Featured Books
શ્રેણી
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૨

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૨




મોહનભાઈ સુરજને Mr.DK (ધનસુખભાઈ ખંડેરવાલ) અંગે બધી હકીકત જણાવે છે. બીજી તરફ ધનસુખભાઈએ સંધ્યા એંજલને જોઈ ગઈ‌ હોવાથી તેને પોતાનાં બીજાં બંગલે લઈ ગયાં હતાં. હવે જોઈએ આગળ.




સંધ્યા તેનાં મમ્મી સાથે કિચનમાં ઘટતી વસ્તુઓની ખરીદી માટે રિલાયન્સ સ્માર્ટમાં આવી હતી.

"મમ્મી, તું તારી વસ્તુઓ લઈ લે. હું થોડાં ડ્રાય ફ્રુટ્સ લેતી આવું."

"ઓકે, જલ્દી કરજે. પછી ઘરે‌ જઈને રસોઈ પણ‌ બનાવવી છે."

બંને માઁ દિકરી પોતપોતાની રીતે ખરીદી કરવા લાગ્યાં. સંધ્યા ડ્રાય ફ્રુટ્સ લેતી હતી. ત્યારે જ એક છોકરી દોડીને તેની પાસે આવી. તેણે સંધ્યાનો સ્કાર્ફ પકડીને ખેંચ્યો. સંધ્યાએ પાછળ ફરીને જોયું.

"અરે, એંજલ તું?" સંધ્યા એંજલ સામે હસીને બોલી.

"હાં, દીદી. હું આજે અહીં મારાં પપ્પા સાથે આવી છું. ચાલો હું તમને તેમની પાસે લઈ જાવ. તે દિવસે તમારાં લીધે જ હું મારી ઘરે સહીસલામત પહોંચી હતી. પપ્પા એ વાત જાણશે, તો ખુશ થઈ જાશે." એંજલ તેની કાલી ઘેલી ભાષામાં બોલી.

"ઓહ, તો આજે તું તારાં પપ્પા સાથે આવી છે. એમ ને!! મને થયું તું ફરી ગુમ થઈ ગઈ." સંધ્યા એંજલનાં ગાલ ખેંચીને બોલી.

"નાં, આજે હું ગુમ નથી થઈ. આજે તો મારાં પપ્પા મને અહીં લાવ્યાં છે. તેમણે આજે મને કપડાં, રમકડાં અને કેટલી બધી શોપિંગ કરાવી." એંજલ ખુશ થઈને બોલવાં લાગી.

"તો ક્યાં છે, તારાં પપ્પા?" સંધ્યાએ એંજલને પૂછ્યું.

"કાઉન્ટર પર બિલ ચુકવે છે. જલ્દી ચાલો. નહીંતર એ મને શોધવાં લાગશે." એંજલ તેનાં પપ્પાને કહ્યાં વગર જ સંધ્યા પાસે આવતી રહી હતી. એ યાદ આવતાં, તે સંધ્યાનો હાથ પકડી તેને કાઉન્ટર તરફ લઈ જવાં લાગી.

સંધ્યા એંજલ પાછળ પાછળ કાઉન્ટર પાસે પહોંચી ગઈ. ત્યાં જઈને બંને ધનસુખભાઈને શોધવાં લાગ્યાં.

"એંજલ, તારાં પપ્પા તો અહીં નથી." સંધ્યા બધી તરફ નજર કરતાં બોલી.

"તે મને બીજે શોધતાં હશે. હું તેમને કહ્યાં વગર જ તમારી પાસે આવતી રહી હતી."

"હવે આપણે તેમને ક્યાં શોધીશું? તારે કહીને આવવું જોઈએ. હવે એ પણ પરેશાન થતાં હશે." સંધ્યા એંજલને સમજાવતાં બોલી.

"સોરી, દીદી." એંજલ સંધ્યા સામે કાન પકડીને ઉભી રહી ગઈ.

"ઈટ્સ ઓકે, તને તારાં પપ્પાના મોબાઈલ નંબર યાદ છે? તો આપણે તેમને કોલ કરીને અહીં બોલાવી લઈએ." સંધ્યાએ એંજલને પૂછ્યું.

"હાં, તમે તેમને કોલ કરો. હું તમને નંબર કહું." એંજલ ખુશ થઈને બોલી.

એંજલે સંધ્યાને તેનાં પપ્પાના મોબાઈલ નંબર આપ્યાં. સંધ્યાએ ધનસુખભાઈને કોલ કર્યો.

ધનસુખભાઈના મોબાઈલ પર રિંગ વાગી. પણ તેમણે કોલ રિસીવ નાં કર્યો. તેઓ સંધ્યાને એંજલ સાથે જોઈ ગયાં હોવાથી, તે છુપાઈ ગયાં હતાં.

"આ સંધ્યા અહીં પણ પહોંચી ગઈ. કોણ જાણે આ મારો પીછો ક્યારે છોડશે??" ધનસુખભાઈ ડરેલા અવાજે બોલ્યાં.

એક તરફ એંજલની ચિંતા હતી. તો બીજી તરફ સંધ્યા સામે આવવાનો ડર હતો. ધનસુખભાઈ આજે બરાબરના ફસાયા હતાં.

"શું થયું? દીદી. પપ્પાએ ફોન નાં ઉપાડ્યો?" એંજલ ઉદાસ થઈને બોલી.

"નાં, બેટા. રિંગ તો જાય છે. પણ તારાં પપ્પા કોલ રિસીવ નથી કરતાં." સંધ્યાએ ફરી એક વખત ધનસુખભાઈને કોલ કરીને કહ્યું.

"સંધ્યા, તારાં ડ્રાય ફ્રુટ્સ લેવાઈ ગયાં?" રુકમણીબેને આવીને પૂછ્યું.

"હાં, મમ્મી."

"આ છોકરી કોણ છે?" સંધ્યા એંજલનો હાથ પકડીને ઊભી હતી. એટલે રુકમણીબેને પૂછ્યું.

"આ એંજલ છે, મમ્મી. હું એકવાર મીરાંની ઘરે જતી હતી. ત્યારે મને મળી હતી. તે દિવસે તે રસ્તા પર અમારી ઓટો રીક્ષા સાથે અથડાવાની હતી. પણ ઓટો રિક્ષાવાળાએ તેને બચાવી લીધી. હું તેને તેની ઘરે મૂકવાં જતી હતી. ત્યારે તમારો મને કોલ આવ્યો. ને મારે પોલીસ સ્ટેશન જવાનું થયું. તો એ ઓટો રીક્ષાવાળો તેને તેનાં ઘર સુધી મૂકી આવ્યો." સંધ્યાએ બધી ચોખવટ કરી.

"ઓહ, તો આ એકલી જ અહીં આવી છે?" રુકમણીબેને એંજલના માથાં પર હાથ ફેરવીને પૂછ્યું.

"એ તો કહે છે કે, એ તેનાં પપ્પા સાથે આવી છે. પણ તેનાં પપ્પા ક્યાંય દેખાતાં નથી. મેં તેમને કોલ પણ કર્યો. પણ તેઓ કોલ પણ રિસીવ નથી કરતાં." સંધ્યા થોડી ગંભીર અવાજે બોલી.

"અંધારું થવા આવ્યું છે. અત્યારે એંજલને અહીં એકલી છોડી નાં શકાય. તું તેને આપણી સાથે આપણી ઘરે‌ લઈ લે. તેનાં પપ્પાને કોલ લાગશે. ત્યારે તે આવીને લઈ જાશે." રુકમણીબેને એંજલની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"ઓકે, મમ્મી." સંધ્યાએ તેનાં મમ્મીની વાતમાં હામી ભરતાં, ધનસુખભાઈને પોતાનાં ઘરનું એડ્રેસ અને એંજલ પોતાની પાસે છે, એવો એક‌ મેસેજ મોકલી દીધો.

સંધ્યા અને રુકમણીબેન એંજલને પોતાની ઘરે લઈ ગયાં. ધનસુખભાઈ સંધ્યાનો‌ મેસેજ વાંચીને પરેશાન થતાં હતાં. હવે શું કરવું? એ તેમની સમજમાં આવતું નહોતું. ધનસુખભાઈએ તરત જ તેનાં ઘરમાં એંજલનુ ધ્યાન રાખતી શારદાને કોલ કર્યો.

"શારદા, હું તને એક એડ્રેસ મોકલું છું. તું ફટાફટ ત્યાં જઈને, એંજલને ત્યાંથી લઈ આવ." ધનસુખભાઈએ ઉતાવળા અવાજે શારદાને સંધ્યાના ઘરનું એડ્રેસ લખાવીને, કોલ કટ કરી નાંખ્યો.

ધનસુખભાઈ સંધ્યાની ઘરે જાય. તો રુકમણીબેન તેમને ઓળખી જાય. જેનાં લીધે ધનસુખભાઈ મજબૂર હતાં. પોતાનાં બદલાએ આજે એંજલને પણ એમાં ઢસડી લીધી હતી. પરંતુ, ધનસુખભાઈ એક વાતે નિશ્ચિત હતાં કે, સંધ્યાની ઘરે એંજલ સુરક્ષિત છે. તો પણ તેને ત્યાંથી ફરી ઘરે લઈ આવવી જરૂરી હતું.

જો એંજલ ધનસુખભાઈની છોકરી છે. એ વાતની ખબર સંધ્યા કે તેનાં પરિવારમાંથી કોઈને પડે, તો ધનસુખભાઈની બધી મહેનત ઉપર પાણી ફરી વળે.

"આવ બેટા, તું અહીં બેસીને ટીવી જો. હું તારાં માટે જમવાનું બનાવી લાવું." રુકમણીબેને એંજલને સોફા પર બેસાડીને, પ્રેમથી કહ્યું.

"દીદી, તમે પણ મારી સાથે બેસો ને!!" એંજલે સંધ્યા સામે સ્માઈલ કરી, સંધ્યાનો‌ હાથ પકડીને કહ્યું.

એંજલની વાતો કરવાની રીત જ એવી હતી કે, કોઈ તેને નાં જ ન પાડી શકે. સંધ્યા પણ એંજલને નાં ન પાડી શકી. એ પણ એંજલ સાથે બેસીને ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોવા લાગી. એંજલ સાથે બેસીને ટોમ એન્ડ જેરી જોતાં જોતાં સંધ્યાને પોતાનાં નાનપણના દિવસો યાદ આવી ગયાં.

સંધ્યા એંજલ સાથે કાર્ટૂન જોતાં જોતાં એટલી હસતી હતી કે, રુકમણીબેન પણ સંધ્યા નાની હતી. એ દિવસો યાદ કરવાં લાગ્યાં. બંનેનાં હસવાના અવાજથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો.

"અરે, આ ઘરે કોણ મહેમાન આવ્યું છે?" મોહનભાઈએ આવતાંની સાથે જ એંજલના માથાં પર હાથ ફેરવીને કહ્યું.

"એ એંજલ છે. અમને મોલમાં મળી હતી. તે તેનાં પપ્પા સાથે આવી હતી. પણ તેનાં પપ્પા ક્યાંક ચાલ્યા ગયાં. સંધ્યાએ તેમને કોલ પણ કર્યો. પણ તેમણે ઉપાડ્યો નહીં. અંધારું થઈ ગયું હતું. તો અમે તેનાં પપ્પાને આપણાં ઘરનું એડ્રેસ મોકલીને, એંજલને અહીં લઈ આવ્યાં." રુકમણીબેને મોહનભાઈને બધી ચોખવટ કરી.

"બેટા, તારાં પપ્પાનું નામ શું છે?" મોહનભાઈએ એંજલને પૂછ્યું.

"મારાં પપ્પાનું નામ ધન-"

"એંજલ, બેટા ચાલો. હું તમને લેવાં આવી છું." એંજલ હજું ધનસુખભાઈનું પૂરું નામ બોલે. એ પહેલાં જ શારદા તેને લેવાં આવી ગઈ.

"આંટી, પપ્પા નાં આવ્યાં?" એંજલે શારદા પાસે જઈને પૂછ્યું.

"નાં બેટા, તેમને કામ હતું. તો તેમણે મને મોકલી." શારદાએ કહ્યું.

"એંજલ, તું આમને ઓળખે છે?" સંધ્યાએ એંજલને પૂછ્યું.

"હાં, દીદી. આ શારદા આંટી છે. પપ્પા ઘરે નાં હોય ત્યારે મારું ધ્યાન રાખે છે."

"કેમ બેટા, તારાં મમ્મી ક્યાં ગયાં છે?" રુકમણીબેને એંજલને પૂછ્યું.

"તેઓ અમારી સાથે નથી રહેતાં. પપ્પા એમ કહે છે કે, એ ભગવાન પાસે ચાલ્યાં ગયાં છે." એંજલે ઉદાસ થઈને કહ્યું.

"બેટા, એમાં ઉદાસ નાં થવાનું હોય. હું છું ને!! આજથી તને જ્યારે પણ તારી મમ્મીની યાદ આવે, ત્યારે અહીં આવતી રહેજે." રુકમણીબેને વ્હાલથી એંજલનુ કપાળ ચૂમીને કહ્યું.

"થેંક્યું આંટી, તમે પણ મારી ઘરે આવજો. મારાં પપ્પા તો ક્યારેય ઘરે હોય જ નહીં. તે કામમાં જ વ્યસ્ત હોય. મને એકલાં જરાં પણ નાં ગમે." એંજલ એટલું બોલતાં જ રડી પડી.

"રડ નહીં બેટા, ક્યાં આવ્યું તારું ઘર? હું જરૂર તારી પાસે આવીશ." રુકમણીબેને એંજલના આંસુ સાફ કરીને કહ્યું.

"મારું ઘર-"

"એંજલ, તારાં પપ્પાનો કોલ આવી ગયો. ચાલ બેટા તે તારી રાહ જોવે છે." એંજલ તેનાં ઘરનું એડ્રેસ કહે, એ પહેલાં જ શારદા તેને ત્યાંથી લઈને જતી રહી.




(ક્રમશઃ)



શું મોહનભાઈ ક્યારેય જાણી શકશે કે, એંજલ જ ધનસુખભાઈની છોકરી છે? શું એંજલ તેનાં પપ્પાને ખોટાં કામો કરતાં રોકી શકશે? એ જોશું આગળનાં ભાગમાં.