Lagni no sangharsh books and stories free download online pdf in Gujarati

લાગણી નો સંઘર્ષ

''નિશા, આજે તને જોવા છોકરાવાળા આવવાના છે. યાદ છે ને? આજે તું મારી પેલી બાંધણી પેર'જે. જોજે છોકરા વાળા જોતા જ હા પાડી દેશે.'' નિશા ને તેની ભાભી શિવાની એ કહ્યું.

હા હું જ એ નિશા. બદનસીબે હું સ્ત્રી છું. હા સ્ત્રી હોવાનો મને કોઈ ગર્વ નથી. મોટિવેશન સ્પીકરો અને બીજા લોકો જ્યારે સ્ત્રી આમ ને સ્ત્રી તેમ, સ્ત્રી શક્તિ સ્વરૂપ, સ્ત્રી પૂજનીય આવું બધું બોલે ત્યારે ખરેખર ગુસ્સો આવે. કે સમાજ માં સ્ત્રીને ખરેખર માન આપવા વાળા કેટલા?

અરે હા સાચું કહું છું જુઓને આજે જ મને જોવા માટે છોકરા વાળા આવવાના છે. હા જોવા.. હું કોઈ વસ્તુ છું ને તો કેવું કે તેનો સોદો નક્કી કરવા માટે એને જોવી પડે. અને મારે? સજીધજી ને તૈયાર થવાનું. હું જે છું જ નહીં તે મારે બતાવવાનું તેમને.

જો હમણાં જ ભાભી એ કીધું મને સાડી પેરવાનું. મને ક્યારેય સાડી પેરવાનું ફાવ્યું જ નથી. કોલેજના સાડી ડે સેલિબ્રેશન માં પણ હું સાડી પેરતી નહીં પણ અહીં તો તે લોકોને રીઝવવા માટે મારે સાડી પેરવાની. જાણે મારી મારી સંસ્કારીકતા નું લેબલ તેનાથી નક્કી થશે.

મમ્મી - ''હા બેટા, શિવાની બરાબર કેય છે. એ સાડી પેરજે આજે છોકરા વાળાને તું પસંદ આવી જાય એટલે અમારી જવાબદારી અને ચિંતા પુરી થાય.''

લો ત્યારે જોયું? છોકરી એક જવાબદારી હોય છે. અને હા, નવરાત્રી માં જયારે હું ચણિયા ચોલી પહેરી તૈયાર થઈને ગરબા કરવા જતી તો મમ્મી કહેતા કે આમ આટલું તૈયાર થઈને નહીં જવાનું, બધાની નઝર સરખી ના હોય. અને હમણાં એ જ મને સારી રીતે તૈયાર થવાનું કે છે અને એ પણ અજાણ્યા સામે જવા માટે (હજી જોવા આવવા વાળા બધા અજાણ્યાં જ ને!). અમારી ગાડી જ્યારે વેચવાની હતી ને એને જોવા ગ્રાહકો આવતા ત્યારે પણ પપ્પા એકદમ એને ચકચકાટ રાખતા.

આ બધી ધમાલ માં મને તો ક્યારેય કોઈએ પૂછ્યું જ નહીં કે તને કોઈ ગમે છે કે નહીં.

હા. મને ગમતો પણ હતો અભિનવ. અમે કોલેજમાં સાથે હતા. દેખાવે એવરેજ હતો પણ સ્વભાવ થી એ કામદેવ ને પણ શરમાવે એવો. મને ક્યારેય દેખાવ નો મોહ એમ પણ રહ્યો નથી. તે એક જ એવો હતો બધાથી અલગ. બધા પુરુષો માં એકદમ અલગ. જાણે કહેવાયને સ્ત્રી જેવું કાળજું. પણ બાયલો નહિ હં કે. પણ બદનસીબી પણ એવી અમારી જાતિ અલગ. લગ્ન શક્ય નહોતા બેવ પરિવાર ની દ્રષ્ટિ એ.

મેં તો તેને ભાગી ને લગ્ન કરી લેવા કિધેલું પણ તેણે મને ના પાડી કેય કે ''ભાગીને લગ્ન તો ડરપોક કરે હું તો સામી છાતી એ તારા પપ્પા પાસે તારો હાથ માંગીશ. જો હા પાડે તો ઠીક છે નહીતો જેવી ભગવાન ની મરજી.''

અને થયું પણ એવું, મારા પપ્પા એ એને અપમાનિત કરીને કાઢી મુક્યો અને તેણે પણ કીધું કે હવે આ લગ્ન શક્ય નહિ બને. બની શકે તો ભૂલી જજે બધું. ત્યારે મને એમ થયેલું કે બધે ભગવાન ની ને મારા પપ્પા ની જ મરજી? મારી મરજી ની કોઈ કિંમત નહિ? પણ શું કરીએ આ સમાજની કહેવાની ઈજ્જત જતી રેય. આખરે મેં બધું સ્વીકારીને મન મનાવી લીધું.

એમ પણ સ્ત્રી ની જાત ને તો બધે એડજસ્ટ કરવું પડે. બધે મન મનાવવાનું. સ્ત્રી ને સહનશક્તિ ની મૂર્તિ બનાવીને ચણા ના ઝાડ પર ચડાવી દીધી અને બધું સહન કરાવ્યા રાખવાનું તેની પાસે. હા પણ જુઓને પપ્પા એ નાત ના બીજા છોકરાઓ સાથે વાત ચલાવવાનું કહ્યું તો મારે હા પાડવી જ પડી ને.

આમ ને આમ સાંજ પડી ગઈ..

''નિશા કેટલી વાર? એ લોકો આવતા જ હશે.'' - મમ્મી.

આ મમ્મી ને પણ ક્યાંય ચેન નહિ હોય. ક્યાંથી હોય એ એની જવાબદારી માંથી મુક્ત થવાના ને.

હોલ માં થતા ગણગણાટથી લાગે છે એ લોકો આવી ગયા છે.

''નિશા બીટા, પાણી લાવજો'' - પપ્પા.

હા હવે મારે શરાફત નો અંચળો ઓઢીને જવાનું છે.

પાણી આપી દીધું બધાને ઠીક છે છોકરો એમ. હવે મારી તેની સાથે ઘરમાં જ 5 મિનિટ ની મુલાકાત ગોઠવાશે. એ 5 મિનિટ માં મારે જિંદગી આખી નો ફેસલો કરી દેવાનો. પોતાની જાત આપવાનો ફેસલો.

અમારી મુલાકાત ગોઠવાઈ. તે છોકરાનું નામ નિલેશ હતું. મેં તેને મારા જુના પ્રેમ વિશે કહી દીધું, એવી આશા એ કે કદાચ એ ના પાડી દે. અથવા જો એ ખરેખર સારો હશે તો આવી વાતો ગૌણ ગણશે.

મારા આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે એની હા આવી અને અહીં બધા મને જબરદસ્તી કરવાનું ચાલુ કર્યું. હવે મારા અન્નજળ આ ઘરમાંથી ખૂટી ગયા હતા. બધાં ને પોતાની જવાબદારી માંથી છૂટવું હતું અને મેં પણ હા પાડી તે લોકોને જવાબદારી માંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો.

આખરે મારી સગાઈ થઈ ગઈ. કેમ થઈ કેવી રીતે થઈ કાઈ જ ખબર નથી. મન હોય તો ખબર હોય ને.

અને જો આજે મારા લગ્ન નો દિવસ પણ આવી ગયો. હા સગાઈ અને લગ્ન વચ્ચે ખાલી એક મહિના નું અંતર. આ સગાઈ અને લગ્ન વચ્ચે ના એક મહિના માં મેં નિલેશ ને જાણવાની કોશિશ કરી અને તે ખરેખર સારો વ્યક્તિ છે. અને તેને મારા ભૂતકાળ સાથે પણ કોઈ લેવા દેવા નથી. તેથી જ હું તેને મારો ભૂતકાળ ભૂલીને જીવનસાથી તરીકે જોવા માંડી હતી. હવે જીવનમાં આગળ વધવું હતું.

આજે હું સોળ શણગાર સજીને નવોઢા બની છું. દરેક છોકરી માંટે જિંદગી ની એ ક્ષણ જે તેની રાહ તેને બાળપણ થી હોય છે. પોતાની જાત ને દુલ્હન તરીકે જોઈને હું અંદરથી જ હરખાતી હતી. આખરે મારો વરરાજા મંડપ પર આવ્યો અને હું તેના દિલ ની સામ્રાજ્ઞીની છટાથી મંડપ માં ફેરા ફરી.

શરૂઆત માં દિલમાં પહેલો પ્રેમ ના મળ્યો અજંપો હતો એ હવે શમી રહ્યો હતો. હું આગળ વધી રહી હતી. મેં મનોમન નિલેશ ને પતિ સ્વીકારી લીધો અને તેની રાહ જોઈને બેડરૂમ માં બેઠી છું.

હા, આજ અમારી સુહાગરાત છે! આ પળ માટે તો શિયળ સાચવીને રાખ્યું હતું. હવે પતિદેવ આવે એટલે વાદળી બનીને વરસી જ પડવું ! કેટલેટલું વિચારી રાખ્યું હતું આ પળ માટે. ભાભીએ અબે બહેનપણીઓએ કેટલી સલાહો આપી હતી. એ બધી એકવાર વિચારી જોઈ.

નિલેશ રૂમમાં આવ્યો. હું મન માં મુસ્કુરાઈ અને હું બોલવા જાવ એ પેલા જ બોલ્યો. ''જો નિશા. હું એક વાત ની ચોખવટ કરવા માગું છું. મારે પણ એક છોકરી સાથે પ્રેમ હતો પણ અમારા લગ્ન શક્ય ના બન્યા. હું તારી સાથે લગ્ન કરવા માંગતો જ નહોતો પણ પરિવાર ના પ્રેશર ને કારણે કરવા પડ્યા. તું મને પહેલેથી જ પસંદ નહોતી. બની શકે તો મને માફ કરી દેજે. આપણી વચ્ચે સંબંધ શક્ય નહિ બને.''

એક પવન નું ઝોકું આવ્યું ને જે હજી હમણાં જ પત્તાં નો મહેલ બનાવ્યો તો તે પડી ગયો. આજે ફરી વ્યક્તિ ને ઓળખવામાં મેં ભૂલ કરી. સામી દીવાલ પર કરોળિયો તેના જાળા ના તાંતણે લટકી રહ્યો હતો અને અચાનક પડી ગયો.

-પિયુષ માલાણી

બીજા રસપ્રદ વિકલ્પો