નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૧
સંધ્યા અને સુરજે અલગ થવાનું નાટક કર્યું હતું. સુરજ હવે તેનાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાનો હતો. એ વાત કાર્તિકની સમજમાં નથી આવતી. હવે જોઈએ આગળ.
"અરે, સુરજ તું અહીં? કોઈ ખાસ કામ હતું?" સુરજ મોહનભાઈની ઓફિસે આવ્યો હતો.
"હાં, અંકલ. મારે તમને કંઈક પૂછવું હતું." સુરજે આવવાનું કારણ જણાવ્યું.
"બોલને બેટા." મોહનભાઈએ સુરજને પરવાનગી આપતાં કહ્યું.
"તમે મારી ઘરે આવ્યાં, ત્યારે તમે અમારો સાથ આપવા તૈયાર હતાં. હું તમારો સાથ આપવા માની ગયો, એ વાતે ખુશ પણ હતાં. તો કાલે તમે મારી મારાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાવાળી વાતથી બેચેન કેમ થઈ ગયાં હતાં?" સુરજે મોહનભાઈની ચિંતાનું કારણ પૂછ્યું.
સુરજના અચાનક આવાં સવાલથી મોહનભાઈને શું કહેવું, એ વિશે ખ્યાલ નાં રહ્યો. તે જે વાત બધાંથી છુપાવતા હતાં. એ જ વાત સુરજ જાણવાં માંગતો હતો. મોહનભાઈ જાણતાં હતાં કે, જો આ વાત કોઈ જાણી ગયું, તો આનું પરિણામ બહું ગંભીર આવવાનું હતું. પણ જો સુરજ આ વાત કોઈને જણાવે નહીં, ને મોહનભાઈનો સાથ આપે તો કાંઈ થાય નહીં. મોહનભાઈને વિશ્વાસ હતો કે, સુરજ તેમની વાત જરૂર સમજશે, એટલે તેમણે હકીકત જણાવવા મન બનાવી લીધું.
"આ વાત માત્ર હું જ જાણું છું. મેં અત્યાર સુધી કોઈને જણાવી નથી. આ વાત જ્યારે Mr.DK મારી ઓફિસમાં આવ્યો ત્યારની વાત છે."
*****
હું ઓફિસમાં મારું કામ કરી રહ્યો હતો. બરાબર એ સમયે જ Mr.DK ત્યાં આવ્યો. તે મારી ઓફિસમાં આવ્યો, ત્યારે પણ તે મોંઢા પર માસ્ક પહેરીને જ આવ્યો હતો.
"મોહન, મેં તને મારાં ધંધામાં જોડાવાની સારી એવી તક આપી. તેમ છતાંય તે એને ઠુકરાવી દીધી. એ પાછળનું કારણ જાણી શકું?"
"તું અત્યારે જ અહીંથી નીકળી જા. મારે તને કોઈ સવાલનો જવાબ નથી આપવો." હું ગુસ્સે થઈને બોલ્યો.
મારો ગુસ્સો જોઈને, તેણે તેનાં ચહેરા પરનું માસ્ક હટાવ્યુ. એ માસ્ક હટતાં જ મને એક મોટો ઝટકો લાગ્યો. એ બીજું કોઈ નહીં. પણ મારો કોલેજ સમયનો મિત્ર, ને રુકમણીનો માનીતો ભાઈ ધનસુખ ખંડેરવાલ હતો.
"તું Mr.DK છે? તારે તારી ડાયમંડ કંપની મૂકીને, આવો ધંધો કરવાની શું જરૂર પડી?" ધનસુખને જોઈને મારો અવાજ સાવ નરમ થઈ ગયો.
"તારે હકીકત જ જાણવી છે ને? તો સાંભળ. હિતેશને બરબાદ કરવા મારે આ ધંધો શરૂ કરવો પડ્યો." તેણે દાંત કચકચાવીને હિતેશનું નામ લીધું.
"હિતેશને તો તું ઓળખતો પણ નથી. તો તારે તેને બરબાદ કરવાની શું જરૂર પડી?" મને તેની વાતોમાં કાંઈ સમજ નાં પડતાં, મેં બધી હકીકત વિગતવાર જાણવાં પૂછ્યું.
"તને યાદ હોય તો, હું કોલેજમાં એક છોકરીને પ્રેમ કરતો. એ છોકરી સાથે હું લગ્નની વાત પણ કરવાનો હતો. પણ આ હિતેશે બધું બગાડી નાખ્યું. તેની પાસે રૂપિયા હતાં, ને હું ગરીબ હતો. જેનાં લીધે એ છોકરીનાં મમ્મી-પપ્પાએ તેનાં લગ્ન હિતેશ સાથે કરાવી દીધાં. લગ્ન પછી મને જાણ થઈ કે, ઉર્મિલાના પેટમાં મારું બાળક ઉછરી રહ્યું હતું. ઉર્મિલાએ અમારી બાળકીને જન્મ આપ્યો, ત્યાં સુધી હિતેશને કોઈ તકલીફ નાં પડી. પણ બાળક છોકરી હતી. એ જાણ્યાં પછી તેણે તેને સ્વીકારવાની નાં પાડી દીધી. તે ઉર્મિલાની જાણ વગર એ બાળકીને, અનાથાશ્રમમાં મુકી આવ્યો. આ અંગે મને જાણ થતાં હું એ બાળકીને મારી પાસે લઈ આવ્યો. ઉર્મિલા સાથે હિતેશના બીજાં લગ્ન હતાં. તેની પહેલાં તેણે આરતી નામની છોકરી સાથે લગ્ન કર્યા હતાં. સુરજ આરતીનો જ છોકરો છે. આરતીને એક ગંભીર બિમારી થતાં, એ મરી ગઈ. પછી તેણે ઉર્મિલા સાથે લગ્ન કર્યા. ઉર્મિલાને અમારાં ધંધા વિશે ખબર પડી, તો એ પોલીસને જાણ કરવા જતી હતી. ત્યારે મેં હિતેશને તેને માત્ર કેદ કરવાનું કહ્યું, તો તેણે રૂપિયાની લાલચમાં ઉર્મિલાને મારી નાંખી. બસ, એ જ દિવસથી મેં નક્કી કરી લીધું કે, હું હિતેશને બરબાદ કરી દઈશ. પહેલાં તો મારે માત્ર તેને રસ્તે રખડતો કરીને, ઉર્મિલાને તેની પાસેથી છોડાવવી હતી. પણ તેણે ઉર્મિલાને મારી, એટલે હવે તેને બરબાદ કરવાની સાથે, તેનાં સુરજને પણ આ ધંધામાં ફસાવીને, તેનાંથી અલગ કરી દેવો છે." ધનસુખે વાત પૂરી કરી, ત્યાં સુધીમાં તેની આંખમાં આંસું આવી ગયાં.
મેં ધનસુખને સમજાવવાની પૂરી કોશિશ કરી, પણ એ માન્યો જ નહીં. તે તેનાં બદલાની આગમાં બધું ભૂલી ગયો હતો.
*****
બસ, આ જ કારણ હતું કે, તારાં એ ધંધામાં જોડાવાની વાતથી, હું પરેશાન થઈ ગયો હતો.
"બેટા, ધનસુખ સાવ પાગલ બની ચૂક્યો છે. જ્યાં સુધી એ તારાં બાપને બરબાદ કરીને, તને તેનાંથી અલગ નહીં કરે, ત્યાં સુધી એ શાંતિથી નહીં બેસે. જો તું જાતે એ ધંધામાં સામેલ થશે. તો તેને સારો મોકો મળી જાશે."
"અંકલ, તમે જે કહો, એતો બરાબર છે. પણ તેઓ તમારાં મિત્ર છે, તો સંધ્યાને શાં માટે મારવાં માંગે છે?" સુરજને સંધ્યાવાળી વાત યાદ આવતાં તેણે પૂછ્યું.
"એ તો મને પણ નથી ખબર, એ બધું તો હવે ધનસુખ જ જણાવી શકે. પણ મને એટલો વિશ્વાસ જરૂર છે કે, આમાં પણ તેનો કોઈ પ્લાન જરૂર હશે. બાકી તે સંધ્યાને તો નુકશાન નાં પહોંચાડી શકે.
"તો હવે શું કરવું? અંકલ. તેમને રોકવા કાંઈ તો કરવું પડશે ને?" સુરજ બધી હકીકત જાણીને, વિચારશૂન્ય બની ગયો હતો. તેને શું કરવું? કાંઈ સમજાતું નહોતું.
"એક રસ્તો છે." મોહનભાઈ થોડાં ખુશ થઈને બોલ્યાં.
"શું? અંકલ." સુરજ ઉત્સાહિત થઈને બોલ્યો.
"હવે, તેને તેની છોકરી જ રોકી શકે. જો એ તેને સમજાવે, તો ધનસુખ જરૂર સમજી જાશે."
"પણ તેની છોકરી ક્યાં છે? એતો આપણને ખબર નથી. તો એ કેવી રીતે શક્ય બને?" સુરજ ફરી ચિંતિત સ્વરે બોલ્યો.
"એ આપણે શોધી લેશું. બસ આ વાત તારે કોઈને જણાવવાની નથી." મોહનભાઈ સુરજને ચેતવતા બોલ્યાં.
"ઓકે, અંકલ."
સુરજ મોહનભાઈ પાસેથી બધી માહિતી મેળવીને જતો રહ્યો. ધનસુખભાઈને રોકવાનો એક જ રસ્તો હતો. જે એની છોકરી હતી. પરંતુ એ છોકરી વિશે કોઈને કાંઈ જાણકારી નહોતી.
*****
"મારી દિકરી ક્યાં ગઈ?" ધનસુખભાઈ તેમની દિકરીને મળવાં તેનાં બીજાં બંગલે આવ્યાં હતાં. આ બંગલા અંગે કોઈને જાણકારી નહોતી. જ્યારથી સંધ્યાએ એંજલને જોઈ લીધી હતી. ત્યારથી જ ધનસુખભાઈએ એંજલને આ બંગલે બોલાવી લીધી હતી.
"પપ્પા.. પપ્પા..તમે શું લાવ્યાં મારાં માટે?" એંજલ ખુશ થતી થતી તેનાં રૂમમાંથી આવી. ધનસુખભાઈ ક્યારેક જ એંજલને મળવાં આવતાં. જ્યારે પણ ધનસુખભાઈ આવતાં, ત્યારે આખો દિવસ એ એંજલ સાથે જ વીતાવતા. એંજલ પણ ધનસુખભાઈના આવવાથી ખુશ થઈ જતી.
"આ જો હું તારાં માટે તારી ફેવરિટ વસ્તુ લાવ્યો છું." ધનસુખભાઈ ચોકલેટથી ભરેલો ડબ્બો, એંજલની આગળ ધરીને બોલ્યાં.
એંજલ ચોકલેટ જોઈને ખુશખુશાલ થઈ ગઈ. એંજલને ધનસુખભાઈથી હંમેશા એક જ શિકાયત રહેતી કે, તેઓ તેની સાથે શા માટે નથી રહેતાં? જેનાં લીધે ધનસુખભાઈ એંજલ નારાજ નાં થાય, એટલાં માટે જ્યારે પણ આવતાં ત્યારે ચોકલેટ લાવવાનું નાં ભૂલતાં.
ધનસુખભાઈ આજે ઘણાં સમય પછી એંજલ પાસે આવ્યાં હતાં. એંજલ એક જ એવી વ્યક્તિ હતી, જેને જોઈને ધનસુખભાઈ નું બધું દુઃખ દૂર થઈ જતું. એંજલનો ચહેરો બિલકુલ ઉર્મિલાબેન જેવો જ હતો. એંજલ જ્યારે તેની કાલી ઘેલી ભાષામાં ધનસુખભાઈ સાથે વાત કરતી, ત્યારે ધનસુખભાઈને ગજબની શાંતિનો અનુભવ થતો.
"પપ્પા, તમે રોજ મારી સાથે કેમ નથી રહેતાં?" એંજલ રડમસ અવાજે બોલી.
"બેટા, પપ્પાને કામ હોય ને? એટલે પપ્પા રોજ તારી સાથે નાં રહી શકે. પણ થોડાં જ સમયમાં હું રોજ તારી સાથે રહેવા લાગીશ. ત્યાં સુધી તું બસ ખુશ રહે, ને આમ જ મસ્તી કર્યા કરજે." ધનસુખભાઈ એંજલને સમજાવતાં બોલ્યાં.
"ઓકે, પપ્પા." એંજલ ધનસુખભાઈની બધી વાત સમજતી. તે ક્યારેય ધનસુખભાઈને હેરાન નાં કરતી. પણ બાળકો તો બાળકો જ હોય છે. તેઓ મમ્મી-પપ્પા વગર કેવી રીતે રહી શકે?
એંજલ ને પણ ધનસુખભાઈની સાથે નાં રહેવાનો વાંધો હતો. પણ તે કાંઈ સમજાવી નાં શકતી. એંજલે તેની મમ્મીને તો ક્યારેય જોઈ નહોતી. તેનાં માટે તો તેનાં પપ્પા જ બધું હતાં.
એંજલ આટલી ઉંમરે જ મનમાં જ બધું છુપાવીને બેઠી હતી. તે જેટલી ખુશ દેખાતી, એટલી ખુશ હતી નહીં. જે વાત ધનસુખભાઈ પણ જાણતાં હતાં. પણ બદલાની ભાવનાએ તેમનાં મનનાં બીજાં બધાં ભાવો છીનવી લીધાં હતાં.
(ક્રમશઃ)
સુરજ અને મોહનભાઈ ધનસુખભાઈની છોકરી સુધી પહોંચી શકશે? શું સંધ્યા જાણી શકશે કે, પોતાની જે છોકરી સાથે મુલાકાત થઈ હતી, એ Mr.DK ની છોકરી હતી? એ જોશું આગળનાં ભાગમાં.