Featured Books
શ્રેણી
શેયર કરો

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૫)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૫

“કેવો વિચાર?”

“અત્યંત ભયંકર વિચાર, પ્રિયે. મને તારા પતિ અંગે ત્રાસદાયક વિચાર આવે છે. હું અત્યારસુધી ચૂપ રહ્યો. મને ડર હતો કે હું કદાચ તારી આંતરિક શાંતિને પરેશાન કરીશ, પરંતુ મારાથી આવે ચૂપ નહીં રહી શકાય. એ અત્યારે ક્યાં હશે? તેની સાથે શું થયું હશે? એને જે પૈસા મળ્યા છે એના થકી એ શું બની ગયો હશે? આમ વિચારવું બહુ ભયાનક લાગે છે, દરેક રાત્રીએ મને તેનો ચહેરો દેખાય છે, થાકેલો, ત્રસ્ત થયેલો, યાચના કરતો... કેમ? જરા વિચાર પ્રિયે, જેટલા પૈસા તેણે તરતજ સ્વીકારી લીધા તે શું તારા બદલામાં પૂરતા હતા? એ તને ખૂબ પ્રેમ કરતો હતો, કરતો હતોને?”

“ખૂબજ!”

“જો, મને ખાતરી હતી જ! કાં તો એ ખૂબ દારૂ પીતો હશે કે... મને તેની ચિંતા થાય છે! હે ભગવાન, મને તેની ખૂબ ચિંતા થાય છે, તને શું લાગે છે? આપણે એને મળવું જોઈએ, તેની સાથે વાત કરવી જોઈએ, શું કહે છે?”

ગ્રોહોલ્સકીએ મોટો નિસાસો નાખ્યો, પોતાનું માથું હલાવ્યું અને ખુરશીમાં દુઃખ સાથે બેસી પડ્યો. પોતાના ચહેરાને પોતાની બંને મુઠ્ઠીઓ વચ્ચે મૂકી દઈને વિચારવા લાગ્યો, તેનો ચહેરો જોઇને લાગતું હતું કે તેના વિચારો અત્યંત પીડાદાયક હશે.

“હું સુવા જઈ રહી છું,” લીઝાએ કહ્યું, “મારો સુવાનો સમય થઇ ગયો.”

લીઝા તેના બેડરૂમમાં ગઈ, પોતાના કપડાં ઉતાર્યા અને ચાદર નીચે પોતાને ઢાંકી દીધી. તે દર રાત્રે દસ વાગ્યે સુઈ જતી અને સવારે દસ વાગ્યે ઉઠતી. તેને આરામ કરવો ખૂબ ગમતું હતું.

તે તરતજ નિંદ્રાદેવીના આગોશમાં સમાઈ ગઈ. સમગ્ર રાત્રી દરમ્યાન તેને મોહક સ્વપ્નાઓ આવવા લાગ્યા, આ સપનાઓ પ્રેમના હતા, નવલકથાઓના હતા, અરેબિયન નાઈટ્સના હતા. આ તમામ સ્વપ્નાઓનો હીરો પેલો હેટવાળો પુરુષ હતો જેણે તેને સાંજે ચીસ પાડવા માટે મજબૂર કરી દીધી હતી.

હેટવાળો પુરુષ તેને ગ્રોહોલ્સકીથી દૂર લઇ જઈ રહ્યો હતો, તે ગાઈ રહ્યો હતો અને તે ગ્રોહોલ્સકી અને તેને તેમજ પેલા છોકરાને ચાબુકથી મારી રહ્યો હતો, તેણે આ રીતે તેના પ્રેમની જાહેરાત કરી, અને તેને ઉપાડીને ઘોડા પર બેસીને દૂર ભાગી ગયો... ઓહ! સ્વપ્નાં પણ અજીબ હોય છે, એ ત્યારેજ આવે છે જ્યારે કોઈની આંખો બંધ હોય છે, ઘણીવાર તે કોઈને દસ વર્ષના સંપૂર્ણ જીવન કરતાં પણ વધુ આનંદ આપે છે... તે રાત્રે લીઝાને વિવિધ પ્રકારના અનુભવો થયા, અને ખૂબ આનંદ થાય તેવા અનુભવો થયા, તેને માર પડી રહ્યો હતો તેમ છતાં...

સવારે છ અને સાત વચ્ચે તેની આંખો ઉઘડી ગઈ, તેણે ઝડપથી પોતાના કપડાં પહેર્યા અને ઝડપથી પોતાના વાળ ઓળ્યા અને પોતાના તાતાર સ્લીપરો પહેર્યા વગર વરંડા તરફ દોડી ગઈ. એક હાથ કપાળ પર રાખીને અને બીજા હાથમાં તેના રાત્રે સુવાના કપડાં પકડીને તેણે સામેની વિલા તરફ તાંકીને જોયું. તેનો ચહેરો ખીલી ઉઠ્યો, હા એ એજ હતો, કોઈજ શંકા નથી કે એ એજ હતો.

સામેની વિલાના વરંડામાં કાચના દરવાજાની સામે એક ટેબલ હતું. સર્વિસ ટીના વાસણો જેમાં કિટલીની ઉપરનું ચાંદીનું ટોપ ચમકી રહ્યું હતું. ઇવાન પેત્રોવીચ ટેબલ સામેની ખુરશીમાં બેઠો હતો. તેના હાથમાં ચાંદીની પકડ ધરાવતો ચ્હાનો કપ હતો જેમાંથી તે ચ્હા પી રહ્યો હતો. તે અત્યંત આરામથી ચા પી રહ્યો હતો. તે જે રીતે અવાજ કરીને ચ્હા પી રહ્યો હતો તેનાથી તે કેટલો શાંત છે તે પ્રતીત થઇ રહ્યું હતું અને તેનો અવાજ લીઝા સુધી પહોંચી રહ્યો હતો. તેણે છીકણી રંગનું ગાઉન પહેર્યું હતું જેના પર કાળા રંગના ફૂલ હતા. એક મોટો ફ્લાવરવાઝ ટેબલ પરથી નીચે પડ્યો, પોતાના જીવનમાં પહેલીવાર લીઝાએ પોતાના પતિને ડ્રેસિંગ ગાઉનમાં જોયો જે અત્યંત મોંઘો લાગી રહ્યો હતો.

મિશુત્કા એના એક ઘૂંટણ પર બેઠો હતો અને તેને ચ્હા પીતો અટકાવી રહ્યો હતો. એ બાળક તેના પિતાના ચમકતા હોઠને પકડવાની કોશિશ કરતો ઉપર નીચે થઇ રહ્યો હતો. દરેક ત્રણ કે ચાર ઘૂંટડા પછી પિતા તેના પુત્રના કપાળને હળવેકથી ચૂમી લેતો હતો. ભૂખરા રંગની એક બિલાડી તેની પૂંછડી ઉંચી કરીને ટેબલના એક પાયા સાથે પોતાને ઘસી રહી હતી અને મ્યાઉ કરીને પોતાને ભૂખ લાગી છે એમ કહી રહી હતી. લીઝા વરંડાના પડદા પાછળ સંતાઈ ગઈ અને પોતાના પૂર્વ પરિવારના સભ્યોને જોયા પછી પોતાની આંખો બંધ કરી દીધી, તેનો ચહેરો આનંદથી લાલચોળ થઇ ગયો.

“મિશા!” તે બબડી, “મિશા! તું ખરેખર અહીંજ છે, મિશા? મારો દીકરો! અને તું વાન્યાને કેટલો બધો પ્રેમ કરે છે! હે ભગવાન!”

જ્યારે મિશુત્કાએ તેના પિતાની ચ્હાના કપમાં ચમચી હલાવી ત્યારે લીઝા હસી પડી. “અને વાન્યા પણ મિશાને કેટલો બધો પ્રેમ કરે છે! મને ગમતાં લોકો!”

લીઝાનું હ્રદય ધબકવા લાગ્યું અને તે આનંદ અને ખુશીથી પોતાનું માથું હલાવવા લાગી. તે આરામ ખુરશીમાં બેસી પડી અને બેઠા બેઠા જ પેલા લોકોને નીહારવા લાગી.

મિશુત્કાને હવામાં કિસ મોકલીને તેણે વિચાર્યું, “આ લોકો અહીં કેવી રીતે આવ્યા હશે?” “કોણે તેમને અહીં આવવાનું કહ્યું હશે? ભગવાન! શું આ બધીજ સંપત્તિ તેમની જ હશે? ગઈકાલે જે હંસલા જેવા ઘોડાઓ દરવાજામાંથી અંદર આવ્યા હતા તે ઇવાન પેત્રોવીચના જ હશે? ઓહ!”

પોતાની ચ્હા પી ને ઇવાન પેત્રોવીચ ઘરની અંદર જતો રહ્યો. દસ મિનીટ બાદ તે દાદરા પર આવ્યો અને લીઝા આશ્ચર્યચકિત થઇ ગઈ. એ વ્યક્તિ જેને તેની યુવાનીમાં માત્ર સાત વર્ષ પહેલા મધ્યમવર્ગીય અને બિચારો કહેવામાં આવતો હતો તે આટલો બધો ખર્ચ કેવી રીતે કરી શકતો હશે? અને લાગે છે પણ કેટલો સુંદર. તેણે પહોળી અને ખાડાવાળી હેટ પહેરી હતી, અત્યંત મોંઘા બૂટ, શ્રીમંતો પહેરે એવો સૂટ પહેર્યો હતો... જાણેકે હજારો સૂર્ય ચમકી રહ્યા હોય તેમ તેની નાની ઘડિયાળ તેની કમર પર ચમકી રહી હતી. તેણે પોતાના હાથમાં મોજાં ધારણ કર્યા હતા જેમાં છટાથી લાકડી પકડી હતી.

અને શું એની અદા હતી, એકદમ ભારપૂર્વક અને આકર્ષકરીતે તેણે પોતાનો હાથ હલાવીને પોતાના નોકરને ઘોડાને લઇ આવવાનો હુકમ આપ્યો.

તે ઠાવકાઈથી ઘોડાગાડીમાં બેઠો અને તેના બગીવાનને, જે ઘોડાગાડી નજીક ઉભો હતો તેણે મિશુત્કા અને માછલી પકડવાનો કાંટો આપવાનું કહ્યું જે તે પોતાની સાથે લાવ્યો હતો. પોતાની બાજુમાં મિશુત્કાને બેસાડી અને તેના પર પોતાનો ડાબો હાથ મૂકી તેણે લગામ ખેંચી અને ઘોડાગાડી ચલાવી મૂકી.

“જીઈઈઈઈ...” મિશુત્કાએ બૂમ પાડી.

લીઝા જેને ખબર ન હતી કે તે શું કરી રહી હતી તેણે તેમની પાછળ પોતાનો રૂમાલ હલાવ્યો. જો અત્યારે તેણે અરીસામાં જોયું હોત તો તેને તેનો લાલ અને હસતો ચહેરો ઉપરાંત આંસુમિશ્રિત જોઇને આશ્ચર્ય થયું હોત. તેણે કલ્પના કરી તે પેલા આનંદિત બાળકની બાજુમાં બેઠી છે અને અકારણજ તેના ચહેરા પર ચુંબનોનો વરસાદ વરસાવી રહી છે.

કોઈક કારણસર તે સ્વાદિષ્ટ ભોજન માણવાથી પણ વધુ આનંદ માણી રહી હતી.

“ગ્રીશા! ગ્રીશા!” લીઝા ગ્રોહોલ્સકીના રૂમમાં દોડી ગઈ અને તેને જગાડવા લાગી. “ઉભો થા, એ લોકો આવી ગયા છે! પ્રિયે!”

“કોણ આવી ગયું છે?” અચાનક જ ઊંઘમાંથી જગાડેલી હાલતમાં ગ્રોહોલ્સકી બોલ્યો.

“આપણા લોકો... વાન્યા અને મિશા, એ લોકો આવી ગયા છે અને આપણી સામેની વિલામાં જ આવ્યા છે... મેં જોયું હતું તે લોક ચ્હા પી રહ્યા હતા... મિશાને પણ જોયો... આપણો મિશા કેવો સુંદર લાગે છે હવે! હું જાણેકે કોઈ દેવની માતા બની ગઈ હોઉં એવું લાગી રહ્યું છે!”

“કોને જોયા? કેમ, તું શું કરી... કોણ આવ્યું? ક્યાં આવ્યું?”

“વાન્યા અને મિશા... હું સામેની વિલામાં જોઈ રહી હતી, તેઓ બેઠાબેઠા ચ્હા પી રહ્યા હતા. મિશા હવે જાતેજ ચ્હા પી શકે છે... તે ગઈકાલે સમાન આવતો નહોતો જોયો? એ લોકોજ આવ્યા છે.”

ગ્રોહોલ્સકીએ પોતાનું કપાળ ઘસ્યું અને તેનો રંગ પીળો પડી ગયો.

“આવી ગયા? કોણ તારો પતિ?” તેણે પૂછ્યું.

“હા, કેમ?”

“જો એ અહીં જ રહેવાનો હશે તો તો તેને ખબર નહીં હોય કે આપણે પણ અહીં જ રહીએ છીએ. જો એમને ખબર હોત તો તેમણે પણ આપણી વિલા જોઈ હશે, એવું પણ બને કે તેમણે ફક્ત ચ્હા જ પીધી હોય અને આ તરફ ધ્યાન ન જતાં એમને ખબર પણ ન પડી હોય.”

“અને અત્યારે એ ક્યાં છે? ભગવાનને ખાતર મેં સાચું કહે! એ ક્યાં છે અત્યારે?”

“એ બગીમાં બેસીને મિશા સાથે માછલી પકડવા ગયો છે. તે ગઈકાલે ઘોડાઓ જોયા હતાને? એ એમના જ છે... વાન્યાના...વાન્યા એમને હાંકી રહ્યો હતો. ગ્રીશા, તને ખબર છે? મિશા હવે આપણી પાસે જ રહેશે... હા એ અહીં જ રહેશે, બરોબરને? એ કેટલો સુંદર છોકરો છે. એકદમ રાજકુમાર જેવો!”

ગ્રોહોલ્સકી વિચારવા લાગ્યો અને લીઝા બસ બોલતી જ રહી, બોલતી જ રહી.

“કેવો અચાનક થયેલો મેળાપ?” એક લાંબા અને કાયમના ત્રાસ પમાડતા નિસાસા સાથે ગ્રોહોલ્સકી બોલ્યો. “આપણને તો કલ્પના જ ન હતી કે આપણે તેમને અહીં મળીશું. પણ... એમ બન્યું છે તો ભલે એમ હોય. લાગે છે કે આપણા બધાનું નસીબ જ છે. મને તો એ વિચાર આવે છે કે આપણને જ્યારે તે મળશે ત્યારે તેને કેવું વિચિત્ર લાગશે.”

“તો આપણે મિશાને આપણી જોડેજ રાખી લઈશું?”

“હા કેમ નહીં, એને મળવું વિચિત્ર જરૂર લાગશે...શું, હું તેને શું કહું? હું તેની સાથે કઈ બાબતે ચર્ચા કરું? અમારા બંને માટે એ સમય વિચિત્ર હશે.... અમે કદાચ વારંવાર મળીશું નહીં... જરૂર લાગશે તો જ સંપર્ક રાખીશું, અને એ પણ નોકરો દ્વારા... મારું માથું દુઃખવા લાગ્યું છે લીઝોત્ચકા. મારા હાથ અને પગ પણ દુઃખે છે. શું મને તાવ આવે છે?

લીઝાએ પોતાનો હાથ એના કપાળ પર મૂક્યો અને તેનું કપાળ ખરેખર ગરમ હતું.

“મને આખી રાત ખરાબ સ્વપ્નાઓ આવ્યા છે... મારે આજે ઉઠવું જોઈતું ન હતું. હું સુઈ જાઉં છું... મારે ક્વિનાઈન લઇ લેવી જોઈએ. મને મારો નાસ્તો અહીંજ મોકલી આપજે મારી પ્રિયે!”

ગ્રોહોલ્સકીકે ક્વિનાઈન લીધી અને આખો દિવસ સુતો રહ્યો. તેણે હુંફાળું પાણી પીધું, વિચિત્ર ઉદગારો કાઢતો રહ્યો, પથારીની ચાદર અને ઓશિકાના કવર બદલાવ્યા, તેનું શરીર દુઃખતું રહ્યું, અને આખો દિવસ તેની આસપાસ કંટાળો જ કંટાળો ફરતો રહ્યો.

==:: અપૂર્ણ ::==