rasoima janva jevu - 18 books and stories free download online pdf in Gujarati

રસોઇમાં જાણવા જેવું - ૧૮

રસોઇમાં જાણવા જેવું

ભાગ-૧૮

સંકલન- મિતલ ઠક્કર

રસોઇ બનાવનારને જો કેટલીક વધુ જાણકારી હોય તો રસોઇના રંગ, રૂપ અને સુગંધ સારા રહેવા સાથે બનાવવાનું પણ સરળ બની જાય છે. રસોઇમાં પણ શિસ્તનું મહત્વ છે. જમવાનું બનાવતાં પહેલાં તેના માટે જરૂરી બધી સામગ્રી એકત્ર કરી લેવાથી સમય બચે છે અને તમારી શક્તિ પણ ઓછી વપરાય છે. અને રસોડામાં જે વસ્તુ જ્યાંથી લઇએ ત્યાં જ મૂકવાનો આગ્રહ રાખવાથી બીજી વખત તે તરત મળી જાય છે. આવી બધી જાણકારી નાની ભલે લાગતી હોય પણ એ પરિણામ મોટા આપે છે.

* જો તમે ઇચ્છતા હોય કે બજારની જેમ જ ઘરે બનાવાતી બટાટાની ચિપ્સ એકદમ કરકરી બને તો તેને તળતા પહેલાં એના પર ચણાનો લોટ થોડો ભભરાવી દેવાનો.

* દહીંવડાના વડા બનાવતી વખતે ખીરામાં પણ દહીં ઉમેરવું જોઇએ. આમ કરવાથી વડા સરસ અને પોચા બનશે.

* ઘીના ડબ્બામાં ખાંડ નાખી રાખવાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે.

* મસાલાની બરણીમાં ઘણી વખત ભેજ લાગી જતો હોય છે. તેને અટકાવવા બરણીમાં એક ટુકડો હિંગ નાખી દેવી.

* ચાસણી સરસ બને એ માટે કઢાઇમાં બનાવતી વખતે માખણ લગાવી દેવાનું.

* ઢોકળાને સરસ નરમ બનાવવા હોય તો તેના મિશ્રણમાં એક-બે ચમચા તેલ નાખી દેવાનું. ભજીયાના ખીરાની જેમ ઢોકળા માટે પણ આ ટિપ્સ અજમાવી જોવા જેવી છે.

* રોટલી નરમ બને એ માટે તેનો લોટ રોટલી બનાવવાના એકથી વધુ કલાક પહેલાં બાંધી લેવાનો આગ્રહ રાખો.

* મસાલેદાર શાકને સ્વાદિષ્ટ બનાવવા તેમાં મગફળીને શેકી તેને મિક્સરમાં વાટીને નાખો.

* રસોડામાંથી જો કોઇ અલગ દુર્ગંધ આવતી હોય તો એક વાડકામાં લીંબુપાણી મૂકી રાખવાથી જતી રહેશે.

* ફુદીના કે કોથમીરની ચટણીનો રંગ અને સ્વાદ સારો આવે એમ ઇચ્છતા હોય તો વટાણાની છાલ ઉમેરીને તૈયાર કરવી.

* પૂરીનો લોટ બાંધતી વખતે એમાં બે-ત્રણ બ્રેડને પલાળીને નાખી દેશો તો વધારે સ્વાદિષ્ટ બનશે.

* શાકમાં મરચું વધારે પડી જાય અને તીખું થઇ જાય તો તેમાં ટામેટાનો સોસ કે દહીં નાખવાથી તેની તીખાશ ઘણી ઓછી થશે. અને ખારાશ વધારે લાગતી હોય તો થોડું દહીં ઉમેરી શકાય. શાકમાં લોટનું ગુલ્લુ મૂકવાથી ખારાશ ઓછી થઇ શકે છે.

* ઇડલીને નરમ બનાવવા તેનું ખીરું બનાવતી વખતે થોડા બાફેલા ચોખા નાખી શકો.

* રસગુલ્લાના માવામાં થોડો મેંદો અને એટલો જ રવો નાખવાથી ફાટી જશે નહીં.

* ચોખાને ડબ્બામાં ભર્યા પછી આખું વરસ સારા રાખવા હોય તો એમાં લસણ રાખવું. લસણ અનુકૂળ ના આવે તો એમાં ફુદીનાના પાન પણ નાખી શકો.

* કચોરી તળતી વખતે ફાટી જતી હોય તો તળતાં પહેલાં તેમાં બે-ચાર કાણા પાડી દેશો.

* ઢોસા તવા પર ચોંટી જતા હોય તો રાત્રે તવા પર તેલ લગાવી રાખો.

* છોલે ખાધા પછી ભારે લાગતા હોય તો સરળતાથી પચી જાય એ માટે તેને બનાવો ત્યારે વઘાર કરતી વખતે તેમાં થોડો અજમો ઉમેરવાનું રાખો.

* ગ્રેવીમાં કાજુની પેસ્ટ નાખવાથી તે ઘટ્ટ બનવા સાથે સ્વાદ પણ વધી જશે.

* ભાતને સુગંધિત બનાવવો હોય તો તેમાં તજનો એક નાનો ટુકડો નાખી દેવો.

* પાતળી થયેલી ખીરને ઘટ્ટ બનાવવા તેમાં થોડો કસ્ટર્ડ પાઉડર ઉમેરી દેવાથી પાતળી નહીં લાગે.

* દાળ-ભાત કે રોટલી સાથે ખાઇ શકાય એવી મસાલેદાર મગની દાળ બનાવવાની રીત જાણવા જેવી છે. એ માટે અડધો કપ મગ, બે ચમચી તેલ, એક તમાલપત્ર, અડધી ટીસ્પુન જીરું, અડધો-અડધો કપ સમારેલા કાંદા અને ટામેટા, એક ટીસ્પુન આદુ-લસણની પેસ્ટ, પા ટીસ્પુન ધાણા પાઉડર, પા ટીસ્પુન ગરમ મસાલા પાઉડર. અડધી ટીસ્પુન લાલ મરચું, અડધી ટીસ્પુન હળદર પાઉડર, અઢીથી ત્રણ કપ પાણી, થોડી કોથમીર અને મીઠું લઇ લો. વઘાર કરવા માટે અલગથી અડધી ટીસ્પુન જીરું, પા ટીસ્પુન લાલ મરચું, ચપટીક હિંગ અને એક ટીસ્પુન તેલ લઇ રાખો. સૌપ્રથમ લીલા મગને પાણીમાં બરાબર ધોઇ નાખો. પછી એકાદ કલાક પાણીમાં પલાળી રાખો. જો અગાઉથી આયોજન કર્યું હોય તો રાત્રે પલાળી રાખવાના. એમ કરવાથી બાફવામાં ઓછો સમય જશે. હવે ગેસ પર પ્રેસરકૂકર ગોઠવો. તેમાં બે ટીસ્પુન તેલ નાખી ગરમ કરો. અને જીરું તથા તમાલપત્ર નાખો. જીરું તતડે એટલે કાંદા નાખો. કાંદાને ગુલાબી થતા સુધી સાંતળતા રહો. પછી આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા નાખી સાંતળો. હવે તેમાં સમારેલા ટામેટા, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને ધાણા પાઉડર નાખો. ટામેટાને ચડી જવા દો. બાજુમાં તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. એ પછી મગને નિતારી નાખો. બધું બરાબર હલાવી અઢીથી ત્રણ કપ પાણી અને મીઠું ભેળવી દો. કૂકરનું ઢાંકણ ઢાંકી દસથી બાર સીટી વગાડો. દાળ ન પાણીવાળી કે ન સૂકી એવી થવી જોઇએ. હવે ગેસ પર એક પેનમાં તેલ અને જીરાનો વઘાર કરો. ગેસ બંધ કર્યા બાદ તેમાં લાલ મરચું અને હિંગ નાખો. આ વઘારને મગની દાલમાં નાખી બરાબર ભેળવો. પછી ઉપર કોથમીર ભભરાવી હલાવો. તમારી મસાલેદાર મગની દાળ તૈયાર છે.

* કોઇપણ ડિશને મજેદાર બનાવવી હોય અને જો ઘરમાં જરૂરી વસ્તુઓ ના હોય તો સૉસ ઉપયોગી બની શકે છે. ચણાની ચાટમાં એક ચમચી સેઝવાન સૉસ નાખવાથી સ્વાદ વધી જશે. ચાઇનીઝ ફ્લેવરના રસિયાઓ સેઝવાન સૉસનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં છૂટથી કરી શકે છે. મોમોઝની સાથે પિત્ઝા સૉસ ચટણી તરીકે કામ કરે છે. આજકાલ તીખો પેરી પેરી સૉસ ખૂબ વપરાય છે. પાપડ અથવા ખીચા પાપડ પર આ સૉસ નાખવાથી તે મસાલેદાર બને છે. મગની દાળના ચિલ્લા ઉપર પણ તેને નાખી શકાય છે.

* કાચી કેરીમાંથી બનાવેલું કચુંબર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એને બનાવવા કાચી કેરી અને કાંદા છીણીને ભેગા કરો. એમાં શેકેલું જીરું, સિંધવ મીઠું અને ચપટીક ગોળ નાખશો તો મજેદાર કચુંબર બનશે.

* રાજકોટની જાણીતી તીખી ચટણી બનાવવાની રીત જાણી લો. એક કપ આખા શિંગદાણાને પાંચેક કલાક સુધી પલાળો. પછી મિક્સરમાં તેની સાથે પાંચ સમારેલા લીલા મરચા, ચપટી હળદર, અડધી ટીસ્પુન લીંબુના ફૂલ અને પા ટીસ્પુન મીઠું નાખી પીસી લો. આ સૂકી ચટણી ચાર મહિના સુધી ફ્રિઝમાં સાચવી શકાય છે. જ્યારે જરૂર પડે ત્યારે તેમાં દહીં અથવા પાણી નાખીને લઇ શકાય. આ રાજકોટી ચટણી ભજિયા ઉપરાંત ચેવડો, વેફર્સ વગેરે સાથે ખાવાની મજા આવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED