Pabiben...the image of hard work... books and stories free download online pdf in Gujarati

પાબીબેન...મહેનતની મૂરત...

પાબી બેન......આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું તેનું કારણ... તેઓ કેબીસીના કર્મવીરના એપિસોડમાં આવ્યા અને વિશ્વ ભરમાં તેઓ વધુ પ્રખ્યાત થયા, તેમની નામનામાં ઓર વધારો થયો. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે પણ પબીબેન એ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમના નામનો ડંકો વાગે છે. તો ચાલો, આજે જાણીએ પાબીબેનના જીવનચરિત્ર વિશે, તેમના સંઘર્ષ વિશે, તેમને કરેલા અથાગ પ્રયત્નો અને તેમના સાહસો વિશે…

પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાના એક નાનકડા ગામ કુકડસર ગામે થયો હતો. જ્યાં પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમના ઘરના મોભી, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી માતાને આર્થિક ટેકો આપવા લાગ્યો અને એ જ સમયે પાબીબેને ભરતકામ કરવાનું શરૂ કર્યું અને 18માં વર્ષે પાબીબેનના લગ્ન કરી દેવાયા. રબારી સમાજના આગેવાનોએ કેટલાંક કારણોસર વર્ષ 1990ના દાયકામાં ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો. અને આ સમયે પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાના કપડાં બનાવવાનું શરૂ કર્યું જે કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવા લાગી.
આજ સમયનો ઉપયોગ કરીને પાબીબેને ‘હરી જરી’નો ઉપયોગ કરી પોતાના માટે બેગ બનાવી અને કચ્છ આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી. અને તે બેગને નામ અપાયું ‘પાબીબેગ’. વર્ષ 2003થી પાબીબેગ્સપ્રચલિત બની. પાબીબેનની બેગ્સ હોલિવૂડની ફિલ્મ ‘ધ અધર એન્ડ ઓફ લાઈન’માં એક્ટ્રેસને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવી છે. અને ત્યારબાદ બોલિવૂડની ફિલ્મ્સ માટે પણ પાબીબેનની બેગ્સનો ઓર્ડર મળવા લાગ્યો.

તો વિદેશોમાં યોજાતા ક્રાફ્ટ મેળામાં ઘણી વખત ભાગ લઇ ચૂક્યા છે અને આપણા દેશનું નામ રોશન કરી ચૂક્યા છે.ખરેખર, માનવામાં ન આવે, કે એવા ગામની મહિલા કે જ્યાં પાકા મકાનો પણ ન હોય, ના હોય કોઈ ડીગ્રી કે ટેકનોલોજી સાથેનો તાલમેલ, તેવા ગામની એક મહિલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી રહી છે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે, સાથે જ એવા ધ્યેય સાથે કે અન્ય કારીગરોને પણ સફળતા મળે અને તેઓ આગળ આવે. પાબીબેન પોતે તો ભણી ન શક્યા પણ પોતાના દીકરાને આજે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે જેથી તેમની આવનારી પેઢીને તેમના જેવો સંઘર્ષ ન કરવો પડે. અહીં મમતાની મૂરત નું જીવંત ઉદાહરણ પાબી બેને પૂરું પાડ્યું છે. એક માં તરીકે પણ તેમણે પોતાના સંતાનોના સારા ઉછેર માટે કાઠું પરિશ્રમ કર્યું.
ખરેખર, આવી મહિલા આજે સમાજની કેટલીયે મહિલાઓનો પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

કાર્યદક્ષતા, મહેનત, ઉમંગ, જુસ્સો, ઉત્સાહ અને સાહસનું સમન્વય એટલે પાબીબેન રબારી...

નમન છે આવી નારી ને જેણે સમાજમાં કઈક કરી બતાવ્યું છે. તેમના આ સંઘર્ષને જોઈને મને એક જ શ્લોક યાદ આવે છે.
नारी अस्य समाजस्य कुशलवास्तुकारा अस्ति।
ભાવાર્થ
મહિલાઓ સમાજની આદર્શ શિલ્પી છે.

આપનો પ્રતિભાવ અવશ્ય આપો તેવી આશા સાથે આપ સૌનો ખૂબ આભાર કે આપે આ લેખ વાંચ્યો. આપનો સાથ અને સહકાર આપીને આપના અમૂલ્ય પ્રતિભાવોનું પ્રદાન કરશો તેવી આશા સહ આપનો ખુબ ખુબ આભાર...સાથે મારા વાચકોને વિનંતી છે કે આપ આગળ બીજા લેખ માં કેવી અને શું માહિતી જાણવા ઈચ્છો છે તે પણ જણાવશો...તથા કોઈ જીવનચરિત્ર કે આત્મકથા જણાવવા માટે પણ મને સંપર્ક કરી શકો છો. (નોંધ: જીવનચરિત્ર/આત્મકથા સંપૂર્ણ સત્ય હોવું જોઈએ તથા તેમાંથી લોકોને બોધ પાઠ, સલાહ કે માર્ગદર્શન મળી રહે તેવું હોવું જોઈએ, ન કે કલ્પનાશીલ. તેમજ ખોટી બનાવટને ધ્યાનમાં લેવામાં નહીં આવે.)

વર્મા કામિની
પત્રકાર
સંપર્ક : kaaminiverma2016@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો