Krantiveer books and stories free download online pdf in Gujarati

ક્રાંતિવીર

19-05-1938

''તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા.''

નેતાજી સુભાષચંદ્ર બોઝ મુંબઇ ના લોકોને આઝાદીની લડતમાં જોડાવવા માટે આહ્વાહન આપી રહ્યાં હતાં.
વીરભદ્ર અસંખ્ય લોકો ના ટોળામાં વચ્ચે ઉભો ઉભો તે સાંભળી રહ્યો હતો અને જાણે તેના શબ્દે શબ્દને પોતાના મનમાં ખૂણામાં ધરબી રહ્યો હતો તેના મનમાં આઝાદી ની લડત માં જોડાવા માટે ની ઈચ્છા પ્રબળ જોર કરી રહી હતી. વીરભદ્ર ગોહિલવાડ ના એક નાના ગામ કિશનપુર નો વતની હતો અને તે કિશનપુર થી મુંબઇ ખાસ સુભાષચંદ્ર બોઝનું ભાષણ સાંભળવા આવ્યો હતો. જ્યારથી સમજણો થયો ત્યારથી સુભાષચંદ્ર બોઝ પ્રત્યે ખૂબ જ લગાવ. તેને સુભાષબાબુના ભાષણો રેડીઓ પર ખૂબ જ સાંભળેલા અને જ્યારે તેને ખબર પડી કે સુભાષબાબુ મુંબઇ આવવાના છે તો તેને પ્રત્યક્ષ જોવા મોકો તે કોઈ પણ હિસાબે છોડવા માંગતો નહોતો. તે ઘેર કોઈને પણ કહ્યા વગર બેસી ગયો સુરત ની બસ માં, અને ત્યાંથી બીજી બસ પકડીને મુંબઇ પહોંચી ગયો.

કિશનપુર ના લોકોને અંગ્રેજોની ગુલામી માફક આવી ગયેલી એનું પણ એક કારણ હતું એ ગામમાં બે વરસ પહેલાં જે દુષ્કાળ પડેલો ત્યારે તે લોકોને અંગ્રેજોએ ખૂબ સહાયતા કરેલ. તેમાં પણ અંગ્રેજોના પોતાનો જ સ્વાર્થ હતો.

ઈ. સ. 1828 માં લોર્ડ વિલિયમ બેન્ટિક ની નિમણુંક ઇસ્ટ ઇન્ડિયા કંપની માં ગવર્નર તરીકે થઈ હતી. વિલિયમ બેન્ટીક જ્યારે ઇન્ડિયાના ગવર્નર પદ પર આવ્યો ત્યારે તેણે ત્યાર સમયના ભારતના રાજાઓને ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાવા માટે હાકલ કરી, જો રાજા તે કંપનીના નિયમ મુજબ સંધિ કરે તો તેના રાજ્યની બધી અકસ્માયતો કંપનીની માલિકીની ગણાય અને તે રાજાને ફક્ત ખંડિયા રાજા તરીકેની ભૂમિકા ભજવવાની અને બધા કરવેરા જમીનો પર કંપનીની માલિકી ગણાય અને તેના બદલામાં કંપની તે રાજાઓને યુદ્ધમાં બધી જાતનું રક્ષણ પૂરું પાડશે. કંપની પાસે તે સમયમાં અદ્યતન હથિયારો હતા ભારતમાં જ્યાં હજુ તલવાર ભાલા તીરકામઠા વડે યુદ્ધો થતા ત્યાં અંગ્રેજોએ બંધુકો અને તોપો વડે તેઓ પોતાના આધિપત્ય જમાવવાની શરૂઆત કરી દીધી હતી. જો રાજા તે સંધિનો વિરોધ કરે તો તેની સામે યુદ્ધ કરીને તેનું રાજ્ય પડાવી લેવામાં આવે.

કિશનપુર આ રીતે ભૂતકાળમાં અંગ્રેજો દ્વારા પડાવી લીધેલા ગોહિલવાડ રાજ્યનું જ એક નાનું ગામ હતું. કિશનપુર ગામની બધી જમીનો અંગ્રેજોના હસ્તક હતી અને તે ગામના લોકો મજૂરી કરીને તે જમીનો પાર ખેતીકામ કરતા અને તેના બદલામાં તે લોકોને ફક્ત મજૂરી પેટે અમુક રકમ કે કોઈવાર અનાજ મળતું. અને ખેતી માં થતો બધો પાક કંપની ની માલિકીનો ગણાતો.

બે વર્ષ પહેલાં આખા વરસ દરમિયાન વરસાદ થયો નહિ અને દુકાળ પડ્યો તો તેના લીધે અંગ્રેજોએ ખેડૂતો પ્રત્યે દયા દાખવીને તે વર્ષ માટે પોતાના ભંડારો માંથી અનાજ ખેડૂતોને આપ્યું. તો કિશનગંજ ના લોકોના કુમળા મન પર અંગ્રેજોનો આ દયાભાવ ખુબ ઊંડી અસર કરી ગયો હતો અને તેઓ હંમેશને માટે દેશ માં અંગ્રેજોનું શાસન ઝંખતાં.

વીરભદ્ર નાનપણથી જ તેની માતાને પૂછ્યા કરતો કે ''મા, આપણે જમીનમાં આટલું બધું ઉગાડીએ છીએ છતાં પણ આપણને કેમ આટલું ઓછું મળે છે સાહેબ લોકો તો બિલકુલ મંજૂરી નથી કરતા તો પણ તેને બધું જ અનાજ આપી દેવાનું ત્યારે તેની મા તેને કોઈને કોઈ વાત કહીને ચૂપ કરાવી દેતી હતી.'' તેને મન પણ બીજા ગામલોકોની જેમ અંગ્રેજો જ તેનું સર્વેસર્વા હતા. વીરભદ્ર તેનો એકનો એક પુત્ર અને તે જો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરણી પામે અને તેની સામો થાય તો અંગ્રેજો તેને જીવતો ના છોડે તે ડર જ તેના મનમાં જાગ્યા કરતો. એટલે તે વર્તમાન પત્રો અને રેડીઓ વગેરે સાધનોથી વીરભદ્ર ને દૂર જ રાખતી કે જેથી કરીને તેનામાં ક્રાંતિકારી ભાવના જન્મ ના લે. પણ કહેવાય છે ને કે ક્રાંતિકારી જન્મથી જ ક્રાંતિકારી હોય છે. વીરભદ્ર એ તેના એક મિત્રને સાધ્યો હતો અને તેના દ્વારા તે વર્તમાન પત્રો અને રેડીઓ ચોરીછુપીથી સાંભળતો.

આજે વીરભદ્રને તેના પ્રિય નેતાને સાંભળવાનું થયું તો તેને મળવાની ઈચ્છા પ્રબળ જોર કરી ગયી. તો ભાષણ પત્યા પછી તે તેને મળવા માટે ટોળામાંથી આગળ ઘસી ગયો. અને સુભાષબાબુને મળવા માટે પાંચ મિનિટ માગી. પહેલાં તો સુભાષબાબુ સાથેના તેમના અંગરક્ષકોએ તેને રોક્યો પરંતુ બાદમાં તેણે પ્રબળ ઈચ્છા દર્શાવતા સુભાષબાબુ ના ધ્યાન માં આવ્યું અને તેને તે જે ગેસ્ટહાઉસમાં ઊતર્યા હતા ત્યાં આવકર્યો.

અત્યારે વીરભદ્ર મરીન લાઇન્સ પર સમુદ્ર કિનારે સમંદરના મોજાંઓને જોતો જોતો બેઠો હતો. દિવસ આથમતો હતો. સૂરજ નારાયણ જાણે આજની દિવસભર ની નોકરી પછી ઘર તરફ જવા માટે ધીમે ધીમે કોઈ ના જોઈ જાય એમ સમંદર ના તળિયે સરકી રહ્યા હતા. પરંતુ તેથી સંમદરના પાણી પર પ્રસરતી રતાશ તેની વિદાય ની ચાડી ખાતી હતી. ધીમે ધીમે શહેર હાંફતું જતું હતું. લોકો પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. સંમદરના મોજા જાણે આંબો-દાવ રમતા હોય એમ એકની પાછળ એક દોડી રહ્યા હતા. અને અંતે આગળનું મોજું પથ્થર સાથે ટકરાઈને ચૂર ચૂર થઈ જતું હતું. શું મોજાની આજ નિયતિ હશે? એમ તો મનુષ્યો ની નિયતિ પણ ક્યાં મોજાથી અલગ છે? માણસ આખી જિંદગી બસ ભાગતો જાય છે. જાણે કોઈને આંબવા દોટ ના મુકતો હોય. એને આંબવા બીજો એમ એક સળંગ હાર રચાય છે. પાછળ વાળો જુએ છે કે આગળ વાળો ટકરાઈને ચૂર ચૂર થયો છે તો પણ તે તેની ફિતરત મુકતો નથી.

વીરભદ્ર ના મનમાં અત્યારે આવા જ ભાવો આકાર લઈ રહ્યા હતા. હમણાં એક કલાક પહેલાં જ નેતાજીને મળીને આવ્યો હતો. નેતાજી તે સમયમાં આઝાદ હિંદ ફોજની રચના કરી રહ્યા હતા. તો તેમણે વીરભદ્ર ને તેમાં જોડાઈને માં ભોમ કાજે બલિદાન આપવા કહ્યું.

આમ બાળપણથી જ વિરભદ્રને ક્રાંતિકારી થવામાં રસ હતો. તે જ્યારે કોઈને પણ કીધા વગર ભાષણ સાંભળવા મુંબઇ દોડી આવ્યો ત્યારે તેને એક ક્ષણ પણ કોઈનો વિચાર નહોતો આવ્યો. પરંતું અત્યારે તેને આઝાદ હિન્દ ફોજ માં જોડાવા જાણે કોઈ રોકી રહ્યું હતું. માં બાપ નો એકનોએક પુત્ર. સંતાન માં બીજું કોઈ નહિ આજે તેને થયું કે જો હું કોઈ લડાઈ માં શહિદ થઈશ તો તેમની સંભાળ કોણ રાખશે? બાળપણ થી જ તેની માતા તેને કહ્યા કરતી કે તું તો અમારી ઘડપણ ની લાકડી છે.

બીજી તરફ તેની રૂપલી, તેની પ્રેમિકા. રૂપલી તે ગામના જ મુખી ની દીકરી. નિશાળ માં વીર અને રૂપલી સાથે ભણતા. ગામ માં તો એ સમય માં શાળા નહોતી. બાજુ ના તાલુકા માં ભણવા માટે જવાનું. એ સમય માં બધા પોતાના બાળકોને ભણાવતા પણ નહીં પરંતુ રૂપલી મુખી જેવા મોટા ખોરડા ની છોકરી અને વીર એના માતા પિતાનો એકનો એક લાડકો પુત્ર. તો બન્નેને ભણવા માટે તાલુકાની શાળા માં બેસાડેલા. ત્યારથી જ બન્ને વચ્ચે પ્રેમ પાંગરેલો. રૂપલીના પિતા ગામના મુખી અને વીરભદ્રના પિતા એક સામાન્ય ખેડૂત તો તેમના પ્રેમનો કેવો અંજામ આપવાનો હતો તે તો દેખીતી વાત હતી. પરંતુ બંને પ્રેમીઓએ હાર માની નહોતી તેમને હતું કે એકવાર વીરભદ્ર કમાતો થઈ ગયો તો પછી મૂખી તેની છોકરીનો હાથ વિરભદ્રના હાથમાં આપવા માટે માની જશે.

વીરભદ્રનો દેશપ્રેમ જોઈને ક્યારેક રૂપલી પણ ડર લાગતો કે ક્યાંક બીજા ક્રાંતિકારીઓની છે ક્યાંક વીરભદ્ર પણ ક્રાંતિકારી ચળવળમાં જોડાઈ તો નહીં જાય ને ! આમ રૂપલી અને વીરભદ્રના માતાપિતા તેના દેશપ્રેમની સખત વિરોધમાં હતા.

વીરભદ્રને આઝાદ હિન્દ ફોજમાં જોડાવા માટે આ જ બંધન નડતું હતું એક તરફ તેના માતાપિતા અને રૂપલી હતી અને બીજી તરફ મા ભોમ જે વિદેશીઓ સકંજામાં વર્ષોથી જકડાયેલી હતી અને તે જાણે વીરભદ્રને પુકાર કરી રહી હતી.

કેટલા સમય સુધી તે ત્યાં એમ જ બેસી રહ્યો સામે અથાગ સમુદ્ર હતો અને અહીં તે સમુદ્ર તટ પર એકલો બેઠો હતો. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું વાતાવરણ શાંત હતું પરંતુ તેની અંદર મનમાં ચાલતા સંવેદનો શાંત થવાનું નામ જ નહોતા લેતા. તે કોઈ નિર્ણય લઈ નહોતો શકતો કે તેને આઝાદ હિન્દ ફોજમાં જોડાવું જોઈએ કે પછી ઘેર જઈને રૂપલી સાથે લગ્ન કરીને, માતાપિતાની સેવા કરવી જોઈએ અને એક આરામદાયક જીંદગી પસાર કરવી જોઇએ. ઘડીભર તેને લાગ્યું કે તેનો આઝાદહીંદ ફોજમાં જોડાવાનો નિર્ણય એકદમ બકવાસ છે મારા ગામમાંથી કે પ્રદેશમાંથી કોઈ આ વિશે વિચારતું નથી અને હું એકલો શું દેશને આઝાદી અપાવી દેવાનો?

એમ વિચારતા વિચારતા તેને દરિયાકિનારાના ઠંડા પવનમાં ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી. રાત્રે તેને જ સ્વપ્ન આવ્યું કે કે તેના ગામમાં બહારવટિયાઓનો હુમલો થાય છે અને આખા ગામમાં લોકો તે લોકો ભારે લૂંટ મચાવે છે અને બે બહારવટિયા તેના ઘરમાં પણ પ્રવેશે છે અને ઘરમાં પણ રહેલી ચીજવસ્તુ તોડી ફોડી નાખે છે અને દાગીના અને રૂપિયા લૂંટી ને લઇ જાય છે. ત્યારે તેની નજર સમક્ષ તેની માતા અને તેના લાચાર પિતાનો ચહેરો તરવરે છે તેની માતા જાણે તેને સહાય પોકાર કરતી હોય છે. અને અચાનક તે સફાળો ''મા... મા....મા....'' કરતો જાગી ઉઠે છે.

જુએ છે તો દિવસ ઉગવા પર આવી ગયો છે. સૂર્યનારાયણ ફરીથી એકદમ સજીધજીને નોકરી પર આવવા માટે સજ્જ હોય એમ ઘીમે ધીમે પ્રકાશ રેલાવે છે. આ સાથે વીરભદ્રના આંતરમનમાં પણ પ્રકાશિત થાય છે.

તેને તેના બધા સવાલોના જવાબ મળી ગયા છે તેને હવે ખબર પડી ગઈ છે કે મારી પહેલી માં તો આ મા ભોમ છે. મારો જન્મ માભોમને મુક્તી અપાવવા કાજે જ થયો છે. હું આટલી નાની વિચારસરણી રાખીને આટલો સ્વાર્થી ના થઇ શકું. જો મા ભોમના બધા દીકરાઓ એવું વિચારવા લાગ્યા કે મારે શું છે અને ફક્ત પોતાના અંગત પરિવારનો જ વિચાર કર્યો તો આ દેશને ક્યારેય પણ આઝાદી મળશે નહીં. અને વર્ષો સુધી આપણે અંગ્રેજોની ગુલામીમાં સબડ્યા કરીશુ. આજે તે પોતાની જાત ને જરા પણ એકલી નહોતો વિચારતો તેની સાથે હતા દેશની આઝાદી માટે લડતા સેંકડો ક્રાંતિવિરો. અને તે ઉભો થાય છે અને તેના પગ મંડાય છે સુભાષચંદ્ર બોઝ તરફ જવા માટે, કે જલ્દી જઈને તેને કહી દે કે હું આઝાદ હિન્દ ફોજમાં જોડાવા અને દેશની આઝાદી માટે મારુ બલિદાન આપવા માટે તૈયાર છું.

આજે તેની ચાલમાં એક સૈનિકની શિસ્તતા અને છટા હતી તે મનથી તો પૂરો આઝાદ હિંદ ફોજનો સૈનિક અને એક ક્રાંતિવિર બની ચૂક્યો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો