A Living Chattel - 3 books and stories free download online pdf in Gujarati

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૩)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૩

“આ મારા નીતિ નિયમો વિરુદ્ધ છે. તું પ્રમાણિક વ્યક્તિ છે. હું તેને પ્રેમ કરું છું! આ દુનિયામાં અન્ય કોઇપણ ચીજ, વસ્તુ કે માનવી કરતાં પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું! તને એની જાણ થઇ ગઈ છે.... એટલે મારી ફરજ બને છે કે હું તને આ કહી દઉં!”

“હું કોણ છું તને કશું કહેવાવાળો?” ઇવાન પેત્રોવીચને નવાઈ લાગી.

“આપણે હવે આનો અંત લાવવો જ રહ્યો. આ નાટક બહુ આગળ ન ચાલી શકે! તેને કોઇપણ રીતે પૂરું કરવુંજ રહ્યું.”

ગ્રોહોલ્સકી શ્વાસ લેવા રોકાયો અને ફરીથી બોલ્યો:

“હું તેના વગર નહીં જીવી શકું; તે પણ મારા માટે એવો જ અનુભવ કરે છે. તું સમજદાર વ્યક્તિ છે આથી તું સમજી શકે છે કે આવી પરિસ્થિતિમાં તારું લગ્નજીવન સુખી થાય એ શક્ય નથી. આ સ્ત્રી તારી નથી... ટૂંકમાં કહું તો આ બાબતને તું સંપૂર્ણ માનવતાની દ્રષ્ટિએ જો... ઇવાન પેત્રોવીચ, તારે એ સમજવું જ રહ્યું કે છેવટે તો હું તેને પ્રેમ કરું છું, હું એને મારા કરતા પણ વધુ પ્રેમ કરું છું, વિશ્વમાં રહેલી કોઇપણ વસ્તુ કરતા પણ વધુ, અને મારા પ્રેમ માટે સંઘર્ષ કરવો એ મારી શક્તિ બહારની વાત છે.”

“અને તે?” બગરોવે દુઃખી પરંતુ કટાક્ષસભર સૂરમાં પૂછ્યું.

“તું પૂછને તેને? અત્યારે જ પૂછ! તેના માટે તે જેને પ્રેમ નથી કરતી એ પુરુષ સાથે જીવવું, એટલેકે તારી સાથે જીવવું એ અત્યંત પીડાદાયક છે!”

“અને તે?” બગરોવે ફરીથી પૂછ્યું, પરંતુ આ વખતે તેમાં કટાક્ષ ન હતો.

“તે... તે મને પ્રેમ કરે છે! અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, ઇવાન પેત્રોવીચ! અમને મારી નાખ, અમારો તિરસ્કાર કર, અમને સમજવાની કોશિશ કર, તારી જે ઈચ્છા થાય તે તું કર પરંતુ અમે કોઇપણ ભોગે હવે તારાથી કશું નહીં છુપાવીએ. આપણે એકબીજાની સામે ઉભા છીએ, તું તારા મનમાં રહેલા તમામ દ્વેષનો ઉપયોગ કરી અમારા વિષે જે ઈચ્છા હોય તે વિચારી શકે છે... પરંતુ અમે એ લોકો છીએ જેનું તમામ સુખ તેના નસીબે ચોરી લીધું છે.”

બગરોવનો ચહેરો ઉકાળેલા કરચલાની માફક લાલ થઇ ગયો અને તેણે ત્રાંસી આંખે લીઝા તરફ જોયું. તેની આંખો પટપટ થવા લાગી. તેની આંગળીઓ, તેના હોંઠ અને તેની પાંપણ વળવા લાગી. બિચારો! તેની પત્નીની રડતી આંખો તેને એમ કહી રહી હતી કે ગ્રોહોલ્સકી સાચું બોલી રહ્યો હતો અને હવે આ અત્યંત ગંભીર સમસ્યા હતી.

“ભલે!” એ બબડ્યો. “જો તમે... આ બધા દિવસોમાં... કે કાયમ માટે...”

“ભગવાન સર્વશક્તિશાળી છે,” ગ્રોહોલ્સકી ઊંચા સૂરમાં બોલ્યો, “અમને તારા વિષે ચિંતા છે. શું તને લાગે છે કે અમારામાં કોઈજ લાગણી નથી? અમારામાં અક્કલ નથી? મને ખબર છે કે હું તને કેટલી બધી પીડા આપી રહ્યો છું, ભગવાનને સાક્ષી માનીને કહું છું. પણ થોડો દયાળુ થા, હું તને વિનંતી કરું છું! અમારો વાંક નથી. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પ્રેમ વિરુદ્ધ કોઈ જઈ શકે તેમ નથી... તું એને મારે હવાલે કરી દે ઇવાન પેત્રોવીચ! એને મારી સાથે આવવા દે! તને પડનારી મુશ્કેલીઓના બદલામાં તારે જે જોઈએ તે મારી પાસેથી લઇ લે. મારું જીવન લઈએ, પણ મને લીઝા આપી દે. હું ગમેતે કરવા માટે તૈયાર છું. ચાલ, મને કહી દે કે તને પડનારી ખોટને પુરવા માટે મારે મારા તરફથી શું કરવું જોઈએ? તારી ચાલી જનારી ખુશીને બદલે હું શું કરી શકું, હું તને બીજી કઈ રીતે ખુશ કરી શકું? હું એમ કરી શકીશ ઇવાન પેત્રોવીચ; હું ગમેતે કરવા માટે તૈયાર છું! તને સંતોષ ન આપી શકું તો એ મારા માટે યોગ્ય નથી... હું અત્યારે તારી હાલત સમજી શકું છું.”

બરગોવે પોતાનો હાથ જોરથી હલાવ્યો અને કહ્યું, “ભગવાનને ખાતર અહીંથી જતો રહે.” તેની આંખો વિશ્વાસઘાતના આંસુઓથી ભરાઈ ગઈ હતી. બસ થોડીજ પળોમાં એ એક બાળકની જેમ રડી પડવાનો હતો.

“હું સમજી શકું છું, ઇવાન પેત્રોવીચ. હું તને ખુશીઓ આપી શકું છું, એવી ખુશીઓ જે તને આજદિન સુધી નથી મળી. તને શું જોઈએ? મારી પાસે નાણા છે, મારા પિતા વગ ધરાવતા વ્યક્તિ છે... બોલ! તારે શું જોઈએ છીએ? બોલ!”

બગરોવનું હ્રદય અચાનક જ જોરથી ધબકવા લાગ્યું. તેણે બંને હાથેથી બારીનો પડદો જોરથી પકડી લીધો.

“તને પચાસ હજાર જોઈએ છીએ? ઇવાન પેત્રોવીચ, હું આપી શકું છું... આ લાંચ નથી, આ ભાવતાલ પણ નથી... હું તો તારી ન પુરાય એવી ખોટને પુરવા માટે એક નાનકડો પ્રયાસ કરવા માંગુ છું. શું તને એક લાખ આપું? મને જરાય વાંધો નથી. એક લાખ?”

હે ભગવાન! ગુસ્સે થયેલા ઇવાન પેત્રોવીચના પરસેવે રેબઝેબ બંને લમણાં પર હથોડાઓના જબરદસ્ત ઘા થવા લાગ્યા. ઘંટડીઓના રણકાર સાથે રશિયન સ્લેજ તેના કાનમાં વાગવા લાગ્યા...

“મારા તરફથી આટલું બલીદાન સ્વીકારી લે,” ગ્રોહોલ્સકીએ બોલવાનું ચાલુ રાખ્યું. “હું તને મદદ કરું છું! તું મારા આત્મા પરનો મોટો બોજો હળવો કરી દઈશ... હું તને વિનંતી કરું છું!”

હે ભગવાન! બારીની બહાર જાણેકે હાલમાં જ વરસાદથી ચોખ્ખી થઇ હોય એવી એક ઘોડાગાડી પસાર થઇ જેને બગરોવની ભીની આંખો જોઈ રહી હતી. તેના ઘોડાઓ જાતવાન હતા અને પોતાનું માથું ઊંચું રાખીને દોડી રહ્યા હતા. તેની બગીમાં બેસેલા લોકો શાંત લાગતા હતા તેમના માથા પર હેટ્સ હતી અને તેમના હાથમાં માછલી પકડવાના સાધનો હતા. સફેદ ટોપી પહેરેલો અને વિદ્યાર્થી જેવો દેખાતો એક છોકરો હાથમાં લાંબી બંદૂક પકડીને બેઠો હતો. તેઓ ગામડા તરફ માછલી પકડવા જઈ રહ્યા હતા, શિકાર કરવા જઈ રહ્યા હતા અને ખુલ્લી હવામાં ચાલતા ચાલતા ચાની મજા માણવા જઈ રહ્યા હતા. તેઓ એ જગ્યાએ જઈ રહ્યા હતા જ્યાં બગરોવ એક ગામડાના પાદરીનો નાનકડો દીકરો હતો અને તે જંગલો, વૃક્ષો અને નદીના કિનારે ઉછર્યો હતો. ઓહ! આ બધું કેટલું આકર્ષક હતું. એ લોકો કેટલા ખુશ હશે જે પોતાની સ્કૂલનો ડ્રેસ ફગાવીને, બગીમાં બેસીને ગામડે જઈને ખુલ્લી અને ચોખ્ખી હવાને માણશે. બગરોવના હ્રદયમાં એક નાનકડી ખુશાલી ભોંકાઈ અને તેણે તેને થોડો ધ્રુજાવી દીધો. એક લાખ! આ શબ્દો તેના કાને પડ્યા જ્યારે તે પેલી બગીને જોઈ રહ્યો હતો, તેના એ છુપાયેલા સ્વપ્નો જેને તે કાયમ જોતો હતો, વર્ષોથી, જ્યારથી તે એક સરકારી કર્મચારી તરીકે પોતાની ઓફિસમાં પોતાની ફાઈલો વચ્ચે સમય ગાળતો હતો... એ સ્વપ્નાઓમાં તે નદી, ઊંડી નદી જેમાં માછલીઓ હોય, એક વિશાળ બગીચો જેમાં નાની નાની કેડીઓ હોય, નાના ફુવારા હોય, વૃક્ષોનો છાંયો હોય, ફૂલો, વેલાઓ, એક ભવ્ય વિલા જેની અગાસી ને છતથી ઢાંકી દેવામાં આવી હોય અને ચાંદીની ઘંટડી સાથે જર્મનીનું એક વાદ્ય વાગતું હોય, આકાશ ભૂરા રંગનું હોય, તેમાં એક પણ વાદળું ન હોય; સુગંધિત હવા હોય, તેણે તેના ભુલાઈ ગયેલા બાળપણની જેમ જીવવું હતું જ્યાં તેણે રોજ સવારે પાંચ વાગ્યે ઉઠી જવું પડતું અને રાત્રે નવ વાગે ઊંઘી જવું પડતું, માછલીઓ પકડવા મળતી, ખેડૂતો સાથે વાતો કરતો... અહા! શું દિવસો હતા એ!

“ઇવાન પેત્રોવીચ, મારાથી હવે આ ત્રાસ સહન નથી થતો! શું તું એક લાખ લઇ લઈશ?”

“હમમ... દોઢ લાખ!” બગરોવ ખોખરા અવાજમાં બબડ્યો. તે ફરીથી બબડ્યો, તેનું માથું તેણેજ ઉચ્ચારેલા શબ્દોથી ઝુકી ગયું અને તે જવાબની રાહ જોવા લાગ્યો.

“બહુ સરસ,” ગ્રોહોલ્સકી બોલ્યો. “મને મંજૂર છે. ખૂબ ખૂબ આભાર ઇવાન પેત્રોવીચ.... બસ એક મિનીટ... હું તને વધુ રાહ નહીં જોવડાવું...”

ગ્રોહોલ્સકીએ લગભગ કુદકો માર્યો, પોતાની હેટ લીધી અને પાછળની તરફ ચાલ્યો અને બેઠક ખંડની બહાર ભાગી ગયો.

બગરોવે પહેલા કરતા પણ વધુ મજબૂત પકડ સાથે પડદાને પકડ્યા... તેને શરમ આવી રહી હતી. તેના આત્માને એક ખરાબ અને મૂર્ખતાપૂર્ણ ભાવના સતાવી રહી હતી, પરંતુ બીજી તરફ સુંદર અને ચમકતી આશાઓ તેના ધબકી રહેલા લમણાંઓ વચ્ચે ઉભરી રહી હતી! તે શ્રીમંત થઇ ગયો હતો!

લીઝા જેને આ બધું અચાનક જ શું થઇ ગયું તેની કોઈ કલ્પના પણ નહોતી થઇ રહી, તે અડધા ખુલ્લા દરવાજાથી બહાર લથડીયાં ખાતી નીકળી ગઈ હતી, તેને બીક હતી કે બગરોવ ક્યાંક તેને બારી પાસે લઇ આવીને ત્યાંથી તેને બહારની તરફ ધક્કો ન મારી દે. તે નર્સરીમાં ગઈ અને પથારીમાં સુઈ ગઈ અને ટૂંટિયું વાળ્યું. તે તાવ સાથે થથરી રહી હતી.

બગરોવ હવે એકલો હતો. તે દબાણ અનુભવી રહ્યો હતો અને તેણે બારી ખોલી. તેના ચહેરા અને ગળા પર અદભુત અને સુગંધિત હવા ફેલાઈ ગઈ. આ પ્રકારની હવામાં શ્વાસ લેવાનું તેને ગમ્યું પણ ખરું. ત્યાં, શહેરથી ખૂબ દૂર ગામડાઓમાં અને ઉનાળુ વિલાઓમાં હજીપણ મીઠી હવા વહેતી હતી... બગરોવે ખરેખર સ્મિત કર્યું જ્યારે તેણે એવી કલ્પના કરી કે તે તેની વિલાના વરંડામાં ઉભો ઉભો આ પ્રકારની હવાનો અનુભવ કરશે. ઘણા લાંબા સમયથી તેણે આ સપનું જોયું હતું. સૂર્ય આથમી ચૂક્યો હતો તેમ છતાં હજી પણ તે ઉભો ઉભો સપનું જોઈ રહ્યો હતો, તેના સપનામાંથી લીઝાને દૂર રાખવાની તે મહેનત કરી રહ્યો હતો કારણકે લીઝા હજીપણ તેના સપનામાં તેનો પીછો કરી રહી હતી.

“હું લઇ આવ્યો, ઇવાન પેત્રોવીચ!” ગ્રોહોલ્સકી, ફરીથી અંદર આવ્યો અને તેના કાન પાસે જઈને હળવેથી બોલ્યો. “હું લઇ આવ્યો, આ લે. આ બંડલોમાં ચાલીસ હજાર છે.... આ ચેક સાથે તેને પરમદિવસે વેલેન્તીનોવ પાસેથી બીજા વીસ હજાર મળશે. આ બીલ ઓફ એક્સચેન્જ છે અને ચેક છે. બાકીના ત્રીસ બે કે ત્રણ દિવસમાં ... મારો નોકર તને આપી જશે.”

ગ્રોહોલ્સકી ઉત્સાહમાં હતો, તે પોતાના તમામ અંગો હલાવી રહ્યો હતો અને તેણે બગરોવ સામે નોટોના બંડલોનો ઢગલો કર્યો. આ ઢગલો મોટો હતો અને તેમાં દરેક પ્રકારની નોટો હતી. પોતાના સમગ્ર જીવનમાં બગરોવે આટલી બધી નોટો એક સાથે નહોતી જોઈ. તેણે પોતાની જાડી આંગળીઓ લંબાવી અને ગ્રોહોલ્સકી સામે જોયા વગર નોટોના બંડલ અને અન્ય કાગળીયાઓ પર ફેરવવા લાગ્યો.

ગ્રોહોલ્સકીએ બધીજ નોટો ત્યાં પાથરી દીધી અને બીજા ઓરડા તરફ ઉતાવળે ચાલવા લાગ્યો, પોતાની પ્રેમિકાની શોધમાં જે વેંચાઈ ચૂકી હતી, ખરીદાઈ ચૂકી હતી.

==:: અપૂર્ણ ::==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED