ત્યાગ Author Mahebub Sonaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્યાગ

ત્યાગ

મહેબુબ આર સોનાલિયા

ગામમાં ઘણાં બધાં ફરસાણ વાળા હોવાં છતાં હું ગામની બહાર છેક રેલ્વે સ્ટેશન પાસે આવેલી દુકાન ‘શ્રી ક્રિષ્ના ફરસાન માર્ટ’ સુધી માત્ર ગાંઠિયા લેવા આવું છું. જો કે તે રીતે હું મારી એકલતા દુર કરવા,ખુદ થી બહુ દુર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છુ.પરંતું એ તો હવે શકય જ કેમ બને.હું અને એકલતા એકબીજાનાં પર્યાય બની ગયા છીએ. જેની આંખોમાંથી સપના પણ આંચકી લેવાયા હોય તે વળી આ ખોખલી દુનિયા વચ્ચે રહીને પણ શું કરે? રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઉભી રહે તે પહેલા તો સ્ટેશનમાં ચહલ પહલ વધવા માંડે. ફેરીયા , કૂલી અને આવનારા લોકો માટે રાહ જોઇ રહેલા લોકો! બધાને બસ ટ્રેનની જ રાહ હોઇ છે.જાણે ઘણા બધાંની રાહ નો અંત આવ્યો. ગાડીનો અવાજ દૂરથી પણ સંભળાય આવે. પ્લેટફોર્મ પર રહેલા લોકોમાં અજબ ઉર્જાનું સિંચન થયું. ગાડીની ગતી ઉત્તરોત્તર ધીમી થતી ગયી. અને ધીમા ઝટકા સાથે ગાડી ઉભી રહી. ગાડીની બાહર માણસ, ગાડીની અંદર માણસ.જાણે માનવીનો કોઈ દરિયો ન હોય. બધાં જાણે કોઈ દોડ પ્રતિયોગીતામાં ભાગ નો લીધો હોઇ તેમ બધાં દોડાદોડ કરવાં લાગ્યાં. આમ તો રેલ ભારતનું સૌથી મોટું વાહન-વ્યવહારનું માધ્યમ છે. પરંતું જેણે કશે જવું જ નથી તેનાં માટે તો બસ હો કે ટ્રેન હો કે વિમાન હો કોઈ કામ લાગતું નથી હું મારા સ્થાનેથી લગીરેય ખસ્યો નહીં.

જેવી ટ્રેન આવી કે ગાંઠીયા ગરમાગરમ તળાવા લાગ્યા. દુકાનદારો ગ્રાહકોની આશામાં મુખ પર બનાવટી સ્મિત ચોંટાડવાં લાગ્યાં. જાણે વાદળોથી ઘેરાયેલ આભને ચીરીને સુર્યનાં આશિષ સમો તડકો જમીન પર અવતરે તેમ મારી નજર પ્લેટ્ફોર્મ પરથી પોતાનો સામાન લૈ ને આવી રહેલી માધવી પર પડી.હજી એટલી જ સુન્દર એટલી જ સોમ્ય, એટલી રોચક. માધવી એટલે સવારનું પહેલું કિરણ, ફૂલનાં ખીલવાંની રીત, ગોરંભાએલા આકાશનું વરદાન સરીખુ વરસાદનું પહેલું ટીપું. સુંદર શરીર તો ઘણાં નું હોય પણ સુંદર તન સાથે સુંદર મનનું combinasion એટલે માધવી. હજી મન થાય કે એને જોયા જ કરૂં તેને આંખોની પૂતળીમાં મઢી લઉં.કદાચ એનાં વિશે હું આજીવન લખી શકું તોય તેનાં સુંદર મન, સૌમ્ય કાયા અને નિખાલસ સ્વભાવનું ચોક્ક્સ વર્ણન નાં કરી શકું. તેનાં લગ્ન બાદ આજ મે તેને ખાસ્સા સમયે જોઇ.

તે સ્ટેશન ની બહાર આવીને રીક્ષા ની રાહ જોઇ રહી છે.એક સાથે બધાં ઉતારુંઓ બહાર આવે એટલે રીક્ષા જલદી મળે નહીં.આજ થયું કે વર્ષોનો આ કાળમીંઢ પથ્થર મારી સ્વરપેટી પર છે તેનાંથી મુકત થઈ જાઉં. કદાચ ફરી આવી તક મળે કે નાં મળે કોને ખબર? કદાચ ભગવાને મને આ એક જ તક આપી હોય.હું બધી હિંમત એકઠી કરી તેને પાસે ગયો.” અરે માધવી.....તું....? ! કેમ છો?” મે તેને માંડ માંડ ધ્રુજતા સ્વરે પુછ્યુ પરંતુ તેની આંખોમા આંખો ના મેળવી શક્યો.

“બહું મજા છે.” લગભગ અડધી મિનીટ જેટલાં સમય આજુબાજુ નિરીક્ષણ કર્યા બાદ તેણે બહુ જ ફિક્કો જવાબ આપ્યો. એની આ અદા હજી ગયી નથી. જાણે ઠરી રહેલા અંગારાને કોઈ પવનની લહેરખી છેડે અને જે જ્વાળા પ્રકટે તેવું તેજ માધવીનાં મુખ પર ગુસ્સા રૂપે નાચતું હતું. ”ઘણા સમયે મળ્યા” મારી પાસે પૂછવા હવે કશું નહોતું. કદાચ મારી પાસે એવો કોઈ મુદ્દો નથી જે તેનાં વદન પર હાસ્ય લાવી શકે. ”હા” તેનો જવાબ માત્ર હા.... કોઈ ગુસ્સામાં ગાળોનો વરસાદ વરસાવી દે તે પણ સહન કરી શકાય પરંતું માધવીનું આ મૌન જરાય સહન કરી શકાતું નથી. તેનુ ધૃણા પણ યોગ્ય છે. હું આ ધૃણાને જ લાયક છું.”હજી મારાથી નારાજ છો, માધવી?” ”અરે માનવ તું કેવો માણસ છો? Do you have a heart? તને કોઈ વાત સમજાતી નથી કે તું ન સમજવાનો ડોળ કરે છે?" એની આંખના એકાદ ખૂણામાં રહેલો ભેજ એકાએક પ્રકટ થવા લાગ્યો. પોતે જાહેર સ્થળે છે તે વાત થી તે સભાન હતી તેથી તેણે આંસુઓને તેની સરહદ બતાવી દીધી. તેણે મારી આંખોમાં આંખો પરોવી બોલવાનું આગળ વધાર્યું.

"તારી યાદો થી દુર જવા હું કેટલી દુર પરણી ગઇ તેની તને ખબર છે?તારા કારણે હું મારા માતા પીતાની નજરોમાં હલકી થયી ગયી.આખું ઘર કે તું હતું કે તું મારા લાયક નથી. હું મારા પરિવારની સામે થૈ ગૈ. એક છોકરી થઈને પણ મેં એટલી હિંમત બતાવી.અને તુ ... માત્ર કાયર બિકણ અને ડરપોક “તેનું એક એક વિધાન જાણે કોઇએ કાનમાં ઓગળેલું સીસું નાખી દીધું હોય તેવી પીડા પહોંચાડી રહયું છે. આગળ હું કશું બોલવાની મારા મહીં જરાય શક્તિ નહોતી અને આગળ વાત વધારવામાં માધવીને કોઈ રસ નહોતો. જાણે થીજી ગયેલાં તળાવની ભીતર કેટલીય લહેરોને સમાવી લઇને શાંત પડે તે રીતે થોડીવાર બન્ને મૌન રહયાં ત્યાં જ મારૂં ફરસાણનું પાર્સલ ક્રીશ્ના ફરસાણ માર્ટ માંથી આવી ગયું.

“માધુ, તારે ઘરે જ જવું છે ને.હું ઘરે જ જાઉં છું .ચાલ તને લિફ્ટ આપી દઉં” મે હીંમત એકઠી કરી ને કહ્યું”ના હું મારી રીતે ચાલી જઇશ. તું જા” તડકામાં ચમકતાં ગાલ પર ગુસ્સો વધારે રાતો દેખાય છે.”અરે માધુ આપણી મંજીલ એક જ છે. અને મારે તને ક્યાં ઉપાડીને લઇ જવી છે, ગાડી તો છે જ .”” એક વાતની કાયમ માટે ગાંઠ વાળીને બાંધી લે.કદાચ આપણી મંજીલ એક હોઇ શકે માધવ, પણ હવેથી આપણાં રસ્તા કાયમ માટે અલગ અલગ રહેવાનાં છે” તેણે મારી સામે એક અણગમા થી જોયુ.કોઈ પ્રતિત્યુંત્તરની રાહ જોયા વીના આગળ ચાલી ગયી.

પછી જોર બૂમ પાડી “રીક્ષા.... રીક્ષા... રીક્ષા....”એક રીક્ષાવાળો આવ્યો. અને તે ચાલી ગૈ .એકવાર પણ પાછું વળી ને જોયું સુધ્ધા નહીં."માધવી તો ચાલી ગઇ પરંતું મારા માટે છોડતી ગઇ એક વિચાર નો દરિયો .આજ એ ઘડી આવી ગઇ કે મારે મારી જાતને મારી ખુદની અદાલત રજું કરવાની હતી. અને મારો ન્યાય કરવાં માટે કોઈ ન્યાયધીશ નથી. અલબત્ત ન્યાય નહીં મને સજા કરવાં કોઈ Judge નથી. મારે ખુદ માટે Trail ચલાવવાંની હતી. અને મન ગમતી સજા સ્વીકારવાંની હતી. વર્ષો પહેલા લખેલા મારા શેર ને હવે મારુ ભાગ્ય ગણી લઉં બસ

"અંતમાં હારવાનું હતું,

જીતવું તો બહાનું હતું."

"માત્ર કાયર ડરપોક.... માત્ર બિક્ણ ..... "તેના શબ્દો હજી મારા કાનમાં ગુંજી રહ્યાં હતાં. જાણે કોઈ રઘવાયૂ ઢોર આમતેમ દોડે અને બધાંને નુકશાન કરે તે રીતે વિચારો મારા મગજમાં ઘૂમરાવા લાગ્યા. શ્વાસોની દોરી ખેંચાઈને ફરી મુકાઈ જાય તેવું લાગી રહ્યું હતું. લલાટ પર પ્રશ્વેદનાં બિંદુઓ ચમકી રહ્યાં હતાં. લોકોની હાજરી અને ગેરહાજરી વચ્ચે કોઈ ફરક રહ્યો નહીં. આટલાં લોકોની વચ્ચે સાવ એકલો હું! મે મારૂં માથું સ્ટેયરીંગ વ્હીલ પર નમતું મૂકયું.

હું જે જે વાતો ભુલી જવા માંગું છું તે બધી જ ઘટના આંખની સામે નૃત્ય કરવા લાગી હતી.શા માટે યાદ આવે છે તે રાત.... ? તે વિરહની સાક્ષી એવી એક માત્ર રાત.તે રાતે માધવીના ભાઇ મારી પાસે આવ્યા જ શું કામ હતાં. કેમ યાદ આવે છે તે મુલાકાત ? આખા જીવનને ઉથલ-પાથલ કરી નાંખનારી ઘટના ભલા ભૂલાય પણ કેવી રીતે? જાણે પુરી ઘટના નજર સમક્ષ તાદ્રશ્ય થઈ ગઇ હોય અને હું એ ક્ષણોનો ફરીથી સામનો કરી રહ્યો હોઉં એવો ભાસ થઈ રહ્યો હતો.

“માનવ તું સારો માણસ છો મારી બહેન તારા પ્રેમમાં ગાંડી થઇ ગઇ છે. પ્લીજ તું એને સમજાવ અમે તેના માટે કેટલા સારા છોકરાઓ બતાવીએ છીએ પણ એ તારા કારણે કોઇ ને હા નથી પાડતી.”માધવીના ભાઇ મને સમજાવવા નો પ્રયાસ કરી રહ્યા હતા”ભાઇ અમે એકબીજા ને પ્રેમ કરીએ છીએ. હું શા માટે તેને સમજાવુ કે મને ત્યાગી અને બીજા સાથે પરણીજા.તે મારા વગર રોઇ રોઇ ને મરી જશે. હુંતેને દુ:ખી જોવા નથી માંગતો.” મે બન્ને હાથનો સમાગમ કરી વિવશતાવશ કહ્યું.

“ હા તો કરી લો લગ્ન , જીવો સાથે, મોજ કરો, પણ એક વાત ન ભૂલ માનવ તુ અપંગ છો અને મારી બહેન સાવ નોરમલ છે.તુ કૈ રીતે તેને ખુશ રાખી શકીશ.જ્યારે પ્રેમનો નશો ઉતરશે ત્યારે તે જ માધવી તારા માટે નહી પણ તારી સાથે રોઇ રોઇ ને મરી જશે. માનવ તું સારો અને સમજદાર માણસ છો હવે નીર્ણય તારે લેવાનો છે .તારી સાથે રહી ને રડે કે પછી બીજા સાથે સુખી રહીને તારા માટે રડે.”હું તેનાં વિરહ નાં વિચાર માત્રથી જબકી ગયો.મે સ્ટીયરીંગ વ્હીલ પરથી મારુ માથુ ઉપાડ્યુ.મારી નજર સાઇડ કાચ પર પડી.અરીસો રડતો રડતો મને જોય રહ્યો છે.અને હુ મારા નહિ રડી શકાયેલા આંસુઓ જોઇ જોઇને થીજી રહ્યો છુ.

***

"આવો બેટા આવો. કહ્યું હોત તો તને Receive કરવા કોઈને મોકલી દેત." પગે લાગવા જતી માધવીને પિતાજીએ તેનાં ખભા પકડી ઉભા કરતાં કહ્યું.

"કેમ છો દીકા તબિયત સારી છે ને."મોટાભાઈએ પુછ્યું.

મે બધાં સાથે smile exchange કરી. મમ્મીના થોડા જવાબો આપ્યાં. As usual સવાલો.મમ્મી કોઈ સવાલ હવે પૂછે તે પહેલા જ મારી cousin રેખા આવી ગયી. મને ભેટી ગયી.મારો હાથ ઝાલીને અમારાં બાળપણનાં અડ્ડા પર લઇ આવી. અમારો અડ્ડો એટલે ઘરની પાછળ આવેલા નાનકડા બગીચામાં લાકડાંથી બનાવેલું ઘર. અમારાં બાળપણની creativityનો બેનમૂન નમૂનો. જાતે રંગેલું. બાળપણ ની બધી રમત નું એ એપી સેન્ટર હતું.ત્યારે તો અમારી આખી વાનર સેના સમાય જતી પરંતું હવે અમે બેય માંડ માંડ સમાયા.

"શું છે બોલ?" રેખાએ સહસ્મિત પુછ્યું.

"મને પણ ખબર નથી યાર જીવન ક્યાં જઇ રહ્યું છે."માધવી બધાં જ શબ્દ આત્મગત બોલી રહી હોય તેમ જણાઈ રહ્યું હતું.

"Ok તો હવે મને માસી ક્યારે બનાવે છો એ તો કહી દે?" ખીલખીલાટ હાસ્ય નો અવાજ એક તરફી જ રહ્યો. ના તો કોઈ જવાબ મળ્યો ના તો એક નાનકડું સ્મિત પણ. માધવી બસ એક સ્થિર અવસ્થામાં જકડાઈને રહી ગઇ.

" શું થયું તું તો આવી નહોતી. અંતર્મૂખી તો હું હતી. તને શું થયું. તને call કરીએ તો પણ બહું ફિક્કો જવાબ આપી disconect કરી નાંખે છો.કોઈ મૂંઝવણ હોય તો મને કહે.મારા જીજુથી ઝઘડો થયો છે?" રેખા ખુદ મુંઝાઈ ગઇ.

"એવું કશું નથી યાર" માધવી ઊભી થઈને ચાલવા લાગી. રેખાને ટાળવા તે સીધી જ રસોડામાં ચા બનાવવા ચાલી ગઇ. રેખા પણ ઘરકામનું બહાનું બતાવી ચાલી ગઇ.

જમીને અમે બધાં નવી જૂની વાતો કરી રહ્યાં હતાં. ભાઈ, ભાભી, પપ્પા, મમ્મી , રેખા, કાકા અને કાકી બધાં ભેગા મળીને હાસ્યની રેલમ છેલ કરી રહ્યાં હતાં. હું બસ બધાંનાં મુખ જોઇ લઉં છું. બહું દૂરથી દિકરી આવી છે.એટલે બધાં આનંદમા છે.જો કે પપ્પાનાં મુખ પર પહેલા જેવું માસૂમ હાસ્ય નહોતું. કદાચ મને દૂર કરવાંનું દુઃખ યાદ આવી જતું હશે.

"આ જુઓતો ખરાં કોણ આવ્યું છે?"હાસ્યની હેલી એકાએક અટકી ગઇ. સૌની સાથે માધવીની નજર દ્વાર પર પડી. એની આંખો ઝપકવાનું જ ભૂલી ગઇ. એનો ચહેરો ફિક્કો પડી ગયો.

"પધારો પધારો બનેવી સાહેબ" મોટાભાઈ સત્કાર વશ ઉભા થઈ ગયા.

"કેમ આજે બન્ને આમ આચનક?"માધવીને પિતાજીએ શંકાની નજરે પુછ્યું.

"કૈં નહીં માધવી આવવાની હતી તો મને થયું કે તેને surprise આપું." તેણે કહ્યું.

માધવીનાં પિતાજીને રાહત થઈ.

દીવસ ઘડીકવારમાં જ પસાર થઈ ગયો.જમી અને માધવી અને તેનો પતી બંન્ને અગાશી પર બેસવા ગયા. રેખા થોડી વાર બાદ અગાશી પર ગઇ. રેખાની નજર સામે હેરાન કરી નાંખે તેવું દ્રશ્ય હતું. માધવીનો પતી કોઈ બાબત પર દલીલો કરી રહ્યો હતો અને માધવી તેને હાથ જોડી રહી હતી. તેને ચુપ રહેવા વિનતી કરી રહી હતી. રેખા કશું બોલે તે પહેલા જ તેણે કસકસાવીને માધવીના ગાલ પર તમાચો જડી દીધો. "બે કોડીની સાલી, મને પૂછ્યા વગર ચાલી આવી" તે ગુસ્સામાં લાલઘુમ્મ થઈ દાદર ઉતરી ગયો. રેખા શૂન્યમનસ્ક થઈ ગઇ. માધવીની હાલત પણ એવી જ હતી. રેખા માધવીની પાસે જઇને બેસી ગઇ. માધવીનાં આંસું લૂછી તેની પીઠ પર મરમાળો હાથ ફેરવ્યો. માધવી ભાંગી પડી. તેની આંખો ચોધાર મોતીઓ સારી રહી હતી. પણ કોને એની તમા હતી? રેખાએ hug કરી માધવીને હૂંફ આપી. ઘણાં સમય બાદ માધવી સ્વસ્થ થઈ એટલે રેખા એ કહ્યું " હવે તારે મને કૈં કહેવું છે કે હજી..?"

"આ ગામમાં ખરાબ મુહૂર્ત પર આવી છું. ઉપરથી ગામમાં આવતાં વેંત જ ...." માધવી થંભી ગઇ.

"શું?" રેખાએ જિજ્ઞાસાવશ પુછ્યું.

ડૂસકું ભરતા તેં બોલી " પેલો ડરપોક... માનવ મળ્યો."

"કેમ એવું કહે છો?" રેખાનાં પ્રશ્નમાં જરા કડવાહટ આવી ગઇ.

"તો શું કહું? તને તો બધું ખબર છે જ ને."

"ના મને બધું નથી ખબર. શું થયું હતું તે ખબર છે. પણ તુ શું જાણે છો તે નથી ખબર." રેખાએ પોતાની લાક્ષણિક અદામા ખભા ઉંચા કર્યા.

"મને એટલી ખબર પડે કે પ્રેમ કરવો હોય તો કોઈથી પણ બીક નાં રખાય. એને પ્રેમ હોત તો ખુદ આવેત મારા મોં પર ના પાડવા." તે જાણે આખી ઘટના એની નજર સમક્ષ જોઇ રહી હોય તેમ લીન થઈ ગઇ હતી.

" બંધ કા થઈ ગઇ બોલ" રેખા તેને ઉશકેરી રહી હતી.

"તને ખબર છે તેણે ભાઈનાં સાથે શું સંદેશ મોકલાવ્યો હતો? મને ભૂલી જજે. બીજે પરણી જા. હરીશચંદ્ર થતો હતો. મારુ જીવન બરબાદ કરી નાખ્યું એણે" માધવીએ બન્ને હથેળી થી મોં ઢાંકી લીધું.

"તું પાગલ છો? દુનિયાનો કયો ભાઈ એવો હોય જે તેની બહેનનો પ્રેમપત્ર લાવે? તે વિચાર્યું કે માનવને બીજો સંદેશાવાહક કેમ નહીં મળ્યો હોય. તેણે તને રૂબરૂ કેમ ના કહ્યું ?" રેખાનો અવાજ થોડો ઉંચો થઈ ગયો.

માધવી કશું બોલી શકી નહીં તેની પાસે સાંભળવા સિવાય બીજૂં કશું કરી શકે તેમ નહોતી.

"મને મોડી મોડી ખબર પડી, આ બધુ આપણાં મોટાભાઈનું કારસ્તાન છે. તે માનવને મનાવવા ગયા હતાં. તેણે માનવને ફરજ પાડી. આ બધું માધવીની ભલાઈમાં છે એમ કહી તેણે માનવ પાસે બેવફાઈનો કાગળ લખાવ્યો. તને તો એમ જ છે કે તે એકે જ બધું ગુમાવ્યું છે. આટલાં વર્ષો થયાં છતાં માનવે કેમ લગ્ન ન કર્યા? એ તને કોઈ દીવસ પૂછવાનું મન ન થયુ? ભૂલ માનવ ની સો ટકા છે. એણે એકવાર તારી સાથે વાત કરવી જોઈતી હતી. પણ તમે બંન્ને એક સરખા છો. એકબીજા માટે મરી ફિટો તોય જીભ પર ન લાવો.હવે કશું થશે નહીં તુ સારો ગણ કે ખરાબ, ચાલ હવે સુઈ જઇએ સવારે વાત" રેખાએ માધવીને હાથ આપી ઊભી કરી. બન્ને બહેનો સાથે બનાવટી સ્મિત લઇ નીચે ઉતરીયા.

આખી રાત ઘડિયાળનાં કાંટા સાથે પથારી પર પડખા ફેરવતી માધવી ભારે વિમાસણ અનુભવી રહી છે. આજ સુધી જેને ખોટો ગણ્યો હતો. આજ રેખાએ એને સાચો કરી બતાવ્યો. નાની નાની ભૂલનો શિકાર થઈ ગયા હતાં. આજ આટલા સમય બાદ એનું ભાન થયું. પતિએ મારેલા વગર વાંકનાં તમાચા એટલી પીડા નથી આપી શક્યાં જેટલી આજ પોતાની ભૂલ અને છેતરાયાની ભાવના પીડે છે. રાત જાણે હજારો રાતોનો સમુહ હોય એટલી લાંબી લાગી રહી હતી. પરંતું અંધારું ગમે તેટલું હોય પણ અજવાળૂ લઈ ક્યારેક તો સવાર આવે જ છે.

સવાર પડતાં જ આખી રાત કરેલાં મંથનને સાકાર કરવાની જવાબદારી માધવીનાં ખભા પર આવી ગઇ. ભાઈ અને પપ્પા નોકરી પર ચાલ્યા ગયાં ભાભી અને મમ્મી કામ માં વળગી ગયા હતાં. લગભગ સવારના 10 વાગ્યા હશે . માધવી એનાં ઘેરથી કોઈને કશું જ કહ્યાં વગર ચાલવા લાગી. થોડુંક ચાલી ત્યાં જ એને ખ્યાલ આવી ગયો કે કોઈ તેનો પીછો કરી રહયું છે. માધવીએ પાછળ ફરી જોવાની જહેમત પણ ન લીધી. જે થશે તે જોયું જશે તેવી માનસિકતાથી આગળ વધતી રહી. થોડુ ચાલી એટલે મારુ ઘર સામે જ હતું. તેની ગતી કુદરતી વધી ગઇ. તે મૈન-ગેટ ખોલી સીધી જ મારાનાં રૂમમા ચાલી ગઈ. મારા ઘરનાં લોકોને કશી ખબર ન પડી કે માધવી શું કામ આવી છે.

હું મારા desk પર પડેલા થોડા પેપર્સ જોઇ રહ્યો હતો. અચાનક આવેલ માધવી એ રણમાં આવેલા વરસાદ જેવી અલભ્ય લાગે છે. અંદર ખાને મને ડર પણ લાગ્યો . હવે વળી મે શું કર્યું કે માધવીને અહિં આવવું પડયું.

રૂપથી નીતરી રહેલા યૌવનનો આંખોમાં ઉભરાયેલા સાગરને જોઈને હું બોલી ઉઠ્યો "માધુ, શું થયું કેમ અહિં અત્યારે?"

માધવીને મહેસૂસ થયુ કે હજી મારા હ્રદયમાં માધવીનુ સ્થાન તેટલું જ ઊંચું છે. તે દોડીને મારા બાહુપાશ માં સંતાઈ ગઇ. એની આંખોમાં હજી અશ્રુધારા વહી રહી હતી. હું પણ એ વાત ભૂલી ગયો કે તેનુ નામ કોઈની સાથે જોડાઇ ચૂક્યું છે. મે મારો હાથ તેની પીઠ પર મુક્યો અને તેનુ લલાટ ચૂમી લીધું.

"તું મહાન થવા માટે મને છોડી દે એવું તો મે વિચાર્યું જ નહોતું. મને કેમ ન કહ્યું મારા પર ભરોસો નહોતો?" હર્ષ અને દુઃખના આવેગથી ધ્રૂજતી માધવી બોલી.

" હુ તારા ભાઈને કેમ .... "મારુ વાક્ય અઘરું રહી ગયુ તેણે મારા હોઠ પર એની આંગળી મુકી દીધી. એક પળ માટે બધું slow motion માં ચાલતું હોય તેવું લાગ્યું.

"હવે આનો કોઈ મતલબ નથી. તું શું ચાહે છો? તુ મારી પાસે શા માટે આવી છો તે કહી દે." માત્ર બીજી જ ક્ષણે હુ સભાન થઈ ગયો. મે માધવીને મારાથી દૂર કરી.

" આપણે બન્નેએ ભૂલ કરી છે માનવ , મારે એને સુધારવી છે. મારે તારી સાથે જીંદગી જીવવી છે. તારા ખોળામાં માથું રાખીને આ જગતને અલવિદા કહેવી છે."

" એ હવે શકય નથી માધુ. તું કોઈકની છો. તુ મારા માટે એને છોડી દે એ સારુ લાગશે?

"એક વાત કહું માનવ? મારી સુહાગરાતે મે મારા પતી આપણાં વિશેની બધી વાત કહી દીધી. મને એમ હતું કે તે પણ તારી જેવો સમજદાર હશે. પણ એનું ફ્ળ શું આવ્યું તને ખબર છે? એણે મારો સદા માટે ત્યાગ કર્યો. હવે તુ વિચારીને કહેજે કે તારે શું કરવું છે?" માધવી તરત જ રૂમ છોડી ચાલી ગઇ.

માધવી માંડ બે ત્રણ ડગલાં ચાલી હશે ત્યાં જ phone રણક્યો

માધવી માત્ર એક જ વાક્ય બોલી શકી "આ માનવનું શું કરું. ખુદ કહેવાને બદલે SMS કરે છે ' I love you'"

માધવી ખુશીથી ઝુમવા લાગી. કાયદેસર તે હવામા કુદકા ભરવા લાગી.આજુ બાજુનાં વિશ્વનું તેને ભાન જ ન રહ્યું. જૂમતી, નાચતી, ગાતી માધવી એકાએક થંભી ગઇ. તેની નજર મૈન ગેટ પર પડી ત્યાં તેનો પતી ઉભો હતો.બન્નેની એક નજર થઈ ગઇ.તે માધવીની સામે ગંદી નજરે જોઇ અને ચાલતો થયો. માધવીનો પતી ક્યાંય આગળ નીકળી ગયો અને માધવી તો ત્યાં ની ત્યાં જ રહી ગઇ.

***