Niyat books and stories free download online pdf in Gujarati

નિયત...

"શું 20 લાખની કાર તે ઝુંપડપટ્ટીમાં લઈ જઇને તમે તે વ્યક્તિની આબરૂ વધારવા માંગતા હતા?" ઘરમાં પ્રવેશતા જ કપીલ ગુસ્સામાં બોલ્યો

"કે પછી આપણી આબરૂનો ધજાગરો કરવા માટે લઇ ગયા હતા?" કપિલ પોતાનું વાક્ય પૂર્ણ કર્યું.

" પણ ત્યાં તો ભલા તને કોણ ઓળખે છે કે તારી આબરૂ ચાલી જવાની?" સૂચક સાહેબ બોલ્યા
 
"પપ્પા મને કોઈ જ નથી ઓળખતું પણ તમને તો આખું શહેર , આખો જિલ્લો આખું રાજ્ય ઓળખે છે ને. તમારી આબરૂનું શું?" કપીલ જરાય ઠંડો પડવાનું નામ જ નહોતો લઈ રહ્યો.

પપ્પા હાથના ઈશારા વડે શાંતી જાળવવા કહ્યું.

"મને કહો લગ્નમાં સેંકડો વી આઈ પી આવવાના છે. તેમની વચ્ચે આ ભિખારી જેવો માણસ શું કરી આપશે? તે આવશે તો પણ તે પારેવા વચ્ચે કાગડા જેવો નહીં લાગે? તેના આગમનથી ન તો આપણી શોભા વધશે. ન તો તેની લજ્જા ઢંકાશે. તોય તમે તો એ રીતે આગ્રહ કરી રહ્યા હતાં જાણે તે આદમી ગોર હોય અને તેના વગર લગ્નની વીધી અટકી પડેત. પપ્પા હજી એકવાર વિચારો તમે આ અયોગ્ય નિર્ણય લીધો છ?" જીવનમાં પ્રથમ વખત પિતાના નિર્ણય પર સંદેહ કરતો કપીલ બોલ્યો.

સૂચક સાહેબને તેના નિર્ણય પર શંકા નહોતી. છતાં દિકરાના જીવ ખાતર થોડીવાર માટે તેણે પુનઃ વિચારણા કરી અને કપીલ  ગુસ્સા વશ મૌન ઉભો રહ્યો.

લગ્ન ભર્યા ઘરમાં બાપ-દીકરા વચ્ચે અચાનક થયેલો ઝઘડા જોઈ બધા હેરાન રહી ગયા. પાડોશી સુધ્ધાને આ ઝઘડામાં રસ પડ્યો.આવો મોકો તો ભાગ્યે જ મળે. ઘરમાં આવેલા મહેમાનો પણ થોડીવાર પહેલાની ક્ષણો યાદ કરવા લાગ્યા .

***

ઝળહળ થતાં ઘરનો ઝળહળાટ હવે કપિલના જીવનમાં પણ આવવાનો હતો. આવનારા દિવસો ઘરમાં ખુશીઓની બહાર લાવવાના હતા. તેથી ખુશી સૌના ચહેરા પર નાચી રહી હતી.

સૂચક સાહેબનો એકના એક દીકરાના થોડા સમયમાં જ લગ્ન થવાના હતાં. સૂચક ભાઈ તથા તેમના ધર્મપત્ની ફુલ્યા સમાતા નોહતા. હર્ષનો અતિરેક હતો. આમ પણ સૂચક ભાઈએ કેટલાય લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. કોઈના પણ કામ અટકતા રહેવા દીધા નથી. દરેક જરૂરતમંદને મદદ કરી છે. સાવ અજાણ્યા માણસના જીવનમાં પણ તે ખુશીના અજવાળા પાથરી શકતા હોય તો ખુદના સંતાન માટે શું ન કરે?

 નજીકના સ્નેહીઓ તો અત્યારથી જ મહેમાનગતી માણવા આવી ચુકેલા હતાં. ફુઈઓ અને માસીઓ કપિલને લડાવવાની એક પણ પળ ના ચુકે અને તેમના સંતાનો કપીલની ખીચાઈ કરવાનો એક પણ મોકો ચૂકતા નહોતા.

કપીલ  એટલે કળિયુગ નો શ્રવણ. આ ઝડપી યુગમાં જ્યાં યુવાઓ માતા-પિતાને પઝવીને મનમાની કરે છે. ત્યાં કપિલે માતાની પસંદગીને કોઈપણ પ્રશ્ન વગર સ્વીકારી લીધી અને લગ્ન માટે હા કહી દીધી!
લગ્ન ભલે અઠવાડિયા પછી થવાના હોય પરંતુ તેની તૈયારીઓ તો ક્યારની શરૂ થઈ ગઈ હતી. કપીલ સૂચક ભાઈને આખા પ્રસંગનો જરાય બોજ સૂચક ભાઈને  દેવા માંગતો નહોતો. તે પપ્પાને આરામ કરવાનું કહેતો અને અત્યારથી જ બધી વ્યવસ્થા જોઈ રહ્યો હતો.

કપિલ ઘરમાં ખુશીઓની ઝળહળ સાથે રોશનીની  ઝળહળ કરવાની  વ્યવસ્થા પણ કરી રહ્યો હતો. તે ઊંચી લેડર વડે 'ગુરુ કૃપા નિવાસ'ને રંગબેરંગી સિરીઝ વડે રોશનીના વાઘા પહેરાવી રહ્યો હતો.

"કપીલ આ બધું છોડ, કંકોત્રી આવી ગઈ છે જોઈ લે" સૂચક ભાઈ બોલ્યા 

"અરે પપ્પા આ કામ તો પૂરું કરી લેવા દો." કપાળ પર બાઝેલા પરસેવને નીતારતો કપીલ બોલ્યો 

"તું છોડ ને ભાઈ, કામ તો જાતે કરવા કરતા બીજા પાસે કરાવતા શીખ." 

"અરે પપ્પા, હજી ક્યાં સમય થઈ ગયો છે. થોડા દિવસો બાદ બધાને કામ સોંપી દઈશ" 

"હા પેલું કહે છે ને ઝાઝા હાથ રળિયામણા" સૂચક ભાઈ દીકરાને નિર્દેશન આપતા બોલ્યા

કપીલ નીસરણી પરથી નીચે ઉતરી અને તરત જ કંકોત્રી હાથમાં લીધી. કપીલ અને તેના માતા-પિતા કંકોત્રી જોતા જ રહી ગયા.

પહેલી કંકોત્રી ઇષ્ટદેવને ધરી સૂચક સાહેબે કપિલને ઉપાડ્યો.સુચકભાઈ કપીલને કોઈ ખાસ વ્યક્તિને મેળવવા માટે લઈ જઈ રહ્યા હતા. 

નગરના છેવાડે સાવ ઉજ્જડ જેવી ગલીઓમાંથી સૂચક સાહેબની મોંઘીદાટ કાર પુરઝડપે ચાલી રહી હતી. જેમ જેમ વસ્તી નજીક આવતી ગઈ તેમ તેમ ગટરની બદબુ તેજ થતી ગઈ.સાવ છેલ્લી ગલીમાં જઇને કાર ઉભી રહી.

કારનો દરવાજો ખોલ્યો.સૂચક સાહેબ ઝડપભેર ઉતર્યા અને હર્ષ સાથે કારની સામે રહેલા ઘરમાં પ્રવેશ્યાં. કપિલ વિના  છૂટકે તેની પાછળ ગયો. ઘરના નામે એક ઢાળ્યું. તેમાં જ જમવાનું,તેમાં જ રહેવાનું, તેમજ સૂવાનું, તેમાં બધી જ ક્રિયા કરવાની. નહાવા માટે એક સાંકડી ચોકડી પણ તેમાજ હતી. કોઈ નહાવા જાય ત્યારે બાકીના સભ્યો કદાચ બહાર રહેતા હશે. ચોકડી ઉપર એક ઈંટની ઊભી ભરેલી પડદી, લગભગ ત્રણ ફૂટ જેટલી જેના પર પાણીનો ગોળો. નહાવાનું તથા પીવાનું પાણી એક જ સ્થાનેથી પ્રાપ્ય  હતું! એક સ્ત્રી પાણીના બે પ્યાલા લઈને આવી. તેમનો પ્યાલો જોતાવેંત જ કપીલે  પાણી પીવાની ના પાડી દીધી. સુચકભાઈ જેમ શ્રી રામ શબરીના બોર ચાંખી રહ્યા હોય તે ભાવનાથી પાણીના ઘૂંટ ગળેથી ઉતારી રહ્યા હતાં. 
ઓરડા એક વૃધ્ધ માણસ, લગભગ સુચકભાઈ ના સમવયસ્ક,  એક આધેડ વયની સ્ત્રી, એક કપિલ જેવડો છોકરો, દરિદ્રતા અને મૌનથી ભરેલો હતો. કોઈપણ ફોર્માલિટી વગર બિન્દાસ વર્તન કરી રહ્યા હતા. થોડી વાર બાદ તેમણે કપીલ પાસેથી કંકોત્રી માંગી અને પેલા વ્યક્તીના હાથમાં મૂકી. જાણે શ્રી કૃષ્ણ સુદામાને મળી રહ્યા હોય તેમ સૂચક ભાઈ પહેલા વ્યક્તિને લગ્ન માં હાજરી આપવાં તાણ કરી રહ્યા હતા. બધાની સાથે કપીલે પણ કૃત્રિમ હાસ્ય ચહેરા પર ચૌડી તે ઘરથી વિદાય લીધી.

પુરઝડપે ચાલી રહેલી ગાડીની સાથે કપીલના મનમાં સવાલો પણ તેટલી જ ઝડપે ચાલી રહ્યા હતા. પરંતુ તે આઇ.એ.એસ સાહેબ નો દીકરો હતો થોડો રસ્તા પર દલીલો કરે?

***

"અરે મિત્રને મળવામાં ભલા કોઇની આબરૂ જાય ખરી?" સૂચક સાહેબના દીકરાને મનાવવા પ્રયાસથી લોકો ભૂતકાળમાંથી નીકળીને વર્તમાનકમાં પ્રવેશ્યા.
 
"કેમ તમે તેના આટલો બધો આગ્રહ કર્યો?"

"અરે ભાઈ મારો જૂનો મિત્ર છે. તેની સાથે ઘણી જૂની યાદો જોડાયેલી છે."

"કેવી યાદો વળી જેના કારણે તમારે એક ફટીચર ને વળી વળી ને સલામો ભરવી પડે?"

"અમે બંને કૉલેજના સમયથી મીત્ર હતા. હું તને તેનું નામ નહીં કહું, જ્યાં મન જ ન મળે ત્યાં નામ નું શું કામ છે? સૂચક ભાઈ બોલ્યા 

"પછી"

"અમે ત્યારથી જ સિવિલ સર્વિસની તૈયારી સાથે શરૂ કરી હતી. અમે સાથે જ તૈયારી કરતાં. મારો ઇતિહાસ વીષય સારો હતો. તેનું ગણિત સારું હતું. અમે એકબીજાને શીખવતા. દોઢ વર્ષની મહેનત પછી તે દિવસ આવ્યો જ્યારે અમે સિવિલ સર્વિસની પરીક્ષા દેવાના હતા. અમે  આખી એકબીજાના સહારે  તૈયારી કરી. પરીક્ષા સ્થળ અમારા ગામથી બહુ દૂર હોવાથી અમે એક દિવસ અગાઉ પરીક્ષા સ્થળ પર આવીને ગેસટ હાઊસમા રોકાયા હતા. મને એવું લાગતું હતું કે મારી તૈયારીમાં હજી કચાશ છે. તે મીત્રે મને તે રાત્રે દિલાસો પણ આપ્યો.

સવાર પડી. અમે  સવારના ઠંડા ઠંડા પવનને  માણવાને બદલે ચૂપચાપ ચોપડીમા માથુ ઘુસાવીને બેઠા હતા. મારો મિત્ર થોડા સમય પછી નહાવા ગયો અને હું હજી મારી તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષાનો સમય દસ વાગ્યાનો હતો. નવ વાગ્યા હું નહાવા ગયો અને નવ વાગ્યા ને પાંચ મિનિટ તે મિત્રે પહેલા બાથરૂમનો દરવાજો બંધ કર્યો પછી રૂમનો દરવાજો બહારથી બંધ કરીને પરીક્ષા દેવા માટે ચાલ્યો ગયો."

"અરે બાપ રે! તો પછી તમે બહાર આવ્યા  કેવી રીતે આવ્યા?" કપીલને વિસ્મયનો પાર ન રહ્યો. 

"મેં બાથરૂમનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો. પરંતુ દરવાજો ટસ થી મસ નો થયો. મેં અંદરથી મારા મિત્રને કેટલાય સાદ પડ્યાં. પરંતુ જવાબમાં માત્ર નિર્મમ ખામોશી આવતી.થોડી જ વાર માં મને પરીસ્થીતીનો ખ્યાલ આવી ગયો . મેં જોર જોરથી મદદ માટે બૂમો પાડી. પરંતુ બાથરૂમથી મારો અવાજ રૂમની બહાર પહોંચવો અશક્ય હતો. તેથી મેં સ્ટીલની ડોલને ઉંચી કરીને નીચે લાદી પર બે ત્રણ વખત પટકી અને કોઈ મદદ આવવાની આશ માં રાહ જોતો રહ્યો. પરંતુ કોઈ આવ્યું નહીં. એક પળ એવું લાગ્યું કે બિચારો અહીં કહીં ગયો હશે  પાછો આવશે એટલે દરવાજો ખોલશે. પરંતુ 20 25 મિનિટની રાહ જોયા બાદ એ વાત પણ પોકળ લાગવા લાગી. મારે કોઈ પણ ભોગે પરીક્ષા આપવા જવું હતું. મેં દરવાજો તોડવાનો મનોમન નિશ્ચય કર્યો. મેં દરવાજાને ઝોરથી હચમચાવી જોયો. 6 ફૂટનો દરવાજા ને એમ કૈ થાય? એક બે ત્રણ ચાર એમ મેં દરવાજા પર લાતો વરસાવવા લાગી.ત્યારે દરવાજો થોડો હળવો થયો. મેં થોડીક જગ્યા માંથી પણ દોડવા માટે થોડી જગ્યા શોધી લીધી.મેં દોડીને દરવાજાને તીવ્રતાથી લાત મારી અને દરવાજો એટલી જ તીવ્રતાથી  ખુલ્યો. જાણે ગોફણ માંથી ગોળો છૂટ્યો હોય તેમ દરવાજો તૂટ્યો. બાથરૂમમાં યોગ્ય પ્રકાશ આવે તે માટે દરવાજાના ઉપરના ભાગમાં પોણો ફુટ પહોળી કાચની પટ્ટી દરવાજામાં બેસાડેલી હતી. વારે વારે લાગતા ફટકાઓના કારણે કાચ પણ તૂટી ગયો હતો. જેવો દરવાજો તૂટ્યો કે કાચની પટ્ટીના ટુકડાઓ મેં મારા માથા પર આવતા જોયો. ઘડીના છઠ્ઠા ભાગમાં મેં મારો જમણો હાથ માથા આડે રાખી દિધો. તીવ્રતાથી આવી રહેલા કાચની પટ્ટીના ટુકડાઓ મારા હાથમાં ખંજરની માફક ખૂંચી ગયા. થોડીવારમાં બાથરૂમની ફ્લોર લોહીથી લથબથ થઈ ગઈ! મેં બાથરૂમની બહાર નીકળી મદદની પોકાર લગાવી. કૈં પામવા માટે માણસ શું શું કરે છે. મેં બન્ને હાથોને દરવાજા પર અથડાવ્યા. દરવાજા  પર પડેલા લોહીના થાપા જોયા ત્યારે ખબર પડી કે મને આટલું બધું વાગી ગયું છે. પરંતુ મારુ રક્ત એળે ન ગયું. કોઈએ મારી મદદની પોકાર સાંભળી તો તરત જ દોડી આવ્યા. મને કૈં સવાલ જવાબ કરવાને બદલે મને દવાખાના ભેગો કરવો  તેમને વધુ ઉચિત લાગ્યું. મેં તેમને વીનંતી કરી કે ભાઈ મારે હોસ્પિટલમાં નહીં પરીક્ષાખંડ માં જવું છે. મહેરબાની કરી મને પહોંચાડી દો. પરંતુ પેલા સજ્જને મારા ઝખમી હાથ સામે ઈશારો કર્યો. અને ભાંગેલા ઝખમી હાથ સાથે મારી સપનું પણ ઘવાય ગયું." સૂચક સાહેબની આંખોમા આંસુઓ ભરાય આવ્યા.

"પપ્પા" કપીલે તેમના પીઠ પર હાથ ફેરવતા કહ્યું.
સૂચક સાહેબ થોડી જ વારમાં સ્વસ્થ થયા અને ફરી ભાવુક થઈને બોલ્યા.

"અરે ભાઈ આમ પણ મને ડર હતો કે મારી તૈયારી પૂર્ણ નોહતી થઈ . તેથી મને એક વર્ષ વધુ મહેનત કરવાનો મોકો મળ્યો અને એના જ કારણે હું આજે આઇ.એ.એસ બની શક્યો છું. તે દિવસે હું બે વાત શીખ્યો હતો. એક તો આઇ. એ. એસ. બનવા માટે કેટલી મહેનત કરવી જોઈએ અને બીજુ કે  કોના પર કેટલો ભરોસો કરવો જોઈએ. હવે તું જ કહે બેટા આટલી મોટી શિક્ષા આપનાર મિત્રને હું કેમ કરી ભૂલું?"

કપિલ ને શું કરવું તે ખબર ન પડી. એ મૂંઝવણ માં ઉભો હતો. એ કરે તો શું કરે? તેના પિતાજીની મોટાઇ પર ગર્વ કરે કે પછી પેલા વ્યક્તિ પર ગુસ્સો કરો?

" ન પ્રાણ અંતે પ્રકૃતિ વિકૃતિ જાય તે સજ્જનાનાત ચ દુર્જનાત" કપીલની મૂંઝવણ દૂર કરવા સૂચક સાહેબે આ સુંદર રત્નકણિકા ઉચ્ચારી અને નિર્દોષ બાળકની માફક હસતા રહ્યા 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED