Aatmadahan books and stories free download online pdf in Gujarati

આત્માદહન

"ક્યાં ગઈ હતી” હું ગુસ્સાથી લાલપીળો થતો બોલ્યો.

“મુકેશ તું પાછો ચાલુ થઇ ગયો ?” મીતા હળવાશથી બોલી.

“પાછો ચાલુ થઈ ગયો મતલબ?” હું જરા ઊંચા સ્વરેથી બોલ્યો.

“તને ખબર તો છે જગત કેવું હરામી થી ગયું છે.” હું હવે સ્વસ્થ થઈને બોલ્યો.

“મુકેશ પતી સંભાળ રાખે તે દરેક સ્ત્રીને ગમે પરંતુ આ તો વધારે પડતું કહેવાય.આખી દુનિયાની સ્ત્રીઓ બધે મુક્તરીતે ફરે છે. શું નથી ફરતી?” મીતા હસતા મુખે બોલી.

“તું ભોળી છો એટલે તને ન ખબર હોય બહાર પુરુષો બેલગામ ઘોડા જેવા નહીં પરંતુ ભૂખ્યા વરુ જેવા હોય છે. રોજે રોજ ન થાય પરંતુ ક્યારેક પણ કંઈ ઘટના ઘટે તો?” હું ચિંતાવશ બોલ્યો.

“વેવલો થામાં.તને ડર છે હું કોઈની સાથે સંકળાઈ જઈશ?” મીતા ગુસ્સે ભરાઈ.

“ ના રે નાં એવી તો વાત જ નથી. પરંતુ ટીવી કે અખબારમાં એવું કશું જોઈએ તો ડર લાગે છે. ધોળે દીએ સ્ત્રીઓની આબરૂ લુંટાય છે.”

“એવા કોઈ હરામજાદાની હિંમત તો થાય. ટાંટિયા તોડીને હાથમાં નો આપી દઉં” મીતા આત્મશ્રદ્ધાથી બોલી.

આટલું સંભાળતા વેંત જ મારા મનમા ઘણી જૂની યાદો ઉભરાઈ આવી. મીતાનું વહેણ મને કાંટા માફક ખુચવા લાગ્યું. હું આ વાતનો શું જવાબ આપું. આમ જુઓ તો ભૂતકાળ કાયમ માટે વર્તમાન રહે છે. તે કોઈને એકલો પડવા જ નથી દેતો. હું ગભરાયો. મારે જે વાત યાદ નો હતી કરવી તે જ મારી સામે આવે છે. તેથી હું ખીજે ભરાયો.

“ આ તો કોઈ રીત છે? આ મોહિનીમાં થોડા સંસ્કાર નાખ. જો તો ખરા કેવી રીતે બેઠી છે.” હું ખિજાયો.

“તે હજી ચાર વર્ષની છે મુકેશ! શું આપણી દીકરીને આપણા જ ઘરમાં કાયદાથી રહેવું પડે? તું સાવ પાગલ છો.” મીતા ગુસ્સે ભરાઈ

“સાચું કશું તો મને તમારી બંનેની ચિંતા થાય છે.”

“ એટલી બધી ચિંતા થતી હોય તો એક ભાઈને પણ જન્મ આપી દઈએ. તે મોહીનીનું ધ્યાન રાખશે.” મીતાએ ટપલી મારતા કહ્યું.

“કદાચ બીજું સંતાન પણ દીકરી હોય એવા ડરના કારણે હું બીજું સંતાન રેહવા નથી દેતો. તે વાતની તને પણ ખબર છે.” હું લગભગ સ્વયં સાથે વાત કરી રહ્યો હતો.

“ તો શું આખી જિંદગી મોહિનીની પાછળ પાછળ ફરતા રહેશો?” મીતા બોલી.

હું અવાક હતો. મેં કશો જવાબ ન આપ્યો. તે કેટલી હદે સચી વાત હતી તે મને ઉમર નાં આ પડાવે સમજાય છે. શું હું આખી જીંદગી તેની પાછળ પાછળ ફરી શકીશ? જો એવું હોત તો આજે અ ઘટના બની જ ન હોત.હું ફરી સ્મૃતિઓમાં વિસ્મૃત થી ગયો.

“ હવે તો કૈંક ધ્યાન આપ. હવે દીકરી મોટી થવા લાગી છે.” હું દીકરી મોટી થતા તેના વસ્ત્રનાં કદથી વધારે તેના ખીલેલા યોવનથી પ્રેશન હતો.

“પણ હવે શું થયું?” મીતા તેના અંદાઝમાં બેફિકરી થઈને બોલી.

“તારી દીકરી હેવે નાની નથી રહી. આમ શેરી ગલી ના છોકરાઓ સાથે રમવા દેવાય?”

“તો વળી થઇ શું ગયું? તે હજી ચૌદ વરસની છે. નથી કંઈ ભડભાદર થી ગઈ.બાળક બાળક સાથે ન રમે તો શું તમારી સાથે રમવાનું? મીતા હસી

“તને કોઈ વાતનો ફર્ક જ નથી પડતો. જગત બહુ ખરાબ છે. ને શું ખબર પડે.” મેં છણકો કર્યો.

“ મને તો એટલી જ ખબર પડે કે આપ ભલા તો જગ ભાલા બસ.” મીતાએ આંખ મીંચીને કહ્યું.તે જાણતી હતી કે હવે પછીનું મારું વર્તન કેવું હશે.

હું ઉભો થઈને ચાલવા લાગ્યો. હું દીકરીને ફોસલાવીને ઘેર પછી લાવવા માટે હું નીકળી પડ્યો. કાશ આજે પણ મેં આવું જ કર્યું હોત તો સારું હોત. મારી સફેદ પાપણ તે દ્રશ્ય યાદ કરતાં જ પલળી ગઈ. આમ તો હું ક્યારેય પણ અફસોસ નહોતો કરતો. પરંતુ આજે તે સિવાય હું બીજું શું કરી શકું તેમ સમજાતું નથી. મેં દીકરી માટે કેટલીક સાવચેતી રાખી હતી. તેને આત્મરક્ષણ માટે તાલીમ આપવી હતી. તે જરા સમજણી થઇ એટલે તરત જ મેં મીતાને ભાવપૂર્વક કહી દીધું કે જેમ બને તેમ પહેલાં દીકરીને જિંદગીનો ઢંગ શીખવાડી દે. આમ પણ કડવું દાતણ તો મા જ આપે ને?

દીકરી કોલેજ જવા લાગી તો સ્કૂલ બસને બદલે હું સ્વયં તેને લેવા મુકવા માટે જવા લાગ્યો. કોલેજના અભ્યાસ ખાતર દીકરીને તકલીફ ન પડે અને તેની સલામતી રહે તે બાબત ધ્યાનમાં લઈને બાપદાદાનું ગામ છોડીને શહેરમાં દસ બાય દસની બે ઓરડીમાં વસવાટ કરવા લાગ્યો. આવતી જતી વખતે મોહિનીના ચહેરા પર જરા પણ કોઈ અલગ ભાવ દેખાઈ આવે તો હું તરત જ તેને ટોકતો. આમ તો હું તેને કોલેજ મૂકવા જતો પરંતુ તેના મિત્ર વર્તુળ પર ચાપતી નજર રહે તે માટે હું ત્યાં ઘણા સમય માટે ઊભો રહેતો.

આજ કાલ સમય ખરાબ છે ભાઈ. કોલેજ બસના ડ્રાઇવરથી માંડીને કોલેજના પ્રોફેસર સુધી કોઈના પર ભરોસો કરવા જેવો નથી. આમ ફૂલ જેવી દીકરીને ભૂખ્યા વરુઓની વચ્ચે થોડી એકલી છોડાય? કાલ સવારે કંઈ પણ બને તો સમાજને મો કેવી રીતે બતાવવું. એક દિકરીના બાપને કેટલી ચિંતા હોય છે તે આ હવસખોર દુનિયા શું જાણે. એમને મન આ ચામડાના દેહમાં જ તેનું ચરમસુખ અને પરમસુખ સમાયેલું છે. તેને શું પરવા કે કોઈના ઉપર શું વીતશે? કેવી વીતશે?

ઈશ્વરની કૃપાથી મારી દીકરી મારું સ્વમાન છે એમ કહું તો પણ ગર્વ થાય. બેનબાએ હેમ ખેમ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. હવે નોકરી કરવા માંગતી હતી. મેં તરત જ ઘસી ને ના કહી દીધી. ‘સાસરે જઈને તારે જે કરવું હોય તે કર જે શરત માત્ર એટલી જ કે તારા પતિને પરવડવું જોઈએ’ મેં ઠાવકાઈથી દીકરીને ના પાડી દીધી અને તેને ઓછું પણ ન આવવા દીધું. જોત જોતામાં દીકરીબાને સરસ હમસફર મળી ગયો. આમ પણ આબરૂદાર ઘરના લોકોને કંઈ થોડી અખબારમાં જાહેરાત આપવી પડે. સજ્જનોને ત્યાં સામેથી લગ્નના માંગા આવે.

મનન જોતા વેત જ અમને બધાને ગમી ગયો. મિતા તેને જોઈને ફૂલી ના સમાતી. જ્યારે મોહિની મનમાં મરક મરક હસતી. સાચું કહું તો મને પણ જમાઈ બહુ ગમી ગયો હતો. ખેર એ તો દીકરીના ભાગ્ય હશે. લગ્નની તિથિ નક્કી થઈ ગઈ. કંકોતરીઓ વહેંચાઈ ગઈ. મીઠાઈઓ ના ઓર્ડર અપાઈ ગયા. એમ કહો તો પણ ચાલે કે કશી પણ કમી રહેવાના દીધી હતી. દિવસ-રાતની દોડમ દોડ. હું નહીં કરું તો કોણ કરશે? મીતાની વાત સાચી હતી. જો આજે મોહિનીનો એક ભાઈ હોત તો મને કેટલી રાહત રહેત. બસ હવે બહેનની ડોલી ઘરેથી વિદાય લે એટલે હું રાહતનો શ્વાસ લઉં. મારો બોજો હળવો થઈ જાય.

દીકરી એ પહેલી વખત કાંઈક માંગ્યુ હતું. તે મનન સાથે લગ્નની ખરીદી કરવા માંગતી હતી. મેં ઘણો વિચાર કર્યો પણ મીતાએ મારા તરફ ઈશારો કર્યો. તે જાણતી હતી કે દીકરી તો પારકી થાપણ છે. તે હવે મનનની સાથે જ શોભે. અંતે મેં મીતાના જીવ ખાતર હામી ભરી. તે પણ સહ શરત. ‘દિવસ આથમે તે પહેલા મારા આંગણે બંને હાજર થઈ જવું.’.

દોડાદોડીમાં દિવસ ક્યારેય વીતી ગયો તેની ખબર જ ન પડી. જેમ જેમ સૂરજ અસ્ત થતો હતો, તેમ તેમ દિલમાં વધારે ફડક બેસતી હતી. તે લોકો ક્યારે આવશે તેની રાહમાં હું ક્યારનો ઉંબર પાસે ઊભો હતો. મીતા બે ત્રણ વખત ખીજાણી પણ ખરી. તે મને ઉંબરથી દૂર જવા કહેતી જેથી તે તેનું કામ આસાનીથી કરી શકે. ધીમે ધીમે મારી ચિંતા ઉપાધિમાં ફેરવાઈ ગઈ. તે હજી કેમ નહીં આવ્યા હોય? શું કંઈ થયું હશે? મારા મનમાં એ જ ભય હતો. હું સતત પ્રાર્થના કરી રહ્યો હતો.

“હે ઈશ્વર, મહા મહેનતે મેં મારી દીકરીનો ઉછેર કર્યો છે. બસ હેમ ખેમ હું એને એના સાસરે લગ્ન કરીને વિદાય આપુ.’ હું લગાતાર મોહિનીને ફોન કરી રહ્યો હતો. પરંતુ તેના તરફથી કોઈ જ પ્રત્યુત્તર મળતો નહીં. મનનને હજી મારા સ્વભાવની ખબર ન હોય તેથી મેં તેને ફોન ન કર્યો. મેં માત્ર મોહિનીને જ ફોન કર્યો.

મીતા દોડતી દોડતી આવી. “આપણી પાડોશણ કેવી વાત કરે છે. મારું તો હૈયું બેઠયું જાય છે.

“શું થયું?” હું હાંફળો ફાંફળો થતા બોલ્યો.

“અફવા છે કે આજે શહેરમાં કોઈએ એક છોકરાને ઢોર માર મારીને પતાવી દીધો અને છોકરી પર...” મીતા વધુ બોલી ન શકી.

હું વ્યાકુળ બની ગયો. હું ગુસ્સા સાથે ચિંતાના આવેશમાં હતો. હું મારા જાતને કોસતો રહ્યો હતો. મેં શા માટે મોહિનીને જવાની હા જ પાડી? મેં ક્યાં કોઈ દિવસ એને એકલી રહેવા દીધી છે. હું પ્રાંગણના એક છેડેથી બીજા છેડે ઘૂમી રહ્યો હતો. તેમજ મારું મન પણ ઘૂમી રહ્યું હતું. મારી આંખોમાંથી પહેલા ગુસ્સો વહેવા લાગ્યો. પછી થોડી ક્ષણો બાદ પશ્ચાતાપના આંસુ મારા જમીરને જગાડવાનો પ્રયાસ કરવા લાગ્યાં. મારા મગજમાં કોલાહલ મચી રહ્યો હતો. બસ એક જ વાત વારે વારે મારા મગજમાં ઘૂમરયા કરતી હતી. તે પણ કોઈની દીકરી હતી ને.

હું અસહાય બની ગયો હતો. મારે ઘણું એ દ્રશ્યને ફરીથી નહોતું જોવું છે. છતાં પણ મારી દૃષ્ટિ પડળ પર તે કોઈ ફિલ્મની માફક ચાલવા લાગ્યું હતું. મારા નગ્ન દેહને જોઈને હું શરમ અનુભવી રહ્યો હતો. ત્યારે કદાચ રોમાંચ, ઉન્માદ અને મોજ જેવા ભાવો હશે. પરંતુ આજે તે દ્રશ્ય પર મને ધૃણા સિવાય કશું ઉપજતું નથી. તે પણ બિલકુલ મોહિની જેવી જ માસૂમ હતી. તેણે ક્યાં કોઈનું કશું બગાડયું હતું.

હાય અફસોસ! આ વાત રહેતા રહેતા ૩૦ વર્ષ પછી સમજાઈ. પરંતુ પહેલા સમજાય પણ કેવી રીતે ત્યારે તો મારા મગજમાં માત્ર કચરો જ ભર્યો હતો. કોઈએ વારી લીધો હોત તો સારું હતું. તે બિચારી હજી જીવતી હોત. કહે છે કોઇ જુએ, ન જુએ ઈશ્વર તો જુવે જ છે. મારા ભીતરના ઈશ્વરે આટલા વર્ષો બાદ મને એ સત્ય કહ્યું છે. શું તે માત્ર જુએ જ છે ? કહેતો નથી?

30 વર્ષ પહેલા જુવાની કૂદકા મારવા લાગી હતી. હું માસુમ હતો એવું તો નહીં કહું. મારા ભીતર લોહીની સાથે વિકૃતિ પણ ભ્રમણ કરવા લાગી હતી. જ્યાં જુઓ ત્યાં ભૂખ્યા કૂતરાની જેમ લાળ ટપકાવતો હતો . એક દિવસ રીના નામની છોકરી તેની સખીઓથી વિખૂટી પડી ગઈ. તે સ્ટેશન પર પાણી ભરવા ગઈ. તેણે પોતાની બોટલ ભરી અને એકલી ચાલવા લાગી. તે માંડ અઢાર વર્ષની હશે. તે અમારા નાનકડા ગામડાથી દૂર શહેરમાં કોલેજ જતી હતી. સાચું કહું તો તેનું યુવાન હજી માંડ ખીલ્યું હતું. તે રુપાળી ન હતી. રોજ અપ-ડાઉન કરવાથી તેની ત્વચા શ્યામ થઈ ગઈ હતી. તેણે એવા વસ્ત્રો પણ નહોતા પહેર્યા કે જેથી પુરુષનુ શુરાતન જાગી ઉઠે. તેણે તો માત્ર સફેદ યુનિફોર્મ પહેર્યો હતો. પ્રવાસના કારણે તેના વાળ પણ વિખરાઈ ચૂક્યા હતા. ન તો તેને કોઇ મોહક અત્તર છાંટ્યું હતું.

તે એકલી પડી ગઈ હતી. તે આજુબાજુ જોયા વગર સીધી પોતાના રસ્તે ચાલી રહી હતી. હું તેની પાછળ પાછળ ચાલતો હતો. બિચારીને તે વાતની જરા પણ શંકા નહોતી ગઈ. આગળ ચાલતા ખેતરાઉ વિસ્તાર શરુ થઈ ગયો. મેં એક ખેતરમાંથી પાતળી પરોણી તોડી લીધી. હું સાવ સુમસામ સ્થાન આવતા દોડ્યો. મેં બેરહમીથી પરોણીનો ઘા કર્યો.

લાકડી છોકરીના પગમાં વાગતા તે ભૂંડીપટ જમીન પર પડી ગઈ. જાણે મફતમાં ખેરાત વહેંચાવા લાગી હોય તેમ હું દોડ્યો. જમીન પર ઉલટી પડેલી રીનાને મે સીધી કરી અને હું તેના પર બળપૂર્વક ચડી બેઠો. તેણે મને ધક્કો માર્યો. બદલામાં મેં તેને ક્રૂરતાથી કેટલી બધી થપાટો ચોડી દીધી. હું ઉભો થયો અને તેને જોર જોરથી લાત મારવા લાગ્યો. તે બિચારી બેવડી વળી ગઈ. વિરોધ કરવાની તેની તમામ શક્તિ હણાઈ ગઈ હતી.

મેં બેશરમીથી ખુદ ના કપડા ઉતાર્યા અને તે બીચારી શું પહેરશે છે તેની પરવા કર્યા વગર તેના વસ્ત્રો એક પછી એક કરીને ફાડી નાખ્યા. તે જોર જોરથી બૂમો પાડવા લાગી. હું જાણતો હતો કે અહીં કોઈ નહીં આવે. હું નિર્લજ્જ થઈ તેના પર ચડી બેઠો. મારા ભીતરના જલ્લાદે મને શું કરાવ્યું. હું જોર જોરથી બળ પ્રયોગ કરતો રહ્યો. તે કણસતી રહી, રોતી રહી મદદની પોકાર કરતી રહી.

જમીન તેના અંગમાંથી વહેતા લોહીથી લાલ થઈ ગઈ હતી. કદાચ એના અવ્યવોને ગંભીર ઈજા થઈ હશે. તે માંડ માંડ ઉભી થઈ શકી. તેના પગ પર તેનો કાબૂ ન હતો. તે ડગમગ ચાલવા લાગી. તેને તેના દેહ પર તેની જાત પર અને તેના જીવન પર એકા એક માન ઓસરી ગયું. દૂરથી વાગતો ગાડીનો પાવો સાંભળી તેના નિર્જીવ પગમાં જોર આવી ગયું. તે દોડી, દોડી, દોડી. ગાડી ફાટક પાસે પહોંચે તે પહેલા જ તે રેલ્વે ટ્રેક પર પહોંચી ગઈ હતી. ક્ષણાર્ધમા જ હજારો ટનનો અગ્નિરથ તેની કોમલ કાયા પરથી પસાર થઈ ગયો. રીનાએ તેનો બોજ હળવો કરી લીધો. ફરી જમીન નો એક ભાગ એક માસુમના લોહીથી રંગાઈ ગયો.

“ક્યાં ખોવાઈ ગયા.” મીતાએ મારો હાથ પકડીને મને જક્જોડ્યો.

“શું થયું?” મેં મહા મહેનતે સ્વસ્થ થઈને પૂછ્યું.

“કઈ નહીં. તમારો ફોન વાગે છે.” મિતા ફોનની સ્ક્રીન ને જોઈને મલકાઈ.

“પપ્પા શું હતું?” સામા છેડેથી મોહિની બોલી.

“બેટા ક્યાં છો? કેમ વાર લાગી? તું ફોન કેમ નહોતી ઉપાડી રહી?” મેં એક સાથે પ્રશ્નોનો મારો કર્યો.

“ફોન પર્સમા હતો. બસ આવું જ છું.” મોહિની એ તરત જ કોલકાપ્યો.

હું હજી મારી ચિંતાનો બોજ લઈને ઉભો હતો .કાશ ઈશ્વરે મારો બોજ પણ રીના માફક ઉતારી દીધો હોત!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED