અવમૂલ્યન
મહેબૂબ સોનાલીયા
પરીક્ષા પૂરી થવાની સાથે, વેકેશન શરૂ થયું. બાળકને સૌથી પહેલાં મામાનું ઘર સાંભરે તે સૌથી સ્વાભાવિક ઘટના છે. આજે મારો દસ વર્ષનો દીકરો રાહુલ તેના મામાના ઘેર જવા થનગની રહ્યો છે. નવા કપડા પહેરી લીધા છે, મમ્મીએ તૈયાર કરી દીધો છે. સરસ હેર સ્ટાઇલ કરી અને કપાળના એક ખૂણા પર કાળો ટીકો લગાડી દીધો છે. આટલા દિવસના પરીક્ષાના ટેન્શનમાં ગળાડુબ બાળક આજે હળવા ફૂલ બની ગયો હતો. સાવ બેફિકર બની ગયો હતો. સવારનો દોડાદોડી કરતો ઘર માથે લીધું હતું. રાહુલને તેડી લઈ જવા માટે ખુદ તેના મામા આવી ગયા હતા. હવે મહિનો દિવસ ઘર સૂનું સૂનું લાગશે. અમારા બંન્નેના જીવ લાગશે જ નહીં. બાળક વગર ઘર ખાવા દોડશે. પણ એ ખુશ ખુશાલ મામા ના ઘેર જઈ રહ્યો હતો. મારો દિવસ તો ઓફિસમાં આરામથી વીતી જશે. પણ એની મમ્મી બિચારી આખો દિવસ કંટાળી જશે. સાવ એકલી પડી જશે. પણ બાળકોની ખુશીમાં જ આપણે ખુશ રહેવાનું. રીક્ષા છેક પગથિયે આવીને ઉભી રહી હતી. રાહુલના મામા બૂમ પાડીને રાહુલને બોલાવવા લાગ્યા. નાનકડો રાહુલ હોંશ ભેર થેલો ખભે નાખી દોડવા લાગ્યો. દરવાજા સુધી જઈ અને થોડી વાર ઉભો રહી ગયો. એને કશુંક યાદ આવ્યું હતું એટલે એ પાછો ફર્યો અને મારી પાસે આવીને બોલ્યો. "પાપા મામાનું ઘર દૂર છે હો. "
"તો?" મેં જાણતા અજાણ રહેવાનું નક્કી કર્યું.
"તો શું? થોડા પૈસા તો જોશેને અમારે ફરવા જવું હોઇ તો જોઈએ કે નહીં?"
"હા ભાઈ હવે તું મોટો થઈ ગયો છો એટલે તને તો પૈસા જોઈએ જ ને" મેં આછા સ્મિત સાથે ખિસ્સામાંથી સો સો વાળી બે નોટો કાઢી અને રાહુલનાં હાથમાં મુકી.
રાહુલ કશું બોલ્યો નહીં. પણ છતાં એના ચહેરા પર ખુશી દેખાઈ નહીં. તેણે હાથ પર રહેલી નોટો પકડી પણ નહોતી. સાવ સુનમુન થઈ ગયો. એનો થોડી વાર પહેલાંનો ઉલ્લાસ એકાએક ગૂમ થઈ ગયો.
"ઓય, શું થયું?" મેં તેના વાળમાં હાથ ફેરવતા કહ્યું
"તમે રહેવા દો હું મમ્મી પાસે થી લઈ લઈશ. " તે થાકેલા સ્વરે બોલ્યો.
"તમે રાહુલને પૂરતાં પૈસા આપી દેતા હો. તે હવે મારી પાસે આવે છે તમારી પાસે દર વખતે ઓછા પૈસા મળે એવી ફરિયાદ કરે છે. એવું શું કરતા હો છો?આપણો એકનો એક દીકરો છે. તમે કમાવ છો કોના માટે?" મારા હોમમિનિસ્ટરનું ફરમાન આવ્યું.
રાહુલે મારી હથેળી ઉપર બસ્સો રૂપિયા મૂકયા અને તેની મમ્મી પાસેથી પૈસા લઈ અને ફરીથી પહેલા જેટલાં હર્ષોલ્લાસથી દોડવા લાગ્યો.
રાહુલ રીક્ષામા બેઠો તેના મામા તેની બાજુમાં બેસી ગયા. રીક્ષા ચાલી ગઈ. રાહુલની મમ્મી ગુડ બાય નું વેવિંગ કરતાં થાકી ત્યારે સીધી કિચનમા ચાલી ગઈ. 12 x 18 ના હોલમાં હું, એકલતા અને ગાંધી બાપુની સ્મિત લૂંટાવતી બે ફોટો મારા હાથમાં રહી ગઈ હતી. ગાંધી બાપુના હાસ્ય મા મને 10 વર્ષ પહેલાંનો હું દેખાઈ રહ્યો હતો. કામ કાજ કરવું નહીં. કોઈ ફિકર નહીં. કોઈ પરેશાની પણ પરેશાન ન કરી શકે. ટૂંકમાં હું BPL હતો. ગ્રેજ્યુએશન હજી ચાલુ હતું. પિતાજીની આર્થિક સ્થીતી બહું જ ખરાબ હતી. કોલેજથી આવ્યા પછી તેલની બરણી અને શાકભાજીની થેલી ઉપાડવી એ મારા દૈનિક કાર્ય માનું એક કાર્ય હતું. રોજે રોજનું લાવી અને તાજું જ જમવું એ એક સારી આદત પણ હોઈ શકે પણ મારી બાબતમાં તે મજબૂરી હતી. માંડ એક દિવસ ચાલે એટલું તેલ લાવવાનું હોઈ. ઉપરથી પેલો ખડુસ દુકાનદાર રોજ મેણા ટોણા મારે. રોજ કહે કે આટલું તેલ શુ કામ લઈ જા છો આખો ડબ્બો લઈ જા. પૈસા ડબ્બો પૂરો થાય ત્યાં સુધી મા આપી જજે. પાછો લુચ્ચો હસે અને બીજા લોકોને પણ હસવા માટે ઉશ્કેરે. અને હું દિગ્મૂઢ થઈને જોતો રહું. હસવાનું તો શું મને રડવાનો પણ વેંત નહોતો રહે તો.
એકવાર એવું બન્યું કે કોલેજમાં ફિસ માટે ઘણું સાંભળવું પડ્યું હતું. ઘેર આવતાની સાથે જ મારા માટે રાહ જોઈ રહેલી બરણીને મેં ન્યાય આપ્યો સાથે પેલી થેળીને પણ ઉપાડી કદાચ બન્ને ગાતા હશે જનમ જનમકા સાથ હૈ હમારા તુમ્હારા. એક સાથે હોઈ તેટલું બળ કરીએ ત્યારે સાયકલ બજારનો ઢાળ ચડે. એમાંય રસ્તાની વચ્ચો વચ્ચ આરામથી ટહેલતા ઢોર. ગમે ત્યાં ગાડી મૂકી દેતા નબાવના દીકરાઓ. ટોળે વળીને હા હા હી હી કરતાં અને છોકરીઓ જોઈ નિસાસા નાખતા દેશનાં ઉજળા ભવિષ્ય સમાં બેકાર યુવાનો. અને નાની નાની વાત માટે ગાળે ગાળે આવતા લોકો. મારી કસોટી માં ખૂબ વધારો કરીને છેવટે મને પાસ ઘોષિત કરતાં. ઘેર થી તો નહાઈને નીકળ્યા હોઈ પણ જેટલી વાર બહાર નીકળીએ તેટલી વાર પરસેવે રેબઝેબ થઈ જવાય.
પરસેવાથી નીતરતો હું માંડ મારા દુકાનદાર સુધી પહોંચ્યો. થોડી વાર તેના ટોણા સાંભળ્યા થોડી વાર બધા મારા પર હસ્યાં થોડી વાર હું સ્તબ્ધ થયો ત્યાં સુધી માં તેનાં માણસે મારો સમાન જોખી દીધો હતો. હું આ થોડી વાર માટે રોજ અડધો કલાક સાઇકલ ચલાવીને શું કામ અહીં જ આવું છું એ મને પણ સમજાતું નથી. ખેર ગરજવાન ને અકલ તો હોય જ નહીં. આપણે તો બસ સાંભળીને બળવાનું અને બળીને સાંભળવાનું. ફરી પાછો અડધો કલાક જશે ઘેર જવામાં ફરી પરસેવે નહાશું ફરી તેલ પહોંચશે ત્યારે રંધાશે અને આપણે ખાશું. ઘેર જઇ સામાન આપ્યો ત્યારે ઘરનો ચૂલો સળગ્યો. બંન્ને બાજુ એક સરખી આગ લાગી રહી હતી. ચૂલા માં અને દિલમાં. પણ આ બધા કરતા પેટની આગ સૌથી મોટી હોઈ છે. જેવી રસોઈ તૈયાર થઈ કે મને પીરસી દેવાયું. સૌને ખબર હતી કે મારાથી ભૂખ સહન નથી થતી.
પહેલી કહેવત છે ને કે પહેલા કોળીએ માખી આવવી. એ રીતે હું જમવા બેસ્યો અને કશું યાદ આવ્યું એટલે જમવાની થાળીને નમન કરી ઉભો થઇ ગયો. ફરી સાઇકલ કાઢી અને દમ લગાકે હઈશા. સાઇકલ મારંમાર દોડાવી અને હું કરીયાણાની દુકાને પહોંચ્યો. લાખ નો બોલવવુ હોઈ તો પણ મારે તે અભાગીયા દુકાનદારને બોલાવવો જ પડે.
"એલા આજ તેલ વહેલા ખાલી થઈ ગયું, શુ કર્યું પીઇ તો નથી ગયો ને?" એ જોર જોરથી હસવા લાગ્યો. નિત્યક્રમ મુજબ બીજા લોકો પણ તેની સાથે દાંતમંજનની જાહેરાત કરતા હોઇ એમ બત્રીસી કાઢી કાઢીને હસી રહ્યા હતા.
"કાકા, સવારે હું આવ્યો હતોને ત્યારે તમારા માણસે મને 10 રૂપિયા ઓછા આપ્યા હતાં. જોઈ જુઓ ને" આને કહેવાય ગરજે ગધેડાને કાકા કહેવા.
"તારી કૈં ભૂલ થતી હશે મારો માણસ રોજ નાં હજારોનો વહીવટ કરે છે. એ તારી જેમ તો નથી કે એને 10 રૂપિયા મા ભૂલ કરે!" ફરી હા હા હી હી.
"હશે કાકા તમારો માણસ કુશળ છે બસ. પણ છતાં એક વાર પૂછી લોને "મેં હાથ જોડ્યા.
"એક કામ કર સામે ચબૂતરા નીચે બેસ અને રાહ જો અત્યારે મારા ગ્રાહક આવે તો તું નડિશ. મારો માણસ જમવા ગયો છે તે આવે એટલે એને પૂછું. હું તને બોલવું ત્યારે અહીં આવજે ત્યાં સુધી ત્યાં જ રહેજે. " એણે મને એની દુકાનથી દૂર જઇને બેસવાનું કહ્યું.
હું રાહ જોતો રહ્યો. અડધી કલાક, પોણી કલાક, કલાક , દોઢ કલાક હજી કોઈ એ મને બોલાવ્યો નહોતો. આંખની ચારે તરફ મીઠાઈ , હલવા અને પૂરી શાક તરવરે ભોજન ના પણ દીવ સ્વપન હોઈ શકે તે મને ત્યારે ખબર પડી. લગભગ પોણા બે કલાકે પેલો માણસ દુકાનમાં આવ્યો હું તરત ઉભો થયો. હજી હું એક ડગલું ભરું તે પહેલાં તો પેલા દુકાનદારે મારી સામે ત્યાંજ બેસી રહેવાનો ઈશારો કર્યો. અને હું ધબ્બ દઈને જમીન પર બેસી ગયો. પેલો દુકાનદાર તેના માણસ સાથે આકરી તકરાર કરી રહ્યો હોય એવું દૂરથી દેખાઈ રહ્યું હતું પેલો માણસ માથું નીચું રાખી માત્ર સાંભળી રહ્યો હતો. ઘણી વાર માથા કુટ ચાલી ત્યાં તો તેમની દુકાને 2 ગ્રાહક આવી ગયા એટલે પેલા એ બનાવટી સ્મિત ચોંટાડી તેમને સંબોધતા હાથથી આવકાર આપ્યા. અને પેલા માણસને મારી સામું જોઈ અને અંગળીનો ઈશારો કર્યો. દુકાનદાર પેલા ગ્રાહક સંચવતો હતો ત્યારે તેનો માણસ મારી પાસે આવી અને મારા હાથમાં 10ની નોટ મૂકી ગયો. મને યાદ છે બાપુ એ દિવસે મારી આંખો માંથી કેટલી વર્ષા થઈ હતી અને હું કેટલો રાજી થયો હતો. કહે છે રૂપિયો ગાડાં ના પૈડાં જેવો મોટો હોઈ છે. ખરેખર એવડો જ મોટો લાગ્યો હતો. મને મારા પૈસા પાછા મળી ગયા. ઈશ્વર નો આભાર માન્યો. સો સો વાર માન્યો. બાપુ ત્યારે પણ તમે આવું જ સ્મિત કરતા હતા. હા આજના આ બે કાગળ કરતાં sizeમાં થોડા નાના જરૂર હતાં પણ તમારી મુસ્કાને મારા ચહેરા પર કેટલુ મોટું હાસ્ય સજાવી દીધું હતું. બાપુ જો તમને ખોટું ન લાગે તો એક સવાલ પૂછું ?
"માત્ર થોડાક જ વર્ષોમાં તમારૂં આટલું બધું અવમૂલ્યન થઈ ગયું છે?"
પણ બાપુ કશા ઉતર આપ્યા વગર હજી માત્ર સ્મિત જ કરી રહ્યા હતાં!
***