રસોઇમાં જાણવા જેવું - ૧૯ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રસોઇમાં જાણવા જેવું - ૧૯

રસોઇમાં જાણવા જેવું

ભાગ-૧૯

સંકલન- મિતલ ઠક્કર

રસોઇ બનાવતી વખતે જો એના પોષક મૂલ્યો અને અને તેની ઉપયોગીતાનો ખ્યાલ હોય તો તેનો વધારે લાભ મેળવી શકાય છે. રસોઇમાં વપરાતી ખાદ્ય વસ્તુઓ, અનેક શાક અને મસાલામાં એવા પોષક મૂલ્યો હોય છે જેનો જાણીને ઉપયોગ કરીએ તો રસોઇ સ્વાદ સંતોષવા સાથે આરોગ્યને સારું રાખી શકે છે.

* કડવા કારેલાના ગુણ સારા હોય એ વાત આપણે બાળપણથી જાણીએ છીએ. કારેલાનો રસોઇમાં વિવિધ રીતે ઉપયોગ કરવો જોઇએ. તેનો કડવો રસ કૃમિને અટકાવે છે. ડાયાબિટીશમાં સારું પરિણામ આપે છે. વૈદ્ય કહે છે કે કફ અને પિત્ત એ બંનેમાં કારેલા લાભદાયક છે. કારેલાથી આપણો અગ્નિ પ્રદિપ્ત થવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. એમાં વિટામિન-એ, વિટામિન 'સી' અને ક્ષારની હાજરી સારા પ્રમાણમાં હોય છે. કારેલાનું શાક ના ભાવતું હોય તો એના ભજિયાં બનાવીને ખાવા જોઇએ. એ માટે કારેલાને કાપીને એની પાતળી ચિપ્સ એક વાડકામાં મૂકી તેમાં પાણી અને મીઠું નાખી થોડીવાર રહેવા દો. પછી પાણી નિતારી લો. હવે બીજા વાસણમાં ચણાનો લોટ લઇ એમાં ધાણાજીરું, હળદર, મરચું, મીઠું અને પાણી નાખી ભેગું કરો. અને તેમાં કારેલાની ચિપ્સ નાખી તેલમાં એક-એક ચિપ્સ નાખી તળો. ભજિયાં બ્રાઉન રંગના અને કરકરા થઇ જાય એટલે તેના પર ચાટ મસાલો ભભરાવી ખાવાનો આનંદ માણો.

* દહીંનું આરોગ્ય માટે કેટલું મહત્વ છે એનો અંદાજ એ વાત પરથી આવી જશે કે પંચામૃતમાં તેનો ઉપયોગ થાય છે. પાચનતંત્ર અને હ્રદયરોગ માટે તે હિતકારી છે. આયુર્વેદમાં તેના અનેક લાભ બતાવવામાં આવ્યા છે. દહીંનો રોજના આહારમાં ઉપયોગ કરવાથી લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે. દહીંમાં કેલ્શિયમ હોવાથી હાડકા માટે લાભકારક છે. દાંત અને નખ માટે પણ સારું છે. જમ્યા પછી ગેસ થતો હોય તો દહીં ખાવાથી પાચન સારું થાય છે. સંસ્કૃતના એક શ્લોકમાં દિવસમાં દહીં સાથેનું અને રાતના દૂધ સાથેનું ભોજન આરોગ્યપ્રદ ગણાવ્યું છે. વૈદ્યોના મત મુજબ ગાયના દૂધમાંથી બનાવેલું દહીં વધુ ગુણકારી છે. દહીં જમાવતી વખતે એ વાતનો ખ્યાલ રાખવો કે કાચું દૂધ ન લેવું. તાજા દૂધને ગરમ કરી ઠંડું કર્યા બાદ એક ચમચી જેટલું દહીં નાખવું. ઠંડા વાતાવરણમાં દહીં જામતું ન હોય તો કેસરોલમાં પાંચ કલાકમાં જામી શકે છે. દહીંનો ઉપયોગ શાક કે ગ્રેવીમાં કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાનગીમાં દહીં નાખ્યા પછી ધીમા તાપે રાંધવાનું. દહીંને વાનગીમાં ભેળવો ત્યારે હળવા હાથથી હલાવવું. ઝડપથી હલાવવાથી દહીં ફાટી જશે. આપણાને જરૂરિયાતનો ખ્યાલ હોય તો દહીંનો ઉપયોગ કરતાં પહેલાં એક કલાક ફ્રિઝમાં રાખી મૂકવું. સલાડમાં દહીં વાપરતા પહેલાં એક કપડામાં રાખી પાણી નીકળી જવા દેવાનું. જમવાના થોડા સમય પહેલાં આ દહીં સલાડમાં નાખવાનું. દહીંવડા ઉપરાંત દહીંમાં બુંદી કે કાકડી નાખી રાયતું બનાવી શકાય છે.

* દાળ-શાકમાં વઘાર માટે વપરાતું જીરું સ્વાદ લાવવા સાથે કેટલું આરોગ્યપ્રદ અને ઘરગથ્થું ઔષધ સમાન છે એની ઓછાને ખબર હશે. જીરું તીખું અને દુર્ગંધનાશક છે. તે પેટના વાયુને શાંત કરે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરવામાં જીરુંની ભૂમિકા છે. ભૂખ ઓછી થઇ ગઇ હોય તો સવાર-સાંજ જીરું ચાવવાથી લાભ થાય છે. સ્વાદ અને સુગંધ વધારવા સાથે પાચનશક્તિ વધારે છે. દેખાવમાં નાનું છે પણ ફાયદા મોટા છે. તેમાં આર્યન, પોટેશિયમ અને વિટામિન્સ છે. તેમાં રહેલું ફાઇબર પાચનને સુધારે છે.

* લીલા વટાણામાં અનેક પૌષ્ટિક તત્વો છે. તેમાં આર્યન, ઝિંક, તાંબુ, મેંગેનીઝ વગેરે હોય છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલ વધતું નથી. તેમાં કેન્સરની સામે લડવામાં મદદ કરે એવા તત્વ છે. લીલા વટાણામાંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે. વટાણાનું શાક અને તેનો સૂપ લેવાથી શારીરિક શક્તિ વધે છે. વટાણામાં કેલેરી ઓછી હોય છે એટલે વજન ઘટાડવામાં સહાયક છે. વટાણાને ફ્રોઝન કરીને આખું વરસ તેનો ઉપયોગ કરી શકાય છે. વટાણામાંથી મટર પુલાવ, ઉપમા, મટર પનીર, કચોરી જેવી ઘણી વાનગીઓ બનાવી શકાય છે. * નવી વાનગી વટાણા-કાકડીનું શાક છે. એ માટે એક કઢાઇમાં બે મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. પછી અઢીસો ગ્રામ લીલા વટાણા સાથે તેમાં અડધો કપ પાણી નાખો અને ઢાંકી દો. વટાણા બફાઇ જાય પછે એમાં ૧૦૦ ગ્રામ કાપેલી કાકડીના ટુકડા અને જરૂરી મસાલા હળદર, લાલ મરચું, ધાણા, મીઠું વગેરે ભભરાવો. બરાબર હલાવી ઢાંકી દો અને ધીમા તાપે પકાવો. રોટલી સાથે આ શાક ખાવાની મજા આવશે. * નાસ્તામાં લીલા વટાણાની પૂરી બનાવો. એ માટે સૌપ્રથમ લીલા વટાણાને મિક્સરમાં નરમ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો. નરમ બનાવવા જરૂરિયાત પ્રમાણે પાણી નાખવું. હવે એક વાસણમાં દોઢ કપ ઘઉંનો લોટ લઇ તેમાં એક ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખો. અને પછી લીલા વટાણાની પેસ્ટ નાખી પૂરીનો લોટ બાંધો. છેલ્લે એમાં એક ટીસ્પૂન તેલ નાખી લોટને ચીકણો બનાવવો. હવે પાંચ મિનિટ માટે લોટને ઢાંકીને મૂકી દો. દરમ્યાનમાં તળવા માટે તેલ તૈયાર કરો. હવે પૂરીના ગુલ્લા બનાવી લો. વેલણ-આદણી પર તેલ લગાવી પૂરી વણીને તળી લો. ધ્યાન રાખવાનું કે પૂરીને તેલમાં નાખ્યા પછી ઝારાથી દબાવીને ફુલાવવાની અને રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ તળવાની.

* કોબીજનો શાક અને કચુંબરમાં ઉપયોગ કરીએ છીએ. તે વાત, પિત્ત અને કફ મટાડે છે. તે ગરમ પ્રકૃતિવાળા માટે વધુ યોગ્ય છે. વાયુ પ્રકૃતિવાળા માટે બહુ માફક આવે એવી નથી. તેમાં બીટા કેરોટીન, વિટામિન સી અને કે, પોટેશિયમ વગેરે પોષક તત્વો હોય છે. તે કોલેસ્ટ્રોલ ફ્રી પણ છે. કોબીજ કબજિયાતમાં ફાયદો કરાવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોબીજ ખરીદતી વખતે ધ્યાન એ રાખવાનું કે તે વજનમાં હલકી નહીં ભારે હોવી જોઇએ. જો થોડી પીળી પડી ગઇ હોય તો પસંદ કરવી નહીં. રસોઇમાં જો ગ્રેવીમાં ડુંગળીનો ઉપયોગ ના કરવો હોય તો કોબીજ વાપરી શકાય છે. * કોબીજની એક અલગ પ્રકારની વાનગી બનાવો. એક નાની કોબીજને ઝીણી સમારી લઇ તેને બાફીને ચાળણીમાં મૂકી પાણી નિતારી લો. હવે એક વાસણમાં કોબીજમાં સફેદ સોસ, ખાંડ, મલાઇ, મરી, કોથમીર અને મીઠું નાખી ગરમ કરો. ઉપરથી ખમણેલું ચીઝ ભભરાવશો તો વધારે મજા આવશે.