A Living Chattel - 10 - last part books and stories free download online pdf in Gujarati

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૧૦ - અંતિમ)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૧૦ (અંતિમ)

“હું તને એ આપી દઈશ... આજે જ આપીશ, હું મારા નોકરને દસ્તાવેજ કરવા માટે મોકલી દઈશ. ત્યાં તારે બધાને એમ કહેવું પડશે કે તે એને ખરીદી લીધું છે... જતો રહે, હું તને ફરીથી વિનંતી કરું છું.”

“ઠીક છે, હું જતો રહીશ. હું સમજી શકું છું.”

“તો ચાલ અત્યારે જ આપણે નોટરી પાસે જઈએ,” ગ્રોહોલ્સકીએ કહ્યું, તે ખૂબ ખુશ થયો અને બગીવાનને બોલાવવા માટે જતો રહ્યો.

બીજા દિવસે સાંજે જ્યારે લીઝા બગીચા પાસેની ખુરશી પર બેઠી હતી જ્યાં તે સામાન્ય રીતે ઇવાન પેત્રોવીચને મળતી હતી, ગ્રોહોલ્સકી તેની પાસે શાંતિથી ગયો. તે એની બાજુમાં બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો.

“લીઝોત્ચકા, તું દુઃખી છે?” થોડીવાર શાંત રહ્યા બાદ તે બોલ્યો. “શું તને કોઈ વાતની ચિંતા છે? ચાલ આપણે ક્યાંક ફરવા જઈએ. કાયમ ઘરમાં જ રહેવું એ જરૂરી નથી. આપણે બહાર જઈએ, આનંદ કરીએ, નવા નવા લોકોને મળીએ... બરોબરને?”

“મારે કશું જ નથી જોઈતું.” લીઝાએ નિરાશ ચહેરા સાથે કહ્યું અને પોતાનો ચહેરો એ રસ્તા તરફ વાળ્યો જ્યાંથી દરરોજ બગરોવ તેને મળવા માટે આવતો હતો.

ગ્રોહોલ્સકી વિચારવા લાગ્યો. તેને ખ્યાલ આવી ગયો કે તે કોની રાહ જોઈ રહી છે, તેને અત્યારે કોણ જોઈએ છીએ.

“ચાલ, આપણે ઘરમાં જઈએ,” તેણે કહ્યું, “અહીં હવે ઠંડી વધી રહી છે...”

“તું જા, હું પછી આવી જઈશ.”

ગ્રોહોલ્સકીએ ફરીથી વિચાર્યું.

“તું પેલાની રાહ જોઈ રહી છેને?” તેણે પૂછ્યું અને પોતાનો ચહેરો એ રીતે વાળ્યો જાણેકે તેને કોઈ ગરમાગરમ પક્કડ દ્વારા પકડીને વાળવામાં આવ્યો હોય.

“હા... મારે તેને મિશા માટે મોજાં આપવા છે...”

“એ હવે નહીં આવે.”

“તને કેવી રીતે ખબર?”

“એ જતો રહ્યો છે....”

લીઝાની આંખો પહોળી થઇ ગઈ.

“તે અહીંથી દૂર જતો રહ્યો છે, ત્ચેર્નીગોવ રાજ્યમાં ગયો છે. મેં તેને મારું એસ્ટેટ આપી દીધું છે...”

લીઝાનો ચહેરો ડર લાગે એ રીતે પીળો પડી ગયો અને તેણે નીચે પડવાથી બચવા માટે ગ્રોહોલ્સકીના ખભાનો સહારો લીધો.

“હું તેને ત્રણ વાગ્યાની સ્ટીમરમાં મુકીને આવ્યો છું.”

લીઝાએ અચાનક જ પોતાના માથાને પોતાના બંને હાથથી પકડ્યું અને હલવા લાગી અને ખુરશી પર પડી ગઈ, અને તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું.

“વાન્યા,” તેણે ચીસ પાડી, “વાન્યા! મારે વાન્યા પાસે જવું છે... મારો વાન્યા!”

તેને વાઈ આવી રહી હતી.

અને તે સાંજથી છેક જુલાઈ સુધી, જે બગીચામાં ઘણા લોકો ચાલવા માટે આવતા હતા ત્યાં બે પડછાયાઓ પણ ચાલતા હતા. આ પડછાયાઓ સવારથી સાંજ સુધી ત્યાં જ ચાલતા અને અહીં આવનારા અન્ય મુલાકાતીઓમાં પણ નિરાશા ફેલાવી દેતા. લીઝાનો પડછાયો ગ્રોહોલ્સકીના પડછાયાની પાછળ પાછળ ચાલતો... હા, હું તેમને પડછાયા કહું છું કારણકે, તે બંનેએ પોતાનો કુદરતી દેખાવ ગુમાવી દીધો હતો. તેઓ પાતળા, નબળા અને સંકોચાઈ ગયા હતા અને જીવતા માણસો કરતા પડછાયા જેવા વધુ લાગતા હતા. મચ્છરોને જે રીતે આસાનીથી હાથ હલાવીને ભગાડી શકાય એ જ રીતે તેમને પણ ભગાડી શકાય એવા નબળા તેઓ થઇ ગયા હતા.

જુલાઈની શરૂઆતમાં, લીઝા ગ્રોહોલ્સકીને છોડીને ભાગી ગઈ અને પોતાની પાછળ એક ચિઠ્ઠી છોડીને ગઈ જેમાં તેણે તે “પોતાના દીકરા માટે ભાગી રહી છે” એમ લખ્યું હતું. તેની ચિઠ્ઠી વાંચ્યા બાદ ગ્રોહોલ્સકીએ આખું અઠવાડિયું પોતાની વિલાની આસપાસ ચક્કર મારતા વિતાવ્યું, આ દરમ્યાન તેણે ન તો કશું ખાધું કે ન તો એ સરખી ઊંઘ લઇ શક્યો. ઓગસ્ટમાં તેને ફરીથી સખત તાવ આવ્યો અને સપ્ટેમ્બરમાં તે વિદેશ ચાલ્યો ગયો. અહીં તેણે ખૂબ દારુ પીધો... તેને આશા હતી કે દારૂ પી ને અને ભોગવિલાસ કરીને તેને રાહત મળશે.

.... તેણે તેની બધીજ બચત ખર્ચ કરી દીધી, પરંતુ માનસિક શાંતિ મેળવવામાં તેને સફળતા ન મળી, બિચારો હજી પણ પેલી નાનકડા ચહેરા વળી સ્ત્રીને ભૂલી શકતો ન હતો જેને તે ખૂબ પ્રેમ કરતો હતો... પુરુષો ક્યારેય અત્યંત આનંદને લીધે નથી મરતા તેઓ તો દુઃખ અને યાતનાને કારણેજ મરતા હોય છે. ગ્રોહોલ્સકીના માથાના વાળ સફેદ થઇ ગયા, પરંતુ તે મર્યો નહીં... તે આજે પણ જીવતો છે... તે વિદેશથી એટલા માટે પરત આવ્યો જેથી તે લીઝાને એક વખત જોઈ શકે. બગરોવે તેને બે હાથ ફેલાવીને આવકાર આપ્યો અને તેને અનંત કાળ સુધી પોતાની સાથે રહેવા દીધો. તે આજે પણ બગરોવ સાથે જ રહે છે.

આ વર્ષે હું ગ્રોહોલ્યોવ્કા પાસેથી પસાર થયો જે બગરોવનું એસ્ટેટ છે. મેં જોયું કે અહીંના માલિક અને માલકણ રાત્રીભોજ કરી રહ્યા છે... ઇવાન પેત્રોવીચ મને જોઇને અત્યંત આનંદિત થયો, અને મારા ખૂબ વખાણ કર્યા. તે જાડો થઇ ગયો હતો અને તેનો ચહેરો ત્રણગણો પહોળો થઇ ગયો હતો, જો કે તે હજી પણ લાલચોળ અને સ્વસ્થ હતો. તે હજી સુધી ટાલિયો થયો ન હતો. લીઝા પણ જાડી થઇ ગઈ હતી. એને આવું જાડું શરીર શોભતું ન હતું. તેનો ચહેરો હવે નાનો રહ્યો ન હતો! તેના ગાલ ઉપરની તરફ વધી રહ્યા હતા, આજુબાજુ બંને તરફ વધી રહ્યા હતા. બગરોવ પરિવાર શ્રીમંત જીવન જીવી રહ્યા હતા. તેમની પાસે ઘણુંબધું હતું. આખું ઘર નોકરો અને ખોરાકના સામાનથી ભરેલું પડ્યું હતું.

અમે જ્યારે રાત્રીભોજ પૂર્ણ કર્યું ત્યારે અમે બધા વાતે વળગ્યા. હું ભૂલી ગયો હતો કે લીઝાને વગાડતા આવડતું નથી તેમ છતાં મેં તેને કહ્યું કે તે પિયાનો વગાડે.

“તે પિયાનો વગાડતી નથી,” બગરોવે કહ્યું; “તેને સંગીતનું ભાન નથી... ઓ, ઇવાન! ગ્રેગરી વાસ્સીલ્યેવીચને બોલાવ! એ શું કરી રહ્યો છે?” પછી મારા તરફ ફરતા બગરોવે ઉમેર્યું, “અમારો સંગીતકાર હમણાં આવશે, એ ગીટાર વગાડશે. આ પિયાનો અમે મિશુત્કા માટે રાખી મૂક્યો છે... અમે તેને એક શિક્ષક પાસે શીખવાડી રહ્યા છીએ...”

પાંચ મિનીટ બાદ, ગ્રોહોલ્સકી ઓરડામાં આવ્યો, તે નિંદ્રામાં હોય એવો લાગતો હતો, તેના વાળ લઘરવઘર હતા અને તેણે દાઢી કરી ન હતી... તે ઓરડામાં આવ્યો મારી સામે ઝૂક્યો અને પછી એક તરફ બેસી ગયો.

“આટલું જલ્દી કોણ ઊંઘી જાય?” બગરોવે કહ્યું, અને તેની સામે જોઇને બોલ્યો, “તું કેવો માણસ છે? ખરેખર... એ કાયમ સુતો જ હોય, કાયમ સુતો જ હોય છે... ઊંઘણશી! ચાલ અમારા માટે કોઈક સરસ ધૂન વગાડ...”

ગ્રોહોલ્સકીએ ગીટાર ઉપાડ્યું અને તેના તારને સ્પર્શ કર્યો અને ગાવા લાગ્યો:

“ગઈકાલે મેં મારી પ્રિયાની રાહ જોઈ હતી...”

મેં ગીત સાંભળ્યું, અને બગરોવના ચહેરા સામે જોયું અને વિચાર્યું: “એકદમ ગંદો જાનવર છે!” મને રડવું આવી ગયું... જ્યારે ગ્રોહોલ્સકીએ ગાયન પૂરું કર્યું તે અમારા બધા સામે ઝૂક્યો અને બહાર જતો રહ્યો.

“હવે મારે આ માણસનું શું કરવું?” ગ્રોહોલ્સકીના જવા બાદ બગરોવ બોલ્યો. “મને તેની સાથે તકલીફ હતી હું માનું છું! આખો દિવસ એ દારુ પીવે છે, બસ પીધે જ રાખે છે... અને રાત્રે નિસાસાઓ નાખતો હોય છે... એ ઊંઘે છે પણ ઊંઘમાં પણ નિસાસાઓ નાખે છે... મારા ખ્યાલથી આ એક બીમારી છે... મારે એની સાથે શું કરવું? મને તો કશી ખબર નથી પડતી! એ અમને પણ ઊંઘવા નથી દેતો... મને લાગે છે કે એક દિવસ એ ગાંડો થઇ જશે. લોકોને એવું લાગે છે કે હું તેની સાથે ખરાબ વ્યવહાર કરું છું... શું તમને એવું લાગે છે કે હું તેની સાથે ખરાબ વર્તન કરું છું? એ અમારી સાથે ખાય છે, દારૂ પીવે છે... એક વાત છે કે અમે તેને પૈસા નથી આપતા. કારણકે જો અમે તેને પૈસા આપીએ તો એ બહાર જઈને દારૂ પીશે અને એમાં જ તેને વેડફી નાખશે. એ મારા માટે વળી બીજી તકલીફ હશે! હે ભગવાન, મને માફ કરી દે, હું પાપી છું!”

તેમણે મને રાત્રે રોકાઈ જવા માટે આગ્રહ કર્યો એટલે હું ત્યાં રોકાઈ ગયો. સવારે જ્યારે હું જાગ્યો, બગરોવ બાજુના રૂમમાં કોઈનેપ્રવચન આપી રહ્યો હતો...

“મુરખને પ્રાર્થના કરવાનું કહો તો એ જમીન પર પોતાનું માથું પછાડીને તેને ફોડી નાખે! કેમ? હલેસાંને કોણ લીલા કલરથી રંગે? તારામાં અક્કલ છે કે નહીં મૂરખ! તારી અક્કલ તો વાપર! તું બોલતો કેમ નથી?”

“મેં... મેં... મારાથી ભૂલ થઇ ગઈ,” એક ભારે અવાજે માફી માંગી.

એ ભારે અવાજ ગ્રોહોલ્સકીનો હતો.

ગ્રોહોલ્સકી મને સ્ટેશન સુધી મૂકી ગયો.

“એ આપખુદ છે, એ જુલ્મી છે,” આખા રસ્તે તે મને આમ કહેતો રહ્યો. “એ દયાળુ જરૂર છે પણ જુલ્મી પણ છે! તેના શરીરમાં હ્રદય કે મગજ બંનેમાંથી એકનો પણ વિકાસ નથી થયો... એ મને ત્રાસ આપે છે. જો હું પેલી દયાળુ સ્ત્રી માટે અહીં રોકાયો ન હોત તો હું ક્યારનોય અહીંથી જતો રહ્યો હતો. મને તેને છોડીને જવાનું નથી ગમતું. તેના કરતાં તો આ બધું સહન કરવું વધુ સારું છે.”

“તેની પાસે એક નાનકડું બાળક છે... તમે જોયુંને? ખરેખર તો એ મારું બાળક છે... મારું... તેને તેની ભૂલ તરતજ સમજાઈ ગઈ, અને પોતાની જાતને ફરીથી મને સોંપી દીધી... તેનાથી પેલાનો ત્રાસ સહન નથી થતો...”

“તું સાવ નક્કામો છે,” ગ્રોહોલ્સકીને આમ કહેતા હું મારી જાતને રોકી ન શક્યો.

“હા, હું એક ખરાબ ચરિત્ર ધરાવતો વ્યક્તિ છું... અને આ સત્ય છે. હું જન્મથી જ આવો છું. તમને ખબર છે મારો જન્મ કેવી રીતે થયો હતો? મારા સ્વર્ગસ્થ પિતાએ તેના એક યુવાન ક્લાર્ક પર ખૂબ ત્રાસ ગુજાર્યો હતો... તેની સાથે તેઓ અત્યંત ભયંકર વર્તન કરતા! તેમણે પેલાનું જીવન ઝેર કરી દીધું હતું. પછી... મારા સ્વર્ગસ્થ માતા જેઓ ખૂબ દયાળુ હતા, તે સામાન્ય લોકોમાંથી આવતા હતા, નોકરી કરતા લોકોમાંથી... તેણે પેલા ક્લાર્કને પોતાના હ્રદયમાં સ્થાન આપ્યું... બસ... આવી રીતે હું આ દુનિયામાં આવ્યો... ત્રાસ સહન કરનાર ક્લાર્કનો દીકરો. પછી મારી પાસે મજબૂત મનોબળ કેવી રીતે હોઈ શકે? મને કોણ ખૂબ બધી હિંમત આપી શકે? બીજો ઘંટ વાગી ગયો છે... આવજો! ફરીથી જરૂર આવજો, પણ મેં તમને જે કહ્યું તે ઇવાન પેત્રોવીચને ન કહેતા.”

મેં ગ્રોહોલ્સકીનો હાથ પકડીને તેને દબાવ્યો અને ટ્રેનમાં બેસી ગયો. તે બગી તરફ પાછો વળ્યો અને એક બોટલ ઉપાડીને પોતના મોઢે માંડી... કદાચ તેને ખૂબ તરસ લાગી હતી!

==:: સંપૂર્ણ ::==

બીજા રસપ્રદ વિકલ્પો