા માટે અસહ્ય હતું. મેં એ નાથી ડોશીનો હાથ પકડ્યો, તેને તેના ઘરમાં લઈ ગઈ. તેમને બેસાડી ને આવું વર્તન કેમ કરો છો? તેનું કારણ પૂછ્યું.
“ઢબુ ફઈ ડાકણ છે, તેના બબ્બે વાર લગ્ન થયા. બંનેને ખાઈ ગઈ. મારું ઘર બગાડવા આવી! મારા પતિ ને એટલે કે તેના ભાઈને પણ ખાઈ ગઈ. અમારે આનું ગાંડપણ સહન કરવાનું ને પાછું એને ખાવાનું એ આપવાનું મરતીય નથી.”
આ સાંભળી હું દુઃખી થઈ ગઈ ને ડોશીને ચા બનાવીને પીવડાવી અને શાંત પાડી. શાંત રહી પણ અમુક જ ઘડી !
રાત દિવસ બંને ડોશીઓ ના અવાજ કામ કાનમાં હથોડાની જેમ વાગે. અમારા માટે આ બધી વસ્તુ સહન થાય તેવી ન હતી. એક ડોશી મારે ને બીજી માર ખાતા ખાતા બૂમો પાડે. પોળમાં રહેતા બધા લોકોની જેમ અમે પણ હવે તેમાં વચ્ચે પડવાનું છોડી દીધું હતું.

જો પરિસ્થિતિ ન બદલાય તો તેમાં ભળી જવું પડે, એ જ સંસારનો નિયમ છે ! એ જ કર્યું. પણ એક દિવસ નાથી ડોશીને પોતાના મોટા દીકરા ના ઘરે જવાનું થયું, તે તેના ઘરને તાળું મારીને ઢબુ ફઈને પેલી નાનકડી કોટડીમાં પૂરી ને નીકળી ગઈ.
થોડીવાર પછી ઢબુ ફઈએ કોટડીના દરવાજાની આડમાં રહેલ જગ્યામાંથી હાથ બહાર કાઢ્યો, દોરી બાંધી હતી તેને ખોલી, દરવાજા ના નામે જે ઉભો પતરો હતો, તેને ખસેડીને બહાર આવી. પતરાનું કરકરો અવાજ આવતાં હું પણ બહાર આવી, તેણે પીવા માટે પાણી માગ્યું. પાણી પીધા બાદ જમવા માટે ઇશારો કર્યો. ત્યારે મેં ઢોકળા બનાવ્યા હતા, શાક રોટલી હતું નહીં એટલે મેં પૂછ્યું કે ઢોકળા ચાલશે? શાક રોટલી નથી. તો તેણે પ્રત્યુત્તર આપ્યો, “હા ચાલશે ભૂખ લાગી છે.”
પ્લેટ ભરીને ઢોકળા આપ્યા, તે ત્યાં જ નીચે બેસીને ઢોકળા આરોગી રહી. તેની વાત પરથી લાગતું નહતું કે તે ગાંડી છે?! ખાધા પછી તેણે મારી તરફ જોયું અને બોલી :
“મેં મારા પતિ...બંને પતિ ને નથી માર્યા ન મારા ભાઈ ને માર્યો. મારી આવી દશા મારી ભાભીએ કરી છે. હું ગાંડી નથી, પણ મને કપડાં પહેરવા નથી આપતી, જમવા નથી આપતી, માર મારે છે ખૂબ જ. હું જુવાન હતી ત્યારે ઘરમાં સૌથી સુંદર અને સૌની લાડકી હતી.
મારા મોટાભાઈ મને વહાલથી રાખતા હતા. કોઈ પણ ચીજવસ્તુ આવે તો પહેલા મને આપે ને પછી જ ભાભી ને લાવી આપે એનો બદલો લઈ રહ્યા છે ભાભી મારી સાથે, મારો શું વાંક હતો?” ને ઢબુ ફઈ રડી પડ્યા.
તેમની આટલી વાત જાણીને, તેમને જોઈને થોડીક વાર સુધી તો અમે પણ સ્તબ્ધ હતા.
નાથી ડોશી સાંજે પાછી ફરી અને ફરીથી એ જ રામાયણ ચાલુ ઢબુ ફઈને મારે ને જમવાનું ન આપે, તે બૂમો પાડે રડે, નાથી ડોશી ગાળાગાળી કરે અને આખી પોળ ગૂંજવી નાખે. અહીંના લોકોની તો ટેવ પડી ગઈ હતી, પણ અમારાથી આ બધું જોવાતું ન હતું. એ નાથી ડોશી સહેજ આગળ પાછળ થાય ને મારી મમ્મી ઢબુ ફઈને ચૂપચાપ જમવાનું આપી આવે તેમની એ કોટડીમાં કેટલાય દિવસો સુધી આવી રીતે ચાલ્યું! મારી મમ્મી તેમને ચૂપચાપ જમાડી દેતા.
ત્રણ મહિના પૂરા થયા...નાથી ડોશી નો દીકરો દિપક એની ઢબુ ભાઈને લઇને તેમના મોટા દીકરાના ઘરે મૂકી આવ્યો. ત્રણ મહિના સુધી પોળમાં જે રાડારાડ થતી હતી હવે ત્યાં અચાનક સન્નાટો વ્યાપી ગયો.
(સત્ય ઘટના પર આધારિત...પાત્રોના નામ ઠામ બદલેલ છે.)
આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED