સંવેદના Author Mahebub Sonaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદના

સંવેદના

મહેબુબ રસુલભાઇ સોનાલિયા

'રસુલભાઇ છે?' ચા ની દુકાન ના પગથીયાં પર લાકડી પછાડતાં આંગતુક બોલ્યો.

'આવો આવો સુરદાસ' રસુલભાઇ દોડી ને તેનો હાથ પકડી ને દુકાન અંદર લઈ આવ્યાં.

સુરદાસને સ્વચ્છ અને સુઘડ કપડાં માં જોઇ રસુલભાઇને ખુશી થઇ.સારાં બૂટ, નવી સ્ટીક, નવા ચશ્માં,સારું બેગ.

રસુલભાઇએ તેનો સામાન તેના હાથ માંથી લઇ બાજુમાં મુક્યો.તેના ખભા પર હાથ મુકતાં કહ્યું. "કેમ છો જુવાન? શું ચાલે છે?"

'બધું સારું ચાલે છે. તમારા આર્શિવાદ છે.' સુરદાસની બંધ આંખો પણ રસુલભાઇની નિખાલસતા જોઇ શકતી હતી.

રસુલભાઇ એટલે એવા માણસ કે જેણે પૈસા કમાવાને બદલે પ્રેમ,લાગણી અને આબરું કમાવાને વધું મહત્વ આપ્યું છે. વન માં પ્રવેશી ચુક્યા હોવા છતાં બાળક જેવું માસૂમ હ્રદય, પ્રાયમસ ની ગરમી કરતાં લોકો પર કરેલા ઉપકાર ના બદલે મળેલા અપકાર ની કડવાહટ ને કારણે આખેઆખું સફેદ થઇ ગયેલું છાપરું. માથા માં એક પણ કાળો વાળ શોધે ન મળે. સાર નરસા અનુભવો થી ઘડાયેલું મજબૂત શરીર જરુરત સામેની જંગ માં હજુ અડીખમ ઉભું રહે છે.સવારે ૬ વાગે તેમનો પ્રાયમસ સળગે તો રાત્રે ૮-૯ વાગે હોલવાય.તે રોજ ની ૧૫-૧૬ કલાક ઉભા ઉભા જાત ટકાવવાં માટે જાત સામે યુધ્ધ કરે. ૧૩ વરસ ની ઉમર થી ઘર ની જવાબદારી નો બોજ ઉપાડી તેના બાવડાં આજે ૫૫ વરસેય એટલા જ મજબૂત છે!માથા પર ના વાળ જેટલું દેવું કરીને વ્યાજ ભરે છે. છતાં આબરું થી જીવે છે.

' અરે ભાઇ આ શું વાત કરો છો, આર્શિવાદ તો માલિક ના. એ જ તો બધાની દોરી પોતાના હાથમાં રાખે છે' રસુલભાઇ જરા મલકાયા. થોડી વાર થંભી ફરી બોલ્યા ' સૌ ને નચાવે છે.'

'હા પણ તમને તો કેમ ભુલું? તમારો ઉપકાર......' સુરદાસ યાદોની શાંત પડેલી વમળ માં ઘુમરાવા લાગ્યાં. પોતાના અતીત ને વાગોળતા વાગોળતા તેમની પ્રકાશહીન આંખો સામે ૩ વરસ પહેલાનો એ દીવસ સાદ્રશ્ય થયો. આંખમાંથી આંસુની સાથે એ વરસો જુની યાદો સરી પડી!

***

'અહિં થી રેલ્વે સ્ટેશન જવાય છે?' ચા ની દુકાન ના પગથીયાં પર લાકડી ટપકારીને સુરદાસ બોલ્યો.

મેલા ઘેલા કપડા, એક જુનવાણી કાપડનો કાખથેલો, ઉદાસ તેમજ વ્યાકુળ ચહેરો, વરસાદમાં કાગળની હોડી જે રીતે ડૂબી જાય તેમ હિંમત હારી બેસેલું મન, થાકેલુ શરીર, વિખરાયેલા વાળ, જીવાદોરી સમાન લાકડી હાથ માં લઇ ઉભેલો ૧૮ ૧૯ વરસ નો યુવાનને સાવ એકલો જોઇ રસુલભાઇએ તેનો હાથ પકડી દુકાનની અંદર બેસાડ્યો.

રસુલભાઇએ તેનો ચહેરો વાંચી લીધો. આ યુવાનની કશમકશ ભરી સ્થીતીને તે જાણી ગયા.પરંતુ પોતાની વિવેક બુધ્ધિ ના કારણે તેણે તે બાબત વિશે કશું પુછવાને બદલે તેની પીઠ પર હાથ મુક્યો.

'ભૂખ લાગી છે ને?' તેમણે સુરદાસને પુછ્યું.

'ભાઇ મારી પાસે દેવા માટે પૈસા નથી. મારે નથી જમવું. મારે રેલ્વે સ્ટેશન જવું છે, મને રસ્તો બતાવી દો તો મહેરબાની' સુરદાસ બોલ્યો.

'કોણે પૈસા માંગ્યાં? બસ બે મિનીટ ખમો, અહિંયા જ રહેજો હું હમણા જ આવું'

રસુલભાઇ થોડીવાર બાદ બાજુની દુકાનમાંથી ૨ પારલે ગ્લુકોઝ બિસ્કિટ ના બે પેકેટ લઇ આવ્યાં.તેણે સુરદાસને ગરમા ગરમ ચા સાથે બિસ્કિટ આપ્યા.

' અરે ભાઇ સંકોચ ન કરો. પહેલા નાસ્તો કરો, પછી આપણે વાત કરીએ.'

થોડી વાર બાદ પ્યાલી ઉપાડતાં રસુલભાઇ બોલ્યાઃ 'હવે બોલો શું સેવા કરું?'

' મારે રેલ્વે સ્ટેશન જવું છે, મને પહોંચાડી દો તો તમારી દયા.' સુરદાસ પોતાના હાથ લુછતાં બોલ્યો.

સુરદાસની બાહ્ય દશાથી તેની અવદશા તો પ્રકટ થઇ જ રહી હતી પણ સાથે સાથે તેની બોલી, તેના વ્યવહાર થી તેના સારા કિરદાર ની ઝલક પણ મળી રહી હતી.

અંધારી આંખોથી આંગળાના ટેરવે દીવડો પ્રગટાવી સુરદાસ પોતાનો થેલો ફંફોસવા લાગ્યો.

થોડી શોધખોળ બાદ થેલામાંથી તેણે થોડા કાગળો કાઢી રસુલભાઈને આપ્યાં. રસુલભાઈ સાથે સાથે દુકાનમાં ઉપસ્થીત થોડાં ગ્રાહકો પણ આ કાગળો તપાસવા માંડ્યાં. આ બધા જ તેના પ્રમાણપત્ર હતા.

'અરે વાહ! આ છોકરો તો બહું હોશિયાર છે.ટકા તો ખૂબ સારા લાવે છે.' એક ગ્રાહક બોલ્યો.

'આપણા તો બે વરસ ના ભેગા થાઇ ત્યારે આટલાં ટકા થતાં!' બીજો ગ્રાહકો બોલ્યો.

'ખૂબ સારું, બધા જ ધોરણમાં સારી ટકાવારી છે, ખૂબ ભણજે, તારે જરુર છે.' રસુલભાઈ બોલ્યા. ' નોકરી મળી જાય તો બેડો પાર, નહિતર ચા નો ડોયો ભાગ્ય માં આવે છે ભાઇ' દુઃખી હ્રદયે તેણે વાક્ય પુરુ કર્યું.

સુરદાસે સમર્થન મા માથું ધુણાવ્યુ.

'પણ મુંજાઇ જવાનું નહિં,જીંદગી થી હારી થોડી જવાય.જે મુસીબતમાં મુકે છે એજ બ્હાર કાઢે છે.તો પછી આપણે શું કામ મુંજાવું?' રસુલભાઈએ તેને ધરપત આપવા કહ્યું. ' તો ક્યાં ભણવુ છે?'

' અહિં વડોદરામાં અંધ માટે એક સરકારી કોલેજ છે. જાજો ખર્ચ પણ નથી થતો.' સુરદાસ બોલ્યા.

'પણ વડોદરા તોઅહિંયાંથી બહુ દૂર છે.' રસુલભાઈ બોલ્યા.

'શું આ બરોડા નથી?' સુરદાસની વ્યાકૂળતા નો પાર ન રહ્યો.

' ના ભાઇ આ તો ભાવનગર જિલાનું સિહોર ગામ છે, અહિંયાંથી તો વડોદરા બહું દૂર છે.'

સુરદાસે પોતાની આંખો પર હાથ મુંકી પોતાના આંસેઓ ઢાંકવાનો મિથ્યા પ્રયાસ કર્યો.તે સ્તબ્ધ થઇ ગયો.થોડી વાર સાવ સુનમુન બેસી રહ્યો. જાણે કોઇએ કાળમીઢ પથ્થર તેની સ્વરપેટી પર મુકી દીધો હોય, તેમ તે બોલવા માટે મથી રહ્યો હતો. પરંતુ શબ્દો બોલી ન શકાયા, ડૂમો બેસી ન શક્યો.

'એટલે રાત્રે ભાઈ-ભાભી મારા માટે જઘડી રહ્યા હતાં.' તે દુઃખી સ્વરે બોલ્યો.

'અમે અમારાથી બને એટલી મદદ કરીશું.અમને માંડીને વાત કરો.' કોઇ ગ્રાહક બોલ્યો.

હું વેરાવળ પાસેના કાજ ગામનો વતની છું. મારા માતાપીતા ની ગેરહાજરી બાદ ભાઇ ભાભી સાથે રહેતો હતો.' તેની આંખો માં ભેજ ઉભરાયો.

'અચાનક ભાઈને વડોદરા નો વિચાર આવ્યો.તેમને કોઇકે જણાવેલું કે ત્યાં કોઇ અંધ માટે સંસ્થા છે.જે અંધ અભ્યાસીઓને રાહત દરે ભણાવે છે.તેથી મને ત્યાં લઇ જવા તે મારી સાથે આવ્યાં'

થોડા શ્વાસ લઇ તે ફરી બોલ્યો.' અમે રાત્રે બસ માં બેસ્યાં.આજે સવારે અમે અહિં ઉતરી ગયા.ભાઇએ મને એક જગ્યા એ બેસાડી કહ્યું કે અહિં થી સીધા જશું તો રેલ્વે સ્ટેશન આવી જશે અને ટ્રેનમાં બેસ્યાં ભેગું તરત વડોદરા આવી જશે.કશું જમવાનું લઇ આવું એમ કહીને ભાઇ ગયા તો ગયા જ.સવાર ની બપોર થઇ ગયી પણ તે પરત ન આવ્યાં.મને અઝાન સંભળાઇ હતી. કદાચ તે મને મસ્જીદ ના ઓટલે બેસાડી ચાલ્યા ગયા હશે.'

તે ફરી હિબકા ભરા લાગ્યો ' હું જ બુધ્ધું છું મને એમ કે આટલાં મોટા શહેર માંરો ભાઇ ભૂલો પડી ગયો હશે, હજી મને ક્યાંક શોધતો હશે. પણ હવે ખબર પડી કે ખરેખર હું ભૂલો પડી ગયો છું. તેણે પોતાના હાથ ઉપર માથુ ટેકવીને ફરી આસું સાર્યા.

'હવે શું કરવું છે? પાછળ ઘેર જવું છે કે આગળ નીકળી જવૂં છે?' રસુલભાઇએ હમદર્દી વશ પુછ્યું.

' વડોદરા જવું છે'

'ત્યાં કેટલો ખર્ચ છે?

'રહેવા જમવાનું તો સંસ્થા આપે છે.જો ૫૦૦૦ જેવું થાય તો મારું ગ્રેજ્યુએશન પુરું થઈ જાય'

'તને વાંધો ના હોય તો હું તારા કાગળ લઇને જાઉં કૈંક વ્યવસ્થા કરુ?'

સુરદાસે અનુમતી આપી અને રસુલભાઇ અને તેમનો દીકરો આસપાસના તમામ દુકાનદારો પાસે મદદ માંગવાં નીકળી ગયા.

સારા કામમાં સૌ સહભાગી બને.લોકો ચા પીવા આવ્યાં અને મદદ કરતાં ગયા. દુકાનદારોએ આપ્યાં. રાહદારીઓએ આપ્યા.જોત જોતા ૪૫૦૦ જેવી રકમ થઇ ગઇ.બાકી ના પૈસા રસુલભાઇએ નાખી રકમ પુરી કરી.તેમનો દીકરો સુરદાસ માટે પોતાના કપડાં, નાસ્તો અને એક થેલો ઘેર જઇ લઇ આવ્યો.

ટ્યુશનવાળા હર્શદભાઇ આ સંસ્થામાં કોઇને ઓળખતા હતાં.તેણે સુરદાસ માટે ભલામણ કરી દીધી. અને સૌએ સુરદાસને પ્રેમથી વિદાઇ આપી.

***

'અરે યાર ક્યાં ખોવાઈ ગયા?' રસુલભાઇ એ સુરદાસનો ખભો થબથબાવી યાદોના ભૂતકાળમાં થી ફરી વર્તમાનમાં લઇ આવ્યાં.' અને છોડો આ ઉપકાર બુપકાર ની વાતો. માલીક ચાહે તો આપણા થી કોઇ કામ થાઈ એની મરજી વગર તો આપણી જીભ પણ કેમ ચાલે?'

'એકવાત કહો? આ કળીયુગ માં ભાઇ ભાઇનું નહીં વિચારે, સૌ "મારું,મારું" કરે છે. તો તમે શા માટે મને મદદ કરી?સુરદાસે ગહન પ્રશ્ન પુછી લોધો.

' છોડો ને, માણસ જ માણસને કામ આવે. એમાં શું વળી?'

' હું આટલા વરસ બાદ આવ્યો છું તો મને એટલો તો હક આપો કે હું જાણી શકું' સુરદાસ ની કાકલુદ્દી સામે રસુલભાઇએ હાર માની.

'જુઓ વાત બહું લાબી છે, ટુંક માં કહું છું' રસુલભાઇ ગંભીર મુદ્રામાં બોલ્યાં.

'૪૦ વરસ પહેલાની વાત છે. મારા બાપું બહું ઇજ્જતદાર તથા ગરીબ હતાં.અમે ૭ ભાઇ બહેન હતાં. મેં ૭ ધોરણ પાસ કર્યું ત્યાં સુધી બધાં જ ધોરણ માં હું પ્રથમ સ્થાને પાસ થયો. મારા વર્ગ ના બધા જ બાળકો મારી પાસે શીખવા આવતાં. મે જેમને એકડો ઘુંટાવ્યો છે તેમાથી આજે કોઇ ઓફિસર, કોઇ શિક્ષક, કોઇ ફોરેસ્ટ રેંજર તો કોઇ જજ છે. હાઇસ્કુલ માં આવ્યા બાદ મારે શાળાંત ની પરીક્ષા આપવી હતી. તે સમયે તેની પ્રવેશ ફી ૧૫ રુપિયા હતી. માસ્તર સાહેબે ૧૫ રુપિયા ભરવા માટે ઘેર કહ્યું. હું ખૂબ હોશિયાર છું અને જો હું શાળાંત પાસ કરીશ તો મને નોકરી પણ મળી જશે તે સમજાવવાં માસ્તર સાહેબ ખુદ મારા ઘેર આવ્યાં. પણ પ્રવેશ ફી જમા કરાવવા માટે બસ ૨ જ દીવસ બાકી રહ્યા હતાં.

ગળામાં ભરાએલા ડૂમાને ખોખારા સાથે કાઢીને તેમણે બોલવાનું ફરી શરું કર્યું

'કોણ ન ઇચ્છે કે તેનું સંતાન પ્રગતી કરે. પણ મારા ઘર માં તો એક પાઇ પણ નહોતી.મારા માતા-પીતાએ આડોશ પાડોશમા સૌને પુછી જોયું, પણ સાલો તે સમય જ એવો હતો કે સૌ ના ઘર સરખા હતાં.પૈસા તો વળી કોની પાસે હોય? કોક ના કરીયાવર માટે મારા બાપુ પગાર તો પહેલેથી જ મુની પાસે મુંડાવી ચુક્યા હતાં.સગાવહાલાને પારખી જોયા. અરે વાત તો ત્યાં સુધી ગયી કે માત્ર આંખની ઓળખાણવાળા લોકો પાસે પણ આજીજી કરવામાં મારા માતા-પીતાએ પાછી પાની નહોતી કરી. તે દીવસે સવાર થી માડીને રાત સુધી મારા માતા-પીતા ખાધા પીધા વગર દોડતાં રહ્યાં અને રાતે તન અને મન થી થાકીને ભુખ્યાં જ સુઇ ગયા.' રસુલભાઇના નહિં રડી શકાએલા આંસુની ભિનાશ સુરદાસ પણ મહેસુસ કરી શકતો હતો.

' હું સવારે ઘેર થી ચુપચાપ દફતર લઇને નીકળી ગયો. ગૌતમી નદી ખળખળ વહી રહી હતી. જાણે કોઇક સુંદર જાજમ પાથરી ગયું હોય તેમ આખા નદીના તટ પર અવનવા ફૂલો મહોરી ઉઠ્યાં હતાં. પંખીઓનો કલરવ, બળદની ઘંટીઓનું સંગીત કુદરતની રમ્યતાથી ઠાસોઠાસ ભરેલું દ્રશ્ય મને જરાય રમ્ય નહોતુ લાગતું. નદી ના કાંઠે એક બહું ઉંડો કુવો હતો. હું તેની પાળ પર ચડી ગયો. આજુબાજુ ના આ રમ્ય દ્રશ્યો ને અવગણીને સવારની આ વીચલીત કરતી શાંતીને શાક્ષી રાખી હું છેલ્લી વાર રડ્યો. એક હ્રદય દ્રાવક ચીસ સાથે મેં મારા દફતર ભેગા મારા આંસુઓ, મારા ડુસકાઓ, મારી પ્રગતી અને મારુ બાળપણ તે વિશાળ કુવામાં હોમી દીધું.'

શાંતી...... નીરવ શાંતી...... જાણે શબ્દો બધા વામણા થઇ ગયા હોઇ તેમ શું બોલવું તે કોઇને ન સુઝ્યું.દુકાન માં આવેલા ગ્રાહકો પણ પોતાના હાથમા રહેલી ચાની ચુસકી પણ મારી ન શક્યા.

'અરે સોરી રસુલભાઇ તમે સાચું કહેતા હતાં. મે ખોટી જીદ કરી તમને દુઃખી કર્યાં.'સુરદાસે પોતાના આંગળાં રસુલભાઇના માથા પરથી ચહેરા પર, ચહેરા પરથી ખભા પર આંગળા મુક્યાં.તેને ખભો શોધવા મા વાર લાગી પણ તેની ભાવના રસુલભાઇ સુધી તરત જ પહોંચી ગયી હતી.

' અરે છોડો આવી વાતો, હું આજે સારા સમાચાર દેવા આવ્યો છું. તો દુઃખને ટાટા કહો.મને સરકારી નોકરી મળી ગયી છે. જીંદગી આખીનો રોટલો મળી ગયો. આ બધું જ તમારા લીધે થયું છે.' સુરદાસ સજળ આંખો અને બંને હાથ જોડી ને ઉભો રહ્યો.

સુરદાસની અંધારી આંખોમાં રસુલભાઇનું શૈશવ ખીલખીલાટ હસી રહ્યું છે અને રસુલભાઇ કરુણા વશ રડી રહ્યા છે!

***