Shakmand books and stories free download online pdf in Gujarati

શકમંદ - લઘુ કથાઓ

નમસ્કાર મિત્રો, આજે આપ સહુની સમક્ષ હું લઇને આવી છું મારી પ્રથમ લઘુ કથા..શોર્ટ સ્ટોરી..આશા છે આપ સહુ તેને પસંદ કરશો.
અમદાવાદ શહેરમાં આવેલ લાલ દરવાજા વિસ્તાર. બસોના અડ્ડા પર માણસોની ભીડ કંઈ કમ ન હતી. સામાન્ય દિવસોમાં પણ ત્યાં ઘણી ગિરદી જોવા મળે. બસોની અવરજવર થતી હોય ચારે બાજુ જુદા જુદા અવાજો વાતાવરણમાં નોઈસ પોલ્યુશનની ટકાવારીમાં વધુ ઉમેરો કરી રહ્યા હતા. પાંચ નંબરના બસ સ્ટોપ પર રોજની જેમ કોલેજ જવા માટે બસની રાહ જોઈને બેઠેલી યુવતી પોતાની કાંડા ઘડિયાળમાં વારંવાર સમય જોઇને બસ આવવાની દિશા તરફ નજર ફેરવી રહી હતી. તે યુવતીનું નામ ‘પરી પારેખ’. દેખાવમાં ચળકતો ચહેરો, નમણી આંખો, આછા ગુલાબી હોંઠ, ખુલ્લા વાળ અને ચહેરા પર લેટ થઈ જવાની ચિંતિત રેખા. પંજાબી ડ્રેસમાં તે વધુ સુંદર લાગી રહી હતી. આખરે તેની પ્રતીક્ષાનો અંત આવ્યો. તેની બસ આવી પહોંચી. પોતાનો સ્ટડી બેગ લઈને ઝટપટ ઊભી થઈને ભીડની વચ્ચે થી બસમાં ચડવા લાગી. જેમતેમ બસની અંદર પ્રવેશી ગઈ પણ બસ હાઉસફુલ નહીં ઓવરફુલ હતી. બેસવાની જગ્યા તો દૂરની વાત રહી ઊભા રહેવા માટે પણ જગ્યા કંઈ ખાસ બચી ન હતી. આટલી ગીર્દી હોવા છતાં તે બસની ભીડ માં ઊભી રહી ગઈ. ડ્રાઇવર એ ઘંટડી વગાડી ને બસ દોડાવી મૂકી. તે પોતાનામાં જ ખોવાયેલી હતી તેને આજુબાજુમાં કોણ ઊભું છે? શું વાત કરે છે? તેનાથી કોઈ જ નિસબત નહોતી. બસની સીટ પકડીને ઊભેલી પરી ના હાથ પર અચાનક એક વ્યક્તિએ હાથ મૂક્યો ને પકડ બનાવી. તેણી એ તરત જ તે વ્યક્તિ સામે જોયું અને પોતાનો હાથ ખસેડી લીધો. આ વાતને એક સામાન્ય વાતની જેમ જ લીધી હતી. તે અજાણ હતી કે એ માણસથી, એ વ્યક્તિથી તે ફરીથી મળશે?. તેનો આ રોજનો ક્રમ હતો. રોજની જેમ જ તે બીજા દિવસે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી.ક્ષણભર પછી તેની થોડી નજીક એક વ્યક્તિ આવીને ઊભો રહી ગયો. તે તેણીથી માંડ થોડા જ અંતરે ઊભો હતો ને એ તેને એકીટશે જોઈ રહ્યો હતો. તે તો પહેલાંની જેમ જ પોતાની ધૂનમાં બસની રાહ જોતી બેઠી હતી. એ યુવક સહેજ તેની પાસે આવવા લાગ્યો એટલામાં જ બસ આવી ગઈ અને તે બસમાં ચડી ગઈ, તે યુવાન પણ તેની પાછળ પાછળ બસમાં ચઢ્યો તેની બાજુમાં ઊભો રહી ગયો. એ સમય તેણીએ જોયું તો બાજુમાં એ જ ઊભો હતો જેણે ગઈકાલે..પાછલા દિવસે તેના હાથ પર હાથ મૂકીને બસની સીટ ની પકડ કરી હતી. તેણીએ આ બનાવને પણ સામાન્ય ગણીને રૂટિન માનીને અવગણી દીધી કેમ કે એ બસમાં તેની જેમ જ રોજબરોજ જનાર એવા કેટલાય મુસાફરો હશે. કોલેજ પાસેનો સ્ટોપ આવતાં તે ઊતરી ગઈ. પાછળ યુવક પણ ઊતર્યો અને તે તેણીને તેની કોલેજ માં જતી જોઈ રહ્યો હતો. ફરી ત્રીજા દિવસે એ જ રૂટિન પ્રમાણે તે બસ સ્ટોપ પર હતી અને ત્યાં તો તેણે ફરી એ યુવકને પોતાની સામે ઊભેલો જોયો. પેલાએ તેણી સામે જોઈને સ્મિત ફરકાવ્યું ને તેની પાસે, તેની નજીક આવવા લાગ્યો. પરી સાથે આવી ઘટના પ્રથમવાર ઘટી રહી હતી, એ ગભરાઈ ગઈ પરસેવો છૂટી ગયો ને તરત જ બૂમ પાડી બેઠી કે બચાવો ....બચાવો... આ છોકરો બે ત્રણ દિવસથી મારો પીછો કરી રહ્યો છે. બસ આટલું સાંભળતા જ અમદાવાદની ગરમ લોહીની ગરમ મિજાજ પ્રજાએ પોતાની બધી ગરમી એ યુવક પર વરસાવવાની શરૂ કરી દીધી. ભેગાં થયેલા ટોળાએ યુવકને (એમના મતે?) મેથીપાક ચખાડ્યો. છોકરાના કપડાં ફાટી ગયા. તે બૂમો પાડતો હતો, ‘મારી વાત સાંભળો.. મારી વાત સાંભળો... મને ન મારો’. પણ સમાજમાં આવા ટોળાઓ જાણે સામાજિક કાર્યકર્તા હોય અને સમાજની ગંદકી કે આતંકવાદનો સફાયો કરી રહ્યા હોય તેમ એટલા જોશથી તેને ફૂટી રહ્યા હતા. પરીએ તેની ચીસો સાંભળી અને તેણે જ એ યુવકને છોડી દેવા કહ્યું. ટોળાએ મારવાનું બંધ કર્યું. એ યુવક જમીન પર ફાટેલા કપડાંમાંથી લોહી નીતરતી હાલતમાં લથડિયા ખાતો ઊભો થયો. પોતાના કપડાં સરખા કરીને પેન્ટના ખિસ્સામાંથી આમતેમ કંઈક શોધવા લાગ્યો. તેનું પાકીટ તેની બાજુમાં પડયું હતું, એ તેણે ઉઠાવ્યું અને પાકીટ ખોલીને તેમાંથી એક મીની સાઇઝનો ફેમિલી ફોટો કાઢીને બતાવતા કહ્યું, “આ મારી ફેમિલી છે, મમ્મી પપ્પા હું અને મારી નાની બહેન પંખુડી. ગયા વર્ષે તે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. તમારો ચહેરો હુબહુ મારી બેન પંખુડી જેવો જ છે! તમને જ્યારે જોયા તો મને લાગ્યું કે પંખુડી ઊભી છે મારી પાસે.??! તમને કોલેજ સુધી સેફલી મુકવા માટે પ્રયત્નશીલ હતો. મારી બહેનને ખોઈ ચૂક્યો હતો પણ તમારા રૂપમાં એ ફરી મળી એટલે હું તેને ફરીથી ગુમાવવા ન’હોતો માંગતો મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો બેન”. ત્યાં તો પરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ટોળા માં રહેલા લોકો યુવકની વાત સાંભળીને ત્યાંથી વેરવિખેર થઈ ગયા. યુવક ત્યાંથી લંગડાતો લંગડાતો પાછો જઈ રહ્યો હતો અને ભીંજાયેલ આંખે તેને જોઇ રહી.
સમાજમાં બનતી અનેક અસામાજિક ઘટનાઓનું દુષ્પરિણામ આ જ છે કે આજે દરેક વ્યક્તિ શંકાશીલ બની ગયો છે. નિર્દોષ માણસને પણ શંકાસ્પદ દ્રષ્ટિએ જોતાં હોય છે. તેને ગુનેગાર સમજીને અસભ્ય અસામાન્ય વર્તન કરી બેસતા હોય છે. ક્યાં સુધી સમાજમાં સામાન્ય નિર્દોષ માણસોનો ભોગ લેવાશે? ક્યાં સુધી આપણે અમાનવીય વર્તન કરીને બીજા સાથે અન્યાય કરીશું? શું આપણે આવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર નથી જણાતી?? વિચાર કરજો જરા?!!

આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED